“રંગ છે તને હરિતકણ!” સલામી ભરવાનું મન થાય વનસ્પતિઓને જેમનાંમાં ભારોભાર વહે છે ‘હરિતકણ’

106
rang chhe tane harit kan by kunjal pradip chhaya

“રંગ છે તને હરિતકણ !”

પગની પાની ઊંચી કરીને ઝડપથી અંગૂઠાભેર અધ્ધર પગે ચાલીને કે દોડીને પસાર થઈ જવું. એ શું સૂચવે છે? જે જગ્યાએથી ચાલીને જવાનું છે એ જમીન અતિશય ગરમ છે. ધખતી ધરાને ક્યારેક નતમસ્તક થવાનું મન થઈ આવે કે આવી અકળાવી મૂકે એવી ગરમીમાં આપણને સૌને જાણે કે સાચવીને બેઠી છે ! પૃથ્વીને ‘મા ભોમ’ અમથુંય નથી કહેવાયું. એ દરેક ઋતુમાં ખમતીધર હોવાનો પરચો બતાવે છે.

આમ જ સો તોપ ફોડીને શાનદાર સલામી ભરવાનું મન થાય ‘હરિતકણ’ જેમનાંમાં ભારોભાર વહે છે એવી વનસ્પતિઓને. નાનાં છોડવાં હોય કે ઘટાદાર વૃક્ષો અડિખમ છે દરેક ઋતુઓમાં. એને ક્યાં નડે ટાઢ કે તાપ ! રંગીન ખુશ્બોદાર પુષ્પોની ફુલવાડી અને મીઠડાં ફળોનાં વેલાઓ ફરતે ફુરસદનાં સમયે ફરવું એ તો સ્વર્ગીય આનંદ છે. એકવીશમી સદીનાં ટેકનોલોજીકલ યુગમાં જ્યાં ક્ષણીક આરામ લેવાનું નામ પણ ન પડે ત્યાં ફાજલ સમય કાઢીને આ પ્રાકૃતિક સૌંદર્યને માણવાની વાત જ્વલે જ આવે.

હજુ માર્ચ મહિનો શરૂ થાય ન થાય ને ચકલીઓને પાણી પાવાના માટીના કટોરાના વિતરણની ઝૂંબેશો થાય. એક તરફ પાણી બચાવો અભિયાન ચાલતા હોય ત્યાં બીજી બાજુ ગાય – કૂતરાંઓ માટે ઠેકઠેકાંણે પાણી ભરેલી કૂંડીઓ બનાવડાવાતી હોય છે. આ બધું પાછું જો સ્વચ્છતા અભિયાનને અંતર્ગત ન વર્તે તો નકામું. પ્રાણી અને પાણી સાચવવાની કવાયતમાં ક્યાંક ગંદકી અને માંદગી વહોરી નથી લેતાં ને ? એય જોવું રહ્યું. એવા સમયે દવાખાનાનાં લીલા સુતરાઉ પડદા ઢાંકેલ ઓરડાઓમાં કેદ થવાથી બદ્દ્તર બીજું કશું હોય જ ન શકે! પણ એની બદલે આપણે લીલુડાં ઝાડવાઓને ઉછેરવાનું પસંદ કરીએ તો? જરા વિચારી જુઓ.

વિપુલ પ્રમાણમાં શ્વાસોચ્છવાસને ઉપયોગી ઓક્સીઝન અને ભરપુર ઠંડક પ્રસરાવતાં આ ઝાડપાન સાથે દોસ્તી કરી જોઈએ. તમારા ઘરનાં આંગણાંનાં ખૂણાંમાં તુલસી, અજમો અને ફુદીનો વાવીને નાનાં કુંડામાં રોપી લો. નાની મોટી સ્વાસ્થ્યની સમસ્યા તો એજ ન નિવારી આપશે. નાની ક્યારી બનાવીને એમાં મીઠો લીમડો, લીંબુ કે દાડમડી અને રિંગણ કે મર્ચીનાં વેલા ઉગાડી જોવો. અરે! આજનાં ગુગલ યુગમાં આંગળીઓને ટેરવે ટેરેસ ગાર્ડન કે પ્લાસ્ટીક પેટ બોટલ્સ ગાર્ડન બનાવવાનું ખૂબ પ્રચલિત થયું છે. નજીવી ક્ષણોમાં અઢળક માહિતી મેળવીને આવા નાનાંમોટાં છોડ ઓછી મહેનતે ચોક્કસ વાવી શકાય.

આ વાંચતી વખતે એમ પણ થતું હશે કે આવો સમય છે કોની પાસે ? હા, સાચી વાત. ગાર્ડનિંગ ઈઝ ટાઈમ કન્સ્યુમિંગ પ્રોસેસ. બાગાયતી પ્રવૃત્તિઓ સમય અને શક્તિ ખર્ચી લે છે. પરંતુ કુદરતને ખોળે પર્ણો અને કૂંપણોના સાનિધ્યમાં જે શાતા મળે એ ક્યાંય કરોડો નાણાં ખર્ચીને પણ નથી મળતી.

ક્યારેક આ છોડ અને વેલાઓ આપણી સાથે વાતો કરતાં હોય એવું લાગે. ક્યારે બહારગામ ગયાં હોઈએ અને પાણી પીવરાવવાનું રહી જાય તો એવો જાણે રીસાયા હોય એમ કરમાઈ જાય. આપણે એમનું જતન કરીએ, ખાતર પાણી નિયમિત નાંખીએ અને પછી કહીએ કે હવે ઊગો તમારે ઊગવું હોય એટલું. જાણે આપણે આપણાં બાળકને બધી જ સુખસગવડ અને પ્રેમ તથા સંસ્કારનું સિંચન કરીને કેળવણી આપીએ ત્યારબાદ એ કેવી તાલિમ સાથે એનું ભવિષ્ય ઘડે એ તો એનું પોતાના જ વલણ ઉપર આધાર રાખે છે તેમ.

અરે! હજુ કેમ ફૂલ નથી લગ્યાં તમારી ઉપર ? મારી સારવારમાં શું ખામી રહી ગઈ છે ? એવા પ્રશ્નો પૂછી બેસીએ પણ સમય સાથે ધીરજ રાખીએ તો જ એનો જવાબ મળે. સૂકાઈને ખરી પડેલ પર્ણની મોસમને પાનખર કહેવાય. આ સમયે એની વૃક્ષની ડાળીઓ પણ સાવ જર્જરિત થઈ જાય કોઈ બિહામણાં લાગે તો કોઈ વિસ્મયકારક સુંદતાનું પ્રતિક લાગે. હા, ફરી એજ ઝાડ પર હરીયાળી છવાઈ જશે જરા ધીરા બાપુડીયા એમ કહેતું હોય એવું ભાસે.

ગરમીમાં બુકાની બાંધીને કે પછી ટોપી કે હેલ્મેટ પહેરીને સ્કુટર પર ફરતી પ્રજાને જોઈને સહેજે થઈ આવે કે રંગ છે આ લોકોને આટલા તાપમાં વાહન ચલાવીને ઉકળતી ‘લૂ’નો સામનો કરીને આગે કૂચ કરતા યોદ્ધાની જેમ ગતિ કરતાં હોય ત્યારે પરસેવે નિતરતાં શરીરની સંભાળ લેજો એવું કહેવાનું મન થઈ આવે.

“જુઓ તો, કેવો વાન બળી ગયો છે તડકામાં રખડીને!” એવું આપણે કહેતાં હોઈએ છીએ. ભીનો ગોરો ચામડીનો રંગ વધુ ગમતો હોય સહુને. અને બીજી તરફ, “આ ઝાડ તો જુઓ, કેવું લીલુંછમ છે !” એવું કહેતે આનંદિત થતાં હોઈએ છીએ ત્યારે ઘડીક આ ઝાડનાં પાદડાંની લીલાશ આંખોમાં અંજાઈ જાય ત્યારે અદભૂત ઠંડક અનુભવાય છે. આ લીલાશ પાંદડે પાંદડે જુદી ભાત અને ઝાંય છોડે છે. જેમ શરીરે રક્તવાહિનીઓમાં ભ્રમણ કરતું લોહી તેમ વનસ્પતિઓમાં હરિતદ્રવ્ય વસે છે.

ક્લ્પના પણ ન કરી શકીએ કે જો આકરા તાપમાં આ લીલું દ્રવ્ય કોઈ ઝાડનાં પાંદડામાંથી સૂકાઈને ધોળું ફક્ક થઈ જાય તો ? કેવું રંગ વિહિન લાગે આ ધરતીનું પોત. ઋતુની અસર અને પાનને પીળાં કે કથ્થાઈ કે ઘાટાં બદામી રંગનાં કરી દે છે, સમય આવે પાન પાકીને ખરી પણ પડે છે પણ એ એની શીરાઓમાં શેષ હરિતદ્રવ્યોનું અર્ક ચોક્કસ રાખી જતા હશે જેથી નવેસરથી કુદરત પર્ણ અને કૂપણોનું અંકુરણ કરે. વાહ ! કેવી સૃષ્ટિની અદભૂત વ્યવસ્થા. એક પણ પાન એક સરખું નહિ, છતાંય એક જ ઝાડનાં પાન એક જેવાં જ લાગે. રંગ પણ કેટલો વૈવિધ્યસભર છતાંય પાંદડું તો લીલું જ.

હરિતદ્રવ્ય તમામ છોડ, લીલ અને સાયનોબેક્ટેરિયામાં જોવા મળતું રંગ આપતું રંગદ્રવ્ય (પિગમેન્ટ) છે. તેનું નામ ગ્રીક શબ્દોઅ ક્લોરોસ (હરિત) અને (ફિલોન) પર્ણ પરથી બન્યું છે.

હરિતદ્રવ્ય વિદ્યુતચુંબકીય વર્ણપડમાં રાતા હિસ્સા અગાઉ આવતા વાદળી હિસ્સામાં પ્રકાશનું અત્યંત મજબુતાઈથી શોષણ કરે છે. જો કે વર્ણપટનાં હરિત અને હરિત નજીકનાં હિસ્સાનું નબળું શોષક છે. માટે હરિતદ્રવ્ય ધરાવતી પેશીનો રંગ લીલો હોય છે. પ્રાથમિક શાળાનાં અભ્યાસમાં શીખી ગયાં કે પાન એ વૃક્ષોનું રસોડું કહેવાય. તે સૂર્યમાંથી મળતી પ્રકાશકીય ઊર્જા દ્વારા પોતાને જોઈતું પોષક તત્વ મેળવે છે જેને પ્રકાશસંશ્લેષણ કહેવાય હરિતદ્રવ્ય પ્રકાશસંશ્લેષણ માટે અતિમહત્વનો પદાર્થ છે.

પ્રકાશસંશ્લેષણ દ્વારા છોડ પ્રકાશમાંથી ઊર્જા મેળવી શકે છે. હરિતદ્રવ્ય પરમાણુઓ હરિતકણનાં થાયલેકોઈડ પટલમાં આવેલા રંજકદ્રવ્યોતંત્રમાં અને તેની આસપાસ ગોઠવાયેલા હોય છે. આ સંકિર્ણમાં હરિતદ્રવ્યનું મુખ્ય રંજકદ્રવ્યતંત્ર દીઠ સેંકડો પરમાણુઓ મોટા ભાગનાં હરિતદ્રવ્ય બે મુખ્ય કાર્ય કરે છે. કાર્ય પ્રકાશનું શોષણ કરવાનું અને તે પ્રકાશ ઊર્જાનું અનુનાદ ઊર્જામાં તબદીલી મરફતે રંજકદ્રવ્યની ચોક્કસ જોડી સુધી પહોંચાડવાનું છે. હરિતદ્રવ્ય જે પ્રકાશનું શોષણ કરે છે તે પ્રકાશની તરંગલંબાઈ અંગે પસંદગી ધરાવે છે. માટે હરિતદ્રવ્યો પરમાણું ધરાવતા પર્ણનો રંગ લીલો દેખાય છે.

વૈજ્ઞાનિક કેટલાંય તારણો અને સંશોધનો આ બાબતે થયાં છે અને થતાં જ રહેશે. વિશાળ વડવાઈઓ ધરાવતા ઘેઘૂર વડલાની આબેહૂબ પ્રતિકૃતિ સમાં નાનકડાં કૂડાંમાં સમાઈ જતાં બોનઝાઈ એનું શ્રેષ્ઠતમ ઉદાહરણ છે. શરમાળ લજામણીનો છોડ અને કાંટાળો તાજ સમો થોર કેટલાંય વિરુદ્ધાભાસીય લક્ષણો હોય પણ એમાં સામાન્ય છે હરિતકણ. શિયાળો, ઊનાળો અને ચોમાસું ઋતુઓની ફેરબદલી થતી રહે પણ પ્રકૃતિનાં નિયમન સાથે પોતાની નિયમિતતા સભર સંતુલન આ સ્થાયી હોવા છતાંય સજીવ કહેવાનાં વનસ્પતિય જીવ સદાબહાર છે. બીજનું અંકુરણ થવું એ પ્રકૃતિ છે. ઊગવું એ પ્રગતિ; ખીલવું એ પ્રસત્તિ છે. અને કરમાઈ જવું એ સ્વીકૃતી છે.

લેખકઃ કુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom & fb.com/gujaratijokes

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment