શ્રેષ્ઠ પત્ની કોને કહેવાય? જેની પત્નીમાં આ ગુણો હોય તેને…

187

આશરે લગભગ 200 કે તેથી પણ વધારે વ્યક્તિઓને સાથે લઇ પરણવા જતો યુવક (વરરાજો) સાસરેથી પરણીને પાછો આવે ત્યારે તેની સાથે લગ્ન કરનાર યુવતી એટલે કે કન્યા માટે ઘણું બધું બદલાઈ જતું હોય છે, જેમ કે એક અજાણી વ્યક્તિ સાથે જીવનભરનું બંધન, નવું અજાણ્યું ઘર, અપરિચિત વ્યક્તિઓ, નવા સંબંધો, તેઓની રહેણી-કરણી, ખાન-પણ, રીત-રસમ, સ્વભાવ, ઘરના સભ્યો વગેરેને હસતા મુખે સ્વીકારવાના હોય છે, અપનાવવાના હોય છે. અને તે સાથે કન્યાના એક નવા જીવનની શરુઆત થાય છે. આની સામે યુવતીએ એટલે કે કન્યાએ પરણીને પોતાના ઘરનો ઉંબરો છોડતી વખતે આ બધું જ છોડીને પોતાને સાસરે આવવાનું હોય છે. આ બધુજ છોડવું એટલે કેવડો મોટો ત્યાગ! એટલા માટે જ સ્ત્રીને સહનશક્તિની દેવી માનવામાં આવે છે.

સાસરે આવ્યા બાદ કન્યાને આ બધાની વચ્ચે ઘણી વખત અસહજ્તાનો અનુભવ થાય છે. ક્યારેક નાની નાની વાતો પણ મોટી બની જઈ ઘર કંકાસ કે ઝગડાનું સ્વરૂપ ધારણ કરે છે. તેનું મન ગ્લાની અનુભવે છે. મતભેદ થતા થતા મન ભેદ થવા લાગે છે. પણ આ સ્ત્રી સહનશક્તિની સાક્ષાત મૂર્તિ છે. જેથી આવી કોઈ પરિસ્થિતિ ઉભી ન થાય તે માટે યુવતી સમજદારીથી પોતાની જાતે જ કેટલાક એવા નિર્ણયો લ્યે છે કે જેથી ઘરમાં ઝગડા ન થાય. તો ચાલો આજે અમે તમને બતાવીએ એવા 7 ગુણો વિશે જે અપનાવીને યુવતીઓ સાસરિયામાં પોતાનું માન સન્માન વધારશે અને સાથે સાથે જેમ ખુશ્બુદાર સુગંધિત અગરબત્તીથી કે સુગંધિત સ્પ્રેથી આખો ઓરડો સુગંધથી મહેકી ઉઠે તેમ તેનું લગ્નજીવન પણ ખુશીઓથી મહેકી ઉઠશે.

૧.) પૈસા અને ધંધાની કે બીજનેશની વાતો

તમારા ઘર પરિવારની આર્થિક નાણાકીય પરીસ્થિતિ કે નાણાકીય વ્યવહાર વિશે ક્યારેય અન્યને વાત ન કરો. જેમ કે ઘરના સભ્યમાં કોણ કેટલું કમાય છે, ઘરમાં કે બેંકમાં કોણ કેટલી બચત કરે છે, ઘર ખર્ચ કેવી રીતે ચાલે છે, ઘર ખર્ચ કોણ ચલાવે છે, લાઈટબીલ કોણ ભરે છે, ધંધા-રોજગારની સ્થિતિ કેવી છે, ઘરના સભ્યો પર દેણું કેટલું છે, ઘરની આવક કેટલી છે, જો આવી નાની નાની બાબતો તમે અજાણી વ્યક્તિ સાથે શેર કરશો તો આગળ જતા આ બાબત તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. જેથી સાવધ રહેવું. સમય વર્તે સાવધાન.

૨.) તમારી અંગત અંતરંગની વાતો

તમે અને તમારા પતિ બેડરૂમમાં કેવી રીતે રહો છો, શું કરો છો, જે વાતો કરો છો કે હસી મજાક કરો છો, મોજ મસ્તી કરો છો કે ભવિષ્યના કોઇપણ પ્લાનીગ વિશે વિચારો છો અને તે વિશે જે વાતચીત કરો છો વગેરે વગેરે તે તમારા બનેની અંગત બાબતો છે. તેને ભૂલેચુકે પણ ક્યારેય બીજા સાથે શેર ન કરો. તેને હંમેશા સિક્રેટ રાખો. ક્યારેક આવી બાબતો બીજા સાથે શેર કરવાથી તમારા બંને વચ્ચે મનભેદ થવાથી તમારા લગ્નજીવનમાં ઊભી કે આડી તીરાળ પડી શકે છે.

૩.) પતિની ખરાબ આદતો

દરેક પુરુષમાં કોઈ સારી તો કોઈ ખરાબ આદતો હશે જ. ખરાબ આદતમાં, જેમ કે વાત વાતમાં પોતાની પત્નીને ઉતારી પાડવી, પત્નીને માન ન આપવું, પત્ની સામે કોઈ યુવતી કે બીજાની પત્નીના વખાણ કરવા, સ્મોકિંગ કરવું, શરાબ પીવો, પત્ની સામે બીજાની રસોઈના વખાણ કરવા આવા સામાન્ય અને અસામાન્ય અવગુણો લગભગ મોટાભાગે દરેક પુરુષોમાં હોય છે. આવી કે બીજી કોઈ પણ ખરાબ આદત તમારા પતિમાં જો હોય તો તેને એકદમ બદલવાનો પ્રયત્ન ન કરો. પહેલા તમે તમારી જાત સાથે સમાધાન કરી લ્યો. શરૂઆતમાં તમારા પતિની આવી ખરાબ આદતોને જુઓ, સમજો અને તેના સ્વભાવ પ્રમાણે તેની આદતોને રીએક્ટ કરો. આવું લાંબો સમય ન ચલાવશો પણ ધીમે ધીમે તેમની આ ખરાબ આદતો પર લગામ લગાવવાનો પ્રયત્ન કરો. તેને પ્રેમથી સમજાવો, સારા સારા દ્રષ્ટાંતો આપો. ખરાબ આદતથી તેના સ્વાસ્થ્યને શું નુકશાન થાય છે, આવી ખરાબ આદતની ભવિષ્યમાં આવનારા બાળક પર કેવી અને શું અસર થશે તે વિગતવાર પ્રેમથી સમજાવો. જો તમે શરૂઆતમાં જ એક ઝાટકે પતિની ખરાબ આદત વિશે તેને કહેશો તો કદાચ શક્ય છે તેનું સ્વમાન ઘવાતા (તે એવું માને છે બાકી બીજાનું કે સામેવાળી વ્યક્તિનું સ્વમાન ઘવાય છે તે તેને દેખાતું નથી) વાત સારે પાટે ચાલવાને બદલે વાત બગડી પણ જાય. જેથી બંને વચ્ચે અંટસ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું.

૪.) ફેમીલી પ્લાનિંગનો વિચાર

હવે તમે એક પુરુષ સાથે એટલે કે તમારા પતી સાથે તમારું આખું જીવન વિતાવવાના છો તો ભવિષ્યમાં બાળકના પ્લાનીગનો નિર્ણય પણ આપ બંનેનો સહિયારો હોવો જોઈએ. તે માટે તમારે બંનેએ આ બાબતે વાતચીત કરી નિર્ણય લઇ સહમત થવું જોઈએ. આ બાબતે બંનેનો વિચાર એક હોવો જોઈએ.

૫.) વાત વાતમાં ગુસ્સે ન થાઓ

જો તમારે શ્રેષ્ઠ પત્ની બનવું હોય તો તમારા સ્વભાવમાં બદલાવ લાવવો ખાસ જરૂરી છે. તમારા સ્વભાવને મૃદુ બનાવો. દરેક સાથે પ્રેમથી વાત કરો. વાત વાતમાં ગુસ્સે ન થાઓ. ક્યારેક એવું પણ બને કે તમારી કોઈ વાતથી તમારા પતિને (કારણ વિના) કદાચ ખોટું પણ લાગી શકે છે. જેથી તમારા બંને વચ્ચેના સંબંધમાં પણ વિક્ષેપ આવી શકે છે. આ માટે પહેલું કામ તમારે તમારા ગુસ્સા પર કાબુ રાખવો ખાસ જરૂરી છે. અને હા, દરેક બાબતમાં ન જ બોલવું એવી વાત નથી અને તેવું મનમાં રાખવું પણ નહિ. પણ તમે જે વાત કહેવા માંગો છો તેની રજૂઆત વ્યક્તિ, સમય, સ્થળ, સંજોગને ધ્યાનમાં રાખી વાતની શરૂઆત એવી રીતે કરવી જોઈએ કે જેથી તમારા પતિને ખોટું કે ખરાબ ન લાગે, અને તમારી વાતનું વજન પણ પડે.

૬.) તમારા પતિની જરૂરીયાતોનું ધ્યાન રાખો

ઘરના દરેક સભ્યોનું ધ્યાન અને માન રાખવાની ફરજમાં તમારા પતિની જરૂરિયાતનું પણ ખાસ ધ્યાન રાખો. તમે જેમ સારા સપના સેવ્યા હોય તેમ તમારા પતિએ પણ સારા ભવિષ્ય માટે વિચાર્યું હોય તે સપના પૂરા કરવા માટે તમે તમારા પતિને ખભ્ભે ખભ્ભો મિલાવી સાથ આપો. આવા સમયે પતિ પાસે ખોટી માગણીઓ ન મુકો. એક સારી પત્નીની માફક પતિના વ્યસ્ત શેડ્યુલમાં તેને આનંદ કરાવો અને તેને મનપસંદ રસોઈ બનાવી પ્રેમથી જમાડીને તેને ખુશ કરો.

૭.) પતિની સારી બાબતોના વખાણ કરો

કોઇપણ વ્યક્તિ ક્યારેય પણ 100 % પરફેક્ટ હોતી નથી. દરેક વ્યક્તિમાં અવગુણ કે ખરાબ આદતો હોય તો તેની સામે સારા ગુણ કે સારી આદતો પણ ચોક્ક્સ હોય જ છે. આ એક સિક્કાની બે બાજુ જેવી વાત છે. એક બાજુ ખરાબ આદતો હોય તો બીજી બાજુ અમુક સારા ગુણો પણ હોય છે. એટલે જો તમે તમારા પતિની ફક્ત ખરાબ આદતોને કે ખરાબ લક્ષણોને જ નજર સામે રાખશો તો તમે ક્યારેય તમારા લગ્નજીવનને આનંદથી માણી નહિ શકો. એટલે પતિની ખરાબ આદતો પર ધ્યાન આપવાને બદલે તેની સારી આદતો પર પણ ખાસ ધ્યાન આપો. તેની આ સારી આદતોના બીજાઓની સામે વખાણ કરો. આમ કરવાથી તમારું અને તમારા પતિનું મન પણ સ્વસ્થ રહેશે અને તે રાજી થશે જેથી દરેક વાતમાં ઘર કંકાશ કે ઝગડા પણ નહિ થાય. જો આ 7 સારા ગુણો દરેક પરણિત યુવતીઓ પોતાના જીવનમાં અપનાવશે તો તેમનું લગ્નજીવન ચોક્કસ ખુશીઓથી ભરાઈ જશે.

આ દરેક બાબત પતિ એવા દરેક પુરુષોને પણ એટલી જ લાગુ પડે છે જેટલી તમારી પત્નીને એટલે દરેક પતિએ ઉપરની પોસ્ટ વાંચીને ફૂલણજી “કાગડાની” જેમ ફૂલાઈ ન જવું. અને તેમણે પણ આ દરેક બાબતનું પાલન કરવું. જો સારા પતિ થવું હોય તો.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment