“મતદાન અધિકારી નંબર ૩- તમને ક્યાંક જોયા છે ” – ચુંટણીના માહોલ વચ્ચે વાંચો મુકેશભાઈ સોજીત્રાની અલગ વિષયની વાર્તા…

29

ડી એમ કોલેજના પટાંગણમાં લોકોની અવરજવર શરુ હતી. આગળ થેલા અને હાથમાં સુટકેશ લઈને કાળા ઝાકીટ પહેરીની પ્રિસાઈડીંગ ઓફિસરો આકુલ વ્યાકુળ થતાં એક ટેબલે થી બીજા ટેબલે હડીયાપાટી કરતાં આમ તેમ રઘવાયાં થઈને પોતાના ઓર્ડર મેળવી રહ્યા હતાં. જેને ઓર્ડર મળી ગયાં હતાં એ પોતાના સ્ટાફને શોધી રહ્યા હતાં.જેમને સ્ટાફ મળી ગયો હતો એ વળી સાહિત્ય લેવા, ઈવીએમ મશીન લેવા અને વીવીપેટ લેવા ટેબલ થી ટેબલ ઘૂમી રહ્યા હતાં. જાણે કે લોકશાહીનું સમરાંગણ જામ્યું હોય એમ દેખાતું હતું. દર ચૂંટણી માં એનાઉન્સમેન્ટ નો ઈજારો રાખ્યો હોય એમ એક અઢી ઉત્સાહી એવા શિક્ષક ગળું ફાડી ફાડીને એનાઉન્સ કરી રહ્યા હતાં.

“રૂટ નંબર સાત ના ડ્રાઈવર તરત જ પોતાની બસ પર પહોંચે અને બસ ઉપાડવાની તૈયારી કરે …… રૂટ નંબર સાત…..”

“૪૫ સીતાપર ના પ્રિસાઈડીંગ ઓફિસર તરત જ એના ઝોનલ ઓફિસરને મળે. એના ઝોનલ ઓફિસર કોલેજના ગેટ પાસે લીમડા નીચે ઉભા છે”

“૪૮ ભંડારિયા ના પ્રથમ મતદાન અધિકારી તાત્કાલિક એના પ્રિસાઈડીંગ ઓફિસર આર એસ વાઘેલા ને મળે…”

“તમામ પ્રિસાઈડીંગ ઓફિસરને જણાવવાનું કે તમારા બુથ પરના તમામ કર્મચારીઓ તમને મળી ગયાં હોય અને સાહિત્ય બધું મળી ગયું હોય તો તાત્કાલિક એમને ફાળવેલ રૂટની બસમાં બેસી જાય. દરેક બસમાં ઝોનલ હાજરી પુરવા આવશે.”

“૬૫ ચિરોડા ના પટાવાળા એના પ્રિસાઈડીંગ ઓફિસર જે લાલ રંગ નો શર્ટ પહેરીને પાણીના પરબ પાસે ઉભા છે એને મળે.”

કમલેશ પટેલ પોતાનું બાઈક પાર્ક કરીને તાબડતોડ એક ટેબલ પર પહોંચ્યો. ટેબલ પર લખ્યું હતું “પ્રથમ મતદાન અધિકારીના ઓર્ડર અહીંથી મેળવી લેવા”. કમલેશે ઓર્ડર લીધો. અને એણે ઓર્ડરમાં સીધી જ નીચે નજર કરી. નામ વાંચીને એને અંતરમાં ખુશી થઇ. “અવનિ એસ પટેલ મતદાન અધિકારી નંબર ૩” પછી એણે બાકીના કર્મચારી ના નામ જોયા “ એન જે ભટ્ટ પ્રમુખ અધિકારી”, “બી જે રાઠોડ બીજા મતદાન અધિકારી” અને “ગભરૂભાઈ કે સાંબડ પટાવાળા” અને એણે ત્રીજા મતદાન અધિકારી ના નામ પર ફરીવાર નજર ફેરવી. “અવનિ એસ પટેલ” કમલેશે મનોમન અનુમાન કર્યું કે નામ જોતા કોઈ મોટી ઉમર નહિ હોય અવનીની… ફ્રેશ વિદ્યાસહાયક જ હશે. કમલેશે પોતાની ટીમના બાકીના સભ્યો શોધવા માટે આમતેમ નજર કરી. અને ત્યાજ તેનો સેલ ફોન રણક્યો.

“હેલ્લો કમલેશ પટેલ હું તમારો પ્રિસાઈડીંગ ઓફિસર બોલું છું. તમે તાત્કાલિક કોલેજની મોટી લોબીમાં આવી જાવ પૂર્વ દીશામાં કોર્નર પર આપણી ટીમના બાકીના તમામ સભ્યો આવી ગયાં છે. ઝડપ કરો અને આવી જાવ.” અને કમલેશ તરત જ કોલેજની લોબીમાં પહોંચ્યો અને દુરથી જ એણે પોતાની ટીમ શોધી લીધી. પ્રિસાઈડીંગ પાસે જઈને બેઠો. પ્રિસાઈડીંગ ની બાજુમાં જ પટાવાળો બેઠો હતો.બધું જ સાહિત્ય આવી ગયું હતું . પ્રિસાઈડીંગ ની સામે જ એક ૩૫ વરસની ખાધે પીધે સુખી હોય એવી એક વ્યક્તિ બેઠી હતી.કમલેશે માની લીધું કે આ બી આર રાઠોડ હશે અને પછી એણે અવનિ તરફ નજર કરી!! ઉમર હશે હજુ ૨૪ વરસની એકદમ સપ્રમાણ શરીર!! લીલા રંગના કીમતી ડ્રેસમાં અવનિ શોભી રહી હતી. બાજુમાં બ્લેક રંગનું પર્સ અને યલો ગોગલ્સ હતાં. ગોગલ્સ પર રે બન લખેલું હતું. અવનિ મીઠું હસી અને કમલેશનું આખું ચેતા તંત્ર તરબતર થઇ ઉઠ્યું. એ અનાયાસે બોલી ઉઠ્યો.

“મારું નામ કમલેશ પટેલ એમ એસ સી બી એડ સાત વરસની નોકરી અને આપનો પરિચય”

“અવનિ પટેલ બે વરસ થી વિદ્યાસહાયક છું. પ્રોપર સિટીમાં” અવનિ બોલીકે કમલેશને લાગ્યું કે ગંગોત્રીની ખીણમાંથી મધુર અવાજ આવતો હોય એવો મીઠો અને મનને ઝંકૃત કરી દે એવો અવાજ. અને ત્યાં જ એક પહાડી અવાજ આવ્યો.

“ઓળખાણ પછી હવે આપણે કામે ચડીએ કમલેશ કુમાર આમેય તમારા કારણે આપણે મોડા જ છીએ.તમે એક કામ કરો. આ ગુલાબી રંગના અને પીળા રંગના કવરિયા આ ચેક લીસ્ટમાંથી જોઈ ને ગણતરી કરી લો. કશું ઘટતું તો નથીને એની ખાતરી કરી લો” પ્રિસાઈડીંગ એન જે ભટ્ટ બોલ્યાં.કશું પણ બોલ્યાં વિના કમલેશ કામે ચડી ગયો. કવરિયા ગોઠવતા ગોઠવતા કમલેશ પોતાના સપના ગોઠવવા લાગ્યો. વારે વારે એ અવનિ તરફ નજર નાંખી લેતો અને મનમાં વિચારતો કે આ દાગીનો રીઝર્વ હોય તો સારું!! લાગતું તો નથી કે આણે મેરેજ કર્યા હોય!! ભગવાનની ઈચ્છા હોય તો કદાચ આપણું ગોઠવાઈ પણ જાય!! અને ગોઠવાઈ જાય તો પછી લગ્નમાં ઢીલ પણ નથી કરવી, અવનીને ગામડું ના ફાવે તો હું શહેરમાં રહીશ!!પણ એક વાર ગોઠવાઈ જવું જોઈએ!!! અને એ સોનેરી સપનામાં ખોવાઈ ગયો.

કમલેશ સી પટેલ!! એમ એસ સી બી એડ!! સાત વરસથી વિધ્યાસહાયકમાં લાગ્યો હતો.ખુબજ હોંશિયાર ખરો પણ શિક્ષક્મા એ પરાણે પરાણે અને ના છુટકે આવ્યો હતો.મેઈન વિષય કેમેસ્ટ્રી હતો.કોઈ કંપનીમાં જોબ ના મળી અને જે આછી પાતળી મળી હતી એ ફાવી નહિ. શરૂઆતમાં માંગા આવતાં પણ એની ઈચ્છા પીએચડી કરવાની હતી. એ ઈચ્છા તો પુરી ના થઇ. ઉમર વધતી ચાલી, પછી બાપના આગ્રહથી બીએડ કર્યું અને માધ્યમિકમાં પનો ટૂંકો પડ્યો તે પ્રાથમિકમાં વિદ્યાસહાયકની નોકરી મળતી હતી એ લઇ લીધી કારણ એક જ હતું કે વરસ દિવસ પછી સરકારી નોકરી મેળવવાની ઉમર પૂરી થઇ જતી હતી.

એક દુરના ગામડામાં નોકરી મળેલી અને પછી એણે જીવન સંગીની ની શોધ આદરેલી. પોતે એમ એસ સી છે એટલે બીએસસી કરેલી શિક્ષિકાને પહેલા પ્રેફરન્સ આપેલ પણ આ ડીગ્રી વાળી તમામ પરણિત હતી. પછી એણે લેવલ ઘટાડ્યું બી એ અથવા એમ એ પણ ચાલશે અને છેલ્લે એમ નક્કી કર્યું કે પીટીસી વાળી કે બી પી એડ વાળી ચાલે!! ઘણી શિક્ષિકાઓ હતી પણ ઉમરમાં નાની હતી.કમલેશને તો કોઈ જ વાંધો નહોતો પણ સામેવાળીઓ ના પાડતી. આ વોટ્સએપિયા અને ફેસબુકીયા યુગમાં શિક્ષિકાઓ પાસે પસંદગી કરવાનું એક વિશાળ ક્ષેત્ર હતું. સહુ પોત પોતાની રીતે ગોઠવાતા રહ્યા અને કમલેશ પટેલ જોતા રહ્યા. આ સાત વરસની નોકરી દરમ્યાન એ લગભગ ૩૨ શિક્ષકોની જાનમાં ગયો હશે.

જયારે જયારે ઢોલ વાગે ત્યારે એનાં પડઘા સીધાં એના કાળજામાં કોતરાઈ જતાં. એ પોતે જ્યાં નોકરી કરતો ત્યાં એણે પુરતા પ્રયત્નો કરી લીધેલાં. નવી ભરતી થાય કે કોઈ બદલી કરાવીને આવ્યું હોય તો તરત જ એ સંપર્કમાં આવવા પર્યત્ન કરી જ દે.. શિક્ષકોની તાલીમમાં કમલેશ તૈયારી કરીને જતો. હવે એ ગઝલ અને ગીત પણ લખતો અને તાલીમમાં સહુને આસ્વાદ કરાવતો પણ ટાર્ગેટ તો એક જ કે આપણું ઘર હવે બંધાવું જોઈએ. બાકી બીજો કોઈ બદ ઈરાદો નહિ!! અને આમેય હાથે રાંધીને કેટલું ટકી શકાય આ જમાનામાં!! ઘરમાં કોઈક તો એવું હોવું જોઈએ કે જેના ચાલવાથી ઝાંઝર રણકે અને ઘરે જઈએ ત્યારે રાંધેલું તૈયાર હોય!! એક વખત તો લગભગ મેળ પડી જ ગયો હતો ,એક બદલી કરાવીને આવેલ શિક્ષિકા સાથે તાલીમમાં ઓળખાણ થઇ. નંબરોની આપ લે થઇ!! દિલની આપ લે કરતાં પહેલા નંબરોની આપ લે થાય એ પ્રણય જીવનનું પ્રથમ પગથીયું છે.

વોટ્સએપ પર વાતો થવા લાગી. અને હરખ પદુડો થઈને કમલેશ ચાલીને ભુરખીયા પણ જઈ આવ્યો. પણ ભુરખીયાથી આવતો હતો ત્યાંજ રસ્તામાં એને એજ શિક્ષિકા બીજા એક વાંઢા શિક્ષક સાથે બાઈક પર જતી જોઈ. અને દસ જ દિવસમાં એ બને પરણી પણ ગયાં અને પછી કમલેશે પ્રતિજ્ઞા પણ કરેલી કે હવે થી ભુરખીયા જાય એ બે બાપનો હોય!! પછી તો એણે રીતસરની દોડ જ લગાવી દીધી લગ્નના માર્કેટમાં!! આકર્ષક વ્યક્તિત્વ કેમ ખીલવી શકાય એ માટે ના અડધો ડઝન પુસ્તકો પણ લઇ આવેલો. વિજ્ઞાનમેળામાં જાય તો વિજ્ઞાનની કૃતિઓ કરતાં ત્યાં બનીઠનીને આવેલ જીવંત કૃતિઓમાં વધારે રસ પડતો ગયો. પણ હમણાં હમણાં એને એક જ્યોતિષીએ કીધેલ કે “એક જ મહિનામાં તમારે લગ્ન યોગ છે” એટલે એ ખુશ હતો અને આજ પંદર દિવસ થયાં હતાં એ વાતને અને આજે ચૂંટણીમાં એને એ વાત સાચી પડતી લાગતી હતી. વરસોથી તરસ્યો હોય અને ટોપરા જેવું મીઠું પાણી મળે અને ચહેરા પર જે ખુશી હોય એવી ખુશી અત્યારે એના ચહેરા પર હતી. એકદમ પ્રસન્ન મુખ મુદ્રા!!

“ક્યા ખોવાઈ ગયાં કમલેશકુમાર??” પ્રિસાઈડીંગનો કર્કશ અવાજ સંભળાયો અને કમલેશકુમાર તંદ્રામાંથી જાગ્યા. બધાએ થોડો થોડો સામાન ઊંચકી લીધો અને બસ તરફ ચાલ્યા. પ્રિસાઈડીંગ બોલ્યાં.

“કોને નાસ્તો કે જમવું હોય તો ૨૦ મીનીટમાં જમી આવે, પછી બુથ પર હું કોઈને રજા નહિ આપું.સિટીમાં જ આપણું બુથ છે એટલે સાંજે જમવાનો વાંધો નહિ આવે.પણ બુથ પર જઈને કોઈ કહેશે કે હું જમી આવું તો હું રજા નહિ દઉં..બુથ પરથી આઘું જવાનું જ નથી. બધાએ ના પાડી.અમુક તો જમીને અથવા નાસ્તો કરીને જ આવ્યા હતાં. કમલેશને તો ભૂખ જ મરી ગઈ હતી. એ એકીટશે અવનિ તરફ જોઈ રહ્યો હતો.

“તમે બહેન બુથ પર સીધાં આવો અમે બસમાં જઈએ છીએ” પ્રિસાઈડીંગ બોલ્યાં અને અનાયાસે જ કમલેશકુમાર બોલી ઉઠ્યા.

“તમે સીધાં બુથ પર આવ્યા હોત તો પણ ચાલત,ખાલી સાહેબને ફોન કરી દીધો હોત તો પણ ચાલત.” ત્યાં તો પ્રિસાઈડીંગ કમલેશની સામે એવી કાતર મારી કે કમલેશ આડું જોઈ ગયોબધાં બસમાં ગોઠવાઈ ગયાં.બસ ઉપડી.મતદાન બુથ કોઈ દૂર નહોતું. બધી જગ્યાએ માણસો અને મતદાનનો સામાન ઉતારીને બસ છેલ્લે એક બુથ પર રોકાણી અને બધાં ઉતરી ગયાં. ત્યાં બુથ પર અવનિ હાજર જ હતી.અવની બધાં સામે જોઇને હસી. અને કમલેશકુમારનું મન શ્રાવણમાં મોરલો ગહેકે એમ જ ગહેકી ઉઠયું.

કમલેશે હમણાં હમણાં વ્યક્તિત્વ વિકાસના ઘણાં પુસ્તકો વાંચ્યા હતાં. પુરુષ કેવો હોવો જોઈએ?? સ્ત્રી પર કઈ રીતે પ્રભાવ પાડી શકે?? કઈ કઈ લાક્ષણીકતા હોય તો પુરુષ સ્ત્રીનું દિલ જીતી શકે?? બધા પુસ્તકોમાં એક બાબત કોમન હતી કે પુરુષ વાચાળ હોવો જોઈએ.એનામાં હાસ્ય હોવું જોઈએ અને થોડી કોમન સેન્સ હોવી જોઈએ. અને મનોમન કમલેશકુમારે નક્કી કરી નાંખ્યું બસ આ બે દિવસ તો હવે મોળું પડવું જ નથી. બસ લડી જ લેવું છે. આ તો એનું ઘર બંધાય બાકી કોઈ જ બદ ઈરાદો નહિ.!!

રૂમમાં ગોઠવાયા અને કમલેશકુમાર ફટાફટ કામ કરવા લાગ્યા.

“ મને બધું જ આવડે હો. ભલે હું પ્રિસાઈડીંગ નથી પણ મારા આચાર્ય પ્રિસાઈડીંગ છે અને એની આખી બુક મેં વાંચી નાંખી છે એટલે સીલીંગ થી માંડીને કોઈ પણ પરિસ્થિતિમાં કેમ ડીલીંગ કરવું એ બધું જ આવડે. તમ તમારે ભટ્ટ સાહેબ નચિંત રહેજો. હું કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળીશ.” કમલેશ બોલ્યો.

“અરે વાહ ત્યારે તમે તો એમબીએ છો એમને??? હું તો એમબીબીએસ છું” પ્રિસાઈડીંગ ભટ્ટ પણ હવે હળવાશના મૂડમાં હતાં અને ખીલતા જતાં હતાં.

“એમ.બી.એ અને એમ.બી.બી.એસ આમાં હું કઈ ના સમજી” અવનિ પટેલ પહેલી વાર બોલી.

“એમબીએ એટલે “મને બધું જ આવડે” અને એમબીબીએસ એટલે “મારે બહુ બધું શીખવાનું છે” ભટ્ટે જણાવ્યું અને અવનિ ખીલખીલાટ હસવા માંડી. કમલેશ એના હાસ્યમાં ખોવાઈ ગયો.કેવું મધુરું હાસ્ય હતું. આવું હાસ્ય જીવનભર સંભાળવા મળે તો બેડો પાર. મોક્ષ પણ નથી જોતો… બસ હે ભગવાન આવું હાસ્ય જીવનભર આપી દે તો ઉપકાર એવો કમલેશ વિચાર કરવા લાગ્યો.

“એમાં એવું છે ને કે આમ તો મારી આ બીજી જ ચૂંટણી છે. પણ હું કોલેજમાં હતો અને ત્યાં ચૂંટણી નું સાહિત્ય વિતરણ અને સ્વીકાર કેન્દ્ર હતાં.તેમાં હું હાજર રહેતો અને જે પ્રિસાઈડીંગને કાઈ ના આવડે એને મદદ કરતો, એટલે બધું જ આવડી ગયું છે.કેમ સીલ કરવા કેમ પરબીડિયા ભરવા એ બધું જ” કમલેશ ને જેટલું ફેંકતા આવડતું હતું એટલું ફેંક્યું.”

“સારું કહેવાય ટીમમાં જેટલા જાણકાર હોય એટલું વધારે સારું.. ટીમ વર્ક એટલે જ ડ્રીમ વર્ક” અવનિ બોલી અને હસી. કમલેશને સારું લાગ્યું મન આશાઓથી ભરાઈ ગયું કે નક્કી જ્યોતિષની ભવિષ્યવાણી સાચી પડવાની છે. પછી તો કમલેશે ઘણી બધી વાતો કરી અને તે દિવસનું કામ પૂરું કર્યું. પ્રિસાઈડીંગ ની રજા લઈને અવનિ જતી રહી અને કહેતી ગઈ કે કાલ સવારે છ વાગ્યે એ આવી જશે.

“તમે ક્યાં રહો છો અને એકલા જશો અત્યારે”?? કમલેશે માનવતા દર્શાવી.આમેય સ્ત્રીને મદદ કરવાની હોય ને ત્યારે મોટાભાગના લોકોની માનવતા જાગી જતી હોય છે.

“બસ બહુ દૂર નથી અને જાણીતું શહેર એટલે વાંધો નહિ આવે” અવનિ જતાં જતાં બોલી. કમલેશને ઘણી વાતો કરવી હતી.ખાસ તો એ પૂછવું હતું કે સિંગલ છો કે ડબલ”? પણ શરમથી પૂછી ના શક્યો. પ્રિસાઈડીંગ બોલ્યાં.

“મહાદેવ મહાદેવ, તમે ખરા સેવા ભાવી હો કમલેશભાઈ” કમલેશ એનો વ્યંગ સમજી ગયો પણ જવાબ ના આપ્યો.

બીજે દિવસે સવારે મોકપોલ પછી મતદાન બરાબર આઠ વાગ્યે શરુ થયું. સવારે આમ તો કમલેશનું મન થોડું ખિન્ન થઇ ગયું હતું જ્યારે પ્રિસાઈડીંગ ભટ્ટે એને પૂછ્યું કે રાતે ઊંઘ તો આવી હતી કે નહિ પણ કમલેશ કશું ના બોલ્યો. અવનીને ટપકા સિવાય બીજું કશું કરવાનું હતું નહિ. આજે તે લાઈટ પિંક સિફોનની સાડીમાં હતી. મેચિંગ ડીઝાઈનર બ્લાઉઝમાં આવાની ખીલી રહી હતી. હળવા મેક અપ સાથે મદહોશ કરનારું સ્મિત કમલેશને સવાર સવારમાં તાજગી આપી ગઈ. પોતે પ્રથમ મતદાન અધિકારી હતો. એટલે મતદારની ઓળખ એને કરવની હતી. એટલે વાતચીતનો બહુ સમય શરૂઆતમાં ના મળ્યો, પણ જેવો સમય મળે એટલે કમલેશ તક ઝડપી લેતો.

“તમને મેં ક્યાંક જોયા તો છે જ!! જે ચહેરો હું જોઉં એને હું ભૂલું તો નહિ જ!! મારી યાદ શક્તિ ખુબ જ સારી છે. હાઈસ્કુલમાં બધાં મને ખોપરી કહેતા ખોપરી!! એટલે સો ટકા ખાતરી સાથે કહું છું કે આપને જોઇને એવું થાય છે કે તમને હું બહુ સારી રીતે ઓળખું છું. આપણે ક્યાંક મળ્યાં તો છીએ જ”

જવાબમાં અવનિ ખાલી હસી અને આવેલ મતદાર ને આંગળી પર ટપકા કરવા લાગી. પણ સેકન્ડ પોલીંગ બી જે રાઠોડ થી ના રહેવાયું. આમ તો બી જે રાઠોડ ધીર ગંભીર અને શાંત પણ તોય એનાથી ના રહેવાયું.

“સુંદર ચહેરાઓને સહુ ઓળખે કમલેશકુમાર એમાં નવાઈની વાત નથી” અને પ્રિસાઈડીંગ ભટ્ટે ટોટલ નું બટન દબાવ્યું અને બોલ્યાં.

“મહાદેવ મહાદેવ કેટલાં મત થયાં કૂલ” અને મતદાનનો આંકડો મળી ગયો અને ભટ્ટ પાછા પ્રમુખ અધિકારીની ડાયરી લખવામાં વ્યસ્ત થઇ ગયાં. વળી થોડી ગીર્દી ઘટી એટલે કમલેશે દાણા નાંખવાનું શરુ કર્યું.

“આમ તો બાર સાયંસ પછી ડોકટર કે ઈજનેર બની શક્યો હોત પણ મારા પિતાની ઈચ્છા હતી કે શિક્ષક બન એટલે બીએસસી કર્યું અને શિક્ષક બની ગયો. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પણ વારો આવી જાત પણ મને પ્રાથમિક શાળામાં ભણાવવાનું ખુબ જ ગમે એટલે પ્રાથમિકમાં આવી ગયો. પૈસો ઓછો પણ શાંતિ વાળી નોકરી અને સેવા પણ થઇ શકેને.. મારા બીજા બે મોટાભાઈઓ સુરત જ છે. ત્યાં પણ ઘરનાં મકાન છે. પણ મને ગામડું વધારે ફાવે નહીતર પ્રોપર સિટીમાં નોકરી મળતી હતી પણ ના લીધી મને ગામડાનાં બાળકો ખુબ જ ગમે” ભટ્ટે પાછો મમરો મુક્યો.

“ઘરવાળી પણ ગામડાની જ ગોતશોને?? આ સાંભળીને અવનિ મલકાઈ અને કમલેશે સેકન્ડ રાઉન્ડ શરુ કર્યો.

“ એમાં એવું નથી.સારા સારા માંગા આવતા હતાં પણ આપણને કોઈ ઉતાવળ નથી.પણ હવે શોધ શરુ કરી છે તો મેળ પડી જશે. આમ તો હું કોલેજમાં હતો ત્યારથી જ સબંધ નક્કી થઇ જાય એમ હતો પણ મેં ના પાડી દીધી મારા પાપાને કે એક વખત હું શિક્ષક બનું પછી વાત. પણ સારું પાત્ર અને કોઈ શિક્ષિકા મળી જાય તો હવે પરણી જવું છે. પછી એ શહેરની હોય કે ગામડાની અને પછી એને નોકરી કરવી હોય તો કરે ના કરવી હોય તો ના કરે.સુરત ઘરનું મકાન છે અને ૫૦ વિઘા જમીન મરે ભાગે આવે એમ છે. સહુથી નાનો છું અને સરકારી નોકરી એટલે ગમે ત્યારે લગ્ન કરી શકું એમ છું.”

અને પછી તો કમલેશની વાતો શરુ જ રહી. અવની બસ સાંભળ્યા જ કરે અને મતદારોને ટપકા કર્યા કરે. બીજા મતદાન અધિકારી બીજે રાઠોડ અને પ્રિસાઈડીંગ કમલેશને પંપ માર્યે રાખે. પોતે ટ્રેકિંગ પર જતો. હિમાલયમાં કેમ્પ કરી આવ્યો પર્વતારોહણ ના, રોટરી કલબમાં સારું એવું કામ કર્યું. પુર વખતે સેવા કરી. કોલેજમાં જીએસ હતો ને બ્લડ બેન્કનો સભ્ય હતો એવી અફાટ અને અપરમ્પાર વાતો થતી રહી. અવનિ બસ સ્મિત આપીને વાતો સાંભળતી રહી. આમેય યુવતીનું સ્મિત એ કારગર અને સચોટ સાબિત થાય જ. મતદારો પુરા થઇ ગયાં પણ કમલેશની વાતો ના ખૂટી અને પાંચ વાગી ગયાં, ઈવીએમ ક્લોઝ થયું. બધાંજ ક્વરીયા ભરાઈ ગયાં. હવે કમલેશનું હાર્ટ ધડકવા લાગ્યું.એને મનોમન નક્કી જ નાંખ્યું હતું કે બસ પૂછી જ લેવું છે કે તમે પરણેલા છો કે કુંવારા!! કુંવારા હોવ તો એન્ગેજ થયું છે કે નહિ… વળી મનમાં થયું કે.. એન્ગેજનું નથી પૂછવું કુંવારા હોય એ ઘણું છે.. સાંભળ્યું છે કે જોડીઓ સ્વર્ગમાં બને છે .. તો કદાચ આ જોડી એને માટે જ ભગવાને રાખી હોય એમ ના બને??? કમલેશે પાણી પીધું. ફ્રેશ થયો.. ઉંડો શ્વાસ લીધો… અને મનોમન ભગવાનનું સ્મરણ કરીને અવનિ સામે જોયું… વિચાર્યું કે આ બધાની હાજરીમાં કેમ પૂછવું.. અને ઓચિંતો એક ઝબકારો થયો અને એણે પૂછ્યું હિંમત કરીને.

“શું કરે છે તમારા મિસ્ટર?? ક્યાંય નોકરી કરે છે કે જોબ? અને જવાબમાં ભટ્ટ બોલ્યાં.

“કમલેશ કુમાર તમે આ ટકાવારીનું પત્રક તૈયાર કરી નાંખો. ત્રણ નકલમાં અને આ મત પત્રોનો હિસાબ ચાર નકલમાં.. આ એજન્ટ ને જોઈએ છે… અને આ પેપરસીલ ના પરબીડિયા સાથે તમે આ સ્ટ્રિપ સીલનું કવર ને સીલ કરજોને.. તમને આ સીલીંગ નું વધારે ફાવે છે ને” અને કમલેશ ધડાધડ ટકાવારીનું ફોર્મ લખવા બેસી ગયો. અવનિ સામે જોયું તો એજ સ્મિત હતું… કમલેશના મનમાં જે ખટાશ હતીએ પળવારમાં ગાયબ!! ત્યાં પાછા બીજે રાઠોડ બોલ્યાં.

“બહેન તમારે જવું હોય તો હવે છુટા.. મતદાર સાહિત્ય સ્વીકાર કેન્દ્ર સુધી આવવાની જરૂર નથી. બરાબરને ભટ્ટ સાહેબ??” ભટ્ટે સંમતીસૂચક માથું હલાવ્યું અને અવનિ બોલી.

“ ના મારે કોઈ ઉતાવળ નથી. હું તો બસમાં તમારી બધાની સાથે આવીશ ને પછી ત્યાંથી જ જતી રહીશ.” કમલેશનું મન નાચી ઉઠ્યું.એણે ગર્વથી ભટ્ટ સામે જોયું.અને ભટ્ટ બોલ્યાં.

“મહાદેવ મહાદેવ”

કામ પૂરું થયું ત્યાં બસ આવી બધાં બસમાં ગોઠવાયા. કમલેશ ઉભો રહ્યો. બીજા બધાં બેસી રહ્યા.આજુ બાજુનું વાતાવરણ સાંજનો સમય હતો તોય રોમેન્ટિક લાગતું હતું. કમલેશ ધીમા સુરે હિન્દી ફિલ્મનું ગીત ગણગણતો હતો..” ના કજરે કી ધાર ના કિયા કોઈ શિંગાર ફિર ભી કિતની સુંદર હો” મતદાન સ્વીકાર કેન્દ્ર સુધી કમલેશનું એફ એમ પ્રસારણ શરુ જ રહ્યું. બસ ઉભી રહી બધાં ઉતર્યા. એક જગ્યાએ બધી વસ્તુનો ઢગલો કર્યો. અવનિ ત્યાં બેસી રહી. અને બાકીના બધાં અલગ અલગ ટેબલ પર સાહિત્ય જમા કરાવવા ગયાં. સાહિત્ય જમા થઇ ગયું. કલાકનો સમય વીત્યો હશે આ બધી પ્રક્રિયામાં. અને બધાં છુટા પડ્યા.અવનીએ પોતાનો ફોન જોડ્યો અને કોઈ સાથે વાત કરી અને રસ્તા પર આવીને એક બાજુ ઉભી રહી ગઈ.કમલેશ પણ રસ્તા તરફ ગયો અને બોલ્યો.

“મારી પાસે બાઈક છે હું લેતો આવું તમારે કઈ બાજુ જવું છે?? ક્યાં રહો છો ?? “અવનિ હસી અને કમલેશે જોયું કે ભટ્ટ આ બાજુ જ આવે છે એટલે એણે જવાબ ની રાહ જોયા વિના બાઈક લેવા ગયો. બાઈક લઈને આવ્યો. બાઈક બાજુમાં ઉભું રાખ્યું. માથાના વાળ સરખા કર્યા અને ફરીથી બોલ્યો. ભટ્ટ બધું જોઈ રહ્યો હતો.

“તમારે જ્યાં ઉતરવું હોય ત્યાં ઉતારી દઈશ!! કઈ બાજુ રહો છો??” હજુ એ વાક્ય પૂરું કરે ત્યાંજ એક બ્લેક કલરની ઓડી આવીને ઉભી રહી.અંદરથી એક ફૂટડો નવજવાન ઉતર્યો, અને બોલ્યો.

“સ્વીટી થોડું મોડું થયું નહિ… સોરી હો ચલ તું ગાડી ડ્રાઈવ કરી લે..અને આ તારો આઈ ફોન તું ફોન ઘરે ભૂલી ગઈ હતી. મમ્મીએ કીધું કે અવનિ આઈ ફોન ઘરે ભૂલી ગઈ છે અને સાદો ફોન લઈને ગઈ હતી. મેં એમાં આપણી ટીકીટના ફોટા સેન્ડ કર્યા હતાં બપોરે.કાલે તારા આચાર્યને રજાનું કહી દેજે પાંચ દિવસનું” કમલેશ અને ભટ્ટ જોઈ રહ્યા.અવનીએ પરિચય કરાવ્યો. અને પેલા હેન્ડસમ યુવાને પરિચય આપ્યો.

“બાય ધ વે મારું નામ શિશિર છે. મારી પત્નીને શોખ છે શિક્ષિકાનો એટલે આ નોકરી કરે છે બાકી કોઈ જ જરૂર નથી. હું અહિયાં કન્સ્ટ્રકશનનો બિજનેશ કરું છું.આ સિટીના બધાંજ રોડ પર તમે “અવનિ કન્સ્ટ્રકશનની જાહેરાતના બોર્ડ જોયા હશે જ..એમાં અવનીનો ફોટો પણ છે જ.. એકસાથે ૨૦૦ બંગલાનો પ્લાન અત્યારે ચાલી રહ્યો છે.રીંગ રોડ પર “અવનિ બંગ્લોઝનું” બાંધકામ શરુ જ છે, કોઈ શિક્ષક્ને લેવો હોય તો કહેજો..લોનની પણ વ્યવસ્થા છે જ !! ચાલીશ લાખથી એક કરોડ સુધીના બંગલા આવતી દિવાળીએ તૈયાર થઇ જશે.. આ મારું કાર્ડ અને અને આ મારા કેટલોગ છે” એમ કહીને શિશિરે કેટલાક કેટલોગ આપ્યાં અને કાર્ડ પણ આપ્યા. ભટ્ટે પણ કાર્ડ અને કેટલોગ લીધા. શિશિર બોલ્યો.

“ચાલો ત્યારે રજા લઈએ અમે ઉતાવળમાં છીએ.આ તો ચૂંટણી ને કારણે આ બધી ધમાલ છે નહીતર અમે અત્યારે ગોવા હોત..ટીકીટ પણ બુક થઇ ગઈ હતી.પછી ટીકીટો કેન્સલ કરી અને આજે તત્કાલમાં ટીકીટો લીધી છે..સારું ત્યારે આવજો” કહીને શિશિર ઓડીમાં બેઠો અને અવનીએ ઓડી ચલાવી.કમલેશ જોતો જ રહી ગયો. ભટ્ટ બોલ્યાં.

“કમલેશકુમાર તમે પણ એક બંગલો બુક કરાવી જ નાખો. જરૂર તો પડશે જ” અને કમલેશની આંખ ફરી એણે ડોળા કાઢીને ભટ્ટની તરફ કાતર મારી અને ભટ્ટે “એય રિક્ષા “કહીને એક રિક્ષા ઉભી રાખીને એમાં બેસીને રવાના થયાં. કમલેશે જોયું કે એક કુતરું એના બાઈકના પાછલા વ્હીલ પર એક પગ ઉંચો કરીને ઓઈલીંગ કરતુ હતું અને કમલેશે બધીજ દાઝ એ કુતરા પર ઉતારી. બાજુમાં પડેલ એક પથ્થર ઉપાડીને કુતરાને ઝીંક્યો તો એ રાડ્યું પાડતું પાડતું જતું રહ્યું. કમલેશે પોતાનું બાઈક સ્ટાર્ટ કર્યું. પણ તેને એક વાતનો સંતોષ હતો કે એ કોઈ નો ચહેરો કદી ભૂલતો નહિ. જયારે જયારે એ ગામડામાંથી કોઈ કામે આ શહેરમાં આવતો ત્યારે એ “અવનિ કન્સ્ટ્રકશનના બોર્ડ છેલ્લા ચાર વરસથી જોતો હતો. એટલે જ એણે અવનીને કીધેલ કે તમને ક્યાંક મેં જોયા છે એ પાકું. રાત થઇ ચુકી હતી. કમલેશ બાઈક પર એકલો જતો હતો.

લેખક : મુકેશ સોજીત્રા

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment