“સાબિતીની જરૂર વગરના સંબંધ” – ખુબ લાગણીસભર વાર્તા છે મિત્રો તમારી આંખો છલકાઈ જશે..

30

અનંત રોજની જેમ બાઇક પર એકલો પોતાના રૂમ પર જઇ રહ્યો હતો. આકાશ કાળા ડિબાંગ વાદળોથઈ છવાયેલું હતું. ધોધમાર વરસાદ હમણાં જ શરૂ થઈ જશે એવું લાગી રહ્યું હતું. ‘રૂમની બહાર પોતાના હાથે ધોઈને સુકવેલા કપડાં જો સમયસર નહીં લેવાય તો ભીના થઈ જશે’, ‘વળી રેઇનકોટ આજે ભૂલી ગયો હોઈ રસ્તામાં જ આખેઆખો પલળી જઈશ’ વગેરે વિચારોથી એનું મન ઘેરાતું જતું હતું. એની કંપનીથી એનો રૂમ પંદરેક કિલોમીટરના અંતરે હતો. દુર્ગમ કહી શકાય એવા રસ્તામાં ત્રણેક નાના નાના ગામ આવે અને પછી એનો નાનું શહેર કહી શકાય એવા મુકામે રૂમ. રૂમ એટલા માટે કે એ એકલો જ રહેતો હતો.

માબાપ, ભાઈ બહેન જેવા શબ્દો સાથે એને દૂર દૂર સુધી કોઈ નાતો નહિ.! હજી સુધી એને એક વાતનો જવાબ નહતો મળ્યો કે એવી શું મજબૂરી હશે એના માબાપની કે દીકરો હોવા છતાં એક અનાથાશ્રમના બારણે તરછોડી ગયા.?નામ ઠામ કે અટક ખબર નહતી એટલે પોતાને પોતે જ અનંત નામ આપ્યું અને અટક તરીકે અનાથી લખાવતો! એનામાં ખુદ્દારી અને ખુમારી નાનપણથી જ ઠસોઠસ ભરેલી, કોઈ પાસે હાથ લંબાવવો નહીં અને કોઈને મદદ કરવામાં પાછી પાની કરવી નહીં! અનાથાશ્રમમાં રહીને દસમા ધોરણ સુધી સરકારી શાળામાં ભણ્યો અને પછી આઇટીઆઈ કરીને એક ખાનગી કંપનીમાં જોડાયો. સાંજે સમય મળે ત્યારે કોઈ છૂટક કામ કરીને પગાર ઉપરાંત કમાઈ લેતો.હપતેથી બાઇક ખરીદ્યું.

હવે જીવનમાં પોતે કોઈના આવવાની કે જવાની રાહ જોવાની તો હતી નહીં એટલે એણે રોજનો એક નિયમ બનાવ્યો હતો કે બાઇક પર આવતા જતાં રસ્તામાં જે કોઈ વાહનની રાહ જોતું મળે એને બાઇક પર સાથે લઈ લેવું અને નિશ્ચિત જગ્યાએ છોડીને જ કંપનીએ જવું. કદાચ કોઈના આશીર્વાદ ફળે અને ક્યાંક એના માબાપ મળી જાય એટલો જ એનો સ્વાર્થ.!

આજે પણ માથે ઘનઘોર વરસાદ હતો અને છતાંય ચાલુ બાઈકે એની આંખો રોડની સાઈડમાં ફરતી હતી કારણ કે આવા વખતે જ કોઈ ફસાયું હોય તો એને મુકામે પહોચાડવામાં પોતે મદદરૂપ થઇ શકે. થોડો આગળ ગયો હશે ત્યાં એણે બિલકુલ રોડની ફૂટપાથ પર ઉભેલી એક સાઈઠ વર્ષની સ્ત્રી જોઈ. અંધારું ઝાંખું હતું એટલે હેડલાઈટના સહારે એણે એ સ્ત્રીને જોઈ. કપડાં પરથી કોઈ વ્યવસ્થિત ઘરની હોય એવું એણે ધાર્યું. ઝરમર ઝરમર વરસાદ શરૂ થઈ ચૂક્યો હતો.

અનંતે બાઇક એમની પાસે જઈને ઉભું રાખ્યું.

“કશે આવવાનું છે માસી? બાઇક પર મૂકી જાઉં જવું હોય તો!?”
પણ સામેથી કોઈ જવાબ ન આવ્યો. વરસાદનું જોર ધીમે ધીમે વધી રહ્યું હતું એટલે અનંતે હોર્ન માર્યું અને પેલી સ્ત્રી સફાળી ઝંઝોળાઇ.
એ એટલી બધી વિચારમગ્ન હતી કે એણે અનંતને નજીકમાં ઉભેલો હમણાં જ અનુભવ્યો.

“શું? શું જોઈએ છે તમારે..? મારી પાસે કોઈ રૂપિયા કે કિંમતી સામાન નથી”, ડરેલા અવાજે એ બોલી. એને લાગ્યું કે આ કોઈ હેલ્મેટધારી ગુંડો હશે. અને સ્વાભાવિક છે કે આવા દુર્ગમ રસ્તા પર આટલા અંધારે એક વ્યવસ્થિત કુટુંબની સ્ત્રી આવું જ વિચારે.

“અરે માસી હું એમ કહું છું કે તમારે આગળ કશે જવાનું છે? તો હું લેતો જાઉં. હું કોઈ ચોર લૂંટારો કે ડાકુ નથી. રોજ આ જ રસ્તે આવું છું”
અનંતના અવાજમાં રહેલી નિર્દોષતા એ પારખી ગઈ એટલે એને મનમાં હાશ થયું.

“આ કયો વિસ્તાર છે ભાઈ? હું ક્યાં છું અત્યારે?”
“એ બધું હું તમને રસ્તામાં કહું છું. હું નજીકના શહેરમાં જ રહું છું. હમણાં વરસાદમાં અને આટલા અંધારે જેટલા બને એટલા જલ્દી અહીંથી નીકળવું જોઈએ”, અનંતે કહ્યું.

એ સ્ત્રી કશું બોલ્યા વગર પાછળ બેઠી. અનંતે ગાડી શહેર તરફ મારી મૂકી.

“તમે નવા છો અહીં?”, અનંતે હેલ્મેટનો ગ્લાસ ઊંચો કરીને પૂછ્યું.
“હા”, કશુંક છુપાવતી હોય એમ લાગ્યું.

“તો રહેવાનું ક્યાં? અને અહીં કેમ આવ્યા છો? ઘરના સભ્યોને કશું ખબર છે કે તમે અહીં છો?”
“એ લોકો જ મને અહીં મૂકી ગયા”
“એટલે?”

“મારો દીકરો અને મારી વહુ મને ફરવા જવાનું કહિને ગાડીમાં લઈને નીકળ્યા હતા. હું હમણાં જ્યાં ઉભી હતી ત્યાં ગાડી બગડી એટલે અમે નીચે ઉતર્યા અને મને થોડે દુર ઉભા રહેવાનું કહીને મારી નજર સામે એ બંને ગાડી લઈને ક્યાંક નીકળી ગયા”, એના અવાજમાં કરુણતા હતી.

અનંતને પારાવાર દુઃખ થયું.થોડી વાર કોઈ કશું બોલ્યું નહિ. શહેર આવ્યું અનંતે પોતાના રૂમ પાસે બાઇક ઉભી રાખી.

પેલી સ્ત્રી પણ ઉતરી અને અનંતને કહ્યું, “ભગવાન તારા જેવા દીકરા સૌ માબાપને આપે, બેટા”
“ના! મારા જેવા દીકરા ભગવાન કોઈને ભૂલથીય ન આપવા જોઈએ માસી”
“કેમ?”
“હું પણ તમારી જેમ જ એક અનાથ આશ્રમમાં તરછોડાયેલો છું”

એક મા અને એક દીકરો એકબીજાની સામે અવાક બની તાકી રહ્યા.

લેખક : ભાર્ગવ પટેલ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment