લત્તાજીને હિન્દી સિનેમા ઈન્ડસ્ટ્રીએ જ ઘણાંય અંગત સંબંધો પણ આપ્યા છે..

26

એક બાપ જે થોડું ઘણું જ્યોતિષ જાણતા હતા તેમણે તેની પુત્રી માટે તેની પત્નીને કહ્યું હતું, ‘આ છોકરી ચમત્કાર સર્જશે.’ અને તે બાપ એટલે દીનાનાથ મંગેશકર જેમણે લત્તાજીની મા ને તેમની આ દિકરી માટે આ શબ્દો કહ્યાં હતા. આ જ લત્તા મંગેશકર માત્ર એક સુંદર પાર્શ્વ ગાયિકા જ નથી પણ તેમની બીજી બહેનોને જરૂર લાગે ત્યાં ટોકનારી અને સલાહ આપનારી મોટી બહેન પણ છે. એક વખતની વાત છે જ્યારે આર.ડી. બર્મને એક ગીત કમ્પોઝ કર્યુ હતું અને આશા ભોંસલેએ તે ગીત ગાવાનું હતું. હવે તે ગીતમાં આહાહા..આહાહા…કરીને શ્વાસ સાથેના ઉતાર-ચઢાવ દ્વારા રચવાના મેજીકની વાત હતી. આશાજી એ પંચમ્ દ્વારા સૂજાવેલી સ્ટાઈલમાં આ ગીત ગાવાનું હતું. આશાજી એ રીતસર કહી દીધું, ‘પંચમ્ આ શું ગાંડાવેળા છે, આવું બધું મારાથી નહીં થાય.’ ત્યારે લત્તાજીએ આશા તાઈને પાસે બેસાડ્યા અને કહ્યું, ‘આશા તું દીનાનાથ મંગેશકરની દીકરી છે, સંગીતમાં કોઈ પણ વસ્તુ તારાથી ન ગવાય એમ કેવી રીતે બને, તું આ ગીત ગાઈ જ શકે છે, અને તું ગાશે.’ અને આશાજીએ મોટી બહેનની સલાહ માની તે ગીત ગાયુ અને બખુબી ગાયું.

લત્તાજી બડે ગુલામઅલી ખાં સાહેબના જબરદસ્ત મોટા ફેન હતા, તેઓએ તેમની પાસે સંગીતની તાલીમ પણ લીધી હતી. હવે એક સમય એવો આવ્યો હતો કે એક જાહેર કાર્યક્રમમાં તેમણે ગીત ગાવાનું હતું અને તે જ કાર્યક્રમમાં બડે ગુલામઅલી ખાં સાહેબ પણ પર્ફોમ કરવાના હતા. લત્તાજી આ સમય દરમિયાન ફિલ્મી ગીતોના ગાયક તરીકે સારી નામના મેળવી ચૂક્યા હતા. હવે મુશ્કેલી એ હતી કે ત્યાં શ્રોતા તરીકે પણ બધા એકથી એક ચઢીયાતા માંઘાતાઓ હતા. લત્તાજી જો ગીત ઠીક રીતે ન ગાઈ શકે તો ગુલામઅલી ખાં સાહેબના શિષ્યા હોવાને કારણે પોતાના ગુરૂનું નામ ખરાબ થાય. અને જો સારૂં ગાય, તેમને વાહ વાહ મળે તો પણ ગુલામઅલી ખાં સાહેબ ખૂદ ત્યાં મોજૂદ હોય અને તેમની સામે તેમની વાહ વાહ થવાની જગ્યાએ તેમની વિદ્યાર્થીનિને વાહ વાહ મળે તે પણ ઠીક ન કહેવાય. આથી લત્તાજી અવઢવમાં હતા. તેમની આ અવઢવની વચ્ચે જ વળી એક બીજી પણ સમસ્યા આવીને ઊભી રહી ગઈ. અને તે હતી ગાવાના એટલે કે પર્ફોર્મન્સના ક્રમની. ગુરૂ-શિષ્યાની પરંપરાને લીધે ખાં સાહેબ કરતા પહેલાં તેઓ ગાય શકે તેમ નહોતા અને ખાં સાહેબના પર્ફોર્મન્સ પછી ગાય તો તેમની સરખામણી તેમના જ ગુરૂ સાથે થવાની સંભાવના હતી. પણ ગુરૂ પોતાની શિષ્યાની આ અવઢવને પામી ગયા અને તેમણે સ્ટેજ પર જ લત્તાજીને પણ સાથે બોલાવી લીધા અને તેમની સાથે જ સામે જ બેસીને ગીત ગવડાવ્યુ. અને બીજા લોકો તેમની વાહ વાહ કરે તે પહેલાં જ ગુરૂ તેને ચાર મોઢે વખાણવા લાગ્યા. લત્તાજી આજે પણ આ કિસ્સો યાદ કરતા કાનની બૂટ પકડી લે છે અને બડે ગુલામઅલી ખાં સાહેબને વંદન કરી લે છે.

લતાજીનું જીવન એ ખરેખર એક દંતકથા જેવું હોય તે સ્વાભાવિક છે. સદીની આ મહાન ગાયકની જિંદગી ખરેખર ‘લાર્જર ધેન લાઈફ’ જ હોવાની. બધા જ કિસ્સાઓ ટાંકવા બેસીએ તો કદાચ લત્તાજી પર એક નવું પુસ્તક લખાય જાય. મહાન પાર્શ્વ ગાયક મદન મોહન સાહેબ સાથેનો તેમનો સંબંધ આપણાથી અજાણ્યો નથી. તેમના આ પવિત્ર સંબંધની વાતની શરૂઆત થઈ હતી ગુલામ હૈદરની ફિલ્મ શહિદથી. લત્તાજી અને મદન મોહન, ગુલામ હૈદરની ફિલ્મ શહિદ માટે એક ગીત ગાઈ રહ્યા હતા. ગીત હતુ, ‘પીંજરે મેં બુલ બુલ બોલે…’ આ ગીત ઓનસ્ક્રીન ભાઈ-બહેન એક સાથે ગાય રહ્યા છે, તે માટે કમ્પોઝ થઈ રહ્યું હતું. ગીત જો કે પછી રિલીઝ નહોતું થયું પણ એક દિવસ અચાનક મદનજી લત્તાજીની ઘરે પહોંચી ગયા અને કહ્યું, ‘તુમ રાખી નહીં બાંધોગી મુઝે?’ બસ, તે દિવસથી મદન મોહન લતાજીના મદનભૈયા બની ગયા. ત્યારબાદ લત્તાજી ન માત્ર મદન મોહનજીના બલ્કે તેમના આખાય પરીવાર માટે સૌથી લાડકા અને અંગત સદસ્ય બની ગયા. લત્તાજી આજે પણ મદનભૈયાના પુત્ર સંજીવ કોહલીની ખૂબ નજીક છે.

મદન મોહનજીની જેમ જ ઈન્ડસ્ટ્રીમાં લત્તાજીને બીજા ગાયક સાથે પણ ભાઈ-બહેનનો નાતો હતો અને તે છે કિશોર કુમાર. કિશોર કુમારના મૃત્યુ પહેલા લંડનના એક કોન્સર્ટમાં લત્તાજીએ કિશોરદાને રાખડી બાંધી હતી. રક્ષા બંધનના દિવસે સવારે કિશોરદા લતાજી પાસે પહોંચી ગયા અને તેમની નજીક ફર્શ પર બેસી જઈ કિશોરદાએ લત્તાજી પાસે રાખડી બંધાવી હતી.

આ સિવાય લતાજીને ખૂબ નજીકનો સંબંધ હતો એસ.ડી. બર્મન સાથે અને તેમના દિકરા આર.ડી બર્મન સાથે પણ. એ વાત તો ઘણાંને ખબર છે કે ઘણીવાર સચિનદા જ્યારે ખૂબ સારા મૂડમાં હોય ત્યારે પોતે ખીર બનાવતા, પણ તેમણે ક્યારેય તે ખીર ખાવા માટે કોઈને આમંત્રણ આપ્યુ નથી, સિવાય કે લત્તાજી. પછી તો તે સિલસીલો કાયમનો થઈ ગયો હતો. સચિનદા જ્યારે જ્યારે ખીર બનાવતા ત્યારે એક માત્ર તેમના આમંત્રિત મહેમાન હોય, લત્તા મંગેશકર. ખીર ખાઈ લીધા બાદ સચિનદા જાતે એક સ્પેશ્યલ પાન બનાવતા, મોસંબીના સૂકા ભૂકાની ફ્લેવર સાથે બનાવવામાં આવેલું તે પાન જે લત્તાજીને ખૂબ પસંદ હતું. લત્તાજી કહે છે કે, આર.ડી. સાથે મારો સંબંધ સચિનદા કરતા પણ વધુ ગહેરો હતો. જ્યારે તેમણે મારી બહેન આશા સાથે લગ્ન કર્યા ત્યારે મને કહ્યું હતું કે શુભકામના અને મેરેજ ગીફ્ટ તરીકે તે તેમને એક પત્ર લખીને આપે. અને લત્તાજીએ લખી આપેલો તે પત્ર આર.ડી. બર્મને પોતાના બેંકના લોકરમાં સંભાળીને જાળવ્યો હતો. અને પંચમ્ લત્તાજીને કેટલું માનતા હતા તે વાતની સાબિતી તેમણે તેમની છેલ્લી ફિલ્મમાં પણ આપી છે. ‘૧૯૪૨ અ લવ સ્ટોરી,’ ફિલ્મ કરતા પહેલા તેમણે લત્તાજીને મેસેજ કહેવડાવ્યો હતો કે તમે આ ફિલ્મમાં ગીત ગાશો? અને લત્તાજી એ તેમની એ ફિલ્મમાં જે છેલ્લું ગીત ગાયું તે હતું, ‘કુછ ન કહો…’

આપણી હિન્દી સિનેમા જગતના એક ગીતકારે લત્તાજીના અવાજ પર આખી એક કવિતા લખી હતી અને તેઓ લત્તાજીને ‘બીબી’ કહીને સંબોધતા હતા. ઉર્દૂ શબ્દ ‘બીબી’ નો અર્થ થાય છે ‘ગૂડ વુમન’ અને આ ગીતકાર એટલે મજરૂહ સુલ્તાનપૂરી. મજરૂહ સાહેબ ન માત્ર લત્તાજીની નજીક હતા બલ્કે તેમના આખાય પરીવાર સાથે તેમને ખૂબ સારો સંબંધ હતો. લત્તાજીના ભાઈ હ્રદયનાથ મંગેશકર અને મજરૂહ સુલ્તાનપૂરી પણ ખૂબ સારા મિત્રો હતા.

અને આ સિવાય એક વ્યક્તિ એવા પણ છે જેમને લત્તાજી ‘પાપા’ કહીને બોલાવતા હતા. દિનાનાથ મંગેશકર પછી લત્તાજી જેને એક બાપનું સ્થાન આપી શક્યા છે તેવા મહાન કલાકાર એટલે ‘પંડિત નરેન્દ્ર શર્મા.’ બાપના ચાલી ગયા બાદ એક દિકરી તેની તમામ મુશ્કેલી જો કોઈને કહી શકી હોય કે બાપીકા પ્રેમથી નજીક રહી શકી હોય તો તે છે પંડિત નરેન્દ્ર શર્મા. પંડિતજી તેમની ત્રણ દીકરીઓની સાથે જ લત્તાજીને પણ તેમની દિકરીની જેમ જ ચાહતા હતા પણ તેમ છતાં તે હંમેશા લત્તા મંગેશકરને ‘લત્તાજી’ કહી ને જ સંબોધતા.

આપણે આગળ જ વાત કરી તેમ લત્તાજી વિષે વાતો કરવા બેસીએ તો પાનાઓ ના પાનાઓ ભરાઈ જાય પણ છતાં આજે આપણે અહીં આ મહાન સ્વર સામ્રાજ્ઞીની વાતોને વિરામ આપવો પડશે. હિન્દી સિનેમા દ્વારા આપણને અનેક અવિસ્મરણીય, કર્ણપ્રિય અને અમર ગીતો આપવા બદલ તેમને વંદન અને પ્રેમ સાથે સલામ કરીએ છીએ.

આખરી સલામ ; લત્તા મંગેશકરે વીસ જેટલી ભારતીય ભાષાઓમાં ગીતો ગાયા છે, જેમાં કેબ્રેથી લઈ ને ભજન સુધીની તમામ કેટેગરી આવી જાય છે. લત્તાજીએ ૧૯૬૮માં ભગવદ્‍ ગીતા પણ ગાઈ હતી.

લેખક : આશુતોષ દેસાઈ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment