સ્વયંભૂ પ્રાગટ્યકથા –ગણેશપુરા, ગણેશપુરાના સ્વયંભૂ ગણપતિદાદા. ચોક્કસ એકવાર દર્શન કરો.

267

ગણપતિદાદા એ બધાના માનિતા દેવતા છે. ગુજરાતમાં ગણપતિના અનેક મંદિર આવેલા છે. આજે આપણે વાત કરીશું અમદાવાદ જિલ્લાના ધોળકા તાલ્લુકાના ગણપતિપુરાના મંદીરની. અહીં ગણપતિ સ્વયંભૂ વિરાજેલા છે. કોઠ નજીક આવેલા આ ગામનું નામ ગણેશપુરા છે પણ અહીં ગણેશજી સ્વયંભુ પ્રગટ્યા હતાં માટે તેને ગણપતિપુરા પણ કહેવામાં આવે છે અને તેને કોઠ ગણેશ પણ કહે છે.

સેંકડે વર્ષો પહેલાં અષાઢ વદ ચોથના દિવસે અહીં શ્રી ગજાનનું પ્રાગટ્ય થયું હતું. લોથલ પાસેના હાથેલ ગામનાં તળાવ નજીક વખરડી કેળાના જાળામાંથી ભગવાન ગણેશની મૂર્તિ મળી આવી હતી. લોક કથા પ્રમાણે જ્યારે આ મૂર્તિ મળી આવી ત્યારે તેના પગમાં સોનાના છડા, કાનના કુંડળ અને મુગટ તેમજ કમરબંદ પણ મળી આવ્યા હતા.

સ્વયંભુ અવતરેલા ગણેશજીની મૂર્તિ જોઈ ગામના ગામો ભેગા થઈ ગયા. લોકો વચ્ચે ગણેશજીની મૂર્તિ રાખવા બાબતે વિવાદ થવા લાગ્યો કે ગણેશજીની મુર્તિની સ્થાપના ક્યાં કરવી. જ્યારે ગામોના મુખીઓ વચ્ચે મૂર્તિ બાબતે વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે ત્યાં એક ભલો બ્રાહ્મણ ત્યાં આવી પહોંચ્યો તેણે બધાને સમજાવતા કહ્યું ગણેશજી પોતે જ નક્કી કરશે કે તેમને ક્યાં બીરાજવું છે. તેણે પોતાનું બળદગાડું જોડ્યું અને ગણપતિને ગાડામાં બેસાડવા કહ્યું, તેમણે કહ્યું મુંગા પ્રાણીના મનમાં કોઈ જ ભેદભાવ નથી હોતો. બળદ મૂર્તિને લઈ જાય અને જ્યાં થોભે ત્યાં જ તેની સ્થાપના કરીશું.

બધા બ્રાહ્મણની રજુઆત સાથે સહમત થયા. છેવટે થોડી પુજાવીધી બાદ ગણપતિને ગાડામાં બેસાડવામાં આવ્યા. પણ હજુ ગાડા સાથે બળદને જોડવાના બાકી હતાં પણ તે જોડવામાં આવે તે પહેલાં તો ગાડું આપોઆપ ચાલવા લાગ્યું. આ જોઈ બધા જ સ્તબ્ધ થઈ ગયા. પણ તેમને સાક્ષાત ભગવાનનો પરચો જોવા મળ્યો. છેવટે આપોઆપ ચાલતું ગાડુ આજના ગણેશપુરાના મંદીરવાળા સ્થાને આવી અટકી ગયું.

ગામના લોકોની ઇચ્છા હતી કે મુર્તિને ગામમાં જ સ્થાપિત કરવામાં આવે અને તે માટે લોકોએ મૂર્તિને ગામમાં લઈ જવા ઉઠાવવા પ્રયાસ કર્યો પણ મૂર્તિ જરા પણ ન હલી. છેવટે લોકોએ હાર માનવી પડી અને ગણપતિદાદાની સ્થાપના ત્યાં જ કરવામાં આવી.

આ સ્થાન પર ભગવાન પોતે જ પોતાની ઇચ્છાથી બીરાજમાન હોવાથી લોકોના મનમાં આ સ્થાનનું એક આગવું મહત્ત્વ છે. પણ ધ્યાન આપવા જેવી વાત એ છે કે ગણેશજીની આટલી મોટી સ્વયંભુ મૂર્તિ બીજે ક્યાંય નથી. ગણપતિની આ મૂર્તિ 6 ફૂટ ઉંચી છે. કહેવાય છે કે ભારતના સૌથી વિશાળ સ્વયંભુ ગણેશ અહીંના જ છે. ગણેશનું આવું સ્વરૂપ બીજે ક્યાંય જોવા મળતું નથી અને તે જ કારણસર અહીં લોકોની ભીડ હંમેશા રહે છે. લોકો અહીં ઘણી બધી માનતાઓ તેમજ બાધાઓ લઈ આવે છે. ભગવાન તેમની ઇચ્છાઓ પુરી પણ કરે છે. ગણેશજી ખરેખર વિઘ્નહર્તા છે.

અહીં ઉંધો સાથિયો કરવામાં આવે છે.

આપણા પુરાણોમાં પણ આ ગણેશપીઠનું વર્ણન કરવમાં આવ્યું છે. પદ્મપુરાણમાં જણાવ્યા પ્રમામે ભાલતીર્થમાં સરયુ નદીના કિનારે ગણેશ પીઠ સ્થાપિત કરવામાં આવી હતી તે આ જ ગણેશપુરા છે.

આ મંદિર આખુંએ વર્ષ ભક્તોથી તરબોળ રહે છે. અહીં મંગળવારના દાદાના દર્શનનો એક વિશેષ મહિમા છે. અને સંકટ ચતુર્થીના રોજ તો અહીં લાખો ભક્તો ઉમટી પડે છે. ગણેશજીના આ મંદિરમાં ભક્તો ઉંધો સાથિયો કરી માનતા માને છે અને પછી ગણેશજીના ઉંદરના કાનમાં જે ઇચ્છા હોય તે કહે છે. અને જ્યારે તેમની ઇચ્ચાની પૂર્તી થાય એટલે કે માનતા પૂરી થાય ત્યારે ભક્તો સીધો સાથીયો કરી ઇચ્છા પૂરી થાની ઉજવણી કરે છે. અહીંના ભગવાન ભક્તોને ક્યારેય નિરાશ નથી કરતા.

અહીં સામાન્ય ચોથ કરતાં અંગારકી અ સંકષ્ટી ચોથના દિવસે લાખો ભક્તો ઉમટી પડે છે, અહીં આવી અગિયાર, એકવિસ કે તેથીપણ વધારે ચોથો ભરવાની માનતા માને છે અને ગણપતીદાદા બધાની માનતા પુરી કરે છે.

અહીં દર્શને આવતા ભક્તોને મંદીર મફત ભોજન પુરું પાડે છે. લોકો પોતાની યથાશક્તિ પ્રમાણે દાન પેટીમાં ફાળો નાખી દે છે. અહીં ચોથના દિવસે લગભઘ 6 હજાર કિલો બુંદીના લાડુ તેમજ ડોઢ હજાર કિલો ચુરમાના લાડુ પ્રસાદી માટે ધરવામાં આવે છે. ગણપતિના દર્શન સવારના ચાર વાગ્યાથી સાંજના ચંદ્રોદયબાદ અરધો કલાક દર્શન માટે ખુલ્લા રાખવામાં આવે છે.

સંકલન : દીપેન પટેલ 

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment