પ્રાણાયમ અને તમારા શરીરનું સ્વાસ્થ્ય

36
pranayam-ane-tamara-sharirnu-svasthy

ધ્યાનયોગ કરવા માટે પ્રાણાયમ એક ઉત્તમ અને મહત્વનું અંગ છે. ધ્યાનયોગ આધ્યાત્મિકતાનું પ્રવેશદ્વાર છે. ધ્યાન એટલે કોઇપણ ધારણા દ્વારા ચોક્કસ વિષયમાં મનની ચિત્તવૃતિને સ્થિર કરવાની સાધના. પ્રાર્થના, પૂજા, ઉપાસના, સેવા, નામસ્મરણ વગેરેમાં મનને એકચિત કરવા માટે ધ્યાનયોગની ક્રિયા ખાસ જરૂરી છે. જોકે આપણે વાત કરવાની છે પ્રાણાયમ અને તમારા શરીરના સ્વાસ્થ્યની.

પ્રાણાયમ વિશે ન્યાસ ભાષ્યમાં જણાવવામાં આવ્યું છે કે, “ तपो न परमप्राणायामात्ततो, विशुद्धिर्मलानां दीप्तिश्च ज्ञानस्य“ l આ શ્લોકનો અર્થ એમ થાય છે કે, પ્રાણાયમથી બીજું મોટું કોઈ તપ નથી. પ્રાણાયમ પાપ સંસ્કારોની, રાગ આદિ દોષોની અને શરીરની ઇન્દ્રિયોના વિષય આશક્તિરૂપ દોષોને દુર કરી જ્ઞાનનો પ્રકાશ પાથરવાનું કામ છે. પ્રાણાયમ વિશે યોગ દર્શનમાં પણ કહેવામાં આવ્યુ છે કે, “तत:श्रीयते प्रकाशावरणम, धारणासु योग्यता मनस:“l એટલે કે જ્ઞાનના આવરણ પર અજ્ઞાનતાનું જે આવરણ ચઢી ગયું છે તે આવરણનો નાશ થાય છે. અને (તમારૂ) મન કોઇપણ ધારણા કરવાની યોગ્યતા પ્રાપ્ત કરે છે. આવી જ રીતે પ્રાણાયમ વિશે મનુ ભગવાને પણ લખ્યું કે,“ प्राणायामैदंहतदोषान्“l આ શ્લોક એમ કહેવા માંગે છે કે શરીર અને મનમાં રહેલા દોષોને પ્રાણાયમ દ્વારા બાળી નાખવા પર ભાર મુકવામાં આવ્યો છે. આમ, પ્રાણાયમ કરવાથી તમારા શરીરમાં રહેલા ખોટા દોષ અને મનમાં રહેલા શરીરના વિષય આશક્તિરૂપ વિચાર અને વિકારના દોષોને દુર છે. આમ શરીર સાથે મનની શુદ્ધિ માટે પણ પ્રાણાયમની ખાસ આવશ્યકતા છે.

પ્રાણાયમની પ્રાથમિક ભૂમિકા જોઈએ તો પ્રાણાયમ કરતા પહેલા તમારે તમારા શરીરમાં કેટલી મુખ્ય નાડીઓ આવેલી છે ? આ નાડીઓના નામ શું છે ? તેમજ તમારા શરીરમાં આ નાડીઓનું સ્થાન ક્યાં આવેલું છે ? તે જાણવું ખાસ જરૂરી છે. તો ચાલો આજે અમે તમને તેના વિશે વિગતવાર જણાવીએ.

૧.) શરીરમાં આવેલી નાડીઓના નામ અને શરીરમાં તેનું સ્થાન

(1) ઈડાનાડી (ચંદ્રનાડી). તેનું સ્થાન: નાકની ડાબી બાજુ. (2) પિંગલાનાડી (સૂર્યનાડી). તેનું સ્થાન: નાકની જમણીબાજુ. (3) સુષુમણા નાડી (બ્રહ્માનાડી ). તેનું સ્થાન: નાકની વચ્ચે. તેને અગ્નિ સ્વરૂપ પણ માનવામાં આવે છે.(4) શંખીનીનાડી. તેનું સ્થાન: ગુદામાં. (5) કિરકલ નાડી. તેનું સ્થાન: પુરૂષોમાં લિંગમાં (પેનીશમાં) અને સ્ત્રીઓમાં યોનીમાં. (6) પૂષાનાડી. તેનું સ્થાન: જમણા કાનમાં. (7) યશસ્વિની નાડી. તેનું સ્થાન: ડાબા કાનમાં. (8)ગંધારીનાડી. તેનું સ્થાન: ડાબી આંખમાં. (9) હસ્તિની નાડી. તેનું સ્થાન: જમણી આંખમાં. (10) લંબિકાનાડી. તેનું સ્થાન: જીભમાં.

આખા બ્રહ્માંડમાં પ્રાણ તત્વ એકજ હોવા છતાં મનુષ્યના શરીરમાં પ્રાણના પાંચ સ્થાન આવેલા છે. અને દરેક પ્રાણની ક્રિયા જુદી જુદી હોવાથી આ દરેક ક્રિયાના કાર્ય પ્રમાણે તેના પણ પાંચ જુદા જુદા નામ છે. માનવ શરીરમાં રહેલ પાંચ પ્રાણ, શરીરમાં તેનું સ્થાન અને તેનું કાર્ય શું છે તે જોઈએ.

[1] પ્રાણ (મૂળ તત્વ). તેનું સ્થાન: હૃદયમાં. તેનું કાર્ય: શ્વાચ્છોશ્વાસની ક્રિયા કરવાનું. [2] અપાન. તેનું સ્થાન: ગુદા સ્થાન. તેનું કાર્ય: મળ – મૂત્રનો ત્યાગ. [3] સમાન. તેનું સ્થાન: નાભી. તેનું કાર્ય: શરીરનો વિકાસ અને પોષણ.      [4 ]વ્યાન. તેનું સ્થાન: આખું શરીર. તેનું કાર્ય: શરીરના અંગોનું સંચાલન. અને [5]ઉદાન. તેનું સ્થાન: કંઠ એટલે કે ગળામાં. તેનું કાર્ય: ઊર્ધ્વગતી.

આપણે નાક દ્વારા શ્વાસોચ્છશ્વાસની ક્રિયા કરીએ છીએ. નાકને બે નસકોરા હોય છે. એક ડાબું નસ્કોરું અને બીજું જમણું નસ્કોરું. જમણા નસકોરાને સૂર્યનાડી કહેવામાં આવે છે. અને ડાબા નસકોરાને ચંદ્રનાડી કહેવામાં આવે છે. આ બંને સૂર્યનાડી અને ચંદ્રનાડી અંદર જતા એક થઈને ત્રીજી નાડી બને છે જેને સુશુમ્ણાનાડી કહેવામાં આવે છે. મૂળભૂત તત્વ પ્રાણ પ્રવાહશ્વાસને ઊંડો શ્વાસ લઇ પછી થોડો સમય તેને રોકી રાખવાની ક્રિયાને પૂરક પ્રાણાયમ કહેવાય છે. ત્યારબાદ અંદર રોકેલા શ્વાસને ધીમે ધીમે ઉચ્છવાસ રૂપે બહાર કાઢી થોડીવાર શ્વાસ ન લેતા રોકી રાખવાની ક્રિયાને રેચક પ્રાણાયમ કહેવામાં આવે છે. જ્યારે શ્વાસોચ્છશ્વાસની ગતીને જેમ છે તેમ રોકી રાખવાની ક્રિયાને કેવળ કુંભક પ્રાણાયમ કહેવામાં આવે છે.

ધ્યાનની શરૂઆત કરતા પહેલા પ્રાણાયમ કરવો ખાસ જરૂરી છે. અને પ્રાણ (શ્વાસ) ઉપર કંટ્રોલ કરવાની ક્રિયાને પ્રાણાયમ કહેવામાં આવે છે. આમ કરવાથી મનનું શુદ્ધિકરણ થાય છે. શ્વાસોચ્છશ્વાસ દરેક મનુષ્યના જીવનનું મહત્વપૂર્ણ તત્વ છે. કારણકે શ્વાસના માધ્યમથી તો જીવ એટલે કે પ્રાણ અને શરીર એક બીજા સાથે જોડાયેલા છે. એટલે જ કહેવાય છેને કે જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી જીવન ધબકતું રહે છે. અને શ્વાસોચ્છશ્વાસની ક્રિયા બંધ એટલે જીવન ધબકતું પણ બંધ

અલૌકિક પરમ ચૈતન્યતત્વએ દરેક સજીવના જીવનને ધબકતું રાખવા માટે શ્વાસરૂપી પ્રાણ પૂરેલો છે. દરેક વ્યક્તિ ફેફસાની ક્રિયા વડે નાકના નસકોરાથી (ક્યારેક મોઢેથી પણ) પ્રાણરૂપી શ્વાસને શરીરની અંદર લ્યે છે અને શરીરની બહાર કાઢે છે. આ ક્રિયાને શ્વાસોચ્છશ્વાસની ક્રિયા કહેવાય છે. દરેક વ્યક્તિ દિવસ અને રાત દરમ્યાન એટલેકે 24 કલાકમાં લગભગ 21,600 વખત શ્વાસોચ્છશ્વાસની ક્રિયા કરે છે. પુખ્ત વયની વ્યક્તિના સ્વસ્થ જીવનની આ નિશાની છે. જ્યારે નવજાત બાળક, વૃદ્ધ લોકો, રોગી કે બીમાર વ્યક્તિ કે પછી શારીરિક શ્રમ કરતી કોઇપણ વ્યક્તિની 24 કલાકમાં લગભગ 21,600 વખત શ્વાસોચ્છશ્વાસ કરવાની ક્રિયા અનિયમિત પણ હોય શકે છે. પણ જો કોઇપણ વ્યક્તિ ધારે તો પ્રાણાયમ કરીને પ્રકૃતિના નિયમની વિરુદ્ધ પ્રાણ એટલે કે શ્વાસને પોતાની ઈચ્છા અનુસાર લઇ શકે છે. આ યોગની ક્રિયા સાધના શરીર અને મનની સ્વસ્થતા માટે, આત્મજ્ઞાન અને પરમાત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે, નિશ્ચિત ધારેલું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે અને ધ્યાન કરવા માટે અતિ આવશ્યક છે. પહેલા આસન સિદ્ધ કર્યા પછી જ પ્રાણાયમ કરવો જોઈએ. પ્રાણાયમ ત્રણ પ્રકારના છે.(1) બાહ્યવૃતિ પ્રાણાયમ (2) સ્તંભવૃતિ પ્રાણાયમ અને (3) આભ્યંતરવૃતિ પ્રાણાયમ.

પ્રાણાયમ કરતા પહેલા તમારા શરીરની નાડીઓને તમારે સમજી લેવી ખાસ જરૂરી છે. તમારા શરીરમાં પ્રાણશક્તિ ઉત્પન્ન કરતી ત્રણ પ્રકારની પ્રાણવાહક નાડીઓ આવેલી હોય છે. જેમાં (1) નાકની ડાબી બાજુના નસકોરામાંથી જતી નાડીને ઈડા એટલે કે ચંદ્રનાડી કહે છે. કેટલાક લોકો તેને ઈંગલાનાડી પણ કહે છે. આ નાડીનો દેવતા ચંદ્ર છે. (2) નાકની જમણી બાજુના નસકોરામાંથી જતી નાડીને સૂર્યનાડી કહે છે. કેટલાક લોકો તેને પિંગલાનાડી પણ કહે છે.આ નાડીનો દેવતા સૂર્ય છે. અને (3) સુષુમણા નાડી નાકના બંને નસકોરામાંથી પસાર થાય છે. તેને મધ્યનાડી કે બ્રહ્મનાડી પણ કહેવામાં આવે છે. આ નાડીને શાંતિ અને સરસ્વતી નાડીના નામથી પણ ઓળખવામાં આવે છે.

સુષુમણા નાડી મારફત વ્યક્તિને જ્ઞાન અને પ્રકાશ પ્રાપ્ત થાય છે તેમજ આધ્યાત્મિક પ્રગતિમાં તે મદદ કરે છે. જ્યારે ઈડાનાડી એટલે કે ચંદ્રનાડી તમારા મગજના વિચારો પર નિયંત્રણ રાખે છે. જ્યારે પિંગલાનાડી એટલે કે સૂર્યનાડી તમારી પ્રાણશક્તિનું નિયંત્રણ કરે છે. આમ શારીરિક દ્રષ્ટીએ જોઈએ તો આ ત્રણેય નાડીનું સંતુલન તમારા શરીરનું સ્વાસ્થ્ય, શારીરિક શક્તિ એટલે કે બળ, માનસિક શાંતિ અને લાંબુ નીરોગી આયુષ્ય આપે છે.

પ્રાણાયમ કરતી વખતે તમારે તમારા નાકના જમણા અને ડાબા બંને નસકોરાને વારાફરતી ખોલ બંધ કરવાના હોય છે. તમારા જમણા હાથના અંગુઠાથી નાકના જમણી બાજુના નસકોરાને બંધ કરવામાં અને તેજ જમણા હાથની અંગુઠાથી ત્રીજી અને ચોથી આંગળીથી નાકના ડાબી બાજુના નસકોરાને બંધ કરવાના ઉપયોગમાં લેવાની હોય છે.જ્યારે તમારા નાકના બંને નસકોરાને તમારે ખોલ બંધ કરવાના ન હોય ત્યારે અન્ય પ્રાણાયમ કરતી વખતે કોઈ ક્રિયામાં હાથની જરૂર ન હોય ત્યારે તમારા બંને હાથને પગના ગોઠણ પર રાખવા જોઈએ.

પ્રાણાયમની ક્રિયામાં મુખ્ય પૂરક, રેચક અને કુંભક એવા ત્રણ અંગ છે. (1) પૂરક એટલે શ્વાસને અંદર લેવો. (2) રેચક એટલે શ્વાસ બહાર કાઢવો અને (3) કુંભક એટલે શ્વાસને રોકી રાખવો. કુંભકના પાછા બે પેટા પ્રકાર છે. (1) આંતરિક કુંભક અને (2) બાહ્ય કુંભક. જોરેચક અને પૂરક સાથે કુંભક કરવામાં આવે તો તેને સહિતકુંભક કહેવામાં આવે છે. જયારે રેચક અને પૂરક વગર કુંભક કરવામાં આવે તો તેને કેવળકુંભક કહેવામાં આવે છે. પ્રાણાયમ કરતી વખતે મૂલબંધ, જાલંધર અને ઉદ્દીયનબંધ આમ ત્રણ બંધનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રાણાયમ, બંધ, ધ્યાન, સમાધી વગેરેનો અભ્યાસ કોઈ ખાસ અને અનુભવી વ્યક્તિ પાસે કે યોગનિષ્ઠ ગૂરૂ પાસે શીખવો કે કરવો જરૂરી છે. પ્રાણાયમમાં કુંભકના આ સિવાય પણ બીજા અનેક પ્રકાર છે. જેમાં સૂર્યભેદન, ઉજ્જાઈ, સિત્કારી, શીતલી, ભસ્તિકા, ભ્રામરી, મૂર્છા અને પ્લાવિનીને મુખ્ય પ્રકારો માનવામાં આવે છે. પ્રાણાયમથી અજ્ઞાનતાનો નાશ થાય છે. શરીર સૌષ્ઠવ સારું બને છે. મન શાંત અને પ્રફૂલ્લિત રહે છે. મનમાં આવતા ખરાબ વિચારો અને વિકારો દુર થાય છે. સારું અને તંદુરસ્ત આયુષ્ય ભોગવી શકાય છે. મનમાં સારી વિચાર શક્તિ સ્ફૂરે છે. આ ઉપરાંત પ્રાણાયમ કરતી વખતે ત્રણેય બંધોથી તમને ચીર યૌવન, શારીરિક શુદ્ધિ, બ્રહ્મચર્યમાં મદદરૂપ અને તમારા શરીરની કુંડલીની શક્તિની જાગૃતિ વગેરે ફળદાયી લાભ થાય છે.

કેટલાક યોગ સાધના કરતા લોકો અપાનમાં પ્રાણને અને પ્રાણમાં અપાનને મુકે છે જ્યારે કેટલાક લોકો પ્રાણ અને અપાનની ગતિને રોકી પ્રાણાયમમાં સક્રિય રહે છે. પ્રાણાયમ એટલે પ્રાણ પરનો એટલે કે શ્વાસ પરનો તમારો કંટ્રોલ. પ્રાણાયમ કરવાથી તમારી પ્રાણશક્તિને તમે ઉત્પ્રેરિત, સંચારિત, નિયમિત અને સંતુલિત કરી શકો છો.જેમ તમારા શરીરની શુદ્ધિ માટે તમે સ્નાન કરો છો તેમ તમારા મનની શુદ્ધિ માટે પ્રાણાયમ કરવા એટલા જ જરૂરી છે.

યમ, નિયમ અને આસનને સાધ્ય કર્યા પછી જ આ પ્રાણાયમ કરવા જોઈએ. અને આમ કર્યા પછીજ તમે ધારણા, ધ્યાન અને સાધનામાં સારી સફળતા મેળવી શકશો.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment