સપ્તપદી ની વેળાએ – આજના દરેક કપલ માટે….વાંચી ને આંખ માં આંસુ આવી જાય તેવું !!!

31

“મને ખબર છે કનિશ કે તમને કેટલી તકલીફ પડે છે.. લગ્નના છ મહિના સુધી તમે તનથી દૂર રહ્યા છો મારાથી.. પરંતુ હું લાચાર છું.. હું શું કરું..?!”

કલીશી તેના પતિને કહી રહી હતી.. રાતના અગિયાર વાગ્યાનો સમય હતો.. ગામ આખું ચિરનિંદ્રામાં પોઢી ગયેલું.. ચાંદની પોતાનો પ્રકાશ પાથરી સમ્રાટ સમા ચન્દ્રના મુગટ પર બિરાજમાન હતી.. તીણા અવાજો સાથે તમરા તમ-તમ બોલતા હતા ત્યારે કલીશી અને કનિશના ઓરડામાં ચુપકીદીનો માહોલ હતો.. રાતનો સમય એ તો એકબીજામાં ઓતપ્રોત થઈને પ્રેમના આવેગને માણવાનો સમય છે.. શરીરથી અને શબ્દથી જીવનસાથીને નવાજવાનો સમય છે.. નવા પરણેલા યુગલો માટે તો ખાસ રાતનું આ એકાંત ઉરના ઉમઁગ અને અરમાન લઈને આવે છે.. સપનાઓની સવારી કરીને આવે છે.. અને આવા મધુર સમયે એકબીજા માટે જ સર્જાયેલા કલીશી અને કનિશના ઓરડામાં દર્દનું વાતાવરણ હતું..

“કલી, તું મારી પત્ની છે.. મારી જીવનસંગિની! તે મારા દરેક દુઃખમાં સાથ આપવાનું વચન આપ્યું છે તેમ મે પણ આપ્યું છે.. આ દિવસો બહુ જલ્દી પુરા થઇ જશે.. તું ચિંતા ના કર.. હું તારી સાથે જ છું.. દરેક ક્ષણે…! ડોકટરે કહ્યું છે તારી આ બીમારી ટૂંક સમયમાં જ પુરી થઇ જશે..!”

કનિશ અને કલીશીના લગ્ન છ મહિના પહેલા જ થયા હતા.. જ્ઞાતિના મેળાવડામાં જયારે બન્નેએ એકબીજાને જોયા ત્યારે જ બંને મોહી પડ્યા હતા એકબીજા પર.. કનિશે જ વાતની શરૂઆત કરેલી..

“જી.. તમે બહુ જ સુંદર લાગી રહ્યા છો.. આ ગુલાબી ચુડીદાર ને તમારી ગુલાબી બંગડીઓ.. ઉપરથી આ તમારી બિંદી પણ તમને વધારે જાજરમાન બનાવી રહી છે..

મેળાવડામાં આવ્યા છો તો લગ્નવિષયક માહિતીથી જ આવ્યા હશો.. હું પણ લગ્ન કરવા ઇચછું છું.. કદાચ તમારી જ રાહ હતી..!

શું હું તમારા માતા-પિતાને મળીને આ બગીચાને મારા ઘરમાં વાવવા માટે મંજૂરી લઇ શકું…?!”

પહેલી જ વારમાં આ દિલફેંક રોમિયોને જોઈને કલીશી હસી પડી હતી.. તેની વાતને મજાકમાં ખપાવી ત્યાંથી વોશરૂમ તરફ પોતાના વાળ સરખા કરવા ચાલી નીકળી. થોડી વારમાં તે આવી અને જોયું તો એ રોમિયો તેના મમી-પાપાને પગે લાગી રહ્યો હતો.. તે વિચારતી રહી ગઈ કે પંદર મિનિટમાં એવું તો શું જાદુ કરી દીધું આ આશિકે..!!!! તે તેના પાપા પાસે ગઈ અને કંઈ પૂછે તે પહેલા જ તેના પિતાજી બોલ્યા,

“દીકરી આ ફેરો સફળ થયો.. કનિશકુમાર જેવા જમાઈ મેળવીને હું તો ધન્ય ધન્ય થઇ ગયો.. શું તેમની છટા છે ને શું તેમની વાક્ચાતુરી..! અહાહા.. દીકરા બસ તું હા કે એટલે કંકોત્રી છપાવીએ આપણે.

કલીશીને તો આ બધું અંચબિત બનાવી રહ્યું હતું.. કનિશ તેના મનની વાત જાણી ગયો અને બોલ્યો,

“જી મેં આપની સાથે જે રીતે વાત કરી એ પરથી હું આપણે દિલફેંક આશિક લાગ્યો હોઈ…પરંતુ એવું નથી..! આપને મેં જોયા ત્યારે મને આપવાના મારી માઁનો અણસાર દેખાય.. તે જયારે જીવતી હતી ને ત્યારે બિલકુલ તમારી જેમ જ કપાળની વચ્ચોવચ ચાંદલો કરતી! આ જ સાઇઝનો હો.. એના આલ્બમમાં મેં તેનો એક ફોટો જોયો છે જેમાં તેણે બિલકુલ આવું જ ગુલાબી પંજાબી પહેર્યું હતું. ને આટલી બધી બંગડીઓ.. એટલે મેં તમારી સાથે એ રીતે વાત કરી.. બાકી મેડમ મારો સુરતમાં પોતાનો કપડાનો શોરૂમ છે અને ઘરનું ઘર છે.. પિતાજી છે જેઓ પથારીવશ છે.. હું બધી રીતે સુખી છું બસ હવે કોઈ મને એની સાડીના પાલવને કમરે બાંધી રસોઈ બનાવીને પોતાના હાથે ખવડાવવા વાળી મળી જાય એની રાહમાં છું..!”

કલીશીને તેની વાતો હ્ર્દય સુધી સ્પર્શી ગઈ.. બે જ મહિનામાં તેના વિષે ક્લીશીના પિતાજી હેમલભાઈએ તપાસ કરી લીધી. છોકરો ખાધે-પીધે સુખી છે અને ખાનદાન ખોરડું છે તેવી માહિતી મળતા જ દીકરી આ હાથ પીળા કરી તેને સાસરે વળાવી…

કનિશ અને કલીશી જયારે ફૂલોથી મઢેલી મર્સીડીઝમાં બેસી તેમના ઘર તરફ રવાના થતા હતા ત્યારે કનિશે કલીશીનો હાથ પકડીને કહ્યું,

““કલી, આજથી મારું સઘળું તને સમર્પિત..! મારી સવારની પહેલી કિરણ તું અને મારી રાતનું છેલ્લું પડખું પણ તું.. તારા થકી હું હવે સંપૂર્ણ છું.. ફક્ત તારો સાથે હરહંમેશ જોઈએ મને, બીજું કઈ ના માગું..!”

કલીશી કનિશનો આવો પ્રેમ જોઈને ફુલગુલાબી કળીની જેમ ખીલી ઉઠી..

“કનિશ, તમે મારા પતિદેવ, મારુ જીવન, મારું મંગળસૂત્ર ને મારું સિંદૂર છો.. તમે કહેશો તે છેલ્લો શબ્દ અને તમે કરશો તેમાં મારો સંપૂર્ણ સાથ..!”

કનિશ કલીશીને ખુશ જોઈને આવનારી મધુરજનીના સપનાઓમાં ખોવાઈ ગયો..

“કલી, થોડા જ કલાકમાં આપણે એકબીજામાં ઓગળીને એકાકાર થઇ ગયા હોઈશું. આપણા હૃદયરૂપી પ્રેમને હવે શારીરિક સ્પર્શની વાચા મળશે.. તને સંપૂર્ણપણે મારી બનવવા હું અધીરો થઇ રહ્યો છું.. તારા અધરોને પીવા ને તારા બાહુપાશમાં સમાવવા મારુ રોમરોમ ખીલી ઉઠ્યું છે..!”

પ્રેમના આવેગની વાતો કરતા કરતા આખરે બન્ને દસ વાગ્યે ઘરે પહોંચ્યા. સ્ત્રી વગરના ઘરને સાચવવા અને પોતાના સપનાઓથી સજાવવા કલીશી અત્યંત આતુર હતી. કુટુંબની સ્ત્રીઓએ ઉંબરા પર ક્લીશીનું સ્વાગત કર્યું અને બધી જ વિધિ સમાપ્ત થયા બાદ બંનેને ઓરડામાં રવાના કર્યા..કનિશનો ઓરડો પણ જાણે તે રાતને હૃદયમાં કંડારવા ઈચ્છતો હોય તેમ ફૂલોથી મહેકી રહ્યો હતો.. હાથ પકડીને કનિશ ક્લીશીને ઓરડામાં લઇ ગયો.. તેને પલંગ પર બેસાડી અને પોતે નીચે બેઠો. તેના ખોળામાં માથું રાખીને જાણે વર્ષોથી અકબંધ પડેલા મનના એ લાગણીના ખૂણાને જીવંત કરતો હોય તેમ તેના હાથને ચુમ્યા. ધીમે ધીમે તે પલંગ પર ગયો અને ક્લીશીની બાજુમાં સૂતો. તે રાત એક નવા સંબંધની એક અનોખા પરિણયની સાક્ષી બનવા જઈ રહી હતી.. કે અચાનક જ ક્લીશીને છાતીમાં સણકો ઉપડ્યો.. ક્લીશીની ચીસ સાંભળી કનિશ બેઠો થઇ ગયો અને તેનો હાથ પોતાનાહાથમાં લઇ પંપાળવા લાગ્યો.

“કલી, શું થયું..?! કઈ થાય છે તને?? ડોક્ટરને ફોન કરું?? દવા લેવી છે?? લે આ પાણી પી લે. કદાચ થાક અને દોડધામના લીધે તને તકલીફ થતી હશે..!”

“કનિશ, ખબર નહિ શું થાય છે.. છાતીમાં બહુ જ દુખે છે.. પહેલા પણ બે-ત્રણ વાર થયેલું. મને એમ કે મસ્ક્યુલર પેઈન હશે એટલે ડોક્ટરને ના બતાવ્યું. પણ આજે તો કંઈક વધારે જ દુખે છે.. પ્લીઝ કનિશ મારાથી નથી રહેવાતું. તમે ડોક્ટરને ફોન કરો ને..!”

ક્લીશીને કણસતી જોઈ કનિશનો જીવ પણ વલોવાતો હતો.. તેણે તરત જ પોતાના ફેમિલી ડોક્ટરને ફોન કર્યો અને ક્લીશીની પરિસ્થિતિ વિશે જાણ કરી.. બીજું કોઈ તો હતું નહિ ઘરમાં.. હજુ બે કલાક પહેલા જ જે ઘર મહેમાનોના શોરગૂલથી છવાયેલું હતું, ત્યાં પ્રસંગ પૂરો થતા જ જાણે નીરવતા વ્યાપી ગઈ હતી.. કનિશના બિમાર પિતાજી તેમના ઓરડામાં સુતા હતા.. કનિશે વિચાર્યું તેમને જગાડવાનો કોઈ મતલબ નથી..

થોડી જ વારમાં ડોક્ટર આવ્યા અને તેમના પ્રારંભિક નિદાન પ્રમાણે ક્લીશીને કદાચ હૃદયની કોઈ ગંભીર બીમારી જણાતી હતી..

ડોક્ટરની વાત સાંભળી કનિશ હેબતાઈ ગયો.. કલીશીને આ બીમારી વિશે હમણાં જાણ નથી કરવી તેમ વિચારીને તે હસતું મોઢું રાખી ક્લીશીની નજીક ગયો અને તેનું માથું પોતાના ખોળામાં રાખી દબાવવા લાગ્યો. ડોક્ટર તો ચાલ્યા ગયા હતા એટલે ક્લીશીએ કનિશને પૂછ્યું,

“શું કે છે ડોક્ટર? શું થયું છે મને?“

“અરે કાંઈ નહિ જીવ.. એ તો આપણે કાલે બીજા સ્પેશિયાલિસ્ટને બતાવી આવીશું. એ દવા લખી દે એટલે તું બિલકુલ ઠીક.. ચિંતા ના કર તને હું કઈ જ નહિ થવા દઉં.. આપણો માલ્દિવ્ઝનો હનીમૂન પણ તો બાકી છે ને..”

વાતાવરણની ગંભીરતાને ખાળવા કનીશે હનીમૂનની વાત કરી. પરંતુ મનના એક ખૂણે ક્યાંક તે પણ જાણતો હતો કે હવે કદાચ હનીમૂન શક્ય નહિ થાય..!”

તે રાતને પોતાની કલ્પનામાં જીવીને કોઈ જ પ્રકારનો સંબંધ બાંધ્યા વગર તે નવપરિણીત યુગલ એકબીજામાં ઓતપ્રોત થઈને સુઈ ગયા..

બીજા જ દિવસે પોતાની આદતથી વિરુદ્ધ કનિશ સવારમાં છ વાગ્યે જાગી ગયો.. મીઠી નીંદરમાં પોઢેલી ક્લીશીના માસુમ હોઠો પર એક નાનકડી મુસ્કાન હતી.. કદાચ એ મુસ્કાન પોતાની સાથેના સહવાસની હશે તેમ વિચારી તેના એ ગુલાબી અધરોને સહેજ ચૂમીને કનિશ નાહવા ગયો.. નાહીને ફટાફટ કિચનમાં જજઈ કલીશી માટે કોફી બનાવી લાવ્યો. એકદમ માઈલ્ડ અને એક્સટ્રા સુગર સાથે.. લગ્ન પહેલા બંને રાતભર ફોનમાં લાંબી વાતો કરતા ત્યારે એક વખત ક્લીશીએ કહેલું,

“કનિશ, આમ તો તમારા માટે ચા બનાવાથી લઈને પાણી ગરમ કરવા સુધી બધું હું જ કરીશ. પણ આ તો જો મારે ક્યારેય જરૂર પડે તો તમને ખબર તો હોવી જોઈએ ને કે મને શું જોઈએ ને કેમ જોઈએ!

મને છે ને એક્સ્ટ્રા સુગર વાળી કોફી તો સવારે જાગતા સાથે જ જોઈએ. એ પણ એકદમ માઈલ્ડ જ હો.. સ્ટ્રોંગ થઇ જાવ તો મને કડવી કડવી લાગે…

તો ક્યારેક મને બનાવી આપશો ને કનિશ।.?!”

ફોન પર થયેલી એ વાત યાદ કરીને કનિશની આંખો ભરાઈ આવી.. લગ્નના બીજા જ દિવસે કોફી બનાવવી પડશે એવો ખ્યાલ નહોતો કનિશને.. જો આ કોફી ખુશીથી બનાવવી પડી હોત તો તે આવી રોજની દસ કોફી બનાવવા રાજી હતો.. પણ આ તો ક્લીશીની નબળાઈ સાબિત કરતી હતી..!

અચાનક ક્લીશીના કણસવાનો અવાજ સાંભળી કનિશ વિચારોના વમળમાંથી બહાર નીકળ્યો.. ચહેરા પર એક મોટી મુસ્કાન સાથે ક્લીશીની નજીક ગયો.. તેના કપાળને ચૂમીને તેને મૂક સધિયારો આપ્યો અને કહ્યું,

“કલી, તું ઊંઘમાંથી જાગીને પણ તાજા ખીલેલા પુષ્પ જેવી સોહામણી લાગે છે.. ચાલ આ કોફી પી લે.. તારા સ્પેશિયલ ટેસ્ટની જ છે.. પછી ફ્રેશ થઇ જા એટલે આપણે ડોક્ટરને મળી આવીએ..!!”

પતિનો પ્રેમ જોઈ ક્લીશીની આંખમાંથી આંસુ સરી પડ્યા. પોતે કેવી કામનાઓ કરી હતી લગ્ન પહેલા..!!!!! સવારે પાંચ વાગ્યામાં જાગીને નાહીને ઠાકોરજીની પૂજા કરી સસરાજી માટે ચા બનાવશે. પછી પોતાની બંગડીના મીઠા રણકાર સાથે પતિને પ્રેમથી ઊંઘમાંથી જગાડશે. કદાચ તે સમયે પતિ પોતાને તસતસતું ચુંબન કરી લે તોય તે વિરોધ નહિ કરે.. ત્યારબાદ ગરમગરમ કનિશને ભાવે તેવી આદુવાળી ચા તેને આપશે. પણ અત્યારે તો એ બધું જાણે હવામાં ઉડી ગયું હતું. અહીં તો પતિ તેની સેવા કરતો હતો.. ત્યાં સુધી કે દરેક વ્યક્તિના જીવનમાં જે એક જ રાત આવે મધુરજનીની એમાં પણ સબંધ બાંધવાનો ખોટો આગ્રહ રાખ્યા વગર કનિશ કેવા પ્રેમથી તેના બાહુપાશમાં જકડાઈ ગયેલો..! પોતે અત્યારે અત્યંત લાચારીનો અનુભવ કરી રહી હતી.. કનિશને હસતો જોઈ તેને પણ સહેજ હિમ્મત મળી અને તે ઉભી થઈને કોફી પીને નાહવા ગઈ..

તે દિવસ બંને માટે પરીક્ષા સમાન રહ્યો.. સવારે સ્પેશિયાલિસ્ટને બતાવ્યા બાદ તેના રિપોર્ટ્સ કરાવાયા! આખો દિવસ બન્ને એ રિપોર્ટના રિઝલ્ટને લઈને વ્યગ્ર રહ્યા.. સાંજ પડતા જ્યારે કનિશ રિપોર્ટ લઈને આવ્યો ત્યારે તેનું મોં નંખાઈ ગયેલું હતું।. ક્લીશીને એક નહિ બે ને બીમારી વળગી હતી.. એક તો મગજ સુધી લોહી બહુ ઓછું પહોંચતું હતું તેના લીધે તેના શરીરમાં નબળાઈ રહેતી હતી અને એ ઉપરાંત તેના હૃદયમાં એક નળી 97% બ્લોક થઇ ગઈ હતી.. બાયપાસ કરાવવું પડે એમ હતું. પરંતુ ઓપેરેશનમાં કઈ પણ થઇ શકે તેવું ડોકટરે કહ્યું હતું તેથી કનિશ ડરતો હતો.. તેણે શાંતચિત્તે ક્લીશીનો હાથ પોતાના હાથમાં લઇ આ સઘળી વાતો તેને જણાવી.

ક્લીશીની એઆંખમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યા. એ આંસુ તેની બીમારીના ના હતા પરંતુ એ લાચારીના હતા કે હજુ તો લગ્ન થયા જ છે ને કનિશને પોતાની સેવા કરવી પડશે. કનિશ આ આંસુઓનું કારણ સમજી ગયો.. તે ક્લીશી પાસે ગયો અને કહ્યું,

“કલી, જયારે મે તરી સાથે લગ્ન કર્યા ને ત્યારે વચન તને તો આપ્યું જ હતું સાથે સાથે મારી જાતને પણ આપ્યું હતું કે તારી દરેક મુસીબતમાં તારો હમદર્દ બનીને રહીશ.. આ દુઃખ તારું હું લઇ ના શકું તો કઈ નહિ.. પરંતુ તેને તુ મારી સાથે શબ્દો વડે વહેંચી તો શકે જ ને.. અને લગ્ન અને પ્રેમ એટલે શારીરિક સંબંધ જ તો નથી ને.. હું તો ખુશ થયો કે મને તારી સેવા કરવા મળશે..!”

કનિશની આ વાત સાંભળી ક્લીશી તેના બાહુપાશમાં સમાઈ ગઈ.. બીજા દિવસથી જ કનીશે પોતાની ફરજ નિભાવવાની શરૂ કરી.. સપ્તપદીની વેળાએ જે સાત વચન આપ્યા હતા તે દરેક વચનને અમલમાં મુકવાનો સમય આવી ગયો હતો..

કનિશ રોજ સવારે પાંચ વાગ્યે જાગી જતો.. પછી નાહીને ક્લીશીને જગાડતો અને એ ફ્રેશ થાય તે દરમિયાન તેના માટે કોફી બનાવતો અને તેના પિતાજી માટે ચા બનાવતો.. તે સિવાય ઘરનું કામ કરવા માટે તેણે ઘરઘાટી રાખ્યા જ હતા.. ક્લીશીને કોફી પીવડાવીને તે તેનો સેંથો પૂરતો અને પોતાના હાથે તેના કપાળની વચ્ચોવચ ચાંદલો કરતો. માંદગીમાં પણ અપ્સરા સમી લાગતી ક્લીશીના પ્રેમમાં તે પળે પળે કંઈક વધારે જ પડતો જતો.. સવારે નવ વાગ્યે તે ઓફિસ જાય અને ક્લીશી આરામ કરે.. બપોરે એક વાગ્યે ઘરે આવે અને બંને સાથે ભોજન લે.. પછી તે ક્લીશીને ગમતી બુક તેના ઓરડામાં રાખતો કે જેથી ત્રણ વાગયે તેના ઓફિસે ગયા પછી ક્લીશી તે બુક્સ વાંચીને પોતાનો સમય પસાર કરી શકે.. દિવસમાં પાંચથી છ ફોન અચૂક કરતો.. રાતના નવ વાગ્યે તે આવે પછી બંને સાથે જ જમતા! જમીને કનિશ ક્લીશીને લઈને બહાર જતો.. તેની નબળાઈને કારણે તે વધારે બહાર ના રહી શકતી. ઘરે આવીને પોતાની જાતે ક્લીશીને નાઈટસુટ પહેરાવીને તેને સુવા મોકલતો. પછી પોતે રસોડામાં જઈ તેની માટે ગરમગરમ દૂધ લઇ આવતો અને બંને થોડું થોડું દૂધ પીને સુઈ જતા.. આ બધા જ સમય દરમિયાન ક્લીશીની દવા ચાલુ જ હતી.. કનિશ ઓપેરેશન બાબતે કોઈ જ રિસ્ક લેવા નહોતો માગતો તેથી તે ન્યૂયોર્કથી સ્પેશિયાલિસ્ટના આવવાની પ્રતીક્ષા કરી રહ્યો હતો.. આમનેઆમ છ મહિના વીતી ગયા.. ક્લીશીને કનિશને પોતાના માટે આ બધું કરતા જોઈ ક્યારેક ખુબ લાગી આવતું..બસ એ જ કારણે આજે તે કનિશને આ રીતે ચિંતાતુર સ્વરે કહી રહી હતી…

બીજા દિવસની સવાર બન્ને મારે સારા સમાચાર લાવનારી હતી.. અમેરિકાના નિપુણ ડોક્ટર જીજો ભારત આવવા માટે નીકળી ચુક્યા છે તેવું તેમના ફેમિલી ડોકટરે કહ્યુ. બંને ખુશ હતા કે કદાચ હવે સુખનો સૂરજ ટૂંક સમયમાં ઉગશે..!!

ચાર દિવસ પછી જયારે ડોક્ટર જીજો સાથે ઓપેરેશનની તારીખ નક્કી થઇ ત્યારે કનિશ ખુબ પરેશાન હતો.. આટલા દિવસ મજબૂત રહેનારો એ પુરુષ સહેજ ડગમગી ગયો હતો.. તેના સાસુ-સસરા પણ તેની સાથે હતા.. તે બંનેએ આ છ મહિના દરમિયાન ઘણું કહેલું કે ક્લીશીને પોતાની પાસે મોકલી દે પરંતુ કનિશ “હવે ક્લીશી તેની જવાબદારી છે તેમ કહીને વાત ટાળી દેતો. બે દિવસ બાદ ઓપેરેશન હતું. આગલી રાતે કનિશ સુઈ નહોતો શક્યો. ક્લીશી પણ તેના હાથમાં હાથ પરોવી ગુપચુપ ખુલ્લી આંખે છત તરફ નજર જરીને સૂતી હતી..

બીજા દિવસે ત્રણ કલાક દરમિયાન જયારે ક્લીશી ઓપેરેશન થિયેટરમાં હતી ત્યારે કનિશ સતત ઠાકોરજીનું નામ લેતો હતો.. જે રીતે તેણે સંપૂર્ણ નિષ્ઠાથી પોતાનો પતિધર્મ નિભાવ્યો હતો તે મુજબ તેને ખાતરી હતી કે ક્લીશી ચોક્કસ સાજીનરવી પોતાની પાસે આવશે. અને એમ જ થયુ. ડોક્ટર ઓપેરેશન કરી બહાર નીકળ્યા ત્યારે તેમના ચહેરા પર થાક અને ખુશી વંચાતી હતી..

“સફળ થયું છે ઓપેરેશન” આટલા જ શબ્દો કનિશને એક નવું જોમ આપવા માટે પૂરતા હતા.. કનિશ હોસ્પિટલમાં બધું જ વિસારે પાડીને ખુશીથી નાચી ઉઠ્યો.. તરત જ ક્લીશીને જે ઓરડામાં રાખી હતી ત્યાં ગયો અને બેભાન સુતેલી ક્લીશીને પણ જોરથી વળગી પડ્યો.. જાણે આ છ મહિનાની તપશ્ચર્યાનો આજે અંત આવવાનો હોય તે રીત..!!!

“મિસ્ટર કનિશ, ક્લીશીને હોશમાં આવતા હજુ બે કલાક લાગી જશે.. પછી બધી જ ફોર્માલિટી પુરી કરી આપ તેમને ઘરે લઇ જઈ છો…”

કનીશે તરત જ ઘરે ફોન કરી તેના નોકરોને ઘર ચોખ્ખું કરીને પોતાનો ઓરડો સજાવવાનો ઓર્ડર આપ્યો. આ તરફ ક્લીશીના માતા-પિતા પણ અત્યંત આનંદિત હતા.. કપરો સમય હવે વહી ગયો છે અને ખુશીઓ દરવાજે ટકોરા મારી રહી છે તેવો તેમને ભાસ થતો હતો..

થોડી વાર પછી ક્લીશીને હોશ આવ્યો ત્યારે કનિશ તેની સામે જ ઉભો હતો.. હાથમાં ગુલાબનું ફૂલ લઈને.. ક્લીશીએ આંખોથી મુસ્કાન કરી અને કનિશની સામે લાગણીભરી નજરે જોયુ…

કનીશે કહ્યું,

“કલી, શું મારી સાથે આપણા ઘરે ફરીથી કંકુ-પગલાં કરીશ..?!” એ ઘર તારી રાહ જોવે છે.. તારી બંગડીના રણકારથી ગુંજવા એ ઘર તરસે છે..!”

ક્લીશીએ પોતાની પાંપણો ઢાળીને કનિશને મૂક સંમતિ આપી..

તે રાત છ મહિનાથી અધૂરા રહી ગયેલા રસને મનભરીને પીવાની રાત હતી.. એકબીજામાં સમાઈને અસ્તિત્વને ઓગાળવાની રાત હતી.. એકબીજાના સ્પર્શને સમજીને આલિંગનમાં જકડાવાની રાત હતી.. ચંદ્ર પણ પૂરબહારમાં ખીલ્યો હતો.. ચાંદની સાથે સપનાઓની સવારી કરવા જાતે નીકળ્યો હતો.. ક્લીશીના અનાવૃત શરીર પર તે રાતે ફક્ત એક જ આભૂષણ હતું.. કપાળની વચ્ચોવચ સૌભાગ્યને ઉજાગર કરતો લાલચટક ચાંદલો…!!!!!!

“ચાલો ચાલો કનિશ.. તમારી આદુવાળી ચા તૈયાર છે.. જાગો ચલો..”

બંગડીનો ખનકાર સાંભળી બીજા દિવસની સવારે છ વાગ્યામાં કનિશે ક્લીશીને પોતાની નજીક ખેંચી લીધી… ક્લીશી પણ એ આમંત્રણને સ્વીકારી વિનાસંકોચે ખેંચાઈ આવી.!”

સપ્તપદીની વેળાએ લીધેલા વચનોને નિભાવવાનો વારો હવે ક્લીશીનો હતો..

લેખક : આયુષી સેલાણી 

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment