“ઉપેક્ષિત વંશજ” – એક માતા-પિતાની લાગણીસભર વાર્તા… વાંચો અને શેર કરો..

32

સીમા બબડતી હતી.. હું મા થઇ તે જ મારો વાંકને? તારો મારા ઉદરે જન્મ થયા પછી સતત તું લાતો મારીને શુંય ગુસ્સો કાઢતો હતો તે ત્યારેય નહોતું સમજાયુ અને આજે પણ અબોલા તે શાના લીધા છે..મને તો સમજાતું નથી.

તારું ભલું ઇચ્છવું અને તારી ભુખ ભાંગવી તે સિવાય મેં કદી તારી પાસેથી કશુંય ઇચ્છ્યું નથી. અને આ જેનીફર સાથે તારા લગ્ન થયાને તને શું થઇ ગયું? મને ખબર નથી કે તારે માટે હું વસુકી ગયેલી ગાય કે જેના આંચલમાં હવે દુધ નથી તેમ સમજીને તેં મને તારી જિંદગીમાંથી હાંકી મુકી. પણ ભલા ભાઇ તું ભુલી ગયો કે ઘરડી ગાય પણ ઉત્સર્જનના રુપમાં ખાતર આપે છે. બે વરસે વીકનો તું બાપ થયો તેથી શું વીક તારા એકલાનો? મારા ફુલનાં ગોટા જેવા પૌત્રને જોઇને મને તારું બચપણ ફરી માણવાનાં કોડ ના થાય?

તારા પપ્પા તેમની સર્વ ઇચ્છાઓ મારીને જીવી શકે.. પણ ના મારાથી તેમ નથી થતું… હું તો મા છું ને? અને વીક તો મારા રુપિયાનું વ્યાજ…વળી એક લત્તામાં રહેવાનું અને તેને જોવા માટે મારે તારી અને જેનીફરની પરવાનગી લેવાની? લોહી તો ઉછાળા મારેજ ને!

બરોબર જ્યારે તું પાંચ વર્ષનો થયો હતો ત્યારે તને કેડબરી એક્લેર ચોકલેટ ખુબ જ ભાવતી.. અને ત્યાર પછી તારા પપ્પા ચોકલેટ્ના કાગળની તને સરસ નાની ઢિંગલી બનાવી આપતા તારો ચહેરો એ આનંદને માણતો અદભુત રીતે ખીલતો..જોકે આ હાસ્ય ઉંમરની સાથે વિલાતું ગયું તને સ્કુલે મોકલવામાં અને રીક્ષાવાળાનો સમય સાચવવા ઘણી વાર હું ઘાંટા પાડું તે તને ના ગમે..તારે તો છબછબીયા કરીને ફુવારા નીચે નહાવું હોય.. પણ તેમ કંઇ ચાલે?

હવે તો તું પણ બાપ બન્યો છુંને? મારી તારા માટેની ચિંતા હવે સમજી શકતો હોઇશ… ક્યારેક સુંદર ભવિષ્યના કાજે આજના કેટલાંક સુખોને ત્યાજવા પડેને? મને ખબર છે તને યુનિફોર્મ પહેરવો ગમતો જ નહીં…તને રીક્ષામાં બેસીને સ્કુલે જવું ગમતુ નહીં તને ડોલી ટીચર ગમતી પણ તેમનું હોમવર્ક કરતા કરતા તું થાકી જતો…વીડીયોગેમ તને ખુબ જ ગમે પણ પપ્પા તેમનું લાખ રુપિયાનું બીઝનેસ કોમ્પ્યુટર પર તે રમવા માટે એક કલાક આપતા તે તને ન ગમતું.. તેથી હું તારો પક્ષ લઇને વધુ સમય રમવા કહેતી ત્યારે પણ પપ્પા કહેતા કે તેને કોમ્પ્યુટર રમવા માટે નહીં પણ ભણવા માટે આપ.. જો તે કંઇક તેની ઉપયોગીતા શીખે તો..

આવતી કાલ તો આ નાનકડું રમકડું દુનિયાભરની સારી અને નરસી વાતો શીખવાડશે…તારા બાપા સાચા હતા..તું કોમ્પ્યુટર ઉપર ડેટાબેઝ અને વીડો શીખતો..સ્કુલના પ્રોજેક્ટ કરતો અને બીજા છોકરાઓ જેમને ઘરે કોમ્પ્યુટર ના હોય તેમની પાસે કોમ્પ્યુટરની જુદી જુદી વાતો કરી રુઆબ મારતો. વળી અમેરિકાથી લેગો રમત લૈને પપ્પા આવ્યા પછીતો તારું બહાર સોસાયટીમાં રમવાનું ઘટી ગયું..સ્કુલેથી આવી બા પાસેથી ભાખરી અને ગોળનો લાડુ ખાઇને લેગોના રમકડા રમતો રમતો ક્યારેય સુઇ જાય તે ખબર ના પડતી..

હું પપ્પા સાથે ઓફીસેથી આવું ત્યાં સુધીમાંતો તારા બે ચાર રમકડા અને તે કેવી રીતે બનાવ્યાની વાતો કે પેલા તેનાથી બે વર્ષ મોટા તારક સાથે શું શીખ્યો અને તેને શું શીખવાડ્યાની વાતો કરે અને રાતનું દુધ પીને સુઇ જાય.

તને શું કહું? અંશ મારે માટે તે પંદર મિનિટ આખા દિવસનો થાક ઉતારવા પુરતી હતી..અને ક્યારેક આ પંદર મિનિટના ક્વોલીટી ટાઇમ માટે તારી મોટીબેન નીરા પણ થનગનતી…ટ્યુશન્માં હોમવર્ક થયું કે નહીં તે ચકાસણી કરીને પપ્પા રાત્રે બેડરૂમમાં આવે ત્યાં સુધીમાં તું થાક્યો પાક્યો સુઇ જાય..

આજેય હું તારી પાસે એ મારો ક્વોલીટી ટાઇમ માંગુ છું..આપી શકીશ? મારે વીક સાથે પણ તેની કાલી ઘેલી વાતો સાંભળવી છે.. તેમ કરીને તારું બચપણ માણવું છે.

તને મોટો કરતા રહી ગયેલું વહાલ વીકને જોઇને હૈયે ઉછાળા મારે ત્યારે આ મા શું કરે..?

હા ભાઇ હા તે તારું સંતાન પણ મારે તો સંતાનનું સંતાન..બે માનું વહાલ તેને મળતુ હોય ત્યાં તેને એક માનું વહાલ જ કેમ આપવાનું?

તારા પપ્પા બહુ સમજે અને સમજાવે કે તારો પણ અંશ માટેનો માલીકી ભાવ કેવો જલદ હતો? તેવો જેનીફરને ના હોય? પણ મેં તો મારા સાસુને ક્યારેય રોક્યા નહોતા…હા જો કે તેમણે કદી મને ઉભરે છે તેવું વહાલ બતાવ્યું પણ નહોંતુ…

નીરાની શ્રાવણી મળવા આવે ત્યારે જે વહાલ મને ઉભરાતું તે જ વહાલ મને વીક માટે ઉભરાય છે..મને ક્યારેય શ્રાવણીમાં “જમાઇનો છોકરો” દેખાતો નથી ત્યારે તું કેમ એમ વિચારે છે કે વીકમાં મને વહુનો છોકરો દેખાશે હેં?

તારા પપ્પા મને તારા માટે મને આર્દ્ર થતી જુએ ત્યારે કહે..”પ્રભુનો ન્યાય સરખો.. તને વીક નથી મળતો પણ શ્રાવણી તો મળે છેને?” મારું કકલતું હૈયુ મને એમ જ કહે.. મને તો બંને જોઇએ.. બંનેમાં મને મારું લોહી દેખાય છે.

તને યાદ છે અંશ તને નાની ઉંમર ચશ્મા આવ્યા હતા ત્યારે બાએ કહ્યું હતું કે લીલા ધાણાનાં પાંદડાનો અર્ક નાખો તે બે મહીના તો જાણે મારે માટે એક મુખ્ય કામ બની ગયું હતું.. ધાણાચૂંટીને લાવવાના.. તેના પાંદડા છુટા પાડવાના આને એક ચમચી રસ કાઢી તારી બંન્ને આંખોમાં નાખવાના દિવસમાં ત્રણ ત્રણ વાર…તું પણ ડાહ્યો ડમરો થઇને આંખમાં ચચરે છતા નંખાવતો.. તને ખબર કે મમ્મી એ ધાર્યું છે તો ચશમા ઉતારીને જ ઝંપશે…

ચશ્મા તો ગયા પણ ઓફીસનું કામ બહુ ચઢી ગયું તેથી હવે પેલો ક્વોલીટી ટાઇમ મોટી બેનને ભાગે જતો..બા કહે પણ ખરા સીમા તારી ખોટ નીરા પુરી પાડે છે….ત્યારે બાને હું કહું પણ ખરી કે મારે કામ નથી કરવું.. ત્યારે હસતા હસતા બા બોલે કે અંશને આ મોંઘી દાટ સગવડો અને કોમ્પ્યુટરો એમને એમ ઓછા અપાય છે.. બંને તેમના ભવિષ્ય માટે તો મહેનત કરો છોને?

નીરાનું મોપેડ આવ્યુ ત્યારે તો તને તારી સાયકલ અકારી લાગતી હતી તેથી છ જ મહીનામાં નીરાને સ્કુટી અને તને નીરાનું મોપેડ મળ્યુ ત્યારે થોડા દિવસ તો બધુ બરોબર ચાલ્યું અને એક દિવસ મોપેડને બદલે સ્કુટરની જીદ શરુ થઇ.

મા તરીકે હું બરોબર કુચવાતી.. મને થતું ક્યાંક અકસ્માત કરીને હાથપગ તોડીને ઘરે આવશે તો?

વળી દસમું ધોરણ..ફી મોંઘી..ટ્યુશનના ખર્ચા પણ ભારે તેથી નવો હાથી પાળવાનો ના પણ પરવડે…હાથ ભીડમાં આવશે તો કેમ ચાલશે? નીરા બારમીમાં તેને મેડીકલમાં જવાનું તેથી તેની સ્કુટીને તો અડાય જ નહીં.

પછી ખબર પડી કે ભાઇ તારી જિંદગીમાં જેની આવી ગઇ હતી અને મોપેડ પર ફરવામાં ભાઇને નાનમ આવતી હતી..એટલે લોન ઉપર બાઇક આવી.. તેના પેટ્રોલનું ભારેખમ ખર્ચ ચાલુ થયું અને તારા પપ્પાએ બે જોબ ચાલુ કરી જ્યારે મારા ઓવર ટાઇમ શરુ થયા ભાઇ!

મને આજે તો ખરેખર જ લાગી આવ્યું જ્યારે તેં મને એવું કહ્યું કે તું તો ઉપેક્ષિત વંશજ હતો..

ના મારા રાજ્જા બેટા.. તું ઉપેક્ષિત નહોતો.. તારા મોટા મોટા સ્વપ્નોને ના પાડી તારી નજરથી નીચે અમારે નહોતુ ઉતરવું.. તેથી અમારો શોખ અમારી લાગણીઓને ખાળીને તમારા ભવિષ્ય માટે અમે કટીબધ્ધ થયા હતા.

આજે તમે જ્યાં છો ત્યાં અમારા પસીનાની તમને ગંધ નથી આવતી..મારા પાછા ઠેલેલા સ્વપ્ના નથી દેખાતા તે તો દુઃખનું કારણ છે. અમે જે કર્યુ તે કહી બતાવવાની વાત નથી..વાત છે તમને ભણાવતા ભણાવતા અમને પડેલા હાથમાં છાલાની અવેજમાં હું ફક્ત વીક સાથે રહેવા થોડોક સમય માંગુ તો તે આપવામાં આટલો ખચકાટ શો?

પપ્પા તો કહે માની લે ને કે અંશ તારા ગામમાં નથી રહેતો..અને શ્રાવણી મળે તો છે ને?

મા છું ને? શ્રાવણીમાં મને નીરા દેખાય.. અંશ ક્યાંથી દેખાય?

સૌજન્ય : સ્ટોરી મિરર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment