“મને આવશે” – ખુબ લાગણીસભર વાર્તા…

31

“નેહા, નીતિનને પરણીને ખૂબ સુખી હતી. બંને જણાં ડૉક્ટર હતાં. પાંચેય આંગળાં ઘીમાં હતાં. કદી જિંદગીમાં અભાવ કે મુસિબત એનો ખ્યાલ જ ન હતો. નેહા હતી પણ પ્રેમાળ. પરાયાનેય વહાલી લાગે તેવી મીઠી. તેમાં વળી એના ગાલમાં બે સુંદર ખંજન પડે. ચાલો બહુ થયું તેનું વર્ણન. નીતિનને પરણી આવી અમેરિકા.

શિકાગોમાં બંને સ્થાયી થયાં. નોર્થબ્રુક જેવા સુંદર અને રળિયમણા સ્થળમાં તેમનું ઘર જુદી ભાત પાડતું. કહેવાય છે કે અમેરિકામાં ડૉક્ટરને માથે શિંગડા હોય છે. આ દંપતિએ તે વાત ખોટી પાડી હતી. લક્ષ્મીની છોળો ઉડતી હોવા છતાં આ બંને દંપતિ સહુમાં પ્રેમે ભળી જતાં.

નીતિન હતો કાર્ડિયોલોજીસ્ટ અને નેહા ગાયનેકોલોજીસ્ટ. પૈસા પાછળ કદી તેમણે આંધળી દોટ મૂકી ન હતી. વ્યવસાય જ એવો હતો કે પૈસો આવ્યા જ કરે.

આજે નેહાને ઈમરજન્સી ફોન આવ્યો. ડાયેનાને અચાનક પૅટમાં દુખવા આવ્યું. હજુ તો ચાર અઠવાડિયા બાકી હતાં. પણ પહેલી ડિલિવરી હતી તેથી કહેવાય નહીં. સી-સેકશન કરીને બાળક કાઢવું પડ્યું. મા તથા દીકરાની તબિયત સારી હતી. બાળક થોડું નબળું હોવાને કારણે તેને ‘ઈનક્યુબેટરમાં’ રાખ્યું. ડાયેનાને અશક્તિ ઘણી હતી. આમ તો ત્રણ દિવસમાં જ ઘરે લઈ જાય પણ કેસની ગંભિરતાને કારણે બીજા બે દિવસ હોસ્પિટલમાં રહી.

કુદરતની કરામત જુઓ તેને દ્વારે આવતી દરેક ગર્ભવતી સ્ત્રી હસતાં વદને વિદાય થતી. નેહાને અંતરના આશીર્વાદ આપતાં કે તેનો ખોળો ભરાય. લગ્નની ૧૨મી વર્ષગાંઠ પર ‘અલાસ્કા’ ફરીને આવ્યાં. નેહા કહે, “નીતિન કાલે મારે ડૉ. જસ્ટીનની એપોંઈંટમેંટ છે. તેમણે મને કોઈ નવી પ્રોસીજર વિશે જણાવ્યું છે.” નીતિને વહાલથી કહ્યું, “જો તે સફળ થાય તો નેહા આવતી લગ્નની વર્ષગાંઠ આપણે ‘શ્રિનાથજી’ના દર્શન કરી ઉજવીશું.”

નેહા, પોતે સફળ ડૉકટર હતી પણ કુદરતને ત્યાં તેને માટે શેર માટીની ખોટ હતી. દરેક ડૉકટર પાસે જતી અને તેમનો અભિપ્રાય સાંભળી કહેતી. “તમે મને પ્રોત્સાહન ન આપો તો કાંઈ નહી. મને હતાશ ન કરશો. મારું અંતર કહે છે હું એક દિવસ જરૂર ‘મા’ બનીશ.” અરે, કોઈની પણ જાણ વગર તે દર વર્ષે “એકલ વિદ્યાલય”માં ૫૦ વિદ્યાર્થિ માટે પૈસા ભારત મોકલતી. હા, બદલામાં પ્રભુ પાસે ‘શેર માટી’ માગતી. ખોળાના ખુંદનાર વગર તેને પોતાનું જીવન અધુરું લાગતું.

અલાસ્કાથી આવ્યા અને બીજે દિવસે ડૉ. જસ્ટીનની પાસે ગઈ. નવી પ્રોસિજર થોડી તકલિફ વાળી હતી. પણ નેહા ‘બાળકની’ જિજીવિષાને કારણે કાંઈ પણ કરી છૂટવા તૈયાર હતી. ડૉક્ટર હોવાને કારણે તેની સંભાળ ખૂબ સુંદર રીતે લેવાઈ. અશક્તિ ખૂબ જણાતી હતી. તેણે પંદર દિવસ વેકેશન લીધું. સંપૂર્ણ આરામ કરીને પાછી કામે વળગી. પ્રયત્નો બધાજ ચાલુ હતા પણ પરિણામ મનગમતું ન મળતું. છતાંય તેને શ્રધ્ધા હતી કે તેની મનોકામના જરૂરથી પૂર્ણ થશે.

ડૉકટરના અમેરિકન જર્નલમાં ફરી પાછો લેખ વાંચી તે બોસ્ટન જઈ આવી. ત્યાંના ડૉ. રિચર્ડસને તેને તપાસી ખબર હતી કે આશા નથી. પણ હોંશિયાર ડૉક્ટર તેને નિરાશ ન કરતાં ‘પોઝિટિવ એટિટ્યુડ’ રાખવાની સલાહ આપી. નેહા થાકી હતી, છતાંય આશા અને ઉમંગ તેના વલણમાં દૃશ્ય થતાં. પ્રભુએ તેને અનોખી ઘડી હતી. નીતિન પણ તેની ઉત્સાહમાં સરખો ભાગીદાર હતો.

બંને પતિપત્ની એકમેકને ખૂબ ચાહતાં હતાં. નીતિન પણ પોતાનો સંપૂર્ણ સહકાર આપતો. કોઈ પણ જાતની સારવાર કરાવવા તે કદી ના ન પાડતો.

હા, તેઓ બંને અંધશ્રધ્ધાળુ ન હતા. માત્ર પ્રભુની ઈચ્છાનો આદર કરતાં. આજે ઘણે વર્ષે નીતિનની બહેન તેના પરિવાર સાથે આવી હતી. તેને તાજાં ‘ટ્વીન્સ’ આવ્યા હતાં. છ મહિનાના બંને બાળકોથી ઘર ઉભરાયું હતું. નેહાએ નેનીની સગવડ કરી હતી. ઘરમાં એક પટેલ બહેનને રાંધવા માટે રાખી લીધાં હતાં. માર્થા તેમને ત્યાં દસ વર્ષથી હતી. વહાલી નણદ અને તેનો પરિવાર રહે ત્યાં સુધી રોજ બોલાવી લીધી.

નેહા હર પળને માણી રહી. થોડો વખત તે ભૂલી ગઈકે તે પોતે માતૃત્વને ઝંખે છે. બાળકો પોતાના હોય તેમ ઘુલમીલ ગઈ. બે હતા તેથી એકને નેહા રાખે બીજાને તેની વહાલી નણદી. તેમને લઈને નાયગરા ગયા. ખૂબ ફેરવ્યા. જ્યાં ન જઈ શકાયું ત્યાં ટૂરમાં મોકલ્યાં. બાળકોને પોતે સાચવશે એમ કહી પાસે રાખ્યાં અને બંને જણાને સુંદર ફરવાની સગવડ પૂરી પાડી. નેહાને ખુશ જોઈ નીતિન રાજી થયો.

એકવાર નેહા ડાઈપર બદલતી હતી ત્યાં કુંવરે પી પી કરી અને સીધી ધાર મામીના મોઢા પર. ગુસ્સે થવાને બદલે નેહા ખડખડાટ હસી પડી. બાજુના રૂમમાંથી નીતિન દોડી આવ્યો. નેહાની વાત સાંભળીને તેણે પણ હસવામાં સૂર પૂરાવ્યો. નણંદબા હનીમૂન મનાવીને પાછાં આવ્યા. બસ બે દિવસ પછીપાછાં ભારત જવા માટે રવાના થયા.

નેહા અને નીતિન સાથે ગુજારેલાં આનંદમય દિવસોની યાદો વાગોળતાં અને ફોટા તથા મુવી જોઈને દિલ બહેલાવતાં. બંને જણાએ જાણે સ્વર્ગનું સુખ ન માણ્યું હોય તેવો અનુભવ હતો. આ વખતે નેહાને ‘બે મહિના થયા’ માસિક દેખાયું ન હતું. ડૉક્ટર હોવાને નાતે નિશાની તે જાણતી હતી પણ ઉતાવળ કરવામાં ન માનતી હોવાથી જ્યારે ત્રણ મહિના થયા ત્યારે નીતિનને વાત કરી. નેહા તારી આશા અને ઉમંગે તારી અને મારી મનોકામના પૂર્ણ થઈ.

ભાણેજ અને ભાણજીએ આવીને આપણું આંગણ પાવન કર્યું. તારી અંતરની ઈચ્છા ‘મને આવશે’ એ દિવસ ઢુંકડો જણાય છે.

સૌજન્ય : સ્ટોરી મિરર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment