“અભિલાષા” – “હું શું કહી રહ્યો છું એ તમે સમજી રહ્યા છો ને?” વાંચો અને શેર કરો….

27

હજુ સાંજ થવાને ઘણો સમય બાકી હતો. શહેર પર છવાયેલા વાદળો વધુને વધુ ઘેરા બની રહ્યા હતા. મેં મહિનાનો અંત સમય હતો. ઉનાળો તેની પરાકાષ્ઠા પર પહોચેલ હતો. કદાચ ગયા વર્ષનો રેકોર્ડ તોડી એ એક નવો રેકોર્ડ બનાવવા માંગતો હતો. કદાચ શહેરનું તાપમાન વર્ષનું સૌથી વધુ તાપમાન નોધાયું હશે તો એમાં નવાઈ ન હતી. લોકોની ભીડ ધીમે ધીમે સડકો પર વધી રહી હતી. લોકો ઝડપથી બપોરની કાળઝાળ ગરમીથી ઉભરી ચુક્યા હતા, તેઓ પોતાપોતાના કામમાં ફરી લાગી ગયા હતા.

હું અભિલાષા હોસ્પીટલના વેઈટીગ રૂમમાં બેઠો હતો. નર્સ મને વેઈટીગ કરવાનું કહી બહાર ચાલી ગઈ. હું ડોક્ટર શાસ્ત્રીને મળવા આવ્યો હતો. અભિલાષા હોસ્પિટલ અને ડોક્ટર શાસ્ત્રીનું નામ માત્ર અમારા શહેરમાં જ નહી પણ આસપાસના વિસ્તારોમાં પણ પ્રખ્યાત હતું. લગભગ આજ સુધી કોઈ એવો કિસ્સો ન હતો બન્યો કે જેથી ડોક્ટર શાસ્ત્રીનું નામ બદનામ થાય. આજ સુધીના એકપણ ઓપરેશનમાં એ નિષ્ફળ નહોતા ગયા એટલે જ હું એમને મળવા એમની હોસ્પીટલમાં આવ્યો હતો.

મારા લોહીને કોઈ રીપોર્ટ માટે મોકલવામાં આવ્યું હતું, રીપોર્ટ આવે ત્યાં સુધીનો સમય પસાર કરવો મને બહુ મુશ્કેલ લાગી રહ્યો હતો. મેં મારી આસપાસ નજર દોડાવી ઘણા બધા લોકો વેઈટીગ રૂમમાં બેઠેલ હતા પણ બધા જ જાણે પોત પોતાના દુઃખમાં વ્યસ્ત હોય એમ લાગી રહ્યું હતું. કોઈ એકબીજા સાથે વાત પણ ન હતું કરી રહ્યું. આમેય મને તો હવે કોઈની સાથે વાત કરવામાં રસ રહ્યો જ ન હતો.

મેં મારી બાજુમાં બેઠેલ જુવાનીયા તરફ નજર દોડાવી. એણે મારી તરફ જોઈ એક આછું સ્મિત ફરકાવ્યું અને ફરી પાછો પોતાના એન્ડ્રોઇડ ફોનમાં ખોવાઈ ગયો. મેં જોયું કે એ એના ફેસબુક, વોટ્સઅપ, gmail અને એવું કાઈ ને કાઈ ખોલીને ઉલટાવી રહ્યો હતો. હું સમજી ગયો કે કા’તો એનું લોહી પણ ચેકીંગમાં ગયું હશે અને એ રીપોર્ટની રાહ જોઈ રહ્યો હશે અથવા તેના સગા પરિવારમાંથી કોઈ હોસ્પીટલમાં ભરતી હશે એટલે પોતાના સ્ટ્રેસથી બચવા એ સોસીઅલ મીડિયાનો સહારો લઈ રહ્યો હતો.
અડધા એક કલાક બાદ નર્સે આવી મને ડોક્ટરની ચેમ્બરમાં જવા કહ્યું. મેં એનો અભાર માન્યો અને ચેમ્બરમાં ગયો. હું સમજી ગયો હતો કે અહી લાઈનમાં બીજા લોકો બેઠા હતા એ બધા મારાથી પહેલા આવેલ હતા છતાં મને એમના પહેલા અંદર બોલાવવામાં આવ્યો હતો એનો અર્થ એ હતો કે ડોકટરે મને અંદરની ચેમ્બરમાંથી જોઈ લીધો હશે કે પછી એણે તેના કોમ્પ્યુટરની સ્ક્રીનમાં દેખાતા કેમેરાના રેકોર્ડીંગમાં મને જોયો હશે. મને બરાબર યાદ હતું એકાદ મહિના પહેલા હું અહી આવ્યો ત્યારે મેં એમને એ ટેબલ પરના કોમ્યુટરમાં બહાર કોણ છે એના પર નજર રાખતા જોયા હતા.

હું શહેરમાં એક કહેવાતા સારા વ્યક્તિ અને મોટા વેપારી તરીકે પ્રખ્યાત હતો એટલે કોઈ પણ ડોક્ટર મને ઓળખતો હોય અને મને વેઈટીગ રૂમમાં બેસાડી રાખવાનું પસંદ ન કરે એ દેખીતી વાત હતી અને એમાં પણ શાસ્ત્રી મને ઓળખતા હતા એટલે મને જોયા બાદ કે હું આવ્યો છું એ જાણ્યા બાદ મને બહાર બેસાડી રાખવાનો સવાલ જ ન હતો.
હું ચેમ્બરના ગ્લાસ ડોરને પુલ કરી ડોક્ટર શાસ્ત્રીની ચેમ્બરમાં દાખલ થયો. મને જોતા જ ડોક્ટર પોતાની ખુરશીમાંથી ઉભા થયા. મારી સાથે શેક હેન્ડ કર્યા અને મને ખુરશી પર બેસવા કહ્યું. હું ખુરશી પર બેઠો ત્યારબાદ જ એ ખુરશીમાં ફરી ગોઠવાયા. કદાચ એ લોકો દરેક સામાન્ય દર્દી સાથે તો આટલી સભ્યતા નહી જ દર્શાવતા હોય એવું મને લાગ્યું.
“હું જે કહું તે સાંભળતા પહેલા તમારે તમારા મનને મજબુત બનાવી નાખવું જોઈએ. આ જીવન છે ઘણીવાર એ કૈક એવું આપે છે જે કોઈ શરત વિના જ સ્વીકારવું પડે છે. જીવન આપણને જે પણ આપે તેનો હિમ્મત પૂર્વક સામનો કરવો પડે છે.” શાસ્ત્રીએ પોતાની વાત કહેતા પહેલા પોતાની પ્રસ્તાવના બાંધી.“હું મારી બીમારીના આખરી સ્ટેજ પર છું એમને ડોક્ટર?” એ વધુ પ્રસ્તાવના બાંધે એ પહેલા જ મેં કહ્યું.
“થર્ડ લાસ્ટ સ્ટેજ.” શાસ્ત્રીના અવાજમાં મને સહાનુભૂતિની લાગણી દેખાઈ.

હું એમની તરફ જોઈ રહ્યો, મારી આંખોમાં કે મારા ચહેરા પર જાણે એ શબ્દોની કોઈ જ અસર ન હતી થઈ. કદાચ શાસ્ત્રીએ એવી આશા નહી રાખી હોય કદાચ એને એમ લાગ્યું હશે કે હું ઈમોસનલ થઇ જઈશ, હું રડવા લાગીશ, હું ભાંડી પડીશ.

“હું શું કહી રહ્યો છું એ તમે સમજી રહ્યા છો ને?” શાસ્ત્રીને કદાચ એવું લાગ્યું હશે કે મેં એમના શબ્દો સાંભળ્યા નથી કે કદાચ એમણે જે કહ્યું તે હું સમજ્યો નથી.

“થેન્ક્સ.” કહી મેં એમના તરફ એક આછું સ્મિત ફરકાવ્યું, કદાચ હું ઘણા સમય પછી હસ્યો હતો.

“તમેં હસી કેમ રહ્યા છો મિસ્ટર ચૌધરી? શું તમને મારી વાત પર વિશ્વાસ નથી?” ડોક્ટરે મને હશતો જોઈ કહ્યું.

“ના એવું નથી ડોક્ટર મને તમારા પર વિશ્વાસ છે તમારા નિદાન પર વિશ્વાસ છે એટલે તો અહી આવ્યો છો નહિતર શહેરમાં એવો કયો ડોક્ટર છે જે મને ઓળખતો ન હોય? શું મને એની સાથે તાત્કાલિક અપોઈન્ટમેન્ટ ન મળે?” મેં કહ્યું.

“ના, એવી વાત નથી.. હું એમ નથી કહી રહ્યો.. આ શહેર તો શું તમે કોઈ પણ મોટા શહેરના ડોકટરને પણ બતાવી શકતા હતા પણ તમને મને એ કામ માટે યોગ્ય ગણ્યો એ સારી બાબત છે. હું ખુશ છું પણ તમે હસ્યા એટલે મારે એવું કહેવું પડ્યું. મારો વિશ્વાસ કરો, મામલો ખરેખર ગંભીર છે હસવા જેવું નથી.”

“શું કરું? આઠ વરસ બાદ આજે ખુશીના સમાચાર મળ્યા છે.. એક સ્મિત તો બને જ ને?” મેં કહ્યું, “ખેર જવા દો શાસ્ત્રી સાહેબ એ તમને નહી સમજાય.”

હું ફરી એમનો આભાર માની ખુરશીમાંથી ઉભો થયો અને ચેમ્બર છોડી જવા લાગ્યો. ડોક્ટર તરત ઉભા થયા અને કહ્યું, “મિસ્ટર ચૌધરી?”
હું અટકી ગયો, એમણે મને મારી બીમારીના આખરી સ્ટેજ વિશે સમજાવ્યું અને શું તકેદારી મારે રાખવી જોઈએ એના વિશે મને સમજાવ્યું. હું એમની વાતમાં હા હા કરતો રહ્યો અને જ્યારે હોસ્પિટલ બહાર નીકળ્યો ત્યારે હું એ બધી સૂચનાઓને ભૂલી ચુક્યો હતો. મારે એ બધાની જરુર જ ન હતી. હું તો બસ એ ખુશખબર સાંભળવા આવ્યો હતો કે હવે મારી પાસે બે ત્રણ દિવસનો સમય જ હતો.

હું અભીલાશામાંથી મારી વર્ષોની એક અભિલાષા પૂરી કરી બહાર આવ્યો. ડોક્ટરોની અભિલાષા હતી કે હું હોસ્પીટલમાં ભરતી થઇ અને હોસ્પીટલમાં મરુ પણ મારી અભિલાષા કઈક અલગ જ હતી.

શાસ્ત્રીએ મને ચાલવાની ના પાડી હતી છતાં હું લાંબુ ચાલીને મંદિર તરફ ગયો. મને એ મંદિરમાં ગયે અનેક વર્ષો થઇ ગયા હતા. શ્રીદેવી મને છોડીને ગઈ ત્યાર બાદ હું ક્યારેય મંદિર નહોતો ગયો. એક સમય હતો જ્યારે હું મંદિરમાં જતો.

આજે ફરી હું મંદિર ગયો. ભગવાને મારી અભિલાષા પૂરી કરી હતી એ બદલ મેં એમનો આભાર માન્યો. મને પહેલા પણ ભગવાનમાં વિશ્વાસ હતો પણ જીવનમાં અમુક ક્રીટીકલ સમય દરમિયાન મારી શ્રધ્ધા તૂટી ગઈ હતી એ બદલ માફી પણ માંગી.

હું મંદિર બહાર આવ્યો, બહાર આવી મંદિરના પગથીયા પર બેસી ગયો. મારી આંખો સામે મારા જીવનના અમુક છુટા છવાયા દ્રશ્યો તરવરવા લાગ્યા. હું શાળા કોલેજ દરમિયાન ભણવામાં હોશિયાર હતો. કોલેજ દરમિયાન શ્રીદેવીથી મુલાકાત થઈ. બંને પરિવારો સમજુ હતા અને અમને કોઈ પણ મુશ્કેલી વિના એક મેકની સાથે જીવન જીવવાની પરવાનગી મળી ગઈ હતી.

જીવન શાંતિથી વીતવા લાગ્યું જ્યાં સુધી લોકો એ અમને પૂછવાનું શરુ કર્યું કે બાળકનું શું પ્લાન કર્યું છે? અમને કાકા ક્યારે બનાવશો? અમને મામા ક્યારે બનાવશો? અમને માશી ક્યારે બનાવશે? અમને દાદી ક્યારે બનાવશે?

બસ એ સવાલો કોણ જાણે ક્યાંથી તુફાન બનીને આવ્યા અને અમાંરું જીવન તાણી ગયા. અમારા નશીબમાં બાળક ન હતું એ વાસ્તવિકતા મેં તો સ્વીકારી લીધી પણ શ્રીદેવી પોતાનું મા બનવાનું સપનું ન દફનાવી શકી. તેણીએ ગાયનેકોલોજીસ્ટની સલાહ લીધી તે કેટલાય એ શ્રેણીના ડોકટરોને મળી અને કેટલોય સમય ગાયનેકોલોજીસ્ટના માર્ગદર્શન હેઠળ પેઈન ફૂલ ટ્રીટમેન્ટ લીધી અને મને પિતા બનાવવાનું એનું સપનું પૂરું થયું…..!!!

એણીએ મને ખુશીના સમાચાર સંભળાવ્યા. પણ કોણ જાણે અમારી ખુશી નઠારી નીવડી. પ્રેગનેન્સી દરમિયાન અમે પૂરી કાળજી લેવાય તેનું ધ્યાન રાખ્યું છતાં કદાચ મારા નશીબમાં પિતા બનવાનું નહી લખ્યું હોય કદાચ મારા પૂર્વ જન્મના કર્મનું ફળ મને મળી રહ્યું હશે…!! જે હોય તે પણ એની સજા શ્રી ને મળી. એ ડીલીવરી દરમિયાન ઓવર બ્લીડીંગને લીધે મ્રત્યુ પામી. બાળક પણ મ્રત્યુ પામ્યું.

હું એકલો બની ગયો.. ત્યારબાદના વરસો હું લાશ બની જીવતો રહ્યો પણ હવે મારો વારો છે મૃત્યુ મારા માટે આશીર્વાદ બની વરસ્યું. મારી અભિલાષા પૂરી થઈ હું મારી શ્રીદેવી અને મારા ન જન્મેલા બાળકને મળવા જઈ રહ્યો હતો. મારું મૃત્યુ કદાચ મારા જીવન કરતા સુંદર હતું કદાચ એટલે જ એકવાર મરીને ઉપર ગયેલ કોઈ પાછુ નથી આવતું… એટલે જ કોઈએ સ્વર્ગથી પૃથ્વી સુધી આવવાનો માર્ગ હજુ સુધી નથી બનાવ્યો.. મેં મંદિરની સીડીઓ પર જ આંખો મીચી દીધી અને જે સુંદર જીવન મને પૃથ્વી પર જીવવા ન મળ્યું એ જીવન જીવવા ચાલી નીકળ્યો.

લેખક : વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment