“રાઈફલ” – ૧૯૮૦ ના દાયકાની આ વાત છે!! મુકેશભાઈ સોજીત્રાની વાર્તા…

31

૧૯૮૦ ના દાયકાની આ વાત છે!!

એક ખખડધજ ખટારા જેવી બસ રોડ પર ઠબલાતી ઠબલાતી હાલતી હતી, અને રોડ પણ કહેવાનોજ હતો. ખાડામાં રોડ છે કે રોડમાં ખાડા છે એ નક્કી કરવું મુશ્કેલ હતું!! બસમાં હવે માંડ સાત જણા જ વધ્યાં હતા.બસ બાવળિયાના ઝાળામાં અને મોટાં મોટાં પાળામાં અટવાતી અટવાતી રોંઢાંનાં ત્રણેક વાગ્યે એક ગામમાં પ્રવેશી ચુકી હતી. આગળ પટાવાળો ઉભો હતો. એની આગળ એક ફાંદવાળો પોલીસ હતો ખંભે રાઈફલ હતી. ઘડીક મૂછોને વળ દે વળી પાછું એક હાથે પેન્ટ ચડાવે!! ધૂળની ડમરી ઉડાડતી ઉડાડતી બસ ગામની એક સમ ખાવા પુરતી પાકા બાંધકામ વાળી નિશાળ પાસે ઉભી રહી.

ધૂળની ડમરી ઉડતી બંધ થઇ, સહુ પ્રથમ પેલો રાઈફલ વાળો પોલીસ વાળો ઉતર્યો. પછી પટાવાળો ઉતર્યો, જેની પાસે મત પેટી હતી, પછી પ્રિસાઈડીંગ એની પાસે એક સુટકેશ હતી એક હતો બગલ થેલો!! એની પાછળ પાછળ બે બીજા ઉતર્યા બેયની પાસે એક કોથળો હતો. જેમાં હતાં વૈધાનિક અને બિન વૈધાનિક કવરિયા!! અને છેલ્લે એક બીજો પોલીસવાળો ઉતર્યો જેની પાસે ફક્ત એક લાકડીને સિસોટી હતી. બસની આગળ એક બેનર હતું. “ગ્રામ પંચાયત ચૂંટણી રૂટ નંબર ૦૦૭” બધાને ઉતારીને બસ સામે આવેલા ખીજડાના ઝાડ નીચે જતી રહી. ખીજડાની બાજુમાં જ હનુમાનજીની દેરી હતી. પટાવાળો સ્થાનિક પંચાયતનો જ પટાવાળો હતો. એણે પ્રિસાઈડીંગ રામાનુજને કહ્યું.

“સાબ તમે દરવાજે ઉભા રહો હું ચાવીઓ લઈને અબઘડી જ આવું છું. હેડમાસ્તરને કહીને જ ગયો હતો કે ત્રણ વાગ્યે છોકરાને દરવાજે ઉભો રાખજો પણ લાગે છે કે માસ્તર ભૂલી ગયા છે. માસ્તરનું ઘર નજીક જ છે”

“ હા પણ ઓધાલાલ જલદી આવજો અને સાથે સાથે ચા પાણીનું પણ ગોઠવતા આવજો” રામાનુજે કહ્યું. રામાનુજ હાઈસ્કુલનો આચાર્ય અને ત્રણ વાગ્યે દરરોજ હાઈ સ્કુલમાં ચા બને અને જે દિવસે ના બને તે દિવસે એની નાડયું તૂટે.. ચા સિવાય બીજું કોઈ બંધાણ જ નહિ!! પણ ચા નો હરેડ બંધાણી.!!!

થોડી વાર થઇ ત્યાં ઓધાલાલ આવ્યાં, ચાવીયું સાથે ચા લાવ્યાં. નિશાળનો દરવાજો ખોલ્યો. કડડડડ….. કરતો દરવાજો ખુલ્યો.. બધા અંદર આવ્યાં!! બુથ ખોલ્યું. બધી વસ્તુ અંદર મુકાણી. ગાદલા આવ્યાં એમાંથી સારા સારા ગાદલા બે પોલીસવાળા લઇ ગયા અને એ લોકો એ નિશાળની ઓશરીમાં જ એક ખૂણામાં લંબાવ્યું!! જે વધ્યાં ઘટ્યા એ પ્રિસાઈડીંગ અને બીજા બે પોલીંગ ઓફિસર લઇ ગયા..ખૂણામાં પડેલી એક ઠુંઠા જેવી સાવરણીથી પટાવાળાએ રૂમ સાફ કર્યો. ટેબલ ગોઠવાણા. બુથની ચાર દીવાલ પર ગોઠવાયેલા ભારતનાં મહાપુરુષોના ફોટાને અવળા કરી દેવાયા!! મત કુટીર ગોઠવાણી અને પછી પ્રિસાઈડીગે બે કોથળા કર્યા ખાલી અને જાણે આણું પાથર્યું હોય એમ રૂમમાં બધું ગોઠવાઈ ગયું!! એક બાજુ વૈધાનિક કવરિયા અને બીજી બાજુ અવૈધાનિક કવરિયા. એક પોલીંગ ઓફિસર બધી સુચના ના ચોપાનીયા મંડ્યો.. “શાંતિ જાળવો” “હારબંધ ઉભા રહો” “મતપત્ર અહીંથી મેળવો” મતદાનની ગુપ્તતા જાળવો.” વગેરે વગેરે. એક પોલીંગ ઓફિસરે રૂમની બહાર આવેલું કાળું પાટિયું ચીતરી માર્યું. કૂલ મતદારો,પુરુષ મતદારો સ્ત્રી મતદારો ભાગ નંબર, વગેરે વગેરે!!! અને પછી સ્ત્રી કર્મચારી આવ્યાં!! પ્રિસાઈડીંગ બોલ્યાં!!

“આજે તો ચાલ્યું પણ કાલ સવારે તમે મોડું ના કરતા, સવારે પોણા સાતે આવી જજો, પછી મોડું થાશે અને જો ઝોનલ આવશે તો મારી જવાબદારી નહિ”

“ હા સાહેબ” બહેન એટલું જ બોલ્યાં અને સાહેબ આપેલાં કવરિયામાં કીધાં પ્રમાણે સિક્કા મારવા લાગ્યા. પણ ઓધાલાલ થી ના રહેવાયું, એ બોલ્યાં.

“ એ સાહેબ લહેર કરો, ઝોનલ બોનલ આહીં નહિ આવે એ આ ગામથી આઘા જ રહે”

“ કેમ એમ ?? “ પ્રિસાઈડીંગ રામાનુજ કવરીયાં ગોઠવતા ગોઠવતા અટકી ગયાં.

“ ગઈ ચૂંટણી નહિ અને એની પહેલાની ચૂંટણીમાં એક ઝોનલ આવ્યાં હતાં. થોડીક વધારે વાઈડાઈ કરી એટલે અહિ તો કોઈ કાઈ ના બોલ્યું.. અહિ તો પોલીસવાળા હોયને એટલે ઝોનલ સાહેબને થોડો પાવર ચડી ગયો હતો પણ પછી બપોર પછી પાછા આંટો મારવા આવતા હતાને ત્યાં ખારામાં આઠેક જણા ઉભા હતાં ને તે સાબને ધોળા દિવસે તારા દેખાઈ ગયેલા ને પછી તે દી ને આજની ઘડી ઝોનલ બોનલ આ ગામમાં આવતા જ નથી..” ઓધાલાલે વાત કરીને રામાનુજ ને પરસેવો વળી ગયો. પણ ચહેરો કડક રાખીને બોલ્યાં

“ એ કેમ ચાલે?? નિયમસર તો ચાલવું જ પડે ને??” રામાનુજ બોલ્યાં તો ખરા પણ થોડા ધબકારા વધી ગયાં. બધું કામ પતાવી ને એ બહાર આવ્યાં. બહાર જોયું તો બેય પોલીસવાળા ગાયબ!! ક્યાં ગયાં હશે મને પૂછ્યા વગર!! આમ ચાલી જવાય!! મને પુછવું જોઈએને!!! એ મનોમન બબડતા હતાં ત્યાં એક માથે મેલુઘેલું ફાળિયું અને એક મોટી મોટી કાતરા જેવી મુછ અને હાથમાં ચાર ભાઈ બીડી અને ધુમાડાના ગોટા કાઢતો કાઢતો એક લોંઠકો કહી શકાય એવો આધેડ વયનો માણસ આવ્યો. રામાનુજ બહાર જ ઉભો હતો અને પેલો સીધો અંદર જઈને પ્રિસાઈડીંગ ના ટેબલ પર જઈને બેઠો અને પટાવાળા ને કીધું “

“ઓધા બધું બરાબર તો છે ને?? “ અને અવાજ સાંભળીને ઓધાલાલ ચમક્યા અને ઉભા થયા અને બોલ્યાં..

“આવો આવો સરપંચ સાહેબ !! હું થોડો કામમાં હતો એટલે ખબર ના રહી… સાહેબ આ ગામનાં સરપંચ છે. આ વખતેય ઉભા છે રામાનુજે સરપંચ સાહેબ સામે હાથ લંબાવીને રામ રામ કર્યા.

“બેસો આ બાજુ “ કહીને સરપંચે ટેબલના ખાલી ભાગ તરફ ઈશારો કર્યો પણ રામાનુજ તો નીચે બેસી ગયા. મતપત્રો વાળી સુટકેશ બરાબર બંધ કરીને ખોળામાં રાખીને બેસી ગયાં.

“ જુઓ સાબ આ જાગ્રત ગામ છે, અને આમેય સંસદની ચૂંટણીમાં પણ નેવું ટકા મતદાન થાય છે, એટલે કાલ તો લગભગ સો ટકા જેવું મતદાન થશે…!! અમે તમને સાચવી લેશું!! તમારે અમને સાચવી લેવાના!!! કોઈ તકલીફ જ નહિ પડે એયને ખાઈ પીને લ્હેર કરો.. અને આ ગામ શાંતિ વાળું ખાલી ખોટી બબાલ ના જોઈએ.. આ તો દર વરસે મારી સામે મારો ભત્રીજો જ ઉભો રહે છે!! બાકી આપણી સામે કોઈ ફોર્મ જ ના ભરે..!! ઓધા સાબ માટે જમવા કારવવાનું બરાબર થવું જોઈએ.. બાકી સાબ ગામ નોકરી કર્યા જેવું અને સંબંધ રાખ્યા જેવું..!! તમને વિશ્વાસ ના હોય તો પૂછો આ બહેન ને એ અમારા ગામમાં દસ વરહથી નોકરી કરે છે, પણ કોઈ અધિકારી મને પૂછ્યા વગર નિશાળમાં તો શું ગામમાં પણ ના આવે !! પૂછો આ બેનને!! આ તો શું ગઈ ચૂંટણીમાં ગામનાં જ એક બે વાયડા થયેલા ને તે મતદાન ના દિવસે જ ટાંગા ભાંગી નાખ્યા ને તે વળી ગામ છાપે ચડ્યુતું બાકી ગામમાં એક દમ શાંતિ!!! નોકરિયાત માટે તો આ ગામ બહુ જ સારું !! પૂછો આ બહેન ને એને જ્યારે જવું હોય ત્યારે રજા મુકવાની જ નહિ અને આહીં કોઈ આવે નહિ..!! પણ હા તમને રેતા આવડે તો બાકી દહ વરહ પેલા એક ઝોનલ વાયડો થયો હતો તે ખારાના પટમાં ઉભા પગે દોડાવ્યોતો… પૂછો આ બેનને!! પણ પછો ડ્રાઈવર વચ્ચે પડ્યો એટલે જવા દીધેલો.. તમે તાલુકામાં કોઈ પણ ડ્રાઈવરને પૂછો એટલે મારો રીપોર્ટ આપશે !! આપણે કાઈ આપણા વખાણ નથી કરતાં!! આતો તમને જરાક કીધું હોયને તો સારું!!! બાકી ગામ છે શાંતિ વાળું અને આપણે ક્યાં ભેગું લઇ જાવાનું છે!! કાલનો દિવસ આપણે એક બીજાને સાચવી લઈએ તો બાકી !! આપણને ખોટી બાધણ માં જરાય રસ જ નહિ!!! તમતમારે પૂછો આ બેનને!! સરપંચે ચારભાઈ બીડીનું ઠુંઠું મતકુટીર બાજુ ફેંકીને ઉભા થયા અને ચાલતા થયા!!

અને રામાનુજ તો એકીટશે આ બધું સાંભળતાં જ રહ્યા !!! પરસેવો છૂટી ગયો !! પાંચ ઉપર પંખો તોય પરસેવો સુકાવાનું નામ ના લે!! રામાનુજ બહાર નીકળ્યા બે વાર પેશાબ કરી આવ્યાં.. પાછું પાણી પીધું પાછાં મુતરડી બાજુ ગયાં.. નિશાળના દરવાજા પાસે બે કુતરા બાધતા હતાં એક કાળિયું કુતરું અને બીજું ખહુરીયું હતું. બને પોતાનાં અસ્તિત્વ માટે લડી રહ્યા હતાં..!! બેય કુતરાએ માથું ચડાવ્યું હતું..!! અને રામાનુજ નો બાટલો ફાટ્યો.. બાજુમાં પડેલ એક ઇંટનું અડધિયું લઈને કર્યો ઘા અને બેય કુતરાની વચ્ચે એ ઘા પડ્યો.. અને બેય કુતરા ગામની શેરી ગજવતા ગજવતા જતા રહ્યા!! ફરી વાર પેલાં ખૂણામાં પડેલ ગાદલા તરફ નજર કરી બેય પોલીસવાળા ગુમ હતાં..!! રામાનુજનું મગજ તપી ગયું હતું.. આમ મુકીને થોડું જતું રહેવાય!!?? કાઈ માણસાઈ જેવું હોય કે નહિ!!??

ત્યાં દરવાજામાં એક લાલચોળ આંખો વાળો હાથમાં સિગારેટનું પાકીટ લઈને એક ગંધાતો ગોબરો યુવાન આવ્યો અને સીધો જ બુથમાં ગયો. રામાનુજ પણ ધડકતા હૈયા સાથે મતદાન બુથમાં ગયો. પેલો યુવાન પટાવાળા સાથે વાત કરતો હતો અને ઓધાલાલ પટાવાળો બોલ્યો.

“સાબ આ જુના સરપંચના ભત્રીજા છે. એમણે ફોર્મ ભર્યું છે સરપંચનું. આમ તો ગઈ ટર્મ માં પણ ફોર્મ ભર્યું હતું પણ થોડા માટે હારી ગયેલાં. એટલે આ વખતે એ બરાબર ધ્યાન રાખવાના છે.યુવાન છે ગઝબનો ઉત્સાહ છે” અને પેલા નવોદિત સરપંચ થવા માટે થનગની રહેલાં યુવાને શરુ કર્યું.

“ગામ આમ તો સારું પણ વિકાસની જરૂર છે. મારા વગર વિકાસ નહિ થાય, મારા વગર સમૃધી નહિ આવે .. સામે મારા સગા કાકા ઉભા છે પણ આ વખતે હું મારા સગા બાપનું પણ નહિ રાખું… પૂછો આ બહેનને!! આ વખતે ઠેઠ સુધી લડી લેવું છે.. સામે કાકો હોય તો શું થઇ ગયું.. ગામ મારી સાથે છે એવો વિશ્વાસ મને પાકો છે.. એટલે ઓધાલાલ સાબને બધું સમજાવી દેજે.. અને સાબ કાઈ તકલીફ હોય તો કેજો… હું હમેશા સારા કાર્યમાં માનું છું.. તમને વિશ્વાસ ના હોય તો પૂછો આ બેનને!!” બીસટોલનું ઠુંઠું ફગાવીને એ યુવાન ચાલતો થયો.મત કુટીર આખી ને આખી ધુમાડાથી ભરાઈ ગઈ હતી. રામાનુજનું બીપી લગભગ વધી ગયું હતું.ચહેરા પર પરસેવો નીતરી રહ્યો હતો.

ત્યાંજ દરવાજામાંથી બંને પ્રકટ થયા પેલાં રાઈફલ વાળા આગળ ચાલતા હતાં અને સ્ટીક અને સિસોટી વાળા પાછળ ચાલતાં હતાં!! અને રામાનુજમાં જીવ આવ્યો ને કોઠામાં ટાઢો શેરડો પડ્યો..!! એ તરત જ ત્યાં ગયાં અને કહ્યું.!!

“જેઠુંભા ગામ થોડું તકલીફ વાળું છે, હમણા સરપંચ આવ્યાં હતાં. અને નવોદિત સરપંચ પણ આવ્યાં હતાં. અગાઉ પણ ચૂંટણી વખતે અહિ મારા મારી થયેલ છે એટલે આપણે ગફલતમાં તો નથી જ રહેવું..!! તમારે બુથ એક સેકંડ માટે પણ રેઢું નથી મુકવાનું. અને આ તો સરપંચની ચૂંટણી એટલે રસાકસી તો થવાની જ!! તમારે બંને એ ખડે પગે રહેવાનું છે!! ક્યાય પણ મને પૂછ્યા વગર જાવાનું જ નથી નહીતર આપણી બધાની નોકરી પર જોખમ તો છે જ” આમ કહીને રામાનુજે બધુજ વિગતવાર સમજાવ્યું . દસેક મિનીટ સુધી જેઠુંભા એ સાંભળ્યું પછી જેઠુંભા મોઢું હેઠું કરીને સાહેબનો હાથ પકડીને એક ખૂણામાં લઇ ગયાં અને બોલ્યાં.

“ ઈ બધું બરોબર સાહેબ, તમને કદાચ આ રાઈફલ જોઇને પાવર આવી ગયો છે. પણ સાચું કહું, આ તો તમે ઘરનાં છો એટલે કહું છું.. અમને ખાલી રાઈફલ જ આપી છે, ગોળીઓ આપી નથી. અને કદાચ ગોળી આપી હોતને તો પણ આમાં ચડે એમ જ નથી અંદર બધું કટાઈ ગયું છે કટાઈ !!!! આ રાઈફલ કરતાં તો કપડાં ધોવાનો ધોકો સારો સાહેબ!! તમે તમારી તૈયારીમાં રહેજો અમે અમારી તૈયારીમાં રહીશું..!! બાકી આ રાઇફલનો પાવર હોય તો કાઢી નાંખજો સાહેબ ” અને રામાનુજ નું મોઢું જોવા જેવું હતું!!

વાર્તાનો એક નિયમ છે કે વાર્તાની શરૂઆતમાં જો રાઈફલ આવે તો એ છેલ્લે ફૂટવી જોઈએ પણ શું થાય અમુક સમયે ગોળીઓ ના હોય તો રાઈફલ ફૂટે પણ નહિ !!!

યાદ રહે કે ૧૯૮૦ના દાયકાની આ વાત હતી……

લેખક : મુકેશ સોજીત્રા

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment