મા વિનાના દિકરાને સાચવી રહ્યો હતો એ પિતા, એકદિવસ અચાનક થયો દિકરાને છાતીમાં દુખાવો…

36

હું અને પપ્પા આજે ઘર માટે થોડા છોડ અને થોડી માટી લેવા નર્સરીએ આવ્યાં. આજે મારો જન્મદિવસ એટલે ઘરમાં થોડા છોડ રોપવાની ખુશી મને પણ એટલે મે પણ મારા હાથેથી જ માટીની કોથળી ભરી. પપ્પાએ સરસ સરસ ગુલાબ વગેરેના છોડ લીધા અને અમે ઘરે આવ્યાં. મે માટી પાથરી અને પપ્પાએ છોડ રોપ્યા.
છેલ્લા ત્રણ વર્ષથી હું ને પપ્પા એકલા થઈ ગયાં કેમ કે મમ્મીનું એક અકસ્માતમાં મૃત્યુ થયું’તું. ઘરનું બધું કામ પપ્પા કરે અને હું કયારેક મદદ કરું. મારે દસમાં ધોરણની એકઝામ નજીક હતી એટલે હું થોડો વાંચવામાં ગુંચવાયો અને પપ્પા ઓફિસવર્કમાં.

બહુ સારી ન કહી શકાય પણ એકઝામ પુરી થઈ એની ખુશી હતી. હવે મારે વેકેશન. પણ વેકેશનમાં પપ્પા ચાલ્યા ગયા બે મહિનાની ઓફીસ ટ્રીપ પર. અને હું ઘરે એકલો. મારી જમવાની વગેરે વ્યવસ્થા પપ્પા કરીને ગયા, એક માસી આવતા જે ઘરનું બધું કામ કરી જતા અને ઘર ચોખ્ખું રાખતા. મારા મિત્રો મારા ઘરે જ સુઈ જતા જેથી મને એકલું ન લાગે.પપ્પા રોજ છોડવાને પાણી પીવડાવતાં અને એમની સાથે થોડો સમય વિતાવતાં. કાતર લઈ વધેલાં પાંદડા અને નકામું ઘાસ વગેરે કટિંગ પણ કરતાં. હું કયારેક મદદ કરવા પહોંચી જતો.

આખો દિવસ હું ઘરે એકલો, કયારેક બહાર ચક્કર લગાવી આવું નહિતર ટીવી જોયા કરતો. માસી જમવાનું અને રસોઈ બનાવી નીકળી જતા. અને રાતે મિત્રો સાથે મહેફિલો જામતી. ધીરે ધીરે મહેફિલમાં મિત્રોની સંખ્યા વધવા લાગી.એક દિવસ તો નવ જેટલા મિત્રો મારે ત્યાં રોકાયા, અમે ફૂલ મસ્તી ધમાલ કરી. અને હા, સિગારેટ અને બિયર પણ મહેફિલમાં સાથે હતાં. સૂર્ય બરાબર માથે આવે એ પહેલા ઉઠી જતો અને હું પણ પપ્પાની જેમ છોડવાને દરરોજ પાણી પીવડાવતો અને મને ગમતાં છોડ સાથે વાતો પણ કરતો. ક્યાં છોડનું શું નામ? એમાં આપણને ટપ્પા ન પડે. જે ‘મનને ગમી જતું ત્યાં મન ખોલી દેવાનું’ એજ આપણો નિયમ.

એક દિવસ હું મિત્રો સાથે ‘વન ડે ટ્રીપ’ પર ગયો’તો અને માસીને કહેતા ભૂલી ગયો એટલે માસીએ તરત પપ્પાને ફોન કરેલો. તે દિવસે પપ્પાને બહાનું કરી મનાવી લીધા.મિત્રો સાથે રોજ સિગારેટ, કયારેક ક્યારેક બિયર અને ફૂલ નાઈટ મુવી જોવાની લત લાગી ગઈ. સવારે ફરી ‘રામ’ બની જવાનું. માસી આવે એ પહેલા વધી ગયેલા મિત્રો અને સિગારેટ વગેરેને બહાર મોકલી દેતો. આ ટેવ હવે આદત બની ગઈ. દસ દિવસ પછી પપ્પા આવવાના હતાં એટલે મારે હવે સતર્ક થઈને મહેફિલ કરવાની. એટલે વધી ગયેલા મિત્રોને ના પાડી. રાતે ચાલવા જતા ત્યાં જ સિગારેટ ફૂંકી આવતાં. ઘરમાં હવે બધું બંધ. દિવસમાં ત્રણ વાર છોડવાને પાણી પીવડાવતો. મને ગમતું છોડ ઝડપથી વધી રહ્યું હતું. એટલે મને બહુ ગમતું. હું એની સાથે રાતે કરેલી ધમાલની વાતો કરતો અને કયારેક માસી ન હોય તો તેની પાસે બેસીને સિગારેટના ધુવાડા પણ છોડતો. આ બે મહીનામાં હું સાવ બદલાય ગયો. અંદરથી સિગારેટ શોખીન, પાર્ટી લવર અને લેટ નાઈટ મુવી જોવાવાળો અને બહારથી પ્રતિષ્ઠિત પપ્પાનો એકનો એક પુત્ર.

“કેમ છે બેટા?, બે મહીનામાં તો તારો આકાર અને પ્રકાર બન્ને બદલાય ગયાં. લાગે છે માસીએ બહુ ખવડાવ્યું લાગે…” આમ કહી પપ્પા મને ભેટયા. અમે થોડીવાર વાતો કરી અને પછી પપ્પા સુઈ ગયા. મુસાફરીનો થાક એમને હતો અને મહેફિલનો થાક મને. હું અગાસી પર ગયો એક સિગારેટ પીધી. મિત્રોની યાદમાં એક વધારે પીવાય ગઈ. નીચે આવી હું પણ ઘોટાય ગયો.

“અરે બેટા, આ શેનું ઝાડ છે? અને આપણા ઘરમાં ક્યાંથી?” હું ને પપ્પા ઝાડને પાણી પીવડાવતા હતા. “પપ્પા, ખબર નહિ. પણ મને બહુ ગમે છે. એમનો ઘાટો લીલો કલર એમનો આકાર. એટલે હું એને વધુ પાણી પીવડાવતો અને સાથે બેસી વાતો પણ કરતો.” જવાબ સાંભળી પપ્પા થોડા ડરી ગયા. “સારું દીકરા, હવે એ બહુ મોટું થઈ ગયું. હવે એને ન પાણી આપતો કે ન એમની સાથે વાતો કરતો. આજે હું એક તુલસીનો છોડ લઈ આવ્યો. એ અહીંયા બધાથી નોખો રોપુ છું. એની જવાબદારી હવે તારી. તુલસીજી તારા બેસ્ટ ફ્રેન્ડ બની જવા જોઈએ.

એક દિવસ અચાનક મને છાતીમાં દુખાવો શરૂ થયો. પપ્પા મને હોસ્પિટલ લઈ ગયાં. પપ્પાની આંખ ભીની હતી. મને ડર હતો કે પપ્પાને અમારી મહેફિલની જાણ થઈ જશે તો?. અને હકીકતે એવું જ બન્યું. મેં છેલ્લા ઘણા દિવસોથી સિગારેટ નહોતી પીધી જેને લીધે છાતીમાં દુખાવો થયો. એકાએક વ્યસન બંધ કરો તો પણ શરીરને નુકસાન થાય. અને એવું જ થયું. ધીરેધીરે દવાઓ પુરી થઈ અને હું ગંભીર પરિસ્થિતિમાંથી બહાર આવ્યો. પપ્પાનાં હૃદયમાં શાન્તિ થઈ. બીજે દિવસે સવારે પપ્પા મને પેલા ઝાડ પાસે લઈ ગયા…

“બેટા, વૃક્ષો આપણા મિત્રો છે. અને જેવા મિત્રો એવાં આપણે. તારી ઉંમર અત્યારે આ વૃક્ષ જેવી છે. અવકાશ મળે અને પાણી પણ મળે તો તરત ઊગી નીકળે. તું છેલ્લા બે મહિનાથી જેની સાથે વાતો કરતો ને એ છે ‘જંગલી ઝાડ.’ દીકરા, આને ઘરમાં ન રખાય. તે તો આને ઉછેર્યું. જંગલી ઝાડ એ માણસની જંગલી વૃત્તિનું પ્રતીક છે. તે આપમેળે ઊગી નીકળે. સંસ્કારો રોપવા પડે. તે જે અલગથી માટી ભરી’તીને, આ એનું ફળ છે.હું બહાર ગયો એટલે તને અવકાશ મળ્યો, વળી, તે આ ઝાડનું પોષણ કર્યું એટલે તારામાં પણ એ ઝાડ ઊગી નીકળ્યું અને તારા મિત્રો એ પાણી પાયું. એમાં મિત્રોનો કોઈ દોષ નથી. તે ના ન પાડી એટલે જ તારા હાથમાં સિગારેટ આવી…..” પપ્પા મને ગંભીર બની એને અનુભવેલી જીવનની ગીતા સમજાવતા હતા અને હું સાચે જ અર્જુન બન્યો હતો.

“દીકરા, બધાના જીવનમાં જંગલી ઝાડનો સમય આવે છે પણ સમયસર તુલસીજી રોપી દઈએ એટલે બધું બરાબર.” પપ્પાએ મારા ખંભા પર હાથ રાખ્યો અને મારી નજીક આવીને બોલ્યાં.

“દીકરા, તારી પાસે હજારો મિત્ર હશે જિંદગી પુરી કરવા માટે પણ મારી પાસે જીવવાનું કારણ તું એક જ છો. હવે કોઈ અકસ્માત મારા જીવનમાં આવે એવું હું નથી ઇચ્છતો.બાકી તું સમજદાર છો… સિગારેટ પ્રિય કે પપ્પા?”
ચારેય આંખોમાં વરસાદ વિના જ તળાવ ભરાય ગયું. “જે પોષતું તે મારતું” હું એ ઝાડ પાસે ગયો અને મૂળમાંથી ઉખેડી નાખ્યું સાથે મારા હૃદયમાંથી પણ.

આ વાતને બે વર્ષ જેટલો સમય હવે વીતી ગયો’તો. તુલસીજી અમારા ઘરની શોભા વધારે અને મારી બેસ્ટ ફ્રેન્ડ પણ બની ગયા. પપ્પાની ઓફીસ હવે મારી હતી. પપ્પા એસીવાળી ઓફિસમાં બેસતા અને હું ફિલ્ડ વર્ક કરતો.
પપ્પાએ શીખવેલી ગીતા આજે પણ મારા ખિસ્સામાં જ રાખું છું. ” કદાચ અજાણતા જ જો કોઈ ખરાબ આદત આપણાથી પોષાય જાય, તો આપણે જ એને મારવી પણ જોઈએ.”

જેમ કે, “જંગલી ઝાડ”

લેખક : જયદેવ પુરોહિત

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment