એક પત્ની આખા ગામની બાયું સાથે વાત કરી રહી છે એમના એવડા એ ની… હસી હસીને પેટમાં દુખવા લાગશે…

38

“કોઈ જગ્યાએ સૂર્યના કિરણોનું સાનિધ્ય વર્તાય તો કહે જો; રૂ જેવી હળવી અને ભીંજાય ગયેલી ગેરસમજોને સૂકવવી છે…!”

અમારો મિત્ર ધમો. ઓરીજનલ નામ ધર્મેન્દ્ર, આ નામ એના બાપાએ ફૈબાના હકને તફડાવીને રાખેલું. આમતો ધમાનો જનમ અને ‘શોલે ફિલમનો’ જનમ હાઈરે-હાઈરે થયેલો. અને ધમાના બાપાએ શોલેનો રોજનો એક શો ઓપન ટોકીજની પાળે, ટોકીજનો માલિક નો ભાળે, એમ જોયેલો. ધમાના બાપુ કેતા કે “ફિલમ જોવાના રૂપિયા થોડાં દેવાના હોય? વંડીએ લપાઈને બેસવાનું, ઝાડની ઓથે. હા, ફિલમ પૂરું થાય એટલે આંખું શરીર અકડાઈ જાય. બાકી આ ફિલમ મારા રગ રગમાં લોહી બનીને દોડે છે.” અમારાં ગામમાં શોલે ફિલમ પૂરું થયાં પછી આઠ વરસ સુધી ચાલેલું. રોજ પાનનાં ગલ્લે એક માવાના ચોથીયામાંથી ધમાના બાપુ સૂરાતન ચડે એટલે “ અરે ઓ કા..લી..યા.. તેરા ક્યાં હોગા? હોલી કબ હૈ, કબ હૈ હોલી…?” અને આખું ગામડું થંભી જાતું. આને બધાં જોવે, વગર ટીકીટનો જલસો જો મંડાતો. આઠ વરસ પછી ધમાના બાપુના લગન થઇ ગયાં. નહીંતર શોલે સિલ્વર-જ્યુબલીને પણ વટી જાત. પણ લગન પેલાં ધમાના બાપુએ નક્કી કરી લીધેલું કે: “મારા સોકારનું નામ ધર્મેન્દ્ર રાખીશ.”

 

પણ આ ગામડું ઈ ગામડું. ગમે તેવાં સરસ નામ પાડો. બેનામ બનાવી આપે. સાચું નામ સરકારના ચોપડે જ રહે.
ધમાને પૈણાં પછી રોજ એની ઘરવાળી હારે હારી જાવાનું બનતું. ધમો અમ્પાયરની સામે કેટલીય દલીલ કરે એમ એની ઘરવાળીની સામે દલીલો કરે, પરંતુ-કિન્તુ ધમાનું દાળિયું પણ ન આવે. એક દિવસ ધમાએ નક્કી કર્યું કે મારી ઘરવાળીને ધોળાં દિવસે તારાં દેખાડી દઉં. આજે તો એને કહી જ દઉં કે “હું આપઘાત કરવા જાઉં છું.” અને આમ કહીને ઘરવાળીની મુખમુદ્રાનો અભ્યાસ કર્યો. તો જાણ્યું કે ઘરવાળી જમકુને પેટનું પાણી પણ હલતું નથી.
જમકુ કહે “તમે એક કામ કરો આ થેલી લેતાં જાઓ, જો તમારો આપઘાત કરવાનો વિચાર ફરે તો દસ રૂપિયાનું દહીં લેતાં આવજો. તમે સમજ્યા કે નૈઈ? આ લ્યો થેલી, હવે જટ આપઘાત કરવા જાવ છો કે નૈઈ? કહું છું કે દહીં લેવા જાવ. ઘરવાળીને દાબમાં રાખવા સાવ ખોટે ખોટી મરવાની ધમકી આપો છો..!”

ધમાને એમ કે આપઘાતની ધમકી આપીને ઘરવાળીને દાબમાં રાખું. પણ અહી તો ધમાની હાલત આ બૈલ મુજે માર જેવી કરી નાખી..!

ધમાની જમકું બહાર ઓટલે બેસીને બહેનપણીને કહેવા લાગી કે “તમારા ભૈ.. એનું કંઈ નક્કી નૈ.. ઈ’ ઘરે આવે અને દરવાજે મારા સેન્ડલ સીવાય કોઈ બીજા સેન્ડલ જુએ એટલે સીધાં અરીસા પાસે જાય. અને એનું ડાચું ઠીકઠાક કરીને ઘરમાં આવે. લ્યો બોલો, આવા છે સંસ્કારી..!

એક વાર તો મેં પુઈછું કે “તમારા જીવનની સૌથી મોટી મુશ્કેલી કઈ છે? આ તમારા ભૈ, બસ ટગર ટગર મારી સામું જ જોયા કર્યું. તમારા ભૈ.. એનું કાંઈ નક્કી નૈ..!”

એક દિવસ તો સવારના પહોરમાં જાગીને મને કહે “જમકુ મને આજે તો સપનામાં ભગવાન આવ્યા. ભગવાન કહે માંગી લે જે તારે માંગવું હોય તે.. તમારા ભૈ એ શું માગ્યું ખબર છે?”

બીજી કહે: “અમને ક્યાંથી ખબર હોય, કે શું માગ્યું છે? વાતમાં મોણ નાખ્યાં વગર તમે કહી દો, શું માગ્યું?”
“તમારા ભૈ ભગવાને કહે, હેં…! કાળીયા ઠાકર જો તમે ખરેખરાં પરસન્ન થયાં હોવ તો મારી ઘરવાળી જમકુ જેવી ઘરવાળી બધાને આપજો.” “બોલો લ્યો… સપનામાં પણ મને યાદ કરે છે. મારા વખાણ ભગવાન પાસે કરે છે.” મેં તો તમારા ભૈ ને, એને ભાવતી આદું વાળી ‘ચા’ પાઈ. પછી પૂછ્યું “કે કેમ મારા જેવી ઘરવાળી બધાને આપવાનું માગ્યું. હું બોવ સારી છું?” તો તમારા ભૈ કે.. “શું આ દુનિયામાં દુઃખી થવાનો ઠેકો શું મેં એકલાં એ જ રાખ્યો છે? બધાને થોડું થોડું દુઃખ મળવું જોઈએ ને.” “લ્યો, બોલો આવા છે તમારા ભૈ.. એનું કાંઈ નક્કી નૈ..!”
અરે જમકુ તારે તો ઠીક કે સપનામાં ભગવાનને કહે દે. મારા ધણીને એકવાર મારા મમ્મીએ ફોન કરીને કહ્યું કે “કુમાર અહીં વાવાજોડાની કોઈ અસર નથી.” તો તમારા ભૈ કહે “વાવાજોડાની અસર ન જ હોયને. પાંચ વરસ પહેલાં હું જ દોઢ ડાહ્યો થઈને, વાજતે-ગાજતે, નાચતાં-નાચતાં વાવાજોડાને મારા મુકામે લઈને આવેલો. હવે તો તમારે જિંદગીભર વાવાજોડું નહી આવે. બોલો તમારા ભૈ.. આવા છે, એનુંય કાંઈ નક્કી નૈ..!”

જમકુ કહે એક વાર તો તમારા ભૈ ઘરે આવીને હીરોગીરી કરતાં મારી સામું જોઈને ગીત ગાવા લાગ્યા.

“જો તુમકો હો પસંદ વહી બાત કરેંગે. તુમ દિનકો અગર રાત કહો રાત કહેંગે..!”

મેં ફરી એને ભાવતી આદુંવાળી ‘ચા’ પાઈ. પછી પુઈછું, આટલો બધો પ્રેમ કરો છો મને?

તમારા ભૈ કે : “હોવે, મારા આ ગીતનો અર્થ છે, તારી સાથે માથાકૂટ કરવા હું નવરો નથી..!

લ્યો બોલો, તમારા ભૈ એનું કાંઈ નક્કી નૈ..!”

લાસ્ટ બોલ:

“તારા હૃદયમાં મને ઊંમર કેદ મળે, ભલે થાકે બધાં વકિલ તોયે જામીન ન મળે..!”

લેખક : નરેન્દ્ર જોષી.

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment