“દીકરીનું ઘર” – મુકેશ સોજીત્રાની કલમે લખાયેલ માતા અને પુત્રીની વાર્તા…

176

ઘાટકોપરની સત્ય સાઈ હોસ્પિટલની નીચેની પાર્કિંગમાં એક ઈનોવા કાર આવીને ઉભી રહી. શોફરે કારનો પાછલો દરવાજો ખોલ્યો અને પિસ્તાળીસેક વરસની એક આધેડ મહિલા નીચે ઉતરી. સફેદ રંગની સાડીમાં એ સન્નારીની સૌજન્યતા એનાં ચહેરા પર ચમકી રહી હતી. તરત જ સામેથી એનાં સ્વાગત માટે બે બાળાઓ આવી. ગુજરાતી પરંપરા મુજબ કંકુ ચાંદલો અને ગુલદસ્તાથી એનું સ્વાગત કર્યું. સન્નારીનું નામ વનિતા વિઠ્ઠલદાસ અને આજે તેઓ આ હોસ્પીટલમાં ૨૫ લાખ રૂપિયાનો ચેક આપવા આવી રહ્યા હતાં!! આ અગાઉ પણ વિઠ્ઠલદાસ આ હોસ્પીટલમાં અઢળક દાન આપી ચુક્યા હતાં. વિઠ્ઠલદાસના પિતા નરોતમદાસ પણ અહીંજ જન્મેલા એનાં પિતા વરસો પહેલાં ફક્ત એક ધોતિયા સાથે મુંબઈમાં આવ્યાં હતાં અને પછી મહેનતથી એક પછી એક સફળતાના શિખરો સર કરતાં ગયાં. અને સંતાનો એ વારસો જાળવતા ગયાં.નરોતમદાસ ગુજરાતમાં પરણ્યા. એમનાં સંતાનોને પણ ગુજરાતમાં જ પરણાવ્યા. આજથી બે વરસ પહેલાં જ વિઠ્ઠલદાસનું અવસાન થયું ઉમર હશે બાવન ની આસપાસ અને ત્યારથી બધોજ વહીવટ વનીતાબેનને શિરે આવી ગયેલો. આમ તો ગર્ભ શ્રીમંત જ ગણાય. પિતાનો વારસો પુરેપુરો જાળવેલો નહિ પણ ખુબજ વધારે મેળવેલો પણ એમ પણ કહી શકાય. દાદર, દહીસર, ભાયંદર,મીરાં રોડ,અંધેરી અને સાંતાક્રુઝમાં વિઠ્ઠલદાસ ની અનેક દુકાનો આવેલી હતી જે બધી ભાડા પર આપેલી હતી. ભાડું જ એટલું આવતું હતું કે ગમે એટલી સુખ સાયબીમાં જીવે તો પણ વાંધો નહોતો આવે એમ એટલે એ બીજો કોઈ ધંધો તો નહોતા કરતાં પણ શેરબઝારમાં પણ એનાં પિતાવખતનું અઢળક રોકાણ હતું. વહીવટ બધો કાયદેસર અને બીજા કોઈ આધુનિક કુલક્ષણ નહિ એટલે સંપતિ વધતી ચાલેલી અને દાન પણ તે એટલું જ કરતાં. બને સંતાનો ઓસ્ટ્રેલીયા ભણવા મોકલેલા અને ત્યાજ પરણી ગયેલાં વરસે બે વરસે આંટો મારે છેલ્લે આ બે સંતાનો વિઠ્ઠલદાસના અવસાન વખતે આવેલા અને એક મહિનો સુધી રોકાયેલા. વી.એન.ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરતાં ગયેલાં અને બધો જ વહીવટ એની માતા વનિતાબેન ને સોંપતા ગયેલાં મોટા દીકરા હેમાગે ખુબ જ આગ્રહ કર્યો હતો.

“મમ્મી તું પણ અમારી સાથે ઓસ્ટ્રેલિયા ચાલને, રીતુ નો પણ આગ્રહ છે કે બા બિચારા એકલાં અહી શું કરશે.??”

“ના બેટા મને ત્યાં ના ફાવે અને તને પણ ખબર છે કે તારા પાપાની એવી ઈચ્છા છે કે એક જણે તો મુંબઈમાં જ રહેવું અને હવે અહી ક્યાં કોઈ બોજ છે કે ભારણ છે,? મુનીમ છે એ સંભાળી લેશે, તને ખબર છે આ જમીને આપણને ઘણું આપ્યું છે, જે જમીને આપ્યું છે તેનું ઋણ ચુકવવું છે મારે અહી રહેવું જરૂરી છે. હા કોઈ તકલીફ હશે તો બોલાવી લઈશ તમને બેટા, તમે સુખેથી જાવ, મારી કોઈ ચિંતા ના કરો”

“તો એક કામ કરીએ મમ્મી હું અને વેદાંતી રોકાઈ જઈએ. હેમાંગભાઈ ભલે ઓસ્ટ્રેલીયા રહે, આમ તને એકલી મુકીને મારું મન નથી માનતું, વેદાંતી પણ સહમત છે” નાનો કેવલ બોલ્યો.

“ના બેટા એવી કોઈ જ જરૂર નથી આ તો બસ આ જમીન સાથે લાગણીના મુળિયા વણાયેલા છે એટલે જ અહી રહેવું છે અને આ માટે દીકરા તારું ગમતું કામ છોડીને તારે અહી રોકવાની કોઈ જરૂર નથી. અને સવાર સાંજ તમારી સાથે વાતો તો થાય જ છેને , તમારે કોઈએ રોકવાની જરૂર જ નથી” વનિતા બેને બંને દીકરા અને વહુઓને બાથમાં લઈને કહ્યું.

અને આજે તેઓ આ હોસ્પિટલમાં એક કાર્યક્રમમાં દાન આપવાં આવ્યાં હતાં. બધાં હોસ્પીટલની મેઈન ઓફિસમાં બેઠા. ડોકટરો આવ્યાં અને મળ્યાં. હોસ્પીટલના મુખ્ય વહીવટકર્તા એવા ડો. નયનાબેન હવે વનીતાબેન ને આખી હોસ્પિટલ બતાવી રહ્યા હતાં. જનરલ ઓપીડી, ઓર્થોપેડિક વિભાગ, પીડીયાટ્રીશન વિભાગ અને છેલ્લે એક આઈસીયુ વિભાગમાં તેઓ દર્દીઓની મુલાકાત લઇ રહ્યા હતાં. એ ઓરડામાં બેડ કમ કમ્ફરટેબલ લાંબી ચેર પાસે આવીને વનીતાબેન થંભી જ ગયાં. એક સ્ત્રી ત્યાં સુતી હતી તેનાં શરીર પર અસંખ્ય જગ્યા એ વાયરો ચોંટાડેલ હતાં.એ સ્ત્રીની આંખો પણ વનીતાબેન ને જોઇને ચમકી ઉઠી હતી. અચાનક વનીતાબેન બોલી ઉઠ્યા.

“કમલી તું “??!!!

“હા વનું, તું વનું જ ને સારું થયું તું આવી, બહારથી સુહાનીને બોલાવો ને” આટલું બોલતાં એ સ્ત્રીને હાંફ ચડ્યો અને ચાર્જમાં રહેલા ડોકટર બોલ્યાં.

“માફ કરજો ડો. અને માફ કરજો આપ સન્નારી આપ આઈસીયુ માં દર્દી સાથે વાતો ના કરો એની સ્થિતિ ક્રીટીકલ છે,પ્લીઝ પ્લીઝ “ ડો. નયના બહેન અને વનીતાબેન તરત જ બહાર નીકળી ગયાં. આખી હોસ્પિટલ ટોટલી એરકૂલ્ડ હોવા છતાં વનીતાબેન આખા પરસેવે રેબઝેબ થઇ ગયાં હતાં. બહાર નીકળીને તેની આંખો સુહાની ને શોધી રહી હતી જેનું નામ કમલી અંદર બોલી હતી. અચાનક આઈસીયુંની બહાર એની નજર એક ૨૫ વરસની છોકરી પર પડી. અને ચહેરાથી જ એ ઓળખી ગયાં. એ ગોળાકાર ચહેરો, બને ગાલમાં પડતાં ખંજન, લાંબા વાળ, એકદમ મારકણી આંખો!! વનીતાબેન પોતે ક્યાં છે એ સમય અને સ્થળ ભૂલીને સીધા જ તેની પાસે જઈને બોલ્યાં.

“સુહાની ,કમળાબેનની સુહાની તું !!?? શું થયું છે તારી મમ્મીને??

“ આપ કોણ ,માફ કરજો મેં આપને ઓળખ્યા નહિ એટલે પૂછું છું, તમે મારી મમ્મીને ક્યાંથી ઓળખો છો???

“મારું નામ વનીતા…હું અને તારી……… “ પણ વચ્ચે જ સુહાની બોલી ઉઠી.

“મારા મમ્મીના બેનપણીને……………….?? મારા મામા ને ઘરે મળ્યા હતા………………….?? આજથી ૨૫ વરસ પહેલાં એજ કે બીજા”???????………………………………. આટલું કહીને સુહાની આડું જોઈ ગઈ ને આઈસીયું તરફ ચાલી, ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને કાને લગાવ્યો જાણે કોઈ સાથે અરજન્ટ કામ કેમ ન હોય, સુહાની આઈસીયુ ના દરવાજા પાસે ઉભી રહી. ડો. નયના બહેન ને નવાઈ લાગી કે કેટલી ઉદ્ધત છોકરી છે. વનીતાબેન ની સાથે સરખી વાત પણ ના કરી. વનિતાને લાગ્યું કે હવે રોકાવામાં માલ નથી. અચાનક જ તે બોલ્યાં.“ડોકટર મારે નીકળવું પડશે. તમે આ ચેક લઇ લો. મારા વતી શુભેચ્છા સંદેશો આપી દેજો ફંકશનમાં બે ત્રણ દિવસ પછી હું પાછી આવીશ ત્યારે નિરાંતે રોકાઈશ.” અને તેણે ફરીથી સુહાની તરફ જોયું અને આ વખતે સુહાનીની નજર એવી ધારદાર હતી કે એ સહન ના કરી શક્યા!! અસલ એની મા પર ગઈ છે એવું એને મનમાં ને મનમાં લાગ્યું!! તે ફટાફટ નીચે આવ્યાં અને ડ્રાઈવરને કીધું કે ગાડી મહાલક્ષ્મી લઇ લે!! ગાડી મહાલક્ષ્મી પહોંચી અને તેઓ ઉતરી ગયાં અને ડ્રાઈવરને કીધું.

“મોડું થશે કદાચ ચિંતા ના કરતો “ વનિતાબેને મહાલક્ષ્મીના દર્શન કર્યા. પુજારી એને ઓળખતો હતો. અવારનવાર તેઓ વિઠ્ઠલદાસ સાથે અહી આવતાં અહીના ભિખારીઓને તે જમાડતા અને મંદિરમાં દાન પણ આપતા. દર્શન કરીને તે એની માનીતી જગ્યાએ બેઠા!! શરીર આખું ધ્રુજી રહ્યું હતું!! આંખમાંથી આંસુ લગભગ નીકળવાની તૈયારીમાં હતાં એનાં કાનમાં હજુ સુહાની ના શબ્દો અને તેની ધારદાર નજર તરવરી રહી હતી!! કાનમાં શબ્દો હથોડાની જેમ ટીપાતા હતાં “ “મારા મમ્મીના બેનપણીને……………….?? મારા મામા ને ઘરે મળ્યા હતા………………….?? આજથી ૨૫ વરસ પહેલાં એજ કે બીજા”???????……………………………….

અને વનીતાબેન ને પોતાનો ૨૫ વરસ પહેલાનો ભૂતકાળ યાદ આવી ગયો. આજ એનું જ લોહી!! એની જ દીકરી!! એની સામે આવીને સવાલ પૂછશે એની તો એને ક્યાંથી ખબર હોય?? એને પોતાની યુવાની યાદ આવી ગઈ!! પોતે આવીજ હતી!! આ તો પોતાનું લોહીને!! અસલ એની પર જ ગઈ ને !!! તો શું કમલીએ બધી જ વાત કરી દીધી હશે??? પોતાના વિષે સુહાની શું વિચારતી હશે??? કેટલી નફરતથી એ ધારદાર નજરે જોઈ રહી હતી એને!!! વનીતાબેન ૨૫ વરસ પહેલાના ભૂતકાળમાં સરકી ગયાં!!! એક પછી એક દ્રશ્યો તેની સામે તરવરવા લાગ્યાં!!એણે આંખો બંધ કરી દીધાં!!!વનિતા ધીરજલાલ !!! ગામનું એક રોલ મોડેલ, પાપાની એ લાડકી અને માતાના મત પ્રમાણે બાપની મોઢે ચડાવેલ દીકરી!! નાનપણથી જ ટોમ બોય જેવી એ ચબરાક છોકરી!! અને હાજર જવાબી પણ એટલી જ!! જમાનાથી આગળ હતી!! રૂપાળી અને દેખાવડી પણ એટલી જ પાપાએ પણ એને કોલેજ સુધી ભણાવી હતી. લગભગ જીન્સમાં જ એ ફરતી!! પાપાને નાનકડી એવી દુકાન!! દસમું પાસ થઇ એટલે એની મમ્મી ઉજીબહેને ધીરજલાલને કહી દીધું.

“હવે વનુએ ભણી લીધું, દીકરીની જાત વધારે ના ભણાવાય પછી લગ્ન વખતે તકલીફ પડે આપણામાં મોટાભાગના વેપારી મળે અને નોકરિયાત શોધતાં ફીણ આવી જશે, અને આ તમારી લાડકી હજુ તો એને રાંધતા પણ નથી આવડતું બે ત્રણ વરસ ઘરે રહેશે ને તો બધું શીખી જાશે” વનિતા તરત જ બોલી.

“પાપા મારે ભણવું તો છે જ કોલેજ સુધી તો ભણવું જ છે, ભણાવશો ને??

“ હા બેટા ત્યારે જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી ભણાવવી છે મારે તને” ધીરજલાલ બોલ્યાં અને તરત જ ઉજીબેન બોલ્યાં.

“એ આટલી મોઢે ના ચડાવો. લગ્ન પછી કાઈ ઘરના કામ નહિ આવડે તો તમે એની ભેગા જશો એનાં સાસરીયે,?? બાપ થઈને કાંઇક તો વિચારો” તરત જ વનિતા બોલી.

“પાપા તમે આવશોને મારી સાથે”? અને ધીરજલાલે પોતાની દીકરીને માથે હાથ મુકીને બોલ્યાં.

“હા બેટા હું તારી સાથે આવીશ તને રસોઈ શીખવાડવા” અને વનિતા નાચતી કુદતી મમ્મી સામે ઠેંગો બતાવીને હસતી હસતી નાચતી કુદતી ચાલી ગઈ, ઉજીબેને મોઢું મચકોડ્યું.

“એક વખત તમને આ છોકરી રાતા પાણીએ રોવડાવે તો પછી મને ના કહેતા”

“અરે વનું તો મારો દીકરો છે દીકરો તું એની ચિંતા ના કર, આ એનો બાપ હજુ બેઠો છેને અને ના બેઠો હોય તો પણ મારી વનું એની મેળે રસ્તો કાઢી લેશે. હવે તું એકદમ કડક મીઠી તારા હાથની ચા પાઈ દે તો હું દુકાન ભેગો થાવ” ધીરજલાલ બોલ્યાં અને ઉજીબેને ચા મૂકી એ પીને ધીરજ લાલ દુકાને ગયાં.

વનિતાએ કોલેજ પૂરી કરી અને ગામનાં જ એક પોતાનીજ જ્ઞાતિના છોકરા સાથે નજર, આંખો અને મન મળી ગયું. સુધીર પણ કપાસનો ધંધો જ કરતો હતો. ગામમાં અને નાતમાં શાખા પણ સારી અને હોળીની આગલી રાતે એ સુધીરને પડખેની વાડીમાં મળી, માથોડા સામે ઉભેલી શેરડીમાં વનિતા સુધીરના ખોળામાં માથું રાખીને સુતી હતી.

“સુધીર તે તારા મારા માતા પિતાને વાત કરી, આ સામી જાળ ઉતરે પછી તું જલ્દીથી મારો હાથ માંગી લે, મારા બા ઉતાવળ કરે છે કદાચ આપણી વાતો ગામમાં થાય છે એ એની સુધી પહોંચી ગઈ લાગે છે, મારે તો મારા બાપાને પૂછવાનું છે બીજા કોઈને નહિ તારા ઘરના માની જાય તો બધું પાકે પાયે થઇ જાય” વનિતા બોલી.

“કાલેજ મેં મારી બા ને વાત કરી. એ બે ત્રણ દિવસમાં મારા બાપાને વાત કરી લેશે, અને મારા બાપા મારી બાની વાત કોઈ દિવસ ના ટાળે!! એને પણ તું ગમે છે એટલે નાહકની ચિંતાના કર માય સ્વીટુ!!” સુધીર આટલું જ બોલ્યો કે તરત જ વનિતા ભાવાવેશમાં આવી ગઈ અને એ સુધીરને વળગી જ પડી!! રાતનું વાતાવરણ અને યૌવનનો ઉન્માદ અને એમાં માં બાપની ભવિષ્યની મળતી સહમતી થી બે યુવાન હૈયા એકાકાર થઇ ગયાં!! આની પહેલાં એમણે કોઈ મર્યાદા નહોતી છાંડી પણ આ જ એ લક્ષ્મણરેખા ને વળોટી ગયાં અને એને ખબર પણ નહોતી કે ભવિષ્યના ગર્ભમાં એનું ભયંકર પરિણામ એની પ્રતિક્ષા કરી રહ્યું છે!!!બીજે દિવસે હોળી હતી!! વનિતા તેની બહેનપણી સાથે હોળી જોવા ગઈ હતી ત્યાં પણ વાદળી ટી શર્ટમાં સુધીર ઉભો હતો. તેણે વનિતા સામે સ્મિત કર્યું, અને ઉષા બોલી.

“તમે તો કાલે જ ધૂળેટી ખેલી નાંખી એમને વાલા દાદાના ખેતરમાં”??

“મૂંગી મર્ય ઉષલી તને કોણે કીધું, ભાળ્યું કોઈને વાત કરી છે તો” વનિતાએ ડોળા કાઢ્યા.

“મને મેહુલીયા એ કીધું સવારમાં એ એનાં ખેતરમાં પાણી વાળતો હતો, એણે તમને બેયને શેરડીનાં ખેતરમાં જતાં જોયા અને પાછા નીકળતા પણ જોયા, પણ મેહુલીયો કોઈને કેશે નહિ એનો મને ગળા સુધી ભરોસો છે હો, હું મેહુલીયાને પૂરેપૂરો ઓળખું પણ એ સુધીર પાસેથી કિલો પેંડા, અને કિલો ખજૂર અને દસ હારડા લેવાનો છે આજે એ પાકું એમ ઈ કેતો તો” ઉષાએ વાત કરીને સહુ હોળીમાતાના દર્શન કરીને છુટા પડ્યા. અને આ બાજુ મોડી રાતે હોળીમાં નાળીયેર કાઢવાની બાબતમાં બે જૂથ વચ્ચે ડખો થયો. સુધીર સમાધાન કરવા ગયો અને એમાં અચાનક જ લેવા દેવા વગરનો સુધીર અંટાઈ ગયો, એક લોખંડની પાઈપ આવી સુધીરના માથા પર અને એ ઢળી પડ્યો. માથામાં સીધું જ હેમરેજ થઇ ગયું. અને ગામમાં હો હા થઇ ગઈ બાધવા વાળા બેય જૂથ ભાગી ગયાં અને સુધીર એકલો જ પડ્યો રહ્યો. ગામમાં વાત ફેલાણી અને પછી તો દવાખાને લઇ ગયાં. પોસ્ટમોર્ટમ થયું. પોલીસ આવી અને વનિતાને સવારે ખબર પડી અને એ અવાચક થઇ ગઈ!! ચહેરા પરથી નુર ઉડી ગયું!! હાથવેંતમાં આવેલું સુખ મૃગજળ જેવું સાબિત થયું, કાશ્મીર જેવું જીવન એકદમ સહરાના રણ જેવું થઇ ગયું. પોલીસ બેય જૂથના માણસો પકડી ગઈ!! ગામમાં શોકનું મોજું ફરી વળ્યું અને ધૂળેટી બંધ રહી!! વનિતા કોને કહે?? એ મનથી સાવ ભાંગી જ પડી!!

વનીતામાં આવેલો આ એકાએક ફેરફારથી એની મા ઉજી તો ખુબજ રાજી થઇ. વનિતા હવે ઘરકામ કરવા લાગી. સ્વભાવમાંથી અતડાઈ ચાલી ગઈ. ત્રણેક મહિના પછી એને સતત ઉલટી થઇ એ એનાં પાપા સાથે સરકારી દવાખાને ગઈ. રીપોર્ટ આવ્યો અને ધીરજલાલ માટે આભ તૂટી પડ્યું. વનિતાને ત્રીજો મહિનો જતો હતો. વનિતાના પાપા કશું બોલ્યાં નહિ પણ આંખમાં આંસુ હતાં. દીકરીને લઇ ને એ ઘરે આવ્યાં ઉજીને વાત કરીને ધીરજલાલે હાથ જોડ્યા.“ભલી થઈને તું ચુપ રહેજે, આપણે દીકરી નથી ખોવી, જે થયું છે એ ખોટું તો છે જ પણ આવા જ વખતે દીકરીની મદદે આપણે ના આવીએ તો કોણ આવશે, દીકરીને ઠપકો આપવાં માટે જીંદગીમાં ઘણો સમય મળી રહેશે પણ એક વખત આડા અવળું થઇ ગયું પછી મા બાપ માટે જીવનભર પસ્તાવા સિવાયનો કોઈ સમય નહિ વધે” ઉજી પણ કશું ના બોલી અને પછી વનિતાને બધું પૂછ્યું અને વનિતાએ બધી જ વાત કરી.

“કાલે જ દવાખાને જાવ એટલે કામ પતે, જો કોઈને ખબર પડીને તો પછી આને કોઈ નહિ લઇ જાય” ઉજી બોલી.

“મા હું દવાખાને નહિ જાવ, આ સુધીરનું બાળક છે ભલેને અમે લગ્ન નથી કર્યા પણ તો શું થયું??.હું મારી રીતે ચાલી જઈશ!! આખી દુનિયા પડી છે. તમારે કહી દેવાનું કે દીકરી જતી રહી છે લગ્ન કરીને કોઈની સાથે!! મારું ભાગ્ય જ આવું હશે બાકી મારા ગર્ભમાં રહેલા બાળકને તો હું મરવા નહિ જ દઉં”

વનિતા આજ જીંદગીમાં પહેલી વાર રોતી હતી. એક લાચાર બાપ અંદરથી ભાંગી રહ્યો હતો. ઉજી અને ધીરજલાલ વચ્ચે ઘણી ચર્ચા થઇ. ઉજીએ સંભળાવ્યું પણ ખરું.

“હું નોતી કેતી કે આ તમારી મોઢે ચડાવેલ ફૂલ ફટાકડી તમને રાતા પાણીએ રોવારવાશે જરૂર ત્યારે તમે મને કશું ના કહેતા”.

અને સ્ત્રીની એક ખાસિયત સદીઓથી રહી છે એનાં મનમાં જે ડુંભાણું રહી જાય એ સારા કે મોળા પ્રસંગે એ સંભળાવી તો દે જ!! અને ધીરજલાલે એ બધું સાંભળી પણ લીધું. એક લાચાર બાપ બીજું કરે પણ શું?

છેવટે આખી રાત જાગીને વચ્ચેનો રસ્તો એ કાઢ્યોકે વનિતા ભલેને બાળકને જન્મ આપે પણ અહી નહિ અમદાવાદ પાસેના એક નાનકડા ગામમાં એનાં મામાને ત્યાં. ત્યાં એને કોઈ જ નહિ ઓળખે. અને જન્મ આપ્યા પછી વનિતા કોઈ નોકરી ગોતી લેશે અને એનું જીવન એ જીવી લેશે ત્યાં સુધીમાં કાંઇક રસ્તો પણ નીકળી જશે અને અહી કોઈને જાણ પણ નહિ થાય. વનિતાને લઈને ધીરજલાલ અને ઉજીબેન વનિતાના મામાને ત્યાં પહોંચ્યા. અમદાવાદની બાજુનું એક નાનકડું ગામડું અને અમદાવાદથી સાવ નજીક પણ હતું. વનિતાના મામા અને મામીને બધી વાત કરી. ગામની છેવાડે એક નાનકડાં ફાર્મ હાઉસમાં વનિતાના મામા કુબેરભાઈ રહેતાં હતાં એમણે બનેવી અને બહેનને પુરતી ધરપત આપી કે તમે નચિંત રહો, કોઈને પણ ખબર નહિ પડે ગામમાં કે સમાજમાં અહી કોઈ પૂછશે તો કહી દેશું કે અમારી ભાણી ડીલેવરી માટે આવી છે અહીંથી અમદાવાદ નજીક પડે એટલે કોઈ હોસ્પીટલે જવું હોય તો સરળ પડે. બે દિવસ પછી ધીરજલાલ જવા રવાના થયા. વનિતાને માથે હાથ મુકીને બોલ્યાં.

“વનું બેટા ખોટા વિચાર ના કરતી, ભગવાન કોઈ માર્ગ સુઝાડશે, જે થયું એ હવે કોઈ કાળે ટળી શકે એમ જ નથી, તું તારી તારી તબિયત સાચવજે, આવજે દીકરી હું અને તારી મમ્મી મહીને મહીને આંટો મારતા રહીશું અને ગામમાં કહીશું કે વનું આગળ ભણવા અમદાવાદ ગઈ છે, ભરોસો રાખજે કુદરત પર, જીવનમાં ક્યારેય આડું અવળું પગલું ના ભરતી, બેટા મારે દીકરો તો નથી તું દીકરા બરાબર જ છો” ધીરજલાલની આંખો આંસુથી છલકાઈ ગઈ. વનિતા તો બાપાને બાથ ભરીને રોઈ પડી. મામા કુબેરભાઈ અને મામી મણિબેન ને વનિતાને સાંત્વના આપ્યું અને ધીરજલાલ અને ઉજીબેન રવાના થયા.

કુબેરભાઈ ને જામફળ ની વાડી હતી. સારી એવી ફળદ્રુપ જમીન હતી.જામફળની સીઝન પછી તેઓ ફૂલ અને શાકભાજી વાવતા અને આ માટે તેમને ધોળકા બાજુના એક ભાગિયા રાખ્યા હતાં. કમાભાઈ અને વસનબેન એમનું નામ હતું એમને ચાર દીકરીઓ હતી મોટી એક ને પરણાવી હતી આણંદમાં. ત્રણ દીકરીઓ અને પતિ પત્ની આ પાંચ જણા વાડીમાં કામ કરે અને પોતાનું ગુજરાન ચલાવે.

હવે યોગાનુયોગ કમાભાઈની મોટી દીકરી કે જેને આણંદ પરણાવી હતી એ પોતાની બીજી સુવાવડ કરવા પોતાના બાપાને ઘરે આવી હતી નામ તો એનું કમળા હતું પણ બધાં એને કમલી કહેતા. બે વરસ પહેલાં કમલીને કસુવાવડ થઇ હતી એટલે કમા ભાઈએ આ વખતે અગાઉથી જ કમલીને બોલાવી લીધી હતી. અહી રહે તો સારી રીતે દીકરીની સેવા સારવાર થઇ શકે. કમલી અને વનિતા પાકા બેનપણા થઇ ગયાં હતાં. પછી તો બને સાથેને સાથે જ હોય સુખ દુખની વાતો કરતાં જાય અને પોતાની જીવન કિતાબના પાનાં એક બીજા સામે ખોલતા જાય. બને જામફળી ના ઝાડ નીચે બેસે થાય એટલું કામ કરે અને જીવ્યે જાય. બને રાતે સુવે પણ પાસે પાસે એકદમ પાકી અને જન્મોજન્મની બેનપણીઓ બની ગઈ હતી કમલી અને વનિતા.

કમલીનો પતિ વિશાલ આણંદમાં કામ કશું કરતો નહિ પણ ઘર પાસે એક સમોસા અને દાબેલીની લારી હતી ત્યાં કમલી બેસતી. બહું કહે ત્યારે એનો ધણી વિશાલ ઘડી બે ઘડી બેસે પણ પાછો બાઈક લઈને રફુચક્કર એ લોકોને બાપદાદાનું વીવી નગર રોડ પર એક મકાન હતું. સમોસા અને દાબેલીની લારી પર ઘરાકી સારી રહેતી અને એમાંથી કમલીનું ગાડું ગબડ્યે જાતું, આમ તો વિશાલ પહેલાં સારો જ હતો પણ લગ્ન પછી એ વધુ બગડ્યો હતો. એનાં સમોસા અને દાબેલી ફેમસ હતાં. પણ લગ્ન પછી એનાં બાપે એને જુદો કરી દીધો હતો અને હવે કમલીએ ધંધો સંભાળી લીધો હતો એટલે એ બેફામ જેવું જીવતો. ક્રિકેટનો એ જબરો શોખીન આજુબાજુ ગમે ત્યાં ક્રિકેટ ની નાઈટ મેચ ચાલતી હોય વિશાલ ત્યાં જ હોય. તેમ છતાં તેમનો સંસાર ચાલતો હતો. મહીને મહીને કા ઉજીબેન અથવા ધીરજલાલ આવી જતાં દીકરીને સાંત્વના આપીને ચાલ્યા જતાં, સમય વિતતો ચાલ્યો.

માગશર મહિના માં એક રાતે કમલીને દુખાવો ઉપડ્યો અને ગામમાંથી દાયણ બોલાવી લાવ્યાં. વનિતાનો ખાટલો પણ બાજુમાં હતો. કમલીને મરેલું બાળક અવતર્યું. કમલી રડવા લાગી આ વખતે પણ એને એનાં પેટે દગો દીધો હતો. કમલી ધ્રુસકેને ધ્રુસકે રડી. એને બાળકની ખુબ જ આશા હતી. આ બાજુ બે કલાક પછી વનિતાને પ્રસુતાની પીડા ઉપડી દાયણ તો હજુ ત્યાં હતી એણે ડીલેવરી કરાવી અને વનિતાની કુખે એક કન્યા નો જન્મ થયો. કમલી એકીટશે એની સામે જોઈ રહી અને બોલી.

“વનું એક વાત કહું તારી આ જન્મેલી છોકરી મને આપી દે આમેય તું ગમે એટલી હિમ્મતવાન હો પણ આ સમાજ તને એકલી જીવવા નહિ દે આખી જીંદગી તું એકલી નહિ રહી શકે, તું મને આ છોકરી આપી દે. વાત કમલીના મામા પાસે આવી અને બધાએ આ વાત સ્વીકારી લીધી. છોકરી બે માતા વચ્ચે ઉછેરવા લાગી. કમલી ખુશ હતી. વનિતા પણ ખુશ હતી. મા બાપ પરથી એક ભાર ઉતરી ગયો હતો. ધીરજલાલ અને ઉજીબેન પણ ખુશ હતાં, મહિના પછી કમલીના સાસરીયા આવ્યાં તેડવા માટે. કમલી અને વનિતા બેય બહેનપણીઓ છેલ્લી વાર જામફળીના ઝાડ પાસે ગઈ ઘર થી દૂર. વનિતાએ પોતાની છોકરીને ચૂમીઓ કરી ખુબ જ વહાલ કર્યું વનિતાએ એનું નામ સુહાની પાડ્યું હતું. ખુબ જ વહાલ કર્યું અને પછી કમલીને ભેટી પડી અને કીધું કે.“મારા ફૂલનું ધ્યાન રાખજે એ હવે તારા હવાલે છે કમલી ખબર નહિ કે મારી દીકરી કેવા ભાગ્ય લઈને આવી હશે પણ કમલી તું એને સુખી કરજે અને તારો આ આભાર હું સાત જન્મેય નહિ ચૂકવી શકું”

“કેવી વાત કરે છે તું!! મારો આભાર માને છે આભાર તો મારે તારો માનવો જોઈએ કે તે મને એક જીવનની ભેટ આપી છે પણ એક વાત તારે માનવી પડશે, બસ એક વચન આપ મને જો આપી શકે તો”

“બોલ તું કહે એ આપું મારી બહેન!! બોલ તારે શું જોઈએ છે એ કહે??” વનિતા બોલી.

“આજ પછી આપણે કયારેય નહિ મળીયે અને તું કોઈ પણ રીતે આ સુહાની વિષે કોઈની પાસેથી જાણવા નો પ્રયત્ન નહિ કરે અને આ સુહાની સંપૂર્ણ રીતે મારી છે બસ અને આ એટલાં માટે કે હવે હું નથી ઇચ્છતી કે મારી મમતામાં કોઈ ભાગ પડાવે બસ આટલું જ જોઈએ છે મારે, બોલ આપીશ મને તું આ વચન વનું”? વનું કશું બોલી નહિ ફરીથી એણે સુહાનીને પોતાની છાતી સરસી છાંપી, પોતાનું દૂધ પીવરાવ્યું અને કીધું.

“જા વચન છે કમલી કે જીવનમાં હું કયારેય તને પૂછપરછ નહિ કરું કે એવી કોઈ ઝંખના નહિ કરું” અને સુહાનીને છેલ્લી વાર ચૂમીને એણે કમલીને આપી દીધી. સુહાનીને લઈને કમલી ચાલી ગઈ પોતાના સાસરીયે અને જામફળીના ઝાડ નીચે વનિતા ઉભી રહી ગઈ એકલી જ.. પોતાનું ફૂલ આજ એણે કમલીને સોંપી દીધું હતું કાયમ માટે પછી તો બે મહિના સુધી વનિતા એનાં મામાને ત્યાં રહી. મામી સાથે ઘરકામ કરે. વારે વારે અગાશીમાં જાય ઘડી બે ઘડી રોઈ લે સુહાની એને ખુબ યાદ આવતી.રાતે અચાનક જ જાગી જાય એકલી એકલી રોવે. વનિતા ગામમાં આવી એ બદલાઈ ચુકી હતી. આવીને એણે ઘરનું કામ બધું સંભાળી લીધું. એકદમ ધીર ગંભીર બની ગઈ હતી. જાણે કે ગંગોત્રીમાંથી નીકળેલી રમતિયાળ અલકનંદા જેવી રીતે હરિદ્વાર પાસે વિશાળ ગંગા બની જાય તેમજ એકદમ શાંત અને સાલસ

ઉનાળામાં મુંબઈ થી એક માગું આવ્યું. મુરતિયો શેર બાઝાર માં સારું કમાતો હતો નામ હતું વિઠ્ઠલદાસ !! વનિતા અને વિઠ્ઠલદાસને એક બીજા પરણી ગયાં. બને પક્ષે વાતચીત થઇ અને શિયાળામાં જ લગ્ન લેવાયા. વનિતા પરણીને મુંબઈ આવી અને જીવનનો એક નવો અધ્યાય શરુ થયો. બને જાણે એકબીજા માટે ઘડાયા હોય એમ જ લાગતું હતું. વનિતાએ બહું ઝડપથી બધું શીખી લીધું તોય શરૂઆતમાં એને વારંવાર સુહાની યાદ આવી જતી હતી પણ કેહ્વાયછે ને કે દુઃખનું ઓસડ દહાડા એને કમલીને આપેલું વચન યાદ આવી જતું એટલે એ રોકાઈ જતી એને ઘણીવાર તીવ્ર ઈચ્છા થતી કે ફક્ત એક વાર એ આણંદ જઈ આવે સુહાની ને જોઈ આવે પણ એ કમલીને આપેલું વચન તોડવા નથી માંગતી. એટલે તો એ લગ્ન પછી એનાં મામાને ઘર પણ નહોતી ગઈ. આમેય એને ગુજરાત આવવાનું જ ઓછું કરી નાંખેલું અને પછી તો એને બે સંતાનો થયા અને એ પોતાની દુનિયામાં ખોવાઈ ગઈ!!! અને આજ અચાનક જ સુહાની મળી ગઈ !!!!! વનીતાબેને આંખો ખોલી!! રોઈ રોઈ ને ખોળામાં પડેલો રૂમાલ ભીનો થઇ ગયો હતો.ફરી એક વાર એણે મહાલક્ષ્મીના દર્શન કર્યા!! મોઢું ધોયું અને ફટાફટ નીચે ઉતર્યા!! નીચે ડ્રાઈવર તૈયાર હતો. વનીતાબેન ગાડીમાં બેઠા અને ડ્રાઈવર ગાડી મારી મૂકી મલાડ તરફ!!

મલાડમાં વેસ્ટમાં વનીતાબેનનો બંગલો હતો. ગાડીમાંથી ઉતરીને તે પોતાના રૂમ માં ગયાં પથારીમાં જઈને આડા પડ્યા. રસોઈયા બહેન પૂછવા આવ્યાં કે જમવાનું શું બનાવવું છે તો એણે કીધું કે મારી તો ઈચ્છા નથી તમારા માટે જે ખાવું હોય એ બનાવી નાંખો. વારંવાર એને સુહાનીનો ચહેરો યાદ આવતો હતો એણે કરેલો ઉપાલંભ યાદ આવતો હતો. શા માટે કમલીએ સુહાનીને બધું કીધું હશે??, કમલી અહી મુંબઈમાં શું કરતી હશે,?? એનો પતિ વિશાલ ક્યાં હશે?? આ બધાં પ્રશ્નો એને હવે કણાની જેમ ખુંચતા હતાં. એણે નક્કી કર્યું કે બે ત્રણ દિવસ પછી પાછાં જવું જ છે એ હોસ્પીટલે નિરાંતે અને બધી વાત જાણી લેવી છે. સુહાની જે કહેશે એ સાંભળી લઈશ એને હક છે એ કહેવાનો અને એ ક્યાં પારકી છે.?? કમલી ને મળું એટલે ખબર પડે. કમલીએ બધી જ વાત કરી હશે કે નહિ??? વનિતાબેન એમને એમ સુઈ ગયાં.

બે દિવસ પછી એ સીધાજ સત્ય સાઈ હોસ્પિટલ ગયાં અને ડો. નયના ને મળ્યાં. આઈ સી યુના પેશન્ટ વિષે વાત કરી.

“જુઓ મીસીસ વનીતાબેન તમે અહી ઘણું દાન કર્યું છે એટલે તમને જણાવું છું બાકી એ છોકરીએ જતાં જતાં કહ્યું છે કે અમારી ઇન્ફોર્મેશન કોઈને ના આપતા. રહી વાત એ પેશન્ટની તો એ ગઈ મોડી રાતેજ અવસાન થયું છે આજ વહેલી સવારે એને લઇ ગયાં. એની ડેડ બોડી લેવા માટે ચારેક છોકરીઓ આવી હતી. હોસ્પીટલનું બિલ ચૂકવીને એ છોકરી ધ્રુસકેને ધ્રુસકે રડી હતી. એની મમ્મીને સારું ના થયું. શરીરની અંદર જ ગાંઠ ફૂટી ગઈ હતી. છોકરી જ એનાં ઘરમાં મુખ્ય હોય એમ લાગ્યું છેલ્લાં પંદર દિવસથી છોકરીઓ સિવાય કોઈ એની પાસે હતું નહિ પણ જતાં જતાં એ છોકરી મને કહેતી ગઈ કે ડોકટર કોઈ મારું સરનામું પૂછે તો આપવાનું નથી પણ તમને હું એનું એડ્રેસ આપું છું. બોરીવલીમાં એ રેલવે સ્ટેશન પાસે રહે છે. બોરીવલી વેસ્ટ મેઈન રોડ “ઉદય ડાઈનીંગ હોલ”માં તમને એ મળી જશે.” જેવી ડો. નયના એ વાત કરી કે વનીતાબેન ને આંચકો જ લાગ્યો. એણે ડોકટરનો આભાર માન્યો. અને વનીતાબેનની ઈનોવા બોરીવલી વેસ્ટ બાજુ દોડવા લાગી. બોરીવલી વેસ્ટ રેલવે સ્ટેશન પાસે એણે ગાડી પાર્ક કરી આજ તે એકલાં આવ્યાં હતાં.તે આપેલ સરનામે પહોંચ્યા અને જોયું કે “ઉદય ડાઈનીંગ હોલ” બંધ હતો. સામે એક વડા પાઉં ની લારી હતી ત્યાં પૂછપરછ કરી તો જવાબ મળ્યો કે

“કમળાબાઈ નું અવસાન થયું છે એટલે આજ બંધ છે એમને અંતિમ સંસ્કાર માટે લઇ ગયાં છે પણ આ જ શેરીમાં છેલ્લે એક મકાન છે એ જ કમળાબાઈનું ઘર છે ત્યાં આજ બેસણું છે. પણ સાંજનું છે. કમળાબેને દુરથી મકાન જોઈ લીધું. નક્કી કર્યું કે અત્યારે નથી જાવું. તેઓ પરત પોતાના ઘરે આવ્યાં રસ્તામાં વિચાર કરતાં હતાં કે કમલી મુંબઈમાં જ હતી. પણ અત્યાર સુધી ના મળી અને હવે મળી તો વાતચીત પણ ના થઇ, કુદરત પણ કેવા કેવા ખેલ ગોઠવે છે. ચાર દિવસ પછી એક રવિવારે તેઓ સફેદ સાડીમાં એ ઘરે ગયાં. ડોરબેલ વગાડી અને સામે જ સુહાની ઉભી હતી. સફેદ ડ્રેસમાં, આંખો રડી રડીને સોજી ગયેલ હતી. અસલ પોતાના જેવી જ સુહાની દેખાતી હતી.

“કોઈનું કામ છે તમારે??” સુહાનીએ શુષ્ક ચહેરે કહ્યું.

“બસ કમલીના ખરખરે આવી છું ઘરમાં આવો એમ પણ નહિ કહે” વનીતાબેનને ગળામાં ડૂમો ભરાઈ ગયો.” જવાબમાં સુહાની કશું બોલી નહિ. એ દાદર ચડી ગઈ પાછળ પાછળ વનીતાબેન દાદર ચડ્યા. ઉપર એક વિશાલ જગ્યા હતી. ચારેક છોકરીઓ બેઠી હતી ઘરમાં લગભગ દરેક ખૂણામાં શાકભાજી પડ્યું હતું એક જગ્યાએ બટેટા બફાતા હતાં. એક ખુરશી લાવીને મૂકી અને સુહાની બીજી ખુરશી પર બેઠી. વનીતાબેન ખુરશી પર બેઠા ને દીવાલ તરફ એક મોટો ફોટો હતો કમલીનો અને નીચે અગરબતી સળગતી હતી ફોટા પર હાર હતો. વનીતાબેનની આંખો ભીની થઇ. સુહાની બોલી.

“ગુડ્ડુ, કવિતા,રેણું તમે ડાઈનીંગ હોલ પર જાવ, મારા મમ્મીના એક ખાસ બેનપણી આવ્યાં છે હું પછી થી આવું છું” બધી જ છોકરી ઓ જતી રહી પછી વનીતાબેન બોલ્યાં.

“કઈ બીમારી હતી કમળાબેનને ?”

“હા એનું જીવન જ બીમાર હતું અને તમને તો ખબર છે ને કે એને સમાજસેવાનો પણ શોખ હતો એટલે કોઈકનું પાપ પણ એ સાથે લઈને ફરતાં હતાં. એટલે બિચારા આખી જિંદગી દુઃખી રહ્યા કોઈ બીજાને સુખી કરવા માટે !! તમે તો એને ખાસ ઓળખતાને??” સુહાનીની આંખો લાલ થઇ ગઈ હતી. ઉભરો આવી રહ્યો હતો. જિંદગીભરનું જે વિષ ભેગું થયું હતું. એ બહાર આવી રહ્યું હતું.

“બેટા સંજોગો આગળ માણસ લાચાર હોય છે માફી માંગુ છું પણ એક વિનંતી છે કે હું વિગતે જાણવા માંગુ છું, કદાચ તને બધી હકીકતની ખબર ના પણ હોય પણ ઘણીવાર અધુરી હકીકતથી ગેરસમજણ વધતી હોય છે” વનીતાબેનને શું બોલવું એ સુઝતું નહોતું એ જીવનમાં પહેલીવાર નીચું જોઇને બોલતાં હતાં.

“હવે એ વાતોનો કોઈ અર્થ જ નથી, સમજણ વાળા માણસો બહું આસાનીથી પોતાની ગેરસમજણ બીજાના ખોળામાં નાંખી દેતા હોય છે અને એય પોતે એશો આરામ વાળી જિંદગી જીવતાં હોય છે , સાચું કે ખોટું વનિતા વિઠ્ઠલદાસ હું તમને પૂછું છું તમે તો સમજણા છો ને મારી મા કેતીતી કે જયારે કોઈ નહોતું ભણતું ત્યારે તમે કોલેજ કરેલી ને”

સુહાનીના એક એક શબ્દો વનિતાને દઝાડી રહ્યા હતાં, કાળજામાં જાણે કાંટા ભોંકાતા હોય એમ લાગ્યું. જવાબમાં એ કશું બોલ્યાં નહિ સુહાની આગળ એ બે હાથ જોડીને આંખમાંથી આંસુ ની ધારા વહેતી હતી. સુહાની પણ રડી રહી હતી. અચાનક જ એને થયું કે એ માથે હાથ ફેરવે દીકરીને એને છેલ્લી વાર જયારે હાથ ફેરવ્યો એ યાદ આવી ગયું પણ દીકરીનું રૌદ્ર સ્વરૂપ જોઇને હિમત ના ચાલી.થોડી વાર પછી એ સ્વસ્થ થયાં અને બોલ્યાં.

“કોલેજ તો કરેલી પણ બેટા એ વખતે જમાનો જ એવો હતો ને મેં પણ કોશિશ કરેલી પણ નસીબ જ વાંકા અને ના છુટકે આ બધું થયેલું છે એ વખતે મારી જગ્યાએ કોઈ પણ હોય આવું જ કરે”

“કોઈ જ ફેરફાર નથી જમાનામાં જમાનો આદિકાળ થી એક સરખો ચાલ્યો આવે છે. એ બધાં બહાના છે બહાના,!! મહાભારત કાળમાં પણ કુંતી હતી, અત્યારે પણ છે કુંતી અને ભવિષ્યમાં પણ કુંતી હશે જે સમાજના ડરથી પોતાના ફૂલ જેવા કર્ણનો ત્યાગ કરતાં અચકાશે જ નહિ પછી એનું જે થવું હોય એ થાય ખબર નથી પડતી કે માણસ કોના માટે જીવે છે પોતાના અંશ એવા સંતાનો માટે કે સમાજ માટે?? આ સમાજમાં પહેલથી જ આવો છે પોતાની આબરૂ માટે એ કોઈને પણ દાવ લગાવી શકે છે” સુહાની બોલતી હતી વનીતાબેન સાંભળતાં હતાં. એની પાસે કોઈ જ શબ્દો નહોતા અને આમેય તરછોડાયેલ સંતાનોના સવાલોના જવાબ કોઈની પાસે નથી હોતા.

“બસ જે થયું એ માટે હું માફી માંગુ છું, મે તને તરછોડી નથી પણ એક સલામત હાથમાં સોંપી હતી એક એવો હાથ કે જેણે સામે ચાલીને તારી માંગણી કરી હતી પણ મને ખબર નથી કે તારા ભાગ્યમાં દુઃખ લખાયેલ હશે જે કઈ થયું છે એ હું બધું સાંભળવા તૈયાર છું તું કહે એ કરવા તૈયાર છું મને તું માંડીને વાત કર તો કંઇક ખ્યાલ આવે” વનીતાબેન કરગરતા હતાં,એની વાણીમાં એક આદ્રતા હતી.વરસોથી સચવાયેલી વેદના ટપકતી હતી.

“તમારું સરનામું આપો મને વનિતા વિઠ્ઠલદાસ હું તમારા ઘરે આવીને તમને સમજાવીશ અત્યારે મારે મારો ડાયનીંગ હોલ સંભાળવાનો છે, હું તમને ક્યારે મળી શકું એ મને કહેશો,મારે ઘણું બધું કહેવાનું છે અને એ યાદ રાખજો કે હું દુઃખી નથી થઇ પણ મારી મા કેવી દુઃખી થઇ એ તમને મારે જણાવવાનું છે એટલે હું આપને ત્યાં આવીશ મને ત્યાં તો આવવા દેશોને તમે” સુહાની બોલી વનિતા એનો વ્યંગ સમજી ગઈ હતી. એણે કાર્ડ આપ્યું ફોન નંબર આપ્યો હિંમત કરીને સુહાનીને માથે હાથ મુક્યો, ૨૫ વરસ પછી એનો હાથ સુહાની માથે ફર્યો. વનીતાબેનની ચેતનામાં એક ઝબકારો થયો, એનું રોમ રોમ દ્રવી ઉઠયું.વનીતાબેન હળવે પગલે ચાલતા થયા. દાદર ઉતરીને તેણે પાછુ ફરીને જોયું. સુહાનીની આંખોમાં વાવાઝોડા પછીની શાંતિ દેખાતી હતી. પણ એને ખબર નહોતી કે વાવાઝોડું તો ત્યારે આવવાનું છે જયારે સુહાની એનાં ઘરે આવશે એની માની અને એની પોતાની વાત સંભળાવા માટે…

દસેક દિવસ પછી ફોન રણકયો વનીતાબેન ફોન ઉઠાવ્યો અને સામેથી જવાબ આવ્યો.

“બપોર પછી આવું છું સમય તો છે ને??” સુહાનીનો અવાજ ઓળખી ગયાં વનિતા બહેન અને બોલ્યાં.

“ હા તું ગમે ત્યારે આવી શકે છે “ સામેથી ફોન મુકાઇ ગયો.

બપોર પછી સુહાની આવી. વનીતાબેન ગેટ પાસે જ ઉભા હતાં. ગુલાબી રંગમાં સુહાની શોભતી હતી. એક સાઈડ ઓળેલા અને એક સાઈડ ખુલ્લાં વાળ જોયા ચહેરાની જમણી બાજુ મધ્ય ગાલ માં તલ શોભતો હતો.સુહાની ની ડ્રેસ સેન્સ અદલ એનાં જેવી જ હતી. બે હાથે આવકાર આપ્યો.

“આવ આ તરફ આવ “ વનીતાબેનની આંખોમાં સ્નેહની સરવાણી વહી રહી હતી. દીકરી તેનાં ઘરે આવી રહી હતી. સુહાની બધું જ જોઈ રહી હતી.એક ભવ્ય મકાન આજુબાજુ ઝાડ એક નાનકડો બગીચો ઊંચું એક મકાન આગળ હિચકો આગળ તુલસીનો ક્યારો સુહાની અને વનીતાબેન બંગલાના મધ્યખંડમાં પ્રવેશ્યા હતાં. સામેની દીવાલ પર વિઠ્ઠલદાસનું એક ઓઈલ પેઈન્ટીગ હતું. સાજ અને સજાવટથી દીવાનખાનું શોભી રહ્યું હતું. સોફા પર સુહાની ગોઠવાઈ અને સામે વનીતાબેન બેઠા. કામવાળા માજી પાણી લઈને આવ્યાં. એ સુહાનીને જોઈ જ રહ્યા. અને બોલ્યાં.

“વનીતાબેન પરણીને આવ્યાં આ ઘરમાં ત્યારે બસ દીકરી તારા જેવા જ લાગતા હતાં”

“માડી એ તો ભાગ્યની વાત છે બધાજ સરખા ચહેરાઓને સમાજમાં સરખું સ્થાન મળતું નથી” સુહાની બોલી પણ કામવાળા માજી કઈ જ ના સમજ્યા હોય એવું લાગ્યું. વનીતાબેને ઈશારો કર્યો અને માજી જતાં રહ્યા. પછી વનિતા બહેન બોલ્યાં.

“ એ આ ઘરમાં સહુથી જુના છે ત્રણ પેઢીથી એનું કુટુંબ આ કુટુંબ સાથે સંકળાયેલું છે હવે તો એની ઉમર થઇ છે તોય સતત કામ કરતાં રહે છે, બોલ હવે તું જે કહે ,જેમ કહે એ કરવા તૈયાર તારી આપવીતી મને કહી સંભળાવ મને શાંતિ થાય,”

“ હું મારી મમ્મીનું વચન પાળવા આવી છું એણે હોસ્પીટલમાં છેલ્લાં શ્વાસ લીધા ત્યારે એણે કહેલું કે બેટા વનિતા તને મળવા આવશે એ કહે એમ કરજે વનિતાએ જીવનભર વચન પાળ્યું છે એટલે તું મારું વચન પાળજે બીજું તો હું કશું નથી માંગતી પણ હવે તું વનું કહે એમ કરજે આખરે એનાં દેહમાંથી જ તારો દેહ ઘડાયો છે હું તો તારી પાલક મા છું એ તો તને ખબર જ છે. તું જેમ કહીશ એમ વનું કરી દેશે અને આટલું કહીને મારી મમ્મી ચાલી ગઈ હું એને પૂછવાનું તો ભૂલી જ ગઈ કે વનીતાબેને કહ્યું વચન પાળ્યું છે અત્યાર સુધી” સુહાની ભીની આંખે બોલતી હતી. વાત આગળ ચલાવી.

“નાની હતી ત્યારે તો ખાસ કઈ સમજતી નહિ. આઠેક વરસની થઇ ત્યારે બધું જ સમજવા લાગી અને જેમ મોટી થઇ એમ વધારે સમજતી ગઈ. મારી મમી મને રેઢી ના મુકતી. મને ખુબ સાચવતી પણ કોણ જાણે મને મારા પાપા કોઈ દી વહાલ ના કરતાં, એ મારી મમ્મીને ય મારતા અને ક્યારેક મને પણ મારતા હું ને મમ્મી સમોસાની લારીએ બેસતા. મમ્મી લગ્નના જમણવારમાં રાંધવા જાય ત્યારે હું પણ સાથે જતી. પાપા સાથે બાધીને પણ એ મને નિશાળે મોકલતી પણ કલાક માં હું પાછી આવતી રેતી અને મમ્મી સાથે સમોસાની લારીએ બેસતી. પાપા રાતે લથડીયા ખાતા આવે મમ્મીને ગાળો બોલે હું એનાં પાલવની પાછળ સંતાઈ જાવ બીક મને લાગતી પાપાની!! પાપા મને જોઇને હમેશાં બોલતાં કે આ પાપ લાવી છે પાપ!! પોતે તો છોકરા નથી જણી શક્તિ ને બીજા ના ખોળે બેસારીને લાવી છે મને કશી જ ખબરના પડતી એ વખતે. આમ ને આમ હું મોટી થતી ગઈ પણ એક વાતનો આનંદ છે કે મારો બાપ મને જેટલો ધિક્કારે એટલો જ મા તરફથી મને પ્રેમ મળતો. હું ૧૨ વરસની થઇ પછી વધારે સમજણી થઇ. મેં ઘણી વાર પૂછેલું કે મમ્મી પાપા મને પાપ એવું શું કામ કહે છે એ જવાબ ના આપતી” સુહાની લગભગ રડી પડી. વનીતાબેન એની પડખે બેઠા પાણી પાયું અને સુહાનીએ વાત આગળ ચલાવી.

“એક દિવસ રાતે પાપા એનાં એક મિત્ર સાથે ફૂલ છાકટા થઈને આવ્યાં અને મમ્મીને ગાળો આપી. મમ્મીએ તોય ખાવાનું પીરસ્યું. હું વાંચતી હતી. પાપા ઉભા થયા અને મારો ચોટલો પકડીને કીધું કે ચાલ નીકળ ઘરની બહાર જાણે કોનું પાપ છે!! જ્યારથી આવી ત્યારથી આ ઘરને નજર લાગી ગઈ છે. મમ્મી રસોડામાં દોડતી આવી અને પાપાનો હાથ પકડ્યો પણ પાપા એ એને ફગાવી દીધી અને મને એક ઝાપટ મારી ને હું રોવા મંડી આજુબાજુમાં માણસો ભેગા થઇ ગયાં. અને મમ્મી ઉભી થઇ ખૂણામાં એક દાતરડું પડ્યું હતું એ લઈને સીધી પાપા તરફ ગઈ અને કીધું કે મારી દીકરીને ના મારો પણ પાપા ના માન્યા એ મને ઢસરડતા રહ્યા અને મમ્મી એ પાપાના હાથ પર દાતરડું ઝીંકી દીધું. પાપાનો હાથ લબડી પડ્યો એનો મિત્ર એની મદદે આવ્યો મમ્મીએ એને પણ એક દાતરડું ઝીંક્યુ પગમાં તે એ પણ પડ્યો. મમ્મીનું આવું કાળઝાળ સ્વરૂપ મેં પેલી વાર જોયું. મમ્મી એ મારા માટે એનાં સુહાગ પર હાથ ઉપાડ્યો.

હું સાતમું ભણતી હતી એ વખતે એટલે મને એટલી ભાન તો આવી જ ગઈ હતી કે એ મારો સગો બાપ તો નહોતો જ. બસ પછી મમ્મી ઘરમાં ગઈ એક સુટકેશમાં થોડાં કપડાં લઈને મને લઈને ચાલી નીકળી આજુબાજુ વાળા આડા પડ્યા પણ મમ્મીએ હાથમાં ખુલ્લું દાતરડું રાખ્યું હતું અને મમ્મી ગુસ્સામાં હતી. એ બોલી હવે આ રાક્ષસ પાસે તો નહિ જ હું જાવ છું કોઈની તેવડ હોય તો રોકી જોવો. હું મમ્મીની સાથે ચાલી નીકળી. એ વખતે આજુબાજુ લગભગ ચાલીશેક સ્ત્રી અને પુરુષો હશે પણ કોઈ કરતાં કોઈ મમ્મીની સામે પડેલું નહિ. હું ને મમ્મી એક રિક્ષમા બેસીને રેલવે સ્ટેશન પર આવ્યાં અને એક ગાડી ઉપાડવાની તૈયારીમાં જ હતી અમે દોડીને એ ગાડીમાં બેસી ગયાં. ગાડી મુંબઈ તરફ જતી હતી. થોડીવાર પછી ટીટી આવ્યો ટિકિટ તો કાઈ હતી નહિ. મારી મમ્મીએ વાત કરી બધી. ટીટી ભલો માણસ હતો. એણે સુરત સ્ટેશનથી અમને ટિકિટ લાવી આપી અને અમારા માટે ખાવાનું પણ લાવ્યો. ગાડી ચાલી. સવાર થવા આવ્યું મુંબઈ આવી ગયું હતું. બોરીવલી આવ્યું એટલે ટીટીએ અમને ઉતાર્યા અને અમને ઉદય ડાઈનીંગ હોલમાં લઇ ગયો. ત્યાં જઈને બધી વાત કરી. ઉદય ડાઈનીંગ હોલમાં રહેવાનું અને જમવાનું ગોઠવાઈ ગયું. મારી મમ્મીએ દિલથી ટીટીનો આભાર માન્યો. અમારી જેવી ઘણી સ્ત્રીઓ ત્યાં કામ કરતી અને આ ડાઈનીંગ હોલની ખાસિયત એ છે કે ત્યાં બધું જ કામ સ્ત્રીઓ કરે રાંધવાનું અને પીરસવાનું તમામ કામ અને એક મકાનમાં અમારે રહેવાનું. ઉદયભાઈ નામના એક ભાનુશાળી એ ડાઈનીંગ હોલ બનાવેલો એ દિવસ દરમ્યાન આવે ક્યારેક બાકી વિશ્વાસુ માણસ ત્યાં મારી નવી જિંદગીની શરૂઆત થઇ” સુહાની શ્વાસ ખાવા રોકાઈ.

“ત્યાં એક તાવડે કરીને એક પોલીસવાળો આવતો જમીને જતો રહે.. પૈસા તો ના આપે પણ ખોટી ખોટી ફિશિયારી માર્યા કરે ને એક વખત તાવડે એ જમતા જમતા એક છોકરીનું બાવડું પકડ્યું અને મારી મમ્મી વચ્ચે પડી પણ તાવડે ના માન્યો તે મારી મમ્મીએ તાવડેના માથામાં એક તવેથો માર્યો અને તાવડે બેભાન આખા વિસ્તારમાં હાહાકાર કે એક માથાભારે પોલીસ ઓફિસરને એક સ્ત્રીએ માર્યો. પોલીસ આવી મમ્મીને પકડીને લઇ ગઈ પણ આખો વિસ્તાર એક થઇ ગયો. બે ત્રણ દિવસ મમ્મી લોક અપમા રહી પછી છૂટી ગઈ એ દિવસો માં હું ખુબ રડી, પણ પછી કોઈ મવાલી કે ગુંડો બોરીવલી વેસ્ટમાં લગભગ દેખાતો જ નહિ અને ડાઈનીંગ હોલનું નામ થઇ ગયું. ઉદયભાઈ તો અત્યારે હયાત નથી પણ એણે અમને આશરો આપેલો અને છેલ્લે જતાં જતાં એ બધું અમને સોંપતા ગયેલાં અને આજે લગભગ ૨૫ બહેનો “ઉદય ડાઈનીંગ હોલ”માં કામ કરે છે.બે વરસ પહેલાં જ મમ્મીએ મને આખી વાત કરી એની તબિયત બગડતી જતી હતી અને ત્યારે જ મને એણે કીધું કે હું એની અસલી દીકરી નથી.અ ને મને નફરત થઇ કે પારકી દીકરી ને ખાતર એક સ્ત્રી પોતાની કુરબાની આપી દે અને બીજી બાજુ પોતાને બદનામીથી બચવા માટે એક સ્ત્રી કુમળા ફૂલ જેવી દીકરીને પણ ત્યાગી શકે એ કેવી વિડંબના!!!હવે મારે એ જાણવું છે કે એવું કયું વચન હતું કે તમે છેક સુધી પાળ્યું એ મને કહો ” સુહાની એ વાત પૂરી કરી.

“મારી પાસેથી તારી મમ્મીએ વચન લીધું હતું બેટા કે જીવનમાં ક્યારેય હું તારી ખબર કાઢવા કે ભાળ મેળવવા નહિ આવું એને સંતાન નહોતું થતું એટલે બે વાર કસુવાવડ થઇ ગયેલી અને મારે મજબૂરી હતી અને મામા અને મામી ના કહેવાથી મેં તને સોંપેલી પણ ખરેખર કમલીએ જે કર્યું એ તો હું પણ ના કરી શકું” વનીતાબેન રોઈ પડ્યા. એક ઈચ્છા છે બેટા તને છાતીએ લગાવવાની બસ એકવાર મારું ફૂલ મને મળી જાય તો ય ઘણું, બસ એક વાર બેટા એકવાર” ચોધાર આંસુએ વનીતાબેને હાથ લંબાવ્યા અને સુહાની એનાં આગોશમાં સમાઈ ગઈ,હિમાલયની હિમશીલામાંથી નીકળેલી ગંગા અને યમુના અલ્હાબાદમાં મળે છે તેવું દ્રશ્ય સર્જાઈ રહ્યું હતું. વનીતાબેનને અપાર શાંતિ થઇ.

“હું જાઉં હવે “ સુહાની બોલી અને વનિતાબેન બોલ્યાં “જમીને જા હું તને મૂકી જઈશ.” તે રાતે પડખે બેસાડીને સુહાનીને જમાડી વનીતાબેન પણ ઘણાં દિવસે બરાબર જમ્યા.

“દીકરી તું અહી ના રોકાઈ શકે”?? વનિતા બહેન બોલ્યાં.

“એ શક્ય નથી, સમાજ કુટુંબીજનો અને બીજા કોઈ પૂછે તો શું કહેશો? હું તમારી દીકરી છું એ સ્વીકારી શકશો.?”

“ હા સ્વીકારીશ છડે ચોક સ્વીકારીશ , તું કહે એ કરીશ.”

“મારી સાથે બીજી દીકરીઓ પણ છે જેમનું કોઈ નથી એ ક્યાં જશે? સુહાનીએ સામો પ્રશ્ન કર્યો.

“ એમનો પણ સમાવેશ થઇ જશે તને અહી કોઈ જ તકલીફ નહિ પડે બેટા બસ આટલું તર્પણ મને કરવા દે “ વનીતાબેન ગળગળા થઇ ગયાં.

“ઓકે મમ્મી હું વિચારીશ” સુહાની બોલી

“બેટા એક વખત ફરીથી બોલ” વનીતાબેને કીધું

“મમ્મી આમ તો મને ગુસ્સો ઉતરી જ ગયો હતો તમે મારા ઘરે આવ્યાં ત્યારેજ!! મેં વિચાર કર્યો કે જયારથી હું જન્મી ત્યારથી કઠણાઈ લઈને જ જન્મી છું એક મા તો અવસાન પામી અને એણે જ કીધેલું કે જે કહે એમ કરજે તો પછી હવે તને મારે શા માટે દુઃખી કરવી.” મા દીકરી ફરીથી ભેટી પડયા.

પંદર દિવસ પછી વનીતાબેનના ઘરની આગળ એક મોટું હોર્ડિંગ લાગેલું હતું. ”દીકરીનું ઘર” બંગલા પર સોનેરી અક્ષરો માં નામ લખેલું હતું. “દીકરીનું ઘર”

બને દીકરાઓ અને પુત્રવધુઓ ઓસ્ટ્રેલીયાથી આવી ગયાં હતાં. વનીતાબેને એને બધી જ વાત કરી હતી. અને એ બે ભાઈઓ જ એની બહેન ને લેવા ગયાં હતાં. ધામધૂમ થી બધી દીકરીયું ને લાવ્યાં. આજે વનીતાબેન ને ત્યાં ઘણીબધી દીકરીઓ રહે છે અને સુહાની અને વનીતાબેન બેય ખુશ છે!!

લેખક : મુકેશ સોજીત્રા

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment