ક્યારેય વિચાર્યું, શા માટે સાપને હોય છે બે જીભ ? જાણો એક અદભૂત પૌરાણિક રહસ્ય !

35

ભારતના પુરાણ ગ્રંથોમાં ઘણા બધા રહસ્યો સંતાયેલા છે. લોકો આ કથાઓને સાચી માને કે ન માને એનાથી અત્યારે જે હકીકત છે એમા કંઈ ફરક નથી પડવાનો. વિશ્વના દરેક સાપને બે જીભ શા માટે હોય છે એનુ ગુપ્ત રહસ્ય પુરાણમાં શું અપાયુ છે એ જાણીએ આ કથામાં…

પહેલાના સમયમાં કશ્યપ નામે મહાન ઋષી થઈ ગયા. મહર્ષી કશ્યપને ઘણી બધી પત્નીઓ હતી ઓમાથી બે પત્ની એમની વધુ નજીક હતી એક હતી વિનતા અને એક કદ્રુ. વિનતા અને કદ્રુ બંન્ને બહેનો હતી. એક વખત મહર્ષી કશ્યપે બંને બહેનો પર ખુશ થઈને બંનેને વરદાન આપ્યા. કદ્રુએ વરદાનમાં એક હજાર નાગપુત્રો માંગ્યા અને વિનતાએ માત્ર બે પુત્રની માંગણી કરી પરંતુ બે પુત્ર બે હજારથી બળીયા હોય. કશ્યપે બંનેને વરદાન આપ્યા અને બંને બહેનો જંગલમાં ગઈ થોડા મહીનાઓમાં બંને બહેનોએ ગર્ભની જગ્યાએ ઈંડાને જન્મ આપ્યો.

પરંતુ પાંચ હજાર વર્ષ સુધી ઈંડામાંથી બાળકો બહાર આવ્યા નહી. પાંચ હજાર વર્ષ પછી કદ્રુએ જન્મ આપેલા એક હજાર ઈંડામાંથી એક હજાર સાપ જનમ્યા. પરંતુ વિનતાના ઈંડા એમના એમ રહ્યા થોડી લાલચને વશ થઈ વિનતાએ એક ઈંડુ પોતે જ ફોડ્યુ અને એ ઈંડામાંથી એવુ બાળક બહાર આવ્યુ જેને હજુ સંપુર્ણ તેજ અને તંદુરસ્તી નતી મળી તેથી તે રંગે સવારના સુર્ય જેવો લાલ હતો એનુ નામ અરુણ પડ્યુ અને પોતાના માતાને કારણે એ પોતાના સંપૂર્ણ સ્વરૂપને ના પામી શક્યો એટલે એણે માતાને શાપ આપી દીધો કે તમારે તમારું બીજુ સંતાન ન જન્મે ત્યાં સુધી તમારી જ બહેનની દાસી બનવું પડશે.

આ સમય પછી કદ્રુએ વિનતાને દાસી બનાવી નહોતી પણ એના મનમાં એવા સતત વિચારો આવતા હતા કે હું મારી બેનને દાસી બનાવીને એની પાસે બધા કામ કરાવું. ત્યારે એક વખત વિનતા અને કદ્રુ રાત્રે સાથે બેઠા હતા અને અચાનકથી જ કદ્રુએ વિનતાને પુછ્યુ કે સૂર્યદેવના રથના ઘોડા કેવા રંગના છે. વિનતાને ખબર હતી કે એ ઘોડા સફેદ રંગના છે એટલે એણે તરત જ જવાબ આપ્યો કે એ ઘોડા સફેગ રંગના છે. ત્યારે કદ્રુએ પોતાની ચાલ રમવા માટે એવું કહ્યુ કે પણ એ ઘોડાની પુંછડી તો કાળા રંગની છે. વિનતાને આ વાત ગળે ના ઉતરી અને એને પોતાનો વિરોધ નોંધાવ્યો કે ના એ પુંછડી પણ સફેદ રંગની છે. કદ્રુએ પણ વિરોધ કરીને વધારે આત્મવિશ્વાસથી કહ્યુ કે એની પૂંછડી કાળા રંગની જ છે.

ઘણા લાંબા સમય સુધી બંને બહેનો વચ્ચે આ દલીલ ચાલી અને અંતે કદ્રુએ કહ્યું કે આપણે કાલે સવારે જ્યારે સુર્યદેવનો રથ આવે ત્યારે જોઈએ કે ઘોડાની પુંછડી સફેદ રંગની છે કે કાળા રંગની, જો કાળા રંગની હોય તો તારે મારી દાસી બનીને મારી સેવા કરવાની અને જો એમ ન બને તો હું તારી દાસી બની જઈશ. વિનતાએ શરત સ્વિકારી અને બંને બહેનો સવાર પડે અને સુર્યનો રથ દેખાય એની રાહે બેસી ગઈ. પણ કદ્રુએ ચાલાકીથી પોતાના નાગ સંતાનોને સમજાવી દીધુ કે સવારે સૂર્ય ઉગે એ પહેલા એના ઘોડાની પૂંછડીએ વીંટળાઈ જજો જેથી એની પુંછડી કાળી દેખાય. અમુક સંતાનોએ આ કાર્ય કરવાની ના પાડી દીધી એટલે જેમણે કાર્ય કરવાની ના પાડી એટલા નાગોને કદ્રુએ માતાની આજ્ઞા ન પાળવા માટે શ્રાપ આપ્યો કે તમે કે જેને માતાની આજ્ઞાનુ પાલન નથી કર્યુ એ બધા સાપનું સર્પ સત્ર હવનમાં હોમ થશે. બાકીના સાપ બધા જઈને સૂર્યદેવના રથના ઘોડાની પૂંછડીએ જઈને વિંટળાઈ ગયા. સવાર પડી અને બંને બહેનોએ સૂર્ય દેવનો રથ જોયો અને ત્યારે એ ઘોડાની પૂંછડી કાળી દેખાઈ એટલે શરતનું પાલન કરવા માટે વિનતા કદ્રુની દાસી બની ગઈ.વિનતા ઘણા સમય સુધી કદ્રુની દાસી રહી પછી એક દીવસ બાકી રહી ગયેલા એક ઈંડામાંથી ગરુડનો જન્મ થયો. ગરુડ જનમતા વેત જ એક વિશાળકાય પક્ષી બની ગયો વિકરાળ પાંખ અને વિકરાળ કાયા સાથે જાણે આખા આકાશને ઢાકી શકે એટલુ વિશાળ એનું શરીર હતું. ગરુડને માતાને મળેલા શાપ વીશે ખબર નહોતી પરંતુ એને એ કદ્રુની શરત વીશે ખ્યાલ આવી ગયો. ગરુડ ખુબ જ મા પ્રેમી હતો એ પોતાની માને જરા અમથી પીડામાં પણ જોઈ શકતો નહોતો તેથી એને પોતાની મા કદ્રુની દાસી છે અને કદ્રુની સેવા કરી રહી છે એ જોવુ પણ નહોતુ ગમતુ.

તેથી ગરુડે એક વખત કદ્રુ પાસે જઈને પોતાની માની મુક્તી માટે આજીજી કરી અને કહ્યું કે તમે મારી માને મુક્ત કરી દો એના બદલામાં હું તમારો દાસ બની જઈશ. કદ્રુએ આ વાત ના સ્વિકારી અને કહ્યું કે તારી મા એની હારેલી શરતને કારણે મારી દાસી બની છે માટે એને જ મારી દાસી બની રેહવું પડશે એની જગ્યાએ કોઈ મારું દાસ ના બની શકે. પરંતુ ગરુડને કોઈપણ રીતે માતાને મુક્ત કરવી હતી તેથી તેને કદ્રુને કહ્યુ કે તમે માતાના બદલામાં મારી પાસે કોઈ વસ્તુ માંગી લો, તમે કહેશો તે હાજર કરી આપીશ ઘરેણા, સોનુ, ચાંદી કંઈ પણ લાવી આપીશ બસ તમે મારી માતાને છોડી દો. કદ્રુએ આ વાતનો ફાયદો લઈને ગરુડને કહ્યું કે સારું જો તું કંઈ લાવી શકતો હોય તો મારા માટે અમૃતનો ઘડો લઈ આવ સ્વર્ગમાં ઈન્દ્ર પાસે એ ઘડો છે તું એ ઘડો મને લાવી આપ તો હું તારી માને મુક્ત કરુ.

ગરુડે એક પણ પળનો વિચાર કર્યા વિના પોતાની વિશાળ પાંખ ખોલીને આકાશ તરફ ઉડવા માંડ્યુ. અને ઉડતો ઉડતો પહોંચી ગયો ઈન્દ્રના દરબારમાં. ગરુડે ઈન્દ્ર પાસે જઈને સીધી જ અમૃત કુંભની માંગણી કરી. ઈન્દ્રએ ગરુડને સમજાવ્યો કે આ અમૃત એ પાણીનો ઘડો નથી કે આમ આપી દેવાય આ અમૃતને મેળવવા માટે દેવ અને દાનવોએ સમુદ્રમંથન કર્યુ છે, શંકર ભગવાને ઝેર પીધુ છે આ ઘડા પાછળ તો કેટકેટલા યુધ્ધો થયા છે આ કુંભ એમ ના મળે. તો ગરુડે કરુણ સ્વરમાં પોતાની કથા કહી અને માતાની મુક્તી માટે આ ઘડો કદ્રુને આપવો જરૂરી છે એ વાત ઈન્દ્રને સમજાવી. ઈન્દ્રને ગરુડની આંખમાં કરુણતા દેખાઈ અને પોતાની મા પ્રત્યેનો પ્રેમ દેખાઈ આવ્યો એટલે ઈન્દ્રએ એક ચાલાકી ભર્યો ઉપાય આપ્યો. ઈન્દ્રએ ગરુડને કહ્યુ કે કદ્રુએ તને માત્ર અમૃતનો ઘડો લાવવા માટે કહ્યું છે એને હાથમાં આપવા કે અમૃત પાન કરાવવાનું નથી કહ્યું એટલે તું આ ઘડો લઈને એની સામ જા એની સામે ઘડો મુક અને કહે કે આ ઘડો હું લઈ આવ્યો હવે તમે મારી માને મુક્ત કરો. જેવી કદ્રુ તારી માને મુક્ત કરે એવુ તરત જ હું આવીને આ ઘડો લઈ જઈશ. તે માત્ર ઘડો લાવવાનું વચન આપ્યુ છે તો તું એ વચન પાળ આગળનું કાર્ય મારું. ગરુડે ઈન્દ્રના કહ્યા પ્રમાણે જ કર્યું, ઘડો બહાર મુક્યો અને કહ્યું કે આ રહ્યો અમૃતનો ઘડો મે મારું વચન પાળ્યું હવે તમે તમારા વચન પ્રમાણે મારી માને મુક્તી આપો.

કદ્રુએ તરત જ વિનતાને મુક્તિ આપી દીધી અને બધા નાગ સહીત કદ્રુ પણ એ ઘડો ઉંચકવા દોડ્યા, ત્યાં જ ઈન્દ્રએ આવીને ઘડો લઈ લીધો અને આકાશ તરફ ઉડી ગયા. આ બધુ ખુબ ઝડપથી થયું એટલે બધા સાપને એવું લાગ્યું કે ઝડપથી કોઈ ઘડો લઈ ગયું એટલે એમાથી થોડા અમૃતના ટીપા અહીં પડ્યા જ હશે, અમૃતનું તો એક ટીપુ પણ અમરત્વ આપી શકે. પરંતુ ઘડો જે જગ્યાએ ગરુડે મુક્યો હતો ત્યાં તીણું ઘાંસ હતું. બધા નાગ એક ટીપુ અમૃત મળે એવી આશમાં ઘાંસને ચાટવા મંડ્યા અને જેમ જેમ તીક્ષ્ણ ઘાંસ ચાટતા ગયા એમ એમ બધાની જીભ કપાતી ગઈ અને અંતે બધા નાગની જીભ બે ભાગમાં વહેંચાઈ ગઈ. આ નાગ એ સૃષ્ટીના દરેક નાગોમાં પ્રથમ નાગ હતા તેથી એના પછી નાગની જેટલી પણ પેઢી જન્મી એ દરેક નાગ બે જીભ સાથે જ જન્મ્યા.

લેખક : પાર્થ તરપરા 

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment