“૬.૩૮ ચર્ચગેટ ફાસ્ટ” – વાર્તા…

24

‘આજે ફરી ૬.૩૮ ચૂકી જવાશે, ‘રશેષ, આ શું છે યાર રોજે રોજ હું પાગલની જેમ તારી રાહ જોયા કરૂં અને તું દર વખતે…, તું એક ટ્રેન વહેલી પકડતો હોય તો, શું થાય તને? મારા માટે આટલું નહીં કરી શકે?’ ગ્રીષ્માએ બનાવટી ગુસ્સો કરતા કહ્યું, અને ફોન કટ કરી નાખ્યો. ગ્રીષ્માને પણ ખબર હતી કે રશેષ હમણાં ટ્રેનમાંથી ઊતરી દોડતો આવશે અને સૉરી, સૉરી કહેતા તેને મનાવી લેશે.

કાંદીવલીની કોઈક કોલેજમાં ભણતી હશે ગ્રીષ્મા તે રોજ સવારે બોરીવલીના પ્લેટફોર્મ નંબર એક પરથી ઊપડતી ૬.૩૮ની ચર્ચગેટ ફાસ્ટ ટ્રેન પકડવા માટે રોજ સમયસર સ્ટેશન પર આવી જાય અને ચર્ચગેટ તરફના પહેલાં ફર્સ્ટક્લાસ પાસે ઊભી રહી, તેના મિત્ર રશેષના આવવાની રાહ જોતી રહે. રશેષ મીરા રોડથી આવતો હતો કદાચ, ત્રણ નંબર પર આવતી બોરીવલી-વિરાર ટ્રેનમાંથી તે ઊતરે અને દોડતા હાંફતા પહેલા નંબરના પ્લેટફોર્મ સુધી પહોંચે. વિરારથી આવેલી તે ટ્રેન ફરી ૬.૪૦ની વસઈ લોકલમાં તબ્દિલ થઈ જતી, આથી ચર્ચગેટ તરફ આગળ જવા માગતા દરેક પ્રવાસીએ રશેષની જેમ જ તે ટ્રેનમાંથી ઊતરી બોરીવલીથી ચર્ચગેટની ટ્રેન પકડવા માટે દોડવું પડતું. વિરારથી આવતી આ ટ્રેન દરરોજ બોરિવલીના ત્રણ નંબરના પ્લેટફોર્મ પર પ્રવેશે અને તે સાથે જ ગ્રીષ્માના ચહેરા પર એક અલગ જ પ્રકારની ચમક આવી જતી, એમાં પણ રશેષને આવતો જોઈ તેનો ચહેરો જાણે લાલ લાલ થઈ જતો. તે મલકાવા માંડતી અને જેવો રશેષ દાદર ઊતરી નીચે આવે કે તુરંત ફરી પેલો બનાવટી ગુસ્સાનો ભાવ તેના ચહેરા પર આવી જતો, રશેષ ‘સૉરી’ કહે અને ગ્રીષ્મા ફરી મલકાઈ ઊઠે. બંને ૬.૩૮ના પહેલાં ફર્સ્ટક્લાસના દરવાજે ઊભા રહી આંખોથી જ એક-મેક સાથે વાતો કરી લે, બંનેની નજર હજી સરખી મળી પણ નહીં હોય ત્યાં તો કાંદીવલી સ્ટેશન આવી પણ જાય અને બંને ઊતરી જાય. આટલી સામાન્ય અને રોજીંદી ઘટનામાં પણ રોજ એટલી ચહલ-પહલ અને અનેરી વિષમતાઓ જોવા મળતી કે રોજ કોઈક નવો કીસ્સો આ બંને વચ્ચે બનતો રહે અને ઓગળતો રહે.

મારા જેવા દરેક ઘટનામાં કથાબીજ શોધતા રહેતા વાર્તાભૂખ્યા લેખકની નજર રોજ ગ્રીષ્મા અને રશેષને શોધતી, જોતી, ઝીણવટભર્યું નિરીક્ષણ કરતી અને કદાચ, ક્યાંક કોઈ વાર્તા છૂપાઈ હોય એમ વિચારી, તે વિશેની દરેક શક્યતાઓ ચકાસી લેતી. કેટલીયવાર એવું બનતું કે, ગ્રીષ્મા જેટલી વિહવળતાથી રશેષની રાહ જોતી હોય તેના કરતાંય વધુ તલસાટથી હું તે બંનેની રાહ જોતો બારીએ ડાફોળીયા મારતો હોઉં.

પરંતુ, આજે ટ્રેન ઊપડવાનો સમય થઈ ગયો, રશેષ પણ સમય પહેલાં જ પ્લેટફોર્મ પર આવી ગયો હતો છતાં ગ્રીષ્મા કેમ ક્યાંય દેખાતી નહોતી? રશેષની સાથે સાથે મારી નજરો પણ ગ્રીષ્માને શોધી રહી હતી. મેં નોંધ્યુ કે, રશેષ વારંવાર બોરિવલી પ્લેટફોર્મના એન્ટ્રન્સ તરફ નજર નાંખતા-નાંખતા સાથે જ પોતાના સેલફોન તરફ પણ જોતો રહેતો હતો. સમજી શકાય એવી બાબત હતી કે, પ્રેમમાં સાવચેતીના પગલાંરૂપે રશેષને સામેથી ફોન કરવાની પરવાનગી નહોતી, ગ્રીષ્મા ફોન કરે તો જ રશેષે ફોન પર વાતો કરવાની તેણે સામેથી ફોન કરવો નહીં, તેવી બંને પ્રેમીઓ વચ્ચે પૂર્વશરત થઈ હશે. પરંતુ જેમ-જેમ સમય વિતતો જતો હતો તેમ-તેમ રશેષ વધુ રઘવાયો થઈ રહ્યો હતો, રોજ સમય કરતા પહેલાં આવી જતી તેની ગ્રીષ્મા આજે કેમ મોડી પડી હશે તે વાત તેને સમજાતી નહોતી, થોડી વધુ ક્ષણોનો વિલંબ થયો હોત તો ચોક્ક્સ રશેષે પેલી પૂર્વશરતનો ભંગ કરી નાખ્યો હોત, પરંતુ ત્યાં જ ગ્રીષ્મા સ્ટેશનના એન્ટ્રન્સ તરફથી આવતી દેખાઈ અને રશેષની સાથે-સાથે મારા પણ શ્વાસ હેઠાં ઉતર્યા. રશેષને પ્લેટફોર્મ પર ઊભેલો જોઈ ગ્રીષ્મા દોડી અને આવતાની સાથે જ તેને ભેટી પડી. આજે તેને માટે જાણે બોરિવલી સ્ટેશનનો તે પ્લેટફોર્મ દુનિયાનો એવો નિર્જન પ્રદેશ બની ચૂક્યો હતો જ્યાં તે નિર્ભિકપણે પોતાના પ્રેમીને આલિંગન આપી શકે. પરંતુ, એક મિનિટ! આ આલિંગન પ્રેમવશ થયેલું આલિંગન નહોતું કદાચ, ગ્રીષ્માની આંખો કંઈક ઓર જ કહી રહી હતી, રશેષની નજરો અને ગ્રીષ્માના માથા પર ફરી રહેલો તેનો હાથ કંઈક ઓર જ કહી રહ્યા હતા.

બીજું ગમે તે હોય પણ આ ટીપીકલ યુવાન પ્રેમી પંખીડાઓમાં જોવા મળતું આલિંગન નહોતું એ નક્કી હતું. મને રિતસર હવે અકળામણ થઈ રહી હતી. આ બંને યુવા હૈયાઓના મૂક પ્રેમનો હું આટલા દિવસોથી સાક્ષી હતો, ભલે માત્ર બોરિવલીથી કાંદિવલી વચ્ચેનું અંતર કાપતા ટ્રેનને જેટલો સમય લાગે એટલી છથી આંઠ મિનિટનો જ છતાં, તેમના ઝઘડા, તેમના રીસામણાં અને મનામણાં, તેમની આંખો દ્વારા થતા મૂક સંવાદોથી લઈને બોલાયેલા હરએક શબ્દનો હું સાક્ષી હતો. આથી તેમની આજની આ ચેષ્ટાથી મને અકળામણ થઈ રહી હતી, શું થયું હશે? ગ્રીષ્માના ઘરે બંનેના પ્રેમસંબંધની જાણ થઈ ગઈ હશે? તેના પપ્પાએ તેને મારી તો નહીં હોય ને? ગ્રીષ્માના કોઈ બીજા છોકરા સાથે વેવિશાળ નક્કી કરી નાખ્યા હશે? શક્યતાઓ અનેક હતી. પરંતુ આ બધામાંથી કઈ શક્યતા સાચી હતી તે હજી ક્યાં ખબર પડી હતી!

કારણની તો હજી ખબર નહોતી પરંતુ આંખ સામે જે દેખાતું હતું એ દ્રશ્ય રોજ કરતા જુદુ જ હતું. ત્યાં જ ટ્રેનની વિસલ થઈ અને એક ધીમા આંચકા સાથે ટ્રેને બોરિવલી સ્ટેશનથી ગતિ પકડવાની તૈયારી કરી. અરે, આ શું? ગ્રીષ્મા રશેષ સાથે દોડીને ટ્રેન પકડી લેવાની જગ્યાએ હજીય ત્યાં જ કેમ ઊભી છે? કેમ રશેષને ટ્રેનમાં બેસી જવા માટે ધક્કા મારી રહી છે, કેમ મને એવું લાગી રહ્યું છે કે ગ્રીષ્માની આંખમાં હમણાં આંસુ ધસી આવ્યા હતા? વાત વધુને વધુ ગૂંચવાતી જઈ રહી હતી. સામાન્ય રીતે એક સ્ટેશન જેટલું આંતર કાપતામાં પણ મિત્રો સાથે ધમાલ કરતો રહેતો રશેષ આજે શાંતિથી દરવાજે ઊભો રહી ગયો હતો. તેની આંખમાં પણ મને ભેજ વર્તાતો હતો. મારી લેખક તરીકેની અનુભવી નજરો કહી રહી હતી કે કંઈક તો મોટી ગરબડ જરૂર છે. પણ આ રીતે આમ રશેષ પાસે જઈ પૂછવું પણ કઈ રીતે? મને સમજાતુ નહોતું પરંતુ તેની સામે એક વાત ચોક્ક્સ હતી, મારે જાણવું તો હતું જ કે, આખરે આ યુવાન, નિર્દોષ કોલેજિયન પ્રેમી પંખીડાઓ વચ્ચે બન્યું છે શું?

ધમ ધમ કરતી ટ્રેન કાંદિવલી પ્લેટફોર્મ સુધી પહોંચી ગઈ અને ખબર નહીં કયા કારણથી પરંતુ હું ઊભો થઈ ગયો, રોજ મારી સાથે ચર્ચગેટ સુધી પ્રવાસ કરતા મારા સહપ્રવાસી મિત્રો મારી તરફ જોઈ રહ્યા, પરંતુ તેમને કંઈ પણ કહ્યા વગર હું રશેષની પાછળ-પાછળ જ કાંદિવલી સ્ટેશને ઊતરી ગયો. મારી જીજ્ઞાસા હવે ચરમસીમાએ પહોંચી ચૂકી હતી. રશેષ દાદર ચઢી ગયો હું પણ તેને અનુસરી રહ્યો. તેણે કાંદિવલી વેસ્ટ તરફ ચાલવા માંડ્યુ, હવે હું તેની એટલી નજીક પહોંચી ગયો હતો કે, તે કોઈ સાથે ફોન પર વાતો પણ કરે અથવા તેના કોઈ મિત્ર સાથે પણ કંઈ વાત કરે તો તેના શબ્દો મારા કાને પડ્યા વગર નહીં રહે. તે કાંદિવલીના બે નંબરના પ્લેટફોર્મ પરથી હવે એક નંબરના પ્લેટફોર્મ પર આવી ગયો હતો અને અચાનક ખબર નહીં શું થયું તે ટીકિટ વિન્ડો પાસેની બેંચ પર બેસી ગયો. હમણાં તેના ચહેરા પર કોઈ જ ભાવ નહોતા. તેના મનમાં શું ચાલી રહ્યું છે તે કળવું મુશ્કેલ હતું. તેણે ખભા પરથી બેગ નીચે ઊતારી અને તેના પર પર માથું નાખી નાના બાળકની જેમ રડવા માંડ્યો. હવે હું મારી જાતને વધુ રોકી શકું તેવી હાલતમાં નહોતો. એક ખડતીલા દેખાતા તરવરતા યુવાનની આંખમાં આ રીતે આંસુ ધસી આવે તે એક અકળાવનારી પરિસ્થિતિ હતી. હમણાં દસ મિનિટ પહેલાં ત્યાં બોરિવલી સ્ટેશને ગ્રીષ્મા રડી રહી હતી અને હવે કાંદિવલી સ્ટેશને હમણાં રશેષ રડી રહ્યો હતો. ડેમ…, એક રાતમાં આ બંને પ્રેમી પંખીડાઓ વચ્ચે એવું તે શું બની ગયું કે તે બંને આમ રડવા મંડી પડ્યા છે? હવે હું વધુ રાહ જોઈ શકું તેમ નહોતું!

‘એક્સક્યુઝ મી, હાય, બોરિવલીથી કાંદિવલી, માત્ર એક સ્ટેશન જેટલાં જ ટૂંકા અંતર માટે પણ છતાં આપણે લાંબા સમયથી સહપ્રવાસીઓ છીએ. તમે કદાચ નોંધ્યુ નહીં હોય પરંતુ હું તમને અને તમારી ફ્રેન્ડને રોજ જોઉં છું. ખૂબ સુંદર જોડી છે તમારી, અને તમારી વચ્ચેનો પ્રેમ પણ એટલો જ નિરાળો છે.’ ટેન્શન રશેષ અને ગ્રીષ્માના સંબંધમાં સર્જાયું હતું પરંતુ, જાણે દ્વીધાને કારણે લવારા હું હમણાં કરી રહ્યો હતો. મને મારી ભૂલ સમજાઈ એટલે, તરત હું અટક્યો અને મુદ્દાની વાત પર આવી ગયો. ‘શું થયું છે દોસ્ત, એની પ્રોબ્લેમ? હું કંઈક મદદ કરી શકું?’ રશેષ અચાનક તેની નજરની સામે પ્રાણી સંગ્રહાલયમાંથી ભાગીને કોઈ નવું પ્રાણી આવી ગયું હોય તે રીતે મારી તરફ જોઈ રહ્યો હતો. હું ચૂપ થઈ ગયો, કારણ કે, હવે બોલવાનો વારો રશેષનો છે તેમ મને લાગતું હતું. પણ રશેષ કંઈ જ નહીં બોલ્યો. બસ તેની આંખો વહી રહી હતી. થોડોવાર હું પણ ચૂપચાપ ઊભો રહ્યો અને પછી ધીમે રહી રશેષની બાજૂમાં બેંચ પર બેસી ગયો. મને અંદરથી એવી ઈચ્છા થઈ રહી હતી કે મારે એક મિત્ર તરીકે રશેષના ખભે હાથ મૂકવો જોઈએ પરંતુ હું તેમ નહીં કરી શક્યો. ચર્ચગેટ તરફની લગભગ બીજી ત્રણ ટ્રેન રવાના થઈ ચૂકી હશે, છતાં અમારી વચ્ચે હજી સંવાદનો સેતુ સધાયો નહોતો. એટલામાં જ રશેષનો સેલ ફોન રણકી ઊઠ્યો તેણે તેની મોબાઈલ સ્ક્રીન તરફ જોયું અને ફોન આન્સર કરતાં પહેલાં તેણે કાંદિવલીના બે નંબરના પ્લેટફોર્મ પર નજર કરી લીધી. ચર્ચગેટ તરફ જતી ચોથી ટ્રેન રવાના થઈ રહી હતી અને ટ્રેન પસાર થતાંની સાથે જ પ્લેટફોર્મના બીજા છેડે ગ્રીષ્મા ઊભી હતી. જન્મો જન્મથી નહીં મળ્યા હોય તે રીતે રશેષ ઊભો થઈ ગ્રીષ્મા તરફ દોડવા માંડ્યો બીજી તરફથી ગ્રીષ્મા પણ રશેષ તરફ દોડી રહી હતી. કોઈ હિન્દી ફિલ્મના ક્લાઈમેક્સનો ઈમોશ્‍નલ સીન શૂટ થઈ રહ્યો હોય તેવું જ વાતાવરણ હમણાં રશેષ અને ગ્રીષ્મા વચ્ચે સર્જાયું હતું. બંને એક-મેક તરફ દોડ્યા અને આ બધું શું ચાલી રહ્યું છે તે સમજ્યા વિના બાઘાની જેમ હું પણ રશેષની પાછળ-પાછળ દોડવા માંડ્યો. બંને દાદરના વોક-વે પર મળ્યા અને ફરી એકવાર મારી નજર સામે બોરિવલી સ્ટેશન પર ભજવાયું હતું તેવું જ દ્રશ્ય ભજવાયું. ગ્રીષ્મા આવતી જતી ભીડની પરવા કર્યા વિના રશેષને ભેટી પડી ફરક માત્ર એટલો હતો કે, આ વખતે રશેષ પણ તેને જબરદસ્ત આવેગ સાથે ભેટીને રડી રહ્યો હતો. બે મિનિટ જેટલું આ ગાઢ આલિંગનનું દ્રશ્ય મારી સામે ભજવાયું અને પછી બંને એક-મેકની આંખો લૂંછી આપતા ત્યાંથી નીચે તરફ ચાલવા માંડ્યા. હવે સાચે જ મારી ધીરજનો અંત આવી ગયો હતો. હું તેમનો કોઈ ખૂબ જ નજીકનો વ્યક્તિ હોઉં તેવા હકથી મેં તે બંનેને રોક્યા અને આખરે પૂછી જ લીધું, ‘આ બધું શું ચાલી રહ્યું છે ભાઈ? તમારા બેમાંથી કોઈ કહેશો મને?

રશેષે તેની આંખમાં બાકી બચેલો ભેજ રૂમાલથી દૂર કર્યો અને બોલ્યો, ‘તમારી ભૂલ થાય છે મહાશય, અમે પ્રેમી પંખીડા નહીં પરંતુ પતિ-પત્ની છીએ, અમારા લગ્નને પાંચ વર્ષ થયા. પરંતુ ગ્રીષ્માના પિતાએ લગ્ન સમયે જ શર્ત મૂકી હતી કે જ્યાં સુધી હું મારા પિતાનો બિઝનેસ છોડી મારી પોતાની જાત મહેનતે ઠરીઠામ નહીં થાવ ત્યાં સુધી ગ્રીષ્મા મારી સાથે રહેવા નહીં આવે. તે તેના પિતાના ઘરે જ રહેશે. ગ્રીષ્માના પિતા ખૂબ મોટા હીરાના વેપારી છે અને મારા પિતા બિલ્ડર છે. અને જ્યાં સુધી હું મારી પોતાની ઓળખ નહીં બનાવી લઊં ત્યાં સુધી અમે માત્ર અઠવાડિયાના બે દિવસ અને એક રાત એટલે કે, શનિવાર અને રવિવારે જ સાથે રહી શકીશું એવી શરતે જ ગ્રીષ્માના પિતાએ અમારા લગ્નને મંજૂરી આપી હતી.’ ‘વાહ મહાન છો તમે બંને અને તમારા મતા-પિતા પણ! મતલબ કે, રોજ તમે બંને બોરિવલીથી કાંદિવલી સુધી જે સાથે જોવા મળો છો એ આ શરતમાં તમે શોધી કાઢેલું બાકોરું છે એમ જ ને?’ મેં પૂછ્યુ. ‘હા, કંઈક એવું જ!’ ગ્રીષ્માએ કહ્યું. ‘પરંતુ તો પછી આજે આમ તમારી બંનેની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો શા માટે વહી રહ્યા છે? તમારા આ બાકોરાની તમારા ઘરે ખબર પડી ગઈ છે કે શું?’ મેં ભલે એક નાની મજાક કરવાનાં આશયથી કહ્યું પરંતુ રશેષ કે ગ્રીષ્મા બેમાંથી એકેયના ચહેરા પર મારી એ મજાકથી પણ મલકાટ ડોકાયો નહીં. ધીમે રહીને ગ્રીષ્મા બોલી, ‘અમારો ત્રણ વર્ષનો દીકરો છે, અને કમનસીબે તેને જન્મથી જ લ્યુકેમિયા એટલે કે બ્લ્ડ કેન્સર છે. દર ત્રણ મહિને અમારા દીકરાના શરીરનું લોહી જૂનુ અને રોગગ્રસ્ત થઈ જાય છે અને અમારે નવું લોહી ચઢાવવા માટે તેને હોસ્પિટલ લઈને દોડવું પડે છે. એક લોહીના કેન્સરની પિડા ઓછી હતી તેમાં વળી બીજો ઊમેરો તેના બ્લડ ગૃપનો થયો.’ બની શકે એટલું ટૂંકાણમાં કહેવાનો પ્રયત્ન કરી રહી હોવા છતાં ગ્રીષ્મા જાણે થાકી ગઈ એટલે આગળની વાતનો દોર રશેષે સંભાળી લીધો. ‘અમારા દીકરાનું બ્લડગૃપ “એ નેગેટીવ” છે, જે ખૂબ રેર બ્લડગૃપ છે. આખાય બોરિવલી અને કાંદિવલીમાં માત્ર અગ્યાર ડોનર એવા છે જેમનું બ્લડગૃપ “એ નેગેટીવ” હોય. અને આવતી કાલે ફરી તેને નવું લોહી ચઢાવવા માટે હોસ્પિટલ લઈ જવાનો છે, પરંતુ તેને પ્લાઝમા, એટલે કે આપણાં લોહીના માત્ર સફેદ રક્તકણો જ ચઢાવવામાં આવતા હોવાથી આગલા દિવસે જ અમારે ડોનર શોધી, તેને લોહી આપવા માટે તૈયાર કરી લેવો પડે, પરંતુ તેમાં વળી આ કાળમુખી દિવાળી આવી ચઢી!’

‘દિવાળી- કાળમુખી? મને કંઈ સમજાયુ નહીં, આ બધામાં વળી દિવાળી કઈ રીતે વચ્ચે આવી?’ ‘ અગ્યારમાંથી ત્રણ ડોનર એવા છે જેમણે લોહી આપ્યાને હજી ત્રણ મહિના નથી થયાં આથી તેમનું લોહી કામમાં આવી શકે તેમ નથી, પાંચ જણા દિવાળીને લીધે બહાર ફરવા ગયા છે અને બે જણાં પોતે જ તેમના ઘરે બિમાર પડ્યા છે અને હવે માત્ર એક જણ બચ્યું છે જેના પર બધો આધાર છે, જો તેણે પણ કોઈ સંજોગોને કારણે ના કહી દીધી તો અમારો દીકરો…!’ મારા હ્રદય પણ જાણે અચાનક કોઈકે મણભાર જેટલું વજન મૂકી દીધું હોય તેવો મને અહેસાસ થઈ રહ્યો હતો. બે મિનિટ માટે મારું દિમાગ જાણે કામ કરતું બંધ થઈ ગયું. ત્યાં જ અચાનક જાણે વિજળીનો ઝબકારો થયો હોય એમ મેં બૂમ પાડી, ‘રશેષ… રશેષ… ચિંતા નહીં કર દોસ્ત, નાનકાને કંઈ જ નહીં થાય.’ છેલ્લાં ત્રણ વર્ષથી કદાચ આ પ્રકારના દિલાસાઓ રશેષ અને ગ્રીષ્માએ એટલી બધીવાર સાંભળ્યા હશે કે, મારા બરાડાનો તેમણે ખાસ કોઈ પ્રતિભાવ નહીં આપ્યો અને ચાલવા માંડ્યા. હું રીતસર તેમની પાછળ દોડ્યો અને કહ્યું, ‘ચિંતા નહીં કર દોસ્ત, મારા એક મિત્રનું બ્લડગૃપ પણ “એ નેગેટીવ” છે. અને દિવાળી હોવા છતાં તે ક્યાંય બહાર ફરવા પણ નથી ગયો કે બિમાર પણ નથી જ. હું હમણાં જ તેને ફોન કરું છું, ભલે તે સૂરતમાં રહે છે, પણ મારા એક ફોન પર તે દોડતો મુંબઈ આવી જશે.’ આ વખતે રશેષ અને ગ્રીષ્મા એક-બીજાને નહીં પણ સ્ટેશન પરની ભીડનું ભાન ભૂલી મને ભેટી પડ્યા. તેમનું એ આલિંગન એટલું ગાઢ હતું કે, હું જેમ-તેમ માત્ર એટલું જ બોલી શક્યો કે, ‘અરે, દોસ્ત તમે લોકો છોડશો તો હું ફોન કરી શકીશને?’

લેખક : આશુતોષ દેસાઈ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment