જમનામાનું મેનેજમેન્ટ – અદ્ભુત… આવી રીતે કોઈને સમજાવો તો આસાનીથી સમજી જાય…

68
small-story-jamna-ma-nu-management

પરસોતમ માસ સ્પેશિયલ

“જમનામાનું મેનેજમેન્ટ”

પરસોતમ માસ આવતા શનિ-રવિ મા કુટુંબ પરિવારે બહેનો દીકરીઓ અને ભાણેજો નો સહકુટુંબ જમણવાર રાખેલો હતો. બધા કુટુંબીજનો દીકરાઓ-દીકરીઓ અને કુટુંબ કબીલા બધા સાથે મળ્યા હતા. આ તો એક બહાનું હોય, જમણવારનું !! પણ, દિકરા-દિકરીઓ ની રાહ જોતી, વડલાના વિસામા સમી, બાને મળવા જવાનું થાય.. એ એક અનોખો આનંદ હોય !!

વળી બધા કુટુંબીઓને એક સાથે મળવાનો મોકો મળે અને જે મોજ ના તોરા છૂટે, તેનો સ્વાદ અનેરો જ છે !!!

અલકમલકની વાતો કરતા સવારથી બપોર સુધી બધા મળ્યાં એક બીજાના ખબર અંતર પૂછ્યા … અને ધીમે ધીમે ખૂબ જમાવટ થઈ !!
બપોર થતા થતાં બધા આવી પહોંચ્યા અને જમણવાર પતાવ્યા પછી, બધા આરામથી બેઠા હતા.

અલકમલકની વાતો ચાલતી હતી. બધાનો સૂર એવો હતો કે આપણે ત્યાં આવા વાર-તહેવાર પ્રસંગો આવતા રહે છે તો કેવી મજા આવે છે !! આપણે બધા સાથે રહી શકતા નથી અને ધમાલિયા જીવનમાં સૌ પોત પોતાના રૂટિનમાં કામકાજમાંથી મળવા માટે નવરા ન થાય !!

પરંતુ, આવા બહાના હેઠળ પરિવારનો મેળાવડો તો થાય છે !!

મારા નણંદ બોલી ઊઠ્યા, “આવો પરષોત્તમ માસ તો, દર વર્ષે આવે તો કેવું સારું ?? કેવી મજા !! દર વર્ષે આ રીતે આખું કુટુંબ હળે મળે… મોજ કરે !!

તો ગામડે રહેતા એક જેઠાણી બોલ્યા, “આ પરસોતમ દર વર્ષે નથી ઇ જ હારું સે !! જુઓ ને આ તો અધિક માસ ને ઉપરથી અતારે ખેતીમાં નિંદણ, દવા છાંટવી,.. બીજા ઘણા કામ હોય અને ખેતીકામ માટે મજૂરીયા મળતાં નથી!!!
અમારે તો હેરાન ગતિ વધી જાય છે !!”

મેં પૂછ્યું, ‘ ભાભી !!!, અત્યારે ખેતીના કામકાજમાં શું ચાલે છે ??”

તેમણે જવાબ આપ્યો , “ચાલ્યા કરે છે… !! પણ આ પરસોતમ મહિનો આવ્યો !! તેનું શું ??? ”
મેં પૂછ્યું, ” એમ કેમ કહો છો ???”

તો તેઓએ જણાવ્યું, ” વાત એમ છે કે, આ અધિક મહિનો છે અને ખેતીના કામની મોસમ ખુલી હોવાથી ગામડાના મૂલી બરાબર કામ નથી કરતાં !!”

(અમારે અહીં ખેતરમાં મજૂરી એ કામ કરવા આવનાર ને ‘મૂલી’ કહે છે)

મારા દિયર પૂછ્યું, ” ભાભી !!, ‘મૂલી ના કામ’, અને ‘પરસોતમ માસ’ એ બંનેને શું લાગે વળગે???”

ત્યારે મારા જેઠાણી કહે, ” અરે !!, આ પરસોત્તમ મહિનો હોવાથી ખેતરના કામે આવતી બાયુ, તો એમ જ કહે કે આ પવિતર મહિનો વારેવારે ક્યાં આવે છે ?? આ મહિનામાં તો પુઇન (પુણ્ય) કમાવવાની તક છે !! તેથી સવારે ગોરમાં પૂજવા જાય!!… અને મોડેથી ખેતરે આવે… વળી, ત્યાં આવીને થોડીવાર થાય ત્યાંતો કહે કે “પાણી પાવ !!” પાણી પાણી લઈએ ત્યાં ચાનું ટાણું થઈ જાય !! ચા પીને વાતો કરતાં માંડ કામે ચડે !! ત્યાં બપોરનું જમવાનું … અને થોડીવાર પછી આરામ કરી, માંડ માંડ તેમને કામે ચડાવીએ !!,
અને રોંઢા નો ચા … વળી પાણી…

એક માણસ તો એની સરાભરા ને ચા-પાણી માં જ રોકાઈ રહે !!
સાંજ થાય ન થાય, ત્યાંતો ઘરે પાછા ફરવાનો ટાઈમ થાય, મૂલ તો આખું જોઈએ !! અને કામમાં નકરી નાગડદાય??”
ત્યારે રમેશ બોલ્યા “વેતનના બદલામાં પ્રમાણસર કામ”, અને “કામના બદલામાં પ્રમાણસર વેતન “આ માટે તો તેના અત્યારે આપણા દેશમાં અને પરદેશમાં મોટા-મોટા સેમિનાર ચાલે છે !! તગડી ફી ચૂકવીને લોકો તે સેમીનાર એટેન્ડ કરે છે. છતાં પણ આ પ્રશ્નો તો ત્યાંને ત્યાં !!!

પછી એ મજૂર હોય ખેતરના, કે કારખાના ના કે પછી મોટી ઇન્ડસ્ટ્રીઝ હોય… કે કોઈ નોકરિયાત હોય !!

“કામ કરાવવા વાળાને કામ કરાવી લેવું છે અને મહેનતાણું પૂરું ચૂકવવું નથી .”
“કામ કરનારને મહેનતાણું પૂરું જોઈએ છે પણ દિલ દઈને કામ કરવું નથી.”

“”Work and remuneration”” નો આ પ્રશ્ન તો જૂના કાળથી ચાલ્યો આવે છે !!’

ત્યારે મને મારા નાનીમાં “જમના માં” યાદ આવ્યા તેમની પાસે આવી ઘણી બધી કુદરતી, સુઝબૂઝ ની કલા હતી.
અહીં તો બધા પોતપોતાના પ્રશ્ન ઉઠાવતા હતા !!

ત્યારે મેં તેમને જમાનાની વાત કરતાં કહ્યું, ” હું જ્યારે દસ-બાર વર્ષની હતી, ત્યારે, એક વખત પરસોત્તમ મહિનામાં હું મારા નાના-નાની ને ઘેર સુપેડી ગામ ગઈ હતી. ખેતીની મોસમ પૂર બહારમાં હતી !! મજૂરો મળતા નહોતા !! અને તેમાંય વળી આવો પરષોત્તમ માસ આવ્યો હતો !!

મારા નાના તો ઘણા બધા મજૂરોને મૂલે આવવાનું કહીને આવ્યા હતા !!
જમાનામાં, વહેલી સવારમાં બધાને લઈને ખેતર ગયા અને અંદર જતાં જ મૂલે આવેલ જે મજૂરણ બેનો હતી, એને નાનીમાં એ કહ્યું , “આજથી પવિત્ર પરસોત્તમ મહિનો બેઠો છે !! અને તમને બધાને ગોરમાં પૂજવા ગમે કે ??”

એક મજૂરણ બોલી, “જમનામાં ગોરમા પૂજવા તો ગમે જ ને !!! પણ અમારા ભાઈગ મા ગોરમાં પૂજવાનો મોકો ક્યાંથી ??”

બીજી બોલી, “‘અમે તો ગયા ભવમાં ય કોઈ સારા કામ કરીયા નથી , એટલે આ જનમે આવી ભીડ ભોગવીએ સીયે !! અને આ ભવમાં ય કંઈ પુઇન મલે ને એવા કામ કરી હકતા નથી !! હવે કોને ખબર આવતે ભવે હુ થાય અમારું ??”

ત્યારે જમનામાં એ તો, એક ઘટાદાર વૃક્ષની બાજુમાં એક તરફ માટીના ગોરમા બનાવ્યા…!
મજૂરણ બેનો તો જોતી જ રહી !!

પોતાની સાથે લાવેલ પૂજાનો સામાન, અબીલ-ગુલાલ કંકુ, ચોખા, સોપારી,….અને ફૂલ ફળ.. ઘણું બધું ત્યાં ગોઠવ્યું અને સાથે આવેલી બધી મજૂરણ બાઈઓને કહ્યું, ” ચાલો આપણે સહુ સાથે મળીને ગોરમાં પૂજીએ !!”

મૂલી બાઈઓ તો, બિચારી રાજી રાજી થઈ ગઈ !! કંકુ-ચોખા અબીલ-ગુલાલથી પૂજન કર્યા, ફળ ફૂલ ધર્યા, દિવા અગરબત્તી કર્યા… અને બધી બાઈઓ ગોરમાં ને ફરતી બાજુ બેસી ને તાળી દેતી ગાવા લાગી…..
……”…ગોરમા !, ગોરમા !, રે !!
કાઠા તે ઘઉંની રોટલી,
ગોરમાં !! , ગોરમાં રે !!! ,

સસરા દેજો સવાદીયા !!
ગોરમાં !! ગોરમાં રે !!

સાસુ દેજો ભૂખારવા !!
ગોરમાં !! ગોરમાં રે !!!

આજુબાજુની નજીકની વાડીવાળા તો આવું સાંભળીને જોવા દોડી આવ્યા !!!
તે તો જોઇ જ રહ્યા !!! આ શું ??”

અને તેમાંથી કોઈ બોલ્યુય ખરું !!
” આ ડોશી તો જો !!, આમ કરશે તો આ ખેતરમાં કામ કયારે કરશે ???”
કોઈ બીજો બોલ્યો, ” આ માજી તો કેવા છે ??? ખેતરે આવતા મજૂરોને બગાડી મુકે છે !!”

…પણ, જમાનામાં ની વાડીએ તો…, ગોરમાનું પૂજન પુરૂ કર્યા પછી બધા કામે લાગ્યા.!!! . ધોળ ભજન ગાતાં જાય ને કામ કરતાં જાય …!!

ચા-પાણી પીધા… વળી પાછા કામે ચડી ગયા, બપોરનું જમવા પતાવ્યું અને બધી મજૂરણ બેનોએ, ઉત્સાહથી ફટાફટ કામ કર્યું !!
ને, જમાનામાં એ તો … રોંઢા ટાણું થયું ત્યારે ચા સાથે બધાને ફરાળી નાસ્તોય દીધો !!
અને …. જે, પાંચ પચ્ચીસ રૂપિયા, વધારે આપીને પણ ન થઈ શકે, એવું કામ બધા બેનોએ કર્યું …
અને દિવસ આથમે ત્યાં સુધીમાં તો, બધાએ એટલું સરસ કામ કર્યું, કે સવારે જે થોડોક સમય બગાડયો હતો !!! તેનાથી સવાયું કામ કરી આપ્યું !!

સાંજે પાછા ફરતી વખતે જમનામાં એ , બધાને કહ્યું, ” જુઓ આપણે આખો મહિનો કામ ખૂટવાનું નથી !! તેથી પરસોત્તમ મહિનો છે ત્યાં સુધી રોજ, આપણે આ રીતે ગોરમાં પૂજીને, કામ શરૂ કરશુ !!”

તો બધાએ સાથે મળીને નક્કી કર્યું , ” કાલથી આપણે આપણો પૂજાપો ઘરેથી લઈને આવશુ !! અને સવારે થોડા વહેલાં નીકળશું !!”

એ વખતે ગામમાં, કોઈને ખેતર ના દાડીયા, મજૂરો કે મૂલી, મળતા નહોતા !! એને બદલે બીજી બેચાર મૂલી બાયું પણ જમનામાં ને પૂછી ગઈ કે “જમનામાં !, અમે તમારે ત્યાં કામે આવીએ??”

અને જે કામ સવાથી દોઢ દિવસે થઈ શકે, તે કામ, એક એક દિવસમાં થવા લાગ્યું.
આવી રીતે આખો મહિનો જમનામાંની વાડીએ ધમધમાટ ચાલ્યો !! કામ તો થયું જ !!
પણ, મૂલીઓને એવો આનંદ આવ્યો !!!
મજુર બાઈઓ એવી બધી રાજી થઇ કે વાત ન પૂછો !!!

પછી તો એવું થયું કે જમનામાં ની વાડી એ જો કામ મળે ને , તો મજૂર લોકો બીજા કામે જવાનું પસંદ જ ન કરે !!!
અને.. પરસોતમ મહિનો તો આખો, કામ તો થયું પણ, આનંદની છોળો ઊડી અને બધી મજૂર બહેનોએ દિલથી દુઆઓ પણ આપી .. જમનામાં ને !! હર્ષ ઉલ્લાસ ને જય જયકાર ગુંજી ઉઠ્યો !!”

મેં વાત પૂરી કરી…

મારા નણંદોઈ બોલી ઉઠ્યા, ” ક્યાં બાત હૈ !! વાહ !!, જમનામાં વાહ !!,
કમાલ છે!!

જે વાત મોટા-મોટા ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ… ” મજૂરી સામે મળતું કામનું વળતર” તે માટે ગૂંચવાય છે !!
તેને માટે સેમિનાર યોજાય છે અને છતાં સમસ્યા ત્યાને ત્યાં જ !!
આ જટિલ પ્રશ્નો ઉકેલ સરળતાથી મળતો નથી!!
પણ, આપણા ગામડાના એક માજીમાં આટલી કોઠા સૂઝ !! … અને આવો પ્રેમ !!!
ધન્ય છે જમનામાં !!
ધન્ય છે આપણી ભારતીય સંસ્કૃતિ!!!”

જે આજે પણ, “જમાનામાં નો ઓટલો”તરીકે ઓળખાય છે.

લેખક : દક્ષા રમેશ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment