એક નાની ઝલક મિત્રતા પર બનેલી બોલીવુડ ફિલ્મોની…

26

“ જીંદગી ઇમ્તિહાન લેતી હૈ, દોસ્તી ઇમ્તિહાન લેતી હૈ,
દોસ્તો કી જાન, દોસ્તો કી જાન, દોસ્તો કી જાન લેતી હૈ.”

અમિતાભ બચ્ચન અને શત્રુજ્ઞ સિન્હાની 1981માં આવેલી ફિલ્મ “નસીબ” નું આ ગીત આજેપણ હીટ છે. દોસ્તી શબ્દ જીવનમાં જેટલો મહત્વનો છે, તેટલી જ દોસ્તી પણ મહત્વની છે. બોલિવૂડમાં દોસ્તી પર અનેક ફિલ્મો બની છે અને બની રહી છે. પહેલાના સમયમાં દોસ્તીને દર્શાવતી જે ફિલ્મો બનતી તેમાં મોટાભાગે બે મિત્રોની વાત જોવા મળતી. જેમાં પ્રેમને, બલિદાનને, ફરજને અને ક્યારેક દોસ્ત પ્રત્યેની વફાદારીને ખાસ રજૂ કરવામાં આવતી. દોસ્તીમાં એકબીજા પર જાન ન્યોછાવર કરી દેવાતી.

આવા જ બે મિત્રોની 1964માં આવેલી ફિલ્મ “દોસ્તી” એ લોકોના દીલમાં દોસ્તીનું મહત્વ બેસાડી દીધું. જોકે 1964માં આવેલી ફિલ્મ “સંગમ” જેના કલાકારો રાજ કપૂર, રાજેન્દ્ર કુમાર હતા તેને લોકો આજેપણ જોવાનું પસંદ કરે છે. ફિલ્મની વાર્તા જ નહીં પણ ગીતો પણ ખૂબ જ લોકપ્રિય રહ્યા હતા. એક મિત્ર બીજા મિત્ર માટે પોતાના પ્રેમનું જે બલિદાન આપે છે, તે ફિલ્મની મુખ્ય વાર્તા હતી. દોસ્ત પ્રત્યેની વફાદારીને ખૂબ જ સુંદર રીત દર્શાવવામાં આવી હતી. આ રીતે મિત્રોની વ્યાખ્યાને રજૂ કરતી અનેક ફિલ્મો બનતી ગઇ.

“ યે દોસ્તી હમ નહીં તોડેંગે, તોડેંગ દમ અગર તેરા સાથ ના છોડેંગે………”1975માં આવેલી “શોલે” ફિલ્મે તો લોકોને રડાવી દીધા. દોસ્ત માટે થઇને દરેક મુશ્કેલીનો સામનો કરનાર અમિતાભ અને દોસ્તની મૃત્યુનો બદલો લેનાર ધર્મેન્દ્રને લોકોએ મિત્રતાના સચોટ ઉદાહરણરૂપ સ્વીકાર્યા. જોકે અમિતાભ બચ્ચનની “યારાના” ફિલ્મ પણ એવી જ ગાઢ મિત્રતાદર્શી હતી. અમિતાભ અને અમજદ ખાનની આ ફિલ્મને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો હતો. અમિતાભ બચ્ચને દોસ્તીને લઇને અનેક ફિલ્મો કરી. જેમાં તે “ઝંઝીર” માં પ્રાણ સાથે, “દોસ્તાના” માં અને

“નસીબ” માં શત્રુજ્ઞ સિન્હા સાથે જોવા મળ્યો હતો. ખરેખર ફિલ્મો અને તેના ગીતો ખૂબ જ લોકપ્રિય રહ્યા, જેમાં

“દોસ્તી ઇમ્તિહાન લેતી હૈ…દોસ્તો કો જાન લેતી હૈ…… ” પણ ખૂબ લોકપ્રિય છે.આજના સમયમાં ફિલ્મોમાં આપણે થોડો ફેરફાર જોઇ રહ્યા છીએ. જ્યાં પહેલા બે મિત્રોની મિત્રતાની વાત દર્શાવતી ફિલ્મો રજૂ કરવામાં આવતી હતી, ત્યાં હવે ત્રણ કે ચાર મિત્રોવાળી ફિલ્મોએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન જમાવ્યું છે. જેમાં અનેક ફિલ્મો બની અને હિટ થઇ ગઇ છે. જોકે તમે નહીં જ જાણતા હો એટલે માહિતગાર કરું કે ભલે ત્રણ હિરોની મિત્રતા દર્શાવતી ફિલ્મો બની હોય અને હીટ પણ થાય પણ આ સિલસિલો તો આજકાલનો નથી. બોલિવૂડમાં મિત્રતાને હંમેશા પહેલું મહત્વ આપવામાં આવ્યું છે. 1957માં “દેખ કબીરા રોયા” નામની ફિલ્મ બની હતી, જેમાં ત્રણ મિત્રોની વાત હતી. આ ફિલ્મના કલાકારો અનુપ કુમાર, જવાહર કોલ અને દલજીત હતા. આ ત્રણેય ફિલ્મમાં સિંગર, પેઇન્ટર અને રાઇટરની અલગ અલગ ભૂમિકામાં હતા. મિત્રોની મુશ્કેલીઓનું વર્ણન કરતી આ ફિલ્મ તે સમયે ખૂબ જ પસંદગીમાં રહી હતી.ત્યારબાદ 1982માં બાસુ ચેટર્જીએ પોતાની ફિલ્મ “શૌકીન” માં પણ ત્રણ મિત્રોની વાતને વધારે મહત્વ આપ્યું. જોકે આ ફિલ્મમાં મિત્રોને જીવનના એક ઉંમર વીત્યા પછીના સમયને અને તેમના મનના તરંગો અને વ્યથાને દર્શાવવામાં આવી છે. જેમાં અશોક કુમાર, ઉત્પલ દત્ત અને એ.કે.હંગલ હતા. જોકે 2014માં આ ફિલ્મની જ સિક્વલ “ ધ શૌકીન ” રજૂ થઇ જેમાં અનુપમ ખેર, પિયુષ મિશ્રા અને અનુ કપૂર ત્રણ મિત્રોની ભૂમિકામાં હતા. આ ફિલ્મ વધારે ચાલી નહોતી. તે પછી તો હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનેક ફિલ્મો બની જેમાં ત્રણ મિત્રોની વાતને અનેક વાતાવરણમાં રજૂ કરાતી ગઇ. આ ફિલ્મો કોમેડી પણ હતી અને એક્શનવાળી પણ હતી, તો ક્યાંક ઇમોશનલ ટચ પણ આપવામાં આવતો.

1981માં આવેલી “ચશ્મેબદ્દૂર” માં ફારૂખ શેખ, રાકેશ બેદી અને રવિ બસવાની હતા. જોકે આ ફિલ્મની સિક્વલ પણ 2013માં બની પણ વધારે ચાલી નહીં. 1989માં આવેલી “ત્રિદેવ” ફિલ્મ એક્શન અને ઇમોશનલ ફિલ્મ હતી. જેમાં નશરૂદ્દીન શાહ, સની દેઓલ અને જેકી શ્રોફની દોસ્તીએ ધૂમ મચાવી. આવી જ એક અન્ય ફિલ્મ “ત્રિમૂર્તિ” જે 1995માં આવી હતી. તેમાં પણ જેકી શ્રોફ, અનિલ કપૂર અને શાહરૂખ ખાનને લોકોએ પસંદ કર્યા હતા.

દોસ્ત અને દોસ્તી પર બનતી ફિલ્મોમાં મિત્રોની દરેક પરિસ્થિતીનું વર્ણન કરવામાં આવે છે. દરેક પરિસ્થતીમાં એક મિત્ર બીજા મિત્રને કેવી રીતે સહકાર આપે છે, મિત્ર જો ગેરમાર્ગે દોરવાય તો તેને કેવી રીતે પાછો લાવવો, મિત્રને પ્રેમમાં મદદ કરવી, તેના માટે મરી જવું અને સમય આવ્યે મિત્ર માટે કોઇને મારી પણ નાખવું તેવી કથાવાર્તાઓ દર્શાવવામાં આવતી હતી. આવી અનેક વાતોને ફિલ્મોમાં વણી લેવામાં આવે છે. આ બધી જ ફિલ્મો દ્વારા જીવનની વાસ્તવિકતાનો પરિચય કરાવવામાં આવે છે. મિત્રતાની કિંમત સમજાવવામાં આવે છે.

હવે સમય છે પરિવર્તનનો અને એટલે જ ફિલ્મોમાં વાર્તામાં પણ પરિવર્તન આવવા લાગ્યા. 2007માં આવેલી ફિલ્મ “હે બેબી” માં રીતેસ દેશમુખ, ફરદીન ખાન અને અક્ષય કુમારના જીવન પરિવર્તનની વાત છે. જ્યારે 2008માં આવેલી “રોક ઓન” માં જૂના કોલેજ મિત્રોથી છૂટા થયા પછી વર્ષો બાદ તેમને ફરીથી મળ્યાના અને એક સફળતાના શીખરને મિત્રો વિના સર ન કરી શકાય તે દર્શાવવામાં આવ્યું છે. આજ રીતે 1998ની “બોમ્બે બોયઝ”, 2003માં આવેલી ફિલ્મ “ઝંકાર બીટ્સ”, 2003માં આવેલી “ડરના મના હૈ”, 2004માં આવેલી “મસ્તી”, 2011માં આવેલી “દીલ્હી બેલી”, 2006માં આવેલી “ફાઇટ ક્લબ”, ફિલ્મો પણ ફિલ્મમાં ત્રણ મિત્રોની વાતને રજૂ કરે છે.દોસ્તીના નવા દોરને ચિતરતી ફિલ્મોમાં દર્શકોએ પસંદ કરેલી ફિલ્મો 2001માં આવેલી “દિલ ચાહતા હૈ”, 2009માં આવેલી “3 ઇડિયટ્સ”, 2011માં આવેલી “જીંદગી ન મીલેગી દોબારા” અને 2013માં આવેલી “કાઇ પો છે” ફિલ્મો અગ્રેસર છે. આ ફિલ્મોમાં જીંદગીને તમે દિલથી જીવો અને દોસ્તોના દિલની વાતને સમજીને કઇ રીતે તેને જીવન જીવવા પ્રત્યે પ્રેરવો તે દેખાડવામાં આવ્યું છે.જોકે બોય્ઝ ટોકને ધ્યાનમાં રાખીને થોડી વધારે બિન્દાસ બનેલી ફિલ્મોની યાદી પણ છે. જેમાં “મસ્તી”, “ગ્રાન્ડ મસ્તી”, “ક્યા કુલ હૈ હમ”, “ગોલમાલ” જેવી ફિલ્મો અને તેની સિક્વલનો સમાવેશ થાય છે. આ પ્રકારની ફિલ્મોમાં મિત્રો સાથે મળીને પોતાના મનતરંગોને કઇ રીતે મિત્ર સમક્ષ દર્શાવે છે, તે સ્પષ્ટ દર્શાવ્યું છે. જોકે ફક્ત પુરષો જ નહીં સ્ત્રી મિત્રોને ધ્યાનમાં રાખીને પણ હવે ફિલ્મો બની રહી છે, જેમાં “પાર્ચ્છડ” અને “વીરે દી વેડીંગ”નો સમાવેશ થાય છે. આ બંને મહિલા મિત્રો પર બનેલી ફિલ્મો છે. જેમાં તેમની પરીસ્થિતીનો સ્પષ્ટ ચિતાર અને તેમાથી એકબીજાને કેવી રીતે બહાર કાઢવા તેનો ઉપાય સહેલીઓ જ કરે છે. આવી દોસ્તીને દર્શાવતી ફિલ્મો તો બનતી જ રહે છે અને બનતી જ રહેસે. ફરક માત્ર એટલો જ છે કે જાહેરજીવનને અસર કરે તેવી ફિલ્મોની વાર્તા જ લોકોને વધારે અસર કરે છે અને એટલે જ લોકો આ ફિલ્મોને પસંદ કરે છે.બોક્સ

દોસ્તી પર બનેલી ફિલ્મો

દેખ કબીરા રોયા – 1957 (અનુપ કુમાર, જવાહર કોલ, દલજીત)

દોસ્તી – 1964 (સુધીર કુમાર, સુશીલ કુમાર)

સંગમ – 1964 (રાજ કપૂર, રાજેન્દ્ર કુમાર)

દોસ્ત – 1974 (ધર્મેન્દ્ર, શત્રુજ્ઞ સિન્હા)

શોલે – 1975 (અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર)

દોસ્તાના – 1980 (અમિતાભ બચ્ચન, શત્રુજ્ઞ સિન્હા)

નસીબ – 1981 (અમિતાભ બચ્ચન, શત્રુજ્ઞ સિન્હા)

ચશ્મેબદ્દૂર – 1981 (ફારૂખ શેખ, રાકેશ બેદી, રવિ બસવાની)

યારાના – 1981 (અમિતાભ બચ્ચન, અમજદ ખાન)

શૌકીન – 1982 (અશોક કુમાર, ઉત્પલ દત્ત, એ.કે. એન્ગલ)

ત્રિદેવ – 1989 (નસરુદ્દીન શાહ, સની દેઓલ, જેકી શ્રોફ)

સોદાગર – 1991 ( દિલીપ કુમાર, રાજકુમાર)

અંદાઝ અપના અપના – 1994 (આમિર ખાન, સલમાન ખાન)

ત્રિમૂર્તિ – 1995 ( જેકી શ્રોફ, અનિલ કપૂર, શાહરૂખ ખાન)

ઇશ્ક – 1997 (આમિર ખાન, અજય દેવગન)

બોમ્બે બોયઝ – 1998 (નવીન એન્ડ્ર્યુ, રાહુલ બોઝ, એલેકઝાન્ડર ગીફોર્ટ)

દિલ ચાહતા હૈ – 2001 ( આમિર ખાન, અક્ષય ખન્ના, સૈફ અલી ખાન)

ઝંકાર બીટ્સ – 2003 (રાહુલ બોઝ, સંજય સુરી, શાયન મુંશી)

ડરના મના હૈ – 2003 ( વિવેક ઓબેરોય, સૈફ અલી ખાન, સોહેલ ખાન)

મસ્તી – 2004 ( વિવેક ઓબેરોય, આફતાબ શિવદાસીની, રીતેશ દેશમુખ)

ક્યા કુલ હૈ હમ – 2005 ( રિતેશ દેસમુખ, તુષાર કપૂર)

રંગ દે બસંતી – 2006 (આમિરખાન, કૃણાલ કપૂર, માધવન, સિદ્ધાર્થ નારાયણ)

ગોલમાલ – 200 (અજય દેવગન, અરસદ વારસી, શરમન જોષી, તુષાર કપૂર)

હે બેબી – 2007 (અક્ષય કુમાર, રીતેશ દેશમુખ, ફરદીન ખાન)

રોક ઓન – 2008 ( ફરહાન અખ્તર, અર્જુન રામપાલ, પૂરબ કોહલી)

દોસ્તાના – 2008 ( જોન અબ્રાહમ, અભિષેક બચ્ચન)

ગોલમાલ રીટર્ન્સ – 2008 (અજય દેવગન, અરસદ વારસી, શ્રેયસ તલપડે, તુષાર કપૂર)

થ્રી ઇડિયટ્સ – 2009 ( આમિર ખાન, આર. માધવન, શરમન જોષી)

જીંદગી ન મીલેગી દોબારા – 2011 ( ઋતીક રોશન, ફરહાન અખ્તર, અભય દેઓલ)

દિલ્હી બેલી – 2011 (ઇમરાન ખાન, કૃણાલ રોય કપૂર, વીર દાસ)

દિલ તો બચ્ચા બે જી – 2011 (અજય દેવગન, ઇમરાન હાશમી, ઓમી વૈદ્ય)

ક્યા સુપર કુલ હૈ હમ – 2012 ( રિતેશ દેસમુખ, તુષાર કપૂર)

હાઉસફુલ 2 – 2012 (અક્ષય કુમાર, જોન અબ્રાહમ, રીતેશ દેસમુખ, શ્રેયસ તલપડે)

કાઇ પો છે – 2013 ( શુસાંત સિંહ રાજપૂત, રાજ કુમાર યાદવ, અમિત સાઘ

ડેવીડ – 2013 ( નીલ નીતિન મુકેશ, વિક્રમ, વિનય વિરમાની)

ચશ્મેબદ્દૂર – 2013 (અલી ઝફર, સિદ્ધાર્થ, દિવ્યેન્દુ શર્મા)

યે જવાની હૈ દિવાની – 2013 (રણબીર કપૂર, દિપીકા પાદુકોણ, આદિત્ય કપૂર, કલ્કિ કોચલીન)

ફુકરે – 2013 (પુલકીત સમ્રાટ, અલી ફઝલ, મનજોત સિંહ, વરુણ શર્મા)

ગ્રાન્ડ મસ્તી – 2013 ( વિવેક ઓબેરોય, આફતાબ શિવદાસીની, રીતેશ દેશમુખ)

ગુંડે – 2014 ( રણવીર સિંહ, અર્જુન કપૂર)

પાર્ચ્છડ – 2015 (તનિષ્ઠા ચેટર્જી, રાધિકા આપ્ટે, સુરવીન ચાવલા)

પીંક – 2016 (તાપસી પન્નુ, કીર્તી કુલહારી)

ગ્રેટ ગ્રાન્ડ મસ્તી – 2016 ( વિવેક ઓબેરોય, આફતાબ શિવદાસીની, રીતેશ દેશમુખ)

ક્યા કુલ હૈ હમ 3 -2016 ( આફતાબ શિવદાસીની, તુષાર કપૂર)

ગોલમાલ અગેન – 2017 (અજય દેવગન, અરસદ વારસી, કૃણાલ ખેમુ, તુષાર કપૂર)

ફુકરે રીટર્ન્સ – 2017 (પુલકીત સમ્રાટ, અલી ફઝલ, મનજોત સિંહ, વરુણ શર્મા)

વીરે દી વેડીંગ – 2018 ( કરીના કપૂર, શીખા તલસાણીયા, સ્વરા ભાષ્કર, સોનમ કપૂર)

લેખન : મેધા પંડ્યા ભટ્ટ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment