“લગ્‍ન પછી તું સાવ બદલાઇ ગઇ છે” – વાંચો એક નવીન વાર્તા…

31

દસૈયુ નહાઇને સુધા સાસરેથી પહેલીજ વાર પિયર આવી. આ વિતેલા દસ દસ દિવસોમાં બહેનપાણીઓનો વિરહ તો જાણે દસ યુગ જેવડો થઇ ગયો હતો સુધાને માટે! એટલે એ જેવી આવી કે તરત જ પોતાનું સ્‍કુટી લઇને સખીઓને મળવા નીકળી ગઇ. સાથે ભણેલી ખાસ ફ્રેન્‍ડસ; સોનલ, રૂપલ, તૃષા, દિવ્‍યા, અમિષા અને સુધા- આ છ જણાનું ગૃપ! બધી જ ફ્રેન્‍ડ હજી કુંવારી હતી. અલબત, દરેકની સગાઇ થઇ ગઇ હતી. એટલે જેવી ખબર પડી કે સુધા આવીછે એટલે દિવ્‍યાના ઘરે બધી બહેનપણીઓએ મળવાનું નક્કી કર્યું. સુધાને ફોન કરી દીધો. ખાસ તો, મેરેજ પછી સુધા પહેલીવાર પિયર આવી હતી એટલે ખાસ પાર્ટીનું આયોજન દિવ્‍યાએ કરી નાખ્‍યું હતું. એટલે પાંચ વાગ્‍યે ગયેલી સુધા છેક રાત્રે અગિયાર વાગ્‍યે ઘરે આવી. ત્‍યારે સુનંદાબેન ‘ઉતરન‘ પુરી કરી ‘વીરા..‘ જોતા હજી જાગતા જ હતા. જેવી સુધા આવી કે સુનંદાબેને તરત જ કહ્યું, ‘આટલું બધું મોડું હોય? જો તો ખરી, ઘડિયાળમાં અગિયાર થયા. તારા પપ્‍પા અને ભાઇ તો ચિંતા કરતા હતા.‘

‘પણ મેં ફોનમાં કહ્યું તો હતું કે અગિયાર જેવું તો થઇ જશે.‘ અને પોતાના રૂમમાં જતા જતા કહેતી ગઇ, ‘એવી ખોટી ચિંતા નહીં કરવાની.‘

‘અરે પણ તું બેસ તો ખરી, સાસરેથી કાલની આવી છો, પણ એક મિનિટેય મારી પાસે બેઠી નથી. ઘડી બે ઘડી કંઇક વાતો કર.‘

‘ના મમ્‍મી, મને બહુ ઊંઘ આવે છે.‘ અને તે રૂમમાં ચાલી ગઇ. સુનંદાબેન બોલી ઉઠ્યા. ‘દસ દિવસમાં તો આ છોકરી સાવ બદલાઇ ગઇ.‘

બીજે દિવસે એ તૈયાર થઇ. આજે પિકચર જોવા જવાનો પ્રોગ્રામ ઘડી રાખ્‍યો હતો. એ સ્‍કુટી સ્‍ટાર્ટ કરતી હતી ત્‍યાં જ સુનંદાબેને તેને ઝડપી લીધી. ‘સુધા અહીં આવ તો.‘

‘શું છે મમ્‍મી?‘

‘તું અહીં બેસ. હું બે શબ્‍દો કહેવા માંગુ છું.‘

‘બોલ..‘

‘સુનંદાબેન તેની આંખોમાં તાકી રહ્યા પછી બોલ્‍યા, ‘તારી વાત તો કર. તારા સાસુ-સસરાનો સ્‍વભાવ કેવો છે?‘

‘એકદમ સરસ.‘ સુધાએ ઉત્‍સાહમાં આવીને કહ્યું: ‘મમ્‍મી, લગ્‍નની બીજી સવારે હું છ વાગ્‍યે ઊઠી તો સાસુએ જ મને કહ્યું કે બેટા, આપણા ઘરે સાડા સાત આઠ વાગ્‍યા સિવાય કોઇ ઊઠતું નથી. તું સાત સવા સાતે ઊઠીશ તો પણ ચાલશે. અને તેમણે જ મને મારા રૂમમાં ધકેલી દીધી. ત્‍યાં હું દસ દિવસ રહી પણ મને પાણીની ગાગરેય ભરવા દીધી નથી. પાણી આવે તો એ બિચારા તરત જ બોલે: ‘પાણી હું ભરૂં છું તું નિરાંતે સૂઇ રહે જા. તમારા નવા નવા લગ્‍ન થયા છે. કામ તો પછી કરવાનું જ છે.‘

‘અરે. તારી સાસુ તને પહેલા દિવસથી જ તુંકારો કરવા લાગી?‘

‘અરે મમ્‍મી એમાં ખોટુ શું છે? તું નિતા ભાભીને તુંકારે નથી બોલાવતી?‘

‘અરે, એ તો આટલા વરસે વળી ‘તું‘ કહીને બોલાવું. બાકી મેં કોઇ દિવસ એને કશૂંય પણ કહ્યું છે?‘

‘રહેવા દે મમ્‍મી, મને બધી ખબર છે.‘ એ ઊભી થતા બોલી: ‘બસને, બીજું કશું છે?‘

‘અરે, તારી નણંદ કેવી મીંઢી લાગે છે કાં? મને તો એ કાગડીનું મોઢું જોવું જ નહોતું ગમતુ. અને તારો દિયર? બહુ વાયડો હોં બાકી.‘

‘જો મમ્‍મી, મયુરભાઇ વિશે તો જરાય આડુ અવળું બોલી છે ને તો આપણી મા દિકરીના સંબંધ પૂરા થયા સમજ જે.  મયુરભાઇ જેવું તો અમારા આખા ઘરમાં કોઇ માણસ નથી. બહુ બોલકા ને રમુજી છે. આખો દિવસ ‘ભાભી‘ ‘ભાભી‘ કરતા એમની જીભ સુકાતી નથી.‘

‘ઓલી તારી વાઘણ જેવી નણંદ લીનાડી તારી સાથે બોલે છે કે નહી?‘

‘અરે, લીનાબેન અને હું તો ખરીદી કરવા સાથે જ જઇએ. ઘરનું શાકભાજી, કરિયાણું, ચીજવસ્‍તુ બધુ સાથે જ સ્‍કુટી પર લેવા જઇએ. મારી સાસુ જ અમને મોકલે અને લીનાબેન તો આટલા જ દિવસમાં મારા બેસ્‍ટ ફ્રેન્‍ડ બની ગયા છે.‘

‘હવે પધરાવી દોને, એને ક્યાંક સારું જોઇને.‘

‘એ ચિંતા મારા સસરાને કરવાની છે મમ્‍મી, મારા ઘરની કશી જ ચિંતા તારે કરવી નહીં. બોલ બીજું કંઇ?‘

‘ના, ઉપડ તું તારે! બહુ બહેનપણીઓને મળવાની તાલાવેલી છે ને! કાલ સાવારે તારા ઘરે કોઇ ઝઘડો બઘડો થાય તો તારી બહેનપણીઓ નહીં આવે સમજી.‘

‘એ વખતે જોયું જશે, મમ્‍મી! બીજું કંઇ તારે નથી કહેવું ને?‘

‘ના.. ના.. જા, જા તું તારે…‘ સુનંદાબેને આછાં ગુસ્‍સા સાથે કહ્યું.

‘નિરાંતે આવજે. થાકે ત્‍યારે હોં‘ ‘હા‘ કહેતી સુધા ધુમ કરતી સ્‍કુટી લઇને નીકળી ગઇ. સુનંદાબેન મોટેથી બબડ્યા, ‘છોકરી સાવ બદલાઇ ગઇ. નક્કી એની સાસુએ આના ઉપર કંઇક કામણ-કુટણ કરાવી નાંખ્‍યું છે!‘

પિયર આવી એને આજે પાં છ દિવસ થયા હતા. નણંદને પરિક્ષા આવતી હતી. જ્યારે આવી ત્‍યારે સાસુએ કહ્યું હતું: ‘બેટા, લીનાને પરિક્ષા છે. હું તને દબાણ નથી કરતી, પણ અઠવાડિયું રોકાઇને જો તું અહીં આવી શકે તો મને એટલી શાંતિ રહેશે.‘

‘વાંધો નહીં મમ્‍મી. તમે એમને તેડવા મોકલજોને! હું આવી જઇશ.‘

‘તને ખોટું તો નથી લાગતું ને?‘ એના સાસુએ લાગણીસભર થઇ પૂછ્યું.

‘ના ના મમ્‍મી. પછી મારે જ્યારે જવું હોય ત્‍યારે હું પિયર જઇ આવીશ.‘

‘હા, બેટા લીનાની પરીક્ષા પુરી થાય પછી પંદર વીસ દિવસ, મહિનો. તને ગમે એટલું બસ?‘

આજે સાતેક દિવસ જેવું થયું હતું. ફોન આવ્‍યો હતો કે, આજે આશુતોષ તેડવા આવવાનો છે. સુધા વહેલી ઊઠીને તૈયાર થઇ. માથું ધોયું. વાળમાં મોગરાના ફૂલની વેણી નાંખી. એક લટમાં ગુલાબનું ફૂલ પરોવીને સજીધજીને તૈયાર થઇ. પણ ત્‍યાં જ આશુતોષને બદલે મયૂર આવી ચડ્યો. સુનંદાબેનને એક તો દિકરીને માત્ર છ-સાત દિવસ રોકાવા દેવા બદલની ખીજ હતી. ઉપરમાં જમાઇને ન આવવા દેવા બદલનો ગુસ્‍સો પણ ચડ્યો. એટલે મયૂર જેવો આવ્‍યો એ ભેગા જ એ વરસી પડ્યા. ‘તમે કેમ આવ્‍યા? આશુકુમારને ન આવવું જોઇએ? હજી તો સુધલીની પીઠનો રંગેય ઝાંખો નથી પડ્યો. લગ્‍ન પછી તો પહેલીવાર તેડવા પતિ જ આવે ને?‘

‘એવું નથી માસી. પણ મોટાભાઇને અચાનક કંપનીના કામે બેંગ્‍લોર જવું પડ્યું. એટલે મમ્‍મીએ મને મોકલ્‍યો.‘ મયૂર સહેજ ઢીલે અવાજે બોલ્‍યો.

‘તો તમારા મમ્‍મીને કહેજો. હવે પછી તો સુધાને એક મહિનો પાક્કો અહીં રોકવાની છું.‘

‘ઓ.કે. માસી.‘

‘અને મારી દિકરીને એક-બે દિવસે ફોન તો કરવા દેતા હોય તો. આટલી ઉંમરમાં ક્યાંય બહાર નથી ગઇ. ગભરૂ પારેવા જેવી છે.‘

‘હા માસી. પણ અમારે તો કોઇને ફોન કરે એમાં તકલીફ હોય જ નહીં. ભાભીને તમે પૂછયો.‘

‘મમ્‍મી ઈઈ-‘ રસોડામાંથી સુધા બોલી, પણ અટકે તો સુનંદાબેન શાનાં? એમના તો ધાણીફૂટ શબ્‍દો વહેતા જ રહ્યા. ‘હા, એણે મને બધી વાત કરી છે. આશુકુમારનું તો ઘરમાં કંઇ ચાલતું જ નથી. અમારે કહેવું કોને?‘

મયૂર થોડો મુંઝાઇ ગયો. એ વળતો પ્રતિસાદ આપે એ પહેલા જ રસોડામાંથી વાવાઝોડા પેઠે સુધા ધસી આવી. ‘મમ્‍મી, શું ધારી છે તેં? એ મારા દિયર છે કોઇ એલફેલ માણસ નથી.‘ અને પછી મયૂરને ઉદે્શીને કહ્યું, ‘સોરી, મયૂરભાઇ.‘

‘ડોન્‍ટ માઇન્‍ડ ભાભી‘ મયૂર હસી પડ્યો.

મયુર આવ્‍યો ત્‍યારે તો સુધાએ જ ઘરમાં કહેલું: કાલે જઇશું પણ બપોરે બધા જમતા હતા ત્‍યારે વળી સુધાએ જ કહ્યું: ‘હું જાઉં છું.‘ સુધાની  જાહેરાત સાંભળી સુનંદાબેન જમતા જમતા થંભી ગયા. ‘અરે કાલે જવાનું નક્કી કર્યું છે ને પછી?‘

‘એક દિવસમાં શું ખાટુ મોળુ થઇ જવાનું છે? આજે જાઉં કે કાલે શું ફેર પડે છે? વળી કાલે મયૂરભાઇને ઓફીસ સંભાળવાની હોય.‘ કહી એ પોતે તૈયાર પણ થઇ ગઇ.

મયૂરને પણ આશ્ચર્ય થયું, પણ પછી મન મનાવી લીધું. ‘ભાભી હવે ભાઇને મળવા કદાચ અધીરા થઇ ગયા હશે.‘

પંદર દિવસ વીતી ગયા. સુનંદાબેન હવે ન રહી શક્યા. એટલે એક દિવસ એમણે સામેથી જ ફોન કર્યો. સુધા ન મળી. સુધાના સાસુએ કહેવરાવ્‍યુ: ‘સુધા અને આશુતોષ તો હમણા આબુ અંબાજી ફરવા ગયા છે. કંઇ કામ હતું વળી?‘

‘કામ તો શું હોય, પણ હમણા અમારી સુધાને દસ-પંદર દિવસ મોકલો તો સારું.‘

‘હા હા બેન. સુધા કાલે આવી જશે. પરમ દિવસે આશુ ગાડી લઇને મૂકી જશે.

બીજે દિવસે સુધા-આશુ આબુથી આવ્‍યા. ત્‍યારે તેના સાસુએ વાત કરી. સુધા, ‘મમ્‍મીનો ફોન હતો. હમણાં જઇ આવ. અને હા, નિરાંતે આવજે. અહીંની કોઇ ચિંતા કરીશ નહીં.‘ કહીને તેઓ ગામમાં ગયા. એક કિંમતી મોંઘુ બાબાસૂટ લેતા આવ્‍યા. ‘આ તું જાય ત્‍યારે લેતી જજે. ભાઇના બાબા માટે.‘

સુધા તાકી રહી. તેની આંખમાં ભીનાશ છવાઇ. થયું કે ‘મમ્‍મીએ કદાચ મોન્‍ટુ માટે આવું ઝભલું કોઇ દિવસ નહીં લીધું હોય.‘ એ બીજે દિવસે નીકળતી જ હતી. આશુ ગાડી લઇને તેને મૂકી જ જવાનો હતો ત્‍યાં જ સસરાની તબિયત બગડી. હાઇ બી.પી. થઇ ગયું. સુધાએ સ્‍વેચ્છાએ જ જવાનું માંડી વાળ્યું. તેના સસરાએ કહ્યું કે ‘તું જાને. તૈયાર થઇને નીકળ. હવે કાંઇ ચિંતા કરવા જેવું નથી. ‘

‘ના, મમ્‍મી. હવે હું બે-ચાર દિવસ પછી જ જઇશ. અમથુંય મયૂરભાઇને મહેમાનો જોવા આવવાના જ છે ને?‘

‘હા, એ ખરું, તેના સાસુએ ગાલે ટપલી મારી: દેરાણી લાવવાની બહુ હોંશ છે?‘

‘હોય જ ને મમ્‍મી…‘ હસીને તે ઘરકામમાં પરોવાઇ ગઇ. જોકે, સુમેતરાયને સાંજે જ ડોકટરે રજા આપી દીધી. પણ બીજે દિવસે સવારમાં જ સુનંદાબેનનો ફોન આવ્‍યો. ફોન સુધાએ ઉપડ્યો અને તે વરસી પડ્યા: મેં તને કીધું હતું એ, ધીરે ધીરે સાચું પડતું જાય છે ને? બી.પી.નું તો બહાનું છે. મૂળતો તારી પાસે ઢસરડો જ કરાવવો છે. તું અહીં આવે તો પછી કામ કોણ કરે? ઓલી નરધણ જેવી તારી નણંદ તો આખો દિવસ બેઠી રહે છે. એ તો મને ત્‍યાંથી ઇલા આવી એણે આજ સવારે કહ્યું ‘સુધા આખો દિવસ ઢસરડો કરતી હોય છે. આખો દિ‘ કામ, કામને કામ. બોલ, તું ક્યારે આવે છે?‘

‘હું આવું છું મમ્‍મી. કાલે જ આવું છું.‘ કંટાળીને સુધાઅે ફોન મૂકી દીધો. બીજે દિવસે એ એકલી જ બસમાં આવી કે સુનંદાબેન પાછા વરસી પડ્યા. ‘કુમાર કેમ ન આવ્‍યા?‘

‘એ તો આજે પ્‍લેનમાં બિઝનેસ સેમિનારમાં જવાના છે. પણ તારો ફોન હતો એટલે આવવું પડ્યું. બસને?‘

‘હા, હવે તો હું તને એક મહિના પછી જ મોકલીશ.‘

સુનંદાબેને સુધાના શરીર પર સરસરી નજર નાંખી. પછી કહ્યું ‘એક મહિનામાં તો ચણોઠી જેવી મારી દિકરીને સાવ સાંઠીકડા જેવી કરી નાંખી.‘ સુધાને હસવું આવ્‍યું. એ બોલી. ‘મમ્‍મી, લગ્‍ન પછી મારું વેઇટ ઉલટાનું અઢી કિલો વધી ગયું છે. અને તું એમ કહે છે કે સાવ સાંઠીકડા જેવી થઇ ગઇ છે. પણ આવું તું શું કામ કરે છે? તને કોઇ અવળું સમજાવે છે?‘

‘મને નહીં તને! કારણ કે લગ્‍ન પછી તું સાવ બદલાઇ ગઇ છે. નક્કી તારી ઉપર કોઇએ કાંઇક જાદુ કર્યો લાગે છે. મારે આજે જ લીંબુ-મરચા તારી ઉપરથી ઉતારવા પડશે.

‘મારી ઉપર કોણ એવું કરે? બોલ તો.‘

‘બીજું કોણ? તારી સાસુ..! છે કેવી માથાભારે! બહાર છે એટલી જ અંદર છે.એને હું કાંઇ આજકાલની નથી ઓળખતી! આતો તારા પપ્‍પા ન માન્‍યા, બાકી મારે તને એ ઘરે દેવી જ નહોતી. છાશ રોટલા વાળું ઘર સારું પણ આવા કૂતરા જેવા માણસો ન સારા! ઠીક છે, આ દોમ દોમ સાહ્યબી, પણ શું કામની! ધોઇ પીવાની? તું ધ્‍યાન રાખજે. અત્‍યારે મારા વેણ તને કડવા લાગશે, પણ પછી હું યાદ આવીશ.‘

સુધા કંઇ ન બોલી. દિવસો પસાર થતા રહ્યા- એક દિવસ ઓચિંતાનો આશુતોષનો ફોન આવ્‍યો કે મમ્‍મીને ઝેરી મેલેરિયા થઇ ગયો છે બની શકે તો નીકળજે. કોઇ ફોર્સ નથી. મમ્‍મીએ તો ચોખ્‍ખી ના જ પાડી છે. પણ..  તને જાણ કરું છું.‘

સુધાએ થેલો તૈયાર કરવા માંડ્યો. તું ક્યાં જાય છે?‘ સુનંદાબેન ત્રાડ્યાં.

‘મારા ઘરે, મારા સાસુને તાવ આવે છે!‘

‘તો શું થયું? તું જઇશ એટલે મરી જશે?‘ અને આજ દિ‘ સુધી તું ક્યાં હતી?‘ …પણ મારી ત્‍યાં કેટલી જરૂર છે એ તને ખ્‍યાલ નહીં આવે. એમનો ફોન ત્‍યારે જ આવ્‍યો હોય જ્યારે તેમને મારી જરૂર હોય. મમ્‍મી! હું માત્ર તારા આશુકુમાર સાથે પરણી એટલે મારો સંબંધ માત્ર તારા જમાઇ સુધી જ સીમિત નથી રહેતો. બીજા બધા પણ છે. જે હવે મારા જ છે અને એ લોકોના દુ:ખ, દર્દમાં ભાગ પડાવવો એ મારી ફરજ છે. મને તું રોક મા.‘ ‘આવજે‘ કહીને ક્ષણેક ઊભી રહી પછી ચાલતી થઇ ગઇ.

સુનંદાબેન ઢોલીયામાં બેસી પડતા અને સહુ સાંભળે એમ મોટેથી બોલી ઉઠ્યા: ‘નક્કી નક્કી તારી સાસુએ જ તારી ઉપર જાદુ ટોના કર્યા લાગે છે. બાકી તું આવી નહોતી. નક્કી નક્કી… છોકરી બદલાઇ ગઇ છો!!‘ પણ ત્‍યાં સુધા આંખો બંધ કરીને આટલા દિવસોનો પતિ વિરહ ખતમ થયો જાણીને મનોમન આનંદિત થતી આશુના સ્‍વપ્‍નમાં ખોવાઇ ગઇ હતી.

લેખક : યોગેશ પંડ્યા 

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment