“પ્રેમની પહેલી” – કરુણ પ્રેમકહાની…

27

લાગણી તેની સાથે ભણતા તારક અને દૈવિકને સમાન ભાવથી ચાહતી. તારક, દૈવિક અને લાગણી નર્સરીથી જ વડોદરામાં આવેલ. ‘જ્યોતિ વિદ્યાલય’માં એક જ વર્ગમાં ભણતા. તારક અને દૈવિક બાજુ બાજુમાં રહેતા જયારે લાગણી તેમનાથી થોડે દૂર રહેતી.

ત્રણેય એક જ વાનમાં સ્કૂલે જતા, અને ત્રણેય તોફાની બારકસ હતા. રોજ સ્કૂલમાં ત્રણેય મળીને કોઈ ને કોઈ તોફાન કરતા. સ્કૂલના રિસેસમાં તેઓ ઘેરથી લાવેલ ભાગ વહેંચીને ખાતા. ત્રણમાંથી કોઈ એક સ્કૂલે આવ્યું ન હોય તો બાકીના બેનું સ્કૂલમાં મન લાગતું નહિ.

હજુ ધોરણ બીજું પૂરું થયું હતું રોજની જેમ રીસેસમાં તારક, દૈવિક અને લાગણી પોતાના ઘેરથી લાવેલ નાસ્તાને ન્યાય આપી રહ્યા હતા અને અચાનક જ તારક જે હજુ નાના બાળક જેવું જ કાલુ કાલુ બોલતો હતો. રીસેસના સમય દરમ્યાન જ તારક લાગણીને પ્રપોઝ કરવા લાગ્યો, “લાદની તું મને બવ ગમે છે, તું મારી સાથે લદન કરીશ ને? ” આવું સાંભળીને લાગણી તો શરમાઈ ગઈ તેનું મુખ રતુંબડુ બની ગયું.

જયારે દૈવિક તારક પર ગુસ્સે થઈ ગયો. દૈવિકે ઘાંટો પાડીને બોલી ઉઠ્યો લાગણી સાથે તો હું જ લગન કરીશ. લાગણી તો મારી જ વહુ બનશે. ગુસ્સામાં તેનું મુખ લાલચોળ બની ગયું.

તારક અને દૈવિક આપસમાં ઝઘડી પડે તે પહેલા લાગણી વચ્ચે કૂદી પડી. જો તમે બંને આમ સામ સામે ઝઘડશો તો હું તમારા બંનેમાંથી કોઈની સાથે લગન નહિ કરું અને આપણા ક્લાસમાં ભણતા ક્ષિતિજને પરણી જઈશ. તેની પાસે પોતાની કાર છે. અને તેના પપ્પા પાસે બહુ પૈસા છે. પછી લાગણી મીઠું મીઠું હસી, તારક અને દૈવીકના બંનેના ગાલ પર એક એક ચુંબન ચોડ્યું અને બોલી મને તો તમે બંને ગમો છો. હું તમારા બંનેમાંથી કોઈ એક વિના જીવી શકું તેમ નથી હું તમારા બંને સાથે લગન કરીશ.

પણ એવું કેવી રીતે બને? તારકે પ્રશ્ન કર્યો. કોઈ છોકરી બે છોકરા સાથે લગન કરી જ કેવી રીતે શકે? દૈવિકને પણ આવા લગન અંગે શંકા જાગી, તારક અને દૈવિકે આવા કોઈ લગન જોયા નહોતા.

લાગણી બોલી, “મારી મમ્મીએ મને થોડા દિવસ પહેલા જ મહાભારતની વાર્તા કહેલ, તેમાં દ્રૌપદી નામની રાણીએ એક સાથે પાંચ પુરુષો સાથે લગન કરેલ અને તે પણ પાંચ હજાર વરસ પહેલા.

એટલે એક સ્ત્રી બે લગન તો કરી જ શકે. જેમ દ્રૌપદીએ પાંચ પુરુષો સાથે લગન કરેલ. મારી મમ્મી બહુ સ્વીટ છે. હું જે માંગુ તે અપાવે છે. આપણે મોટા થઈશું ત્યારે હું કહીશ કે મારે બે છોકરા સાથે લગન કરવા છે તો તે ના નહિ કહે!” ભોળપણથી લાગણી બોલી.

“હવે બોલો, કોઈ છોકરી બે છોકરા સાથે લગન કરી શકે કે નહિ?” લાગણી બોલી.

જવાબમાં દૈવિકે અને તારકે હકારમાં માથું હલાવ્યું. અને બંને ખુશ થયા આખી જિંદગી ત્રણેય સાથે રહી શકેશે. તો પછી અમે તો બે જ છીએ, બીજા ત્રણ છોકરા તું ક્યાંથી શોધીશ? દૈવિકે પૂછ્યું.

“ઓ મૂરખના સરદાર..” દૈવિકને ગુસ્સમાં લાગણીએ કહ્યું. “તારે મને મારી નાખવી છે? ડફોળ. આ તો તમે બંને મને ગમો છે એટલે મારે તમારા બંને સાથે લગન કરવા છે, બાકી પાંચ પતિને હું શા માટે સાચવું?”

સમયનું ચક્ર ફરતું રહ્યું તારક, દૈવિક અને લાગણી હવે ધોરણ ૯માં આવી ગયા હતા. ૧ માર્ચ ૨૦૧૭, વસંત પંચમીનો દિવસ હતો, દૈવિક અને તારક તેમના ઘર નજીકના મહાદેવના મંદિરમાં રમતા હતા, મંદિરની આજુ બાજુ બગીચો હતો અને તેમાં મોટા મોટા વૃક્ષ હતા અને તેમની પાંદડાઓ ખરી રહ્યા હતા. હવાની લહેરો ચાલતી હતી.

તારકે દૈવિકને કહ્યું જો આપણે આ સુક્કા પાંદડામાં આપણી પ્રિયતમાનું નામ લખીએ તો ઈશ્વર તે પાંદડું પોતાની પ્રિયતમાને પહોંચાડી દેશે. સાચ્ચે જ? એમ કહી પહેલા દૈવિકે એક પાંદડું લીધું અને તારકને ન દેખાય તેમ લાગણીનું નામ લખી પવનમાં ઉડાડી મૂક્યું.

થોડી વાર બાદ તારકે એક પાંદડું લીધું અને તેણે પણ પાંદડા પર લાગણીનું નામ લઈ પવનમાં ઉડાડી દીધું. પવન ઘૂમરી ખાતો તેજ ગતિથી ચાલતો હતો, ઘૂળ પણ ઉડી રહી હતી. તારક અને દૈવિકે પાંદડાઓ પર નામ લખેલ તે બંને પાંદડાઓ લાગણીના ઘર તરફ ઉડી રહ્યા હતા તે જોઈને તારક અને દૈવિકને પરમ સંતોષ થયો કે તે પોતપોતાનું પાંદડું લાગણીના ઘર તરફ ગયું.

વેલેન્ટાઈન ડે નજીક આવી રહ્યો હતો, સ્કૂલના છોકરાઓ છોકરીઓ હવે પોતાને યુવાન સમજવા લાગ્યા હતા. જે છોકરાઓ કોઈ છોકરીને મિત્ર ગણતા હતા તેઓ જે તે છોકરીને પીળું ગુલાબ આપવાના હતા અને જે છોકરાઓની કોઈ છોકરી સાથે ગાઢ મિત્રતા હોય તેઓ છોકરીને લાલ ગુલાબ આપવાના હતા.

૧૨મી ફેબ્રુઆરીએ દૈવિક અને તારકે નક્કી કર્યું કે આપણે આ વરસે વેલેન્ટાઈન ડે નિમિતે લાગણીને પીળું ગુલાબ આપીશું. અને આવતા વર્ષે લાલ ગુલાબ આપીશું. દૈવિક અને તારક બંને મનોમન લાગણીને ખુબ જ ચાહતા હતા. લાગણી પણ બંનેની ચાહત દિલમાં અનુભવતી હતી.

આખરે વેલેન્ટાઈન ડે આવી ગયો, રીસેસમાં તારકે લાગણીને પીળું ગુલાબ ધર્યું, હસતા હસતા લાગણીએ તે ગુલાબ લઈ લીધું. લાગણીએ તારકને લાલ ગુલાબ આપ્યું, તારકનો ચહેરો ખુશીથી છલકાઈ ગયો.

હવે દૈવિકનો વારો હતો, દૈવિકે લાલ ગુલાબ લાગણીને આપ્યું. લાગણી ખુશીથી ઉછળી પડી. ત્યારબાદ દૈવિકે કેડબરી, ચોકલેટ અને એક રીસ્ટ વૉચ લાગણીને ગિફ્ટ આપી. લાગણીની આંખમાં ખુશીના આંસુ આવી ગયા. તે દૈવિકને ભેટી પડી અને તેના ગાલ પર કેટલાય ચુંબનો ચોડ્યા.

તારક સ્તબ્ધ બની ગયો, દૈવિક અને તારક બંનેએ ઘડેલા પ્લાન મુજબ બંનેએ લાગણીને પીળું ગુલાબ આપવાનું હતું. અને લાલ ગુલાબ તો આવતા વરસે આપવાનું હતું. તે પણ લાગણી માટે લાલ ગુલાબ, કેડબરી, ગિફ્ટ લાવી શક્યો હોત.

તારક રડવા જેવો થઈ ગયો, તેણે તેની આંખોમાંથી આવતા આંસુઓ માંડ ખાળી રાખ્યા. તે ભારે હૈયે પોતાના વર્ગ તરફ દોડ્યો. તેણે લાગણીને અનહદ ચાહી હતી. પણ લાગણી તો માત્ર દૈવીકને જ ચાહતી હતી તેવું તારકને લાગ્યું. તેના સપનાઓ તૂટી પડ્યા.

લાગણીએ તારકને વર્ગ તરફ દોડતો જોયો, તેને પોતાની ભૂલ સમજાઈ તે આવેશમાં આવી ગઈ હતી. લાગણી અને દૈવિક જયારે પોતાના વર્ગમાં પહોંચ્યા ત્યારે તારક પોતાનું દફતર લઈને પોતાના ઘેર રવાના થઈ ગયો હતો.

વર્ગમાંથી છૂટ્યા બાદ લાગણી અને દૈવિક તારકના ઘેર પહોંચ્યા તો તારક તેના મામાને ઘેર જતો રહ્યો હતો. તારકની મમ્મીએ જણાવ્યું કે તારક બહુ દુઃખી હતો કોઈએ તેના દિલને ઠેશ પહોંચાડી છે. તે હવે ‘જ્યોતિ વિદ્યાલય’માં નહિ ભણે. અને તેના પપ્પા કહેતા હતા કે તારક આગળનો અભ્યાસ બેંગ્લોરમાં કરશે.

દૈવિક અને લાગણી કોઈ ભયંકર ગુનો કર્યો હોય તેમ નિરાશ વદને પાછા ફર્યા. દૈવિકના ચહેરાનું નૂર ઉડી ગયું. તારક તેનો માત્ર અને માત્ર કે મિત્ર હતો. તારક તેનો સગા ભાઈ કરતા પણ વધુ ખ્યાલ રાખતો.

બીજે દિવસે લાગણી સ્કૂલમાં ગઈ તો દૈવિક પણ સ્કૂલમાં આવ્યો નહોતો. હજુ તારકને લીધે જે આઘાત લાગ્યો હતો તે શમ્યો નહોતો ત્યાં આજે દૈવિક પણ નહોતો આવ્યો. હજુ લાગણી કશું વિચારે તે પહેલા સ્કૂલમાં સમાચાર ફરી વળ્યાં કે તારક અને દૈવિક સ્કૂલ છોડી બેંગ્લોર અને પુણે ભણવા જવાના છે.

લાગણી હવે સુનમુન રહેવા લાગી, તે સ્કૂલની વાનમાં એકલી જ હતી. સાથે ભણનાર તો હતા પણ તેનું મિત્ર કોઈ નહોતું. રીસેસમાં તે પોતાનો ડબ્બો ખોલતી પણ ખાવાનું મન થતું નહિ. તેની આંખોમાં પ્રેમના શમણાં ભરેલ હતા તે બધા શમણાંઓ વિધાતાએ ચોરી લીધા હતા.

ઘેર પણ લાગણીએ ખાવાનું બંધ કરી દીધું. તારકની મમ્મી અને દૈવિકની મમ્મીને લાગણીની ખરાબ થતી તબિયતની ખબર પડી કે તેઓ લાગણીની ખબર કાઢી ગયા. પણ લાગણી શૂન્યવત ચહેરે તેમની સામે જોઈ રહી. લાગણીની મમ્મીએ તારક અને દૈવિકને વડોદરા બોલાવવા માટે કહ્યું.

દૈવિક અને તારક વડોદરા પહોંચે તે પહેલા લાગણી એક બ્રિજ ઉપર જતી હતી ત્યાંથી નીચે પડી ગઈ. આ આપઘાતનો કેસ હતો કે અકસ્માતનો? તે પોલિસ નક્કી કરી શકી નહિ. પણ લાગણીના બંને અણિયાળા નયનો જાણે કોઈની રાહ જોઈ રહ્યા હોય તેમ તાકી રહ્યા હતા.

સૌજન્ય : સ્ટોરી મિરર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment