વિરહનો વંટોળ… – અને આખરે એ એકાંતનો એ વિરહનો અંત આવ્યો…

122
narendra-joshi-virah-no-vantol

વિરહનો વંટોળ….

નામ જીવીડોશી… ખૂબ જીવ્યા.. એના ધણીએ તો બાર વરસ પહેલાં રથયાત્રા પૂર્ણ કરીને દૂરની યાત્રાએ નીકળી પડેલો. તેના વિરહમાં જીવીડોસી એકાંતને નિસાસા જમાડે, આંસુઓ પીવડાવી ઉછેર્યા કરે. હવેતો નિસાસો ડોસીનું સરનામું ભૂલી ગયો; અને આંસુડાઓ આળસુ બની ગયેલા. ડોસાની યાદ ટાણે આંસુડાઓ આવે તો આવે નહી તો રામ…. રામ….
બરાબર સામેની ડેલીમાં વસંતડોસો રહે. ઘરવાળીયે એક દીકરી-દીકરાને ઘરે બારે કરી વસંતડોસાની થાળીમાં પાનખર પીરસીને નીકળી પડેલી… મારી ઘરવાળી કો’ક વાર તો મને મળવા જરૂર આવશે એવી આશાએ વસંતડોસો પોતાની ડેલી હરહંમેશ ખૂલ્લી રાખતો.. અને રખે ને એ આવે…. અને મારી બંધ ડેલી જોઈને એ રિસાય જાય તો…!!!
આમને – સામને રહેતા આ બંને મનેખ એક જ બસના પ્રવાસી. બસ રોજ સવારે આવી “એકાંત” નામના સ્ટેશને બંનેને મૂકી આવે.. અને રાત્રે સૂવાના ટાણે પાછી લાવે. બંનેએ બાર-બાર વરસ “અપ ડાઉન” સાથે કર્યું.. છતાં માત્ર “જેસી કૃષ્ણ” નો જ બંને વચ્ચે બોલવાનો રીવાજ…

આજે સવારે જીવીડોસી ફાટેલાં કપડાને સાંધવા સોઈમાં દોરો પરોવવાનો પ્રયાસ કર્યો… પોતે પણ જાણતા હતા કે આ વ્યર્થ પ્રયાસ જ છે.. પણ લાવને આંખોને ફરી મને મળવાનું મન થયું હોય તો? પારભાસી સ્વપ્નાઓ આ આંખો જ બતાવ્યા કરે છે.. અરે… ઓ… કાગડાઓ મારા શરીરમાંથી મારું બધુજ ખાઈ જજો.. પણ મારી બે આંખોને બાકી રાખજો.. બે આંખોથી મારા પ્રિયતમને મનભરીને જોઈ શકું… જીવીડોસીને પણ આંખો સાથે આવો સંવાદ રોજ થતો, આંખો તો રીસાયેલી છે ડોસી સાથે… પણ આંખોએ આવા કામ માટે ક્યારનું રાજીનામું ધરી દીધેલું. તેને સામે વસંતડોસો ચશ્માંના કાચ સાફ કરતો કળાયો… “પછી ભલેને આ ખૂલ્લી આંખે જીવતરના સ્વપ્નાઓ ધૂંધળા જણાતા હોય” જીવીડોસીનાં ડગલાઓ તેના ઘર તરફ મંડાયા. અને ડોસાના હાથમાં સોઈ દોરો આપ્યો. કશું ન બોલ્યા… પણ બંનેનું મૌન ખૂબ વાચાળ ઠર્યું..

“સોઈમાં દોરો પરોવતો પાનખરડોસો પોતાની પત્નીની યાદ આવવાને કરને વસંતવગડો બની ગયો…” અને જીવીડોસીને પણ એનો ધણી યાદ આવ્યો… કાયમ કહેતો કે “તું લાવ સોઈને દોરો હું પરોવી આપું..” વર્ષો ભલેને ગમે તેટલા થયાં હોઈ પરંતુ યાદોની વણજાર આ બંનેનો પીછો નથી છોડતી…
નગ્મે હૈ, કિસસે હૈ, યાદેં હૈ, બાતે હૈ…. બાતે ભૂલ જાતે હૈ, યાદેં યાદ આતી હૈ.. યે યાદેં કિસી દિલોજાનમ્ કે ચાલે જાણે કે બાદ આતી હૈ… યાદેં… હાઈ યે યાદેં…..

માત્ર સોઈમાં દોરો પરોવવાની ક્રિયાથી….. બંનેનાં રુદિયામાં મીઠુંડી યાદોની વણજાર આરંભાઈ… યાદોનો એવો તે વંટોળ ચડ્યો કે બાર બાર વરસથી વિરહ વેદના પર મલમ કોઈ લગાવતું હોઈ તેમ લાગ્યું… કેટલીય પીડાઓને આજે શાતા મળતી જણાઈ.. કેટલાય ઘાવને આજે રુજ વળી રહી હતી…
“એકાંતના સ્ટેશને લઇ જતી બસને આજે ખાલી જવું પડ્યું.”

લેખક : નરેન્દ્ર જોષી

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom & fb.com/gujaratijokes

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment