“જીવન સંધ્યા” – રૂપેશભાઈ ગોકાણી દ્વારા લિખિત ખુબ લાગણીસભર વાર્તા…

31

“શુ કરુ યાર કયારેક એમ થાય છે કે આ બધુ છોડીને જતો રહુ” એંસી વર્ષના મનોહરભાઇએ તેના મિત્ર જીવનભાઇને કહ્યુ.

“માયા મુકીને કયાંય જવાતુ પણ નથી યાર. ગમે તેટલી મુશ્કેલી હોય જીવન બધાને ગમતુ જ હોય છે.”

“જીવન, યાર તારુ નામ છે એટલે તને ગમે છે. કાલે તો દવા ખાઇ જ લીધી હતી પરંતુ આંખની ઝાંખપને કારણે ગ્લુકોઝ ખવાઇ ગયુ તે બચી ગયો. બાકી આજે તુ મારા ઘરે રડતો હોત.”
“મનોહર આમ હિમ્મત ન હારી જવાઇ. તુ તો મોટો લડવૈયો હતો યાદ છે ને જીંદગીની ગમે તેવી તડકી છાંયીમાં કયારેય તું હાર્યો નથી. આ તારો સ્વભાવ નથી યાર.”

“હવે હું થાકી ગયો છુ મિત્ર બહુ થયુ બધુ.”
“દોસ્ત હુ તારી પરિસ્થિતિ સમજુ છુ. તુ જે અપનાવવા માંગે છે તે રસ્તો યોગ્ય નથી. તને ફાવતુ ન હોય તો મારી સાથે રહેવા આવી જા. આપણે બે ય અલગારી એકલા મોજ કરીશુ. રોશનીના ગયા પછી હુ સાવ એકલો પડી ગયો છું.”
“ના દોસ્ત એવુ લાગશે તો જરૂર આવી જઇશ. અત્યારે એવી જરૂરિયાત નથી.”
“તો વચન આપ કે હવે આવુ કયારેય નહિ વિચારીશ.”

“હા, મિત્ર તુ કહે તો હુ કાંઇ નહિ કરુ. ચાલ હવે ઘરે જાવ. બધા સુઇ જાય પહેલા ઘરે પહોંચી જાવ.” બગીચાના બાંકડા પરથી ઉભા થતા મનોહરભાઇએ કહ્યુ.

“પપા, તમારુ જમવાનુ ટેબલ પર ઢાંક્યુ છે. અમારે આજે બહાર જવાનુ છે.” ઘરમાં આવ્યા એટલે તુરન્ત જ તેના દીકરા વહુ દિવ્યાએ કહ્યુ.

“હા, તમ તમારે નિરાંતે જાવ હુ મારુ સંભાળી લઇશ.”

દીકરો વહુ, પૌત્ર પૌત્રી બધા હો હો કરતા નીકળી ગયા. ફરીથી તે આખા ઘરમાં એકલા પડી ગયા. કરોડોની સંપત્તિ અને આટલા નોકર ચાકરો કામ કરતા હતા. બધી વાતનુ સુખ હતુ છતાંય તેને જરાય ગમતુ ન હતુ.”

તે ડાઇનિંગ ટેબલ પર બેસી ગયા. તેને જોયુ તો મનભાવક ખીચડી કઢીનુ ભોજન હતુ. છતાંય ખાવાની જરાય ઇચ્છા થતી ન હતી. તે પરાણે થોડુ જમ્યા અને પછી રૂમ જઇ ભાગવત ગીતાનુ વાંચન કરવા લાગ્યા. આ પુસ્તકો જ હવે તેમના જીવનનો સહારો હતા. બાકી તેને કાંઇ ગમતુ ન હતુ.

વાંચતા જ ઉંઘ આવી ગઇ. ફરી જ તે સવ્પને તેની ઉંઘ ઉડાડી દીધી. તે લાખ ઇગ્નોર કરવા ઇચ્છે પરંતુ તેનો સ્વભાવ તેના સિધ્ધાંત તેને રોકી રહ્યા હતા.

“જીવન, યાર મારાથી આ બધુ થતુ નથી. હું કંટાળી ગયો છુ.” “બધુ છોડીને મસ્ત બેફિકર થઇને જીવને યાર. તારો સ્વભાવ પણ યાર. આપણે હવે ખરતુ પાન કહેવાય. હવે દીકરાઓ જેમ કહે તેમ મોજથી જીવવાનુ હોય. આપણો જમાનો પુરો થઇ ગયો.”

“તારી વાત હું સમજુ છુ તારે કોઇ નથી એટલે તને ખબર નથી. બાકી રોજ રોજ આ બધુ સહન કરવુ અઘરુ છુ.”

“હા, સાચી વાત છે જેના પર વિતે તે જ જાણી શકે હુ તને સમજાવી શકુ બાકી તો મે કાલે જ કહ્યુ હતુ કે તુ મારી સાથે આવી જા અને છોડી દે આ બધી જંજાળ.”

“મને મારા પરિવારની ચિંતા થાય છે. હું તેમને છોડી શકતો નથી.”
“ઓહ તેઓને તારી કાંઇ પડી નથી અને તુ આટલી ચિંતા શા માટે કરે છે?”

“બેટા, પૈસા સર્વસ્વ નથી માણસાઇની……………”

“પપ્પા તમને કેટલીવાર કહ્યુ કે તમે મારા મામલામાં વચ્ચે નહિ પડો.”

“પરંતુ દીકરા…………”

“મારે ઘણુ કામ છે તમારી સાથે ફાલતુ ચર્ચા કરવાનો સમય નથી મારી પાસે.” આટલુ બોલીને ચિંતન જતો રહ્યો.
“હે ભગવાન, જીવનમાં બધુ આપ્યુ છે તમે છતા આ દિવસો!!!” મનોહરલાલ નિ:સાસો નાખતા રહી ગયા.

“જીવન આજે કેમ ન આવ્યો હજુ સુધી? મળવાનુ નક્કી કરીને ન આવ્યો, કાંઇ તકલીફ તો નહી હોય ને?” છેલ્લી એકાદ કલાકથી બગીચામાં જીવનલાલની રાહ જોતા મનહરલાલ ચિતીત સ્વરે બોલી ઉઠ્યા અને જીવનલાલના ઘરે જવા ચાલતા થયા.

જીવનલાલના ઘરની બહાર આજુબાજુના લોકો હતા અને બહાર એમ્બ્યુલન્સ જોઇ મનહરલાલના ચહેરા પર વધુ ઉદાસી છવાઇ ગઇ અને દોડતા તેઓ અંદર ગયા. અંદરનું દ્રશ્ય જોઇ તે સોફા પર ફસડાઇ પડ્યા. બાજુમાં જ ઉભેલા રામજીભાઇએ કે જે જીવનલાલના પાડોશી હતા તેમણે મનહરલાલને સંભાળ્યા.

“મનહરલાલ, જે થવાનુ હતુ એ થઇ ગયુ. મોતને કોણ રોકી શકે છે? ગઇકાલે રાત્રે દસ વાગ્યા સુધી અમે બધા પડોશીઓ અહી સાથે બેઠા હતા. જીવનલાલ અને અમે બધા છુટા પડ્યા અને દરરોજ સવારે પાંચેક વાગ્યે ઉઠનાર જીવનલાલ આઠ વાગ્યે દૂધવાળો આવ્યો અને ડોરબેલ બહુ વગાડી છતા ઉઠ્યા નહી. દરવાજો તોડી જોયુ ત્યારે આ બધુ જોયુ.” રામજીભાઇએ મનહરલાલને દિલાસો આપતા બધુ કહ્યુ.

મનહરલાલને હજુ વિશ્વાસ ન હતો કે તેનો જીગરીજાન મિત્ર આજે તેને છોડીને હમેંશાને માટે આ દુનિયા છોડીને ચાલ્યો ગયો છે. જીવનલાલના મૃત્યુનો મનહરલાલને એટલો તે આઘાત લાગ્યો કે તેમને અચાનક પરસેવો છુટવા લાગ્યો અને તેમની છાતીમાં અચાનક દુખાવો ઉપડી આવ્યો. બાજુમા જ ઉભેલા રામજીભાઇ મનહરલાલની હાલત જોઇ કોઇ પણ જાતનો સમય બગાડ્યા વિના આવેલી એમ્બ્યુલન્સમાં તેમને દવાખાને જવા મોકલી દીધા અને તેના પુત્રને પણ તેમની સાથે મોકલ્યો.

દવાખાને પહોંચી પ્રાથમિક તપાસ બાદ ડોક્ટરે હળવા હ્રદયરોગનુ નિદાન કર્યુ અને મનહરલાલના ફોનમાંથી તેના પુત્રને ફોન કરી તેમને તેડાવી લીધો. ત્રણ ચાર દિવસના રોકાણ બાદ ડિસ્ચાર્જ મળતા તેનો પુત્ર મનહરલાલને ઘરે તેડી ગયો અને ત્યાં ઘરે જ બધી સગવડ મળી રહે પણ મનહરલાલને તેના ઘરે તબિયત સુધારો થતો જ ન હતો. બીચારા મનહરલાલ તેના એકમાત્ર મિત્ર જીવનલાલ સામે પોતાના મનની બધી વાતો કરતા તેના મૃત્યુના શોકમાં જ ડુબેલા રહેતા.

એકબાજુ તેમને જીવનલાલના મૃત્યુનુ દુઃખ હતુ અને બીજી બાજુ ઘરની વિકટ પરિસ્થિતિ, ઘરમાં બધી સુખસુવિધા હતી, પાણી માંગો ત્યાં દૂધ હાજર થાય એવુ રાજ હતુ છતા મનહરલાલના મનમાંથી ખટખટો જતો ન હતો અને પુત્રને તો રાત્રે પાંચ મિનિટ પણ તેમની પાસે બેસવાની ફુરસત ન હતી. ‘

“વ્હાલા દિકરા,

“તને એમ થશે કે હું શું કામ આવુ કરી રહ્યો છું, પણ મને વિશ્વાસ છે કે એક દિવસ તને આ વાત જરૂર સમજાશે. આજે હું હંમેશાને માટે આ ઘર છોડીને જઇ રહ્યો છું. તને એમ થશે કે આવુ શા માટે અને હું એકલો ક્યાં જઇશ? પણ બેટા, મારી બીલકુલ ચિંતા ન કરતો. મારા પરમ મિત્ર જીવનલાલે, તે જ્યારે જીવતો હતો, ત્યારે જ તેનુ પોતાનુ ઘર મારા નામે કરી દીધુ હતુ, એ વાત મને પણ બે દિવસ પહેલા જ ખબર પડી અને મે આ નિર્ણય કર્યો છે અને રહી વાત મારા જમવાની તો એ હું મારી રીતે ગોઠવણ કરી લઇશ. ક્યારેક તને મળવા આવતો રહીશ.”

જય શ્રી કૃષ્ણ બેટા.”

આ પત્ર વાંચી ચિંતન હતપ્રભ રહી ગયો. તેણે ક્યારેય વિચાર્યુ પણ ન હતુ કે તેના બાપુજી આ ઉંમરે આવુ કામ કરશે. સમાજમાં બદનામીના ડરની ચિંતાના કારણે તે આકુળ વ્યાકુળ થઇ ગયો પણ પોતાના વ્યસ્ત કામકાજમાંથી એકવાર પણ પોતાના પિતાજીને મનાવવા પણ જઇ ન શક્યો. થોડા દિવસ આડીઅવળી વાતો થઇ ત્યાર બાદ બધુ હતુ એમ જ થઇ ગયુ અને બધા પોતપોતાના જીવન પોતાની મેળે જીવવામાં મશગુલ બની ગયા. ચિંતન, દિવ્યા અને તેનો એકમાત્ર પુત્ર આરામદાયક વૈભવી જીવન ગાળવા લાગ્યા અને મનહરલાલ પોતાના સિધ્ધાંતો મુજબ પોતાનુ જીવન પોતાના જેવડી ઉમર વાળા લોકો સાથે વિતાવવા લાગ્યા.

“હેલ્લો પાપા, તમે જલ્દી સનાતન હોસ્પિટલ આવી જાઓ પ્લીઝ. ચિંતનની તબિયત જરાય સારી નથી અને એ તમને યાદ કરે છે.” દિવ્યાના આવા અચાનક ફોનથી મનહરલાલ ધૃજી ઉઠ્યા અને બાજુમાં રહેતા રામજીભાઇને લઇ દોડતા સનાતન હોસ્પિટલ જવા નીકળી પડ્યા. ડિલ્ક્સ રૂમમાં ચિંતન એડમીટ હતો અને સતત બે ડોક્ટર્સ તેની દેખરેખમાં હતા. આટલી વૈભવશાળી હોસ્પિટલમાં સતત બે ડોક્ટર્સને હાજર રાખવા માટે પૈસાનો કોથળો ઠાલવવો પડે એ મનહરલાલ જાણતા હતા.

“શું થયુ દિવ્યા ચિંતનને?” હાંફળા ફાંફળા થતા મનહરલાલ બસ આટલુ જ બોલી શક્યા ત્યાં ચિતને તેમને પોતાની નજીક આવવા બોલાવ્યા.

“પપ્પા, હું તમને કહું કે મને શું થયુ છે. મને ફેફસાનુ કેન્સર છે અને એ પણ લાસ્ટ સ્ટેજમાં. હવે કહી ન શકાય કે મારુ આયુષ્ય કેટલુ હશે. કદાચ છ માસ અને કદાચ છ દિવસ જ.”

“બસ દિકરા, આમ ન બોલ. તને મારી ઉંમર પણ લાગી જાય. હજુ તારે ઘણું લાંબુ જીવન જીવવાનુ છે.” મનહરલાલ આંખમા આંસુ સાથે તેને દિલાસો આપવા લાગ્યા.

“પપ્પા, આજે મને બધુ સમજાઇ ગયુ છે.. તમે મને ઘણી વખત સમજાવતા પણ મે ક્યારેય તમારી વાતને ગંભીરતાથી લીધી જ નહી અને આજે આ દિવસ મારે વેઠવો પડે છે. મને ખબર છે કે મારા ગેરકાનુની ધંધાને કારણે જ તમે દુઃખી હતા અને છેવટે તમે તમારા સિધ્ધાંતો માટે મારુ ઘર અને વૈભવ વિલાસ છોડી દીધા, ભગવાને મને એ મોકો આપ્યો હતો કે હું સુધરી જાંઉ અને સત્યનો માર્ગ અપનાવી તમને પાછા મેળવી શકુ પણ ત્યારે પણ હું તો મારા વૈભવમાં જ છકેલો રહ્યો અને ક્યારેય તમારા સિધ્ધાંતોને સમજવાની કોશિષ જ ન કરી, આજે તેનુ પરિણામ મારી સામે છે, હું એકલો જ એ બધુ ભોગવી રહ્યો છું. ખોટા રસ્તેથી આવેલી સંપતિ ક્યારેય જંપ લેવા દેતી નથી, એમ મને કયારેય શાંતિ હતી જ નહી. વધુ ને વધુ ધન મેળવવાની લાલસાને લીધે મે ક્યારેય સુખ માણ્યુ જ નહી અને જુવો, આજે મારા જીવનના અંતિમ દિવસો છે ત્યારે આવી હાલતમાં છું. તમે હંમેશા સત્યનો માર્ગ લીધો અને સંતોષ અને સદાચારનો માર્ગ અપનાવ્યો, હંમેશા સંયમ જાળવી રાખ્યો જ્યારે મે તેનાથી વિપરીત જ કર્યુ. હુ નાનો હતો ત્યારે તમે મને સત્ય અને સંયમના પાઠ ભણાવ્યા હતા પણ હું જ કાચી બુધ્ધીનો કે તમારા દીધેલા સંસ્કારોને પચાવી શક્યો નહી અને આજે તેનુ પરિણામ મારી અને તમારી સામે છે.” બોલતા બોલતા ચિંતન ધૃસકે ધૃસકે રડી પડ્યો અને તેના પિતાજીને ભેટી પડ્યો.

“બસ બેટા, તને તારી ભૂલનો પસ્તાવો છે એ જ ઉત્તમ વાત છે અને રહી વાત તારી બિમારીની તો, દુનિયાના સૌથી સારા ડોક્ટર્સને બોલાવીને હું તારો ઇલાજ કરાવીશ બેટા. આ બાબતે તુ જરાય ચિંતા ન કરજે, તારો બાપ હ્જુ જીવે છે અને ભગવાન કરે તને મારી ઉંમર લાગી જાય. તારે હજુ ઘણું લાંબુ આયુષ્ય ભોગવવાનુ છે.” બન્ને પિતા-પુત્રના ચોધાર આંસુઓથી એ રૂમ ગુંજી ઉઠ્યો.

ચાર માસ બાદ

“પપ્પા, આ આપણી તમામ ચલ અચલ સંપતિના દસ્તાવેજો છે, જેમાંથી મમ્મીના નામે એક ટૃસ્ટ બનાવી દીધુ છે, જેમાંથી દુઃખી લોકોની સારવાર અને ગરીબોને રોજીરોટી મળી રહે તેવા નાના ગૃહ ઉદ્યોગોની સ્થાપના થશે અને તેમના બાળકો પણ અભ્યાસ કરી શકે તે માટે શાળાની સ્થાપના થશે. આજે ભગવાને મને એ ભયંકર રોગમાંથી છુટકારો આપયો છે ત્યારે હું એક નવુ જીવન જીવવા માંગુ છું અને એ પણ તમારા સંસ્કારોને સાથે લઇને અને એ બધી બાબતોને સ્વિકારીને. આ બધુ કામ પાર પાડવા માટે મારે આપના સાથની ખાસ જરૂર છે, પ્લીઝ તમે મને છોડીને જતા નહી.” ચિંતન તેના પિતાજી મનહરલાલના પગે પડી ગયો.

મનહરલાલ પણ તેના પુત્રના આ નિર્ણયથી ખુબ ખુશ થયા અને તેને ભેટી પડ્યા.

લેખક : રૂપેશ ગોકાણી

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment