“અભાગીયા” – મુકેશભાઈ સોજીત્રાની આ વાર્તા તમે વાંચી કે નહિ??

27

ગીરની કંદરામાં આવેલું ગોકળગામ ગામ રળિયામણું હતું. જમીન બરાબર ક્સ વાળી હતી ને ઉપજ પણ સારી પણ હવે નવી પેઢીને જીરા કરતાં હીરામાં અને લીરામાં વધારે રસ પડતાં યુવાધન બધું સડસડાટ સુરત ભેળું થઇ ગયેલું. ગામડા પડી ભંગાવાને આરે…… ગામડામાં હવે એવું કહેવાવા લાગ્યું કે વાડીએ ભાગીયા હોય અને અભાગીયા ચોરે બેઠા હોય.. ગામની દરેક મોટી વાડીમાં પંચમહાલ,દાહોદ,અને ગોધરા સાઇડથી આવેલાં ભાગીયાઓની ભરમાર હતી. આમ જોવા જોઈએ તો ભાગીયા પ્રજા એકદમ ભોળી દુબળી પાતળી પ્રજા, જો કોઈ દરજી તમને જાડિયો જોવા મળે તો જ ખેતરનો ભાગીયો જાડો હોય!!!!! આ લોકોને ઝાઝી આશા પણ નહિ કાઠિયાવાડની જાહોજલાલીથી અંજાઈ ને પેટિયું રળવા આવેલી પ્રજા, !! બીજી એ વસ્તુ થઇ કે સ્થાનિક લોકો મજૂરીએ આવતાં પહેલાં પણ….. એની ચાગલાઈ વધી ગયેલી એટલે કાઠીયાવાડના લોકો આ ભાગીયા તરફ વળ્યાં.!!

આવાજ એક ભાગીયા આવ્યા હતા ઠેઠ દાહોદથી અને એય ગામનાં મુખી અને 200 વિઘાના ખાતેદાર જીવણ થોભણ ને ત્યાં..આમ તો જીવણ થોભણને ત્યાં વર્ષોથી ભાગીયો હતો જ નામ એનું બીજલ જીવા, જ્ઞાતિ એ કોળી. એ લગભગ પંદર વર્ષથી જીવણ મુખીનું ભાગીયું આ બીજલ જ રાખતો.!! આમ તમે એને જીવણ મુખીનો ‘ફેમેલી ભાગીયો’ ગણી શકો. શહેરમાં જેમ ‘ફેમેલી ડોક્ટર’ હોય એમ જ…!! હવે ગયાં વરહ સુધી ત્રીજા ભાગે ભાગીયું રાખનાર બીજલે આ વર્ષે હઠ પકડી કે

” મુખી હવે થોડો ભાગ વધારો હવે ત્રીજા ભાગે પોહાંતું જ નથી હવે મોંઘવારી વધી ગઈ છે ગયાં વરસે નોટબંધી નડી ગઈ. આ વરસે જીએસટી એ ટાળી દીધા હવે નથી પોહાતું ”

” તો દહ હજાર વધારે લઇ જા, બીજું શું? પણ તારેને જીએસટી ને શું લાગે વળગે?? કોઈ દિવસ ઘરનો માવો નથી ખાધો ને માગ્યો માવો ખાય એને જીએસટી ના નડે !!” મુખીએ જવાબ વાળ્યો…”
” એમ નહિ અડધો અડધ ભાગ રાખવો રાખો તો જ તમારું ભાગીયું રાખવું છે, બાકી આ વરહે ભલે દાડિયું કરવી પડે.” આ વખતે તો લડી જ લેવું એવું બીજલે મનમાં નક્કી જ કરી નાંખેલું.!!

“તો બીજલ તુંય છૂટો ને હુંય છૂટો…. બાકી મારા બાપા ખેતી મારા સાટું મૂકી ગયાં છે, મલકને ધરાવવા નહિ” આવું થયેલું એટલે પ્રથમ વાર જીવણ મુખીને ત્યાં દાહોદથી ભાગીયા આવેલાં. નામ એનું કેશો , એની વહુ લખી, બે છોકરાં એક ઘુઘો ને બીજો ભથો. બે વરહ આ બાજુ કામ કરી ગયેલા ને તે ખેતીનું કામ આવડી ગયેલું. હવે જીવણ મુખીનું ઘર થી ખેતર રાશવા જેટલે જ આઘે અને પાછળની ખડકીએ થી સીધા ખેતરે જવાય એટલે આ ભાગીયા બધી વસ્તુ ઘરે જ રાખે.!! વસ્તુમાં તો બીજું શું હોય પાંચ ખાલી થયેલ સિમેન્ટની કોથળીમાં બધું ભરેલું હોય. એકમાં વાસણ કુચણ હોય, લૂગડાં હોય, ઠામ ઠીકરું હોય. એક હોય લોખન્ડ ની સૂટકેશ. આખો દિવસ કામ કરે વળી રાતે પણ કામ કરે. અને પછી કેશો વાડીએ સુઈ જાય ને ક્યારેક છોકરાં સુવે. વાડી થી ઘર રાશવાને અંતરે. મકાનનું એક છેલ્લું ઘર કાઢી દીધેલું ને તેમાં આ બધો સમાન મૂકી દીધેલો. કાળનું ચક્કર ફર્યું ને.!! જીવણ મુખીને તાવ આવ્યો.!! મુખીએ પહેલા બે ત્રણ દિવસ ગણકાર્યું નહિ પછી તો બાટલા ચડાવ્યાં, મોટા દવાખાને જઇ આવ્યાં ને લોકો આવવા મંડ્યા ખબર કાઢવા!! સગા સબંધી પણ આવ્યાં. જમણવાર શરુ થયાં અને ભાગીયાની વહુ લખી પણ મુખીનાં ઘરનાની સાથે મંડી રાંધવા રસોડામાં!! મોટા માણસોની બીમારી પણ એક પ્રસંગ બની જાય!!!! આ છે આપણી સમાજ વ્યવસ્થા!!!

જીવણ મુખી સાજા થયાં, એટલે મુખીના ઘરનાં બીમાર પડ્યા થોડા દિવસ એ બીમાર રહીને સાજા થયાં એટલે ભાગીયો પડ્યો બીમાર પડ્યો, એ સાજો થયો, ત્યાં ભાગીયાની વહુ લખી, બીમાર પડી !! લખીના છોકરાં તો આવ્યા ત્યારથી જ સાજા માંદા રહેતા હતાં!! ત્રણ દિવસમાં એક બળદ મરી ગયો, અને મુખીને શંકા પડી કે મારા હાળું આ કાંઈ નડતર જેવું છે..!!નહીંતર આવું ના થાય… અને છોકરાઓ ખબર કાઢીને કાઢીને ધરાઈ ગયેલા એટલે એણે પણ કીધું ને કે

“આતા, એમ કરો કાળા ભુવા પાસે જોવરાવીને જોવોને” જીવણને પણ આ વિચાર ગમી ગયો.. અને એ પંથકમાં કાળા ભુવાની બોલબાલા!!! એય ને ડામરના ટીપણાં જેવો કાળો!! લાંબા લાંબા ભીંસા!!! દાઢી વધી ગયેલી!!! મને હંમેશા આ ભુવાઓ વિચિત્ર લાગ્યા છે, તમે એના ઘર જોવોને તો કરા ને આધારે ભીંતડા માંડ માંડ ટક્યા હોય, ઘરમાં ભૂખ આંટો લઇ ગઈને હોય ને આ મારા બટા દિકરા દેતા હોય બોલો!!! જેને ગામમાં કોઈ બીડીની જુડી ઉધાર ના આપે એવા તમારી ગરીબાઈ દૂર કરી દે બોલો!!!

સાંજે કાળો ભુવો આવ્યો.!! એય ને ગંધ આવે એવો લગભગ મહિનાથી ના નાહ્યો હોય એવા દરવેહ!! અડદના દાણા કાઢ્યા કાળી ડબલીમાંથી!!! ભુવો કાળો!!! રંગ કાળો!!! અડદના દાણા કાળા!! ડબલી કાળી!! અને રાતેય કાળી!! આમ બધું જ કાળું ભેગું થયું!!!!! એમ કહેવાય છે કે દાળમાં કાળું હોય પણ આહી તો આખી દાળ જ કાળી!! ઘડીક અષ્ટમ પસ્ટમ બોલીને કીધું કે

“ આ વાડી કોર્યનો લીમડો નડે છે, અને આ ભાગીયો અહીં રહે છે ને એ પણ અભાગીયો છે તમે લીંબડાને અને ભાગીયાને કાઢો….!! લીમડાને તો હું સંભાળી લઈશ કે એ કપાયા પછી જો કોઈ એનું ડાળખુ ય આડા અવળું જાય ને તો મુખી તમારા તો ભુક્કા જ નીકળી જાય….!!” આમ કહીને તેણે ચા પીધો, મુખીનાં ઘરેથીએ એને ઘી અને બીજી બધી વસ્તુની થેલી ભરી દીધી અને મુખીએ પાંચ સોની નોટ આપી તે બગલો માછલીને પકડે એમ ભુવા એ લઇ લીધી…!! કાળો રવાના થયો.. !!તરત જ મુખી એ કેશાને બોલાવ્યો અને કીધું કે…. ” કેશા આ લીમડો કાપવો છે… તું અને તારા છોકરા મંડી પડો, સવાર સુધીમાં લીમડો ના રહેવો જોઈએ…!! ”

“ જી શેઠ સવાર સુધીમાં લીમડો કપાઈ જશે” કહીને કેશો , લખી, ઘુઘો,અને ભથો ચોંટયા તે સવાર પડ્યુ ત્યાં સુધીમાં લીમડાનું નામોનિશાન મિટાવી દીધું.. આ ભાગીયાની એક બીજી ખાસિયત એ એના માલિકને શેઠ જ કહે!! લીમડો કપાઈ ગયો એટલે એ બધાં સુઈ ગયાં. સવારના આઠ વાગ્યે જગાડ્યાં મુખીએ !!! લાકડીનાં ઘોદા મારી મારી ને બધાને મુખીએ જગાડ્યાં!!

‘” જાગો એય અભાગીયા અને તમારા બિસ્તરા પોટલાં લઈને ભાગો” ત્યાં સુધીમાં તો કાળો પાછો આવી ગ્યોતો ગાડું લઈને !! કાળાના છોકરાઓએ લીમડો ભર્યો ગાડામાં અને લઇ ગયા પોતાને ઘરે એને તો દિવાળી સુધીનું બળતણ થઇ ગયું હતું….!! આ બાજુ કાળા એ વાળ છુટા મુક્યાંને જીવણ અને તેની વહુએ ભાગીયાનો સામાન કાઢીને ફળિયામાં મુક્યો…!! કેશોને લખી તો ઉભા ઉભા ધ્રૂજે… કેશો તો માંડ બોલી શક્યો કે

“ જી શેઠ અમારી કાંઈ ભૂલ, અમારો કાંઈ વાંક ગનો ??”

“અરે ભૂલની ક્યાં પત્તર ખાંડો છો, અભાગીયાઓ આવ્યા ત્યારથી આ ઘરની આણી નાંખી છે, ભાગો ભમરાળા ભાગો, જ્યારથી તમે આ ઘરમાં આવ્યા છો ત્યારથી તો અમારી કઠણાઈ જ બેઠી છે…!! જાણે કઈ અમંગળ ઘડીમાં તમારા ટાંગા આ ઘરમાં પડ્યાકે અમારા ઘરમાં મંદવાડ ઘરી ગયો છે!!! ભાગો હવે ભાગો!!” એટલું કહીને જીવણે અને કાળાએ ભાગીયાનો બધો સામાન ડેલીની બહાર કાઢી નાંખ્યો!!! કેશો કારગરતો રહ્યો!!! “ શેઠ આ વરહ પૂરું કરવા દો!! અમે તમારી વાડીએ રહેંશું, ત્યાં ના રેવા દો તો અમે વગડામાં રહેશું પણ આમ અધવચ્ચે કાઢોમાં” પણ એની કોઈ વાત કાને ના ધરવામાં આવી. જયારે કેશા એ કીધું કે ” શેઠ મારો હિસાબ તો કરી નાંખો ભલે અડધો પડઘો પણ મને પૈસા તો આપો” ત્યારે કોદાળી લઈને જીવણ સામો દોડ્યો…

” તે અમારે દવાખાને જે પૈસા ગયા તમારા કારણે એ કોણ તમારો બાપ આપશે??”

અને રોતાં કકળતાં જેઠ મહિનામાં આવેલા ભાગીયા અષાઢ મહિના માં ગયાં. પછી કાળાએ કુનેહ કરીને બીજલને પાછું ભાગીયું આપવી દીધું અને આમેય બીજલ અને કાળો તો પાછા દુરનાં કાકો, ભત્રીજો થાય ને!!! પંદર દિવસમાં કાળાએ બીજા પાંચ હજાર પડાવી લીધેલા જીવણ મુખી પાસેથી લીમડાની વિધિ માટે..!!

દિવાળી આવી. જીવણ શેઠનાં ત્રણેય છોકરા, વહુઓ અને તેના ટાબરીયા આવ્યાં દેશમા!! જીવણ શેઠના મોટા છોકરાએ એ મુંબઈના એક શેઠિયાનું કરી નાંખ્યું હતું ને તેને લીધે પાર્ટી હતી જોરમાં..!! તે નવી વિટારા બ્રેઝા લઈને ગામને આંઝી દેતા હતાં.!! અને કાળો પણ ગામમાં કહેતો ફરતો જોયુંને ” જેવા અભાગીયા ગયા કે તરત જ મુખીને ત્યાં સારા દિવસો આવ્યા ને!! ધનતેરસની રાતે કાળો ભુવો આવ્યોને કીધું.

“હવે કાલે કાળી ચૌદશને દિવસે આપણે ફાઇનલ વિધિ કરવી પડશે, વિધિ તમે જેવા પૈસા આપો એવી થાય પણ સારી વીધી થાય તો આ તમે નવી ગાડી લાવ્યા છો એવી જ ત્રણ ગાડી આવતા વરહમાં તમારે આંગણે હોય એ આ કાળા નું વચન છે, સારી વિધિમાં પાંચ હજાર તો રમતા રમતા વહ્યા જાય” કાળો એટલું બોલ્યો ત્યાંતો વચલો દીકરો ઉભો થયો અને દસ હજારનું બંડલ ભુવાના ખોળામાં મૂકીને ચરણે પડયો”!!

બીજે દિવસે કાળી ચૌદસને દિવસે સવારમાં વહેલા મુખીની ડેલી કોકે ખખડાવી!! મુખી જાગ્યા ને ડેલી ખોલી ને જોયું તો કેશો ઉભો હતો, જૂનો ભાગીયો!!

“ આ નવા દિવસોમાં કેમ આવ્યો છો?? હવે સાલા નીકળ!! ” કહીને મુખીએ ડેલી બંધ કરી દીધી તોયે
” મારી વાત તો સાંભળો” કહીને કેશો તો ડેલી ખખડાવતો રહ્યો!! મુખીનાં છોકરાં જાગ્યા!! વહુઓ જાગી!! એનાં બર્મયુડા પહેરેલા સંતાનો જાગ્યા!! આડોશ પાડોશ વાળા સહુ જાગ્યાં!! મુખીની ડેલી પાસે માણસ ભેગું થયું ને હવે નાં છૂટકે મુખી અને છોકરા એ ડેલી ખોલી.

” શું છે હવે ? તને મેં છુટ્ટો તો કરી દીધો છે તો આ દિવાળીના દિવસોમાં અમને ભૂંડા લગાડવા આવ્યો છે??” મુખી એ કહ્યું.!!
” એ ઈમ નો માને બાપા એને તો ઢીંઢા ભાંગોને તો જ સીધા જ રહે, આપણી વાળાએ આવાને ચડવી માર્યા છેને ફટવી માર્યા છે” એમ કહીને લાકડી જીવણ નો મોટો દીકરો લાકડી ઉગામવા જાય છે ત્યાં આડોસ પાડોશ વાળાએ રોક્યો અને કીધું કે તમે સાંભળો તો ખરાં એને શું કહેવું છે એને આમ મારવા થોડો લેવાય.

” શેઠ શેઠાણી ને બોલાવો અને એને કહો કે આ જોઇ લે આમાં કશું ઓછું તો નથી ને એમ કહીને કેશા એ સિમેન્ટની થેલીમાંથી એક કાળી થેલી કાઢી, અને એમાંથી સોના ના ઘરેણાં નો ઢગલો કર્યો” થેલી જોઈને જીવણ કહે આતો અમારી જ થેલી અને અમારા જ ઘરેણાં તારી પાસે ક્યાંથી આવ્યા ?? મેં તો મારી ઘરવાળી ને સાચવવા આપ્યાતા ને, તારી પાસેથી ક્યાંથી”?

“એ શેઠ તમે મારો સામાન ડેલી બહાર નાંખ્યોને એ વખતે આ કોથળી પણ આવી ગયેલ

[ગામડાં માં લોકો પૈસા અને ઘરેણા એવી જગ્યાએ રાખે કે જ્યાં તમને જલ્દી શંકા ના જાય કે અહીં પૈસા કે ઘરેણા હોય મોટે ભાગે એ સાવ નકામી કોથળીમાં ભરીને માળીયામાં રાખતા હોય છે. ]

વળી અમે અત્યાર સુધી એને ખોલી પણ નહિ…!! આ તો પરમ દિવસે અમે દિવાળીની સાફ સફાઈ કરતા તા તે વળી ધ્યાન ગયું કે આ થેલી માં શું છે ?? તે જોયાતો ઘરેણાં!! તે મારી વવ લખીએ મને ખાવાય ના દીધો અને કીધું કે આ પૈસા ઓલ્યા અભાગીયાના હશે એને દઈ આવો જ્યાં સુધી આપણે ત્યાં રહ્યા ત્યાં સુધી આપણાં છોકરા બીમાર રહ્યા અહીં આવ્યા પછી આપણે સારું છે!! તમે અત્યારે ને અત્યારે આ બધું એ અભાગીયાને દઈ આવો” કેશો એક શ્વાસે બોલી ગયો. બધા સડક થઇ ગયાં, પાડોશી જેઠાબાપા હેઠા બેઠા ઘરેણાં નો ઢગલો હાથમાં લીધો અને બોલ્યા

“બસો ગ્રામ સોનુ તો હશે નહિ??”

“ હા બાપા અમનેય ખબર્ય છે કે આના ઘણા બધા રૂપિયા આવે પણ મારી લખી કહે કે આપણે અભાગીયાનું લઈને હવે દુઃખી નથી થાવું…!! અને દાદા જોવો આ પાણીની બોટલ ભેગી જ છે મારી લખીએ કીધું છે કે એના ઘરનું પાણીય તમે નો પીતા !! એનું એને દઈને તમે આવતા રહેજો!! આમ કહીને કેશો ઝડપથી ઉભો થયો…!! ચાલતો થયો…!! સહુ એને ફાટી આંખે જોઈ રહ્યા!! એટલા માટે સાચુ જ કહ્યું છે કે પ્રામાણિકતા અને ખાનદાની અને ખુમારી પર કોઈના બાપનો ઇજારો નથી!!!

લેખક : મુકેશ સોજીત્રા

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment