એક માતા કેમ નથી આપવા માંગતી પોતાના દિકરાને અગ્નિદાહનો હક, એવું તો શું થયું હતું..

39

જ્યારથી મેં નીલુની હાલત જોઇ હતી મને દીકરા ન હોવાનું કદી દુખ ન થયું હતુ. આમ તો મેં પોતે જ પ્રભુ પાસે મારી માટે દીકરીઓ માંગી હતી અને પ્રભુ એ આપી પણ હતી, મારા સાસુ ફક્ત પહેલી દીકરી વખતે હોસ્પિટલમાં જોવા આવ્યા હતા, પછી તો કહી દીધુ હતું કે પાંચ દિવસે ઘરે જ આવવાની છે ને ત્યારે જોઇ લઈશ. મને દુખ નહોતુ થયું, પણ હસવું આવતું હતું કે હજી એવા સાસુઓ બચ્યા છે કે જે ફક્ત દીકરો જ ચાહે છે, કદાચ મારાવાળા છેલ્લા હશે. દર હોળીને દિવસે એકટાણું કરવાનું હોય, પણ એ તો ખાલી દીકરાની મા એ ને, તો સવારના પહોરમાં મેણું મરાઈ જતુ કે “આશા, મારે તો એકટાણું છે તું તો નહી કરે ને. છેલ્લાં થોડાં વર્ષોથી મેં જ સવારનાં કહેવાનું શરૂ કર્યું હતું કે” બા, તમારે તો આજે એકટાણું હશે ને, શું ફરાળ બનાવું ,મારે તો એકટાણું છે નહી.” અને બા બિચારાં સમસમીને બેસી જતાં કારણ મહેણું મારવાનો મોકો જ ખોઇ બેસતાને..બે વર્ષ પહેલાં તેમનું અવસાન થયું પણ છેલ્લાં વર્ષે અમારી વચ્ચેનો આ હોળી સંવાદ બંધ થયો હતો, કારણ એક હોળીને દિવસે એમનો દીકરો એટલે કે મારા પતિદેવ કોઇ વાત પર એમની પર એટલા ગુસ્સે થયા હતા કે એમને ડર લાગી ગયો હતો કે ક્યાંક દીકરો મારી ન બેસે. જે દીકરા માટે એકટાણું કરતા એ જ દિવસે દીકરાએ પોતાનું રૂપ બતાવ્યું હતું. ત્યારે તો મારે વચ્ચે પડવું પડ્યું હતું. મેં જ મારા પતિદેવને કહ્યું હતુ કે “ભાઈ, થોડી શાંતિ રાખો. કોઇ પણ આડુ અવળું પગલું ભરશો તો હું જ પોલીસને બોલાવીશ. તમે જેની સાથે આ રીતે વર્તો છો એ પહેલાં એક સ્ત્રી છે પછી મારા સાસુ, અને કોઇ સ્ત્રી પરનો અત્યાચાર હું સહન નહી કરી લઉં. પોલીસની ધમકી પછી તેઓ કોઇ દિવસ ઉગ્ર ન થયા.

ત્યારે એક વાર બા બોલ્યા “આશા, સારું થયું તે દીકરો નથી જણ્યો.” પછીની હોળીમાં બાએ કહ્યું ” આશા, આજે મારે એકટાણું નથી.” હું એમનાં મનની વ્યથા સમજી શક્તી હતી એમની પાસે જઈને મેં એમને મારી છાતીથી વળગાળી લીધા અને મારી સાડી એમનાં આંસુથી ભીની થવા દીધી હતી. જ્યારે સાવ તેઓ મરણ પથારીએ હતા ત્યારે મને કહ્યું હતું, “આશા મારું ચાલે તો હું મારા દીકરાને અગ્નિદાહ દેવાનો હક્ક પણ ન આપું, પણ હું સમાજની વચ્ચે એની ક્યાં ઇજ્જત કાઢું આપણે સ્ત્રીઓ તો એમને માફી આપવા જ જન્મી છે ને. મે ફક્ત બાનો હાથ , હાથમાં લઈ લીધો પણ હકીકત એક એ પણ હતી કે કોઇનાં પણ દીકરાનાં લગ્નમાં હું જાવ ત્યારે આંખ તો મારી પણ ભીની થઈ જતી કે કાશ એક દીકરો હોત તો હું પણ ધુમેધામે વહુ લઈ આવત અને એ પારકી જણી ને બહુ જ સંભાળત અને આ વાતની નીલુને પણ ખબર હતી .
અમે એક બીજાને ખૂબ સારી રીતે ઓળખતા. એટલે જ તો એણે પોતાનાં દીકરાનાં લગ્નમાં બધી વિધિ વખતે મને આગળ પડતી રાખી હતી. કેટલી સરળ અને કેટલી પ્રેમાળ હતી નીલુ. પણ એની વહુ એટલી માથાભારે મળી કે ઘરમાં આખો દિવસ કંકાસ જ રહેતો. દીકરાની કાન ભંભેરણી કરીને મા દીકરાને દૂર કરી નાખ્યાં હતા. જ્યારે જ્યારે નીલુ આવીને રડતી મારો જીવ કપાઈ જતો હું એને કહેતી “મને એક વાર તારા દીકરા વહુ સાથે વાત કરવા દે જો કેવા સીધા દોર કરી નાંખુ છું” પણ તે કહેતી “ના આશા હજી સહન થાય છે તું બોલીશ તો કદાચ વધારે ઝગડા થાશે મારા નસીબ જવા દે ને.” થોડા વખત પહેલા એક પ્રંસંગમાં એનાં દીકરા વહુ ભેગા પણ થઈ ગયા હતા. આવીને વહુ પગે પણ લાગી અને નીલુનાં ઇશારાને કારણે કમને આશીર્વાદ પણ દેવા પડ્યાં હતા, મારાથી તો એમની સાથે વધારે બેસાણુ પણ નહી , કંઇક બોલાઇ જાય તો એ ડરે હું તો દૂર ચાલી ગઈ.

“ટ્રીન ટ્રીન ટ્રીન ટ્રીન”

આંખ ખોલીને જોયું તો સવારનાં ચાર વાગ્યાં હતા, આ કોણ આટલું વહેલું નવરુ છે ફોન કરવા, જરૂર રોંગ નંબર હશે, શું કામ લોકો હેરાન કરતા હશે ને?

એકલા એકલા ગુસ્સે થઈને મેં ફોન ઉપાડ્યો, સામે છેડેથી નીલુનો અવાજ આવ્યોં “આશા જલ્દી આવ , પ્રિયા એ આત્મહત્યા કરી લીધી છે. આશા મને ડર લાગે છે કે પ્રિયા કંઇક મારા વિરુધ્ધ કઈક લખીને નહિ ગઈ હોય ને ખાલી મને હેરાન કરવા માટે, તુ જલ્દી આવ. આકાશ પણ અહિંયાં નથી. શું થાશે મને બીક લાગે છે તુ આવ જલ્દી. અને ફોન કટ થઈ ગયોં.

હું અવાચક થઈ ગઈ કે કોઇક્ને હેરાન કરવા માટે કોઇ પોતાને ખતમ કરી શકે.. જલ્દી જલ્દી મે કોફી પીધી અને હું નીલુનાં ઘરે જવા માટે નીકળી ગઈ . હજારો વિચારોએ મને ઘેરી લીધી હતી. સ્યુસાઈડનોટ માં શું લખ્યું હશે જો નીલુ વિષે કંઇક લખ્યું હશે તો? ના ના નીલુ તો પોતે જ કેટલી રડતી, નીલુ શું કોઇને હેરાન કરી શકવાની હતી. એક પાત્ર ખરાબ આવી જાય જિંદગીમાં બસ જિંદગીની સત્યાનાશી થઈ જાય. શું હશે? શું થાશે?ના વિચારોમાં અટવાતી અટવાતી હું નીલુનાં ઘર પાસે પહોંચી. ઘરમાં નીલુ એકલી જ હતી. એ મને પ્રિયાનાં રૂમમાં લઈ ગઈ. નિશ્ચેતન થઈને પ્રિયા પડી હતી, એને જોઇને એક વાર તો મને અરેરાટી થઈ ગઈ કે સાવ આણે તો પોતાને ખતમ કરી નાંખી. હવે પહેલું કામ હતુ કે સ્યુસાઈડ નોટ ગોતવાનું. ડ્રેસીંગ ટેબલ પર નજર પડી ત્યાં પરફ્યુમની બોટલ નીચે એક કાગળ વાળીને પડ્યો હતો. હાથ લગાવીશ તો તકલીફ કારણ આ તો પોલીસ કેસ હતો નીલુ પાસેથી ગ્લોવ્સ માંગ્યા અને પહેરીને કાગળ લઈને ખોલ્યો. નીલુ ધ્રૂજતી હતી કે શું લખ્યું હશે?
” મારા મૃત્યુ માટે હું કોઇને જવાબદાર નથી ગણતી. હું જ મારા વિચારોથી હેરાન થઈ ગઈ હતી. હું મા બનવાની હતી, પણ મારા બાળક્ને હું સંભાળી નહીં શકું એ ડર મને હતો . એટલે કોઇને હેરાન ન કરતા આ આત્મહત્યા હું મારી મરજી થી કરી રહી છું.”
પ્રિયા સચદેવ..

મારો અને નીલુનો શ્વાસ હેઠો બેઠો મારાથી બોલાઈ ગયું” પોતાનાં ઉપાડા પોતાને ભારી પડ્યાં”પણ મને આ પત્ર દ્વારા જ ખબર પડી કે એને બાળક થવાનું હતું મને દુખ થયું કે આ તો બે મોત થયા.
હવે કોઇ ચિંતા ન હતી, પાછો કાગળ એની જગ્યાએ મૂકી દીધો. અને સૌથી પહેલાં નીલુનાં દીકરાને ફોન કર્યોં પછી પડોસીને ઉઠાડ્યા પછી પોલીસ સ્ટેશને ફોન કર્યોં .

કાગળને આધારે પોલીસે પણ વધારે પૂછપરછ ના કરી. આકાશના આવ્યા પછી અગ્નિદાહ પણ દેવાય ગયો. એક વાર વિચાર આવ્યો કે નીલુ છુટી..

લગભગ ચાર પાંચ દિવસ પછી હું મારા ઘરે ટીવી જોતી બેઠી હતી ત્યાં ઘરની બેલ વાગી. આ સમયે મારા ઘરે કોણ હોઇ શકે, નીલુ આવે તો ફોન કરીને આવે. હું ઉભી થઈ જોયું તો દરવાજા પર પોસ્ટમેન હતો, મને એક કવર આપ્યું. મને પત્ર લખવાવાળું હજી કોઇ જીવતું છે એ વિચારીને મને અચરજ થયું. કવર લીધું, જોયું તો અક્ષર થોડાં જાણીતાં હતાં, પણ કોનાં? કવર ખોલીને જોયું તો લખ્યું હતું.

મારા અતિ પ્રિય આંટી

આંટી, હું પ્રિયા સચદેવ , તમારી નીલુની વહુ, આ પત્ર વાંચશો ત્યારે હું હયાત નહીં હોવ, મેં મારી રાહ પકડી લીધી હશે. પણ આંટી તમારી ગુનેગાર આખી જિંદગી રહું એ મને મંજુર નથી એટલે આ પત્ર લખું છું અને આશા રાખું છું કે તમે સમજી શકો છો કે મરતું માણસ પ્રભુની બીકે પણ જુઠ્ઠું ન બોલે. આંટી એક વાત કહો કેમ તમે કોઇ દિવસ મારા પક્ષે કેમ ન વિચાર્યું. તમે તો સત્ય માટે કોઇ પણ સાથે લડી લેતા. મેં તમારી બહુ રાહ જોઇ, પણ તમે મને કાંઇ ન પૂછ્યું અને તમારી નીલુ તો મને તમારાં સુધી પહોંચવા જ નહોતી દેતી.

આંટી હું ગરીબ ઘરની દીકરી છું. મારે નાની ત્રણ બહેનો છે. મારા પિતા પગારદાર માણસ છે. હું સૌથી મોટી, સાસરું સારું મળે એ લાલચે મને મારા પપ્પાએ આ ઘરમાં વળાવી દીધી જ્યારે અમને ખબર હતી કે આકાશને કોઢ નીકળવાનો શરુ થઈ ગયો હતો. તમારી નીલુ એટલે જ તો મારા જેવી ગરીબ ઘરની છોકરી લઈ આવી હતી. શરૂઆતમાં એ મા દીકરો મને માનસિક ત્રાસ આપતા, પણ હવે છેલ્લાં વર્ષથી મને શારીરિક ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો. એ પણ હું સહન કરી લેત, પણ મારા બાળકને હું આ ઘરમાં જન્મ ન આપી શકું એટલે મેં આ પગલું ભર્યું છે. આ પત્ર વાંચીને ફાડી નાંખજો. મારે કોઇને સજા નથી દેવડાવવી, સજા પોતે ઉપરવાળો આપશે. પણ એક વાત કહુ આંટી આવતા જન્મે તમે

મારી સાસુ બનજોને પ્લીઝ..

તમને અતિશય પ્રેમ કરવાવાળી પ્રિયા સચદેવ…અને હું ફસડાઇ પડી. આટલી મોટી ભૂલ મારાથી કેવી રીતે થઈ? એ બે મૃત્યુ માટે હું પોતાને પણ ગુનેગાર માનવા લાગી. આંખોનાં આંસું બંધ નહોતા થતા. મને ગભરામણ થતી હતી. મને પ્રિયાનો ચહેરો જ દેખાતો હતો, હું નીલુને ઓળખી ન શકી. શું થઈ ગયું મારાથી આ ? આખરે હું ઉભી થઈ મોઢું ધો્યું અને પોલીસસ્ટેશને જઈને એ પ્રિયાનો પત્ર જમા કરાવી આવી, થોડી જ વારમાં નીલુનો ફોન મારા મોબાઈલ પર આવવા લાગ્યો, મેં મોબાઇલને સ્વીચ ઓફ કરી નાંખ્યો…

લેખક : નીતા કોટેચા

સૌજન્ય : સ્ટોરી મિરર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment