બ્લૉકેજ હોય ત્યારે શું કરાવશો? ઍન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ સર્જરી?

61

જોકે આવા સમયે સ્ટેન્ટ મુકાવીને ઍન્જિયોપ્લાસ્ટી કરાવવી કે બાયપાસ સર્જરી કરાવવી એ એક મહત્વનો નિર્ણય હોય છે. આ નિર્ણય કેવળ ડૉક્ટરો નથી લેતા, તેઓ દરદીનો કે તેના પરિવારનો મત પણ માગતા હોય છે. આવા સમયે એ નિર્ણય કઈ રીતે લેવો એ આજે જાણીએ.

સાઉથ મુંબઈના સધ્ધર પરિવારમાં બાવન વર્ષનાં સવિતાબહેનને માઇનર હાર્ટ-અટૅક આવ્યો. આખો પરિવાર તાત્કાલિક તેમને હૉસ્પિટલમાં લઈ ગયો. ડૉક્ટરે તપાસીને કહ્યું કે અટૅક તો નાનકડો હતો, પરંતુ બ્લૉકેજ ઘણું ફેલાયેલું દેખાઈ રહ્યું છે. ત્રણ જુદી જુદી જગ્યાએ બ્લૉકેજ છે. એક જ નળીમાં બે બ્લૉકેજ છે અને એની પાસેની નળીમાં ત્રીજું. ડૉક્ટરે દરદીને વ્યવસ્થિત સમજાવ્યું કે આ પરિસ્થિતિમાં જો દવાઓ પર જ રહ્યાં તો મેજર અટૅક આવવાની શક્યતા ૫૦ થી ૬૦ ટકા જેવી રહે. માટે જરૂરી છે કે કોઈ તો પ્રોસીજર કરવી જ રહી જેમાં બે ઑપ્શન છે, એક સ્ટેન્ટ નાખવી હોય તો એ અને બીજો બાયપાસ સર્જરી. તમને શું કરવું છે એ નિર્ણય લઈ લો. પરિવારના લોકોએ ડૉક્ટરને પૂછ્યું કે આમાં શું કરાય તો ડોક્ટરે કહ્યું કે બન્ને કરાવી શકાય. સ્ટેન્ટમાં ઓછી પ્રોસીજર છે અત્યારે ઍન્જિયોગ્રાફી તો કરી જ છે એની સાથે ઍન્જિયોપ્લાસ્ટી થઈ જશે અને બાયપાસ એક સર્જરી છે. ઘરના લોકોને પણ લાગ્યું કે ઓછી પ્રોસીજરવાળી વસ્તુઓ કરાવો તો સારું. સવિતાબહેન તો એટલાં ગભરાઈ ગયાં સર્જરીનું નામ સાંભળીને કે તેમને લાગ્યું કે કંઈ જ નથી કરાવવું. ડૉક્ટરે તેમને વ્યવસ્થિત માહિતી આપી પછી તે તૈયાર થયાં.

ડૉક્ટરે સમજાવ્યું કે સવિતાબહેનને ત્રણ સ્ટેન્ટની જરૂર પડશે. આ ત્રણ સ્ટેન્ટ લગાવવાનો અને બાયપાસ સર્જરીનો ખર્ચ લગભગ સરખો હતો. ઊલટું સ્ટેન્ટનો ખર્ચ વધી જતો હતો, પરંતુ સવિતાબહેન અને તેમના પરિવારને ખર્ચ કરતાં એ વધુ યોગ્ય લાગ્યું કે પ્રોસીજર કરવી નહીં પડે એટલે તેમણે સ્ટેન્ટ નખાવવાનું જ પસંદ કર્યું. એક વર્ષ તો વાંધો ન આવ્યો, પરંતુ દોઢ વર્ષમાં જે જગ્યાએ સ્ટેન્ટ હતી એ જ નળીમાં બાજુમાં બીજું બ્લૉકેજ ઊભું થઈ ગયું અને ફરી સ્ટેન્ટ નખાવવાની જરૂર ઊભી થઈ. ઘરમાં પ્રસંગ હતો એટલે સવિતાબહેને એક મહિનો સ્ટેન્ટ વગર જ કામ ચલાવવાનું કહ્યું. એક મહિના પછી ઍન્જિયોગ્રાફી ફરી કરવામાં આવી ત્યારે ખબર પડી કે એક નહીં, બીજી બે જગ્યાએ સ્ટેન્ટ નાખવી પડશે. આ વખતે સવિતાબહેનને ડૉક્ટરે કહ્યું કે હવે તમે સ્ટેન્ટ રહેવા દો અને સર્જરી જ કરાવી લો. આમ ઍન્જિયોપ્લાસ્ટીના આશરે દોઢ વર્ષ પછી ફરીથી તેમણે બાયપાસ કરાવી. હવે તે ઠીક છે.

બ્લૉકેજ હોય ત્યારે 

હાર્ટ-અટૅક અને હાર્ટમાં બ્લૉકેજ આ બન્ને શબ્દો જાણે કે અત્યંત સામાન્ય થઈ ગયા છે. દરેક પરિવારમાં એક તો હાર્ટ-પેશન્ટ જોવા મળતો જ હોય છે. આ બાબતે વાત કરતાં વૉકહાર્ટ હૉસ્પિટલના કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. પ્રતીક સોની કહે છે, ‘જો અમુક ચિહ્નોને ઓળખી શકાય તો બ્લૉકેજને અટૅક આવતાં પહેલાં જ ઓળખી શકાય છે, પરંતુ જે લોકો ચિહ્નો ઓળખતાં નથી તેમને અટૅક આવે છે. હાર્ટ-અટૅકનું કારણ હાર્ટની નળીમાં આવતું બ્લૉકેજ છે જેને લીધે હાર્ટને લોહી પૂરુંં પહોંચતું નથી અને હાર્ટ-અટૅક આવે છે. અટૅક આવે તો ભવિષ્યમાં ફરીથી અટૅક ન આવે એ માટે બ્લૉકેજને હટાવવું જરૂરી છે. જો અટૅક આવતાં પહેલાંથી જ ખબર પડી જાય કે બ્લૉકેજ છે તો એ બ્લૉકેજને હટાવી અટૅકને આવતો રોકી શકાય છે. આ બ્લૉકેજને હટાવવા માટે આપણી પાસે અત્યારે બે પ્રકારની પ્રક્રિયા છે. એક સ્ટેન્ટ વાપરીને કરાતી ઍન્જિયોપ્લાસ્ટી અને બીજી બાયપાસ સર્જરી.’

બન્નેમાં તફાવત

મોટા ભાગે સવિતાબહેનના કેસમાં જેમ થયું એમ ડૉક્ટર બ્લૉકેજ હોય ત્યારે તમને ચૉઇસ આપે છે કે તમારે ઍન્જિયોપ્લાસ્ટી કરવી છે કે બાયપાસ સર્જરી. આ બન્ને વિશે સાધારણ રીતે સમજીએ તો ઍન્જિયોપ્લાસ્ટીમાં જે નળીમાં બ્લૉકેજ છે એ નળીમાં બલૂન વાપરીને જગ્યા કરવામાં આવે છે અને એ બ્લૉક થઈ ગયેલી નળી પર સ્ટેન્ટ બેસાડવામાં આવે છે જેનાથી બ્લૉકેજ ખૂલી જાય છે અને લોહી સરળતાથી પસાર થઈ જાય છે. બાયપાસ સર્જરીમાં જે નળી પર બ્લૉકેજ હોય છે એ નળી પર કંઈ ખાસ કરવામાં નથી આવતું, પરંતુ એની બાજુમાંથી એક બીજી નળી પસાર કરવામાં આવે છે જે જરૂરી લોહી હૃદય સુધી હોંચાડે છે. આમ ભવિષ્યમાં જે નળી બ્લૉક છે એ વધુ બ્લૉક થાય તો પણ હાર્ટને અસર નથી પહોંચતી.

ભવિષ્યમાં અટૅક આવવાની શક્યતા 

ઘણા લોકોને લાગે છે કે ઍન્જિયોપ્લાસ્ટી થઈ છે કે બાયપાસ સર્જરી કરી છે તો હવે ભવિષ્યમાં અટૅક ન આવી શકે. એ હકીકત નથી. એ વિશે સમજાવતાં ડૉ. બિપિનચંદ્ર ભામરે કહે છે, ‘ઍન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ સર્જરી ભવિષ્યમાં આવનારા અટૅકનું રિસ્ક ઘટાડે છે, પરંતુ રિસ્કને ખતમ નથી કરતી. રિસર્ચ સાબિત કરી ચૂક્યાં છે કે જો તમે મેડિસિન પર હો તો બીજો અટૅક આવવાની શક્યતા ૧૨-૧૫ ટકા જેટલી રહે છે. જો ઍન્જિયોપ્લાસ્ટી કરાવી હોય તો આ શક્યતા ૬-૭ ટકા જેટલી રહે છે અને બાયપાસ સર્જરી કરાવી હોય તો આ શક્યતા ૧-૨ ટકા જેટલી રહે છે. આમ શક્યતા કે રિસ્ક ઘટાડી શકાય છે, પરંતુ એ સાવ દૂર કરી શકાતાં નથી.

ક્યારે બાયપાસ અને ક્યારે ઍન્જિયોપ્લાસ્ટી?

જ્યારે એ ઑપ્શન આવે કે ઍન્જિયોપ્લાસ્ટી કરવી છે કે બાયપાસ સર્જરી ત્યારે ડૉક્ટરો કઈ રીતે નિર્ણય લેતા હોય છે અને જો એ દરદી પર નિર્ણય છોડવામાં આવે તો દરદીએ શું કરવું એનું માર્ગદર્શન આપતાં સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના કાર્ડિઍક સજ્ર્યન ડૉ. બિપિનચંદ્ર ભામરે કહે છે, ‘મોટા ભાગે જો એક જ નળીમાં બ્લૉકેજ હોય તો ડૉક્ટર સૂચવતા હોય છે કે સ્ટેન્ટ લગાવી શકાય. અને એ હકીકત છે કે એક જ નળીમાં એક કે બે બ્લૉકેજ હોય તો સર્જરી સુધી જવાની કોઈ ખાસ જરૂરત નથી હોતી. આ પરિસ્થિતિમાં ઍન્જિયોપ્લાસ્ટી જ બરાબર છે. જો બ્લૉકેજ એકથી વધુ નળીમાં ફેલાયેલું હોય તો સ્ટેન્ટ લગાવવાની સલાહ ડૉક્ટરો નથી આપતા. આવા સમયે બાયપાસ કરાવવી વધુ યોગ્ય છે. આ સિવાય જો હૃદયની મુખ્ય ધમનીમાં જ બ્લૉક હોય તો પણ ડૉક્ટર મોટા ભાગે બાયપાસ કરવાનું જ સૂચવે છે, કારણ કે એ મેજર પ્રૉબ્લેમ ગણવામાં આવે છે. બીજી એક તકલીફ એ છે કે જેના શરીરમાં બ્લૉકેજ છે એનો અર્થ એ કે તેના શરીરની ટેન્ડન્સી એવી છે કે વધુ બ્લૉકેજ બની શકે છે. મોટા ભાગે અમારો અનુભવ એ કહે છે કે જે વ્યક્તિ સ્ટેન્ટ નખાવે છે એને એક-દોઢ વરસની અંદર ફરીથી બીજા બ્લૉકેજને કારણે સ્ટેન્ટ નખાવવી પડે છે. આમ જોવા જઈએ તો એ આ જ કારણે મોંઘી પણ પડે છે. જ્યારે એક વખત બાયપાસ સર્જરી કરી તો એ વ્યક્તિ બીજાં ૧૦-૧૫ વર્ષ માટે ફ્રી થઈ જાય છે. વળી બાયપાસ સર્જરીનો સક્સેસ રેટ લગભગ ૯૯ ટકા કહી શકાય. આમ રિસ્ક ફૅક્ટર ઘણું જ ઓછું ગણી શકાય.’

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment