હિમાલયનું આધ્યાત્મિક ઐશ્વર્ય: બાબાજી ગુફા, હૈડાખાન બાબા અને કસાર દેવી…

81
kinnar-aacharya-article-kasadevi-temple-himalaya

હું અધ્યાત્મમાં ઊંડો રસ ધરાવું છું અને એ મારા જીવન સાથે વણાયેલી બાબત છે. કહો કે, મારા રંગસૂત્રમાં અંકિત છે. હું માનું છું કે, આપણો તર્ક જેને સમજી ન શકે તેવી ઘણી બાબતો જગતમાં છે. જીવનમાં થયેલાં અગણિત અનુભવો પછી એટલું સમજાય છે કે, આપણી સમજથી પર હોય એવું ઘણુંબધું આ સૃષ્ટિમાં છે.હું ગૂઢ વિશ્વને રસપૂર્વક નિહાળતો રહું છું, કશુંક શોધી રહ્યો છું અને આ ખોજના ભાગરૂપે યથાસંભવ ભ્રમણ કરતો રહું છું. ચેતનામય સ્થળો અને કોઈ અગમ્ય ઊર્જાથી સભર જગ્યાઓનું જબરું આકર્ષણ છે મને. ત્યાં જતાં પહેલાં, પહોંચીને અને પરત આવ્યા બાદ પણ ગજબની થ્રિલ રહે છે. એક પ્યાસીને જેમ દિવ કે ગોવા પહોંચવાની તાલાવેલી હોય તેમ મુજ પ્યાસીને આવાં સ્થળે જવાની તલપ હોય છે. મને એમાંથી જાણે કોઇ કિક મળતી હોય એવું લાગે. દિમાગ પર એક પ્રકારનો નશો છવાઈ જાય. જેણે શરાબ પીધો હોય તેને જ કિક આવે, કિકનું વર્ણન સંભવ નથી. વાંચકોમાંથી કેટલાં લોકો આ નશાની વાત સમજી શકશે એ મને ખ્યાલ નથી. એટલે જ કહીશ કે, તમને અધ્યાત્મમાં રસ હોય અને શ્રદ્ધા હોય તો જ આ લેખ તમારા માટે છે.

ચલો બુલાવા આયા હૈ, માતાને બુલાયા હૈ. ગીત તો અગણિત વખત સાંભળ્યું છે પણ તેનો અનુભવ આપણને ઘણી વખત થતો હોવા છતાં તેનાં પર ખાસ ધ્યાન જતું નથી. મારું ધ્યાન હોય છે. મહાવતાર બાબાજીની ગુફાના દર્શન કરવાની મહેચ્છા ઘણાં સમયથી હતી. બે-ત્રણ વખત ટિકિટ પણ બૂક કરાવી. કોઈને કોઈ અનિવાર્ય કારણોસર યાત્રા મોકૂફ રાખવી પડી.સાતેક વર્ષ પહેલાં ગુફાથી સાવ નજીક આવેલા રાનીખેત અને કૌસાનીમાંચારેક દિવસ રોકાયો પણ ત્યારે ગુફા વિશે જાણતો જ ન હતો તેથી ત્યાં જવાનો સવાલ જ ઉભો ન થયો. ત્યારે કદાચ બાબાજીનું આમંત્રણ નહીં હોય મને. ભારતીય અધ્યાત્મ જગતના સૌથી સર્વોચ્ચ શિખર ગણાતાં મહાવતાર બાબાજીના ખોળે બેસવું સહેલું પણ નથી. આપણી ઈચ્છા હોય તો પણ નહીં. એમની ઈચ્છા હોય તો બીજે દિવસે તમે ત્યાં પહોંચી જાઓ.

સૌપ્રથમ મહાવતાર બાબાજીનો પરિચય આપી દઉં. સાધુ-બાવાના આ યુગમાં શુદ્ધ અધ્યાત્મ દુર્લભ છે. એટલે જ બાપુઓ પૂજાય છે પણ બાબાજી વિશે જૂજ લોકો જાણે છે. તમે પરમહંસ યોગનંદનું નામ તો સાંભળ્યું જ હશે. યોગનંદજીના ગુરુ એટલે યુકતેશ્વરજી, એમના ગુરુ લાહિરી મહાશય અને તેમનાં ગુરુ એટલે બાબાજી. ક્રિયાયોગના પ્રણેતા. યોગનંદજીની આત્મકથા “ઓટોબાયોગ્રાફી ઓફ અ યોગી”માં બાબાજીનો વિસ્તૃત ઉલ્લેખ મળે. “યોગી કથામૃત”ના નામે તેના ગુજરાતી અનુવાદનું પુસ્તક સદાબહાર હિટ છે. પુસ્તકમાં બાબાજીના અનેક રોચક પ્રસંગો છે. લાહિરી મહાશયને તેમણે કેવી રીતે પોતાની પાસે હિમાલય બોલાવ્યા, કેવી રીતે તેમને મળ્યા અને કેવી રીતે દીક્ષા આપી… એ બધી જ બાબતોનું વિગતવાર વર્ણન તેમાં છે. લાહિરી મહાશયને તેઓ પ્રથમ વખત જ્યાં મળ્યાં એ સ્થળ એટલે બાબાજીની ગુફા. ઉત્તરાંચલના દ્વારહાટ ગામથી વિસેક કિલોમીટર દૂર આવેલી એક અદ્વિતીય આધ્યાત્મિક જગ્યા.

દ્વારાહાટથી કુકુચીના નામના એક મુઠ્ઠી જેવડા ગામની ભાગોળે પહોંચીએ તો ત્યાં જોશી ગેસ્ટ હાઉસ છે. સામાન્ય વુડન રૂમ્સ. સ્વચ્છ વોશરૂમ્સ અને ધ્યાન માટે વિશાળ હૉલ. જોશીજીનો સ્ટાફ સરસ સાદું પણ સ્વાદિષ્ટ ભોજન બનાવી આપે. વાજબી દામ. અમે અહીં જ રોકાયા. બીજો કોઈ વિકલ્પ અહીં મળે જ નહીં. રાનીખેત રોકાઓ તો ચાલે. પણ તો ત્યાંથી સવારે સાતેક વાગ્યે નીકળી ને નવેક આસપાસ કુકુચીના પહોંચી જવું પડે. દ્વારાહાટમાં યોગદા આશ્રમ પણ છે. અહીં પણ ઘણા લોકો બેઝ કેમ્પ બનાવે છે. કુકુચીનાથી બે’ક કિલોમીટર ગાડી ચલાવ્યા પછી ગુફા સુધી પહોંચવાનો પગપાળા ટ્રેક શરૂ થાય છે.

અમે સાંજે જ જોશી ગેસ્ટ હાઉસ પહોંચી ગયા. જોશીજી મૂળ ગુજરાતી પણ લગભગ ત્રણસો વર્ષ પહેલાં તેમના વડવાઓ અહીં આવીને વસ્યાં હતાં. ત્યારથી તેમનો પરિવાર અહીં રહે. કરિયાણાની દુકાન ચલાવે અને સાથે ગેસ્ટ હાઉસ પણ ખરું. રાત્રે સાદું ભોજન લીધું અને વહેલાં સૂઈ ગયાં. વહેલી સવારે એમણે સરસ બટેટા પૌઆ બનાવી આપ્યા. ચા-નાસ્તો કરી અમે ટ્રેક કરવા પહોંચ્યા.

ત્રણેક કિલોમીટરનો ટ્રેક. સીધી ચઢાઈ. આસાન નથી. અમે સપરિવાર હતાં. મારું ફેમિલી અને દોસ્ત હિમાંશુ કલ્યાણીનો પરિવાર. મારી છ વર્ષની દીકરી રિતિદા અને દોસ્તનો છ વર્ષનો દિકરો બન્ની. આ બેઉ ધમાલિયાઓનું ધ્યાન રાખવું એ જ સૌથી વધુ થાક લગાડનારું કાર્ય હતું. સદનશિબે ગાઈડે એ જવાબદારી સંભાળી લીધી. શરૂમાં તો એમ જ લાગ્યું કે, ગુફા લગી પહોંચી નહીં શકાય. પણ મનોમન નક્કી કર્યું હતું કે, બેહોશ ન થઈ જાઉં ત્યાં સુધી હિંમત નહીં હારું. આખરે બહુ લાંબી પ્રતીક્ષા પછી અહીં આવવાના યોગ સર્જાયાં હતાં. ચાલ્યે જ છૂટકો. જવું જ હતું.

દોઢેક કલાકના ચઢાણ પછી એક ઈમારત દેખાઈ. હાશ. થયું કે, ગુફા સુધી પહોંચી ગયા. પણ, એ હતું યોગદા સોસાયટીનું ધ્યાન કેન્દ્ર. ત્યાં દસેક મિનિટ આરામ કરી ગુફા તરફ પ્રયાણ કર્યું. પંદરેક મિનિટ ચાલ્યાં ત્યાં તો સાવ સામે જ ગુફા દેખાઈ અને અમે ગદગદ થઈ ગયાં.

અહીં પ્રસાદ ચડતો નથી. લગભગ આઠ બાય દસ ફૂટની ગુફા. અમારાં સિવાય કોઈ જ હતું નહીં. નિરવ શાંતિ અને તેની વચ્ચે પક્ષીઓનો મીઠો કલરવ. સાથે અમે અગરબત્તી લઈ ગયા હતાં. પ્રગટાવી. થોડી વાર ધ્યાનમાં બેસ્યા. મનમાં બાબાજીને કોટિ કોટિ વંદન કર્યાં. ફોટોઝ ખેંચ્યા અને પરત ફરવાનું શરૂ કર્યું. દસેક મિનિટ ચાલ્યાં અને યોગદા આશ્રમ પહોંચ્યા. ધ્યાન કર્યું. બાબાજીની છબીને વંદન કર્યાં અને ઉતરવાનું શરૂ કર્યું. દોઢેક વાગ્યે અમે જોશી ગેસ્ટ હાઉસ પહોંચી ગયા હતાં.

રાનીખેતમાં આગમન. અગાઉ પણ આવી ચૂક્યો છું અહીં. પણ ઘણું બાકી રહી ગયું હતું. મહાવતાર બાબાજીના જ એક અવતાર તરીકે ઓળખાતા હૈડાખાન બાબાનું મંદિર અહીંથી માત્ર પાંચ કિલોમીટર. હૈડાખાન નામના સ્થળે તેઓ પ્રગટ થયા એટલે નામ એવું પડ્યું. કોઈ તેમને ભોલેબાબા પણ કહે, કોઈ માત્ર બાબા. કહેવાય છે કે, તેમણે ચાર સ્વરૂપમાં અવતાર લીધો. સૌપ્રથમ લામા બાબા, પછી મુનિન્દ્ર બાબા, ત્યારબાદ બ્રહ્મચારી બાબા અને છેલ્લે ભોલેબાબા. આ વિસ્તારમાં હૈડાખાન બાબાના ચમત્કારોના અગણિત કિસ્સાઓ પ્રચલિત છે. હૈડાખાન બાબાના ભક્તો દેશવિદેશમાં ફેલાયેલા છે. અહીં વિશ્વની અનેક ભાષાઓમાં તેમના પરના પુસ્તકો ઉપલબ્ધ છે. હિમાલય હું લગભગ પંદરમી વખત ગયો હોઈશ પણ આ વખતનો પ્રવાસ સૌથી યાદગાર રહ્યો. એટલાં ઉર્જાવાન સ્થળોનો લાભ મળ્યો કે, ધન્ય થઈ ગયો. કંપની પણ ગ્રેટ. બાળપણનો દોસ્ત હિમાંશુ કલ્યાણી, હિમાંશુ કરતાં ક્યાંય વધુ હોંશિયાર એવી તેની પત્ની તોરલ અને તેમનો છ વર્ષનો પુત્ર – સાઉથનો સુપરસ્ટાર વિક્રમ કુમાર ઉર્ફે બન્ની. રંગેચંગે અમે અલમોડા નજીક આવેલા કસારદેવીના મંદિરે પહોંચ્યા.

1800 વર્ષ જૂનું, દેવી દુર્ગાને સમર્પિત તીર્થ. આ સ્થળે કોઈ અલૌકિક તરંગો મોજુદ છે. પશ્ચિમના રહસ્ય વાદીઓથી માંડીને સ્વામી વિવેકાનંદે પણ તેનો અનુભવ કર્યો છે. સાવ નાનું મંદિર. કોઈ એકલદોકલ ટુરિસ્ટ ક્યારેક આવી ચડે. એ શીવાય પરમ શાંતિ. વૈજ્ઞાનિક પરીક્ષણોથી પુરવાર થયું છે કે, અહીં એક પ્રકારની અદ્દભુત ચુંબકીય શક્તિ છે જેને ધ્યાન માટે ઉત્તમ માનવામાં આવે છે. જગતમાં આવા તરંગો માત્ર ત્રણ સ્થળે છે, પેરુના માચૂપિચૂમાં, ઈંગ્લેન્ડના સ્ટોનહેંગ વિસ્તારમાં અને કસારદેવી મંદિર ખાતે. તિબેટીયન બૌદ્ધ ધર્મના પ્રખર અભ્યાસુ વોલ્ટર ઇવાન્સવેન્ટઝ અહીં આવીને આ દિવ્ય સ્થળનો અભ્યાસ કરી ચૂક્યા છે.

ડેન્માર્કના ગૂઢ વિદ્યાના અભ્યાસુ અને મિસ્ટિક એવા શૂન્યતા બાબા ઉર્ફે આલ્ફ્રેડ સોરેન્સેન અહીં રિસર્ચ માટે આવ્યા અને પછી ત્રીસ વર્ષ સુધી રોકાયા. લામા અંગારિકા તથા લીગૌતમી અને બીજી અગણિત વિભૂતિઓ અહીંનો અવિસ્મરણીય અનુભવ લઈ ચૂક્યા છે. બધાંએ એક સૂરે કહ્યું છે કે, આ જગ્યામાં કોઈ એવાં વાઈબ્રેશન્સ છે જે સામાન્ય મનુષ્યની સમજથી પર છે. અમે પણ ધ્યાનમાં બેસ્યાં. હું તો ધ્યાનમાં બેસું કે, મન ભટકવા માંડે. પણ અહીં મન શૂન્ય થતાં વાર ન લાગી. ઉત્તરાંચલના કુમાઉ વિસ્તારમાં આવાં અનેક ઉર્જામય સ્થળો છે. પણ, હિમાલય જઈને આપણે માત્ર બોટિંગ કે સાઈટસિઈંગ કરવું કે પછી આવાં વર્જિન આધ્યાત્મિક સ્થળોનો લાભ લેવો તે આપણે નક્કી કરવાનું છે.

લેખક : કિન્નર આચાર્ય

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment