“મેજર અંકલના પપ્પીઆંટી” વાંચો એક અલગ પ્રેમકહાની…

26

‘ટ્રેનમાં, હા ટ્રેનમાં જ તો મળ્યા હતા અમે પહેલીવાર,’ જાણે વર્ષો પુરાણી વાત હોય તેમ યાદ કરતા તેમણે કહ્યું. જોકે વાત સાચે જ વર્ષો પુરાણી હતી. આજકાલ કરતાં કરતાં, પચ્ચીસ વર્ષ થઈ ગયા. સ્વાભાવિક છે હવે તેમણે આ રીતે દિમાગ પર ભાર દઈને ‘જૂની પુરાણી યાદો’ નામના કોઈ ફોલ્ડરમાં જે કંઈ સચવાયેલું હોય તે ધીમે ધીમે કરીને બહાર કાઢવું પડે. જેટલું યાદ આવ્યું એટલું આવ્યું બાકીનું અનુસંધાન આપણે જોડી લેવાનું.

‘તે સમયે વિરારની ટ્રેનમાં અપડાઉન કરવું એટલે જાણે સૈનિકનો પહેરવેશ પહેરી યુધ્ધમાં લડવા જવા બરાબર હતું!’ મેં મનમાં કહ્યું, ત્યારે જ નહીં આંટી, વિરારની ટ્રેનમાં તો આજે પણ અપડાઉનિઆઓ માટે રોજે રોજ કોઈ યુધ્ધમાં લડવા જવા બરાબર જ છે. પરંતુ મને ખબર હતી કે હું વચ્ચે કંઈક બોલીશ તો તેમની આ જૂની પુરાણી યાદોના ફોલ્ડરમાંથી માહિતી ખેંચી કાઢવામાં મુશ્કેલી ઊભી થશે, આથી હું ચૂપ જ રહ્યો. ‘તે સમયે મારી ઉંમર પાંત્રીસની, એ પણ લગભગ ચાલીસની આસ-પાસ તો હશે જ!’ તેમણે કહ્યું, શું વાત કરો છો આંટી તમને એમની ઉંમર પણ નથી ખબર? આ વચ્ચે લગભગ ક્યાંથી આવ્યું? મને ફરી એક પ્રશ્ન થયો, પરંતુ હું ચૂપ જ રહ્યો. પેલું ફોલ્ડર અને પેલી માહિતીવાળો લોચો નહીં પડી જાય? બસ એટલે જ.

સાંઈઠ વર્ષના અને એક સાક્ષાત સ્વરૂપસુંદર રાજમહેલ જેવા, જે હવે લગભગ ખખડધજ થઈ ચૂક્યા હતાં એવા પપ્પીઆંટીની સામે હું હમણાં બેઠો હતો. ‘પપ્પીઆંટી’ જરા અળવીતરૂં લાગે તેવું નામ છે પરંતુ, પપ્પીઆંટીને તેમજ તેમને ઓળખતાં હોય તેવા લોકોને તેમનું આ નામ જરાય અળવીતરૂં નથી લાગતું. કારણ કે, તેમના અતિપ્રિય એવા મેજર અંકલે તેમને આ નામ આપ્યું હતું. ના ના… પપ્પીઆંટી નહીં મેજર અંકલ માટે તો માત્ર ‘પપ્પી,’ તેમની લાડકી પપ્પી.

મેજર અંકલે તેમને આવું નામ શા માટે આપ્યું તેની પાછળ પણ એક મજેદાર કહાની છે પરંતુ તે કહાની પણ પપ્પી આંટી જ કહે એ બહેતર છે, હું તો આજે માત્ર સાંભળીશ, પપ્પીઆંટી કી કહાની ખૂદ ઉનકી જુબાની.

‘હું કાંદિવલીની બાલભારતી હાઈસ્કૂલમાં ગુજરાતી વિષય ભણાવતી, અને આ તારા મેજર અંકલ રાજપૂતાના રાઈફલ્સના મેજર હતાં. આ મુંબઈ બોમ્બ બ્લાસ્ટ પછી, હિન્દુ-મુસ્લિમના ઝઘડામાં જનાવર બની ગયું હતું ને, ત્યારે તેને પાછું માણસ બનાવવા માટે મેજરની અહીં એડહોક પોસ્ટીંગ થયેલી. અને એને આપણું મુંબઈ જરા પણ નહીં ગમતું, એક તો એ મૂળ અંબાલાના અને તેમાં પાછું વળી ફોજમાં જોડાયા ત્યારથી કાશ્મીરને તે તરફ જ ઉત્તરમાં રહ્યા કરેલું એટલે એમને આપણું પરસેવો રેલાવતી ગરમીવાળું શહેર કેમેય કરી ગમે જ નહીં. કાયમ કોઈની સાથે પણ વાત કરે તો ‘યે આપકા બમ્બઈ, યે આપકા બમ્બઈ કહીને જ વાત કરે. ઘણીવાર વસઈથી ટ્રેનમાં ચઢતાં, એટલે જોવામાં ખરાં. અને હું રહી ટીચર માણસ, તે એક દિવસ ટ્રેનમાં તેમની બાજૂમાં બેઠેલાં કોઈક ભાઈ જોડે વાત કરતામાં બોલ્યા, ‘યે આપકા બમ્બઈ સિર્ફ કહેનો હી માયાનગરી હૈ!’ એટલે મારો પિત્તો ગયો. મેં તેમની ચાલૂ વાતમાં કૂદાવ્યું, ‘યે ક્યા આપ કેટલા દિવસ સે આપકી બમ્બઈ, આપકી બમ્બઈ કરતે રહેતે હૈ, તમે બી તો યે બમ્બઈ મેં રહેને કો આયે હૈ!’ આમ હું ટીચર ખરી પણ આપણે રહ્યાં ગુજરાતીના માણસ, હિન્દી ફટાફટ બોલતાં તો કેમનું ફાવે અને તેમાંય ગુસ્સો આવ્યો હોય ત્યારે તો આપણી માતૃભાષા જ મોઢાં પર નહીં આવી જાય? છતાં મેં બની શકે એટલું હિન્દી તો વાપર્યું પણ એ ડોબાને ખાસ કંઈ સમજ પડી નહીં. જોકે તેને એટલું સમજાઈ ગયેલું કે તે ‘આપકી બમ્બઈ’ બોલે છે તેમાં આ જોગમાયા ભડકી છે. તમે માનશો, એ તો સદંતર ચૂપ જ થઈ ગયા. તે ફર્સ્ટક્લાસમાં બેઠેલાં બધાં મને જ જોયા કરતાં હતાં. એક તો કોમી રમખાણને કારણે આમ પણ ગભરાટ હતો જ એમાં હું વળી બરાડી પડી, લોકોને લાગ્યું કે, ચોક્ક્સ હમણાં આ ડબ્બામાં પણ કંઈ છમકલું થવાનું! થોડું શાંત થયું એટલે મારી બાજૂવાળીએ કહ્યું કે, તમને ખબર પણ છે એ કોણ છે તે? આર્મીમાં મેજર છે, હમણાં આપણે ત્યાં આ ધમાલ થઈ ને એટલે અહીં પોસ્ટીંગ પર આવ્યા છે. તેની આ વાત સાંભળીને પહેલાં તો મને પણ ગભરાટ થયો, પણ હુંય તે ટીચર ખરી ને, આમ ગભરાટ મોઢાં પર વર્તાવા થોડી દઉં. પણ હા, આ ટીચરના ડરથી મેજર શાંત થઈ ગયા હતાં એ નક્કી.’ પપ્પી આંટી હવે બરાબર રંગમાં આવી ગયા હતાં. એક પછી એક તેમના મોઢે બોલાઈ રહેલા બોલ-ચાલની જૂની સ્ટાઇલવાળા ગુજરાતી વાક્ય સાંભળીને મને પણ મજા પડી રહી હતી.

‘અરે બાપ રે, પહેલી જ મુલાકાતમાં ઝઘડો?’ મેં કહ્યું. ‘પહેલી શાની? એ મારો મેજર તો મુઓ ઘણીવાર આવતોને વસઈથી, એટલે જોયલો તો ઉતો જ એને, પણ હા તે દિવસે વાત પહેલીવાર કરેલી.’ પપ્પી આંટી બોલ્યા. કોણ જાણે કેમ પણ મને એવી ગંધ આવવા માંડી હતી કે દક્ષિણ ગુજરાતના, આ મુંબઈ આવી વસેલા પપ્પીઆંટીની કહાની પણ કોઈક કોલેજીયા જુવાનિયાઓની લવ-અફેરની કહાની જેવી જ બની હશે. પણ એવું શક્ય કઈ રીતે હોય? પપ્પી આંટી તો તે સમયે પાંત્રીસના અને મેજર અંકલ હતા ચાલીસીની આસ-પાસના, કોલેજવાળો લવ-અફેર આ ઉંમરે ન હોય. મેં મારી જાત સાથે જ દલીલ કરી. પણ આ દલીલ દરમિયાન મને એ ધ્યાન જ ન રહ્યું કે, પપ્પીઆંટીનો વાક્‍પ્રવાહ અટકી ગયો છે.

પછી શું થયું આંટી? ‘અરે પછી શું, મારો મેજર ગાંડો નહીં તો! બીજે દિવસે ચોકલેટનું આખું એક બોક્સ લઈ આવ્યો’તો, પાછો શરમાઈ એટલો કે, બધાની સામે આપવાની હિંમત તો ચાલે નહીં, તે મારી માટે કાંદિવલી ઊતરી ગયો અને દાદર ચઢતાં-ચઢતાં કહે, એક મિનિટ મેડમ, રૂકીએ. યે આપકે લિયે? મેં તો ગુસ્સાથી જોયું એના તરફ અને પૂછ્યું, યે ક્યા હૈ? તો કહે, થોડી ઠંડ રખ્ખા કરો, મેમ! યે બસ ચોકલેટ્સ હૈ, હમારી આર્મી કેન્ટીન કી, જબ ભી ગુસ્સા આયે તો એક ચબા લેના!’ બસ આટલું કહી ને એ તો પાછો ઉતરી ગયો અને દોડ્યો ટ્રેન પકડવા. મને પહેલાં તો હસવું આવ્યું અને થયું કે, આ આર્મી ડ્રેસમાં દોડતો ડોસલો સારો તો લાગે છે પણ આમ દોડવામાં ગડથોલિયું ખાઈ ગયો તો એની આ બધી ચોકલેટ્સ બાજૂ પર જ રહી જવાની. પણ સાચું કહું મને બઉ મજા પડી તે દિવસે! મેં મારી જાતને કહ્યું, અલી આ આર્મીવાળા પણ આટલા રોમેન્ટીક હોય!’ અને પપ્પીઆંટી ફરી પાછા ક્યાંક ખોવાઈ ગયા. મને એમ કે, પેલા જૂની પુરાણી યાદોવાળા ફોલ્ડરમાંથી હવે પછીની યાદોના શબ્દો શોધી રહ્યા હશે. પણ ખરું કહું છું મને ખૂબ મજા પડી રહી હતી અને હું નહોતો ચાહતો કે તેમાં આમ કોઈ ઈન્ટરવલ આવે.

‘વાઉ પછી?’ મેં કહ્યું. ‘પછી તો હું વિરારથી ચઢું તો એની જગ્યા રાખવા માંડી અને વસઈ સ્ટેશન પર જેવી ટ્રેન પ્રવેશે કે મારી નજરો મેજરને જ શોધતી હોય. એ પણ બારીમાંથી ફાંફાં મારતી મને જૂએ અને કોઈ ફિલ્મના હીરોની માફક કૂદકો મારીને ટ્રેનમાં ચઢી જાય. અમને બંનેને એટલી ઉતાવળ રહેતી કે જાણે વસઈથી કાંદિવલી સુધીમાં આખાયા જીવનની બધી વાતો કરી લેવી હોય. ક્યારેક હું બોલ બોલ કરું અને એ મને સાંભળ્યા કરે અને ક્યારેક એ બોલે અને હું એના વાક્યોને પીધા કરું. મેજરને એક છોકરી હતી જેને દેહરાદૂન પરણાવી હતી. લગનના ચાર જ વર્ષ પછી મેજરની વાઈફનું મોત થઈ ગયેલું એટલે મેજરને રજાઓ લઈને અંબાલા જવાનું પણ ગમે નહીં. મુંબઈમાં છ મહિનાની પોસ્ટીંગ પર આવેલા. એમના રાજપૂતાના રાઈફલ્સનો જ એક કેપ્ટન હતો તેણે પોતાના વસઈના ઘરની ચાવી આપી દીધેલી કે, મેજર તમે મારા વસઈના ઘરમાં જ રહેજો. પણ મેજર પાછા આમ તો આર્મી મેન, તે અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ જ વસઈવાળા ઘરે આવે બાકીના દિવસ એની પ્લાટૂન સાથે જ. અને હું એકલી માણસ, લગન-બગનમાં પહેલેથી જ વિશ્વાસ નહીં એટલે આપણે ભલાને આપણી ટીચરની નોકરી ભલી. પણ સાચું કહું, મેજરને મળ્યા પછી ખરેખર એમ લાગેલું કે, લગન કરી લેતે તો ચાલતે!’

‘કેમ આંટી એવું તો શું થયું હતું? મેજર અંકલ ખૂબ હેન્ડસમ લાગતા હતાં?’ મે પપ્પી આંટીને પાનો ચઢાવ્યો. ‘હેન્ડસમ શાનો, એક નંબરનો મુરખ હતો મારો મેજર, એક દિવસ મને કહે, ચાલને આપણે ટ્રેન સિવાય ક્યાંક બીજે મડીએ. પહેલાં તો મેં એને ના જ પાડી દીધી પણ અંદરથી મને પણ મન તો ખૂબ હતું. મને એમ હતું કે, એ મને મનાવશે, મને આજીજી કરશે બહાર કશે મડવા માટે કાલાવાલા કરશે. પણ ગમે તેમ તોય પાછો આર્મીવાળો ખરો ને, તે એકવાર મેં ના પાડી તો બીજીવાર કહ્યું પણ નહીં. મને એટલો ગુસ્સો આવ્યો એના પર, પણ શું કરીએ, મારો વર થોડો ઉતો કે ગુસ્સો કરાય. તે દિવસે ટ્રેનમાં પછી એ કંઈ બોલ્યો જ નહીં. હું પણ ચૂપ જ બેસી રહી. બસ, અને તે દિવસ પછી તો એક અઠવાડિયા સુધી એ આવ્યો જ નહીં. મને તો એટલો ગુસ્સો આવે કે શું કરું. છેક બીજા અઠવાડિયે, સોમવારે આવ્યા ભાઈસાહેબ. મેં તો બરાબરનો લીધો. કંઈ ભાનબાન પડે છે કે નહીં? અહીં માણસ રાહ જોયા કરે તે સમજાય નહીં? તે દિવસે કહેવાનું હતું કે, અઠવાડિયું નથી આવવાનો! બોલ હવે ક્યાં મળવું છે? હાહાઆઆઆ… અકળામણ એટલી થયેલી કે મેં તો ખીજવાતા ખીજવાતા જ સીધું પૂછી લીધું. મેજર તો મને જોતો જ રહી ગયેલો, રિતસર બઘવાઈ ગયેલો એ તો.’ આંટીનો ચહેરો હમણાં લાલ લાલ થઈ ગયો હતો. તેમની આંખોમાં એક અનેરી ચમક આવી ગઈ હતી. મને એમ થયું કે પપ્પી આંટી હમણાં આટલાં વ્હાલા લાગે છે તો આજથી પચ્ચીસ વર્ષ પહેલાં, જ્યારે આ બન્યું હશે ત્યારે તો કેટલાં વ્હાલા લાગતા હશે!

પેલું જૂની પુરાણી યાદોવાળું ફોલ્ડર હવે જાણે લાલ રંગે રંગાઈ ચૂક્યુ હશે એમ મને લાગ્યું, અને આ લાલ રંગનો કમાલ એ હતો કે, હવે હું આંટીને આગળ શું બન્યું એમ પૂછું તે પહેલાં જ તેમણે મારી સામે આગળની વાત માંડી. ‘એક અઠવાડિયા પહેલાં મેજરે મને ક્યાંક બહાર મળવા માટેની ઓફર કરેલી અને મેં ઘસીને ના કહી દીધેલી, પછી એક અઠવાડિયું સુધી તે દેખાયો નહીં એટલે હું તો એવી બ્હાવરી થઈ ગયેલી કે જાણે સત્તર વર્ષની કાચી કુંવારી કોઈ છોકરી હોય. સોમવારે મેં મેજરને વસઈ પર જોયો અને તે ટ્રેનમાં આવ્યો એટલે જ હું તો બરાડી, પણ મેજર મારો એ ગુસ્સો સમજે અને કંઈ જવાબ આપે એ પહેલાં જ તો મેં એને પૂછી લીધું હતું કે, બોલ હવે ક્યાં મળવું છે? મેજર આ સાંભળીને ગાંડો જેવો થઈ ગયો. આર્મીનો માણસ, ડોબાને આપણાં સામાન્ય અને સભ્ય સમાજમાં ડેટ પર જવાની ઓફરનો કઈ રીતે જવાબ અપાય અને શું કરાય તે પણ ખબર નહીં, એણે તો ટ્રેનમાં બધાની સામે જ મને પપ્પી કરી લીધી… બાપ રે, પપ્પી કરી લીધી એણે મને…!’ પપ્પી આંટી હમણાં એ રીતે શરમાઈ રહ્યા હતાં જાણે મેજર અંકલે તેને હમણાં જ પપ્પી કરી હોય. આંખો હાથ વડે ઢાંકી લીધી અને અંદર અંદર હરખાયા કર્યું. મેં પણ થોડોવાર તેમને સમય આપ્યો, જાણે મારી નજર સામે ડોન્ટ ડિસ્ટર્બનું બોર્ડ લાગી ગયું હોય.

તે દિવસે પહેલીવાર, મારી જિંદગીમાં પહેલીવાર મેં સ્કૂલમાં ગૂટલી મારી. પાંત્રીસ વર્ષની ઉંમરે જિંદગીમાં પહેલીવાર હું ડેટ પર જઈ રહી હતી. પણ સાચુ કહું? સ્કૂલમાં ભણતી કોઈ છોકરીને ખોટ્ટા બહાના કાઢીને રજા પાડતા અને ઘરે ખબર પડી ગઈ તો? એ વિચારે જેટલો ગભરાટ થતો હોય ને એટલો જ ગભરાટ તે દિવસે મને થઈ રહ્યો હતો. બહાર કશે મળવા તો જવું છે પણ જઈએ ક્યાં? મુંબઈ તો આખું ભડકે બળતું હતું. અમે તો બોરિવલી ઊતર્યા અને સીધા પહોંચ્યા નેશનલ પાર્ક. પણ બયરું નેશનલ પાર્ક પણ તોફાનોને કારણે બંધ. પણ મેજરનું મેજરપણું તે વખતે કામે આવી ગયું. આર્મીનો ડ્રેસ અને ખભે લાગેલાં સ્ટાર્સ, અમને કોઈ રોકે કઈ રીતે? ટીકીટ પણ લેવાની નહીં, અમે તો પહોંચ્યા નેશનલ પાર્ક. ટ્રેનમાં આટઆટલું બોલતા મેજરની બોલતી સદંતર બંધ થઈ ગયેલી અને હું પણ ચૂપ. અમારા બંનેમાંથી કોઈ કંઈ જ બોલે નહીં. એક કલાક જેવો થઈ ગયો. હવે હું અકળાઈ, મેં કહ્યું, મેજર આમ મૂંગામંતર જ રહેવા ના હતાં તો લાવ્યા શું કામ? કંઈ વાત નથી કરવી? અને મેજર તો જાણે તે દિવસે ગાંડો થઈ ગયો હતો, તેણે તો મને આગળ બોલવા જ નહીં દીધી. બોલું પણ કઈ રીતે, મારા હોંઠ જ એંઠા કરી મેલેલા. બસ, મેજર સાથે મારી એ પહેલી અંગત મુલાકાત. ત્યાર પછી તો અમે એક મહિનામાં ચાર-ચાર દિવસ નેશનલ પાર્ક જતાં. ત્યાંનો સ્ટાફ અને ટ્રેનવાળા પણ અમને ઓળખી ગયેલાં, અમે બોરીવલી ઊતરીએ એટલે બધાને ખબર જ હોય કે, આજે ફરી નેશનલ પાર્કના વૃક્ષોનાં પાંડદા પર પ્રેમની લાલાશ પ્રસરી જવાની.’

‘બસ આટલું જ, દોઢ જ મહિનાનો અમારો પ્રેમ પણ આ દોઢ મહિનો પણ એટલું ભરપુર પ્રેમમયી જીવન લઈને આવેલો કે, હું આજે પણ એ દોઢ મહિનાને બલ્લે બીજા સો વર્ષ જીવી નાખવા તૈયાર છું.’ બસ, અમારા પપ્પી આંટીની પ્રેમ કહાણી આટલેથી જ અટકી ગઈ? મારા મને કહ્યું કે, આમા શું નવું હતું? બીજી બધી હજારો પ્રેમ કહાણી જેવી જ તો છે. નક્કામો સમય વેડફ્યો. પણ મારી અંદરનો લેખક હજીય માનવા તૈયાર નહોતો કે, માત્ર દોઢ મહિનાના પ્રેમને કારણે જ પપ્પીઆંટીને તેનું આ નામ મળ્યુ હોય, એવું તો બને નહીં. નક્કી કંઈક છે જે આંટી મને કહી નથી રહ્યા. મેં આંટીને પૂછ્યું, આંટી પછી શું થયું? ‘પછી શું થયું? કાંઇ નહીં, બસ આ અમારી પ્રેમ કહાણી. તમે લેખક લોકો આમ બધી પ્રેમ કહાનીમાં કોઈને કોઈ ટ્વીસ્ટ જ શોધ્યા કરો કે? કેમ કોઈ પ્રેમ કહાની આમ સાદી સીધી નહીં હોય?’ ‘ના આંટી એવું નથી. પણ નક્કી કોઈક કહાની તો છે જ કદાચ તમે કોઈ જૂદા ફોલ્ડરમાં સેવ કરી હશે. કહોને પ્લીઝ, હું સાંભળ્યા વિના આજે અહીંથી જવાનો નથી. એટલાંમાં બારણે પોસ્ટમેન આવ્યો અને એક ખાખી કવર આંટીના હાથમાં મૂકતા બોલ્યો, ‘માજી અહીં સાઈન કરો.’ આંટીએ કવર લીધું અને એક્નોલેજમેન્ટ પર સહી કરી આપી. આંટી માટે જાણે આ કવર કોઈ નવું નહોતું એમ મને લાગ્યું, તેમણે કવર પરનું એડ્રેસ કે કવરમાં શું છે તે પણ જોયું નહીં અને ગાદી નીચે મૂકી દીધું.

‘આખા મુંબઈમાં હું એક માત્ર એવી હતી કે જેને મુંબઈના તોફાન બંધ થઈ ગયાનો અફસોસ થયો હશે! તોફાન બંધ થયા અને મારા મેજરની જેસલમેર પોસ્ટીંગ થઈ ગઈ. તે દિવસે પહેલીવાર એક આર્મી મેનને મેં રડતાં જોયો હતો, મને ભેટીને તે એટલો રડ્યો કે વાત નહીં પૂછ, જાણે હું મા ને એ મારા ખોળામાં સૂતેલો મારો પોર્યો. ક્યાં જવાનું છે હવે? મેં પૂછ્યું, તેણે કહ્યું, જેસલમેર. અને ખબર નહીં મને શું થયું, તે અચાનક હું પણ રડી પડી. બાકી આમ હું રડું નહીં.’ મારો મેજર ચાલી ગયો, દોઢ મહિનાના એ સોનેરી સમયની લાખેણી યાદો આપીને ચાલી ગયો, હું તેનાથી નહીં પણ તેના જવાની વાતથી એટલી નારાજ હતી કે તેને છેલ્લે, તે જવાનો ત્યારે સ્ટેશન પર મૂકવા પણ નહીં ગઈ. પછી તો ૯૯માં કારગીલ યુધ્ધ થયું અને મારો મેજર તેમાં…’ મેજરનું નામ પડતાં જ લાલ-લાલ થઈ ગયેલા પપ્પી આંટી ઉદાસ થઈ ગયા. ભારત-પાકિસ્તાનનું એ યુધ્ધ પપ્પીઆંટીના મેજરને ભરખી ગયું હતું.

પણ એટલાંમાં તો આંટી ફરી ગેલમાં આવી ગયા, પેલું હમણાં જ પોસ્ટમેન જે કવર આપી ગયો હતો તે કવર મારા હાથમાં મૂકતાં કહે, ‘જો આ જો, મેં કહ્યું હતું ને કે મારો મેજર ગાંડો જ છે. એ દોઢ મહિનાના સમયની પાછળ તે બુધ્ધિવગરના એ પોતાની આખી મિલકત ખર્ચી નાખી. અમે બંને પ્રેમલા-પ્રેમલી હતા એવું પણ નહીં શકાય એટલો ટૂંકો સમય ગાળ્યો હતો અમે સાથે, છતાં તેણે અંબાલાનું તેનું ઘર અને બધી મિલકત મારા નામે કરી દીધી. જોવાની વાત તો એ કે પાછી દેહરાદૂનમાં રહેતી તેની દીકરીને પણ આ વાતનો કોઈ વાંધો નહોતો. મેજરે જેસલમેર જઈને તરત જ તેની દીકરી આર્યાને બધી વાત કરી દીધેલી, તો એ પણ મેજર જેવી જ ગાંડી, બીજા પોર્યા હોય તો બાપને વઢે કે નહીં? પણ આર્યા તો અમારું આ ચક્કર સાંભળીને ઊછળી પડી. બીજા જ અઠવાડિયે મુંબઈ આવી, મને પગે લાગી અને બાપની જેમ જ મને ગાલે પપ્પી કરતાં કહે, મારા વ્હાલા પપ્પાની પપ્પી! હું તો પાણી પાણી થઈ ગઈ. બસ ત્યારથી બધા મને પપ્પીઆંટી, પપ્પીઆંટી કહ્યા કરે. આ દર મહિને અંબાલાથી મેજરના બેંક એકાઉન્ટનું સ્ટેટમેન્ટ આવે, તેને જોઈને હરખાયા કરું. છ મહિને હું, આર્યા અને તેનું ફેમિલી અંબાલાના મેજરના ઘરે ભેગા થઈએ, છ મહિનાના જમા થયેલા પૈસાને હું વળી પાછી ત્યાં જ આર્યાના પોર્યાઓના નામે એફડી કરી આવું અને દસ-બાર દા’ડા બધાં મજાથી રહીએ પછી એ લોકો વળી પાછા દેહરાદૂન ભણીને આપણે આપણાં મુંબઈ ભણી.

મેં મનોમન કહ્યું, ‘તમારી વાત સાચી છે પપ્પી આંટી દરેક પ્રેમ કહાનીમાં ટ્વીસ્ટ હોવો જ જોઈએ એવું જરૂરી નથી, ક્યારેક કોઈ લવ-અફેરનું ચક્કર સાદી-સીધી પ્રેમ કહાણી પણ હોય શકે.’

લેખક : આશુતોષ દેસાઈ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

 

Leave a comment