“જીવાકાકા” – એક અભણ વ્યક્તિની સમજદારીની વાર્તા..

27

વહેલી પરોઢનો અંધકાર ધીમેધીમે ઓગળી રહ્યો છે અને ભળભાંખળું થઈ રહ્યું છે. પૂર્વાકાશે ઊંચે આવતો જતો સૂર્ય પોતાનાં કોમળ કિરણો વડે સ્ફૂર્તિદાયક વાતાવરણ જમાવી રહ્યો છે. રાતભર નિશ્ચેતન રહેલાં ઝાડવાંમાં પ્રાણ પ્રગટવા માંડે છે. છોડવાઓ ઉપરનાં પુષ્પો અને વૃક્ષોનાં પર્ણો ઉપર જામેલાં ઝાકળબિંદુઓ પોતાનું અસ્તિત્વ ગુમાવવા પહેલાં છેલ્લાંછેલ્લાં સૂર્યપ્રકાશમાં ઝગમગી રહ્યાં છે. ઘૂવડ, ચીબરી અને વડવાગળના રાત્રિપહેરા પૂરા થાય છે અને માળાઓમાંનાં દિવસીય પક્ષીઓ મધુર ગીતો ગાતાંગાતાં પરોઢનું સ્વાગત કરી રહ્યાં છે.

બસ, આ જ સમયે ગામથી ત્રણેક કિલોમીટર દૂર આવેલા પ્લેટફોર્મ વગરના એ નાનકડા રેલવેના ફ્લેગ સ્ટેશને આધેડ વયે પહોંચેલા જીવાકાકા પગલાં પાડે છે. તેમને ઓળખતો સ્ટેશનનો પોર્ટર ‘આવો જીવાકાકા’ બોલતો તેમને આવકારે છે. જીવાકાકા ખભા ઉપરનું હાથવણાટની સાડીઓનું પોટલું નીચે મૂકીને ખિસ્સામાંથી બે આના છૂટા કાઢીને ટિકિટબારીએથી પાસેના જ શહેરની લોકલની ત્રીજા વર્ગની ટિકિટ કઢાવે છે. થોડી જ વારમાં ધુમાડા ઓકતી આવેલી એ ટ્રેઈન તેમને બેસાડીને તરત જ ઊપડી જાય છે અને દશેક મિનિટમાં જ તેમને બાજુના નાના શહેરે ઊતારી દે છે.

જીવાકાકાને જ્યારે પણ આ શહેરે સાડીઓની ફેરી માટે આવવાનું થાય છે, ત્યારે તેઓ હંમેશાં સૌથી પહેલા તેમના આપ્તજન સમા અને તેમને ખૂબ જ માનસન્માન આપતા રેલવેના સાંધાવાળા (પૉઇન્ટસમૅન) એવા માની લીધેલા પોતાના જમાઈ એ જેમલની ઘુમટીએ વહેલી સવારની ચા પીવા માટે પહોંચી જાય છે.

ભૂતકાળની એ વાત છે.

જીવાકાકા અને જેમલનો અન્યોન્યનો પ્રથમ પરિચય ઉભય માટે જીવનભરનું સંભારણું બની રહ્યો છે. હાથવણાટની સાડી ખરીદવા માટે આજુબાજુનાં ક્વાર્ટરમાંની સ્ત્રીઓ સાથે પોતાના ક્વાર્ટરમાં બેઠેલી જેમલની પત્ની ફૈબા જ્યારે જીવાકાકાનું પોટલું ખોલાવે છે, ત્યારે જેમલ ઘરે હાજર હોઈને પિત્તળના તાંસળામાં ચા પી રહ્યો હોય છે. જ્યારે જેમલ તેમને ચા પીવાનો આગ્રહ કરે છે, ત્યારે તેમની વચ્ચે આ પ્રમાણેનો સંવાદ થાય છે.

‘ચા ગોળની હશે, ખરું કે નહિ ?’

‘હા.’

‘ચા બનાવવાનું તપેલું તાંબાનું હશે અને તે પણ કલાઈ વગરનું, કેમ ખરું કે નહિ !’

આ વખતે ફૈબા જવાબ આપે છે, ‘હા, પણ એમાં શું થઈ જાય ?’

‘થાય તો કંઈ નહિ, પણ હું એવી ચા પીતો નથી.’

ચાલાક ફૈબા કારણ તો સમજી જાય છે, છતાંય સૂચક નજરે જેમલની સામે જોઈ રહેતાં પૂછે છે, ‘પણ કાકા, એવી ચા ન પીવાનું કારણ તો બતાવવું પડશે !’

‘કારણ બતાવવામાં કંઈ વાંધો તો નથી, પણ તમને લોકોને ખોટું લાગી જાય !’

‘નવાઈની વાત કહેવાય ! એક તો અમારા લોકોની એ ખરાબ લત કહેવાય અને તોય તેને જણાવતાં અમને ખોટું લાગી જવાની તમે ચિંતા કરો ! કેવા તમારા ભલા વિચારો !’

‘દીકરી, તું ભણેલી લાગે છે, ખરું ?’

‘શી રીતે ખબર પડી ?’

‘તું ઈશારામાં વાત સમજી જાય છે, એટલે !’

‘એમ તો તમારા જમાઈ મેટ્રિક પાસ છે અને હું તો છ જ ચોપડી ભણેલી છું !’ ફૈબાથી સહજભાવે જ જેમલ માટે ‘તમારા જમાઈ’ બોલી જવાય છે અને જીવાકાકાના મનમાં તત્ક્ષણે જ ફૈબા પ્રત્યેનો પિતૃભાવ જાગી ઊઠે છે.

પોટલાની છેક નીચેથી ચાલુ સાડીઓ કરતાં બમણા ભાવની પાંચ રૂપિયાવાળી પાકા રંગની એક સાડી કાઢીને જીવાકાકા તમે ફૈબાના માથે મૂકી દેતાં બોલી ઊઠો છો, ‘આજથી તું મારી ધરમની દીકરી ! હવેથી તારા ઘરની ચા તો શું, મારાથી પાણી પણ ન પીવાય, હોં કે; કુવાસીના ઘરમાં શ્વાસ સિવાય કશું ન લેવાય, નહિ તો પાપ થાય, સમજી ?’

‘અરર વડીલ, આ તો ન શોભે ! અમે તમને ઓળખતાંય નથી અને એ તો મારાથી અમસ્તું જ ‘તમારા જમાઈ’ બોલી જવાયું અને તમે તો એ પકડી પણ લીધું !’

‘જો બેટા, મારો બાઈ માણસો સાથેનો રોજનો સહવાસ; અને આમ હું દરેકને બહેન, દીકરી કે મા બનાવતો ફરું અને બક્ષિસો આપતો ફરું, તો મારે હિંદી બોલતા થઈ જવું પડે ! સમજે છે દીકરી, હિંદી બોલતા થઈ જવું એટલે બાવા (સાધુ) થઈ જવું પડે ! પણ, આજે તો તેં જ તારા ઘરવાળાને મારો જમાઈ બનાવી દીધો; તો એમાં મારો કોઈ વાંક ખરો ? કુવાસીના ઘરનું ન ખાવાપીવાની વાતો તો હવે પુરાણી થઈ ગઈ. હવે તને દીકરી તો બનાવી દીધી, પણ હજુસુધી તારું નામ તો પૂછ્યું જ નહિ, બેટા!

‘ફૈબા.’

‘ઠાકોર છો, ખરું ?’

‘શી રીતે ખબર પડી ?’

‘મારે એ નામની સાળાવેલી (ભાભી) છે. મારી ઘરવાળીએ અમારા ત્યાં કાયમી દૂધ આપતા અને તેના પિયરિયામાં પાસેના જ મહેલ્લામાં રહેતા અનુપજી ઠાકોરને ધરમના ભાઈ બનાવેલા છે એટલે !

જમાઈરાજ, તમારું નામ શું ? તમારે રેલવેમાં કારકુનની નોકરી છે કે ?’

‘જયમલ, પણ લોકો મને જેમલ કહીને બોલાવે છે. મોટીમોટી ડિગ્રીઓવાળાઓને પણ રેલવેમાં ક્યાં નોકરીઓ મળતી હોય છે ! કારકુન તો નહિ, પણ હું તો પૉઇન્ટસમૅન (સાંધાવાળો) છું!’

‘તો તો ભાઈ જોખમવાળી નોકરી કહેવાય ! રેલના પાટાઓ પાસે જ રહેવાનું. કોઈવાર ઊંઘી જઈએ કે ભાન ભૂલી જઈએ, તો નોકરીય જાય અને જિંદગી પણ જોખમાય ! સંભાળજો હોં, દીકરા !’

‘વડીલ, કેટલું ભણેલા છો ? વળી, આટલી બધી વાતો થઈ અને તમારું નામ પણ પૂછ્યું નહિ !’

‘અંગુઠાછાપ ! હા, પણ નાનીમોટી ગણતરીઓ માંડી શકું; નહિ તો હમણાં પેલું કહ્યું હતું ને એ, પાકું હિંદી બોલતાં આવડી જાય ! મારા બાપાને છોકરાં લાંબું જીવતાં ન હતાં, એટલે મારું નામ જીવો પાડ્યું અને લ્યો હું જીવી પણ ગયો ! તમારા લોકોના સામે જીવતોજાગતો અલમસ્ત બેઠો છું કે નહિ !’ જીવાકાકા મરકમરક મલકી ઊઠે છે.

‘પણ, ભણેલાઓને પણ ભૂ પાઈ દો તેવા તમે તો અનુભવી લાગો છો !’

‘જો બેટા, ફેરી અને ફકીરી એ હરતીફરતી કોલેજો જ ગણાય છે ! ફેરીની કોલેજમાં સોળ વર્ષે દાખલ થયો હતો અને હવે તો પચાસ થયાં !’

‘આપને ગુરુ બનાવવા છે, ઉપકાર કરશો ?’

‘કેમ નહિ ? જમાઈ એટલે દીકરો ! દીકરાને ના પડાય ?’

‘તો, આ પળથી તમે મારા ગુરુ ! કોઈ ગુરુમંત્ર આપશો કે !’

‘હા, જરૂર. હાથીના પગલામાં બધાં પ્રાણીઓનાં પગલાં સમાઈ જાય એવો એક જ મંત્ર ! સાવ સહેલો અને છતાંય અઘરો પણ એટલો જ !’

‘કંઈ ફોડ પાડશો કે ગુંચવ્યે જ જશો ?’

‘ના રે, શા માટે ! તો, કહી દઉં ?’

‘હાસ્તો !’

‘મારી દીકરી કે મારી ફોઈ જે કહો તે, ફૈબાને ખુશ રાખો !’

‘આ તો કોથળામાંથી બિલાડું કાઢવા જેવી વાત થઈ ! એને પૂછી જૂઓ, એ મારા ત્યાં ખુશ જ છે !’

‘ના, ખોટી વાત છે. આ બધાંયની હાજરીમાં તેને તમારી આગળ કોઈ એક જ માગણી મૂકવાનું કહો અને તે માગણીને પૂરી કરો, એ મારો માત્ર ગુરુમંત્ર જ નહિ, ગુરુદક્ષિણા પણ લેખાશે !’

‘ફૈબા, માગવામાં કચાશ રાખીશ નહિ. મારા ગુરુ અને બધાંયની હાજરીમાં તારે જે માગવું હોય તે માગી લે, કોઈ સંકોચ રાખીશ નહિ ! ઠાકોર એટલે કે રાજ્પુત છું, પ્રાણના ભોગે પણ વચન પાળીશ.’ જેમલ ભાવાવેશે બોલી ઊઠે છે.

ફૈબા પોતાના પિતાતુલ્ય એવા જીવાકાકાની આંખોમાં પોતાની અશ્રુપૂર્ણ આંખો પરોવતી જેમલ પાસે માગી બેસે છે કે ‘વચન આપો કે તમે તાંબા કે પિત્તળનાં કલાઈ વગરનાં વાસણમાં ગોળની ચા પીશો નહિ !’

જીવાકાકા ફૈબાના માથા ઉપર હાથ મૂકીને આશીર્વચન આપતાં એટલું જ કહે છે ‘બેટા, તું મારા મનની વાત પામી ગઈ છે કે નહિ એની મને ખબર નથી, પણ હું તારા મનની વાત ત્યારે જ પામી ગયો હતો જ્યારે કે તું જેમલની સામે તાકી રહેતાં એવું બોલી હતી કે ‘પણ કાકા, એવી ચા ન પીવાનું કારણ તો બતાવવું પડશે !’

જેમલ જીવાકાકાના પગ આગળ નમન કરતાં આંખોમાં અહોભાવની લાગણી સાથે માત્ર એટલું જ બોલી શકે છે કે “આપ મને સાચા ગુરુ મળ્યા છો. હું ક્યારનોય વિચારી રહ્યો છું કે આપ મગનું નામ મરી પાડ્યા સિવાય મારા કલ્યાણ માટેની ચાવીરૂપ એક જ વાતને કેવી સફળતાપૂર્વક મારા દિલોદિમાગમાં ઊતારી રહ્યા છો. આ બધી ગોળગોળ વાતોમાં કોઈ બાઈ માણસને સમજ ન પડતી હોય તો હું બધાયને સમજાય તેમ સ્પષ્ટ કહું છું કે મેં આ જ ક્ષણેથી દારૂના સેવનનો ત્યાગ કર્યો છે અને જીવનભર અન્યોને આ બદીથી દૂર રહેવા સમજાવવાનો પ્રયત્ન કરતો રહીશ. તમે સૌ બાઈ માણસો રેલવે કર્મચારીઓની પત્નીઓ છો, એટલે મારા ગુરૂજીના અગાઉના કથનના આ શબ્દો તમને લોકોને ફરી યાદ અપાવું છું કે ‘તો તો ભાઈ જોખમવાળી નોકરી કહેવાય ! રેલના પાટાઓ પાસે જ રહેવાનું. કોઈવાર ઊંઘી જઈએ કે ભાન ભૂલી જઈએ, તો નોકરીય જાય અને જિંદગી પણ જોખમાય !’

* * *

હવે પાછા વર્તમાનમાં આવી જઈએ.

એ ઘુમટીમાં દિવસરાતની ફરજબદલીમાં આવતા સાંધાવાળાઓ માટેની સંયુક્ત એવી બેએક ગોદડીઓ સાથેની ખાટલીઓ, પીવાના પાણીનું માટલું, ચા બનાવવા માટેનાં વાસણકૂસણ તથા ચાની સામગ્રી હોય છે. જેમલ અને એ ઘુમટીના અન્ય સાંધાવાળાઓનાં કુટુંબો રેલવે કોલોનીનાં ક્વાર્ટરમાં રહેતાં હોય છે.

જેમલ અને તેના સહકર્મચારીઓની ફરજ હેઠળની આ ઘુમટી ચોવીસે કલાક ગાડીઓની અવરજવરથી ધમધમતી મુખ્ય રેલવે લાઈન ઉપર નથી, પરંતુ શહેરથી પાંચેક માઈલ દૂર આવેલા એક નાનકડા ગામમાં ‘ડાલડા’ બ્રાન્ડવાળું વનસ્પતિ ઘી બનાવતી ટાટા કંપની માટેની ફાંટાની રેલલાઈન ઉપર છે. વળી આ ઘુમટીથી થોડેક જ દૂર આ લાઈનમાંથી બર્મા શેલ કંપનીના એક પેટ્રોલ પંપ માટેનાં ટેંકરોની અવરજવર માટેનો એક વધારાનો ફાંટો પણ પડે છે. આમ આ ઘુમટી ઉપરની કામગીરી સાવ હળવી હોઈ એક રીતે જોવા જઈએ તો અહીંની નોકરી આરામપ્રદ હોય છે.

વહેલી સવારની જેમલના હાથની ચા પી લીધા પછી જીવાકાકા ધંધે ઊપડવાની હજુ થોડી વાર હોઈ ખાટલીમાં કેડ પાંસરી કરવા થોડા આડા પડે છે. પોતાની રાત્રિની ફરજ પૂરી થઈ ગઈ હોઈ બીજો સાંધાવાળો નામે ઘેમર આવી જાય છે. જેમલ જીવાકાકાને તેની ઓળખાણ કરાવીને તેના ક્વાર્ટર તરફ ચાલી નીકળે છે. જીવાકાકા બેએક મહિના બાદ અહીં ફેરીએ આવ્યા હોઈ આ ગાળામાં જ નવીન આવેલો આ સાંધાવાળો અને તેઓ એકબીજાથી અજાણ છે. ઘેમર સાથેની થોડીક વાતચીત પછી જીવાકાકા ખભે પોટલું નાખીને તેમના કામે ઊપડે છે, ત્યારે તેમના દુર્ભાગ્યે ઘુમટીથી થોડેક જ દૂર તેમના પગે ઠોકર વાગતાં રેલવેની હદ બતાવવા માટે જમીનમાં ખોડેલી લોખંડની એન્ગલની બોથડ ધાર તેમના કપાળે વાગી જાય છે અને ફુવારાની જેમ લોહી ફૂટી નીકળતાં તેઓ બેભાન થઈ જાય છે.

ઘેમરની નજર સામે જ આ દુર્ઘટના બની હોઈ તે સફાળો જીવાકાકા તરફ દોડી આવે છે અને તેમને ઉપાડીને ઘુમટીમાં લઈ જાય છે. એ જ સમયે ત્યાંથી પસાર થતો કોઈક અજાણ્યો માણસ તેમના સાડીઓના પોટલાને ઘુમટીમાં લાવી દે છે. દૂરની ઝૂંપડીમાંથી દોડી આવેલા એક છોકરાને જેમલને બોલાવી લાવવા દોડાવવામાં આવે છે. અહીં ઘેમર તાત્કાલિક સારવારના ભાગરૂપે પોતાની થેલીમાંની દેશી દારૂની બોટલમાંથી તેમને થોડોક દારૂ પાઈ દે છે. ત્યાર પછી તે ચપ્પુથી ગોદડીને ચીરીને તેમાથી કાઢેલા રૂને દારૂમાં પલાળીને કપાળના ઘા ઉપર મૂકીને તેમના જ ફાળિયામાંના ચીરા વડે ચસચસતો પાટો બાંધી દે છે.

જેમલ સફાળો દોડી આવે છે અને ઘેમરને પૂછે છે, ‘અલ્યા, આ શાનો પાટો બાંધ્યો છે?’

‘દારૂનો જ તો વળી ! કાકાને થોડોક પાઈ પણ દીધો છે !’

‘અરર ! તેં ગજબ કરી નાખ્યો ! શો ગજબ કર્યો એ પછી કહું છું, પણ આટલી બધી ઉતાવળ કરવાની શી જરૂર હતી ? વળી તને એ પણ ખબર નથી કે અહીંથી બીજી રેલવેલાઈન ફંટાતી હોઈ આ જંકશન સ્ટેશન છે અને અહીં રેલવેનું દવાખાનું પણ છે, જ્યાં આપણે દાક્તરી સારવાર કરાવી લેતા ! વળી કપાળમાં ઘા પડ્યો હોઈ ટાંકા તો લેવડાવવા જ પડશે ને ! નહિ તો કાયમ માટે ઘાનું નિશાન રહી જશે !’

‘અરે, કપાળમાંથી કેટલું બધું લોહી વહી રહ્યું હતું ! એ તો સારું થયું કે એ બિચારા બેભાન થઈ ગયા, નહિ તો તેમને કેટલી બધી વેદના થાત ! વળી મેં થોડો દારૂ એટલા માટે પાઈ દીધો છે કે જેથી તેઓ જલદી ભાનમાં ન આવી જાય !’ ઘેમર સહજભાવે બોલે છે.

‘ચાલ, એ વાત પડતી મૂક અને આપણે તેમને ખાટલીમાં જ ઊંચકી લઈને જલદી દવાખાને ભાગીએ. વિલંબ થઈ જશે તો તેમની તકલીફ વધી જશે. બીજી એક વાત સાંભળી લે કે આ તેં જે કંઈ હોશિયારી કરી છે તે ભૂલથી પણ કાકાને કહીશ નહિ ! હું ડોક્ટર સાહેબને પણ ચેતવી દઈશ કે દારૂવાળી વાતની કાકાને ખબર ન પડે ! ગાંડિયા, તને ખબર નહિ હોય કે આ કાકા મુસ્લીમ છે. એ મુસ્લીમોની એક એવી ખાસ કોમમાંથી છે કે જેના પુરુષો અને સ્ત્રીઓ આપણા જેવાં લૂગડાં પહેરે છે. એમની બોલી અને રીતરિવાજ આપણા જેવાં જ છે. આ કારણે જ તો તારાથી અજાણતાં બફાઈ ગયું છે. હવે જો કાકાને ખબર પડી તો તે બિચારા આઘાતથી જ મરી જશે !’ જેમલ કહે છે.

‘મરી જાઉં તો સારું ! પણ, મોત માણસના હાથમાં ક્યાં હોય છે !’ અર્ધ બેભાનાવસ્થામાં થોથવાતી જીભે જીવાકાકા બબડે છે.

‘કાકા, પણ તમારે શા માટે મરવું જોઈએ ! અમારા કહેવાનો મતલબ એ હતો કે તમને ખૂબ લોહી વહી ગયાની ખબર પડે તો…’

‘બસ, બસ. વાત ફેરવશો નહિ. ઘેમરની રજેરજ વાત મેં સાંભળી લીધી છે ! તેને બિચારાને ખબર નહિ એટલે તેને દોષ દેવો નકામો છે. પરંતુ મારા શરીરને દારૂથી અભડાવવા કરતાં વધારે સારું તો એ ગણાત કે મને રેલના પાટે નાખી દઈને મારા શરીરના ટુકડેટુકડા થવા દીધા હોત !’ જીવાકાકા કંપતા અવાજે વલોપાત કરી રહ્યા છે.

જેમલ અને ઘેમરને ખબર પડી ગઈ છે કે જીવાકાકા તેમની વાત સાંભળી ગયા છે. હૃદયને હચમચાવી નાખતાં જીવાકાકાનાં વેણ સાંભળીને ઘેમર હાથ જોડીને અપરાધભાવે ચોધાર આંસુએ રડતાંરડતાં તેમના પગ પકડી લે છે.

હૈયાફાટ રૂદન કરતા જીવાકાકા હજુ બોલ્યે જાય છે, ‘ઘેમર બેટા, જેમલને ખબર છે કે મેં મારા જીવનમાં કલાઈ વગરના તાંબા કે પિત્તળના વાસણમાં કદીય ગોળ નાખીને ચા બનાવી નથી કે એવી ચા પીધી પણ નથી ! અમારા માટે દારૂ ન પીવા માટેની એટલી હદ સુધીની તાકીદ કરવામાં આવી છે કે નજરોનજર ઘાસ ઉપર દારૂનું એક ટીપું પણ પડેલું જોયું હોય અને તે ઘાસ કોઈ ગાય, ભેંશ કે બકરી ખાય તો ચાલીસ દિવસ સુધી તેનું દૂધ પીવું પણ અમારા માટે હરામ બની જાય છે ! હું સમજું છું કે જે કંઈ થઈ ગયું છે, તે તારાથી અજાણતાં થઈ ગયું છે અને મારા પ્રત્યેની લાગણીને ખાતર થયું છે ! પરંતુ હવે જેમલની જેમ તું પણ દારૂની લતમાંથી બહાર નીકળી જવાનું વચન આપતો હોય તો જ હું તને માફ કરું !’

ઘેમર જીવાકાકાની હથેળીને પોતાની બંને હથેળીઓમાં દબાવતાં જીવનભર દારૂ ન પીવાનું વચન આપે છે અને એ ઘુમટીમાં એક ભાવસભર મધુર દૃશ્ય સર્જાઈ જાય છે.

સૌજન્ય :સ્ટોરી મિરર 

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment