જે કામ પિતાએ કર્યું એ કામ તેના સંતાન પણ કરે એ કોણે કહ્યું, મુકેશ સોજીત્રાની કલમે અદ્ભુત વાર્તા…

39

“એ આવતી અખા ત્રીજે આખું ગામ ભેળું કરવાનું છે પાદરડીમાં એટલે સહુ ભાયું અને બાયું રાતના આઠ વાગ્યે વાળું પાણી કરીને આવજો એમ સરપચે કહેવરાવ્યું છે.” રતુ વાળંદ ઘરે ઘરે ફરતો હતો . ગામ આખા ખાતે એક જ વાળંદ હતો . ગામની પાદર એક જાહલ થઇ ગયેલા બસ સ્ટેન્ડ પાસે એક મોટો બાપા બજરંગ દાસનો ઓટલો અને ઓટલાની પડખે જ એક નાનકડું એવું કેબીન દાઢી કરવાનું હતું . કેબીન રતુ વાળંદનું હતું. વળી ગ્રામ પંચાયતના પટાવાળા તરીકેની નોકરી હતી એટલે રતુ વાળંદ નું ગાડું ચાલ્યું જતું હતું. મહિનામાં દસ દિવસ રેશન શોપની દુકાને ઘઉં અને કેરોસીન અને ખાંડ ,ચોખા જોખવા જાય અને પંદરસો રૂપિયા ત્યાંથી મળી રહે એટલે રતુને તો જાણે ભયો ભયો થઇ જતું હતું.

“ગામ આખામાં કેવાય ગયું છે ને ?? કોઈ ઘર રહી નથી જાતું ને?? પેલાની જેમ આપણે નથી કરવાનું કે ગ્રામ સભા થાય એટલે સરપંચના પેલા ખોળાના જ આવે અને એને જ આમંત્રણ હોય!! આપણે આખા ગામમાંથી એક પણ ઘર બાકી નથી રાખવાનું અને બધાને આવવાનું છે એવું કરવાનું છે” સરપંચ પ્રદીપે કહ્યું .

“એક પણ ઘર બાકી નથી અને બધાને આગ્રહ કરીને કીધું છે?” રતુએ ઉતર વાળ્યો .અને સરપંચ ના ચહેરા પર આનંદ ફરી વળ્યો . આઝાદી પછી પહેલી વાર ગામમાં ચૂંટણી વગર એ સરપંચ થયો હતો. અને આખી પેનલ જ ચાલીશ વરસ ની નીચેની હતી. અને વળી ઉત્સાહી હતી. સરપંચ તરીકેના એક વરસમાં પ્રદીપ અને તેની પેનલ ભારે કાઠું કાઢી ગયેલી હતી . આમ તો વરહ દિવસ પહેલા સરપંચ ની ચૂંટણી આવી ત્યારે બેય પક્ષના છાપેલ કાટલાંઓ તો થનગની જ રહ્યા હતા. પણ ભણેલા જુવાનીયા આ વખતે કાંઇક નવું જ કરવાના મૂડમાં હતા. એ વખતે પણ ગામ ભેગું થયું હતું અને આ યુવાનો તરફથી એવો પ્રસ્તાવ આવ્યો હતો કે અત્યાર સુધી જે જે સભ્યોમાં અથવા સરપંચમાં રહી ગયા હોય એવા એક પણ જણા એ આ વખતે ફોર્મ નથી ભરવાનું અને ગામમાં ૧૪ શેરી છે,. શેરી જ નક્કી કરે કે અમારી શેરીમાં થી આ ભાઈ કે બહેન અને એ પણ સાવ અભણ નહિ પણ ઓછામાં ઓછું બાર ભણેલો હોય. જેને પૈસા ખાવા હોય ઈ આ વખતે ગામની પત્તર ઠોકવા આવશો જ નહિ . ઘરે કામ ધંધો સારો હાલતો હોય અને સેવાની ભાવના હોય એ જ આવજો . દર મહીને નવી પેનલ ગામને હિસાબ આપશે કે આ મહીને પંચાયતે નવું શું કર્યું!! જુના કાટલાં ઉકળી ઉઠ્યા પણ એ બધાની નવાઈ ની વચ્ચે ગામ આખું યુવાનો બાજુ થઇ ગયેલું અને અઠવાડિયામાં આખું ચિત્ર નજર સામે આવી ગયું.
ગામમાંથી ભણેલા ૧૪ સાત બહેનો અને સાત ભાઈઓ એક એક શેરીમાંથી તૈયાર થયા. અને સરપંચ તરીકે પ્રદીપ પસંદ થયો. ફોર્મ ભરાયા. સામે પણ ફોર્મ ભરાયા. પણ ગામ આખું આ વખતે યુવાનો બાજુ હતું. અમુક ને તો પોતાના ઘરના પણ મત નહિ મળે એટલે ટપોટપ ફોર્મ પાછા ખેંચી લીધા. અને આખી પંચાયતની બોડી બિનહરીફ થઇ એટલું જ નહિ પણ ચૂંટાયા પછી કામ પણ બિન હરીફ થયા. ગામમાં ચોખ્ખાઈ થઇ ગઈ. ઘરે ઘરે નળ છ માસમાં જ આવી ગયા. અમુક બાબા આદમ વખત થી બંધ પડેલ સ્ટ્રીટ લાઈટો શરુ થઇ ગઈ ટ્યુબ લાઈટ ની જગ્યાએ એલ ઈ ડી લાઈટો નખાઈ ગઈ . અગાઉના સરપંચના કુવામાં ચાલતા બે બે સબમર્સિબલ પંપ આ યુવાનો કાઢીને લઇ આવ્યા જે પંચાયતના કુવામાં ઉતારવામાં આવ્યા . અડધા ગામ ને તો ત્યારેજ ખ્યાલ આવ્યો કે એ સબ મર્સીબલ પંપ તો પંચાયતના જ છે . દસ વરસ અગાઉ સરપંચ હતા એની વાડીએ ફરજો તોડીને એના લાકડા અને વાસા પટીમાંથી ગામની નિશાળમાં એક મકાન બનાવવામાં આવ્યું. ત્યાં બાળકોને મધ્યાહ્ન ભોજન પીરસાવા લાગ્યું . દસ વરસ પહેલા જૂની નિશાળ પડી ત્યારે એ વખતના સરપંચે બધું ભેગું કરીને વાડીએ ઢોર સચવાય એ માટે ફરજો બનાવ્યો હતો. મહિનામાં આડા વારે ભૂલથી આવતો તલાટી મંત્રી હવે રેગ્યુલર આવતો હતો . નિશાળની જેમ જ પંચાયત ઓફીસ આખો દિવસ ખુલી જ હતી. અને ચા પાણી થી ધમધમતી હતી.!!

અખા ત્રીજ નજીક આવતી હતી એમ ગામ આખામાં ઉત્સાહ છવાઈ ગયો હતો . પાદરડીનું મેદાન આમ તો સાફ જ હતું તેમ છતાં બીજના દિવસે ફરીથી સાફ થઇ ગયું હતું. વીસેક લીમડા હેઠે ગામ ભેગું થવાનું હતું . ચોફાળ , બુંગણ આવી ગયા હતા. પીવાના પાણી ની વ્યવસ્થા ઉપર આ વખતે સરપંચે નક્કી કર્યું હતું કે ગામ આખા એ આ વખતે રસ લીધો છે એટલે બધાને શેરડીનો રસ પાવાનો છે રાતે કાંતિયાની વાડીએથી બે ભરોટા શેરડીના આવી ગયા હતા ને આઠ વાગ્યે ગામ સભાની સાથો સાથ ચિચોડો પણ ચકચકાટી બોલાવવાનો હતો અને બધાને ધરાઈને રસ પાવાનો હતો. નવ વાગ્યે આખું ગામ આવીને ગોઠવાઈ ગયું. બધાજ આવી ગયા હતા .ધરાઈ ધરાઈ ને રસ પણ પી લીધો અને સરપંચ ઉભા થયા.
“ગામના ભાઈઓ અને બહેનો જાજી વાતના ગાડાં ભરાય એટલે સો વાતની એક વાત કરવી છે કે ગઈ વિધાનસભાની ચૂંટણીમાં બેય પાર્ટીએ એને મત આપવા માટે મને બે બે લાખ આપ્યા હતા. મેં એ વખતે વાત ગુપ્ત રાખી હતી ,હા મારી પેનલના સભ્યોને ખબર છે. અને એ ચૂંટાઈ જાય પછી ગધના કામ કરે કે ના કરે એટલે લઇ લીધા હતા. પછી આપણે કોઈને પણ કહેવા નહોતા ગયા કે તમે આને મત આપજો કે ફલાણા ને મત આપજો. હવે એ પૈસા ગામમાં વાપરવાના છે એટલે તમને બધાને ભેગા કર્યા છે. એ ચાર લાખના અત્યારે ચાર લાખને વીસ હજાર થઇ ગયા છે. વ્યાજ સાથે એટલે ગામ નક્કી કરે ત્યાં આપણે ખર્ચ કરી નાંખીએ” સહુએ તાળીઓ પાડી. જીવા લખમણ ઉભા થયા અને બોલ્યાં.
“ ચાર લાખ સ્મશાનમાં વાપરી નાંખો. આપણા ગામનું સ્મશાન એકદમ અવાવરું જ છે.”

“સ્મશાનમાં વાપરીને ફાયદો શું??? આત્મા શરીરમાંથી નીકળી જાય પછી એને કરોડના સ્મશાનમાં બાળો કે લાખના સ્મશાનમાં બાળો કાઈ ફાયદો ખરો?? હા જીવાત્માને ફાયદો મળતો હોય કે આ દસ લાખના સ્મશાનમાં બાળો તો વીસ ટકા પાપ બળી જાય તો ચાર નહિ આપણે ચાળીશ લાખનું સ્મશાન બનાવીએ બોલો.. બાકી પૈસા સાવ નાંખી જ દેવા હોય તો નાંખો સ્મશાનમાં અને આપણા સ્મશાનમાં કોઈ જ ખામી નથી. સરસ મજાના બે હોલ તો છે જ !! માણસો ઉભા રહી શકે એવી સગવડ છે. અને માણસ ઓછું મરે છે એટલે અવાવરું જ હોય ને!! વળી પાણી ની સગવડ પણ ફૂલ જ છે એટલે મારું માનો તો સ્મશાનમાં રૂપિયા નાંખવા જેવા નથી?” સવજી આતા એ વિગત વાર જણાવ્યું. બધા જ સહમત થયા.

“ ગામની પાદર આ બસ સ્ટેન્ડ છે એ રીપેર કરાવી શકાય” ઘોહા આતા બોલ્યા.

“હવે એનીય કોઈ જરૂર નથી . બસ સ્ટેન્ડ કરતા તો બજરંગ દાસ બાપાનો ઓટલો મોટો છે એટલે માણસ ત્યાં બેસી શકે અને બસ સ્ટેન્ડ શું કામ બનાવવું?? એકેય બસ તો ગામમાં આવતી નથી.. અને કદાચ બસ આવે તો બેસે કોણ?? બધાને ઘરે મોટર સાયકલ છે અને રિક્ષાઓ પણ પાર વગરની છે હા એવું થાય ઘોહા કે તારા બકરાને ચોમાસામાં વાંધો ના આવે બસ સ્ટેન્ડ સારું હોય તો આમેય તારા બકરા તો બારેયને ચારે બસ સ્ટેન્ડમાં જ બેઠા હોય છે. બસ સ્ટેન્ડ પડી જાય ને એટલે એક માથાકૂટ મટે” હિપાએ કહ્યું અને ગામ આખાએ દાંત કાઢ્યા . ઘોહા આતા કાઈ બોલ્યા નહિ કારણકે હીપો એનો દુરનો બનેવી થતો હતો.

‘આપણા ગામમાં હાઈસ્કુલ નથી. મારો વિચાર એવો છે કે થોડો ગામ ફાળો ભેગો થાય ,થોડા પંચાયત કાઢે . અમુક દાતાઓને ગોતીયે તો બે વરસમાં એક હાઈ સ્કુલ થઇ જાય તો ગામની દીકરીયું ને બીજા ગામ ભણવા ના જવું પડે. છોકરા તો મારા બટા રિક્ષામાં બેસીને હાહાહીહી કરતાં બહાર ભણવા જાય પણ આ દીકરીયું આઠ પાસ થાય એટલે ઘરે જ ઘરકામ માં વળગી જાય છે એને બદલે જો ગામમાં હાઈસ્કુલ થાય તો ઈ પણ બાર લગી ભણી શકે, ભલે નોકરી ના મળે પણ ભણેલી હોય તો સાસરિયું તો સારું મળે ને એટલે અત્યારે તો આ કર્યા જેવું કાર્ય છે.” ભગવાનભાઈ બોલ્યા.

“સરસ વાત છે પણ હાઈ સ્કુલ માટેની જમીન તો આ પાદરડીમાંથી મળી જાય. મંજૂરી પણ મળી જાય પણ શરૂઆતમાં ઓછામાં ઓછા ચાર ઓરડા અને એક મોટો હોલ જોઈએ. લાઈબ્રેરી અને પ્રયોગ શાળા જોઈએ. શિક્ષકો આપણે રાખવા પડે એનો પગાર ચૂકવવો પડે .પાંચ વરસ પછી સરકાર કદાચ ગ્રાન્ટ આપે એટલે વાત તો સાચી હાઈ સ્કુલ ની પણ બજેટ વધી જાય છે” સરપંચે કહ્યું.

“શિક્ષણ માટે બજેટ ક્યારેય ઘટવું જ ના જોઈએ, ઈ બધુય થઇ રહેશે જો ગામની ઈચ્છા હોય તો આ પૈસા એના માટે પડ્યા રહેવા દઈએ .દિવાળી ઉપર સુરત વાળા ને બોલાવીએ લઈએ .ઈ પહેલા આપણે હાઈ સ્કુલનું ટ્રસ્ટી મંડળ બનાવી દઈએ. આ ચાર લાખમાં ચાર રૂમના પાયા ખોદાવીએ. પહેલા કમ્પાઊંડ હોલ બનાવી નાંખીએ. એટલે આ વરસે અંદર ઝાડવા વાવી દઈએ.” ભગવાન ભાઈ પોતાની વાતને વળગી રહ્યા.

“તો હવે આપણે દિવાળીએ ભેગા થાશું ત્યાં સુધી આ પૈસા અને બીજા કોઈ પૈસા ગામ વિકાસમાં આવે ઈ બધા આ હાઈ સ્કુલના બાંધકામમાં નાંખીશું.” આજની સભા પૂરી. પણ તોય ગામ બેઠું જ રહ્યું અને વાતો કરતુ રહ્યું મોડી રાત સુધી.
ભગવાને જેવી વાત કરી એ પ્રમાણે કામ શરુ થઇ ગયું. રમતના મેદાન સાથે વિશાળ જગ્યા સાથે પાદરડીના એક ખૂણામાં હાઈસ્કુલ નું ખાત મુહુર્ત થઇ ગયું, ચાર વર્ગ ખંડ એક આચાર્ય અને સ્ટાફ રૂમ સાથે છ ઓરડાનું કામ માટે પાયા ખોદાઈ ગયા તાર ફેન્સીગ પણ થઇ ગયું. વ્રુક્ષો પણ વવાઈ ગયા.

ભગવાન ભાઈ આમ તો સુખી માણસ હતો . એના દીકરાઓને સુરતમાં પાવર લુમ્સ હતી. ગામમાં સારી એવી જમીન હતી. ઊંડા કેડે સાઈંઠ વીઘા જમીન હતી. નાટ ધારે બીજી એંશી વીઘાની વાડી હતી. ગામના એક માત્ર રસ્તે રોડ ટચ આઠ વીઘાનું કટકું હતું. બધી જ ખેતી ભાગિયા સંભાળે!! ગામ લોકો ભગવાનભાઈ માટે એવી વાતો કરતા કે ભગવાનને સરખાઈ છે સરખાઈ!! ભગવાન દર વરસે ગામના મિસ્ત્રી પાસે એક નવો નકોર પટારો કરાવે છે. અને આખા વરહમાં એ પટારો નોટો થી ભરાઈ જાય એટલે બીજે વરસે બીજો પટારો કરાવવો પડે છે. સુરત થી પણ ચાર છોકરા દિવાળી પર આવે ને ત્યારે મોટરું ભરી ભરીને પૈસા લાવે છે. ભગવાન ને બીજું કાઈ કરવાનું નહિ. આખો દિવસ બેઠો બેઠો છાપા વાંચ્યા કરે અને ખાઈ પી ને તડાકા કરે છે તડાકા!! ગામ આખું આવી વાતો કર્યા કરે!!

પણ જેવું આ નિશાળનું કામ શરુ થયું કે ભગવાન ભાઈ સવારથી સાંજ સુધી ત્યાને ત્યાજ હોય!! જેટલા ઝાડવા વાવ્યા ઈ બધાયને પાણી પાતા હોય અને બેઠા હોય!! ખેતરે એ લગભગ હવે જતા નહિ અમુક અદેખાઈ વાળ માણસો એ સરપંચ પ્રદીપ ને ચેતવ્યો પણ ખરો.

“પ્રદીપ ભાઈ આ ભગવાન ઉકા થી થોડા છેટા રહેજો. એના બાપ ઉકા જસમતે ગામની મંડળીનું આજ થી ચાળીશ વરસ પહેલા કરી નાંખેલું છે. જુવાનિયાને તો એ ખબર ના હોય પણ ગઢિયાવ ને પૂછોને તો ખબર પડે.. એ વખતે ગામ આખાના પૈસા મંડળીમાંથી ઉપાડીને મંડળી ફડચામાં નાંખી દીધેલ હતી.અને ગામ આખું રાતા પાણીએ રોયું હતું. પણ એ વખતે એના બાપનો કડપ જ એવો હતો કે કોઈએ ઉહંકારો નહોતો કર્યો. આ બધા લાભ વિના ક્યાય લાંબા થાય એમ નથી.. એટલે અત્યારે ભલે મફતમાં સેવા કરે પણ બાકી એને કોઈ ને કોઈ સ્વાર્થ તો છે જ નહીં બાકી અત્યાર સુધીમાં ગામમાં બે અવેડા બંધાણા એમ એક સિમેન્ટ ની થેલી પણ એણે નથી લખાવી અમે બે વાર એને ઘરે ફાળો લેવા ગયા ત્યારે આ જ ભગવાને અમને એમ કીધેલું કે અમારા ઢોર ક્યાં અવેડે પાણી પીવા આવે છે?? અમારે તો ઘરે જ અવેડો છે . આ તો ઢોરની કમાણી ખાવી હોય એ અવેડામાં સિમેન્ટ કે ઇંટો આપે પણ હું શું કામ આપું?? એટલે સરપંચ તમે ચાલજો ચેતીને નહીતર આ ભગવાન તમને અને ગામને ભેખડે ભરાવી દેશે!!

“ કાઈ વાંધો નહિ તમ તમારે જોયા કરોને એ ભલે ને કામ કર્યા રાખે એને કોઈ કમિટીમાં રાખવા જ નથી અને આપણે હિસાબ ચોખ્ખો જ રાખવો છે પછી શું કામ ચિંતા!! અત્યારે તો એ સેવા કરે છે તો ભલેને કરે!! સેવાની ના કોઈને ના પડાય?? તમે કીધું એવું જ મને ગામના સાત થી આઠ જણાએ કીધું છે. તમતમારે જોયા કરો.. મારી પર ભરોસો રાખો!!
ભગવાન ઉકા ઉમર હશે પંચાવનની આજુબાજુ. ગામની વાતેય ખોટી તો નહોતી. એના બાપા ઉકા જસમતને નાનપણથી સહકારી અધિકારીઓ સાથે મેળ હતો. ફક્ત આજ ગામની નહિ પણ આજુબાજુના ચાર ગામની મંડળીનો વહીવટ એ એના જમાનામાં કરતા. મરી ગયેલા ખાતેદારોના નામે પૈસા ઉપાડી લે.. છ મહિના પછી ખાતેદાર મરી ગયો છે એમ કહીને મંડળીનું લેણું પણ માફ કરાવે અને ખાતેદારના વીમાના પૈસા પણ લઇ લે.. આવી એની ઘણી બધી વાતો ગામમાં સંભળાતી હતી છાનાખૂણે જોકે હજુ ભગવાન ઉકા વિષે આવી કોઈ વાત સાંભળવા મળી નહોતી. પંચાવન નો હોવા છતાં ભગવાન ઉકા હજુ કડેધડે હતો. જમીન પણ પાણીવાળી અને છોકરા પણ પાણીવાળા. છોકરાઓ એ હીરામાંથી પાવર લુમ્સમાં ઝંપલાવ્યું હતું. અને એમાં પણ બખ્ખા જ હતા!! દિવાળી સુધી ભગવાન ભાઈ એ ઝાડવા મોટા કરી દીધા હતા. ચાર રૂમના પાયા પણ ખોદાઈ ગયા હતા. કમ્પાઉન્ડવોલ પણ થઇ ગઈ હતી.સરપંચ પાસેની રકમ બધીજ વપરાઈ ગઈ હતી.

નવરાત્રી વખતે ગામમાં એક ઘટના બની અને સહુ નવાઈ પામી ગયા. ભગવાન ઉકાએ રોડ ટચ પોતાનું આઠ વીઘાનું ખેતર જે ગામડાની ભાષામાં કટકુ કહેવાતું હતું એ વેચી નાંખ્યું હતું. બાજુના ગામના ઓધવજી ધનજીને વીઘાના ચાર લાખ લેખે આઠ વીઘાના કટકાના બત્રીસ લાખ આવ્યા હતા. ઓધવજી ને ત્યાં જીન કરવું હતું એટલે એણે આટલા મોંઘા ભાવે જમીન ખરીદી લીધી હતી. ગામમાં અવારનવાર જમીન તો વેચાતી હતી અને લેવાતી હતી પણ ગામનો ધનાઢ્ય માણસ ભગવાન ઉકા આ રીતે જમીન વેચે એ કોઈને માન્યામાં આવતું નહોતું. કારણકે એને પૈસાની કોઈ તાણ નહોતી.આઠ વીઘા વેચી તોય હજુ હજુ સાઈંઠ વીઘા અને એશી વીઘા એમ બે મોટી વાડીઓ તો હતી જ!! ગામમાં ગુસપુસ થવા લાગી અને નતનવી વાતો થવા લાગી.

“ભગવાન ભાઈનો મોટો છોકરો મુંબઈ રેસમાં હારી ગયો છે અને માથે મોવાળા જેટલું કરજ થઇ ગયું છે એટલે સુરતનું બધું વેચાઈ ગયું છે અને હજુ બધું વેચાઈ જાશે” પરબતભાભા કહેતા. તો મનાદાદા એમ કહેતા.

“ભગવાનના નાના દીકરાને કેન્સર છે એટલે એની દવામાં બધા પૈસા વપરાઈ ગયા છે.” ગામના બધાજ પોતાની કેપેસીટી મુજબ ફાંકા મારતા હતા અને ગપ ગોળા ઉડાડતા હતા.!!

બસ દિવાળી આવી પહોંચી હતી. ધનતેરસને દિવસે વળી ગામ પાદરડીમાં ભેગું થયું હાઈસ્કુલના ફાળા માટે અને આગળની યોજના માટે. સરપંચ પ્રદીપભાઈ એ એક ટ્રસ્ટ બનાવી નાંખ્યું હતું જે હાઈસ્કુલના ખર્ચ પર દેખરેખ રાખવાનું હતું. એમાં ભગવાન ઉકાનું નામ પણ નહોતું. તોય હાઈસ્કુલ બનાવવાના કામમાં ભગવાન ઉકાની સેવા તો શરુ જ હતી. ગામ સભામાં પ્રદીપે અત્યાર સુધી થયેલ ખર્ચ વાંચી સંભળાવ્યો. અને પછી કહ્યું.

“હવે ઓછામાં ઓછા વીસ લાખ જોઇશે. આપણે પહેલા ચાર રૂમ બનાવવાના છે એ માટે. હાઈ સ્કુલ આવતા જુન મહિનામાં શરુ કરવી હોય તો જુન પહેલા રૂમ બનાવવા પડે એમ છે. એક વરસ સુધી શિક્ષકોનો પગાર આપણે કરવો પડશે પછી સરકાર શિક્ષકો પણ મૂકી દેશે અને બીજા બાંધકામ ના પૈસા પણ આવશે. વરસ દિવસ પછી આપણી હાઈ સ્કુલ ગ્રાન્ટેડ થઇ જશે એમ સંસદ સભ્યે અને ધારા સભ્યે કહ્યું છે, તો હવે આપણે એ રકમ માટે ભેગા થયા છીએ. જુઓ આ ગામ આખાનો પ્રશ્ન છે. સહુ આપણી દીકરીઓ સામું જોઇને મન મુકીને ફાળો લખાવો. લાખ રૂપિયા લખાવશે એનું નામ આરસની તકતી પર લખવામાં આવશે તો મારા બાપલા કરો શરૂઆત” અને ભગવાન ઉકા ઉભા થયા અને બોલ્યા ત્યાં સોંપો પડી ગયો સોંપો!!

“ચાલીશ લાખ ગામ ભરોસે લખો” સરપંચ ને તો ઘડીક ચક્કર આવી ગયા અને ગામ આખું ગોટે ચડ્યું!! બે મિનીટ પછી સરપંચ પ્રદીપને કળ વળી અને ભગવાન ભાઈને પૂછ્યું.

“ભગવાન આતા આ ચાલીશ લાખ લખાવ્યા અને એ પણ ગામ ભરોસે એમાં કાઈ ગતાગમ ના પડી?? બધા પોતાના નામે લખાવે અથવા રામ ભરોસે લખાવે પણ તમે આ ગામ ભરોસે લખાવ્યા એમાં કાઈ સળ ના સુઝી કંઇક ફોડ પાડો આતા તો ખબર પડે” અને ભગવાન ઉકા ઉભા થયા.

“આ ચાલીશ લાખ ગામના છે એટલે ગામ ભરોસે!! આજથી ચાલીશ વરસ પહેલા મારા બાપાએ મંડળીમાં ઘાલમેલ કરીને ઘણાને રોડ પર લાવી દીધેલ.હું એ વખતે પંદર વરસનો હતો.બહુ કાઈ ખબર નહોતી પડતી.પણ તોય એટલી ખબર તો હતી જ કે મારા બાપાએ જે કાઈ કર્યું છે એ ખોટું તો છે જ!! મારા બાપાને મેં ના પાડેલી પણ એણે મને એ વખતે એક અડબોથ પણ લગાવી દીધેલી અને ચુપ રહેવા કહેલું. એ રકમમાંથી મારા બાપાએ આઠ વીઘાનું રોડ ટચ જમીનનું કટકુ લીધેલ. બસ પછી તો સમય પસાર થતો જ રહ્યો. પણ આ આઠ વીઘાનું કટકુ મને આંખના કણાની જેમ ખૂંચતું.ગામના પૈસા ગામને જ આપવા એ મેં નિર્ધાર કરેલો.પણ યોગ્ય સમય આવતો નહોતો. આ જ યોગ્ય સમય છે. તમને બધાને ખબર તો છે જ કે મેં એ આઠ વીઘાનું કટકુ વેચી નાંખ્યું છે. એ ગામની જ રકમ હતી અને હવે ગામના કામ માં જ વપરાશે. મારે એ જમીનના બત્રીસ લાખ આવ્યા છે એમાં હું આઠ લાખ અત્યાર સુધી જમીન વાવી એના ભેળવું છું.. ખેડૂતનો દીકરો છું એટલે એક પણ રૂપિયો હું એમાંથી રાખીશ નહિ. દર વરસે એ જમીનમાંથી કેટલા રળ્યા એનો હિસાબ મેં મારી જાતે રાખેલો છે. અરે ખેડુતના ઘરે શેર દૂધ લેવા કોઈ આવે ને તો પણ એક શેર ઉપર એક ટબૂડી વધારે દૂધ આપે. એટલે વિશ્વાસ રાખો. મારા બાપાએ કરેલું હું આજે દુધે ધોઈને આપું છું. એ કટકુ ગામનું હતું. હું તો યોગ્ય સમયની રાહ જોતો હતો, કોઈ પાણી લાવજો ભાઈ. હું આટલું લાંબુ ક્યારેય બોલ્યો નથી. અને હા હું ગામની માફી પણ માંગું છું મારા બાપ વતી. બાપના સારા કામનો જશ દીકરો લેતો હોય તો નબળા કામની જવાબદારી અને પીડા પણ એને હોય જ!!” અને ભગવાન ઉકાની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. ગામના પટાવાળા રતુએ પાણી આપ્યું અને ભગવાન ઉકાએ પાણી પીધું.

અને અચાનક બધા જ ઉભા થઇ ગયા. તાળીઓનો ગડગડાટ થયો. બધાએ ભગવાન ઉકાના કામને બિરદાવ્યું. હવે વધારે ફાળાની કોઈ જરૂર જ નહોતી. જે રકમ જોઈતી હતી એનાથી ડબલ રકમ આવી ગઈ હતી. લાભ પાંચમથી હાઈ સ્કુલનું કામ શરુ થઇ રહ્યું હતું. અને પછી તો પંદર દિવસ સુધી બજરંગદાસબાપાના ઓટલે ભાભલાઓ વાતો કરતાં રહ્યા.

“હું તો પેલેથી જ કહેતો હતો કે મગન કે ભગવાન ઉકા આઠ વીઘાનું કટકુ વેચે એની પાછળ નક્કી કોઈ સારું કારણ જ હોય..બાકી માણસ લાખનો હો.. ભગવાન એટલે ભગવાનનો માણસ” ત્રિકમ આતા બોલ્યા.

“આવા ડાહ્યા માણસને જ ઈશ્વર સંપતિ આપે. ઈશ્વર કાઈ રેંજીપેંજીને થોડા પૈસાવાળા કરે. બાકી આ વાતની કોઈને ખબરેય નહોતી.. આનું નામ દીકરો કહેવાય કે જે બાપાએ અવળા કામ કર્યા હોય એને સવળા કરી બતાવે બાકી ભગવાન ઉકા એટલે ખરો મરદ એકેક રૂપિયો વટક વાળીને આપી દીધો કહેવાય ” ઉધરસ ખાતા ખાતા જેઠાબાપા બોલ્યાં.

ઘરમાં અવળા ધંધાથી આવેલ પૈસો જે તે માણસને સતત ચેતવતો જ હોય છે. અમુક સમયસર ચેતી જાય અને ધર્માદામાં યોગ્ય નિકાલ કરે છે અને અમુક સંઘરીને બેસે છે અને વિનાશને આમંત્રણ આપે છે!!!

લેખક :- મુકેશ સોજીત્રા

૪૨, “હાશ” શિવમ પાર્ક સોસાયટી. સ્ટેશન રોડ.

ઢસા ગામ , તા.ગઢડા , જી .બોટાદ પીન ૩૬૪૭૩૦

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment