રામ મોરીની કલમે લખાયેલી સોશિયલ મિડિયા પર ઉઘાડા થઈ જતાં આજના સંબંધોની વાર્તા…

35

“મને નથી ગમતુ કે શ્રુતિ આખો દિવસ મોબાઈલ લઈને બેસી રહે છે. સાયન્સમાં છે. તમને ખબર તો છે કે આજકાલ કેટલા પર્સેન્ટેજ હોય ત્યારે એમબીબીએસમાં એડમીશન મળે.” મમ્મીની આ રોજની કચકચ હતી પછી પપ્પાનું અનુસંધાન ભાષણ ચાલતું,

“કમાતા શીખશો પછી ખબર પડશે કે પૈસા કેમ કમાવાય છે..અત્યાર તમને કોઈ ગંભીરતા જ નથી.” આ બધું કહેતી વખતે પણ એ લોકોના ફોન તો પાછા શરું જ હોય.

મમ્મીએ પપ્પાને ફાઈનલી ફરમાન કરી દીધું કે, “એક કામ કરો, આખા ઘરમાંથી વાઈફાઈ કાઢી નાખો. એટલે આનું ચેટીંગ ફેટીંગ બંધ થઈ જશે. હું ચિડાઈ જતી. હા તો પછી તમારે બંનેએ પણ નેટ નહીં વાપરવાનું. મને ના પાડીને તમે બંને આખો દિવસ ફોનમાં પરોવાયેલા રહો છો. તમારી પાસે મારા માટે બિલકુલ ટાઈમ છે ?”

મમ્મી આ સાંભળીને ગુસ્સામાં લાલ થઈ ગઈ, “અમે બંને તારી જેમ આખો દિવસ સોશીયલ મિડિયામાં પડ્યા નથી રહેતા. બિઝનેસ કરીએ છીએ. નોકરી છે અમારી.” અને આખરે ઘરમાંથી વાઈફાઈ નીકળી ગયું.

સ્કૂલમાં ખૂબ કંટાળો આવતો. બધું બોરીંગ લાગતું કેમકે ત્રણ દિવસથી ઘરમાં ઈન્ટરનેટ નહોતું અને મારું એકાઉન્ટ બંધ હતું. ‘બ્યુટી ક્વીન’
મારા એકાઉન્ટનું નામ હતું. ત્રણ હજારથી વધુ મારા ફ્રેન્ડ્સ અને એટલા જ ફોલોઅર. મારી ચપ્પલનો ફોટો મુકુ તો પણ લાઈક્સ કમેન્ટ્સનો ઢગલો. મને થતું કે હું સાતમા આસમાનમાં ફરું છું. હું માત્ર ‘હાઈ’ લખતી અને કંઈ કેટલાય લોકો કમેન્ટમાં ‘હાય હાય’ કરી મુકતા. બહું રોમેન્ટિક હતું આ બધું મારા માટે. એની સામે બાયોલોજી, કેમેસ્ટ્રી, ફિઝિક્સ..ઓફફફ કઈ રીતે રસ પડે. મમ્મીપપ્પાએ ઘરમાં વાઈફાઈ બંધ કરાવી દીધું તો લાઈફ એકદમ ડ્રાય થઈ ગઈ છે. બટર વગરના બ્રેડ જેવી. ના, ચોકલેટ વગરના આઈસ્ક્રીમ જેવી. ચોકલેટથી મને યાદ આવ્યો ‘ડાર્ક પ્રિન્સ’. એની જોડે મારી નિયમિત ચેટ થાય. રોજે કેટકેટલી રોમેન્ટિક વાતો થાય.

મારી દરેક વાતો પર એની પાસે શાયરી તૈયાર હોય. મેસેજમાં એવરી ડે સવારે એક રેડ રોઝ અને ચોકલેટ મોકલે અને રાત્રે સૂતા પહેલાં મેસેજમાં ગુડ નાઈટ કીસ મોકલે સાથે એક પીંક ટેડી વીથ સ્માઈલ. વાઉ !! મમ્મી પપ્પાને આ હું સમજાવી ન શકું પણ હું એ ડાર્ક પ્રિન્સને મીસ કરતી હતી.

મેં મારી ક્લાસમેટ શીખાને વાત કરી. હું એને બધું કહેતી હોઉં, એની પાસે બધા જવાબ હોય એમ મને સીમકાર્ડ આપ્યું અને આંખ મારીને ક્હયું કે,

“અનલીમીટેડ છે. બ્યુટી ક્વીન તારા ડાર્ક પ્રિન્સ સાથે મન મુકીને વાતો કર.” પછી શીખાએ ધીમેથી કીધું, “શ્રુતિ, મને એવું લાગે છે કે આપણા ક્લાસમાં પેલો રોહન છે એ જ ડાર્ક પ્રિન્સ છે, આઈમીન એનું જ એકાઉન્ટ છે. રોજે તને કેવો ધારીધારીને જોતો હોય છે.”

“ના શીખા, એનામાં હિંમત નથી. મને તો પેલો મૌલિક જ લાગે છે. ક્લાસમાં મને ઈમ્પ્રેસ કરવાનો એક ચાન્સ એ જતો નથી કરતો.”
બસ પછી તો ઘરે જઈને રૂમ અંદરથી બંધ કરીને ફટાફટ નવા સીમકાર્ડથી ચેટીંગ શરૂં. ઓહ, હાઉ રોમેન્ટિક..હું આટલા દિવસથી ઓફલાઈન હતી તો પણ ડાર્ક પ્રિન્સ રોજ ફ્લાવર્સ અને ચોકલેટ મોકલતો. હું જવાબ નહોતી આપતી તો રોજે સેડ શાયરી લખીને મોકલતો. ફરી ચેટીંગ નિયમિત થઈ ગયું.

એક દિવસ એણે મને મળવાનું કહ્યું. હું ડરી ગઈ. શીખાને વાત કરી તો એણે મને કહ્યું કે, “ પાગલ, ઈટ્સ બ્લાઈન્ડ ડેટ. ના ન પાડીશ. ઈટ્સ વેરી રોમેન્ટિક. જસ્ટ અ સીમ્પલ કોફીડેટ. જો મૌલિક હશે તો તારી લોટરી. ચિંતા નહીં કરવાની શ્રુતિ, મળવાનું છે..ઈટ્સ નોટ બીગ ડીલ.”

શીખાની વાતથી મારામાં હિંમત આવી. ડાર્ક પ્રિન્સ સાથે મળવાનો દિવસ નક્કી થયો. રવિવાર, સાંજે ત્રણ વાગ્યે, કોફી શોપ,કોર્નરની સીટ અને હાથમાં રેડ રોઝ, ડાર્ક રેડ થીમના કપડા પહેરવાના. હું ડરતી હતી પણ સાથોસાથ સખ્ખત મજ્જા પડતી હતી. કંઈકેટલુંય ઈમેજીન કરતી હતી. શનિવારે શીખા સાથે મોલમાં શોપીંગ કરી આવી અને ડાર્ક રેડ શોર્ડ ડ્રેસ ખરીદી લીધી. શીખાએ મને બધી ટીપ્સ આપી.

રવિવાર તો જાણે માંડ આવ્યો. તૈયાર થઈને બેચેન બની આંટા મારતી હતી. ડાર્ક પ્રિન્સના રોમેન્ટિક મેસેજીસ નોનસ્ટોપ હતા અને મારી બંને હથેળીઓ ભીની થતી જતી હતી. ફટાફટ સ્કૂટી લઈને કોફી શોપ પહોંચી. શીખાનો ઓલ ધ બેસ્ટ મેસેજ આવી ગયો હતો. કોફી શોપ પહોંચી અને એન્ટર થઈ. મારા ધબકારા વધી ગયા. કોર્નરની સીટ તરફ રેડ શર્ટ પહેરેલા ડાર્ક પ્રિન્સ તરફ નજર ગઈ અને લગભગ ચિલ્લાઈ ઉઠી હું,
“પપ્પા તમે ?”

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment