ખજૂર- આમલીની મીઠી ચટણી સમોસા, ભેળ ઢોકળાંમાં ખૂબ ઉપયોગી થાય છે ..

111

પાણીપુરી ,ભેળ, દહીંવડા, ઢોકળાં, હાંડવો , સમોસા ,કચોરી કે પછી કોઈ પણ ફરસાણ જોડે અચૂક થી પીરસવામાં આવતી ખજૂર આમલીની મીઠી ચટણી ની રીત આજે લાવી છું.

લગભગ બધા ના ઘર માં આ ચટણી બનતી જ હોય છે. બધા ની રીત થોડી જુદી હોય છે. મારી આ ચટણી તમે બનાવી ને 2-4 મહિના સુધી ફ્રીઝર માં સ્ટોર કરી શકો છો.

ચટણી જોઈતા પ્રમાણ માં નાના નાના ડબ્બા માં અલગ અલગ ભરી ને ફ્રીઝર માં મૂકી દો . જેમ જોઈએ તેમ એ ડબ્બા બહાર નીકળી ને વાપરી શકો છો . જો તમારી ચટણી ઘટ્ટ કે સ્વાદિષ્ટ ના બનતી હોય તો ચોક્કસ થી આ રેસિપી બહુ જ ઉપયોગી બનશે...

સામગ્રી:-

150-200 ગ્રામ સૂકી આમલી

1 પેકેટ ઠળિયા નીકળેલી સાદી ખજૂર

1 મોટો વાડકો સમારેલો દેશી ગોળ

1 ચમચી લાલ મરચું

1 ચમચી શેકેલા જીરા નો ભુકો

2 ચમચી ધાણાજીરું

1 ચમચી સંચળ

2 ચપટી હિંગ

મીઠું સ્વાદાનુસાર ( સંચળ ઉમેર્યું હોવાથી ઓછું જોઈશે)

પાણી

રીત:-

સૌ પ્રથમ સૂકી આમલી માંથી બિયાં નીકાળી લો. ત્યારબાદ ખજૂર ને પેકેટ માંથી નીકાળી છૂટી કરી ને પાણી થી ધોઈ ને સાફ કરી લો.એક સ્ટીલ ના કુકર માં આમલી , ખજૂર અને 2-3 ગ્લાસ પાણી ઉમેરી ને 2 સીટી વાગે ત્યાં સુધી થવા દો.હવે કુકર ઠંડુ થાય એટલે આ મિશ્રણ ને હેન્ડ બ્લેન્ડર થી ક્રશ કરી લો. ત્યારબાદ કાણાં વાળી ચારણી માં નીકાળી ને ગાળી લો. જરૂરિયાત મુજબ પાણી ઉમેરો.

ચટણી ઘટ્ટ જ રાખવાની છે એટલે બહુ પાણી ના ઉમેરવું.ચટણી ને ગાળી લીધા બાદ તેમાં લાલ મરચું, ધાણા જીરું, શેકેલા જીરા નો ભુકો, હિંગ, સંચળ ,મીઠું અને ગોળ ઉમેરી ને ફરીથી 5 મિનિટ માટે ધીમા તાપે એક ઉભરો આવે એટલું ગરમ કરો. જેથી ગોળ ઓગળી જાય અને બધું બરાબર મિક્સ થઈ જાય.ખજૂર-આમલીની ચટણી તૈયાર છે મનગમતી વાનગી જોડે સર્વ કરો અને તમારા ફરસાણ કે વાનગી નો સ્વાદ બમણો કરો…આ ચટણી ઠંડી થાય એટલે એકવાર ઉપયોગ માં આવે એવા માપ થી અલગ અલગ ડબ્બા માં ભરી ને ફ્રીઝર માં સ્ટોર કરી લો.

નોંધ:-

ચટણી બનાવવા માટે સ્ટીલ ના કુકર નો જ ઉપયોગ કરો.. આમલી એલ્યુમિનિયમ માં રાસાયણિક પ્રકિયા કરે છે જે હેલ્થ માટે ખૂબ જ નુકસાનકારક છે..

આ ચટણી ઘટ્ટ જ બનશે . તમને ગમે તો વધુ પાણી ઉમેરી ને પાતળી પણ કરી શકાય.

જ્યારે જોઈતી હોય ત્યારે 1 કલાક અગાઉથી બહાર નીકાળી લો જેથી સર્વ કરવાના ટાઇમે બરાબર લીકવિડ થઈ જાય.

આ ચટણી માં જો બિયા કે ઠળિયાં રહી ગયા હોય તો બ્લેન્ડર થી ક્રશ કર્યા પહેલા જ નિકાળી લો.

સંચળ અને શેકેલુ જીરુ ઉમેરવાથી વધુ સ્વાદિષ્ટ બને છે.

કાળી કે સોફ્ટ ખજૂર આ ચટણી માં નહીં સારી લાગે..સાદી ખજૂર ની જ ચટણી સરસ બનશે…

ગોળ વધતા ઓછા પ્રમાણ માં તમારી પસંદ મુજબ ઉમેરો .

ખજૂર હોવાથી ગળપણ પણ ઓછું જોઈશે અને ચટણી ઘટ્ટ પણ સારી બનશે .

જે લોકો આમલી નથી ખાતા એ લોકો આમલી ની બદલે આમચૂર ઉમેરી ને પણ આ ચટણી બનાવી શકાય..

આમલી ની બદલે 2-3 મોટા ચમચા આમચૂર લેવું. બાકીની રીત સરખી જ છે.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment