“તમે મને ગોકુળ મથુરા ક્યારે લઇ જાવ છો?” મુકેશભાઈ સોજીત્રાની અદ્ભુત વાર્તા…

43

“ હવે મને તમે કહેશો કે તમે મને ગોકુળ મથુરા ક્યારે લઇ જાવ છો?? છેલ્લા આઠ વરસથી લબડાવો છો અને દર ઉનાળે બહાના કાઢો છો તે તમને હવે તો શરમ આવવી જોઈએ.મારી આ એક ઈચ્છા પણ તમે પૂરી નથી કરી શકતા. માણસો હવે વિદેશ પણ જવા લાગ્યાં. લગ્ન પહેલા જ તમે મને કીધું હતું કે કમુ બોલ તારી શું ઈચ્છા છે ત્યારે જ મેં તમને સોઈ ઝાટકીને કીધું હતું કે મને તમે ગોકુળ મથુરા લઇ જાજો એક વાર બાકી મારે કાઈ જોતું નથી પણ આજ આઠ આઠ વરસના વ્હાણા વાઈ ગયાં પણ તમે મને ગોકુળ મથુરા ના લઇ ગયાં તે ના જ લઇ ગયાં.”

લસણની કળી ફોલતાં ફોલતાં કમુએ કાનજીને કીધું. કાનજી દૈનિક નોંધ પોથી લખતો હતો.શિક્ષક સોસાયટીમાં કાનજી ભાડાના મકાનમાં રહેતો હતો.પાંચ વરસની ફિક્ષ પગારની નોકરી કર્યા બાદ હવે પાંચ વરસથી એ ફૂલ પગારમાં હતો. લગ્ન કર્યા એને આઠ વરસનો સમય વીતી ચુક્યો હતો. સંતાનમાં પેલા ખોળાનો કેયુર પણ છ વરસનો થઇ ગયો હતો. આ રોજીંદો ક્રમ હતો.અઠવાડિયામાં કમુ એકવાર તો ગોકુળ મથુરાને સંભારે જ.

“હવે જઈ આવશું.હજુ જિંદગી ક્યાં વીતી ગઈ છે.થોડીક પૈસાની સગવડ થાશે એટલે તને ગોકુળ મથુરા જ નહિ પણ ચાર ધામ અને દક્ષિણ ભારત પણ લઇ જવાની છે અને એ પણ આખો મહિનો. આ વરસે તો મેળ નહિ પડે આવતાં વરસનું રાખ્ય.આવતાં વરસે ફાઈનલ લઇ જાશ.બાપના બોલ થી” કાનજીએ જવાબ વાળ્યો. અને કમુ બોલી.

“તમે મને શું તમારા ધોરણ ના છોકરા સમજો છો?? કે સમજાવો છો?? આવતું વરસ ક્યારેય આવતું નથી.આ ઉનાળે ગમે એમ થાય આપણે ગોકુળ મથુરા જાવું જ છે. અને પૈસાની ચિંતા ના કરો.મારા લગ્ન વખતે મારા ભાઈએ મારા ખાતે વિસ હજાર રૂપિયા ડબલમાં મુક્યા હતાં ને પોસ્ટ ઓફિસમાં એ હવે ડબલ થઇ ગયાં છે. આવતા માર્ચ મહિનામાં એ રકમ આવી જશે ચાલીસ હજાર.મારે એ રકમ ક્યાંય વાપરવી નથી. બસ એમાંથી એકવાર ગોકુળ મથુરાની જાત્રા કરવી છે. એટલે હવે પૈસાનું તો બહાનું ના કાઢતા હો અને ટ્રેનમાં અગાઉ થી ટિકિટ બુક કરાવી દેજો. આવવાની અને જવાની. બેય વચ્ચે દસ દિવસનો ગાળો રાખજો. બસ બીજે મારે ક્યાંય જવું નથી પણ આ ગોકુળ મથુરા તો આ ઉનાળામાં ફાઈનલ જ છે.” કમુ વાત કરતાં કરતાં સપનામાં ખોવાઈ ગઈ.

કમુ અને કાનજીનો ઘર સંસાર સુખેથી ચાલતો હતો.કમુ ઘર રખ્ખું અને સુશીલ ગૃહિણી હતી. કોઈ જ ટાપટીપ કે ફેશનનું નામ જ નહિ.સાડા કપડામાં પણ કમુની સાદગી દીપી ઉઠતી.કાનજી પણ નિશાળમાં કહેતો કે મારી પત્નીને કોઈ જ શોખ નથી.કોઈ જાતનું વેરેન્ટાઈજ આવે જ નહિ.કોઈ દિવસ ના તો બ્યુટી પાર્લર માં જવાનું કે ના કદી એણે ભપકાદાર કપડાનો શોખ. અને વાત પણ સાચી હતી. શિક્ષક સોસાયટીમાં એ ભાડાના મકાનમાં બે વરસ થી રહેવા આવ્યા હતાં.

આની પહેલા એ છ વરસ ગામડામાં રહ્યા હતાં.પણ ફિક્સ પગારની નોકરીમાંથી ફૂલ પગારમાં આવ્યા એટલે એ આ નાનકડાં શહેરમાં આવી ગયાં હતાં. કમુ આખો દિવસ કોઈને કોઈ ચેનલ પર ધાર્મિક કાર્યક્રમ જોતી જ હોય.ભાગવત રામાયણથી માંડીને નાની બાઈ નો માયરો આ બધી જ કથા એને લગભગ મોઢે થઇ ગઈ હતી.શ્રાવણ માસમાં શિવ પુરાણ ચાલતું હોય. સાંજે જમીને કમુ શિક્ષક સોસાયટીમાં શિક્ષકોની માતાઓ સાથે સત્સંગ અને કીર્તન શરુ કરી દે અને એ પણ રાતના અગિયાર સુધી!! કયારેક કાનજી ટીવીમાં આવતાં બાપુઓથી કંટાળે ત્યારે બોલી ઉઠતો.

“કમુ હવે તું પણ કથા કરવા લાગ્ય તો આપણે પણ પૈસાનો ઢગલો થાય.કથા સાંભળી સાંભળીને હવે તું કથા કરી શકે એવી કેપેસીટી ધરાવે છે. આ ટીવીમાં પણ હવે નિત નવા આવ્યે જ રાખે છે. ચોવીસ કલાક સતત ફોર જિ ની માફક શરુ જ હોય છે”

“ એ તમને ખબર ના પડે આમાં. અને તમારી નિશાળમાં જેમ ફિક્ષ પગારી શિક્ષકો ભરાય છે એમ આ કથાકારોમાં અમુક ફિક્ષ પગારી હોય અમુક ફૂલ પગારી હોય છે. પણ મજા આવે છે. અને જો હું ઘરે હોવને ત્યારે બીજી કોઈ ચેનલ નથી કરવાની. આ તમને કહી દઉં છું સોય ઝાટકીને” કમુ કહેતી અને હાથમાં રીમોટ લઈને આસ્થા થી માંડીને સંસ્કાર સુધીની તમામ ચેનલ એ ઘુમરડી નાંખતી અને પછી જે ચેનલ માફક આવે એના સત્સંગ ક્લાસમાં ગોઠવાઈ જતી .સવારમાં એ બહાર વાળતી હોય કે રસોડામાં રસોઈ કરતી હોય કે ચોકડીમાં કપડાં ધોતી હોય ફૂલ વોલ્યુમ સાથે એ સત્સંગ કે કથાનો આનંદ માણતી હોય. સવારમાં છ વરસના કેયુરને જગાડીને પણ ટીવીની સામે ગોઠવી દે અને કહે.

“બેટા બોલ રાધે રાધે, ગોવિંદ બોલો હરી ગોપાલ બોલો!! રામ રામ સીતારામ સીતારામ રાધેશ્યામ રાધેશ્યામ” અને નાનકડો કેયુર પણ તાળીઓ પાડતો જાય અને કમુ સામે જોતો જાય અને કમુ રાજીના રેડ થતી જાય.

આમ તો કશી જ તકલીફ નહિ.પણ આડોશ પાડોશની શિક્ષિકાઓ ટુરની વાત કરે ને ત્યારે વાતાવરણ થોડા સમય માટે ડખોળાઈ જતું. અને શિક્ષિકાઓ પણ આ દુખતી રગ બરાબરની જાણી ગઈ હતી. એટલે દર વરસે વેકેશન પૂરું થાય અને નવું સત્ર શરુ થાય કે અમુક તેજોદ્રેશી શિક્ષિકાઓ આવે કમુને ઘરે ચા પાણી પીવા અને ચાવીઓ ભરાવવાનું શરુ કરે.

“તમને ખબર છે કમુબેન આ ઉનાળામાં અમે સાઉથ ઇન્ડીયામાં ગયાં હતાં. બાય ટેક્ષીમાં તમારા ભાઈ મને કહે કે વીમુ આપણે ટ્રેનમાં નથી જાવું ટ્રેનમાં તો ગમે તેવા માણસો આવે બાજુમાં એના કરતાં ટેક્ષીમાં સારું. તે સુરતથી સાપુતારા અને ત્યાંથી નાશિક, ત્રંબક શિરડી ,શનિ દેવ, ધુશ્મેશ્વર અને ત્યાંથી બેંગ્લોર હૈદરાબાદ થઈને તિરુપતિ બાલાજી , મદુરાઈ અને રામેશ્વર ગયાં અને વળતાં રામેશ્વરથી કન્યાકુમારી ત્યાં બે દિવસ રહ્યા અને વળતાં તીરુવંતપુરમ અને કોચીન થઇ ને ઉડુપી અને મડગાવ ગોવા અને મુબઈ થઇ ને પાછા સુરત ૨૦ દિવસ તો જલસો પડી ગયો. ખાવામાં ભાત જ ખાધા અને કેરળમાં તો અમે નકરું નાળીયેર નું પાણી જ પીધું અને એ પણ મોટા મોટા નાળીયેર હો.ઘરે ઘરે નાળીયેરના ઝાડ.કોઈ મેમાન આવે ને તો એ લોકો પાણી નો ગ્લાસ ના આપે નાળિયેરનો ત્રોફો જ આપે.અને નાળીયેરનું તેલ જ વાપરે.ત્યાની બાયું બધાં છુટ્ટા વાળ રાખે અને માથામાં વેણી નાંખે અને સેન્થકનું નાળીયેરનું તેલ નાંખે અને ભાયું બધાં લુંગી પેરે. કેળના પાંદડામાં ખાવાનું અને કેરળમાં કેક્ડીમાં માં મસાલા મળે તજ,લવિંગ એલચી અને તીખા મળે.જાયફળ પણ મોટા અને તમાલ પત્રની વાસ તો અઠવાડિયા સુધી આવે અને ગોવામાં તો કાજુ બદામ સસ્તા અને સારા મળે.ઘરે કાજુ બદામના છોડવા બોલો આપણે જેમ ખેતર ફરતે બોરડી હોય અને બોર મળે એમ જ ગોવામાં કાજુ મળે.મેં તો ત્રણ દિવસ ખાલી કાજુ જ ખાધા ગોવામાં. એ લોકો તો કોફી, કઢી અને ચા માં પણ કાજુ બદામ નાંખે. ૬૦૦૦૦ રૂપિયાનો ખર્ચ થયો પણ તમારા ભાઈને એ કાઈ ના પડી હોય એ તો એમજ કહે કે વીમુ તને મજા આવવી જોઈએ.” વીમુ પૂરું કરે એટલે હંસા ઉપાડો લે અને કમુ બધું બાઘાની જેમ સાંભળ્યા કરે. અને ગોકુળ મથુરાના સપનામાં ખોવાઈ જાય. હંસા શરુ કરે મીઠું મરચું ભભરાવીને.

“અમે તો દર ઉનાળે હરદ્વાર જઈએ, એય ને માં ગંગા ના ચરણોમાં.આ વખતે ગયાં હતાં. અને હવે તો હરદ્વારના દુકાન વાળા, હોટેલવાળા ,પણ અમને ઓળખી જાય છે અને દુરથી ભાળે એટલે ઉભા થઈને સામા ધોડે અને બોલે આવો આવો હંસાબેન આવો.આ પંચ મુખી રુદ્રાક્ષ લઇ જાવ. આ ગરમ શાલ લઇ જાવ, તમારી માટે સ્પેશ્યલ સાચવીને રાખી છે.મને તો હરિદ્વારના છોલે ભટુરે ખુબજ ભાવે હું તો સવાર સાંજ અને બપોરે છોલે ભટુરે જ ખાવ!! શું એનો ટેસ્ટ અને છોલે એટલે છોલે!!એકદમ પીળા ધમરક આ વખતે અમે ગંગોત્રી જમનોત્રી કેદારનાથ અને બદ્રીનાથ પણ જઈ આવ્યા.ગંગોત્રીમાં છેક ગંગા ના મૂળ સુધી જઈ આવ્યા. બહુ ઠંડી પડે.રામ તેરી ગંગા મેલીનું શુટિંગ થયું ન્યા પણ ગ્યાતા. જમુનોત્રીમાં ખાસ કશું નથી પણ વચ્ચે નરેન્દ્રનગર આવે ત્યાં અમે જમ્યા હતાં.ખુબ જ સારું હતું જમવાનું અને ગાજર, મૂળા અને કાકડીનો સ્વાદ જ કઈ ઓર હતો.અને કેદારનાથની તો વાત જ શું કરવી.ગૌરી કુંડથી અમે ઘોડા પર બેસીને ગયાં હતાં. વચ્ચે રામવાડા આવે ત્યાં અમે છોલે ભટુરે ખાધા અને કેદારનાથ ના દર્શન કર્યા. અને છેલ્લે બદરીનાથ ગયાં વચ્ચે ગોવિંદ ઘાટ આવે ન્યા તમારા ભાઈ કહે કે હસું આહીથી વેલી ઓફ ફલાવર અને હેમકુંડ જવાય પણ હજુ બરફ ઓગળ્યો નથી એટલે આવતાં વરસે થોડા મોડા આવીશું અને જઈ આવશું આમેય આપણે દર વરસે હરિદ્વાર તો આવીએ જ છીએને?? બદરી નાથ પછી અમે શતપથ બ્રાહ્મણ સુધી જઈ આવ્યા. વળતાં જોશી મઠ પણ એક નાઈટ રોકાયા આમને આમ પંદર દિવસ ધુબાકા મારીને અમે પાછા આવી ગયાં. હંસા વાત પૂરી કરે અને એ સાંજે રાબેતા મુજબ કમુ શરુ થઇ જાય.

“ તમને કહી દઉં છું સોય ઝાટકીને કે આ વખતે ઉનાળામાં તમારે મને ગોકુળ મથુરા લઇ જાવાની છે કે નહિ” અને સામે કાનજી થોડી દલીલ , થોડા બચાવ અને પછી કહે કે આ વખતે સો ટકા ગોઠવીશું.

કાનજી ની કોઈ દાનત મોળી તો નહિ પણ પગારમાં ખાસ કઈ વધતું નહિ. પેલા પાંચ વરસમાં તો ફિક્ષ પગાર એટલે એના બધાં જ સુખ અને સપનાઓ ફિક્સમાં મુકાઈ ગયેલા. ફિક્સ પગારની નોકરી એક એવી નોકરી છે કે એમાં તમે સપનાં પણ લીમીટેડમાં જ જોવાના!! પાંચ વરસ પુરા થયાં અને એનો પગાર ફૂલ થયો.પણ દર વરસે કોઈકને કોઈક અડચણ આવે જ. કાનજી થી નાના એક ભાઈ અને બહેન એટલે એક વરસ ભાઈને પરણાવ્યો.એક વરસ બહેનને પરણાવી. એક વરસ એના બા બીમાર પડ્યા અને બીજા વરસે એના સાળાના લગ્ન હતાં.પછીના વરસે બહેનને સીમંત કરીને તેડી આવ્યા હતાં એટલે લગભગ ઉનાળાનું વેકેશનમાં એને કાંઇક ને કંઇક કામ આવી જ જાય અને કેયુર પણ નાનો એટલે બહાર જવાનું એને મન થાય.એક વરસ કાઈ અડચણ ના આવી અને લગભગ ગોકુળ મથુરા જવાનું પાકું જ હતું ત્યાં લોકસભાની ચૂંટણી આવીને બધો જ પ્લાન પડી ભાંગ્યો. જેમ વરસ જતાં હતાં એમ કમુની કચકચ વધતી જતી હતી. પણ કમુએ આ ઉનાળામાં પાકા પાયે નક્કી કરીજ નાંખ્યું હતું કે ગમે એમ થાય પણ આ ઉનાળે તો ગોકુળ મથુરા ગયે જ છૂટકો.કાનજી આવે કે ના આવે પોતે પોતાના દીકરા કેયુર સાથે એકલી જઈ આવશે પણ જે માટીમાં કાનુડાનું બાળપણ વીત્યું એ રેતીમાં એ આંટો મારવા અને એ રેતીને માથે ચડાવવા માટે તો એ જરૂર જશે જ!! અને કાનજીએ પણ મન બનાવી જ લીધું હતું કે એ આ વખતે કમુને ગોકુળ મથુરા લઇ જઈને મેણું ભાંગવું જ છે.

અને તૈયારી પણ થઇ ગઈ. મે ની પાંચમી તારીખથી વેકેશન પડી રહ્યું હતું. કાનજીએ સાત તારીખની અમદાવાદથી મથુરાની બે આખી અને એક અડધી ટિકિટ બુક કરાવી લીધી હતી. દસ દિવસ પછીની રીટર્ન ટિકિટ પણ બુક કરાવી લીધી હતી. કમુનો ભાઈ આવીને એની બહેનના ડબલ થયેલા નાણા આપી ગયો હતો.કમુ ખુશખુશાલ હતી.એણે એક આખું લિસ્ટ જ બનાવી નાંખ્યું હતું.કાના માટેના વાઘા લેવાના હતાં . એક નાનકડી વાંસળી લેવાની હતી.કાના માટે ચાંદીનો એક મુકુટ લેવાનો હતો. ઉપરાંત પંચ ધાતુની એક ટોકરી, તાંબાની એક લોટી, એક જારી ઉપરાંત કાનાના શણગાર માટેના ઘરેણા અને બાળ કૃષ્ણને રમવા માટેના રમકડાં લેવાના હતા. આ દિવસો દરમ્યાન ત્યાં એક ગોવર્ધન પરિક્રમા પણ થવાની હતી.તેમાં પણ જવાનું હતું. આ દિવસો દરમ્યાન ત્યાં એક ભાગવત કથાનું પણ આયોજન થતું હોય એમાં પણ બે દિવસ જવાની હતી. આખી શિક્ષક સોસાયટીમાં કમુ ગાઈ વગાડીને કહી આવી હતી કે આ ઉનાળામાં અમે ગોકુળ મથુરા જવાના છીએ અને પુરા દસ દિવસ ત્યાં રોકાવાના છીએ. કોઈને કાઈ મંગાવવું હોય તો કહી દેજો પ્રસાદ સિવાય!! કારણકે પ્રસાદ તો હું લાટ બધો લાવવાની છું. અને રાતે સતસંગમાં પણ આ જ વાત થઇ. આખી સોસાયટીમાં બધાં બધેજ ફરી આવ્યા હતાં પણ ગોકુળ મથુરા કોઈ ગયું નહોતું. અમુક ડોશીઓએ રકમ લખાવી ગોકુળના મંદિરમાં અને મથુરાના મંદિરમાં ભેટ માટે અને ક્મુએ રીતસરની યાદી પણ બનાવી દીધી. રાધા માં એ કહ્યું કે ત્યાં સફેદ સાડલા સારા મળે છે મારી માટે બે નંગ લેતા આવજો તો વાલી ડોશીએ કંકાવટી મંગાવી. ઝકલ ડોશીએ બાળ કૃષ્ણ અને રાધાજીની મુરતી પણ મંગાવી અને સાથોસાથ કીધું કે પડખે જ બરસાના છે ત્યાં રાધાજીનું મંદિર છે ત્યાં જઈ આવજો અને અમારી બધાની માટે રમણ રેતી ની પોટલી લેતા આવજો. ગોકુલની ધૂળ અને રેતી પણ પાવન ગણાય કે જ્યાં આપણા લાલાની પગલી પડી હોય એ ચરણ રજ માથે ચડાવીએને તો પણ મોક્ષ થઇ જાય.

હવે જવા આડે ત્રણ જ દિવસ રહ્યા હતાં.બધીજ તૈયારીઓ થઇ ગઈ હતી. કમુએ બે બેગ અને બે નાનકડાં થેલા તૈયાર કરી દીધા હતાં. આજુબાજુ વાળાને મકાનની ભલામણ કરી દીધી હતી. બધી જ વસ્તુઓ કાળજીપૂર્વક લઇ લીધી હતી.આજે શાળામાં છેલ્લો દિવસ હતો અને પછી વેકેશન અને પરમદિવસે અમદાવાદ અને ત્યાંથી ટ્રેનમાં ગોકુળ મથુરા!! વરસો પહેલા કમુએ જોયેલ સપનું સાચું પડી રહ્યું હતું. એને યાદ આવ્યું કે જ્યારે એ ૧૬ વરસની હતી ત્યારે એની ઘેર એક વૈષ્ણવ આવ્યા હતાં અને કમુને જોઈને કીધું હતું કે યહ બિટિયા બડી ભાગ્યશાળી હૈ.યહ ગોકુલ ઔર વનરાવન અપને પતિ ઔર બેટે કે સાથ જાયેગી. કન્હૈયાકી બડી કૃપા હોગી ઇસ બિટિયા પે!! અને ત્યારથી એ એકજ સપનું જોતી હતી અને હવે એ સપનું પૂરું થવાનું જ હતું. હવે આડે હતાં માત્ર ત્રણ દિવસ.. કાનજી સવારે નિશાળે જતો રહ્યો.આજથી વેકેશન પડતું હતું. જતાં જતાં કાનજી કહેતો ગયો કે નિશાળેથી હું સીધો મામલતદાર કચેરીએ થતો આવીશ અને મતદાર સુધારણાનું કામ જે કરેલ છે એ સોંપતો આવીશ અને કદાચ મોડું થાય તું ચિંતા ના કરતી.

કાનજી રાતે સાત વાગ્યે ઘરે આવ્યો. કમુએ રાંધી નાંખ્યું હતું. કેયુર પલંગમાં બેઠો હતો. ટીવીમાં એક બ્રાન્ડેડ બાપુ સમાજ સુધારણાનું ભગીરથ કાર્ય કરી રહ્યા હતાં. જેવો કાનજી ઘરમાં પ્રવેશ્યો કે તરત જ કમુ બોલી.

“ગોકુળ મથુરાની ટિકિટ કાલે કેન્સલ કરાવી નાંખજો. આ વરસે આપણે નથી જવું/ કદાચ આવતાં વરસે કે એની પછીના વરસે જઈશું.” કાનજી કમુની સામે જોઈ જ રહ્યો. એણે કમુની આંખો ધારીને જોઈ ના… ના… કોઈ રોષ કે ગુસ્સો ના દેખાયો… કમુની આંખોમાંથી સ્નેહ નીતરતો હતો.. આંખોમાં સ્નેહ હોય એવી સ્ત્રી વગર શણગારે હંમેશા સુંદર જ લાગે!!

“મારી કઈ ભૂલ થઇ, એક તો માંડ માંડ કેટલાં વરસે તારું સપનું પૂરું થઇ રહ્યું છે અને તું હવે શેઢે આવતાં જ શિરામણ કરવા બેઠી છો?? તારી તબિયત તો બરાબર છે ને?? તારું મગજ તો નથી ભમી ગયુંને ??? કાનજીએ હળવા સ્વરે કહ્યું.

“એવું કશું જ નથી. મને પથરા ય નથી પડ્યા અને મગજ બરાબર ઠેકાણે જ છે. લ્યો હું તમને માંડીને વાત કરું . એટલે તમને બધુય સમજાઈ જાય. આમેય તમને કોઈ વસ્તુ એક વાર કીધે ક્યાં સમજાય છે??” કમુએ મીઠો છણકો કર્યો. સ્ત્રીનો આ મીઠો છણકો તો કોઈ ભાગ્યશાળી પુરુષના નસીબમાં જ હોય છે. અને કમુએ વાત માંડી.

“આપણી આ શિક્ષક સોસાયટીની છેલ્લે આવેલ એક શેરીમાં ખૂણે એક મકાન છે વિધવા રામ બાઈ નું . એને ત્યાં રાતે ચોર આવ્યા હતાં .!! એની એકની એક દીકરી રમલીના અઠવાડિયા પછી લગ્ન છે. ઢોરના પેટ ના ચોર એ ઘરનું બધું જ લુંટી ગયાં.!! એ બચારી રામબાઈ આજુ બાજુના ઘરનાં ઠામ વાસણ અને એવા ઘરકામ કરી કરીને માંડ માંડ દીકરીને પરણાવવા ના પૈસા અને કરિયાવર ભેગો કર્યો હતો. ચોર એ બધું ઠપકારી ગયાં. ઘરમાં એક ગ્લાસ કે એક વાટકી પણ ના રહેવા દીધી. સવારે અમે બધાં બૈરા ત્યાં ગયાં હતાં. રામબાઈ અને તેની દીકરી રમલી છાતી ફાટ રુદન કરતાં હતાં. પોલીસ પણ આવી હતી. એણે કીધું કે જે જે વસ્તુ ગઈ હોય એની યાદી લાવો અને એ વસ્તુના બિલ લાવો. હવે એ ગરીબ બાઈ ચાર વરસથી થોડું થોડું ભેગું કરતી હતી એની દીકરીના કરિયાવર માટે તે એની પાસે બિલ ક્યાંથી હોય?? પોલીસ વાળા તો જતાં રહ્યા . બધાને દયા આવી સહુએ થોડા થોડા રૂપિયા આપ્યાં અને કીધું કે લગ્ન ના અટકવા જોઈએ પણ એમ કાઈ કરિયાવરના પૈસા ભેગા થાય?? મારું મન ભરાઈ ગયું મને પહેલી વાર આત્મા માં કૈક ખૂંચ્યું હોય એમ લાગ્યું. અને બીજું કાઈ ના સુજ્યું. મારા ભાઈએ આપેલ ચાલીશ હજાર લઈને હું રમલી અને તેની માં રામબાઈ ને લઈને બજારમાં ગઈ અને બધું જ લાવી આપ્યું!! અને સાચું કહું છું કેયુરના પાપા એ માં દીકરીના મુખ પર જે આનંદ હતો એનું વર્ણન ના થઇ શકે!! છેલ્લે એના ઘરે થી હું આવતી હતી ત્યારે રમલી મને ભેટી પડી. અને રામ બાઈએ મને કીધું કે સદા સુહાગણ રેજો મારી બહેન!! અને તમે મારી દીકરીનું કન્યાદાન કરજો!! અને પછી તો આપની સોસાયટી વાળા રમલીના જમણવારનો ખરચ ઉપાડી લેવાના છે અને કન્યાદાન આપણે કરવાનું છે. આમેય ભગવાને આપણને દીકરો જ આપ્યો છે. દીકરી તો નથી આપી. પણ આ બહાને રમલી નું કન્યાદાન કરવાની તક ચૂકીને મારે કાઈ ગોકુળ મથુરા નથી જાવું હો… માટે કહું છું કે કાલે જ ટિકિટ કેન્સલ કરાવી નાંખો.” કમુએ વાત પૂરી કરી અને કાનજીની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં અને એટલું જ બોલ્યો.

“લોકો તો સાત જન્મનો જ સાથ માંગે છે ને પણ હું તો તારી સાથે સાતસો જન્મ નો સાથ માંગું છું કમુ આજ તે મને ઉજળો કરી બતાવ્યો છે.” કાનજીએ કમુને પ્રેમથી ભેટી પડ્યો.

અને આ બાજુ ગોકુળમાં રાધા રમણ દેવની આરતી થઈ રહી હતી. અને આજ રાધા રમણ દેવની મૂર્તિમાં અલૌકિક તેજ દેખાઈ રહ્યું હતું. ઘરમાં શરુ ટીવીમાં એક ધાર્મિક ચેનલમાં આ કીર્તન આવી રહ્યું હતું.

“એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી , યમુનાજી, મહાપ્રભુજી
મારું મનડું છે ગોકુળ વનરાવન , મારા તનના આંગણીયામાં તુલસીના વન !!

મારા પ્રાણ જીવન!!…. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી!!!

લેખક :- મુકેશ સોજીત્રા

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment