“પચીસમો છોકરો” – કલ્પનાબેન દેસાઈની ખુબ સુંદર વાર્તા…

84

‘નીના બેટા લે, આ છોકરાનો ફોટો અને એનો બાયોડેટા છે. તું બરાબર જોઈ લે, વિચારી લે અને જો તને પસંદ પડે ને તારી હા હોય તો આપણે એ લોકોને મળવાનું ગોઠવીએ. શાંતિથી બે દિવસ લે જોઈએ તો, કોઈ ઉતાવળ નથી.’
‘ઓ કે પપ્પા, હમણાં તો હું બહાર જાઉં છું એટલે મારી ફાઈલમાં બધું મૂકી દઉં છું, પછી આવીને નિરાંતે જોઉં.’

બાપ–દીકરીની વાતો સાંભળીને ટીવી જોતી સુપ્રિયાએ નિ:સાસો નાંખ્યો. ‘કોણ જાણે કયો મોટો રાજકુમાર આ રાજકુમારી માટે આવવાનો છે, સમજ નથી પડતી. આ પચીસમા છોકરાની ફાઈલ બનશે હવે. ફોટાને ધારી ધારીને જોવાશે, બાયોડટાની દરેક વિગતની સામે દસ–દસ સવાલો ગોઠવાઈ જશે, પાણીમાંથી પોરાં નીકળશે અને હજાર વરણાગી કરીને આખરે નન્નો ભણી દેવાશે. મારી તો હવે અક્કલ જ કામ નથી કરતી. દર બે ચાર દિવસે એક નવા છોકરાની ઓફર! અરે, મને તો એ નવાઈ લાગે છે કે, હજીય આના માટે ઓફર આવે છે! છેલ્લા બાર વરસથી છોકરાને શોધવાનું, જોવાનું, મળવાનું, નાણવાનું ને ના પાડવાનું આ બેનબાનું નાટક ચાલે છે. એના બાપમાં જ અક્કલ નથી. આજ સુધીમાં તો કેટલાય સારા વર ને ઘર બંનેય મળ્યા જ હતાં ને? આપણી છોકરીય કઈ બત્રીસ લક્ષણી છે?

પહેલો છોકરો જ કેટલો સરસ હતો. ત્યારે તો નીનાય રૂપાળી લાગતી. રૂપાળી તો આજેય છે, કોણ ના પાડે છે? પણ દસ વરસનો ફેર પડે કે નહીં? પાછાં બેનબાએ બેઠાં બેઠાં તબિયત જમાવી છે! ભણીને પરવારી ગયાં તો એમ નહીં કે, કશે કંઈ નોકરી–બોકરી કરીએ. ચાલો ભાઈ, બાપને એનોય વાંધો હોય તો કોઈ કામકાજ કરે, કે તબિયતનું ધ્યાન રાખે. આખો દિવસ મોબાઈલ પર ને મોબાઈલ પર. ભણવાનું પતવાથી જિંદગી પતી ગઈ? હવે જીવનમાં આગળ કોઈ કામ કરવાનું કે નહીં? કે બસ, બેઠાં બેઠાં જલસા જ કરવાના? અમે છીએ ત્યાં સુધી ને પૈસો છે ત્યાં સુધી, પછી કોણ પૂછશે એને? આગળપાછળનો કોઈ વિચાર જ નહીં ને જવાબદારીનું કોઈ ભાન નહીં. બધી સગવડો હાથ હલાવ્યા વગર, હાથમાં ને હાથમાં જ મળતી હોય તોય પોતાની અક્કલ હોય કે નહીં? જીવનમાં કોઈ ધ્યેય જ નહીં ને. બસ, ખાઓ, પીઓ ને મજા કરો. ભગવાન જાણે આ છોકરીનું શું થશે?

એ છોકરો તો, સારું ભણેલો, સારું કમાતો ને સારા ખાતા–પીતા ઘરનો હતો. લાંબી જફાય નહોતી. એકનો એક દીકરો ને એક જ બેન, તેય પરણી ગયેલી. માબાપેય સ્વભાવના સારા હતાં. બધાંને જ નીના પસંદ હતી, પણ આ મોટાબેને પછી જવાબ આપવાનું કહ્યું ને તેય વિચારીને! ચાલો ભાઈ, સમજ્યાં, કે પહેલી વાર જ છોકરો જોવાનું બન્યું એટલે મનમાં હજાર જાતની મુંઝવણો થઈ હશે. પણ હું તો મા છું ને? જે હોય તે મને ન કહેવાય? એમાં વળી બાપનો ધાક તો બિલકુલ નથી. એકની એક એટલે એનો બાપ તો નાનપણથી જ ફ્રેન્ડની જેમ રહે છે. મારે તો એનોય વાંધો નથી પણ બાપને તો કહી શકતે ને? અરે, કોઈ બેનપણીને પણ દિલની વાત કહી શકત. કોણ જાણે એના મનમાં શું ભૂસું ભર્યું છે, તે એકેય છોકરો એને ગમતો જ નથી. પેલા છોકરાવાળા હતા તોય બિચારાઓએ સામેથી ફોન કરીને પૂછેલું, ‘તો પછી શું નક્કી કર્યું? તમારી હા છે ને?’

આ એ લોકોને છોકરી ને ઘર ને ઘરનાં લોકોમાં કંઈક ગમ્યું હશે તો સામેથી પૂછ્યું હશે ને? બાકી તો, કોણ છોકરાવાળા સામેથી આવો ફોન કરે? પણ સમજે તો આપણાં મહારાણી શેનાં? ‘છોકરીને આગળ ભણવું છે’નું બહાનું કાઢીને ના કહેલી ત્યારે મારો તો જીવ કળીએ કળીએ કપાઈ ગયેલો. કેટલો સારો છોકરો હાથમાંથી જતો રહેલો? આજેય મને થાય કે, એ છોકરો મળ્યો હોત તો આજે નીનાબેન લહેર જ કરત. નસીબમાં નહીં, બીજું શું? નસીબમાં આટલાં વરસ બધે અટવાવાનું લખ્યું હશે તે આજ સુધી છોકરા શોધ્યે રાખે છે. મને તો જરાય ગમતું નથી આ બધું. અમારા જમાનામાં તો માબાપ કહે ત્યાં પરણી જતાં. પોતાની પસંદ ને નાપસંદ વળી શું? જ્યારથી આ છોકરાંઓને પૂછવાનું શરૂ થયું છે ને, ત્યારથી બધાના ઘરમાં ઉથલપાથલ થવા માંડી છે. પોતે શોધીનેય શું ધાડ મારી લેવાની છે તે પાછી અમને ના પાડે, ‘હું મારી મરજીના છોકરા જોડે પરણીશ. એની સાથે મારે રહેવાનું છે, તમારે નહીં’ કહીને આપણને તો ઠંડા જ કરી દે. હા ભઈ, તું શોધ. કોણ ના પાડે છે? એમ કરતાં કરતાં જ પણ ઉંમર વીતી ચાલી ને આજે હવે બત્રીસ વરસની થઈ ગઈ. હજી બે ચાર વરસ જો આવાં જ નખરાં કરશે, તો પછી કોઈ પૂછવાય નથી આવવાનું.

જાતે શોધવામાં કોણ જાણે કેવોય હીરો શોધી લાવવાની હોય એમ, બધામાં કોઈ ને કોઈ ખામી કાઢ્યા જ કરે છે. ભઈ, તારા માબાપને જ જો ને, અમે એકમેકની ખામીને બાજુએ મૂકીને શાંતિથી રહીએ જ છીએ ને? ભલે, અમારા માબાપે ગોઠવેલાં લગન હતાં, તોય આજ સુધી અમે એકબીજામાં ખામી જ જો જો નથી કરી. સંસારમાં બીજાંય કેટલાં કામ છે કરવાનાં, અને વહેવાર છે નિભાવવાના. ખામી જોવામાંથી ઊંચી આવશે તો બીજે નજર જશે ને? હે ભગવાન, આ છોકરીને કંઈ સદ્બુધ્ધિ આપ ને વહેલી ઠેકાણે પાડ. અમને તો કંઈ ભારે નથી પડતી પણ એની પરણવાની ઉંમર વીતી જાય, તે પહેલાં કોઈ સારો છોકરો કશેથી પણ મોકલી આપ.

મારી તો હવે અક્કલ જ કામ નથી કરતી. પચીસ પચીસ છોકરા જોવાના? તેમનીય પાછી નામ ને નંબર પ્રમાણે ફાઈલો બનાવવાની? એકાદ નવા છોકરાની ઓફર આવે એટલે ફરીથ બધી ફાઈલો લઈને બેસવાનું? પછી બધા પેપર્સ ને ફોટા દસ વાર ઉથલાવવાના? ઘડીક ચોથા નંબરનો છોકરો પાછો ઠીક લાગે તો વળી દસમા નંબરના છોકરાને ફોન કરવાનું નક્કી કરાય. આ બાપ–દીકરીને કોઈ કામધંધો છે કે નહીં? દીકરીના પ્રેમમાં બાપની આંખેય પાટા બંધાઈ ગયા? મને તો હવે એ લોકો પૂછતાંય નથી ને કંઈ કહેતાંય નથી. હશે, હવે તો ઉપરવાળા પર જ બધું છોડું. આ છોકરીનું જે થવાનું હોય તે થાય. મારા જીવ બાળ્યે શું થવાનું છે?

લેખક : કલ્પના દેસાઈ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment