“એ વરસાદી સવારને છત્રી” – શું લેખકે કર્યું એ બરાબર કર્યું છે ?

21

૨૯મી ઓગસ્ટ, ૨૦૧૭. મંગળવારની એ સવાર, અમારા બધા માટે રોજની જેમ જ એક નવા દિવસની શરૂઆત હતી. છેલ્લાં ત્રણ દિવસથી મુંબઈનો વરસાદ તેનો સ્વભાવ દેખાડી રહ્યો હતો. પરંતુ, કોઈની એવી ધારણા સુધ્ધા નહોતી કે બપોર પડતાંમાં તો આ વર્ષારાણી આખાય મુંબઈને પોતાની બાહોંમાં એ રીતે જકડી લેશે, જાણે શહેર શ્વાસ સુધ્ધા નહીં લઈ શકે. વર્ષારાણીની સાચે જ એટલી જબરદસ્ત મહેર થઈ હતી કે આખુંય મુંબઈ ઠપ્પ પડી ગયું હતું. મુંબઈની જીવાદોરી સમાન ગણાતી સબર્બન ટ્રેન્સ પણ ૨.૦૦ વાગતા સુધીમાં તો બંધ પડી ગઈ. રસ્તા પર ચાલતા વાહનો વિશે તો વિચાર કરવો પણ ગભરાવી અને અકળાવી મારે એવો હતો.

પરંતુ, આ ઘટના તે દિવસની સવારની છે. જ્યારે હજી અમારામાંથી કોઈને પણ ખબર નહોતી કે આજની રાત ઘરના સિલીંગ ફેન નીચે નહીં પણ એરકન્ડિશન્ડ ઓફિસની ખુરશીમાં જ આંખ મીંચીને ઊંંઘ કાઢી લેતા વિતાવી લેવી પડશે. ૬.૩૬ની બોરીવલીથી ઊપડતી અમારી રોજની ચર્ચગેટ ફાસ્ટ ટ્રેન ૭ વાગીને ૩૫ મિનિટની આસ-પાસ ચર્ચગેટ સ્ટેશને પહોંચી અને મેં સ્ટેશનની બહાર નીકળી ઓફિસ તરફ જવાના રસ્તે પગ ઉપાડ્યા. સ્ટેશની બહાર નીકળતા પૂર્વ તરફના રસ્તાની એક બાજૂ એક આધેડ વયનો કહી શકાય તેવો માણસ બેઠો હતો. ગઈ રાતથી વરસી રહેલો વરસાદ હજી આજે સવારે પણ એ જ ગતિએ વરસી રહ્યો હતો. મરૂન કલરનો જૂના મસોતા જેવો થઈ ગયેલો શર્ટ જેના ઉપરના બે બટન પહેલેથી જ નાદારી નોંધાવી ચૂક્યા હતા. પીઠ તરફના ભાગે તે એટલો ફાટી ગયો હતો કે ઠીંગડૂ મારી શકાશે તેવો વિચાર પણ ન થઈ શકે. જમણી તરફના ઘૂંટણ પાસેથી ફાટેલું બદામી પેન્ટ જે સાથળ પાસેના ભાગે પહેલેથી જ એટલું તરાઈ ગયું હતું કે ત્યાંથી પણ ક્યારે ફાટી જશે તેનો કોઈ ચોક્ક્સ સમય નક્કી નહીં થઈ શકે. તે પેન્ટની નીચે પગમાં પહેરેલાં સ્લીપર્સ, એક તરફની સ્લીપરના ભૂરા પટ્ટા અને બીજા પગની સ્લીપરને ગુલાબી રંગની પટ્ટીઓ જેને કાથીની દોરીએ જેમે-તેમ બાંધી રાખેલી હતી. ઉકડમણીયે બેઠેલાં તે પુરૂષને પહેલી નજરે જોતાં જ તિરસ્કારની લાગણી જન્મે એમાં કોઈ બે મત નહીં. આવતા-જતાં ઘણાં લોકોને કદાચ આ માણસને જોતાં મનમાં એવો પણ વિચાર આવ્યો હશે કે દિવસની શરૂઆતમાં જ ક્યાં આવો ભિખારી દેખાઈ ગયો. હવે આખો દિવસ બગડશે. પોતાનો એક હાથ, આવતા જતાં લોકો સામે લંબાવી રાખ્યો હતો અને બીજા હાથમાં તેણે છત્રી પકડી હતી. એવી છત્રી જેના દ્વારા જાણે તે વરસાદની મજાક ઉડાવતો હોય. અથવા કહો કે કોઈક અનુભવી સેલ્સમેન પોતાની આર્થિક પરિસ્થિતિની એડવર્ટાઈઝમેન્ટના ભાગરૂપે તે છત્રીનો ઉપયોગ કરી રહ્યો હોય. ત્રણ સળીયા અલરેડી કાપડનો સાથ છોડી ચૂકેલા. બાકીના સળીયાઓએ કપડું પકડી રાખવાનું બીડું ઝડપેલું ખરું પણ જબરદસ્ત પવન અને ભારેખમ વરસાદને કારણે તે બધા પણ સાથ છોડવાની તૈયારીમાં જ હતાં એવું પહેલી નજરે જોતા જ સમજાય જાય. ટૂંકમાં, તે ભાઈએ છત્રી માત્ર નામની પકડી હતી એમ કહીએ તો ચાલે બાકી કોઈપણ રીતે તેના દ્વારા વરસાદથી બચી શકાય તેમ નહોતું. તે આખોય ભીંજાઈ ચૂક્યો હતો. અને કદાચ કે’વારનો સતત ભીંજાઈ રહ્યો હતો. તે ધ્રુજતો પણ હતો કદાચ. મારી એક અછડતી નજર તેના પર પડી અને હું મારી ઓફીસના રસ્તે આગળ ચાલવા માંડ્યો.

ભારત દેશમાં આવા તો કેટલાં ભટકતા હોય, દરેક પણ ક્યાં ધ્યાન આપવા બેસીએ. આમ પણ આપણાંમાંના કેટલાં માણસો આવા રસ્તે ભટકાતા ભીખારીઓ કે ભીખારી ટાઈપ્સના માણસો સામે ધ્યાન દઈ નજર કરતાં હોય છે? જરા દયાભાવના જન્મી તો પાંચ કે દસની એક નોટ પધરાવી એટલે પત્યું અને તુરંત આગળ નીકળી જઈએ. અને તેમાં પણ મારે તો પાછો સવારનો ઓફિસ પહોંચવા માટેનો દોડધામનો સમય એટલે શાંતિથી નજર નાખવી અને ગજવામાં હાથ નાખી પાંચ-દસ રૂપિયાની એકાદ નોટ કાઢવા જેટલો પણ સમય નહોતો. મુંબઈ શહેરની દોડ-ધામથી બધા વાકેફ છે. હું પણ રોજની જેમ આગળ નીકળી ગયો. પરંતુ ચાલતાં-ચાલતાં થોડો આગળ ગયો, ત્યાં મારી અંદરના માણસે ટકોરા માર્યા. આટલા ધોધમાર વરસાદમાં પેલો બિચારો ભીંજાઈ રહ્યો છે અને છતાં તને કોઈ ફર્ક પણ નથી પડતો? ખરેખર કહું છું આ વિચારો નામનું જે વળગણ છે ને એ ખૂબ ખરાબ વળગણ છે. કોઈ પણ જાતના બાહરી નશા કરતા પણ ખરાબ અને જીદ્દી વળગણ. તમે ગમે એટલું કરો તમારો સાથ નહીં છોડે તે નહીં જ છોડે. મારા આ વિચારે પણ તે દિવસે મારો સાથે નહીં છોડ્યો.

મેં બેગના આગળના ખાનામાં હાથ નાખ્યો તો હાથમાં પચાસ રૂપિયાની નોટ આવી, ના ના આટલા બધાં પૈસા એક ભિખારીને નહીં અપાય. દસ-વીસ રૂપિયા ઠીક છે. આથી હું એક વીસની નોટ હાથમાં લઈને તે ભિખારી જેવા દેખાતા પુરૂષ તરફ વળ્યો. પહેલાં પડેલી મારી અછળતી નજર પાસે હવે તેનું શાંતિથી નિરીક્ષણ કરવા જેટલો સમય હતો. તેની બાજૂમાં એક ભૂરા કલરની મોટી પ્લાસ્ટીક બેગ પડી હતી. જેના પર માલિકી હક્કનો દાવો જાળવી રાખવા માગતો હોય તેમ તેણે હાથ મૂકી રાખ્યો હતો. હું તેને વીસ રૂપિયાની નોટ આપવા જ જતો હતો ત્યાં જ મારી નજરે જાણે મને રોક્યો. તું માત્ર એ વિચારે આ માણસને પૈસા આપવા આવ્યો છે ને કે તે બિચારો આ ધોધમાર વરસાદમાં ભીંજાઈ રહ્યો છે? પરંતુ, આ પ્લાસ્ટીકની બેગ તરફ તો જો, તેની પાસે એક નવી નક્કોર છત્રી પડી છે. છતાં આમ ફાટેલી છત્રી અને ફાટેલા કપડાં પહેરી રાખીને આ લોકો આવા જ નાટક કરતા હોય છે. જેથી લોકોની સીમ્પથી મેળવી શકે અને બે પૈસા વધુ ભીખમાં મળી જાય. આવા લોકોની આ માર્કેટીંગ સ્ટ્રેટજી હોય છે. રહેવા દે કોઈ જરૂર નથી તેને વીસ રૂપિયા પણ આપવાની. મારા પગ પાછા વળી ગયા. પરંતુ, તેના આ બેકારના નાટક માટે મનમાં જે ચચરાટ ઉપડ્યો હતો તેને કારણે હું ચૂપચાપ પાછો વળી શકુ તેમ નહોતો. ‘ભાઈ, માન્યુ કે ભીખ માગવી એ જ તમારો ધંધો છે. પણ ભીખ માગવી જ હોય તો કોઈ નાટક કર્યા વગર માગોને. આ આવી સરસ નવી છત્રી તમારી પાસે પડી છે પછી શું કામ આમ ફાટેલી છત્રી પકડી રાખીને નાટક કરો છો?’ મેં મનમાં હતું તે સીધેસીધું જ કહી નાખ્યુ. ‘ના સાયેબ, આ તો મારાથી નો વપરાય…’ તેણે તે બંધ છત્રી પર હાથની પકડ વધુ મજબૂત કરતાં કહ્યું. ‘ઓહ વાઉ, આ લોકોના નાટક પણ ગજબના હોય છે હં, કેવી રીતે લોકોની સીમ્પથી મેળવવી, જેથી ભીખ વધુ મળે તે આ લોકોને બરાબર ખબર હોય છે.’ હું મનોમન બબડ્યો. ‘આમ, ફાટેલી છત્રી પકડી રાખશે તો ભીખ વધુ મળશે બરાબરને ને?’ મેં થોડા ગુસ્સા અને ધૃણાની લાગણી સાથે કહ્યું. ‘ના ના સાયેબ, ભીખ ભલેને નહીં મળે, તો પણ હું આ છત્રી તો નો જ વાપરી શકું, આ તો મારી નાનકીને હાટું છે, તે બચ્ચારીને ઈસ્કૂલે ભીંજાતા જાવુ પડે છે ને…!’ મને આજે પણ નથી સમજાયું કે મેં શા માટે તે દિવસે એવું કર્યું હતું. એક સો રૂપિયાની નોટ સાથે, મારા હાથમાં પકડેલી છત્રી મેં તેને થમાવી દીધી અને ટેક્સીવાળાને બૂમ પાડતા પૂછ્યું, નરીમાન પોઈન્ટ…?

લેખક : આશુતોષ દેસાઈ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment