“ખારવાની ખુમારી” – ઓખીની આફત માંડ માંડ ટળી છે ત્યારે વાંચો આ ખારવાઓની વાર્તા…

27

“જો, હામે હોડી દેખાઈ. હમણાં ત્યાં પોગી જાસું, ડરતો નહિ… હિમ્મત રાખ જરાક…” દરિયાના ઊછળતાં મોજાં પર ડૂબકા લેતા, પોતાના સાથી ખલાસી ચેતનને ધવલે આંખનો ઈશારો કરતા કહ્યું.

અર્ધ બિડાયેલી આંખો સાથે, માંડ માંડ હિમ્મત એકઠી કરી ટકી રહેલો ચેતન ઝબક્યો ! ચેતન પાણીની સપાટી પર મજબૂત લાકડાના સહારે પોતાના શિથિલ બનેલા શરીરને ટેકવીને પડ્યો હતો. ધવલ વારે વારે તેને હિમ્મત આપી રહ્યો. ચેતને દૂર ક્ષિતિજ પર નજર કરવા પ્રયાસ કર્યો.

અફાટ મહાસાગરના ખોળે બંને એક લાકડાના સહારે અસહાય અવસ્થામાં તરતા રહ્યા. ચેતનને તરતા પણ ન આવડે, અને લાકડું પણ એક સાથે બંનેનો વજન લેવા જતાં ડૂબી જવા લાગ્યું. ધવલ માંડ થોડો લાકડાનો સહારો લઈ લેતો અને વધું હાથ પગના જોરે જ તરતો રહ્યો. જ્યારે ચેતનને તો લાકડાના સહારે જ પડ્યા રેહવું પડે તેમ હતું. કારણ કે, હજી દરિયાને ખોળે નવો નવો આવેલો એટલે તેના અવનવા રૂપથી બિલકુલ અજાણ.

”ચેતન… એ ચેતન…” ધવલે ફરીવાર તેને જોરથી હલાવ્યો.

ચેતન તરફથી કાંઈ પ્રતિક્રિયા ન થઈ. ધવલ મનમાં ગભરાયો. તેનું દિલ ભારે થઈ ગયું !

તે આંચકા સાથે નજીક આવ્યો. ધડકતા હૈયે જોરથી તેને હલબલાવ્યો. એકાએક હવાના જોકાથી બૂઝાવા લાગેલો દીવડો ફરી ઝબકે તેમ ચેતન ઓંચિતો ઝબક્યો.

“જો, સામે જ કાંઈ દેખાય છે. ડરમાં, હિમ્મત રાખ. હમણાં કોઈને કોઈ આવી જાશે.” દૂર દૂર સામે દેખાતા ઝાંખા આકાર તરફ ઈશારો કરતા ધવલે આશ્વાસન આપ્યું.

ચેતનનો અવાજ દબાઈ ગયો હતો. આંખો રડી રડીને થાકી ગયેલી. તે મનમાં વિચારી રહ્યો: “ધવલ મને ટકાવી રાખવા જ ખોટી હિમ્મત આપે છે.પણ, હવે હું નહિ બચી શકું !” એકાએક ફરી તે ડૂસકે ડૂસકે રડી પડ્યો.

“ધવલ. મારા ભાઈ, મને ખબર છે કે, આપણે હવે નહિ બચીએ. મને ડૂબી જવા દે… મને એકલાને છોડી દે. તું આ લાકડું પકડી લે. તું સાવ થાકી ગયો હશે.” તેણે એક ઊંડો નિસાસો નાખ્યો. ગળે ડૂમો ભરાવાથી શબ્દો શ્વરપેટીમાં જ અટવાતા લાગ્યા. થોડીવાર અટકી તેણે ફરી આગળ ચલાવ્યું: “મારામાં હવે તાકાત નથી મારા ભાઈ… મારા હાટું તું હુંકામ મરે છે? મને મૂકી દે…”

ચેતને પકડેલું લાકડું છોડવા પ્રયત્ન કર્યો. ત્યાં ધવલે તેનો હાથ પકડી રાખ્યો. જાણે કાંઈ થયું જ નથી તેવા ભાવ સાથે તેણે કહ્યું: “અરે ! કેવી વાત કરે છે તું? હજી તો આપણે જીવવાનું છે. ખારવાના દીકરા માટે આ હું મોટી વાત છે ! દરિયોદેવ તો આપણો બાપ છે, ઈ આમ આપણે મરવા થોડો દે. અને તને બચાવવાવાળો હું બેઠો છું ને, હિમ્મત રાખ… આખો દિ’ કાઢી નાખ્યો આપણે, હવે થોડા કલાકો નહિ નીકળે ? જો, હામે હોડી જેવું દેખાય છે, થોડીવારમાં આપણે ઈની બાજુમાં પોગી જાસું. પછી પીવા પાણી પણ મળશે અને ખાવાનું પણ કાંઈક મળશે. બસ, હવે થોડી હિમ્મત રાખ મારા ભાઈ !”

આજ વહેલી સવારે છ વાગે હજી સૂરજ નારાયણ દર્શન આપે તે પહેલા તો એક ભયંકર હોનારત સર્જાય ગઈ. એક મહાકાય લહેર નાનકડા વહાણ પર ત્રાટકી અને વહાણ રમકડાની માફક ઊછળ્યું. ખલાસી હજી કાંઈ સમજે વિચારે ત્યાં તો બીજી એક લહેર આવી અને વહાણમાં સર્વત્ર પાણી ભરાઈ ગયું.

એકાએક આવેલી આફતથી ખાલાસીમાં ભયનો માહોલ ફેલાયો. એકબીજાના હાથમાં જે કાંઈ આવ્યું તેનો સહારો લઈ, ભગવાન ભરોસે બધા દરિયામાં કૂદી પડ્યાં. હજી ખલાસી તરીકે નવો નવો આવેલા ચેતનના હાંજા ગગડી ગયાં. છાતીમાં મુંઝારો થવા લાગ્યો. વિચાર શક્તિ શૂન્ય બની ગઈ. ન છુટકે તે દરિયામાં કૂદી પડ્યો. જોતજોતામાં તેનો શ્વાસ ઘૂંટાવા લાગ્યો. તરફડિયાં મારી રહેલા ચેતન પર ઓચિંતુ ધવલનું ધ્યાન ગયું. તેણે ઝડપથી તેની પાસે રહેલો લાકડાનો સહારો ચેતનને પકડાવી દિધો. વિશાળ મોજાની પછડાટથી વહાણ રમકડાની માફક ઊછળતું અને થોડીવારમાં તો હતું ન હતું થઈ ગયું ! ખલાસી એક પછી એક છુટા પડી ગયા પણ ધવલે ચેતનને છુટો પડવા ન દિધો.

દૂર ક્ષિતિજમાં સૂર્યાસ્ત થવાની તૈયારીમાં હતો. આકાશમાં છવાયેલી લાલિમાને લીધે દરિયાનું ખારું પાણી લોહિયાળ લાગી રહ્યું. દૂર દૂર હોડી જેવા આકારને નિહાળીને ધવલે રાડા રાડી કરી:

“બચાવો… બચાવો… બચાવો…” દબાયેલા અવાજે નીકળેલા તેના ચીસકારા ત્યાં સુધી ન પહોંચી શક્યા. પર્વતકાય લહેરો સામે અથડાયને તે બૂમો દરિયાના ખારા પાણીમાં જ ગરકાવ થઈ ગઈ.

“ધવલ, ના હુધી નહિ હંભરાય.” હતાશ ચહેરે ચેતને કહ્યું. તેણે ઊંડો શ્વાસ લીધો.

“મારામાં હવે શક્તિ નથી. મને છુટો કરી દે. ભગવાન કરીને તું બચી જા તો મારા ઘેર, મારી માને કહિ દેજે કે, મને યાદ કરીને રડે નહિ…” ચેતને ફરી એક નિસાસો નાખ્યો.

“કિવી ગાંડા જેવી વાત કરેશ? કાંઈ નહિ થાય. હિમ્મત રાખ. શું આમ છોકરી જેવી વાત કરે છે! ભગવાનને યાદ કર, હમણાં કોઈ આવી જાસે…!”

ભૂખ અને તરસથી બંનેના શરીર શક્તિ ગૂમાવી રહ્યા હતા. માનસિક રીતે મજબૂત ધવલ, ચેતનને સતત હૂફ આપી રહ્યો. બચવાની આછી આછી આશા પણ નજર નોહતી આવતી. હવે તો સૂર્ય નારાયણ પણ અસ્ત થવાની તૈયારીમાં હતાં.

થોડીવારમાં રાતના અંધારા ઊતરવા લાગ્યા અને પરિસ્થિતિ વધુ ભયંકર થવા લાગી. ચેતનની આંખો બંધ થવા લાગી. ધવલ પણ આખો દિવસ તરવાને કારણે થાકી ગયો હતો. હાથ પગમાં હવે વધારે તાકાત નહોતી બચી. પગની આંગળીમાં બળતરા થવા માંડી હતી. તરસથી ગળુ સુકાવા લાગ્યું.

દરિયાનું ખારું પાણી પીવાની કોશિશ કરી પણ તરસ ન મટી. હવે બંનેનો જીવ અડધો થઈ ગયો. વારે વારે જીવ ચૂંથાવા લાગ્યો !

એકાએક ધવલની નજર ચેતન પર પડી ! તેની આંખો દંગ રહિ ગઈ. લાકડાના સહારે પડી રહેલું ચેતનનું શરીર લાકડા પરથી આપ મેળે સરકી રહ્યું હતું. તે તરત તેની નજીક પહોંચ્યો, એટલામાં એક પ્રચંડ મોજાએ તેને થોડો દૂર ધકેલી દીધો. પુરી તાકાત એકઠી કરી, મોજાને ચીરતો તે સત્વરે ચેતન પાસે પહોંચ્યો. દરિયાના ઊંડાણમાં સરકી રહેલા ચેતનના દેહને તેણે પકડી રાખ્યું. એક હાથે તેણે લાકડાને બથમાં લીધું અને બીજા હાથે હિમ્મત પુર્વક ચેતનના દેહને ઢંઢોળ્યો પણ અફસોસ ! ચેતનના દેહમાં કાંઈ સળવળાટ ન જણાયો. ધવલનું હ્રદય ભરાઈ આવ્યું. ઘણી મહેનત છતાં ચેતનમાં કાંઈ પણ સંચાર ન જણાયો. હતાશા ચારેકોરથી ઘેરી વળી. દરિયાના પેટાળમાં અટુલા પડેલા સાથીમાંથી એક હિમ્મત હારી ગયો !

“હવે શું કરવું ? ચેતનના દેહને આમ અટુલો થોડો મૂકી દેવાય ?” તેનું મગજ ચકરાવે ચઢી ગયું. “ભલે એ મારો ભાઈ નથી, દોસ્ત નથી, અમી સગા નથી પણ ઈ મારો સાથી ખલાઈ છે… જ્યાં સુધી હું જીવતો છું ત્યાં લગી તેના મૃતદેહને મારાથી છુટો ન મેલાઈ. આમેય મારે પણ આખરે મરવાનું તો છે જ, તો પછી સાથે જ કેમ નહીં?”

વિચારના વમળમાં અટવાતા ધવલે આખરે એક નિર્ણય કરી નાખ્યો. ચેતનના મૃતશરીર પર તેણે હળવેથી હાથ ફેરવ્યો. તેના નિર્દોષ ચહેરા તરફ એક નજર નાખી, દરિયાદેવના ક્રુર વર્તન પર એક તિરસ્કાર ભરી નજર ફેરવી અને હિમ્મત સાથે ચેતનના દેહને લાકડા પર ખડક્યો. પ્રચંડ મોજાના પ્રવાહથી દેહ કાંઈ છુટો થોડો પડ્યો રહે? અચાનક તેના દિમાગમાં એક ચમકારો થયો. તેણે પોતે પહેરેલો સર્ટ ઊતારી નાખ્યો અને તેનો એક છેડો પોતાના પગમાં બાંધ્યો તેમજ એક છેડો ચેતનના મૃતદેહ સાથે જકડીને બાંધી દિધો. તે આંચકા સાથે લાકડા પર લટકી રહ્યો અને તેની સાથે ચેતનનો મૃતદેહ પણ જ્યાં ત્યાં તણાતો રહ્યો.

ખારવાની આવી હિમ્મતથી દરિયાદેવની આંખો પણ જાણે છબછબી ગઈ હોય તેમ દરિયો થોડીવાર શાંત થઈ ગયો. સુસવાટા મારતા પવનની ગર્જનાઓ, ઘોર અંધકાર ભરેલી રાત્રી અને બેફામ બની ઊછળતાં મોજાં પર તણખલાની માફક ધવલ જ્યાં ત્યાં અથડાતો રહ્યો.

પગમાં બાંધેલ ચેતનનો મૃતદેહ પણ તેની સાથે દરિયામાં ડૂબકા લઈ રહ્યો. એકાએક પર્વતકાય લહેર ધવલના ઉપરથી પ્રસાર થઈ ગઈ. રુંધાયેલા શ્વાસે તે સફાળો પાણીની સપાટી પર આવ્યો. છાતીમાં પડેલા ચીરા વધુ દર્દ કરવા લાગ્યા. ભૂખ પણ કકડીને લાગી હતી. સાથીની વિદાયે તેને ભાંગી નાખ્યો હતો. એકલતા તેને ચારે બાજુથી ઘેરી વળી. બચીકુચી હિમ્મત પણ હવે ખૂટી રહી. બચવાના કોઈ એધાણ ન દેખાયા. હતાશા સાથે તેણે પોતાનું માથું લાકડા સાથે અથડાવ્યું. ઘડીભર આકાશ તરફ નજર કરી નિસાસો નાખ્યો. ટમટમતા તારલાઓ જાણે હસી હસીને ખારવાની ખૂમારી જોતા હોય તેમ લાગ્યું.

હજી, એકાદ ફિસિંગ અગાવ તેની મંગેતર દિવ્યા સાથેનો વાર્તાલાપ તેને રોમાંચીત કરી ગયો. આ ફિસિંગ પછી જ મળવાનો વાયદો આપેલો તેનું ભાન થયું, પણ કદાચ વિધાતાની મરજી કાંઈ બીજી હોય તેમ લાગ્યું. તેણે આંખો મીંચી અને મનોમન વિચારમાં ખોવાયો: “દિવ્યા, ભગવાન કરેને હું બચી જાઉં તો આપણા લગન એટલા ધુમધામથી થશે કે, આજુબાજુના બધી મોઢામાં આંગળાં નાખી જાસે, પણ હવે ઈ સપના જેવું લાગેશ. મને માફ કરી દેજે. મારુ મોત તો હવે નક્કી જ છે… બીજા કોઈ હારા છોકરા હારે વે’વાર કરી લેજે… મને ભૂલી જાજે.”

વિચારમાં અટવાતા તે બેભાન જેવો બની ગયો.

એટલમાં સામેથી એક ઝાંખો પ્રકાશ નજીક આવતો હોય તેવો ભાસ થયો. ધીરેધીરે તે પ્રકાશ વધતો ગયો. ડૂબેલા ખલાસીની શોધખોળ કરી રહેલું જ તે એક વહાણ હતું. વહાણ પરના ખલાસીઓ હાથમાં બતી લઈ જ્યાં ત્યાં પ્રકાશના સેરડા પાડી રહ્યા હતા. તણખલા જેમ તરતું કાંઈક તેમને દેખાયું. થોડો અણસાર મળતા તે વહાણ તીવ્ર ગતિથી ધવલ તરફ આગળ વધી રહ્યું.

“હામે કાંઈ દેખાય છે… આપણાં જ છે. તૈયાર થઈ જાવ…” એક ખલાસીએ જોશમાં આવી જઈ રાડ નાખી.

બધા જ ખલાસી પાણીમાં પડવા તૈયાર થઈ ગયા. વહાણ નજીક પહોંચ્યું કે, બધાએ દરિયામાં ડૂબકી લગાવી દીધી. ધવલ અર્ધ બેભાન અવસ્થામાં લાકડા પર લટકી રહ્યો હતો.

“અરે ! ધવલ છે.” પાણીમાં પડતા એક ખલાસીએ રાડ પાડી. બધાએ ધવલને ઉપાડી વહાણમાં ચઢાવવા પ્રયત્ન કર્યો. ધવલમાં સરવળાટ જણાયો એટલે બધાની હિમ્મત વધી ગઈ.

“જીવે છે, જલ્દી કરો.” એક ખલાસી ઉત્સાહમાં આવી ગયો. ધવલને ઊપાડી વહાણમાં ચઢાવવાતા, પગે બાંધેલ ચેતનનો મૃતદેહ બધાની નજરે ચઢ્યો. દરેકની નજર દંગ રહી ગઈ. એકસાથે બે ખલાસીની ભાળ મળી ગઈ હતી. ધવલની હિમ્મત પર બધા વાહ, વાહ પોકારી ઊઠ્યા. હિમ્મતભેર ચેતનના મૃતદેહને વહાણ પર ચઢાવવામાં આવ્યો. સતત પાણીમાં રહેવાથી સફેદ પડી ગયેલો તેનો દેહ રાતના અંધારામાં વધુ ભયાનક લાગી રહ્યો.

વહાણના સથા પર ચેતનના દેહને ચાદરથી વીંટી લેવામાં આવ્યો. નાનકડા ચેતનના મૃત્યુએ બધાને ગમગીન બનાવી મૂક્યા. વાયરલેસથી બંદરમાં જાણ કરવામાં આવી. આજુબાજુ શોધખોળ કરી રહેલી અન્ય બોટો પણ નજીક આવી પહોંચી.

ધવલના શરીરને થોડી ગરમી મળવાથી તે ભાનમાં આવ્યો. તે લડખડાતા પગે અન્ય ખલાસીના ટેકાથી ચેતનના મૃતદેહ નજીક આવ્યો. ધ્રુજ્તા હાથે તેના ચહેરા પરથી ચાદર હટાવી, તે ત્યાં જ ઢગલો થઈ ગયો. આંખે આવેલા અંધારા, અંધારી રાત્રી સાથે મળીને એક થઈ ગયા. ચેતનના નિર્જીવ દેહ પર આંસુનાં ટીપાં પડ્યાં અને તે બેભાન બની ગયો.

લહેરો સાથે રમત કરતા વહાણે, ચેતનના મૃતદેહને લઈ બંદરની વાટ પકડી.

સૌજન્ય : સ્ટોરી મિરર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment