“વિધીની વક્રતા” આ સમાજથી ડરનારા કાયર પુરુષોની દુનિયામાં મારે નથી જીવવું….. શું હું એટલી બધી ખરાબ છું માઁ, કે કોઇ સારા ઘરની શોભા જ ન બની શકુ ??”

38

આજે હીનાના ખોળામાં માથું મૂકીને તેની ત્રેવીસ વર્ષની દિકરી રૂમજુમ બસ રડી જ રહી છે. હીના તેને આશ્વાસન આપી રહી છે પણ રૂમજુમ વારંવાર માં ને એક જ સવાલ કરી રહી છે, “ મારી સાથે જ આવું કેમ થાય છે માઁ ?? શું મારા નસીબમાં સામાન્ય છોકરીનું સુખ જ નથી ? આખરે હું નસીબ પાસેથી આટલું પણ ન ઈચ્છી શકું ?? આજે પ્રયાગ પણ મને છોડી ગયો માં !! આ સમાજથી ડરનારા કાયર પુરુષોની દુનિયામાં મારે નથી જીવવું….. શું હું એટલી બધી ખરાબ છું માઁ, કે કોઇ સારા ઘરની શોભા જ ન બની શકુ ??” દિકરીની વાતો સાંભળતી હીના પોતાનો હાથ રૂમજુમના માથા પર પ્રેમથી ફેરવી રહી છે અને જાણે કહેતી ન હોય કે, “ ખરાબ તું નહિ પણ હું છું, ખરાબ છે મારો નિર્ણય, ખરાબ છે મારી કાયરતા, જેની સજા ઈશ્વર તને આ પીડા સ્વરૂપે આપી રહ્યો છે !!” આવાં વિચાર કરતા કરતા હીનાને પોતાની કમનસીબ જીંદગીનો ભયાવહ ભૂતકાળ યાદ આવવા લાગ્યો.

હીનાના લગ્ન ખૂબ નાની ઉંમરમાં થયેલાં, પતિ પણ ખૂબ જ પ્રેમાળ અને મહેનતું હતો, સરકારી નોકરી પણ હતી. પ્રેમની નિશાનીરુપ રૂમજુમ અને ગોપાલ બે સુંદર બાળકો હતા. હીના માંડ પચ્ચીસ વર્ષની થઈ ત્યાં જાણે એક પછી એક દુ:ખોને તેના નસીબનું સરનામું મળી ગયું, પહેલો આઘાત ત્યારે લાગ્યો જ્યારે તેનાં જીવનનો આધાર તેનો પતિ માર્ગ અકસ્માતમાં અકાળે અવસાન પામ્યો. પાંચ વર્ષની રૂમજુમ અને બે વર્ષના ગોપાલને હીનાનાં ખોળામાં મૂકી લાંબી સફરે નીકળી ગયો. જુવાનીના આરે ઊભેલી એ પારેવડી પર વૈધવ્ય શિકારી બનીને ઝપટ્યું. પતિની હાજરીમાં જેણે માત્ર સુખનાં જ શ્વાસ લીધેલા તેવી હીનાને હવે માત્ર ને માત્ર દુ:ખની દાઝ જ મળવાની હતી તેમ સમજી ગઇ હતી. સાસરીયાઓએ ભાગ આપવાની બીકે ઘરમાંથી હાંકી કાઢી. ભાઈઓ અદેખી ભાભીનાં પાલવ પાછળ સંતાઇ ગયા. વહેલા લગ્ન થયા હોવાથી પતિની નોકરી મેળવવા જરૂરી અભ્યાસકીય લાયકાત પણ એની પાસે ન હતી. મધદરિયે ફસાયેલી હીનાને એકમાત્ર તેની બહેનનો સહરો હતો જેની મદદથી તે બીજે એક ભાડાની રુમમાં રહેવા ચાલી ગઈ. તે પોતાના પતિનાં પ્રાણસમાં બાળકોનો ઊછેર અને અભ્યાસ સારી રીતે કરાવા માગતી હતી તેથી જે મળે તે કામ કરવા લાગી. રાત-દિવસ કારખાનામાં, દુકાનોમાં, ઓફિસોમાં કામ કરવા છતાં તે પોતાના બાળકોની જરુરિયાતો પૂરી કરી શકતી ન હતી.

રૂમજુમ એટલી ઉમરમાં પણ માની વ્યથાની સાક્ષી પૂરતી બધું જ સમજતી હતી. જવાનીનાં જોશથી છલકી પડે એવી હીનાને ચિંતાઓ ઘેરી વળી છતાં પણ તેના ચહેરા પર એજ નાજુક નમણાશ ઝળકતી હતી. દુ:ખ અને વેદનાનાં ભેંકાર અંધકારોમાં ઘેરાયેલી હીનાને એકાદ વર્ષનાં બનેવીના પ્રયત્નોથી એક સરકારી નોકરી મળી ગઇ. હીનાની જ ઓફિસમાં કામ કરતાં એક ઉચ્ચ અધિકારી નરેશભાઇની નજર હીના પર પડી. તેણે હીનાની બધી જ માહિતી મેળવી લીધી. ક્યારેક ક્યારેક હીના સાથે વાત કરતાં પણ થયાં અને એક દિવસ હીના પાસે એક પ્રસ્તાવ મૂક્યો. “ લગ્ન વગર પતિ-પત્નીનાં સંબંધો બનાવવા અને બંને બાળકોની જવાબદારી એની. “

હીનાને આવો કોઇ પહેલો પ્રસ્તાવ ન હતો. એકલી સ્ત્રીની એકલતાને વટાવી ખાવાં ઘણાં દલાલો એની સામે આવી ચૂક્યા હતાં પણ કોઈએ જ બાળકોની જવાબદારી લેવાની વાત કરી ન હતી. હીના આ બાબતે ગંભીર બની બેન-બનેવીની સાથે ચર્ચા કરી, તેમણે હીનાને આ રીતે જીવન બરબાદ ન કરવા ખૂબ સમજાવી પણ બાળકોના ભવિષ્ય, તેમની જરૂરિયાતો અને તેમની ખૂશીઓ અપાવવા હીનાએ આ પ્રસ્તાવ સ્વીકારી લીધો અને લાચાર પરિસ્થિતિઓ પાસે સંઘર્ષ હારી ગયો.

નાનાં ગોપાલને આ સંબંધની આંટીઘૂટીમાં અટવાતો અટકાવવા તેને પોતાની બેનના ઘરે મોકલી આપ્યો. બાકી રહ્યા તો માત્ર રૂમજુમ અને હીના. એ સાહેબે હીનાને નજીકનાં શહેરમાં મોંઘુદાટ ઘર, ગાડી, નોકર, મોંઘાદાટ કપડાં, ઘરેણાં વગેરે જેવી સવલતો પૂરી પાડી જેની હીનાને કદી આશા પણ ન હતી. નરેશ અઠવાડીએ એક-બે વાર ત્યાં આવતો તે હીનાની અને હીના તેમની જરુરતો પૂરી કરતી. જીંદગીનાં સોદામાં સર્વસ્વ હારેલી હીના ખુબ ખુશ હતી. અને સમજતી હતી કે તેણે બાળકો માટે ખુશીઓનો સાગર ખરીદી લીધો.

જોતજોતામાં ઘણાં વર્ષો આમ જ વીતી ગયાં અને હવે નાની રૂમજુમ સોળ વર્ષની સુંદર, મોહક, ખળખળ વહેતા ઝરણાં જેવી તાજગીથી છલકાતી યુવાન છોકરી બની ગઈ. રૂમજુમ પોતાની માંના સંબંધોને અવગણીને હીનાને માત્ર પોતાની માં સ્વરૂપે જ જોવા પ્રયત્ન કરતી. માતાના બદનામીભર્યા સંબંધોને કારણે રૂમજુમને અડોશ-પડોશમાં કોઇ મિત્રો ન હતાં અથવા એક સંકોચને કારણે તે પણ બહારની દુનિયામાં બહું ડોકિયું કરતી નહિં, કારણ કે જ્યારે પણ તે કોશીશ કરતી ત્યારે સર્વ દિશાએથી સવાલોના ઘોડાપૂર તેને ઘેરી વળતાં, “ તમારાં ઘરે આવતાં તે ભાઇ કોણ છે ?? તારા પપ્પા છે? તે તમારી સાથે કેમ નથી રે’તા ? તે ભાઇ અહી શા માટે આવે છે?“ સોળ વર્ષની ઉંમરે જ સંબંધની નાજુકાઇ અને સખતાઇ સ્ત્રી-પુરૂષનાં અટપટાં સંબંધોની ઊંડાઇ બધું જ રૂમજુમ સારી રીતે સમજી ગઇ હતી. છતાં રૂમજુમ ખુબ ખુશ રહેતી જેનું કારણ હતું ‘’સૌરભ”. પોતાનાથી આઠ વર્ષ મોટાં એવા સૌરભને રૂમજુમ ખૂબ ચાહતી હતી જે તેને ઘરે આવીને ટ્યૂશન કરાવતો હતો. સૌરભ બધું જ જાણતો હતો અને રૂમજુમને એકલતાનો એહસાસ ન થવા દેતો અને રૂમજુમને પ્રેમની હૂંફ આપતો. શિક્ષણની સાથે સાથે નાસમજ રૂમજુમે સૌરભને પોતાનું સર્વસ્વ સોંપી દીધું હતું. સૌરભ તેને કાયમ અનુભવ કરાવતો કે તે કોઇનાથી પણ ડર્યા વગર તેને સ્વીકારી સમાજમાં માન અપાવશે અને માંની કરૂણાંતિકાથી વાકેફ રૂમજુમ માત્ર એક સાચો સાથી જ ઝંખતી હતી.

અચાનક એક અઠવાડીયા સુધી ગાયબ રહ્યા પછી એક દિવસ સૌરભ રૂમજુમને મળવા આવ્યો. રૂમજુમે તો બસ એક પછી એક સવાલોનો મારો ચલાવી દીધો, “ક્યાં હતો ? કેમ આવતો ન હતો ?? કંઈ કામ હતુ ??” પણ સૌરભે તો જાણે એક લાગણીવિહીન વ્યક્તિની જેમ પોતાની વાત શરૂ કરી, જેને સાંભળી રૂમજુમ જાણે થીજી જ ગઈ. તેણે કહ્યું, “ મને માફ કરજે ! રૂમજુમ, મેં તારાથી એક હકીકત છૂપાવી છે, મારાં લગ્ન છ મહિના પહેલા થઈ ગયા છે અને હું મારી પત્નીને છોડી શકુ એમ નથી, તે ખૂબ જ આબરૂદાર ઘરની દિકરી છે. મારાં માં-બાપનો સમાજમાં સારો એવો મોભો છે. તારા માટે મારાથી એમને દુ:ખી ન કરી શકાય !! જો તું ઈચ્છે તો આપણાં સંબંધ ચાલુ રહેશે પણ એને કોઈ નામ નહિ હોય.” આ તેને પ્રેમનો પહેલો તમાચો હતો. તે ખૂબ જ નિરાશ થઈ ગઈ. પ્રથમ પ્રેમ નિષ્ફળ થવાની વેદના તેને આ ઉંમરમાં ખૂબ જ વસમી લાગી. દુનિયાની કોઈ બાબતમાં તેને રસ ન રહ્યો. ખાલી મને અને ખાલી હૈયામાં આ ઘા દબાવી રાખી જેમ તેમ બારમું ધોરણ પાસ કર્યું. ત્યારબાદ હીનાના આગ્રહવશ તેણે કોલેજ શરૂ કરી. કોલેજ એટલે મસ્તીભર્યા દિવસો, તાજગીના તરવરાટભરી તમન્નાઓથી છલકતો જીવનનો સોનેરીકાળ. છતાં પણ રુમજુમ અહી સૌરભને ભુલાવી શકી ન હતી.કોલેજમાં બધાં જ છોકરાઓ ખીલતા ગુલાબની કળી જેવા નાજુક સૌદર્યથી છલકાતી રુમજુમનાં રૂપ પર આફરીન હતા. કોલેજના બીજા વર્ષ દરમિયાન અંકિત રુમજુમની આગળ-પાછળ ફરવા લાગ્યો. રુમજુમને હસાવવા, મનાવવા દરરોજ નવા નવા નખરાં, નવા નવા ચેનચાળા, નવી નવી ભેટ આપવા લાગ્યો. ઘવાયેલી રુમજુમને જાણે ધીમે ધીમે ઘા પર મલમનો અહેસાસ થયો. વીતતા દિવસોની સાથે રુમજુમના હ્રદયમાં સૌરભની બેવફાઈનું સ્થાન અંકિતનાં નટખટ પ્રેમે લઈ લીધું. અંકિત પણ રુમજુમને ખૂબ ચાહતો હતો અને એ માટે તેણે રુમજુમને પ્રપોઝ કર્યુ પણ રુમજુમ અસત્યનાં પાયા પર નવી ઈમારત ન્હોતી ચણવા માગતી. તેણે પોતાના જીવનની બધી જ હકીકત, માંના સંબંધો બધું જ અંકિતને જણાવી દીધું. બસ !! થઈ ગયું ! અંકિત પણ સામાન્ય પુરુષ નીકળ્યો. સમાજની મર્યાદા બહારના સંબંધમાં ઊછરેલી રુમજુમને અંકિત અપનાવી ન શક્યો અને તેને રુમજુમ સાથે સંબંધોને પૂર્ણવિરામ આપી દીધું. આ સાથે રુમજુમનો ફરીથી હ્રદયભંગ થયો. તેને પ્રેમ શબ્દથી ધૃણાં ઊપજવા લાગી. કોલેજ તેને ‘કાળ’ જેવી લાગવા લાગી. માને વાત કરી રુમજુમ ખૂબ રડી.

એકાદ વર્ષ પછી મન હળવું કરવાના આશયથી રુમજુમે નોકરી કરવા વિચાર્યું. એક પ્રાઈવેટ કંપનીમાં સુંદર, સ્માર્ટ અને વાતચીતમાં તૈયાર એવી રુમજુમને તરત નોકરી મળી ગઇ. ત્યા ઘણાં બધાં લોકો સાથે રુમજુમ કામ કરવા લાગી. પ્રયાગ પણ એ જ ઓફિસમાં કામ કરતો હતો. હંમેશા રુમજુમને “ હે…બ્યૂટી ” કહીને જ સંબોધતો. સુંદર દેખાવ, આકર્ષક વ્યક્તિત્વ, પ્રભાવશાળી વાક્ચાતુર્ય પ્રયાગની આભામાં ઉમેરો કરતુ હતું. પ્રેમભગ્ન રુમજુમ અનાયાસે જ પ્રયાગ તરફ ખેંચાવા લાગી. પ્રયાગની સાથે ઓફિસની કેન્ટીન, હોટેલ, સિનેમા જેવા સ્થળોએ હરવું-ફરવું સામાન્ય બની ગયુ. પ્રયાગમાં તે પોતાના જીવનસાથીને જોવા માંડી. આમ, એક વર્ષ સાથે ફર્યા અને જીવનનું દરેક સુખ બંનેએ ભોગવ્યું.

એક દિવસ રુમજુમે પ્રયાગને કહ્યું, “મારી સાથે લગ્ન ક્યારે કરીશ પ્રયાગ?” સવાલ સાંભળી પ્રયાગ જોર જોરથી હસવા લાગ્યો અને સ્પષ્ટ શબ્દમાં બોલ્યો, “લગ્ન ! અને તારી સાથે !! તે આવું વિચારી પણ કેમ લીધુ. જો રુમજુમ તારા જેવી છોકરી સાથે હરવું-ફરવું, મોજ શોખ કરવા એક વાત છે અને લગ્ન કરવા બીજી વાત છે. હું તારા વિશે બધું જ જાણું છું. ઈન શોર્ટ આપણા લગ્ન શક્ય નથી એન્ડ આઈ થીંક તુ જાણે છે ને શા માટે ? આઈ મીન તારી મમ્મી અને તે પુરુષના સંબંધો. સમાજથી અલગ હું તારો મિત્ર બની શકું પણ પતિ નહિ … પણ જો તું ઈચ્છે તો હું તારી અને તું મારી જરૂરતો પૂરી કરી શકે છે. આમ પણ જો તારી મમ્મી આવા સંબંધો રાખી શકે તો તું કેમ નહિં ? હું પણ તને એ બધું જ આપીશ પણ પત્ની તરીકેની ઓળખ નહિં.”

આગળ સાંભળવા રુમજુમ રોકાઈ ન શકી. ઘરે આવી માને બાજી પડી અને એક પછી એક હ્રદય પર લાગેલા ઘા ઉજેડવા લાગી. ક્યારેય કંઈ જ ન બોલેલી રુમજુમની આંખો અને વેદના જાણે માને સવાલ કરતી હતી કે, “માં ! તે મારા માટે આ સુખ ખરીદ્યું ??“ હીના માત્ર દિગ્મૂઢ પથ્થરની જેમ રુમજુમની સામે જોતી રહી.

ખૂબ વિચાર કરી હીનાએ એક નિર્ણય કર્યો અને તેણે નરેશભાઈને ઘરે બોલાવ્યા અને કહ્યું, “ મારા બદનામી ભર્યા સંબંધોને લીધે રુમજુમ સમાજમાં ખૂબ હેરાન થાય છે. તમે આજ સુધી અમારા માટે ઘણું ઘણું કર્યું છે. હવે એક છેલ્લી અરજી છે. હવે અમને અમારા હાલ પર છોડી દો. હું અને રુમજુમ બીજા શહેરમાં જઈને વસીશું અને હું તેના પપ્પાની વિધવા બનીને જીવન વીતાવીશ. આથી, આ સંબંધોને અહીં જ પૂર્ણવિરામ આપવા ઈચ્છું છું.”

નરેશભાઈએ વળતો પ્રહાર કર્યો, “ જો હીના, મેં તને અને રુમજુમને કોઈ કમી આવવા નથી દીધી અને એકવાર આવાં સંબંધોમાં ફસાયેલી સ્ત્રી ઈચ્છવા છતાં બહાર નીકળી શકતી નથી અને તને આમ જ છોડી દઉં એવો હું સત્પુરુષ તો નથી જ. આમ, પણ તું હવે વૃધ્ધ દેખાય છે, ઉંમર તારા ચહેરા પર કરચલી બનીને છવાઈ ગઈ છે. તારી પાસે જે છે તે બધું જ મારું દીધેલુ છે. આ રૂપિયા, પૈસા, ઘર અને આ સુખસાહ્યબી ! રહી વાત રુમજુમની, તો ડોન્ટ વરી !! જોઈ છે મેં રુમજુમને, ખૂબ સુંદર છે, તારા કરતાં પણ વધારે, હું તને કહેવાનો જ હતો કે હવે આ કોન્ટ્રાક્ટ રીન્યુ કરવાનો ટાઈમ આવી ગયો છે ડીયર ! આટલા વર્ષ તારી જવાબદારીમાં જે મૂડીનું રોકાણ કર્યું તેનું વ્યાજ ખાવાનો સમય આવી ગયો છે…. બોલ રુમજુમને કયું શહેર પસંદ છે…. ત્યાં મારાં અને રુમજુમ માટે નવો બંગલો ખરીદી લઉં…..!!!” આટલું બોલતાં નરેશનાં નફ્ફટ હાસ્યનો અવાજ હીના ના કાનમાં જાણે મરશિયા બનીને ગુંજવા લાગ્યો……..

લેખિકા : નિશા રાઠોડ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment