મારા બાળકને રસી અપાવું કે ના અપાવું ? વાંચો, એક ડોક્ટરની રસીકરણ પર એક્સપર્ટ સલાહ…!

62

પ્રશ્ન-1 રસીકરણ શું છે ?

જવાબ: – રસીકરણ એક પ્રક્રિયા છે જેમાં બાળક ને ઈન્જેક્શન દ્વારા અથવા મોં માં ડ્રોપ્સ દ્વારા
એક અથવા વધુ રસી ના ડોઝ આપીને વિવિધ ચેપી રોગ સામે રક્ષણ આપીને સુરક્ષિત બનાવવામાં આવે છે.

પ્રશ્ન-2 રસીકરણ ના ફાયદાઓ કયા કયા છે ?

જવાબ: – રસીકરણ બાળકોને કેટલાક ગંભીર પ્રકારના ચેપ અને રોગો સામે રક્ષણ આપે છે, આ ગંભીર રોગો કે જે તણાવ, ચિંતા પેદા કરે છે અને બાળક બીમાર થવાથી ખર્ચ પણ વધુ થાય છે અને સંભવતઃ બાળક રોગથી મૃત્યુ પણ પામે છે જે રસીકરણ દ્વારા અટકાવી શકાય છે.

પ્રશ્ન:3 રસી કેવી રીતે બાળકોને રોગ પેદા કરતાં જીવાણુઓ કે વિષાણુઓ સામે રક્ષણ આપે છે?

જવાબ: – લોહીમાં કેટલાક રક્ષણાત્મક તત્ત્વોની હાજરી (જેને “એન્ટિબોડીઝ” તરીકે ઓળખવામાં આવે છે), જે રોગ પેદા કરતાં જીવાણુઓ કે વિષાણુઓ મારે છે અથવા જ્યારે તેઓ દાખલ થાય ત્યારે તેમની અસરને નિષ્ક્રિય કરે છે અને આ રીતે ચેપ સામે રક્ષણ મળે છે.
રસીમાં રોગ પેદા કરતાં બેકટેરિયા અથવા વાયરસને અથવા તેમના ભાગ ને નબળા બનાવી ને, તેમનું મારણ કરી ને જ્યારે યોગ્ય રૂટ દ્વારા બાળકના શરીરમાં દાખલ કરવામાં આવે છે ત્યારે શરીર ચોક્કસ પ્રકારના “એન્ટિબોડીઝ” ને ઉત્પન્ન કરી ને રોગ પેદા કરતાં જીવાણુઓ કે વિષાણુઓ સામે એક રક્ષણાત્મક પ્રતિભાવ પેદા કરે છે અને “એન્ટિબોડીઝ” દ્વારા ઉત્પન્ન થતો આ જ રક્ષણાત્મક પ્રતિભાવ ભવિષ્યમાં પણ બાળક માં રોગ પેદા કરતાં જીવાણુઓ કે વિષાણુઓ દાખલ થાય તો તે ચેપ સામે રક્ષણ આપે છે.

પ્રશ્ન:4 કયા વયમાં કોઈ પણ બાળક નું રસીકરણ શરૂ કરવું જોઈએ?

જવાબ: – સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ હેઠળ, બાળકનો જન્મ થાય તરત જ રસીકરણ ની શરૂઆત કરવી જોઈએ. બાળકનો જન્મ થાય કે તરત જ બાળક ને બાળ ક્ષય (બીસીજી), પોલિયો (ઓપીવી) અને
ઝેરી કમળા ( હેપેટિટિસ બી) સામે રક્ષણ આપતી રસીઓ આપવામાં આવે છે. ત્યાર બાદ બાળક ને સાર્વત્રિક રસીકરણ ની સૂચિ માં દર્શાવેલ રસીઓ ભલામણ કરેલ ઉંમરે આપવામાં આવે છે.

પ્રશ્ન :5 બાળક ને સમયસર રસીકરણ કરાવવું કેમ જરૂરી છે ?

જવાબ: – વિવિધ રસીઓ જ્યારે યોગ્ય ઉંમરે, અને આવશ્યક સંખ્યા ના ડોઝ માં આપવામાં આવે છે ત્યારે જ બાળકોને શ્રેષ્ઠ રક્ષણ પૂરું પાડે છે.
જીવન ના ચોક્કસ સમયગાળા દરમિયાન ચોક્કસ રોગ થવાનું જોખમ મહત્તમ હોય છે, તેથી આ રોગ દ્વારા થતાં નુકસાન ને રોકવા માટે રસી આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે, પોલિયોથી બાળ લકવાનું જોખમ 5 વર્ષથી નીચેના બાળકોમાં મહત્તમ છે; તેથી,નિયમિત રસીકરણમાં અને પોલિયો સામે ની રસીકરણ ઝુંબેશમાં પોલિયો ની રસી 5 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને આપવામાં આવે છે. તેવી જ રીતે, બાળકો માં ગંભીર ચેપ અટકાવવા માટે જરૂરી સ્તરનું રક્ષણ એ રસી ના જરૂરી ડોઝની સંખ્યા દ્વારા નક્કી કરવામાં આવે છે
સાર્વત્રિક રસીકરણ ની સૂચિ માં દર્શાવેલ રસીઓ ભલામણ કરેલ ઉંમરે અને જરૂરી ડોઝની સંખ્યામાં આપવામાં આવે તો જ રસી દ્વારા અટકાવી શકાતા રોગ સામે રક્ષણ મળે છે. જ્યારે બાળકોને રસી ન આપવામાં આવે, અથવા રસીકરણ મેળવવામાં વિલંબ થાય છે ત્યારે તેઓ અસુરક્ષિત રહે છે અને ગંભીર ચેપ થવાની તકો વધી જાય છે.

પ્રશ્ન: 6 રસીકરણ નો કેટલો ખર્ચ થાય છે ?

રસીઓ ઘણી જ કિમતી છે અને સરકાર આ રસીઓ ની પ્રાપ્તિમાં , યોગ્ય તાપમાને તેમના સંગ્રહ અને પરિવહન માં ઘણો ખર્ચ કરે છે. જો કે તમામ રોગપ્રતિરક્ષા સેવાઓ, રસીઓ, મમતા કાર્ડ અને દવાઓ સરકારી સ્વાસ્થ્ય સુવિધાઓ માં બાળકો ને મફત આપવામાં આવે છે. તેવી જ રીતે, સગર્ભા સ્ત્રીઓનેપણ રોગપ્રતિરક્ષા સેવાઓ સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રો પર પણ મફત આપવામાં આવે છે.

પ્રશ્ન: 7 માતાપિતા / બાળક ની સંભાળ લેનારા વ્યક્તિઓ બાળક ને રસીકરણ માટે કયાં લઈ જવું જોઈએ ?

જવાબ: – માતાપિતા / બાળક ની સંભાળ લેનારા વ્યક્તિઓ તેમના બાળક ને રસીકરણ માટે કોઈ પણ સરકારી આરોગ્ય સુવિધાઓ જેવી કે સરકારી હોસ્પિટલો, મેડિકલ કોલેજો, શહેરી દવાખાના, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (પીએચસી), કોમ્યુનિટી હેલ્થ કેન્દ્રો (સીએચસી), પેટા કેન્દ્રો અને આંગણવાડી કેન્દ્રો પર લઈ જઈ શકે છે.

ગામડાઓ માં અને કેટલાક શહેરી વિસ્તારો (ઝૂંપડપટ્ટીઓ અને મોહલ્લા જેવા)માં
સ્ત્રી આરોગ્ય કાર્યકર, રસીકરણ સેવાઓ પૂરી પાડવા માટે રસીકરણ ના સત્રોનું આયોજન કરે છે
બાળકોને રોગપ્રતિરક્ષા સેવાઓ તેમના નજીકના સુવિધા કેન્દ્રો ખાતે મળી રહે તેની સરકારી આરોગ્ય વિભાગ એ ખાતરી કરી છે
અહી એ સમજવું મહત્વનું છે કે સાર્વત્રિક રસીકરણ કાર્યક્ર્મ હેઠળ આપવામાં આવતી રસીઓ ચોક્કસ રસીકરણ ઝુંબેશો જેવી કે પોલિયો સિવાય ઘરે ઘરે ફરી ને આપવામાં આવતી નથી.

પ્રશ્ન: 8 કઈ રસી ઓ બાળકો માટે સારી છે – ખાનગી પ્રેક્ટિશનરો દ્વારા આપવામાં આવે તે અથવા સરકારી સ્વાસ્થ્ય સુવિધાઓ પર આપવામાં આવે તે ?
જવાબ : દેશમાં ઉપલબ્ધ બધી જ રસીઓ ભારતના દવા નિયંત્રક જનરલ (ડીસીજીઆઇ) દ્વારા લાઇસન્સ પ્રાપ્ત થયેલી હોય છે. તેથી, ઉપયોગ માટે સલામત છે. બંને સરકારી અને ખાનગી ક્ષેત્રો, સરકારી મંજૂરી અને લાઇસન્સ પ્રાપ્ત થયેલી રસીઓના ઉત્પાદકો પાસેથી રસીઓ ની ખરીદી કરે છે. જો કે, તમામ બાળકો અને સગર્ભા સ્ત્રીઓને સંપૂર્ણ રોગપ્રતિરક્ષા ની સેવાઓ સરકારી આરોગ્ય સુવિધામાં મફત આપવામાં આવે છે.

પ્રશ્ન :9 ખાનગી પ્રબંધકો (ખાનગી પ્રેક્ટિશનરો) સરકારના કાર્યક્રમમાં ઉપલબ્ધ નથી તેવી કેટલીક રસીઓ શા માટે આપે છે?
જવાબ : બધા બાળકો અને સગર્ભા માતાઓ સંક્રમિત, નિષ્ક્રિય કરતાં અથવા મૃત્યુ કરતાં રોગો સામે સુરક્ષિત રહે તેનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ (એમઓએચએફડબલ્યુ) મંત્રાલય સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ ( યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ) ના અમલીકરણ દ્વારા ખાતરી કરે છે. બીજી તરફ, ખાનગી પ્રબંધકો સેવાઓ માટે તેમનો સંપર્ક કરનાર વ્યક્તિગત બાળકો અને માતા-પિતાને ચાર્જ (પૈસા) લઈ ને સેવાઓ પૂરી પડે છે.

પ્રશ્ન :10 બાળકે રોગ સામે રસી લીધી હોય છતાં તે રોગ નો ભોગ બન્યા હોવાના કિસ્સાઓ વિશે અમે સાંભળ્યું છે, તો પછી રસી લેવાનો હેતુ શું ?

જવાબ : રસીઓ ઘણા લાંબા સમયથી વપરાશ માં છે અને તે અસરકારક પણ સાબિત થઈ છે. પરંતુ અન્ય કોઇ દવાની જેમ, રસીઓ પણ 100% અસરકારક નથી. રોગપ્રતિકારક તંત્રના પ્રતિભાવ ના લીધે ઉત્પન્ન થતાં સુરક્ષા સ્તરનું સર્જન એક બાળકથી બીજા બાળક માં બદલાઈ શકે છે
જે બાળકો માં કુપોષણ હોય અને સતત પુનરાવર્તિત ઝાડા હોય તેના લીધે રસીકરણ કર્યા પછી પણ ઓછા પ્રમાણમાં રક્ષણનું સ્તર ધરાવે છે. જોકે હળવા પ્રકારનું કુપોષણ અને ઝાડા રસીકરણ માટે બિનસલાહભર્યા નથી. આમ, કેટલાક બાળકોમાં જો રોગ થાય તો પણ બાળકને તે રોગ સામે રસી આપવામાં આવે છે. જો કે, આવા માં કિસ્સાઓમાં રોગ ની ગંભીરતા, જે બાળકોને ક્યારેય રસી ન આપવામાં આવી હોય તેની સરખામણીમાં ઓછી હોય છે.

પ્રશ્ન :11 સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ હેઠળ હાલ કઈ કઈ રસીઓ આપવામાં આવે છે ?

જવાબ : ભારતના સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ હેઠળ 12 અલગ-અલગ રસીઓ સરકારી આરોગ્ય સુવિધાઓ ખાતે મફત આપવામાં આવે છે. જેવી કે બીસીજી, ઓપીવી, હીપેટાઇટિસ બી, પેન્ટાવેલેન્ટ, રોટાવાઈરસ રસી *,પીસીવી *, આઈપીવી, મેઝલ્સ (ઓરી) / એમઆર (ઓરી/રૂબેલા) *, જેઈ *, ડીપીટી, અને ટીટી.
સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ (યુઆઇપી) હેઠળ આપવામાં આવતી રસીઓ અને તેમના થી રોગ સામે મળતું રક્ષણ નીચે મુજબ છે.
બીસીજી- બાળ ક્ષય
ઓપીવી- બાળ લકવો
હેપેટિટિસ બી – ઝેરી કમળો
પેન્ટાવેલેન્ટ- ઘટસર્પ (ડિફ્થેરિયા), ઊંટાટિયું, ધનુર, ઝેરી કમળો, મગજ નો તાવ અને ન્યુમોનિયા
આરવીવી* – રોટાવાઇરસ દ્વારા થતાં ઝાડા
આઇપીવી – બાળ લકવો
મિઝ્લ્સ- ઓરી
એમઆર*- ઓરી અને રૂબેલા
જેઈ*- જાપાનીઝ એંકેફેલાઈટિસ
ડીપીટી- ઘટસર્પ (ડિફ્થેરિયા), ઊંટાટિયું, ધનુર
ટીટી- ધનુર
પીસીવી*- ન્યુમોકોકલ જીવાણુ થી થતાં ન્યુમોનિયા

જ્યાં લાગુ પડે ત્યાં

પ્રશ્ન :12 શા માટે ચોક્કસ રસીઓ ફક્ત પસંદ કરેલ રાજ્યો માં જ દાખલ કરવામાં આવી છે?

જવાબ :આ માટે બે કારણો છે:
જયારે યુ.આઇ.પી.માં નવા રસીની શરૂઆત થાય છે, ત્યારે શરૂઆતમાં, તેઓ
કેટલાક રાજ્યોમાં શરૂ કરવામાં આવે છે અને ધીમે ધીમે સમગ્ર દેશના તમામ રાજ્યો અને જિલ્લાઓ માં વિસ્તરણ કરવામાં આવે છે ઉદાહરણ તરીકે, રોટાવાયરસ રસી અને પીસીવી અને બીજું, કેટલીક રસી એવા રોગ સામે રક્ષણ આપે છે કે જે રોગ પેદા કરતાં જીવાણુઓ કે વિષાણુઓ સર્વત્ર હાજર નથી આવા કિસ્સાઓમાં, કેટલીક રસીઓ માત્ર એવા જિલ્લાઓમાં જ આપવામાં આવે છે જ્યાં તે રોગ પેદા કરતાં જીવાણુઓ કે વિષાણુઓ હોય. ઉદાહરણ તરીકે, જેઈ જાપાનીઝ એન્સેફાલીટીસને અટકાવવા માટે રસી.

પ્રશ્ન:13 જો કોઈ બાળકને નિયમિત રસીકરણ દ્વારા રસીની તમામ ડોઝ મળ્યા હોય તો પણ તે બાળક ને રસીકરણ ઝુંબેશ દરમિયાન વધારાના ડોઝની જરૂર છે?
જવાબ : હા. રોગ નો ફેલાવો નિયંત્રણ માં આવી જાય તે માટે બહુમતી સંવેદનશીલ વય જૂથ ના બાળકો માં રસીકરણ ની ખાતરી કરવા માટે એક રસીકરણ ઝુંબેશ ગોઠવાય છે.
આ રીતે, જો બાળકને વય મુજબ નિયત કરેલા રસીની તમામ ડોઝ નિયમિત રસીકરણ દ્વારા મળ્યા હોય તો પણ રસીકરણ ઝુંબેશ દરમિયાન “વધારાના” ડોઝ લેવા જોઈએ.
વધુમાં, જો કોઈ બાળકને રસીકરણ ઝુંબેશ દરમિયાન “વધારાના” ડોઝ મળ્યા હોય તો પણ નિયમિત રસીકરણ દ્વારા સમયપત્રક પ્રમાણેની તમામ રસીઓ લેવી જરૂરી છે.
ઉદાહરણ તરીકે, 5 વર્ષ સુધીની તમામ બાળકોએ નિયમિત રસીકરણ માં ઓપીવી અને આઇપીવી ના ડોઝને પ્રાપ્ત કર્યા પછી પણ પલ્સ પોલિયો ની ઝુંબેશો દરમિયાન OPV ના ડોઝ લેવા જરૂરી છે.

પ્રશ્ન : 14 જો કોઈ બાળક ભૂતકાળમાં કેટલાક રોગ થી ચેપગ્રસ્ત થયો હોય અથવા તેનાથી પીડાય છે છતાં પણ તે/ તેણી એ રોગ સામે રસીકરણ હજુ પણ જરૂરી છે ?
જવાબ : હા. મોટા ભાગના રોગો (દાખલા તરીકે, ડિપ્થેરિયા, ટિટાનસ, રોટાવાયરસ ઝાડા, હિબ ન્યુમોનિયા, ઓરી અને જેઈ) સંપૂર્ણ વિકસિત ચેપ અને રોગ પછી પણ માત્ર ટૂંકા ગાળાનું રક્ષણઆપે છે. તેથી, આ કિસ્સાઓમાં બાળકને હજુ પણ રસીકરણ ના સમય પત્રક મુજબ ના તમામ ડોઝની જરૂર પડશે.

પ્રશ્ન : 15 સગર્ભા સ્ત્રીઓ ને કઈ રસી આપવામાં આવે છે ?
જવાબ : સગર્ભા સ્ત્રીઓ ને ફક્ત ધનુર વિરોધી રસી આપવામાં આવે છે.

પ્રશ્ન : 16 સગર્ભા સ્ત્રીઓ માં રસીકરણ શા માટે જરૂરી છે ?
જવાબ : તમામ સગર્ભા સ્ત્રીઓ ને અને તેમના બાળકો ને ધનુર રોગ સામે રક્ષણ આપવા માટે ધનુર વિરોધી રસી તમામ સગર્ભા સ્ત્રીઓ ને આપવામાં આવે છે. ધનુર એ તાળા વાળા જડબા ના રોગ તરીકે પણ ઓળખાય છે. જે નવા જન્મેલા બાળકો માટે જીવલેણ રોગ છે, જે બાળકો માં ખેંચ લાવે છે, તીવ્ર સ્નાયુ નું સંકોચન કરે છે અને શ્વાશ લેવાની નિષ્ફળતા કારણે બાળક મૃત્યુ પણ પામે છે.

પ્રશ્ન :17 શું બીસીજી ના રસીકરણ પછી ચાઠું પડવું એ સામાન્ય પ્રતિક્રિયા છે ?
જવાબ : હા. બીસીજી ના રસીકરણ પછી ચાઠું પડવું એ સામાન્ય પ્રતિક્રિયા છે બીસીજી ની રસી આપ્યા ના બે અઠવાડિયા પછી ઈન્જેક્શનની જગ્યા સામાન્ય રીતે લાલ અને કઠણ થઈ જાય છે અને તે પછી તે જગ્યા એ ચામડી ફુલે છે જેનું કદ ચોથા સપ્તાહ સુધી મહત્તમ થાય છે. ત્યાર બાદ આ ફુલેલી ચામડી પાછળથી વિસર્જિત થતાં પરુ નીકળી ને ધીમે ધીમે તે જગ્યા એ પોપડો બાઝે છે. (5-6અઠવાડિયા), ત્યારબાદ 8 અઠવાડીયા પછી તે જગ્યા એ ચાઠું પડી જાય છે.

પ્રશ્ન :18 બાળક માં બીસીજી ના રસીકરણ પછી પણ ચાઠું ના પડે તો શું કરવું જોઈએ ?
જવાબ : બાળક માં બીસીજી ના રસીકરણ પછી પણ ચાઠું ના પડે તો બાળકને ફરીથી રસી આપવાની જરૂર નથી. એવા કેટલાક કિસ્સાઓ છે, જેમાં બીસીજી ના રસીકરણ પછી ચાઠું ના પડે તો પણ ક્ષય રોગ સામે રક્ષણ મળ્યું છે.

પ્રશ્ન :19 પેન્ટાવેલેન્ટ રસી શું છે અને તે બાળકો માટે ફાયદાકારક શા માટે છે?
જવાબ : પેન્ટાવેલેન્ટ રસી નો તાજેતર માં જ સાર્વત્રિક રસીકરણ ના સમયપત્રક માં સમાવેશ થયો છે. પેન્ટાવેલન્ટમાં ની પાંચ રસીઓ ડીપીટી, હેપેટિટિસ બી, હીબ નો સમાવેશ થાય છે. અને નીચેના 6 રોગ સામે રક્ષણ આપે છે.
ડિપ્થેરિયા- ઘટસર્પ
પર્ટુસિસ- ઊંટાટિયું
ટેટનસ – ધનુર
હેપેટિટિસ બી- ઝેરી કમળો
હીબ- મગજ નો તાવ અને ન્યુમોનિયા

પેન્ટાવેલન્ટ રસી ના 3 ડોઝ છે જે 6,10 અને 14 માં સપ્તાહે બાળક ને સાથળ ના આગળ ના ભાગે સ્નાયુ માં આપવામાં આવે છે.

પ્રશ્ન :20 ભારત દેશ ને પોલિયો મુક્ત જાહેર કરવામાં આવ્યો છે છતાં બાળકોને નિયમિત રસીકરણ દરમ્યાન અને પલ્સ પોલિયો ઝુંબેશ દરમ્યાન પોલિયો ની રસી શા માટે આપવામાં આવે છે ?
જવાબ : ભલે ભારતને પોલિયો મુક્ત જાહેર કરવામાં આવ્યો હોય, પણ પોલિયો નો ચેપ હજુ પણ કેટલાક દેશોમાં હાજર છે ભારતમાં ચેપગ્રસ્ત વ્યક્તિની મુસાફરી દ્વારા પોલિયો ના ચેપ ફેલાવા નું સતત જોખમ
રહેલું છે તેથી, પોલિયો નો વાયરસ વિશ્વમાંથી નાબૂદ ના થાય ત્યાં સુધી બાળકોને પોલિયો ની રસી આપીને પોલિયો સામે તેમનું રક્ષણ ઊંચું રાખવું મહત્વનું છે.

પ્રશ્ન :21 રસીકરણ ના સમયપત્રક માં શા માટે રુબેલા સામે રસી નો સમાવેશ કરવામાં આવ્યો છે ?
જવાબ : રૂબેલા એક વાયરલ રોગ છે, અને ગર્ભાવસ્થા દરમિયાન તેનો ચેપ ગર્ભપાત અથવા મૃત બાળજન્મ કરે છે. તેમજ નવા જન્મેલા બાળકો માં ઘણી જન્મજાત ખામીઓ (જેમ કે અંધત્વ, બહેરાશ, હ્રદય ખામી, વિકાસ વિલંબ, અને ઘણા અન્ય આજીવન અપંગ) માટે પણ કારણભૂત છે.
રુબેલા રસી ઘણા લાંબા સમય થી ખાનગી ક્ષેત્રમાં આપવામાં આવે છે. હવે, બાળકો અને યુવાન વયસ્કોમાં રૂબેલા ના ચેપ ના અટકાવ માટે સાર્વત્રિક રસીકરણ ના સમયપત્રક માં ઓરી ની રસી સાથે રુબેલા સામે ની રસી ((MR -મિઝ્લ્સ, રૂબેલા) નો સમાવેશ કરવામાં આવ્યો છે.
એમ.આર. રસીકરણ ઝુંબેશ એ એક ખાસ ઝુંબેશ છે જેમાં
9 મહિનાથી થી લઈ ને 15 વર્ષથી ઓછી ઉંમરના તમામ બાળકોને રસી કાઢવો
એમઆર રસીનો એક વધારાનો ડોઝ આપવામાં આવે છે. મોટા ભાગના આ બાળકો મીઝલ્સ અને રુબેલા સામે રસીકરણ થી રક્ષિત થઈ જાય તેનું આ ઝુંબેશ દ્વારા ખાતરી કરવામાં આવશે, જેથી આ રોગ એક વ્યક્તિથી અન્ય વ્યક્તિઓ માં ફેલાતો અટકાવી શકાય.
એકવાર જો મીઝલ્સ અને રુબેલાનું પ્રસારણ નિયત્રંણ માં આવી જાય તો ગર્ભવતી મહિલાઓ માં આ રોગ નો ચેપ લાગવાનુ જોખમ પણ ટળી જશે.

પશ્ન :22 શું ઝુંબેશ દરમિયાન એમઆર રસીનો ઉપયોગ બાળકો માટે સલામત છે?
જવાબ : હા. ઝુંબેશ દરમિયાન તેમજ નિયમિત રસીકરણ માં એમ.આર. રસી નો ઉપયોગ અત્યંત સલામત અને અસરકારક સાબિત થયો છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પૂર્વ પાત્રતા ધરાવતી આ રસી નું ભારતમાં ઉત્પાદન થાય છે અને તે અન્ય કેટલાક પાડોશી દેશ જેવા કે બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, અને મ્યાનમાર માં ઉપયોગ કરવામાં આવે છે

પ્રશ્ન :23 રસીકરણ બાદ ઇન્જેક્શન સાઇટ માં શા માટે દુખાવો અને સોજો આવે છે?
જવાબ : ઇન્જેક્ટેબલ રસીના કિસ્સામાં (જેમ કે હેપેટાઇટીસ બી, પેન્ટાવેલેન્ટ,
ડીપીટી અને આઇપીવી), શિશુમાં ઈન્જેક્શન સાઇટ પર લાલાશ, હળવો દુખાવો અને સોજો આવે છે. આ એકદમ સામાન્ય છે અને 1-3 દિવસની અંદર આ લક્ષણો જતાં પણ રહે છે . જે રસી ની ગુણવત્તા, સલામતીથી અથવા અસરકારકતા સાથે સંબંધિત નથી.

પ્રશ્ન : 24 રસીકરણ પછી તાવ આવવાનું કારણ શું છે?
જવાબ : રસી શરીર માં દાખલ થયા પછી હળવો તાવ (પેન્ટાવેલેન્ટ અને DPT ની રસી પછીના સંકેત) આવવો એ સામાન્ય પ્રતિક્રિયાનું પરિણામ છે. આ તાવ સામાન્ય રીતે હળવી પ્રકૃતિમાં તથા આત્મ-મર્યાદિત હોય છે અને 1-2 દિવસમાં બાળક તાવ માં રાહત થઈ જાય છે.

પ્રશ્ન :25 જો બાળક બીમાર હોય તો તેને રસી મુકાવવી જોઈએ ?
જવાબ : બીમાર બાળક ને હળવી માંદગી (જેમ કે ઉધરસ, ઠંડા, અથવા હળવા તાવ), હળવા ઝાડા અથવા ઉલટી હોય તો પણ ઇન્જેક્ટેબલ અથવા મૌખિક રસી આપવી સલામત છે. જો કે, એ બાળક કે જેની બીમારી ગંભીર છે અથવા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હોય (જેમ કે ઉચ્ચ ગ્રેડ નો તાવ, તીવ્ર ઝાડા, વગેરે હોય) તો તેની સ્થિતિ સુધરે ત્યાં સુધી રસી આપવી જોઈએ નહીં.

પ્રશ્ન :26 જો બાળક શસ્ત્રક્રિયા (સિઝેરીયન) દ્વારા જન્મે અથવા 9 મહિના પહેલા જન્મે તો તેનું રસીકરણ થવું જોઈએ ?
જવાબ : હા, સાર્વત્રિક રસીકરણ સમયપત્રક મુજબ તમામ બાળકો નું રસીકરણ થવું જોઈએ.
નીચેની કોઈ પણ બાબત હોય તો પણ તમામ બાળકો નું રસીકરણ થવું જોઈએ.
જો બાળક શસ્ત્રક્રિયા (સિઝેરીયન) દ્વારા જન્મે અથવા સામાન્ય પ્રસૂતિ દ્વારા
બાળક નો જન્મ ખાનગી કે સરકારી પ્રસૂતિ ગૃહ માં થાય કે ઘરે થાય
બાળક 9 મહિના પહેલા જન્મે
માતાને કોઈપણ તબીબી તકલીફ હોય
બાળક નું જન્મ સમયે વજન ઓછું હોય

પ્રશ્ન : 27 અમે સાંભળ્યું છે કે OPV થી નપુંસકતા થાય છે, અને એમઆર રસી થી ઓટીઝમ થાય છે. શું આ સાચું છે?
જવાબ : ના. સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ (યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ) માં ઉપયોગમાં લેવાતી તમામ રસીઓ ગુણવત્તા માટે પરીક્ષણ કરેલી હોય છે અને અને તેઓ અત્યંત સુરક્ષિત અને અસરકારક છે. આ રસીઓ થી નપુંસકતા કે ઓટીઝમ થતું નથી.

પ્રશ્ન :28 શું રસીકરણ બાળક માં ઍલર્જી કરી શકે છે ?
જવાબ : કેટલાક બાળકો ચોક્કસ રસી માટે અથવા રસીના ઘટક માટે (જેમ કે એન્ટિબાયોટિક અથવા પ્રિઝર્વેટિવ) એલર્જીક હોઈ શકે છે અને આવા બાળકોમાં રસીકરણ બાદ એલર્જીક પ્રતિક્રિયા જેવી કે ખંજવાળ અથવા શરીર પર લાલ ફોલ્લીઓ થઈ શકે છે.

પ્રશ્ન :29 શું એક જ સમયે બાળકોને એક કરતાં વધુ રસી સુરક્ષિત રીતે આપી શકાય ? તેનો ફાયદો શું છે
જવાબ : હા. એકથી એક જ સમયે બાળકોને એક કરતાં વધુ રસી સુરક્ષિત રીતે આપી શકાય છે. તેની કોઈ પ્રતિકૂળ અસર નથી કે તેનાથી રસી ની અસરકારકતા પર કોઈ અસર પડતી નથી.
રસીકરણ સમયપત્રક મુજબ સમાન ઇમ્યુનાઇઝેશન સત્ર દરમિયાન એકથી વધુ રસીઓ આપવાથી રસીઓ લેવા વારંવાર આવવું પડતું નથી અને તેનાથી વધારાની મુસાફરી અને સમય નો વ્યય થતો નથી.

પ્રશ્ન :30 ઇમ્યુનાઇઝેશન સત્ર દરમ્યાન રસીની ગુણવત્તા કેવી રીતે જાળવી રાખવામાં આવે છે?
જવાબ : રસીના સંગ્રહ માટે યોગ્ય તાપમાન જાળવી રાખીને રસીની ગુણવત્તા ની ખાતરી કરી શકાય છે. ઇમ્યુનાઇઝેશન સત્ર દરમ્યાન હેલ્થ વર્કર વેક્સિન કેરિયર માંથી એક આઈસ પેક લે છે અને ઠંડી પરત્વે સંવેદનશીલ ના હોય તેવી રસીઓ ને તેની પર મૂકે છે અને ઠંડી પરત્વે સંવેદનશીલ હોય તેવી રસીઓ ને આઈસ પેક પર મૂકવામાં આવતી નથી. રસીઓ ને આ રીતે યોગ્ય તાપમાને જાળવી રાખવાની ખાતરી કરવામાં આવે છે.
વેક્સિન વાહક (વેક્સિન કેરિયર) એ બૉક્સ છે કે જેનો સ્ત્રી આરોગ્ય કાર્યકર ઇમ્યુનાઇઝેશન સત્ર સુધી રસીને લઈ જવા ઉપયોગ કરે છે. વેક્સિન વાહક (વેક્સિન કેરિયર) એક અવાહક બોક્સ છે જે ભરેલું છે જેમાં 12 કલાક સુધી રસીઓ ને યોગ્ય તાપમાને સંગ્રહ કરવા માટે 4 કન્ડિશન્ડ આઇસ પેક હોય છે. આ વેક્સિન વાહક (વેક્સિન કેરિયર) રસીની શીશીઓ ને સંગ્રહ સ્થાન થી સત્રની સાઇટ્સ સુધી અને ફરી પાછી સત્રની સાઇટ્સ થી સંગ્રહ સ્થાન સુધી સલામત રીતે યોગ્ય તાપમાને જાળવી રાખવાની ખાતરી આપે છે. રસીની શીશીઓ ના લેબલ કે કેપ પરના વાદળી વર્તુળની અંદર આવેલ ચોરસ ને વેક્સિન વાયલ મોનિટર (વી.વી.એમ.) કહેવામા આવે છે. જે ગરમીના સંસર્ગ થી રસી ની અસરકારકતા પર થતી અસર ને દર્શાવે છે. જેથી આરોગ્ય કાર્યકર ને બાળક ને અસરકારક રસી આપવી કે નહીં તેની માહિતી મળે છે. તદુપરાંત આરોગ્ય કાર્યકર રસી ની શીશીઓ ખોલ્યા બાદ તેની પર સમય અને તારીખ લખે છે જેથી અમુક ચોક્કસ સમય બાદ રસી વપરાશ યોગ્ય છે કે નહીં તેની ખાતરી કરી શકે.

પ્રશ્ન: 31 એડી સિરિંજ શું છે ?
જવાબ : સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ માં ઇન્જેક્ટેબલ રસીઓ ને આપવા માટે એડી અથવા ઓટો ડિસેબલ સિરીંજ એ વિશિષ્ટ પ્રકાર ની પ્લાસ્ટિક સિરીંજ છે એકવાર ઉપયોગમાં લીધા પછી, આ સિરીંજ લૉક થાય છે.જેથી આવી સિરીંજ નો ફરી ઉપયોગ અથવા તો દુરુપયોગ ટળે છે અને એક બાળકમાંથી બીજા બાળક માં ચેપનો પ્રસાર ના થવાની ખાતરી રહે છે.

પ્રશ્ન :32 શું વિટામિન A એ રસી છે ?
જવાબ : ના. વિટામિન એ કોઈ રસી નથી. તે એક સુક્ષ્મ પોષકતત્ત્વ છે જે બાળકો ના વૃધ્ધિ અને વિકાસ માટે જરૂરી છે અને તે રોગ સામે રક્ષણ કરવામાં મદદ કરે છે તેમજ આંખના આરોગ્ય માટે પણ સારું છે.

પ્રશ્ન : 33 મમતા કાર્ડ એ શું છે ?
જવાબ : મમતા કાર્ડ લિખિત પ્રમાણ છે કે જે બાળકે લીધેલ રસીઓ નો રેકોર્ડ (તારીખ અને ઉંમર પ્રમાણે ) બતાવે છે. જો બાળક ને કોઈ રસી આપવામાં રહી ગઈ હોય તો તે પણ જાણવામાં મદદ કરે છે.
આ કાર્ડ બધી જ ગર્ભવતી સ્ત્રી ઓ અને બાળકો ને મફત.આપવામાં આવે છે મમતા કાર્ડ ગર્ભવતીને ગર્ભાવસ્થા ની ખાતરી થયા બાદ તુરંત જ આપવામાં આવે છે અને તેના બાળક નું સંપૂર્ણ રસીકરણ ના થાય ત્યાં સુધી આ જ મમતાકાર્ડ માં નોંધણી કરવાની હોય છે.

પ્રશ્ન : 34 જો આરોગ્ય સુવિધા અથવા સત્ર સાઇટ પર મુકરર રસી ઉપલબ્ધ ન હોય તો શું કરવું જોઈએ?
જવાબ : આવી પરિસ્થિતિઓમાં, આરોગ્ય કાર્યકર બાળકને તમામ ઉપલબ્ધ રસી જેના માટે તે પાત્ર છે તે આપશે અને તેને આગામી ઇમ્યુનાઇઝેશન સત્ર માં બાકી રસીકરણ માટે આવવાનું કહેવામાં આવશે. જો કે સુનિશ્ચિત રસી મેળવવા માટે માતાપિતા ઉચ્ચ સ્તર ની સ્વાસ્થ્ય સુવિધા પર પણ જઈ શકે છે અથવા તો આગામી ઇમ્યુનાઇઝેશન સત્ર દિવસ ની રાહ જોઈ શકે છે.

ડૉ. નિલેષ ઠાકોર M.D. (Community Medicine) National Immunization Trainer

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment