“માય ડીયર ઉર્મિલા” – મુકેશભાઈ સોજીત્રાની અલગ વિષયની ખુબ સુંદર વાર્તા…

31

હોટેલ “ધ ફન અનલીમીટેડ” ના બીજા માળે આવેલ રેસ્ટોરન્ટ “સ્પાઈસી ચીલી”માં કોર્નર સાઈટમાં ઉર્મિલા અને આલોક બેઠા હતાં. રેસ્ટોરન્ટમાં હળવું ઈન્સ્ટૂમેન્ટલ સંગીત વાગી રહ્યું હતું. બાજુમાં જ એક ટેબલ પર એક યુવતી અવળી દીશામાં મોઢું રાખીને બેઠી હતી. એ કોઈકના વેઇટ માં હતી એવું લાગ્યું. આમેય મોટી હોટેલના રેસ્ટોરન્ટમાં વેઈટર અને વેઇટ કરવા વાળા જ હોય છે. યુવતીનો ચહેરો લાલ દુપટાથી બાંધેલો હતો. આંખો પર કાળા ગોગલ્સ અને ડાબા ગાલ પર કુદરતી કાળો તલ એની સુંદરતામાં ચાર ચાંદ લગાડી રહ્યો હતો. વાતાવરણમાં ડોલરની ખુશ્બુ વર્તાતી હતી. ઉર્મિલા એ યુવતીને જોઈ શક્તિ હતી. એનો સાઈડ ફેસ જ દેખાતો હતો. એ યુવતી વારે વારે મોબાઈલ ચેક કરતી હતી. અને દરવાજા તરફ જોઈ રહી હતી. આલોક અને ઉર્મિલા મનચાઉ સુપનો સ્વાદ માણી રહ્યા હતાં. બને એકબીજાના ચહેરા જોઈ રહ્યા હતાં. ઉર્મિલાએ મૌન તોડ્યું અને ધીમેકથી બોલી.

“લાગે છે કે મેડમ કોઈની રાહ જોઈ રહ્યા છે, આપણે એક જ દુઃખિયા નથી . માણસો લગભગ દુઃખી જ હોય છે. મને આ પસંદ ના આવે કે જે ટાઈમે તમારે આવવાનું હોય એ ટાઇમે આવી જ જવાય. આપણે પ્રેમીઓ કહેવાઈએ થોડા પોલીટીશયન છીએ કે રાબેતા મુજબ મોડા જ આવવું”? ઉર્મિલાએ કહ્યું કે તરત જ આલોક બોલી પડ્યો.

“આપેલ ટાઈમ કરતાં એ વહેલા આવીને બેસી ગઈ હોય તો તને શી ખબર?? અને આ આખું મોઢું બાંધીને બેઠી છે એટલે હજુ પ્રેમ પ્રથમ તબક્કામાં હશે.ધીમે ધીમે એ ટેવાઈ જશે આપણી જેમ ચાલ એ વાત મુક અને તને જે ભાવે એ ઓર્ડર આપ હવે મેનુમાં જોઇને!! કોઈકની શું ચિંતા કરવી.આપણી ચિંતાનો હજુ કોઈ ઉકેલ નથી ને આપણે વગર જોઈતી ક્યાં કરવી.” આલોકે કંટાળાથી કહ્યું અને ઉર્મિલા એ પોતાની પસંદની બે સબ્જી , બટર નાન, મસાલા પાપડ, બે પંજાબી છાસ અને જીરા રાઈસ વિથ દાલ તડકા મંગાવી લીધું. પંજાબમાં જેટલું પંજાબી નહિ ખવાતું હોય એટલું પંજાબી ગુજરાતમાં ખવાતું હશે!!

ભોજનનો સ્વાદ માણતા માણતા ઉર્મિલાએ કહ્યું.

“તે પછી પેલી કંપનીમાં તારા જેક લગાડીને જાણી લીધું કે નહિ ત્યાં શું પરિસ્થિતિ છે. મારા ખ્યાલથી આ વખતે તો તને ચાન્સ મળી જ જશે. એક વાર તું લાગી જાને નોકરીએ એટલે બધું જ ક્લીયર છે.અને હા હવે તો મારી જેમ મમ્મી પણ બાધા રાખે છે!! એણે મને બે દિવસ પહેલા જ કહ્યું કે ઉમા આલોકને કોઈ નોકરી મળી જાયને તો હું ડાકોર જઈને દર્શન કરાવી આવીશ..!! બોલ આલોક સાસુ જમાઈ માટે માનતા રાખે અને એ પણ આપણા લગ્ન થયા પહેલા!! લગ્નનું તો ઠીક પણ હજુ આપણું એન્ગેંજમેન્ટ ક્યાં થયું છે?? તોય મારી મમ્મીને તું ખુબ જ પસંદ છે. બસ એક પાપાની હઠ છે કે છોકરો કોઈ કંપનીમાં નોકરી કરતો હોય તો જ આગળ વાત” ઉર્મિલાએ કહ્યું અને આલોક લાગણીસભર બની ગયો.

“સાચી વાત છે તારી ઊર્મિ!! તારી બા જેવું તો કોઇથી થવાશે જ નહિ. બહુ ઓછી માતાઓ દીકરીની પસંદની પડખે ઉભી રહે છે,પણ મારા કરમ ફૂટલાં કે નસીબ બે ડગલાં આગળ જે કે ઈ પણ દર વખતે છેલ્લી ઘડીએ કોઈને કોઈ આડું આવી જાય છે.અને સિલેકશન અને મારા નસીબ વચ્ચે સંતાકુકડીનો ખેલ ખેલાય છે. આ વખતે મેં બધું જ ચેક કરી લીધું છે. મારા જેક દ્વારા મેં એટલું જ જાણી લીધું છે કે એક યુવતી મારી કરતાં મેરીટમાં આગળ છે.. બસ એક યુવતી….!! એણે પણ એમ કોમ વિથ આઈ સી ડબલ્યુ કરેલું છે. હાલ તે સુરતમાં જોબ કરે છે અને અમદાવાદ એનું નેટીવ છે એટલે એ અહિયાં આવવા માંગે છે. એ યુવતી જો ના હોયને ફાઈનલ ઈન્ટરવ્યુંમાં તો પછી તો મારો કોઈ જ હરીફ નથી જ!!” આલોકે જીરા રાઈસ દાલ તડકા સાથે મિક્ષ કરતાં કરતાં કહ્યું.

“કઈ વાંધો નહિ ડીયર!! તું પૂરતા પ્રયત્નો તો કરજે જ!! ફાઈનલમાં તારા માર્ક્સ વધી જાય તો કદાચ એ યુવતીને તક પણ ના મળે… અને આમેય આ કંપનીમાં કોઈ લાગવગ કે ભલામણ નથી ચાલતી એટલે જ તો એ આ શહેરની નામાંકિત એકાઉન્ટ કંપની છે.. તું પુરતી તૈયારી તો કરજે જ!! તને બેસ્ટ ઓફ લક..!! આ વખતે તો ઈન્ટરવ્યુંમાં હું તારી સાથે જ આવવાની હતી પણ મારે એ દિવસે લગ્નપ્રસંગમાં જવું પડે એમ છે. અને ગયાં વગર હાલે એમ નથી. ફઇના દીકરા ના લગ્ન છે અને હું એકમાત્ર બહેન છું લુણ ઉતારવા વાળી એટલે ના જાવ ને તો ફઈનું મોઢું ચડી જાય અને પાપાને ફઈ ઘણું બધું સંભળાવે. એટલે કોઈ છૂટકો જ નથી.”

“ઓકે કોઈ વાંધો નહિ. તારી શુભેચ્છાઓ તો મારી સાથે જ હોયને એમાં શું ચાલ મમ્મીને મારી યાદ આપજે, વેઈટર બિલ પ્લીઝ!!” બને એ જમવાનું પૂરું કર્યું. થોડી આડાઅવળી વાતો કરી. કદાચ આ જોબ મળી જાય તો ક્યારે લગ્ન કરવા અને હનીમુન માટે ક્યાં જવું એની પણ વાતો કરી. પછી વેઈટરને બિલ સાથે ટીપ્સ પણ આપી અને બેય રવાના થયાં જતાં જતાં પણ ઉર્મિલા બોલી.

“કલાક થયો ને મેડમ હજુ બેઠા છે, એકલા એકલાં છ સમોસા ખાઈ ગયાં. પણ એના લવ દેવતા ના આવ્યા. આવ્યા હોત તો એનો ચહેરો જોવો હતો કે છોકરીને રેસ્ટોરન્ટ માં આટલું વેઇટ કરાવનાર આ સદભાગી દેખાવે કેવો છે??”

“હવે મુકને લપ!! તારી આ ટેવ મને બિલકુલ પસંદ નથી. આપણે ગમે ત્યાં ફરવા જઈએ તારી ટીપ્પણીઓ બીજા કપલ માટે શરુ જ હોય છે.” અને હાથમાં હાથ પકડીને બને નીચે દાદર ઉતરવા લાગ્યાં. અને પેલી યુવતી પોતાના મોબાઈલમાં અને સમોસા ખાવામાં વ્યસ્ત હતી.

આલોકની વાત સાચી હતી. ઉર્મિલાને કોમેન્ટ કરવાની ટેવ હતી જ!! જોકે એમની કોમેન્ટ હમેશા નિર્દોષ જ હતી એ ઘણી વાર કહેતી કે આલોક જોડી તો આપણા બેની જ છે પેલીને તું જો એકદમ ગોરી ચિટ્ટી છે અને એનો ફિયાન્સ માં કાઈ ઠેકાણા છે!! વાળ પણ ધોળા થઇ ગયાં અડધા અને નાક પામ છીબા જેવું છે” અથવા કે તી કે “આલોક પેલી ને જો અને પેલાને જો તને નથી લાગતું કે આ કિસ્સામાં વાંદરી સફરજન લઇ ગઈ છે” બસ દરેક કપલ માટે એ આવી ટીપ્પણીઓ કરતી જ!!

આલોક અને ઉર્મિલા પાંચ વરસથી એક બીજાને ઓળખાતા હતાં. બને એ સાથે જ કોલેજ કરી હતી. આલોકે એમ કોમ પૂરું કરીને આઈ સી ડબ્લ્યુ એ ની પરીક્ષા પાસ કરી હતી. અને જોબ માટે સંઘર્ષ કરી રહ્યો હતો. દરેક વખતે એ નિરાશ થઈને પાછો ફરતો હતો. આ વખતે એને પૂરી ખાતરી હતી કે નોકરી તો નહિ જ મળે કારણકે એની આગળ એક કેન્ડીડેટ ના સારા ગુણ છે અને અનુભવી પણ છે.જ્યારે આલોક ફ્રેશ હતો. અને સહુથી વધુ મહત્વની બાબત કે એ સ્ત્રી હતી. એટલે સ્વાભાવિક એનું સિલેકશન થઇ જ જવાનું હતું.

કોલેજના બીજા વરસથી જ ઉર્મિલા અને અલોક વચ્ચે પ્રણયના અંકુર ફૂટ્યા હતાં.પ્રણયનો છોડ કોઈ પણ ઋતુમાં અને કોઈ પણ જગ્યાએ ઉગી નીકળે છે.અને થોડું થોડું પાણી પાવામાં આવે તો બહુ ટૂંક સમયમાં જ એ એક ઘેઘુર અને ઘટાદાર વ્રુક્ષ બની જાય છે!! એટલે પ્રણયને બારમાસી કહેવામાં આવે છે!! બને પ્રેમી પંખીડા એક બીજાના સથવારે જીવવા લાગ્યાં. આલોકના ઘરે બધાને ખબર પડી.કશો જ વાંધો ના આવ્યો. ઉર્મિલાના સ્વભાવ ના કારણે આલોકના ઘરેથી લીલી ઝંડી મળી ગઈ.પણ ઉર્મિલાના ઘરે થોડી ચર્ચા થઇ. ઉર્મિલાના માતા વસુબેને સહુ પ્રથમ આલોકને ઉર્મિલાની જન્મદિવસની પાર્ટીમાં જોયો. એની પહેલાં ઉર્મિલાએ એની માતાને વાત કરી જ લીધી હતી.

“મમ્મી આલોક સાથે હું વચને બંધાઈ ગઈ છું. મમ્મા તારે મદદ કરવાની છે. મમ્મા આલોક સારો છોકરો છે. ખુબ જ હોંશિયાર અને સ્માર્ટ પણ છે. તું જોઇશ ને એટલે તને મારી પસંદગી પર માન થશે મમ્મા”

“કોઈ જ વાંધો નહિ બેટા,તારા સુખ આગળ અમે નહિ આવીએ હું તારા પાપાને વાત કરીશ. પાર્ટીમાં આલોકની ઓળખાણ વસુબેને એના પતિ વિભાકરને કરી.

“વાત બધી જ સાચી વસુ. છોકરો દેખાવે સારો છે,આપની દીકરીની ચોઈસ છે એટલે કોઈ જ ખોટ નહિ હોય.પણ જીવન એટલું સરળ નથી જ !! શું ખાતરી કે એ આપણી દીકરીને સુખી જ કરશે. ખાલી પ્યાર કરવાથી પેટ નથી ભરાતું. પેટ નો ખાડો પુરવા માટે પૈસા જોઈએ, આપણી દીકરીને આપણે બધું જ આપ્યું છે. જે માંગ્યું એ આપ્યું છે. કાલે સવારે એને તકલીફ પડી તો એક ઉષા અને એના પતી દિલીપનો ભાર તો આપણે ઉપાડિયે છીએ અને એ પણ ક્યાં સુધી આપણે જીવતા છીએ ત્યાં સુધી પછી તું શું એમ માને છે કે આપણા દીકરાઓ એની બહેન અને એના બનેવીને છેક સુધી સાચવશે??? એટલે જયા સુધી આલોકને સારી એવી જોબ ના મળે ત્યાં સુધી હું કોઈ જાતનું વચન નથી આપતો. જા કહી દે તારી લાડલી ઢબુડીને કે તારા સપનાના રાજકુમાર પહેલા રળતા શીખે પછી આવીને તારો હાથ માંગે. હું રાજી ખુશી થી મારી દીકરીને વળાવીશ એની સાથે” વિભાકરે મક્કમતાથી કહ્યું.

અને વિભાકરની વાત ખોટી તો નહોતી જ પાંચ વરસ પહેલા મોટી દીકરીએ ઉષાએ દિલીપ સાથે લવ મેરેજ કરી લીધા હતા. વિભાકરે સંબંધ માન્ય રાખ્યો પણ છ જ મહિનામાં દિલીપની સાચી સ્થિતિ સામે આવી ગઈ . દિલીપ રૂપાળો ખરો પણ કશું જ ના કમાય .પછી ના છુટકે વિભાકરે એની લાગવગથી એક કારખાનામાં મેનેજર તરીકે નોકરી અપાવી પણ મંગાળે મશ વળવા દે તો દિલીપ શાનો!!?? ક્યાંય એનો ટાન્ટીયો ટકે જ નહિ ને.. વિભાકરે બધી જ મદદ કરી. છેવટે હારી થાકીને એક કાપડનો શો રૂમ કરી દીધો. અને એમાય ઉષા બરાબર ધ્યાન આપે એટલે દિલીપની ગાડી પાટે ચડી ગયેલી પણ તોય હજુ વિભાકર એને પૈસાની મદદ કરતાં હતાં ને!! ઉષાને ખાતર એ મદદ કરતાં હતાં. પોતાના બને દીકરાની ઉપરવટ જઈને એ ઉષાને ખાતર મદદ કરતાં હતાં અને એનું કારણ એ જ હતું કે ઉષાના જન્મ પછી જ વિભાકરને સારું થયેલું. એટલે ઉષાને દુઃખ થાય એવું કોઈ જ પગલું તે ભરતા ના હતાં. એટલે જ વિભાકર હવે ઉર્મિલા માટે કોઈ જ રિસ્ક લેવા તૈયાર નહોતા.

ઉર્મિલા એની માતાની વાત સાંભળીને રાજી થઇ ગઈ. પાપાએ હા પાડી એ જ મોટી વાત હતી. અને એણે માતાને કીધેલું કે

“આલોક પોતાની મેળે કમાઈ લેશે એને સારી જોબ મળે પછી જ અમે પરણીશું .એનામાં કૌવત છે પાટુ મારીને પણ પાણી કાઢે એવી તાકાત ધરાવે છે, એ દિલીપકુમાર જેવો નથી કે સસરાના પૈસે એશ કરે.. આ તો ઉષાલી એમાં શુય ભાળી ગઈ છે બાકી મારા જેવી હોયને તો સાંજે જ દિલીપને રવાના કરી દે.. પ્રેમ કરતાં પહેલા બધું ચેક કરવું પડે!! પ્રેમ કરવો એ નવું મકાન બનાવવા બરોબર છે.. મકાનના પાયા ઊંડા અને મજબુત હોવા જોઈએ કે ભવિષ્યમાં ગમે તેવું વાવાઝોડું આવે મકાન સહેજ હલવું ના જોઈએ. મેં આ બધો પહેલા વિચાર કર્યો છે અને પછી જ આગળ ડગલું માંડ્યું છે. અને આજની દરેક યુવતીને હું તો કહું છું કે બ્લાઈંડ લવ ના જમાના હવે ગયાં .સામેના પાત્રમાં ત્રણ એક્કા હોય તોજ આગળ વધજો છેલ્લી ઘડીએ દુડી કાઢીને ઉભા રહે એવા સાથે તો આંખ પણ ના મિલાવાય” વસુબેન પોતાની દીકરીને સાંભળતી રહી. ઉર્મિલા અદલ એના બાપ વિભાકર પર ગઈ હતી.વસુબેન હજુ ઉર્મિલાને નાની માનતા હતાં પણ એની વાત સાંભળીને થયું કે દીકરીઓ ઝડપથી પુખ્ત અને પરિપકવ થઇ જાય છે.

આ બનાવ બન્યા પછી આલોકે જોબ મેળવવા સંઘર્ષ શરુ કરી દીધો.અઠવાડિયામાં ઉર્મિલા અને આલોક બે ત્રણ વાર મળતાં. બને વાતો કરતાં અને એક બીજાને આશ્વાસન આપતાં.અને આ વખતે લગભગ ફાઈનલ જેવું જ હતું.કંપની સારી હતી. હોદ્દો મોભાને અનુરૂપ હતો. વાર્ષિક નવ લાખનું પેકેજ સાથે ગાડી ,બંગલો મફત મળતો હતો. કંપની આમ તો કોઈની ઓળખાણ પણ નોકરી આપતી નહિ પણ તોય આલોકનો પાડોશી નો જમાઈ આ કંપનીમાં હતો. આલોકે આ જોબના ઉમેદવારો વિષે માહિતી મંગાવી હતી.ઘણી જહેમત બાદ એ એટલી જ માહિતી મેળવી શક્યો હતો કે ફાઈનલ ઈન્ટરવ્યુંમાં ચાર જણને બોલાવવામાં આવશે એમાં એક આલોકનો પણ સમાવેશ છે.મેરીટમાં સહુથી આગળ એક યુવતી છે એટલે લગભગ એ સિલેક્ટ થશે.બાકીના ત્રણ ઉમેદવારને એક વરસ સુધી વેઈટીંગ લીસ્ટમાં રાખવામાં આવશે. ટેમ છતાં આલોકે મૌખિક ઈન્ટરવ્યું ની પૂરી તૈયારી કરી હતી.

ઈન્ટરવ્યુંનો દિવસ આવી ગયો. ઉર્મિલા ગામડે એની ફઇના દીકરાના લગ્ન માટે ગઈ હતી.સવારે જ એણે આલોકને શુભેચ્છાઓ પાઠવી હતી. બરાબર દસના ટકોરે એ કંપનીની ઓફિસે ઈન્ટરવ્યું માટે પહોંચી ગયો. એક ચેર પર પોતાનું નામ કાગળ પર લખીને ચીપકાવેલું હતું. આલોક ત્યાં બેસી ગયો આલોકની આગળ એક ખુબજ રૂપાળી કહી શકાય એવી યુવતી બેઠી હતી. આલોકને લાગ્યું કે આ એજ યુવતી છે જે સુરત જોબ કરે છે.યુવતીએ તેના સામે જોઇને સ્મિત કર્યું.આલોકે પણ સ્મિતનો રીપ્લાય આપ્યો અને તે એ યુવતીની સુંદરતામાં ખોવાઈ ગયો. યલો કલરના ડ્રેસમાં યુવતી મઘમઘી રહી હતી. વિના મેકઅપ કર્યા વગર તે અત્યંત રૂપાળી હતી. એકદમ સામાન્ય ડ્રેસમાં તે અસામાન્ય લાગી રહી હતી. હાથમાં યલો કલરનું પર્સ અને બ્લ્યુ રંગની રિસ્ટ વોચ હતી.એ હસતી ત્યારે ગાલમાં ખંજન પડતાં હતાં.

“નંબર એક સીમા મહેતા” મેનેજરની ઓફીસ આગળ બેઠેલા એક જાડિયા પટાવાળાએ બુમ પાડી અને તે યુવતી ઉભી થઇ અને અંદર ગઈ. આલોક ના ધબકારા વધી ગયાં.એ આંખો મીંચીને બેસી રહ્યો. દસેક મિનીટ પછી પટાવાળાની બુમ સંભળાઈ.

“નંબર બે આલોક પટેલ” અને આલોક ઉભો થયો. રૂમાલથી મો સાફ કર્યું અને દરવાજામાં એ યુવતી તેની સામે આવી તે બોલી.

“બેસ્ટ ઓફ લક આલોક” આલોક તેને જોઇને બોલ્યો થેંક્યું અને અંદર જતો રહ્યો. ઈન્ટરવ્યું લેનાર એક જ વય્ક્તિ હતો. પચાસની આસપાસ પહોંચેલ વ્યક્તિએ આલોકને બેસવાનું કહ્યું.આલોકની પ્રોફાઈલ જોઈ લીધી. થોડા પ્રશ્નો પૂછ્યા. “જીએસટી ના ફાયદા ગેર ફાયદા”, મૂડીનું રોકાણ,અને અર્થતંત્ર વિશેના પર્શ્નોના આલોકે જવાબ આપ્યાં. કંપની પાસેથી તે શું અપેક્ષા રાખે છે એ વિષે પૂછપરછ થઇ.અલોકના કુટુંબ વિષે માહિતી માંગી અને છેલ્લે એક પ્રશ્ન પૂછ્યો અને આલોક સફાળો ઝબકી ગયો.

“ આ ગઈ એ સીમા મહેતાને ઓળખો છો?”

“ ના હું આજે જ તેમને મળ્યો છું અને અહી એનું નામ બોલાયું ત્યારે જ મને ખબર પડી કે એનું નામ સીમા છે “ આલોકે કહ્યું. મેનેજર બોલ્યો.

“અહી અમદાવાદની જ છે, હાલ સુરત માર્કેટિંગ કંપનીમાં છે.ખુબ જ શાર્પ માઈન્ડ અને બ્રીલીયંટ છે.મારી લાઈફમાં આવી છોકરી મેં જોઈ નથી. અને બીજી વાત કે એ આ નોકરી ને નકારીને ગઈ છે. કહેતી ગઈ છે કે મને આમાં કોઈ ઈન્ટરેસ્ટ નથી. બીજી કોઈ યોગ્ય વ્યક્તિ તમે શોધી લેશો.આ તો કંપનીને સિલેકશન કરવામાં કોઈ સમસ્યા ના થાય એટલે આજ કહેવા આવી છું. હવે એ જ્યાં નોકરી કરે છે ત્યાં આના કરતાં અડધો પગાર છે, પણ મને નવાઈ લાગી કે આવી જોબને એ ઠોકર કેમ મારી શકે.હવે એના પછી બીજા નંબરે તમે આવો છો એટલે તમારી અને એ યુવતી વછે કોઈ એવા લાગણીના સંબંધો નથી ને?? હોય તોય કંપનીને કોઈ જ વાંધો નથી”

“ના સાહેબ બીલીવ મી. હું એને જાણતો પણ નથી” આલોકે ગભરાતા ગભરાતા કહ્યું.

“ઇટ્સ ઓકે” મેનેજરે કહ્યું અને બીજી ફોર્મલ વાતો થઇ અને મેનેજરે અપોઈન્ટમેન્ટ લેટર આપ્યો, અને આલોકનો ચહેરો ખીલી ઉઠયો. આલોક ઓફિસની બહાર આવ્યો અને બે હાથ હવામાં ઊંચા કરીને એને આકાશમાં જોયું અને બોલ્યો. “યસ આઈ ગોટ ઈંટ”

ઉર્મિલાને મેસેજ કરી દીધો અને પછી એ ચાલી ને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો.બે દિવસ પછી એ પોતાના માતા પિતા સાથે ઉર્મિલાના ઘરે હતો. વિભાકરે કંપનીમાં તપાસ કરી લીધી હતી. બે દિવસ પછી એ જોબ પર હાજર થવાનો હતો. વિભાકર ખુશ હતો. પોતાની દીકરીની પસંદગી પર ખુશ હતો. અને ઉર્મિલાની અને આલોકની સગાઇ ગોઠવાઈ ગઈ. ત્રણ માસ પછી બને પ્રભુતામાં પગલા માંડવા જઈ રહ્યા હતાં.

એક દિવસ આલોકે ઓફિસેથી ફોન કર્યો ઉર્મિલાને.

“ આજ સાંજે છ વાગ્યે ગાંધી પુલ આવજે ને આજે સાંજે સાથે જમીશું” ઉર્મિલાએ સહમતી જતાવી અને બને સાંજના સાત વાગ્યે રીવર ફ્રન્ટ પર ઘૂમતા હતાં અને અચાનક જ આલોકની નજર એક યુવતી પર પડી. અને એ ઓળખી ગયો અને ઉર્મિલાને કહ્યું.

“ એ પેલી જ છે કે જેણે જોબ ઠુકરાવી એટલે મને મળી છે.ઉર્મિલા તારી ઈચ્છા હોય તો એને મળી લઈએ અને હું આભાર માની લઉં” અને બને જણા તે યુવતી પાસે ગયાં. એ યુવતી સાબરમતીના પાણી સામે જોઈ રહી હતી. ઉર્મિલા અને તે યુવતીની આંખો મળી અને બંને જોઈ જ રહ્યા અને અચાનક જ તે બોલી ઉઠી.

“ તું સીમા છો ને?? સીમા મહેતા!!!??

“યસ માય ડીઅર ઉર્મિલા” અને બને સખીઓ એક બીજાને ભેટી પડી. બને એકબીજા ને વળગીને આંખમાંથી આંસુઓ વહી જતાં હતાં. થોડીવારે બને એ સ્વસ્થતા ધારણ કરીને એક બાંકડા પર બેઠી હતી.બને એકબીજાની આંખોમાં તાકી રહ્યા હતાં.આલોક અહી ઉભો છે એ તો તેઓ બને ભૂલી જ ગઈ હતી. ઘણી બધી વાતો થઇ. અને આલોકને જાણવા મળ્યું કે આ બને આઠ થી દસ ભેગા ભણતાં એક શાળામાં અને ખાસ સખીઓ હતી. સીમા હમેશા ઉર્મિલાને માય ડીઅર ઉર્મિલા કહેતી. અને ઉમા સીમા ને માય ડીઅર સીમા કહેતી. એક બીજાની નોટબુક પર પણ માય ડીઅર ઉર્મિલા અને માય ડીઅર સીમા એવું લખતી. દરરોજ સાથે જ નાસ્તો કરતી. સીમાના પાપા ઇન્કમટેક્ષ ઓફિસર હતાં. ધોરણ દસ પછી એના પાપાની બદલી થઇ હતી સુરત અને ત્યારથી એ બને જુદા પડ્યા હતાં. તે આજ અચાનક જ ભેગા થઇ ગયાં છે. થોડી વારે ઉર્મિલા બોલી.

“માય ડીઅર સીમા આ મારા થનાર પતિ છે આલોક પટેલ.. તું એને ઈન્ટરવ્યું માં મળી જ ચુકી છોને??”

“માય ડીઅર ઉર્મિલા એની પહેલા પણ હું એમને મળી ચુકી છું અને તનેય મળી ચુકી છું પણ તને ખબર નથી એ વાતની “ ઉર્મિલાને નવાઈ લાગી. આલોકની આંખો પણ પહોળી થઇ ગઈ. સીમા એ વાત આગળ ચલાવી.

“સ્પાઈસી ચીલી રેસ્ટોરન્ટ માં હું તમારી આગળ જ બેઠી હતી. મોઢા પર બાંધેલું હતું એટલે તું મને ના ઓળખી શકી પણ હું તો તને ઓળખી જ ગઈ હતી કે આ મારી માય ડીયર ઉર્મિલા જ છે. તમારી બનેની વાત સાંભળીને મને થયું કે આ જોબ આલોકને મળવી જ જોઈએ અને ત્યારથી જ મેં નક્કી કરી નાંખ્યું હતું કે હું સામે ચાલીને આ જોબની ના પાડી દઈશ. જોકે અત્યારે જ્યાં છું ત્યાં પગાર ઓછો છે પણ શાંતિ છે. મારું ફેમેલી અહી હતું એને મેં સુરત તેડાવી લીધેલ છે. આજ હું મારા ફીઆંસને અહી મળવાની છું એટલે આવી છું અને એ દિવસે પણ હું એની જ રાહ જોતી હતી. અને તને ખબર છે કે મને વહેલા આવવાની ટેવ છે. તારા ઘરે પણ હું સવારના નવ વાગ્યે પહોંચી જતી .જોકે શાળાએ તો આપણે સાથે જ સાડા દસે જ જતાં. મારો ફીઆંસ ડોકટરનું ભણે છે દર શનિ રવિ હું અહિયાં આવું છું. એને એક વરસ બાકી છે પછી હું પરણી જઈશ અને એની પહેલા તમે બને પરણી જશો. મારી શુભેચ્છાઓ તમારી સાથે છે માય ડીઅર ઉર્મિલા” અને ઉર્મિલા ફરીથી સીમાને ભેટી પડી. બને સખીઓ એક બીજાને બાથમાં લઈને ખુશીના આંસુ પાડી રહી હતી.

“હું આવી ગયો છું” એક અજાણ્યાં અવાજે બને સખીઓ છૂટી પડી અને સામે જોયું તો એક હેન્ડસમ અને રૂપકડો યુવાન ઉભો હતો.

“ મારું નામ પીયુષ ભટ્ટ છે અને તમે કદાચ એના માય ડીયર ઉર્મિલા જ હશો.. ખરુંને?? તમારી એ ખુબ જ વાતો કરે છે મારી આગળ.. હું એમનો થનાર માય ડીયર પીયુષ છું” અને ચાર જણા ખડખડાટ હસી પડ્યા. અને અડધા કલાક પછી ચારેય જણા “ સ્પાઈસી ચીલી” માં સહ ભોજન લઇ રહ્યા હતાં. ઉર્મિલા અને સીમા પડખે પડખે બેઠા હતાં. બને ની આંખોમાં થી સ્નેહની સરવાણી વહેતી હતી!!!

લેખક : મુકેશ સોજીત્રા

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment