હોર્લિક્સ, બોર્નવિટા છોડો, આ દેશી પદ્ધતિ અપનાવો… બાળક ઘોડાં જેવું સ્ફૂર્તિવાન બનશે… ગેરેન્ટી !*

119

કિન્નર આચાર્યની ફૂડ એક્સપ્રેસ

શરૂઆત જાત અનુભવથી કરું: અમારી મોટી દીકરી સર્વદા નાનપણથી ખાવાની ચોર. યુનિવર્સલ પ્રોબ્લેમ. નવું કશું જ નથી. આખી દુનિયાના પેરન્ટ્સની જેમ અમારી પણ કાયમી ફરિયાદ રહેતી કે, એ વેજીટેબલ્સ ખાતી નથી, દાળ કે કઢી એને ન ભાવે અને રોટલીની જગ્યાએ સડેલા ફ્રાયમ્સના અન-હેલ્ધી, અન-હાઈજીનિક પડીકાં જ એને જોઈએ. માતાઓ પણ થાકે છે સમજાવી ને. પછી એ હારી જાય છે.

અમારાં ઘરની બાજુમાં આવેલી કરીયાણાની દુકાન સવારે સાડા છ વાગ્યે ખુલી જાય. આપણને થાય કે, એવી તે કઈ સુસંસ્કારી ભાભીઓ હશે કે આટલાં વહેલા રાશન લઈ ને રસોડે મંડાઈ ગઈ હશે! એક વખત સવારે મેં જોયું તો મોડર્ન મમ્મીઓ નાનાં – નાનાં બાળકોને યુનિફોર્મ અને સ્કૂલ બેગ સાથે જ ત્યાં લાવતી હતી અને સેવ મમરા કે ગાંઠિયા કે ચવાણુંનું પેકેટ લઇ ને તેમનાં લંચ બોક્સમાં ત્યાં જ ઠાલવી દેતી હતી! પેકેટ સહિત બાળકને સ્કૂલ મોકલે તો અન-હેલ્ધી ફૂડની નોટ આવે, લંચ બોક્સમાં એ ઠલવાય એટલે હેલ્ધી બની જાય! બાલાજી, ગોપાલ જેવી સ્થાનિક કંપનીઓના ટર્ન ઓવરને પાંચસો – પંદરસો કરોડ સુધી પહોંચાડવામાં આવા બાળકો અને લાખો આળસુ મમ્મીઓનો ફાળો ઓછો નથી.

અમારી ઢીંગલી પણ ચાબલી. પરાણે જમાડીએ તો ઉબકા લેવા માંડે. ડૉક્ટર પાસે એક સ્ટાન્ડર્ડ જવાબ જ હોય: એને ભૂખ લાગશે ત્યારે એ સામેથી માંગશે! આવું સોનેરી પ્રભાત અમારાં માટે ક્યારેય ઊગ્યું નહીં. આખો દિવસ એને ખાવાનું પૂછ્યા વગર કાઢી નાંખ્યો હોય એવું પણ અનેક વખત બન્યું. પરંતુ બાળકો સામેથી જમવાનું માંગે એ અલમોસ્ટ અશક્ય છે.

એમને જોઈએ મેગી, વેફર્સ અને ચોકલેટ્સ. યસ! એક દિવસ પત્ની કવિતાને એકદમ ખુર્રાફાતી વિચાર આવ્યો અને તેણે બનાવી એક હોમ મેઇડ, ન્યુટ્રિશિયસ, પ્રીઝર્વેટિવ વગરની અદ્દભુત ચોકલેટ! દિવસમાં બે ટંક બાળકોને આ ચોકલેટ ખવડાવી દો તો બોર્નવિટા કે હોર્લિક્સ જેવા ફૂડ સપ્લીમેન્ટ્સ આપવા જ ન પડે અને બાળક ઓછું જમતું હોય તો તેને પોષણ પણ મળી રહે.

રેસિપી સાવ ઇઝી છે: કાજુ, બદામ, ગ્રીન પિસ્તા, અખરોટ જેવાં મનપસંદ ડ્રાયફ્રૂટ્સ એક-એક વાટકી લઈ તેને મિક્સરમાં ક્રશ કરો. ખૂબ તેલ છૂટશે. પછી તેમાં જરૂરિયાત મુજબ શુદ્ધ મધ ઉમેરો અને ક્રશ કરો. ઘટ્ટ સેમી લિકવિડ થઈ જાય એટલે જરૂરિયાત અનુસાર કેડબરીઝનો કોકો પાવડર ઉમેરો. થોડું ક્રશ કરી એક બાઉલમાં એ મિશ્રણ કાઢી લો.

મિશ્રણ ઢીલું લાગે તો સૂકોમેવો ઉમેરી શકાય અને બહુ ઘટ્ટ લાગે તો થોડું મધ નાખી શકાય. અને મારું માનો તો ડાબર કે ઝંડુનું મધ ક્યારેય લેશો નહીં, બજેટ હોય તો ઉત્તમ ઓસ્ટ્રેલિયન કે ન્યુઝીલેન્ડનું મધ ઓન લાઈન મંગાવો. નહીંતર પતંજલિનું બેસ્ટ. એ માવાને વિવિધ શેઇપ્સ આપી તેને ફ્રીઝમાં મૂકી દો. ઠંડી થઈ જાય એટલે બાળકને ચોકલેટ તરીકે જ ખાવા આપો. યાદ રાખજો: તેને કહેવાનું નથી કે એમાં સૂકોમેવો અને મધ વગેરે છે, નહીંતર એનું ફટકશે!

આ ચોકલેટમાં તમે જાતજાતના પ્રયોગો કરી શકો છો. મીઠાશ માટે મધને બદલે સારો ખજૂર યુઝ થઈ શકે પરંતુ સ્યુગર હરગીઝ નહીં. મેવા સાથે શિંગદાણા, મગજતરી, કેસર વગેરે ઉમેરી શકો. કોકો પાવડરને બદલે બજારમાં મળતાં ચોકલેટનાં લાટાનો ઉપયોગ પણ થઈ શકે. બાળક વધારે જિદ્દી હોય તો આ ચોકલેટ્સને રેપરમાં વીંટી ને રાખો જેથી એમ લાગે કે એ બજારની છે. યાદ રહે, આપણે આપણાં ચાઈલ્ડને “ઉલ્લુ” બનાવવાનું છે. અફકોર્સ તેનાં ભલા માટે જ.

ફરી અમારી વાત: આ પ્રયોગ નિવડેલો છે, અમારી બેઉ ઢીંગલીઓ આવી ચોકલેટ્સની દિવાની છે. ખાસ કરી ને ટુરમાં આ ચોકલેટ્સ ખૂબ કામ આવે છે. ક્યાં કેવું ફૂડ મળે એ નક્કી હોતું નથી. બાળકને સ્પાઈસી પંજાબી કે ઢાબા ફૂડ ન ભાવે એ મોટા ભાગે નક્કી હોય છે.

પિઝા, સેન્ડવિચ ભાવે પણ બ્રેડ એ કેટલી દાબશે! અમે ઉત્તરાંચલની લાંબી ટૂરમાં એક વખત ગયા હતા. દીકરીને ત્યાં કશું જ ભાવે નહીં, ફ્રાયમ્સના પેકેટ્સ આખો દિવસ આપતાં આપણો જીવ ચાલે નહીં. નોર્થની રોટી પણ સામાન્ય રીતે બહુ જાડી અને દાંત તોડી નાખે એવી હોય. આલુ ટીક્કી અને ચાટમાં ભરપૂર ચટણીઓ હોય. એ થોડું જમી લે. દાળભાત કે દહીંભાત કે આલુ પરાઠા સામે એને બહુ વાંધો ન હોય, બાકીની ઉણપ અમારી વેરી વેરી સ્પેશિયલ ચોલેટ્સ પૂર્ણ કરે. એ પછી તો અમે ઘેર અને બીજી અનેક ટુર્સમાં આવું કર્યું. ચેન્જ ખાતર દીકરીઓને અમૂલનું ફ્લેવર્ડ મિલ્ક આપીએ. કરવા જેવો પ્રયોગ છે.

ખાસ કરીને જે બાળકનું શરીર નબળું હોય અને ખાવાનું ચોર હોય એમના માટે તો આ પ્રયોગ અદ્દભુત રિઝલ્ટ આપે છે. કેડબરીઝની ચોકલેટ્સ મોંઘીદાટ આવે છે. 75 રૂપિયાની ફ્રુટ એન્ડ નટ કે રોસ્ટ આલમંડમાં અર્ધી ચમચી ડ્રાયફ્રુટ પણ નથી આવતું. અને ઢગલો એક પ્રીઝર્વેટિવ આવે એ લટકામાં.

છ મહિના જૂની આવી ઝેરી ચોકલેટ્સ પેટમાં પધરાવવા કરતાં ખરેખર ન્યુટ્રિશિયસ કહી શકાય એવી આ ચોકલટ્સ ખાવી શું ખોટી! આ ચોકલેટ્સ ફ્રીઝ વગર પણ દિવસો સુધી બગડતી નથી. તેનાં બે ટુકડામાં એટલું ન્યુટ્રિશન હોય છે કે, બાળકને આખો દિવસ દોડાદોડી કરવાની એનર્જી મળી રહે. અને હા! આ ચોકલેટ્સ તમારાં ચાઈલ્ડને લંચ બોક્સમાં પણ આપી શકો છો, હેલ્ધી સ્નેક્સના નામે તેના ટીચર ખીજાય તો એમને આ લેખ ફોરવર્ડ કરી દેજો.

લેખક – કિન્નર આચાર્ય,

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment