‘અંધારી અમાસના તેજ્સ્વી તારલા’ મૂઠી ઊંચેરો એક માનવી : અર્ચન ત્રિવેદી

27

પારસી વેપારી અરદેશર ફરામજી ખબરદારે ‘જયાં જયાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ સિવાય કાંઇજ ન લખ્યું હોત તોયે ગુજરાત, ગુજરાતીઓ અને ગુજરાતી ભાષા – ત્રણેય તેમનાં સદાકાળ ઋણી રહેવાના. આજે આ આ કવિતા પંકિત મટીને એક કહેવત બની ગઇ છે.

આજે આપણે ‘જયાં જયાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ માં દર્શાવ્યા મુજબના એક ગુજરાતી કે જેણે પોતાના ઉરમાં સ્નેહ, શૌર્ય અને સત્યને સ્થાન આપ્યું છે તેની યશગાથા ની વાત કરીશું તો ચોક્ક્સ સાચા અર્થમાં ગુજરાતને ગૌરવ અપાવે એવા એક નખશીખ ગુજરાતી ને સન્માનવાનું મન થઇ આવશે. ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરનારી અભિવ્યિક્તઓમાં ઉદારતા, શોધક બુદ્ધિ, વિષમતા સામે ઝઝૂમવાની ક્ષમતા, અહિંસાની ભાવના, પિડિતો પ્રત્યે સહાનુભૂતિ દાખવવી અને સાહસિકવૃત્તિ હોવી એ ગુજરાતી વ્યક્તિની લાક્ષણિકતાઓ ગણાય છે. ગુજરાતના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખનાર પ્રસિદ્ધ વ્યકિતઓ આજે આંગળીની વેઢે ગણાય તેટલી જ રહી છે.આજે સંગીત, નૃત્ય અને રંગભૂમિની પ્રવૃત્તિઓ સાંસ્કૃતિક કળાના મહત્વના વારસા તરીકે ગણવામાં આવે છે. સમયના પ્રવાહમાં આવો સમૃધ્ધ વારસો ઝૂંટવાઇ ગયો છે. હાલરડા થી લગ્નગીતો સુધી અને મરસિયા ના ગીતો થી રંગલા-રંગલીના ભવાઇ જેવા પ્રયોગોની ભજવણી દ્વારા યુગો જુની પરંપરાઓ જીવંતતાથી ધબકતી હતી. આજે આ સમયે અર્ચનભાઇ ત્રિવેદીને આપણે કેવી રીતે ભૂલી શકીએ? દર વર્ષે અર્ચનભાઇએ અને તેમના જુથે અમદાવાદની ભૂલાયેલી શેરીઓમાં શેરી નાટક અને ભવાઇના અનેક પ્રયોગો યોજીને આપણા તે સમૃદ્ધ વારસાને જીવંત રાખ્યા છે તે કેમ ભૂલાય? નીચેની તસ્વીરો તેની સાક્ષી પૂરે છે.

આ પ્રયોગોના અનુસંધાને ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને કેવી રીતે ગરવી ગુજરાતના આ સપૂતોેએ અભિનય દ્વારા જીવંત રાખી હતી તેનો પૂરાવો નીચે દર્શાવેલ પ્રસિદ્ધ થયેલ સમાચારની કોલમમાથીં મળી આવે છે.

આટલી પૂર્વભૂમિકા અર્ચનભાઇના વ્યકિતત્વને સમજવા માટે પર્યાપ્ત છે, પણ તે એક જ પાસુ દર્શાવે છે. તેમના સર્વાંગ વ્યકિતત્વને જાણવા માટે તેમની કારકિર્દીને લક્ષમાં લઇશું તો આ ‘મૂઠી ઉંચેરા માનવી’ ના સંપૂર્ણ વ્યક્તિત્વનો ખ્યાલ આવશે.

મૂળ વડનગરના વતની પણ રોજી રળવા પરિવાર સાથે અમદાવાદ આવી વસેલા મોહજીતરાય ત્રિવેદીનાં કુલ ચાર સંતાનોમાંથી અર્ચનભાઇ સૌથી નાના સંતાન. બચપણમાં અર્ચનભાઇની જીભ ખચકાતી હતી આથી તેમની ફોઇઓ અર્ચનભાઇને ‘હપ્તે……. હપ્તે…..’ નામથી બોલાવતી હતી. અમદાવાદના ખાડિયામાં આવેલી શિશુભવન શાળામાં તેઓ ભણ્યા હતા. તેમણે સતત કાંઇક કરવાની તમન્ના રાખી હતી. સમય જતા ધીમે ધીમે તેમની જીભ થોથવાતી બંધ થઇ ગઇ.
અમદાવાદના રાજભવનમાં તા. ૪-૧૧-૧૯૭૨ના રોજ ફિલ્મસ્ટાર કાર્યક્રમ હતો. એમાં જાણીતી અબિનેત્રી વહિદા રહેમાન, નરગીસ, અમિતાભ બચ્ચન વગેરે કલાકારો ભાગ લેવા આવ્યા હતા પણ બેશુમાર વરસાદના કારણે ફિલ્મસ્ટાર કાર્યક્રમ કેન્સલ થયો.

કાર્યક્રમના સંચાલકો ફિલ્મ કલાકારોને ટાઉનહોલમાં લઇ આવ્યા. પ્રેક્ષકોથી ખીચો ખીચ ભરાયેલા ટાઉનહોલમાં કાર્યક્રમના સંચાલકે અર્ચનભાઇને મોનો એક્ટિંગ કરવા કહયું. માત્ર ચાર વર્ષની વયના અર્ચનભાઇએ એટલી સરસ મોનો એક્ટિંગ કરી કે પ્રેક્ષકો અને જાણીતા ફિલ્મ કલાકારોય ખુશ ખુશ થઇ ગયા હતા. કાર્યક્રમ પૂરો થતા કાર્યક્રમના સંચાલકે અમિતાભ બચ્ચન તરફ આંગળી ચિંધી અર્ચનભાઇને કહયું,

” બેટા, જા. પેલા લાંબી ડોકવાળા, ઊંચા તાડ જેવા ભાઇને આ હાર પહેરાવી આવ અને કહેજે ઘણું જીવો…! ”
અર્ચનભાઇએ અમિતાભને હાર પહેરાવી ખચકાતી જીભે કહયું હતું, “ઘ…ઘ..ણું….ણું…જી…જ…જી…વ…વો..!” અર્ચનભાઇના અભિનયથી ખુશ થઇ ગયેલા અને તે સમયે ઓછા જાણીતા અમિતાભે અર્ચનભાઇને ઊંચકીને પોતાના ખોળામાં બેસાડી દીધા હતા ત્યારથી જ અર્ચનભાઇની અભિનય યાત્રા શરૃ થઇ ગઇ હતી.આ બિરાદર બાળપણથી જ કલાના રંગે રંગાઇ ચુકેલા જન્મજાત ઉમદા કલાકાર છે તે તો તેમના જીવનના પન્નાઓ ચાડી ખાય છે. તેમની ઉમર કરતા તેમણે ઝિલેલા પડકારોની ગણતરી કરીએ તો ગણ્યા ગણાય નહિ તેટલા છે. તેમના પિતા મિલમાં કામ કરતા આથી ઘરની પરિસ્થિતિ વખાણવા લાયક ન હતી. છઠઠા ધોરણમાં ભણતા ભણતા એક થી ચાર ધોરણના ટયુશન કરતા કરતા પિતાને બચપણથી જ ટેકો આપવાની ભાવના દ્રઢ થયેલી હતી. જાુનવાણી રિવાજો પ્રત્યે બચપણથી ચીડ હતી પરંતુ ઉંમરની મર્યાદા પ્રતિકાર કરતા તેમને રોકતી. પરંતુ મોટા થયા પછી આ કુરિવાજો સામે બંડ પોકારવાનો તેમણે દ્રઢ સંકલ્પ કર્યો હતો.

વિકાસની વાતો કરતા સમાજના દંભી મોભીઓ માટે તે વખતે તેઓે આક્રોશ વ્યકત કરી શકતા ન હતા તે તેમની મજબૂરી હતી. સારા કપડા પહેરી સમાજ માં સજ્જ્ન દેખાતા લોકો વિકાસની વાત કરતા ત્યારે તેમના પ્રત્યે તેમને ધૃણા પેદા થતી. દંભી જીવન તેમને પસંદ ન હતુ.

આમ જોઇએતો દ્રઢ મનોબળવાળા અર્ચનભાઇના મનમાં સમાજ સેવાના બીજ બચપણથી જ અંકુરિત થયા હતા. વિધવા સ્ત્રીને સારા પ્રસંગે અવગણવામાં આવતી જોઇ તેમનું કુમળું બાળ માનસ તેની વિરૃદ્ધ બંડ પોકારતું હતુ. તે માટે તે તક જ શોધતા હતા. પોતાના લગ્ન પ્રસંગે તેમનું સૌથી પહેલું સદ્કર્મ વિધવા સ્ત્રીના હાથે તિલક કરાવવાનું હતું.

‘ગુજરાત સમાચાર’ ના ‘ઝગમગ મંડળ’, ‘બાલ્કન-જી-બારી’ વગેરે સંસ્થાઓમાં જોડાઇને અર્ચનભાઇએ અભિનયના પાઠ શીખવા શરૃ કર્યા હતા. શાળાનો સમારંભ હોય કે યુથ ફેસ્ટિવલ હોય, અર્ચનભાઇ સ્ટેજ પર આવી નિત નવું નવું પ્રસ્તુત કરી પ્રેક્ષકોનું દીલ જીતી લેતા. એ દિવસો દરમિયાન મૃણાલિની સારાભાઇ સંચાલિત ‘દર્પણ નાટ્ય નૃત્ય અકાદમી’ ની સમાચાર પત્રમાં એક જાહેરખબર વાંચી અર્ચનભાઇ ત્યાં ભવાઇ શીખવા દોડી ગયા. કુલ ૪૦ માંથી ૩૦ ઉમેદવારોની પસંદગી કરાઇ, પણ ભવાઇનો એક વર્ષનો કોર્સ પૂરો થાય તે પહેલાં જ ૩૦ માંથી ૨૫-૨૬ જેટલા યુવાનોએ ભવાઇ શીખવાનું છોડી દીધું હતું. પરંતુ અર્ચનભાઇએ ભવાઇનો કોર્સ પૂરો કર્યો ઉપરાંત સ્કોલરશીપ પણ મેળવી.અમદાવાદની સહજાનંદ કોલેજના અભ્યાસકાળ દરમિઆન અર્ચનભાઇએ અનેક નાટકોમાં ભાગ લીધો હતો. ‘ગુજરાત સમાચાર’ અને મુંબઇની ‘આઇ. એન. ટી.’ની એકાંકી નાટ્ય સ્પર્ધામાં સળંગ ત્રણ વર્ષ સુધી બેસ્ટ એકટર તરીકેનું ઇનામ તેમના ફાળે ગયું હતું. ૧૯૮૭માં ‘અંગ કોઇનો નહીં’ નામનું એકાંકી નાટક તેમણે કર્યું હતું. આ પછી આ નાટકના તેમણે ૬૦ શો કર્યા હતા. ગુજરાતના નાટ્ય ઇતિહાસમાં કોઇ એકાંકી નાટકના આટલા બધા ટિકિટ શો થયા હોય એવો આ પ્રથમ બનાવ હતો. આમાં અર્ચનભાઇએ છક્કાનું પાત્ર ભજવ્યું હતું.

અર્ચનભાઇ કોલેજના બીજા વર્ષમાં હતા ત્યારે તેમણે ‘ભૃગુ સંહિતા’ નામના નાટકમાં પાંચ જુદી જુદી ભૂમિકાઓ ભજવી હતી અને હિન્દી ફિલ્મના જાણીતા અભિનેતા સદાશિવ અમરાપુરકરના હસ્તે એવોર્ડ મેળવ્યો હતો. આ પછી તેમણે ‘તોખાર’ માં પણ શ્રેષ્ઠ અભિનય કરીને પરેશ રાવળના હસ્તે સન્માન મેળવ્યું હતું. તેમના બેનમૂન અભિનયના પરેશ રાવળે મોંફાટ વખાણ કર્યા હતા. આમ ૧૯૮૭,૧૯૮૮ અને ૧૯૮૯ એમ સળંગ ત્રણ-ત્રણ વર્ષ સુધી ગુજરાત રાજયમાં નાટ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ અભિનયનો એવોર્ડ અર્ચનભાઇ જીતી ગયા હતા.

ટી.વી. અને ફિલ્મી દુનિયાના વિકાસ સાથે સ્ટેજ શો ના પ્રેક્ષકો ઘટવા માંડયા હતા. છતાંય અર્ચનભાઇ નાટકમાં કામ કરતા રહયા છે. ઇસરોમાં ‘ ત્રિભેટે ‘, ‘ ભાત ભાત કે લોગ’, ‘ભલા ભૂસાના ભેદ ભરમ’ વગેરે ઉપરાંત ૩૨ નાટકો અને ૧૦ જેટલી ડોક્યુમેન્ટરી ફિલ્મોમાં તેમણે દીલ દઇને અભિનય કર્યો છે. ત્યાર પછી ટી.વી. સીરિઅલોમાં ‘હસમુખ ને ભારે દુઃખ ‘, ‘તણખા’, ‘ ઝાકળઝંઝા ‘, ‘ ધમાચકડી ‘, ‘ પહેલ ‘, ‘ગોરસ’, ‘નરસૈયો’, ‘પલટન’, ‘અઢી અક્ષર પ્રેમનો’, ‘ગુનેગાર’ વગેરે માં તેમની યાદગાર ભૂમિકા રહી છે.

અભિનય ઉપરાંત તેમણે લેખન પર પણ હાથ અજમાવ્યો છે. અત્યારસુધીમાં તેમણે કુલ ૧૦૨ જેટલા નાટકો લખ્યા છે. ‘અંતિમ લડાઇ’ નામની ફિલ્મની સ્ક્રિપ્ટ લખવાની જવાબદારી સ્વીકારેલી છે. રંગમંચના આ ઉમદા કલાકારની જીવનયાત્રાના પૃષ્ઠો એક પછી એક ખોલીએ છીએ ત્યારે આ માણસની જિંદાદીલી ને નમસ્કાર કરવાનું મન થઇ આવે છે. માત્ર ૪ વર્ષની ઉંમરે ૧૯ જેટલા એવોર્ડ મેળવનાર અર્ચનભાઇનો મધ્યાહ્ન તપતો હતો ત્યાંજ એક ઘટનાથી તે અસ્તાચળ તરફ ગતિ કરવા લાગ્યો.

તે ઘટના એટલે ‘નરસૈયો’, ‘ધમાચકડી’, ‘ગોરસ’, ‘પલટન’, ‘પારસ’ અને ‘ગુનેગાર’ જેવી ૯ સિરિયલોના શુટીંગમાં રોકાયેલા હતા ત્યારની એક ઘટના. આ સિરિયલના શુટીંગ સમયે તેમની નાદુરસ્ત તબિયતના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ડોકટરોએ નિદાન કર્યું કે તેમને ટી.બી. લાગુ પડયો છે. ઘરના સભ્યો માથે તો જાણે આભ તૂટી પડયું. પરંતુ અર્ચનભાઇએ તે નિદાનને સાહજિક રીતે સ્વીકારી લીધું. પણ રંગમંચ તો તેમના માટે પ્રાણ સમાન હતો. સાજા થતા પાછા શુટીંગમાં વ્યસ્ત થઇ ગયા. પરંતુ રોગ તો હઠીલો હતો.

બીજી વખત રોગનો હુમલો થયો અને તેમણે સુધબુધ ખોઇ નાખી. બે દિવસ પછી દશેરાના દિવસે રાવણ દહન નો એક એપિસોડ શુટ કરવાનો હતો. ‘Work is worship’ એવું માનનારો આ એક કલાકાર આત્મા હતો. ગમે તેમ કરીને પોતાની ભૂમિકાને ન્યાય આપી તે એપિસોડનું શુટીંગ પુરૃ કર્યુ. પણ વધારે તબિયત કથળતા તેમને પાછા હોસ્પિટલ ખસેડવા પડયા.આવી ગંભીર પરિસ્થિતિમાં અડગ મનોબળના સથવારે તેમણે લેખન પ્રવૃત્તિ કરવાનું છોડયું નહી. પણ ડોકટરોના આવાગમનથી એટલો તો અણસાર તેમને આવી ગયો હતો કે કાંઇક ગંભીર બાબત છે. તબીબી પરિણામ લઇને ડોકટર તેમની પાસે આવ્યા ત્યારે તેમણે ડોકટરને બેધડક પૂછી લીધું, “હું કેટલું જીવવાનો છું?” અર્ચનભાઇનો પ્રશ્ન સાંભળી ડોકટર નવાઇ પામ્યા અને જવાબ આપ્યો, “કોણે કહયું કે તું જીવવાનો નથી?” અને પછી તેમની હિંમત જોઇને કહયું કે “તેને લીંમ્ફો એસ. ઓ. ફોર તરીકે ઓળખાતુ કેન્સર છે, જે ત્રીજા તબક્કમાં પહોંચી ચૂક્યું છે.આ કેન્સર ફેફસાના નીચેના હિસ્સામાં થાય છે. આ એજ કેન્સર કે જે આનંદ ફિલ્મમાં રાજેશ ખન્નાને થયેલું દર્શાવાયું હતું”.

આ સાંભળતાજ ભલભલા પાષાણ હૃદયના માનવીઓના પણ હાજા ગગડી જાય. પગ નીચેથી ધરતી સરકી જાય તેવું લાગે. અર્ચનભાઇને પણ થોડી ક્ષણ પગ નીચેથી ધરતી સરકતી લાગી. બીમારી વિશેની તેમણે કરેલી ધારણા સાચી પડેલી લાગી. થોડીવારમાં સ્વસ્થ થઇને તેમણે ડોકટરને વિનંતી કરી, ” જુઓ, ડોકટર, આપણે કેન્સર સામે લડી લેવું છે. પણ હું પ્રોસેસ નો એકટર છું.

દિગ્દર્શક પાસે પહેલા બધું સમજું અને પછી તેને પાત્રમાં ઉતારું. આજથી તમે મારા દિગ્દર્શક અને હું તમારો અભિનેતા. સૌ પ્રથમ મને એ સમજાવો કે મારી ટ્રીટમેન્ટ કેવા પ્રકારની હશે? તેમાં કેટલો ખર્ચ આવશે ? મારા કુટુંબીજનોને મારી બીમારીનો ખ્યાલ ન આવવો જોઇએ. ટી.બી.ની બીમારી વધુ વકરી છે તેવા સમાચાર જ તેમને આપજો.” પોતાના મનની વાતને વાચા આપતા તેમણે કહયું કે તેમની પાસે પૈસા નથી. તેમના પિતાશ્રી આખી જિંદગી એવી ખુદ્દારીથી જીવ્યા છે કે કદી તેમણે કોઇની પાસે હાથ ફેલાવ્યો નથી. આવા સમયે તેમના રોગની સારવાર માટે કોઇની પાસે હાથ ફેલાવવો પડે તેના કરતા મોત માંગવું તેમના માટે બહેતર છે.

તેમણે આખી વાતને હકારાત્મક અભિગમથી અપનાવી લીધી. કેન્સર એટલે કેન્સલ નહીં જ એમ સમજીને તેમણે લડી લેવાનું નક્ક કયું હોસ્પિટલમાં મળવા આવતા લોકોને ખૂબજ મજા કરાવતા. સતત લોકો સાથે ગમ્મત કરતા. કોઇ ન હોય તો ટૂંકી વાર્તાઓ વાંચતા જેથી ખાલી ક્ષણોમાં નકારાત્મક વિચારો ન આવે.પોતાની જાતને સતત પ્રવૃત રાખો તો, દર્દ સામે લડવાની આ એક અસરકારક રીત છે તેવું તેમનું માનવું છે.

અર્ચનભાઇને કેન્સર થાય અને કલાકાર જગત આ વાતથી અજાણ રહે તેવું બને ખરૃં? અને ખબર પડયા પછી પણ તેઓ અર્ચનભાઇ માટે કાંઇ ન કરે તેવું પણ બને ખરું? ના જ બને. માત્ર એક જ રાતમાં આ વાત અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મુંબઇ સુધી ફેલાઇ ગઇ અને પાછા બધા અર્ચનભાઇની આર્થિક સ્થિતિથી વાકેફ એટલે અર્ચનભાઇની સારવાર માટે ફાળો ઉઘરાવવાનું નક્કી કર્યું. મૃણાલિની સારાભાઇ, અશોકભાઇ ભટ્ટ જેવા કેટલાય મહાનુભાવોના ડોકટર પર ફોન ગયા કે “અર્ચનભાઇ પાછળ થનાર ખર્ચની ચિંતા ના કરશો પણ તે બચી જવા જોઇએ.”

કેન્સર હોસ્પિટલની લિફ્ટ બંધ હોય અને ગુજરાત સમાચારના મેનેજિંગ તંત્રીશ્રી શ્રેયાંશભાઇ શાહ જાતે અર્ચનભાઇને ઊંચકી ત્રીજા માળે લઇ જાય, એટલુંજ નહીં પણ નામી-અનામી ચાહકો દ્વારા અર્ચનભાઇના કેન્સરના ઓપરેશન માટે આર્થિક મદદ કરવાના વચન અપાય ત્યારે તો સહજ છે કે તેમના માતા-પિતાને થાય કે ૨૪ વર્ષના આ દીકરાએ જીવનમાં એવું શું શું કર્યું છે કે તેની પડખે આખુ ગુજરાત ઉભુ રહયું છે?અર્ચનભાઇની હિંમત જોઇને ડોકટરે કુટુંબીજનોને કહયું કે તમારા કરતા તો આ છોકરો વધુ બહાદૂર છે. બીજા દિવસે ડોકટર વીઝીટ પર આવ્યા અને તેમને કહયું, “એલ્યા છોકરા તું છે કોણ? તારા માટે એટલા બધા લોકોના ફોન મારા પર આવ્યા કરે છે કે જાણે આખા ગુજરાતને તારી બીમારીની જાણ થઇ ગઇ ન હોય! હવે મારે તને સાજો કરવો જ પડશે.”

સામાન્ય રીતે હોસ્પિટલના રૃમની બહાર દરદીનું નામ લખવામાં આવતું. પણ અહિંયા તો તેમના રૃમની બહાર “અર્ચનનો દરબાર”, “મહેફિલનો માણસ” એવું લખવામાં આવ્યું હતું. ડોકટરે એવી વ્યવસ્થા કરી હતી કે કોઇપણ વ્યકિત તેમને કોઇપણ સમયે મળી શકતી. કેટલાક શુભચિંતકોએ તેમને તેમની બીમારીની સારવાર માટે મુંબઇ લઇ જવાની દરખાસ્ત કરી. તેના જવાબમાં ડોકટરે પૂછયું ” તેમની ખબર પૂછવા આવતી આમજનતા તેમની ખબર કાઢવા મુંબઇ જઇ શકશે? આ માણસ તેની મહેફિલના સાથીઓનો ભૂખ્યો છે. તે જ તેની દવા છે. દવા કરતા લોકો સાથે વાત કરતા કરતા ક્યારે સાજો થઇ જશે તેની ખબર પણ નહી પડે.”

થયું પણ તેમજ. કેન્સર ડિટેકટ થયા પછી માત્ર ૧૨ મહિનામાં જ તેઓ કેન્સરના ખતરામાંથી બહાર નિકળી આવ્યા. કારણકે ડોકટરોએ આપેલી સલાહ અને દવાને તેઓ વફાદાર રહયા હતા. કેન્સર વિશે કશું જ ન જાણતા લોકો દર્દીને જાત જાતની સલાહ આપતા હોય છે. પણ તેમને તેમની સારવાર પર પૂરેપૂરો વિશ્વાસ હતો. તેમને કેન્સર છે તેવી જાણ થઇ ત્યારથી જ તેમની લડતની દિશા નક્કી થઇ ગઇ હતી. તેઓ કોઇ પણ નકારાત્મક વિચારને મનમાં લાવ્યા વગર એક જ ખ્યાલ રાખતા હતાકે જગતમાં અનેક લોકો જીવે છે, હરેફરે છે. એવા કેટલાંય લોકોને તેમના ભવિષ્ય વિશે કોઇ જ ખ્યાલ નહી હોય. જ્યારે તેને તો શેની સામે લડવાનું છે તેનો ખ્યાલ હતો. આ સજાગતાએ રોગ સામે લડવા માટે તેમને બળ પુરુ પાડયું હતું.

હોસ્પિટલમાં એક વરિષ્ટ પત્રકાર તેમને મળવા આવ્યા અને નવાઇ પામતા કહયું કે અહિયા દર્દી કોણ છે તેની જ ખબર પડતી નથી. તે પત્રકારે ગુજરાતમાં બહોળો વાચક વર્ગ ધરાવતા સમાચાર પત્રમાં અર્ચન ત્રિવેદી કોણ છે તેવો લેખ લખ્યો હતો અને તેના વળતા જવાબમાં લોકોએ તેમને પત્રો લખ્યા હતા. તેની સંખ્યા અઢાર હજાર જેટલી થતી હતી. તેમણે તે પત્રોનો દરેકને જવાબ આપવાનું નક્કી કર્યુ. લખવા માટે સક્ષમ ન હતા તો પણ તેમણે દરેકના પત્રનો જવાબ આપ્યો.

સિરીયલોનું શુટીંગ ફરી શરૃ કર્યું. થોડા જ દિવસોમાંજ તેમને ઘણો મોટો પ્રોજેક્ટ મળ્યો. તેમાં પુષ્કળ કામ કર્યું અને તેના ફળ સ્વરૃપે તેમને પુષ્કળ પૈસા મળ્યા. આથી જેમણે તેમને મદદ કરી હતી તેમને તે પૈસા પરત કરવા ગયા ત્યારે કોઇએ તે પૈસા પાછા ન લીધા. તેઓ ડોકટર પાસે ગયા તો ડોકટરે તેમને તે પૈસા બાળકોની બીમારીમાં ખર્ચવાનું કહયું. આજે તે સીલસીલો ચાલું જ છે. દર વર્ષે એક બાળક દત્તક લઇને તેની સારવારનો ખર્ચ તેમની મહેનતના પૈસા માંથી તેઓ આપે છે.

આજે આવા ઓગણિસ-વીસ બાળકોના વાલી બનેલા અર્ચનભાઇને બધા લખપતિ ડોનર કહીને બોલાવે છે. ત્યારે તેઓ હસતા હસતા કહે છે કે હજી મારા ઘરના હપ્તા ચાલુ છે હોં! ખુદને કેન્સર થયું ત્યારે તેમને ઊંડાણથી સમજાયું કે દર્દ કેટલું ઘાતક છે. આજે તેઓ કેન્સર વિભાગની નિયમિત મુલાકાત લે છે. નવા દર્દીને મળે છે ત્યારે તેમને કહે છે હિંમત ન હારો. તે પોતે તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. જેમણે દવા લેવાનું બંધ કરી દીધું છે તેવા ડિસ્ચાર્જ થયેલા દરદીઓને તે પત્રો લખે છે.

તેમના હારેલા મનને બેઠા કરવા તેઓ બનતો પ્રયાસ કરે છે. તે કહે છે કે કેન્સરે તેમને સમૃદ્ધ બનાવ્યો છે. વિકટ સ્થિતિએ તેમને ઘણું બળ પુરું પાડયું છે. કદાચ કેન્સર તેમને ન થયું હોત તો તેઓ આટલા બધ મજબૂત ન હોત તેવું તેમનું માનવું છે. આજે લોકો તેમને સફળ અભિનેતા કરતાં કેન્સર સામેની તેમની જીતને કારણે વધુ ઓળખતા થયા છે.

અર્ચનભાઇ ઘરેલું હિંસા જેવા વિષયો પર પણ કામ કરે છે. ગામડાઓમાં તળપદી ભાષામાં ભવાઇ રજુ કરે છે. તેનાથી ગામડાના ભોળા લોકો સમજી શકે તેવું ભવાઇ દ્વારા તેમને તમાકુ દારૃ ન લેવા અને તેનાથી થતાં નુકસાન અંગે જાગૃત થવાની વાત આવા નાટક દ્વારા કરવામાં આવે છે. એકદમ પછાત વર્ગની બહેનો સાથે કામ કરે છે.અઠવાડિયામાં બે દિવસ ગામડાઓમાં નક્કી કરેલ શાળાઓમાં નાટક દ્વારા સામાજિક ચેતના લાવવી, સાચું-ખોટું જીવનમાં શું છે તેનો મર્મ ભવાઇના માધ્યમથી સરળતાથી પહોંચાડવાનું કાર્ય તેઓ કરે છે. દર્દી બાળકો સાથે જ્યારે પણ સમય મળે ત્યારે વાર્તા કહેવા કે ગીતો ગાવા પહોંચી જાય છે. તેમને એવી ખબર પડે કે કોઇ સારવાર લેવાની ના પાડે છે અથવા પોતાના દર્દથી કોઇ કંટાળી ગયું છે તો તેઓ જાતે ત્યાં પહોંચી જઇ તેઓને તેમના દુઃખો માંથી બહાર લાવવા પ્રયત્નશીલ બને છે.તેમણે લાખો રૃપિયા આવા દર્દીઓની સારવાર માટે અપાવ્યા છે.

અર્ચનભાઇને જોઇએ તો એમ લાગે નહી કે તેઓ આટલા બધા દુઃખોમાંથી પસાર થયા હશે. તેમના શબ્દોમાં કહીએતો “પાણી આવે તે પહેલા પાળ બાંધવી એમ આપણા પૂર્વજો કહી ગયા છે. સમય એટલો બધો ખરાબ ચાલે છે કે તેમાં માત્ર ગુટખા ખાઇને કુટુંબને થૂંકી ના નાખવું જોઇએ, તેના કરતા કુટુંબની સામે જોવા પ્રયત્ન કરવો જોઇએ. કોઇને ખબર નથી કે મોત ક્યારે આવશે. માટે પૈસાને એવી રીતે વેડફી ના નાખતા. જો શક્ય હોય તો કોઇને મદદ કરી તેમને અમુક શ્વાસ ઉછીના આપી શકો તો આપ જો. જિંદગીને જલ્સા થી વધાવજો.”

આટલું વાંચ્યા પછી પારસી વેપારી અરદેશર ફરામજી ખબરદારના કાવ્ય ‘જયાં જયાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ માં વર્ણવ્યા મુજબના ગુજરાતીના લક્ષણો પ્રમાણે જીવી જાણતા મૂઠી ઊંચેરા આ માનવીને અમારી સાથે લાખ લાખ સલામ કરશો ને?

પ્રસ્તુતકર્તાઃ
‘ડૉ. જનક શાહ અને શ્રીમતી ભારતી શાહ’

ફ્રોમઃ ‘અંધારી અમાસના તેજસ્વી તારલા’

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment