દોસ્તી, દુઃખ અને પ્રેમ – એક છોકરો અને એક છોકરી ક્યારેય મિત્ર ના બની શકે એ વાતને ખોટી પાડતી વાર્તા…

74
small-story-dosti-dukha-ane-prem

“દોસ્તી, દુઃખ અને પ્રેમ”

કાવ્યા અને શિવમ! બંને એકબીજાના એકદમ પાક્કા દોસ્ત. વિજાતીય વ્યક્તિઓ ક્યારેય મિત્રો ન હોઈ શકે એ દાવાને ખોટી પાડે એવી એમની મિત્રતા. કોલેજમાં બીજા લોકો એમના વિષે વાતો ઉડાડતા કે બંને વચ્ચે કંઈક જરૂર ચાલે છે. પણ એ બંને પોતાની મસ્તીમાં જ આ બધી વાતોને ગંભીરતાથી ક્યારેય લેતા નહી. શિવમ એક સામાન્ય પરિવારમાંથી આવતો. પોતાની મહેનતથી પોતાના મમ્મી પપ્પાનું જીવન બદલી કાઢવાનું સપનું એ ખુલ્લી આંખે રોજ જોતો. કાવ્યા એ જ શહેરની ઉચ્ચ મધ્યમ વર્ગની છોકરી હતી જે ભારતમાં ભણીગણીને વિદેશ સેટલ થવાના સપના સેવતી હતી.
પરીક્ષાની તૈયારીથી લઈને પાસ થયાની પાર્ટી, બધું જ તેઓ સાથે કરતા. શિવમ કાવ્યા કરતા વધારે હોશિયાર હતો એટલે કાવ્યાને ગમે તે વિષયમાં મદદ જોઈએ તો તે બંને બેજીજક એકમેકના ઘરે રાતવાસો કરી લેતા હતા. એ બંનેના પરીવારોને પણ બંનેની ગાઢ મિત્રતા વિષે ખબર હતી. મસ્તી મસ્તીમાં સ્પર્શ કરવા સિવાય શિવમ ક્યારેય કાવ્યાને સ્પર્શતો નહતો જેના કારણે જ કાવ્યા શિવમ સાથે પોતાને સલામત અને એની મિત્રતા માટે પોતાને ખુશનસીબ માનતી હતી.
કાવ્યા દેખાવે સુંદર હોવાના લીધે કોલેજના ઘણા બધા છોકરાઓ એની સાથે પ્રેમ સંબંધ બાંધવા માટે આતુર રહેતા. પણ શિવમના હંમેશા એની આસપાસ રહેવાના લીધે એ બધા છેટા રહેતા. પરંતુ એમની જ બેચનો એક અમીર ઘરનો છોકરો કાવ્યાને પોતાના મનમંદિરની દેવી બનાવીને બેઠો હતો જેનું નામ હતું ‘અભય’. અભય એટલે શહેરના સૌથી ધનાઢ્ય એવા દોશી પરિવારનો લાડકો દીકરો. કોલેજમાં એના ચમચાઓ દ્વારા એના માનપાન અને ખુશામતખોરીનો કોઈ તોટો નહતો.

અભયના મનમાં કાવ્યા ઘર કરી ગઈ હતી. એણે કાવ્યા સુધી પહોચવા માટે ઘણા પેંતરા અજમાવી જોયા પણ શિવમ એની અસલિયતથી વાકેફ હોવાના લીધે એણે એનો એકપણ પેંતરો સફળ થવા દીધો નહતો.

એકવાર કોલેજના એન્યુઅલ ડેના દિવસે શિવમ કોલેજના ગાર્ડનમાં મશગુલ થઈને શેક્સપિયરની નવલકથા વાંચી રહ્યો હતો. અચાનક કાવ્યાએ પાછળથી બિલ્લીપગે આવીને શિવમની આંખો પર પોતાના બંને હાથ મૂકી દીધા. કાવ્યાના કોમળ હાથોને પોતાના હાથ વડે હટાવવા માટે એણે બંને હાથોથી કાવ્યાના કાંડા અને હથેળીને જોડતો ભાગ પકડ્યો. આ વખતે શિવમે કશુક જુદું જ અનુભવ્યું. કાવ્યા એ છાંટેલા અત્તરથી જાણે આખો બગીચો મઘમઘી ઉઠ્યો હતો.
કાવ્યાએ વધારે જોરથી પોતાની હથેળી શિવમની આંખો પર દબાવી. શિવમે, “મને ખબર છે કાવ્યા તું જ છે, ખોટી

મહેનત ના કરીશ”, એમ કહીને એના હાથ છોડાવ્યા અને પાછળ ફરીને જોયું તો કાવ્યા રેડ કલરની શિફોન સિલ્કની સાડીમાં જાણે સ્વર્ગની અપ્સરા લાગી રહી હતી. અત્યાર સુધીના જીવનમાં પહેલી વાર કાવ્યાએ એન્યુઅલ ડેના કાર્યક્રમ માટે સાડી પહેરી હતી. શિવમે કાવ્યાને આ રૂપમાં પહેલી વાર જ જોઈ હતી.
શેકસપિયરની લવ સ્ટોરીવાળી નવલકથા, પોતાના હાથમાં કાવ્યાના હાથ, કાવ્યાના અત્તરની સ્મેલ અને સામે ઉભેલી સાક્ષાત અપ્સરા જેવી કાવ્યા, આ બધાયના સંગમે શિવમના મનમાં કાવ્યા માટે પ્રેમના બીજ રોપી દીધા.

કાવ્યા અહી શિવમને મળવા આવી એ પહેલા જ અભય આ એન્યુઅલ ડે પર કાવ્યાને જાતે જ પ્રપોઝ કરવાનું નક્કી કરી ચુક્યો હતો. એન્યુઅલ ડે જેવો પૂરો થયો અને કાવ્યાનું ફંકશન પણ પૂરું થયું ત્યારે કાવ્યા શિવમને કોલેજના મેઈન ગેટ પર મળવાનું કહીને વોશરૂમ તરફ ગઈ. વોશરૂમમાંથી બહાર આવી તો ત્યાં અભય એક હાથ પાછળ રાખીને એક હાથ વડે પોતાની ટાઈ સરખી કરતો ઉભો હતો.

“કાવ્યા! સાંભળ”

“હા બોલ અભય, શું થયું”, કાવ્યા આમ અભયને અચાનક સામે જોઇને ચમકી.

“એક્ચ્યુલી હું…”, અભયનું ગળું સુકાવા લાગ્યું હતું.

“અરે બોલ.. મારે ઘરે પહોંચવાનું છે. જલ્દી”

અભયે કશું બોલ્યા વગર પાછળ રાખેલા હાથમાંનું બુકે અને એક ચિઠ્ઠી કાવ્યાના હાથમાં આપી અને કહ્યું,

“જો તને કોઈ વાંધો ન હોય તો આપણે બંને એકબીજાને પ્રેમ કરી શકીએ?”, એને પોતાને જ ખબર નહતી કે તે પોતાનાથી આટલું આજીજી પૂર્વકનું કેમ બોલાઈ ગયું.

કાવ્યા થોડી વાર માટે ગમ ખાઈ ગઈ. થોડી વાર પછી બુકે અને ચિઠ્ઠી બંને લઈને મેઈન ગેટ તરફ ચાલવા લાગી. અભય પણ એ દેખાતી બંધ થઇ ત્યાં સુધી એને જોતો રહ્યો.

કાવ્યા મેઈન ગેટ પર પહોચી ત્યારે શિવમ પહેલેથી કહ્યા મુજબ ત્યાં આવી ગયો હતો. કાવ્યાને હાથમાં બુકે સાથે આવતી જોઈ.

“હાશ તું આવી ગયો! ચલ જઈએ ઘરે હવે”, કાવ્યાએ સહજતાથી કહ્યું.

“એક વાત હતી કાવ્યા”

“હા, બોલને. તું મને પૂછી પૂછીને ક્યારનો વાત કરતો થઇ ગયો?”

“વાત જરા મહત્વની છે”, શિવમ ઉભો રહી ગયો.
“સીરીયસ છે કશું?”, કાવ્યા પણ થોભી અને એના મનમાં ચિંતાના વાદળ ઘેરાયા.

“એક્ચ્યુલી હું સીધો પોઈન્ટ પર આવું તો…”, શિવમ અટક્યો.

“હા હા બોલ ને જલ્દી અમેન ગભરાવ નહિ હવે”, કાવ્યાએ આતુરતાથી કહ્યું.

“મને લાગે છે કે હું તને પ્રેમ કરવા લાગ્યો છું”

કાવ્યા અવાક થઇ જાય છે. એક તરફ અભય અને બીજી તરફ પાક્કો દોસ્ત શિવમ! કાવ્યાની મુશ્કેલીનો પાર નહતો.
એ દિવસે રાત આખી કાવ્યાને ઊંઘ ન આવી. વિચારના વંટોળે એ આખી રાત હિલોળે ચઢી હતી.

એ વિચારતી હતી કે ‘શિવમ માટે કોઈ દિવસ એના મનમાં પ્રેમ કરવાની ફીલિંગ આવી કે નથી આવી?’

એકબાજુ અભય માલેતુજાર હતો અને કાવ્યાનું વિદેશ જવાનું સપનું પૂરું કરી શકે તેમ હતો. શિવમ પાક્કો મિત્ર તો હતો પણ એની પરિસ્થિતિ એટલી બધી નહતી કે કાવ્યાના સપનાઓ પુરા કરી શકે. સવાર થતા થતા કાવ્યાનો નિર્ણય પોતાના ભવિષ્યને ધ્યાનમાં લઈને અભય તરફ ઝુકી ગયો હતો.

સવારે કોલેજમાં તે શિવમને મળી. ખાસી વારની ચુપકીદી બાદ,

“અભયનો પ્રેમ સ્વીકારીશ તો મારે મારા સપનાઓ પુરા કરવા માટે મહેનત નહિ કરવી પડે, ઘરવાળી થવું મને નહિ ગમે”, કાવ્યાએ શિવમને કહ્યું. અભયનું નામ સાંભળતા જ શિવમ થોડી વાર માટે ચમક્યો અને તરત સ્વસ્થ પણ થઇ ગયો.

“તો પછી આપણા સંબંધનું શું?”, શિવમે પૂછ્યું.

“આપણે સાચા દોસ્ત હતા ને રહીશું. તું મને પ્રેમ કરે છે પણ મને એવી લાગણી નથી”, કાવ્યાએ નિર્ણય સંભળાવ્યો.

“છે, પણ કશાક તળે ધરબાયેલી છે. હું તારો મિત્ર હતો અને રહીશ. પણ અફસોસ છે કે હવેથી આપણે રોજ નહિ મળીએ. તકલીફ પડે તો હું હાજર રહેવાનું મારામાં રહેલા તારા દોસ્ત વતી વચન આપું છું”, શિવમે કહ્યું.
આટલું જ કહીને શિવમ અને કાવ્યા બંને છુટા પડ્યા.

અભયનું પ્રપોઝલ કાવ્યાએ લગ્ન કરવાની શરતે સ્વીકાર્યું. બંને વચ્ચે પ્રેમસંબધ ચાલુ થયો અને પરિવારોના રિસામણા મનામણા બાદ કોલેજ પૂરી થયાને બે વર્ષ પછી બંને પરણ્યા.

પરણ્યા પછી એકાદ મહિના જેવું સરસ ચાલ્યું પરંતુ અભયની ડ્રગ્સ અને જુગારના નશાની જાણ કાવ્યાને પછીથી થઇ. એ રોજેરોજ મોડો ઘરે આવતો અને ઘણીવાર તો દારુ ઢીંચીને આવતો અને કાવ્યાને ત્રાસ આપી મારપીટ કરતો. પોતાના જ નિર્ણય પર હવે કાવ્યા અફસોસ કરતી હતી.અભયના પરિવારવાળા પણ એનો સાથ આપતા નહતા અને પોતાના મમ્મી પપ્પાને એ કશું ફરિયાદ કરી શકે એમ નહતી કારણ કે આ એના પ્રેમલગ્ન હતા. કંટાળીને કાવ્યાએ છુટાછેડા લીધા.
વિદેશમાં જઈને સેટલ થવાનું સપનું તૂટી ચુક્યું હોવાનું ભાન થતા કાવ્યાએ ભારતમાં જ રહેવાનું નક્કી કર્યું. અત્યારે શિવમની એને ખુબ જ જરૂર હતી પણ એનો કોઈ કોન્ટેક્ટ નહતો થઇ રહ્યો. પોતાની ડીગ્રીના આધારે એક મલ્ટીનેશનલ સંસ્થામાં નોકરી માટે એપ્લીકેશન આપી અને સદનશીબે તેમાં એચ.આર. ડીપાર્ટમેન્ટના ઈન્ટરવ્યુ રાઉન્ડ સુધી પહોચી.

ઇન્ટરવ્યુ જે દિવસે આપવાનું હતું એ દિવસે સવારે જ એના દુરના ફોઈ એના ઘરે મહેમાનગતિએ આવ્યા. પ્રેમલગ્ન કરીને છૂટાછેડા લેવા પડ્યા એ વિશે એને ખરીખોટી સંભળાવી અને ‘ખાનદાનનું નામ બોળ્યું’ અમ કહીને એના ઈન્ટરવ્યુ માટેના આત્મવિશ્વાસનું ખૂન કરી નાખ્યું. ભારે હૈયે અને આંખોમાં આંસુ સાથે ફાઈલ લઈને કાવ્યા કંપની સુધી પહોચી. ઈન્ટરવ્યુ ઠીકઠીક ગયું અને સિલેકશન થવાના ચાન્સીસ ઓછા હોવાથી રીઝલ્ટની રાહ જોયા વગર જ તે ત્યાંથી નીકળી ગઈ.
રીક્ષામાં ઘર તરફ જતી અડધી મજલ કાપી હશે ત્યાં કંપનીમાંથી ફોન આવ્યો,

“મિસ કાવ્યા?”

“હા, બોલું છું”

“તમારું સિલેકશન થઇ ગયું છે. તમે ક્યાં છો? તમારું ફાઈનલ ડીસીઝન આજે જ આપવું પડશે. નહિતર અમે વેઈટીંગ લીસ્ટમાંથી કોઈ એક કેન્ડીડેટને મોકો આપીશું.”

“ના ના! હું આવું છું. બહાર આવી હતી કામથી”, કાવ્યા સવારનું બધું જ દુ:ખ પળવારમાં ભૂલી ગઈ અને આ ખુશીની ક્ષણને આશ્ચર્ય સાથે માણી રહી હતી.

“ઓકે મેડમ”
રીક્ષા પાછી વળાવી અને ફરીથી તે કંપનીની ઓફીસ પહોચી. ત્યાં રીસેપ્શનીસ્ટને પૂછીને સિલેકશન પામેલા ઉમેદવારોને જે હોલમાં બેસવાનું હતું ત્યાંની માહિતી મેળવી. એ હોલમાં કંપનીના મેનેજર અને મેનેજીંગ ડીરેક્ટર નવા કર્મચારીઓને સંબોધન આપવાના હતા. કાવ્યા ઓલરેડી લેટ થઇ ચુકી હતી. મેનેજેરનું સંબોધન શરુ થયાને દસ મિનીટ થઇ ગઈ હતી. હોલના મુખ્ય દરવાજા પર પહોચીને કાવ્યા એ દરવાજો ખોલ્યો અને ઉતાવળા સ્વરે કહ્યું,

“મે આઈ કમ ઇન સર?”

“યેસ, કમ ઇન”

પછી કાવ્યાએ જગ્યા શોધી અને બેઠી.

“હવે તમને આપણા એમ.ડી. સાહેબ પ્રોત્સાહિત કરશે”, કહીને મેનેજેરે એમ.ડી.ને પોડિયમ પર આવવા આમંત્રણ આપ્યું.
એમ.ડી. બીજું કોઈ નહી પણ શિવમ જ હતો. ફ્રેંચ કટ દાઢી હોવાથી કાવ્યા એને તરત ન ઓળખી શકી પણ અવાજ પરથી એ તરત એને ઓળખી ગઈ. શિવમ સાથે વિતાવેલો સમય, એનું ઠુકરાવી નાખેલું પ્રપોઝલ, પોતાનું લગ્ન, પોતાના છૂટાછેડા અને પોતાનું ખરાબ ઈન્ટરવ્યુ છતાંય સિલેકશન આ બધું જ એક પછી એક એના માનસપટ પર અંકાઈ ગયું. ડૂમો ભરાયો હોવા છતાં આસપાસના લોકોના લીધે એનાથી રડાયું નહી.સમાપનના પત્યા બાદઆખો હોલ ખાલી થઇ ગયો અને એ પછી કાવ્યા પોતાનો અશ્રુપ્રવાહ રોકી શકી નહી. હોલમાં શિવમ અને કાવ્યા શિવાય કોઈ ન રહ્યું ત્યારે શિવમ કાવ્યા પાસે આવ્યો. એને છાની રાખી અને કહ્યું,

“મને ખબર હતી કે પ્રેમ કશાક તળે દબાયેલો હતો”,શિવમે એના ખભે હાથ મુક્યો. કાવ્યા પોતાના સાચા મિત્રને બાળકની જેમ ભેટી પડી.

લેખક : ભાર્ગવ પટેલ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

 

Leave a comment