આબરૂ ને વાસ્‍તે… – શું આબરૂ એ પોતાના સંતાન કરતા પણ વ્હાલી હોઈ શકે? ના તો વાંચો આ અદ્ભુત વાર્તા…

70
small-story-aabaru-ne-vaste

આબરૂ ને વાસ્‍તે...

રાત કાળી નાગણની જેમ સમયના પટ ઉપર સરકી રહી હતી. હવામાં કોઇ ગેબી ઓથાર ઝળૂંબી રહ્યો હતો. અજગરના ભરડા જેવી નિંદર ભરડો લઇ ગઇ હતી. એ ટાણે એક ઘોડી તબકચીક તબડચીક કરતા ગામને પાદર થતી કને સીધી એક ડેલે જઇને ઉભી રહી ગઇ. અસવારે ઠેકડો માર્યો અને ડેલે ઝૂલી રહેલી સાંકળ ખખડાવી. અંદર જાગતી આંખે છત તાકી રહેલા પતુભાને જોકે પહેલા તો થયું કે ભ્રમ ! પણ ઉપરા ઉપર ચાર પાંચ વાર સાંકળ ખખડી ઉઠી એ હજી બહાર આવે એ પહેલા એક ઘાંટો પણ સંભળાયોઃ ‘ એલા, તને કહુ છું.. ડેલો ખોલને? ‘ પતુભા એ અવાજ ઓળખી ગયા અને ડેલે આવીને કોણ ઉભુ છે એ પણ ખબર પડી ગઇ. એમનું કાળજુ સ્‍હેજ કંપ્‍યુ. કાયા ધ્રુજી પણ ડેલો ખોલવા જવુ પડે એમ હતુ. એ ધીરે ધીરે ઉભા થઇને ઠકરાણાવાળા ઓરડે પહોંચ્‍યા ધીરે‘કથી એ બારણાં બંધ કર્યા. એમને ખબર હતી કે જે આવતલ જે એ ઘરમાં આવે અને જે બઘડાટી બોલે એ ઠકરાણાં સાંભળે એની કરતા બહેતર છે કે ‘રાણીવાસ‘ ના મુખ્‍ય દરવાજા જ બહારથી બંધ કરી દેવા !
બારણા બંધ કરીને હળવે‘ક થી ડેલો ઉઘાડ્યો. તો, સામે કાળઝાળ વીરૂ ઉભો હતો. પતુભા પગથી માથા લગી વીરૂને તાકી રહ્યા. વીરૂએ પતુભાની છાતી ઉપર તમંચાની નાળ મૂકીને ઝાળઝાળ ક્રોધથી બોલ્‍યોઃ ‘‘ મારી બહેન કયાં છે ? ‘‘

‘‘ મને ખબર નથી ‘‘

‘‘ ખબર નથી ? ‘‘ વીરૂની આંખમાંથી જવાળાઓ જાણે પ્રગટીઃ ‘‘ તારો જ દીકરો મારી બહેનને ઉપાડી ગયો, અને તને ખબર નથી ? નરાતાળ ખોટો. નરાતાળ ખોટો છે તું !‘‘

‘‘ અરે પણ મને ખબર જ નથી તો પછી- ‘‘ પતુભાએ ધીરજ ધરીને કહ્યુઃ ‘‘ તારી બહેનનું ધ્‍યાન રાખીને બેસવુ એ મરા સંસ્‍કારની બહાર છે. વીરૂ, કળજુગ એવો આવી ગયો છે કે સૌ કોઇ એ બહાર ડાફોળિયા મરવા એના કરતા બે ઘડી ઘરે જંપ વાળીને બેસશે તો રહી સહી આબરૂ ટકી જાશે. સમો ખરાબ છે વીરૂ ! માણસ નથી. અને રહી વાત તારી બહેનની ! તો મને થોડી ખબર હોય કે તારી બહેન કયાં હોય ? ‘‘

‘‘ હરામી.. નીચ… નાલાયક… તુ ક્ષત્રી છે ? તારો દીકરો મારી બહેનને ઉપાડી ગયો છે અને તું પાછો સંત જેી વાતો કરે છે ? નકટા, સાચું બોલીજા નહિંતર આ જ તમંચો તારો કાળ બની જશે. ‘‘

‘‘ જો એમ કરવાથી તારી બહેન તને મળી જતી હોય તો મને મારી નાખ. પણ મને મારી નાખતા પહેલા, મારી નાખવાની પરવાનગી તારા બાપુ પાસેથી તેં લીધી છે ? એલા, મને મારી નાખવાથી મરી પાછળ બીજા એકસો એકવીસ માથા ઉભા થશે વીરૂ ! ‘‘ પતુભા અટક્યાઃ ‘‘વ્‍યવહારની વાત વ્‍યવહારની રીતે થાય, એમાં બે ય પક્ષે મજા છે. છતા તને એમ જ લાગતું હોય કે મને મારી જ નાખવો છે, તો દબાવ તારા તમંચાનો ઘોડો પણ એટલું યાદ રાખજે કે મારું મોત એ તમારા જીવતરમાં પડેલી વસમી ખોટ હશે. અને મરા મોત પછી જે વાત જમીનમાં દટાઇ ગઇ, એ વાતનું હાડપિંજર પણ પ્‍ને કયારેય હાથમાં નહીં આવે…‘‘

વીરૂ તણખી ઉઠ્યોઃ ‘‘ તારી જેવો પેટ મેલો માણસ મેં અત્‍યાર સુધીની જીંદગીમાં કયાંય ન જોયો. તારા દીકરાના ચરિતર જોતા તો મને એવું લાગે છે કે તારી જુવાનીમાં કરેલા કાળા કામોનો પડછાંયો જ તારા લોહીના બૂંદમાં દેખાય છે. પછી ચાહે એ બૂંદથી દીકરો બને, કે દીકરી… આજે તારી દીકરીને કોઇ ઉપાડી જાય તો ખબર પડે.. કે આબરૂ એટલે શું ? પણ તારે તો કયાં આબરૂ છે જ ? ‘‘

પતુભા શાંત રહ્યા. મનમાં આવેલો ઉભરો દબાવી દીધો.

એટલે વીરૂએ ઘોડી ઉપર પલાણ નાખતા કહ્યુઃ ‘‘ એક વાત સાંભળી લે, આવતી કાલે સાંજ સુધીમાં મારી બહેનને હાજર નહીં કર તો હું આખા ખાનદાનને ઉડાડી દઇશ…‘‘ કરતો બકડદમ બકડદમ કરતો ભાગી નીકળ્યો.
બીજે દિવસે દિવસ ઉગ્‍યે જ પતુભા ઘોડી લઇને બાજુના ગામ રાણાગઢ જવા નીકળ્યા. એમની તાજણના ડાબલાનો અવાજ રસ્‍તે ઉભેલી સીમના તૃણ તૃણ ને સંચિત કરતો હતો. પતુભાના માનસ પટ ઉપર એક પછી એક ઘટના ચાકડે ચડીને જુદા જુદા આકાર લઇ રહી હતી.

એકવાર તેઓ સીતાપુરથી આવતા હતા ત્‍યારે વગડા વચ્‍ચે આવતા પ્રગટેશ્વર મહાદેવના મંદિરે પોરો ખાવા રોકાઇ ગયા. વખુંભર વિસ્‍તરીને વડવાઇનાય ઝીણાઝીણા વડ બની ગયેલા વડલાના ટાઢા બોળ છાંયડે જંપ્‍યા હતા ત્‍યાં જ પડખેના પૂજારી માટે વરસો પહેલા બનાવેલી ઓરડી અને હવે બની ચૂકેલા ખંડેરમાંથી ઝાંઝરીનો ઝણકાર સંભળાયો તેમના સરવા કાન ચમકયા !

પહેલા તો થયું કે ભ્રમ ! પણ ઝાંઝરી તો હવે પળે પળે બોલી રહી હતી. તેમને થયું કે ભૂત બૂત તો નથી ને ? પણ પછી પોતે જ પોતાની મૂર્ખામી ઉપર હસી પડ્યા. એ ઉભા થયા અને બિલ્‍લી પગે જઇને ભીંતડાની તડમાંથી ઝાંકીને જોયું તો પાછળાકરાની ઓથે એક નવયૌવના ઉભી હતી.

પતુભા તેને જોઇ જ રહ્યાઃ ઓહો ! આટલુ રૂપ ?

નમણી મ્‍હોંફાડ, ગાલમાં પડતા ખંજન, ઘૂંઘરાળાવાળ કમર સધી પહોંચતો કેશકલાપ, કાંડે કંકણોની હાર, માથામાં લીલા-પીળા ફીત, બે નેણ વચ્‍ચે ચિપકાવેલી મરૂન રંગની બિંદી ! કોઇ રાજવંશી રૂપ હતું કે ખંડેરમાં શરદ ઋતુની પૂનમ ઉતરી આવી હતી ? પતુભાએ કન્‍યાને નિરાંતે જોવા ખંડેરની ઓંસરી ચડ્યા. પણ ત્‍યાં જ તેમના પગરવની આહટ સાંભળીને પેલી કન્‍યા ચમકી અને પતુભાને જોઇ ગઇ. પતુભાની નજર સાથે ટકરાઇને તેની નજર પાછી પડી ગઇ, ડરની એક કંપારી તેના કોમળ દેહમાં ફરી વળી. તેના મસર્ણ ગાલ ઉપર લજજા અને શરમ ફરી વળી.
પતુભા હવે ખંડેરની અંદર પ્રવેશ્‍યા અને તેની તરફ ચાલ્‍યા. પળ બે પળ તેને તાકી રહ્યા પછી પૂછ્યુઃ ‘‘ બેટા, તુ કોની દીકરી છો ? તારા બાપનું નામ શું છે ? અને અહીં શું કામ આવી છો ? આવા ભેંકાર વગડામાં એકાંત ખંડેરમાં ? ‘‘
છોકરીના મોગરાની કળી જેવા હોઠોમાંથી ફૂલ ખર્યાઃ ‘‘ હું રાણાગઢના ફતેસિંહની દીકરી છું અને રાજલ મારૂ નામ છે ! ‘‘
અને પછી તે અટકી ગઇ.

‘‘રાણાગઢના ફતેસિંહની દીકરી એટલેકે તું ક્ષત્રિય જ છો ? ‘‘

‘‘ હા ‘‘ તેની પાંપણો ઢળી ગઇ. અજાણયા ડરથી !!

‘‘ ઠીક છે ! ‘‘ પતુભાએ પેલો પ્રશ્ન પુનઃ દોહરાવ્‍યોઃ ‘‘ પણ તું અહીં ઉભી ઉભી કોની રાહ જુએ છે ? ‘‘
પરંતુ રાજલ એ પ્રશ્નનો જવાબ આપે એ પહેલા જ અચાનક આ વાતથી બે ખબર, નદીની ભેખડ ચડીને દોડી આવતો વિક્રમનો અવાજ આવ્‍યોઃ ‘‘ રાજલ….‘‘
પતુભા ચોંકી ગયાઃ વિક્રમ ? પોતાનો દીકરો ? પંડ્યનું લોહી ? અહીં ? અને આ અણજાણ કન્‍યા…

ખંડેરમાં આવી પહોંચેલા વિક્રમ દિગ્‍મૂઢ થઇને ઉભો હતો અને આ તરફ પતુભા સજજડ થઇને ! પણ વળતી જ પળે પતુભા કશું ય બોલ્‍યા વગર નીકળી ગયા. એ સાંજે વિક્રમ ઘરે આવ્‍યો ત્‍યારે પતુભાએ તેને બોલાવ્‍યો. વિક્રમની નજર જમીન ખોતરતી હતી. પતુભા બોલ્‍યાઃ ‘‘વિક્રમ, આ હું શું જોઇ રહ્યો છુ, મારું જ લોહી ઉઠીને ? ‘‘

‘‘ હા બાપુ ! હું રાજલને ચાહુ છું એ પણ ક્ષત્રિય છે, તમે મારું માગુ નાખો ‘‘

‘‘ ઠીક છે, તારું સુખ એ જ મારૂ સુખ. હું કાલે જ જઇશ. પણ એક વાત હવે પછી તમે મળવા ન જોઇએ, નહિંતર પછી ખેર નથી.‘‘

બીજે દિવસે પતુભા ગયા. પણ આંગણામાં જઇને જોયું તો આ શું ? વર્ષો પહેલા જ પોતાની માનેલી ધરમની બહેન ! એ ફતેસિંહની પત્‍ની છે. અને એ ઘટના યાદ આવી ગઇઃ બસ આમ જ, માંડવગઢનો મેળો માણવા પોતે ગયેલા ને અચાનક હીરૂબાની કોઇએ છેડતી કરી. પતુભા ના રજવાડીલોહીથી સહન ન થયુ અને પેલા ચાર સામે તૂટી પડ્યા, એકલો ચારને ભારે પડ્યો. હીરૂબાની આબરૂ અખંડ રહી ગઇ. તે દિવસે હીરૂએ રાખડી બાંધીને પતુને પોતાનો ભાઇ બનાવ્‍યો જયાં સુધી હીરૂ કુંવારી હતી ત્‍યાં સુધી દર મળેવે પતુ રાખડી બંધાવવા આવતો પણ સાસરે ગયા પછી એ પરંપરા તુટી. કેમ કે ગમે એવો હોય પણ પતિ પુરૂષ હતો. રખેને કાંઇક ઉંધુચતુ સમજી બેસે.. આજે એ જબહેન સામે આવીને ઉભી રહી હતી ! એ ખબર ન પડે એમ પાછા વળી ગયા. આવ્‍યા હતા તો હોંશભર્યા હૈયે દીકરાનું માગુ નાખવા પણ કાળજા ના અરમાન ઉપર મણ એક નો પથ્‍થરો મૂકીને નીકળી જવુ પડ્યું. ગમે એમ તોય હીરૂબાની દીકરી એટલે પોતાની ભાણેજ ! સબંધને આડે ‘ધરમ‘ આવી જતો હતો. એક મર્યાદા રૂપી ઉંબરો આડો હતો, જેને ઓળંગી શકાય એમ નહોતુ.
આજ ફરી એકવાર રાણાગઢનો મારગ લીધો પતુભાએ ! બપોરનો સૂરજ અગન વરસાવતો હતો. સીમ સ્‍તબ્‍ધ હતી.

ઝાડવું-પાંદડું બળબળતા તાપથી બેચેન થઇ ઉઠ્યુહતુ. રસ્‍તો વેરાન હતો.

રાણાગઢપહોંચીનેપતુભાએફતેસિંહનોડેલોખખડાવ્‍યો. ફતેસિંહ બહાર આવ્‍યો.

‘ ફતેસિંહ… ‘‘ પતુભા એ ઓળખાણ આપી ‘‘ હું પતુભા..‘‘

‘‘ હા,.. જેનું આખુ કૂળ છિનાળવુ હોય એ કૂળના બૂંદને કોણ ન ઓળખે ? પાછળ ઉભેલો વિરૂ આગળ આવતા બોલ્‍યોઃ ‘બાપુ, આ એ જ ચંડાળ છે જેનો દિકરો રાજલને ભગાડીને નાસી ગયો છે. ‘‘

‘‘ હા, હું એ જ વઅત કહેવા માટે આવ્‍યો છું. હાલો થઇ જાવ સાબદા ! સાગવન ની પેલે પારસપ્‍તેશ્વરની ગાળી વીંધી મોદળિયાની ધાર સુધી આવવાનુ છે !! કહી ઘોડીને એડી મારી. વાજોવાજ ઉભડક હૈયે ફતેસિંહ અને વિહવળ હૈયે વીરૂ ચાલી નીકળ્યા. દોઢ કલાકને અંતે સપ્‍તેશ્વરની ઉંડી કાલકરાલગાળીઓની ભેખડને ટપતાં ટપતાં મોદળિયાની પર્વતમાળા સુધી આવી પહોંચ્‍યા.

‘‘ ઘોડા અહીં જ મૂકી દો. ડુંગરો ચડવો પડશે ‘‘ કહેતા પતુભા ડુંગરો ચડવા માંડ્યા.
બિકાળવું વાતાવરણ, એકાંત અને ખીણની ધારોધાર…

ડુંગરો ચાડીને ટોચે ચડેલા પતુભાએ વીરૂને ઉદ્દેશીને કહ્યુઃ ‘ભાણુંભા ! હવે તારી બેનને ભાળ આપુ છું વાવડ સાંભળી શકીશ ને ? ‘‘

વીરૂ હેબતાઇ ગયો. ફતેસિંહ પણ ચમકી ઉઠ્યા.

‘‘ હા વીરૂ, સબંધે તો તુ મારો ભાણેજ થાય છે. કુવારા હીરૂબાની લૂંટાતી આબરૂ એક વખત મેં બચાવી હતી. તે દિ‘ હીરૂબાએ મને ધરમનો ભાઇ કર્યો હતો. મારા દીકરા વિક્રમ અને રાજલને મે સાત કોશિયાના વીડીમાં આવેલ પ્રગટેશ્વર મંદિરના ખંડેરમાં જોયા હતા. હું એને મળ્યો એણે ફતેસિંહની દીકરી હોવાની ઓળખ આપી. પોતે ક્ષત્રિય છે એ જાણીને મને ધરપત થઇ. હું મારા દીકરાના એકરારથી અને લાગણી ભરી માંગણીથી તમારે ત્‍યાં માગુ નાખવા આવ્‍યો પણ ફળિયામાં પગ મૂકતા જ ચોંક્યો. કેમ કે મારી બહેનને ત્‍યાં જોઇ અને રાજલ તો હીરૂબાની દીકરી હોવાની પ્રતતિતિ થઇ. એટલે રાજલ મારી ભાણેજ હતી. હું મૂંગા મોઢે નિઃશબ્‍દ બનીને પાછો વળી ગયો. આ વાત કહેવા માટે રાજલને વિક્રમ દ્વારા ફરીવાર પ્રગટેશ્વર બોલાવી અને એમને સઘળી વાત કરીને કહ્યુ કે આ સબંધ ન થઇ શકે… પણ તેઓ એકબીજાની પ્રીતમાં ઘાયલ હતા. ગળાડૂબ હતા અને જીદ ઉપર આવીને અટકયા હતા. મં કહ્યુ કે મહેરબાની કરીને આ પ્રીત અહીં જ દફનાવી દો પણ બન્‍ને અડગ હતા. અટલ હતા. મે સમજાવ્‍યા પણ મારી વાત માનવા જ તૈયાર નહોતા છેલ્‍લે તો એમણે એમ કહ્યુ કે, અમારા લગ્‍ન નહી થાય તો અમે બીજા મલકમાં ભાગી જઇશુ. … પણ એ મને મંજુર નહોતું કેમ કે સગા ધરમના ભાઇ બહેન પતિ પત્‍ની બનવાથી ધરમનો લોપ થતો હતો. એટલે કાળજા ઉપર પાણો મૂકીને મે રસ્‍તો કાઢ્યો.
લગ્‍ન કરાવવાને બહાને અહીં સુધી લાવ્‍યો. આ તરફ સતીમાતાનું પૂરાતન મંદિર અને આ તરફ અગાધ ઉંડી ખીણ… મે પોતે જ બન્‍નેને અહીંથી જ ધકકો મારી દીધો હતો. …

પતુભાનો અવાજ તૂટ્યોઃ આ ગુલાબી ઓઢણુ અને સફેદ પાનેતર રાજલનું… અને આ મારા કંધોતર દીકરા વિક્રમનું અચકન… ! આ તેમની નિશાની.. ફતેસિંહ … વીરૂ… મને માફ કરજો પણ આબરૂ બચાવવા આ સિવાય કોઇ જ છૂટકો નહોતો…
ફતેસિંહ ભીની પાંપણોએ ખીણમાં તાકી રહ્યોઃ વરસો પહેલા એક સાત વરસની દીકરીના જુવાન બાપની હત્‍યા ના ગુન્‍હા સબબ વીસ વરસની જનમટીપ કાપી રહેલો ફતેસિંહ પેરોલના પંદર દિવસ પૂરતો છૂટયો તયારે જોબનમાં પ્રવેશી ચૂકેલી દીકરીએ કહેલા શબ્‍દો યાદ આવી ગયાઃ ‘‘ બાપુ, કન્‍યાદાન દેવા અવાય કે ન અવાય તમારાથી, પણ મારી વિદાય ટાણે તો ઘડી – બે ઘડી આવજો‘‘ આજે કુમકુમ પગલી પાડતી પોતાની નાનકડી ઢીંગલીશી દીકરી ‘‘ સાચ્‍ચે જ બાપુ… મારું વેણ તમે પાળ્યું. મારી વિદાય ટાણે તમે ખરેખર આવી ગયા વચન નિભાવીને !!

લેખક : યોગેશ પંડ્યા

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment