જીવનમાં જેણે સાચો પ્રેમ કર્યો હશે એ જ વ્યક્તિને આ પત્રના લખાણની ઊંડાઈ ખબર પડશે…

1198
naren-sonar-story-love-latter

પ્રેમી કે પ્રેમિકા ભલે ત્યજી જતો કે જતી રહે પણ પ્રેમ કદી કોઈને ત્યજતો નથી એ વાતની પ્રતીતિ કરાવતો ભાવના પ્રધાન પત્ર ……

કુશાગ્ર,
મને ખાતરી છે કે તું તારે કુશળ જ હશે

કારણ તારી સાથે આટલો સમય ગાળ્યા પછી એટલું તો સમજી જ શકી છુ કે તું કુશળ ન હોય તો પણ કુશળ દેખાવાનું દેખાવપણું છોડી શકતો નથી. તારી મજબુરી તું જાણે. હું તને હજી નખશીશ જાણી નથી શકી પણ તું મને સમસ્તમાં જાણી ગયો હોય એમ બને ! પણ ગણી જાય એમ કેમ બને ? અરે કોરી સ્લેટ જેવું મારું અસ્તિત્વ સોપ્યું હતું તને એ સ્લેટમાં પ્રેમના પાઠ તું મારી પાસેથી જ તો ભણી ગયો હતો ને હવે તું મને ભણાવી જાય ને પછી મને જ ઉઠા ભણાવી જાય એમ કેમ બને. તને એમ જ હતું કે હું કશું જ જાણતી નથી. પ્રેમમાં સાવ અબુધ પણ ન હોવું જોઈએ.થોડી ઘણી સાવચેતી તો રાખવી જ રહી જે મેં તારા પ્રત્યે રાખતા રાખતા ન રાખી એનું પરિણામ પામી જ ચુકી છુ.
દિલની વાત એના દિલદારને મોટે ભાગે દરેક પ્રેમી કે પ્રેમિકા કહે જ છે કારણ ત્યારે આગળ જતા સામે વાળી વ્યક્તિ એને કેવી રીતે મુલવે છે એ કળી નથી શકાતું અને એથી જ મોટાભાગના પ્રેમ સંબંધો અકાળે અવસાન પામવાનું કારણ વાતની ખોટી રીતે મુલવણી હોય શકે છે. એવી જ ઘણી દિલની વાતો મેં તને મારો દિલદાર સમજીને કરી હતી પણ તું એને મારી દુખતી રગની આડમાં ઉપયોગ કરે એમ કેમ બને ?

મને તો એમ જ લાગે છે કે તને મારું નીતિશુદ્ધ અસ્તિત્વ મારું સાવ સરળ જે તને જરાય જચ્યું નહિ ! તને છીછરાપણું, વાચાળતા અને સ્વછંદીપણું ધરાવનારમાં જ રસ લાગે છે એવું અનુભવ્યું પણ ખરું પણ હશે એમ સમજી જતું કર્યું એ પણ મારી ભૂલ જ સમજ. મેં જે સ્નેહમય લાગણીનો પ્રવાહ તારા અસ્તિત્વની ધરા પર વહેડાવ્યો એ જાણે પત્થર પર પાણી જ સમજ.

મારા અસ્તિત્વને તે એક શેરડી જેવું ન સમજ શેરડીનો રસ કાઢનારો પણ થોડો રસ તો એમાં છોડી જ દેતો હોય છે પણ તે તો મારા સમસ્તમાંથી એટલો કસ કાઢી લીધો છે કે મારામાં કઇ બચ્યું જ નથી. ને ઉપરથી નામશેષ થયાનો કલંક તું લગાવતો જાય એમ કેમ બને !

હું તો સાક્ષાત તારી સાથે હતી સતત હતી તારા સાન્નિધ્યમાં ઓતપ્રોત હતી. પણ અફસોસ કે તું મને ન સાચવી શક્યો કે મારામાં કશું બચાવી શક્યો. મને હવે પામવાની વાત તો દૂર હું તો અચાનક તારી સામે આવી ઉભી રહી જાઉં તો મારે તને મારો પરિચય નવેસરથી આપવો પડે એમ બને. સાવ નકામી ગણી મારી હસ્તીને તું પસ્તીમાં ખપાવે એમ કેમ બને?
હકીકતથી તું દૂર ભાગનારો તો નહોતો જ. થોડી ઘણી માણસાઈ તો તે બચાવી જ રાખી હશે એવું હું એટલા માટે માનું છુ કે જયારે તારી બેગ પેક કરતી તો કંઇક કંઇક બચી આવેલું મળી આવતું. તું સાવ ખાલી નહોતો થઈ જતો એ હું જાણું છુ .
હવે મારી પાસે તને સંતોષવા જેવું કશું જ નથી બચ્યું. અને જે બચ્યું છે તે હવે બહુ ઝાઝો સમય કાઢી શકે એમ નથી. પણ જતા પહેલા મને તને કંઇક કહેવું છે જે આપણા વચ્ચે ફાટી નીકળેલા મતભેદના યુદ્ધને શાંત કરવામાં જરૂર સાથ કારગર નીવડે એમ બને. જો અહી આવવાનું મન બનાવે તો ઘરમાં સહુને સીધે સીધું કહીને આવીશ એવું રાખજે. હવે આમ પણ ખોટું બોલી નવી વાર્તા ઉભી કરવાનો પ્રયત્ન વ્યર્થ છે. કારણ આપણી આ અંતિમ મુલાકાત જ હશે એવું મન બનાવીને જ આવજે. પછી હું તને નહી જડું. અનંતના સરનામે તું મને ક્યાં શોધીશ ?

ખબર છે તને ? તું જયારે પણ મને મળવા આવવાનું કહેતો ત્યારે હું તને કુલ્ફી લાવવાનું ન ભૂલીશ એવું કહેતી. હવે એનું ઉલટું કહી રહી છુ કે કુલ્ફી ન લાવીશ..કારણકે હવે મીઠાસ પણ સાવ કડવી લાગે છે. અને આમ પણ સ્વાદ અને આશાવાદ બંને તો ક્યારના વિદાય લઇ ચૂકયા છે. બીજું કે હવે એ કુલ્ફી વાળો પણ નથી રહ્યો એ પણ પંચત્વમાં પીઘળી ગયો છે. રહી મારી વાત હવે ખાલી કહેવા ખાતર કહી શકાય એવી અસ્થીઓમાં થોડા માંસ સાથેની જાત બચી છે.
પણ હા તું મને ઓળખીશને ? જોવ તો ખરી કે મને જોઈ તું કેવું રીએક્ટ કરે છે!

તારી સાથે થોડું રડી લેવું છે. સમસ્ત જાત સાવ સુકાઈ ગઈ છે ફક્ત નયનોમાં આંસુ સચવાયેલા છે. તને જે કંઈ કહેવાનું હતું, ઠપકો આપવાનો હતો તે આ પત્રમાં આપી ચુકી છુ. માટે એ ડરથી આવવાનું ન ટાળીશ.

મારી આ તારા પ્રત્યેની છેલ્લી પ્રતિક્ષા છે જે ભ્રામક ન નીકળે એ જ છેલ્લી પ્રતિક્ષામય અપેક્ષા સાથે વિરમું છુ.

રજની જે ધૂળ થઈ જવા તરફ…..

લેખક : નરેન કે સોનાર ‘પંખી’

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & Jalsa Karo ne Jentilal

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email પર અથવા Whatsapp 08000057004 કરો. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment