ખોવાયેલ સંબંધ ! – લવમેરેજ કરેલી દીકરીનીને યાદ કરતા માતાપિતાની વાર્તા…

88
small-story-khovayelo-sambandh

દિવાળીના દિવસો પૂરા થયા. ઘરે ઘરે વેકેશન કરવા આવેલાઓ સામાન પેક કરીને પોતપોતાના સરનામે રવાના થવા લાગ્યા. પોળમાં તો આડા દિવસોમાં પણ છોકરાઓની, ફિલ્મી ગીતોની, ગાયોના ભાંભરવાની, વાહનોના હોર્નની અને શાકભાજીના લારીઓવાળાની સતત હાજરી હોય જ. દિવાળીના દિવસોમાં આ બધાની રંગત થોડી વધારે જામતી. પોળ છોડીને કમાવવા ગયેલા દૂર સેટલ થયેલા સ્નેહીજનો આવતા. સોસાયટીના સિમેન્ટબંધ પાક્કા ફ્લેટ અપાર્ટમેન્ટમાં મોટી થતી નવી જનરેશનને મન દાદાદાદીની પોળ એક વિસ્મય. આખી પોળ રોશનીથી ઝળહળી ઉઠતી. એકબીજાના ઘરે મીઠાઈઓ અપાતી. પોળમાં એકલવાયું જીવતા વૃદ્ધોની બારસાખે હોંશે હોંશે પડોશીઓ તોરણ બાંધીને રંગોળી પૂરતા. મોડી રાત સુધી અંતાક્ષરી, હસાહસી અને ગામગપાટા ચાલતા. મીઠાઈ, ફરસાણ અને કોલ્ડ્રીંકની મહેફીલ ચાલતી.એકબીજાના ઘરેથી હરખ વહેંચાતો. દિવાળીનું વેકેશન પુરું થાય અને સૌ પોતપોતાના સરનામે ફરી પોસ્ટ થઈ જાય એ પછી પણ પોળમાંથી એ બધાના અવાજો સંભળાતા રહે. પોળના વૃદ્ધો એ અવાજોને પોતાની આંખોમાં અને કાનોમાં જીવંત રાખીને આવતી દિવાળી સુધીના દિવસો વેઢે ગણે.
રસીકલાલ અને મંજરીબા. આમ તો પોળમાં સૌના માનીતા. રસીકલાલ પોતે ડોક્ટર અને રસોઈ કળામાં મંજરીબાની તોલે કોઈ ન આવે. જીંદગીના પાંચ દાયકાના સરવાળા બાદબાકીના અનુભવે બંનેના માથામાં આવીને બેસેલી સફેદી. આમ તો એ ઘરમાં સુનકાર રહેતો. રસીકલાલ ચોખ્ખાઈના ખૂબ આગ્રહી. પોતે ચોખ્ખાઈ રાખે અને મંજરીબા પાસે પણ એનો આગ્રહ સતત રખાવે. બિચારા મંજરીબા ઘુંટણ પર બામ લગાવીને રસીકલાલ કહેતા હોય એ રીતે સાફસફાઈ કરતા રહે. દિવાળીના દિવસોમાં મંજરીબા પર સાફસફાઈનો ત્રાસ વધી જતો. રસીકલાલ આખું ઘર સાફ કરાવે. માળિયાની એક એક વસ્તુ ફંફોસે અને જોઈતી નહી જોઈતી વસ્તુઓનો હિસાબ માંડે. ઘરનું નાનકડું ગોખલું પણ ન બચે જ્યાં રસીકલાલની અનુભવી આંખ ન ફરી હોય. આ મહાસાફ સફાઈમાં કંઈ કેટલીય ખોવાયેલી વસ્તુઓ મળતી રહે. 

રસીકલાલ બોલતા રહે કે, ‘’ જોયું, એટલે જ કહેતો હોંઉ છું કે ઘરમાં સાફસફાઈ રાખો. ખોવાયેલી દરેક વસ્તુ મળી જાય. ફરી સામાન ફેંદાય અને જુના જુના કાગળિયા પસ્તીમાં મંજરીબાને છીંકાછીંક થઈ જતી. જરા પણ ધૂળ જુએ તો આખું ઘર એ માથે લઈ લે. રસીકલાલના કચકચથી કંટાળીને જ મંજરીબા દરેક વખતે બે વખત આખા ઘરમાં સાવરણી ફેરવી દેતા. આમ પણ રસીકલાલ ક્યારેય કોઈનું સાંભળે નહીં. પોતાનું ધાર્યું ન થાય તો આકાશ પાતાળ એક કરી દે એવા. પોળની સ્ત્રીઓ કહેતી કે, ‘’ રસીકલાલનો ગુસ્સો તો મંજરીબા જ સહી શકે. આપણી જેવીઓનું કામ નહીં. જે રીતે એ ઘરમાં બુમાબુમ કરે એ સાંભળીને તો મને રોવું આવી જાય.’’ રસીકલાલ એકવાર નક્કી કરી લે પછી એના નિર્ણયને કોઈ ફેરવી ન શકે. એકની એક દીકરી લવમેરેજ કરીને આવી તો આશિર્વાદ માટે ઘરમાં પણ ઘુસવા ન દીધી. મંજરીબા પણ રડ્યા. છોકરો જ્ઞાતિનો જ હતો. ભણેલો ગણેલો ખાનદાની. કોઈ વાતની ખોટ નહીં. પણ રસીકલાલે નક્કી કર્યું એટલે પતી ગયું.

‘’ હું મરી જાઉં પછી પણ આ છોકરીનો પગ મને આપણા ઘરમાં ન જોઈએ મંજરી’’મંજરીબા કશું પણ બોલી શક્યા નહોતા. દીકરી અને જમાઈ જે ઉંબરથી પાછા વળેલા ત્યાં એમણે સાવરણી ફેરવી દીધી હતી.

સાંજે અંધારું થાય પછી પણ મંજરીબાને લાઈટ કરવાને કંટાળો આવતો. એ અંધારામાં જ બેસી રહેતા. રસીકલાલ હોસ્પીટલથી આવે એટલે લાઈટ શરું કરે. ફ્રેશ થઈને ટી.વી. જોતા જતા ઘરમાં ચારે બાજુ નજર ફેરવતા રહે. એના હાથમાં ચાય પકડાવીને મંજરીબા સાવરણી લઈને ફરી ઘર સાફ કરતા ત્યારે રસીકલાલને તસલ્લી થતી.

દિવાળી પતી ગઈ. પોળના અવાજો શાંત થયા. હવે અચાનક મંજરીબાને શું સુઝ્યું કે દીકરી જે રૂમમાં રહેતી એ રૂમમાં ફરીફરી સાફસફાઈ કરવા લાગ્યા. જુના જુના ચોપડાઓ, કપડાઓ, ગીફ્ટ, સ્કૂલના એવોર્ડસ, જૂતા, કટલેરી બધું ફેંદવા લાગ્યા. રસીકલાલ ચૂપચાપ જોયા કરતા હતા. સાંજે એ હોસ્પીટલથી આવે ત્યારે પણ મંજરીબા દીકરીના રૂમમાં સામાનના ઢગલા વચ્ચે બેઠા હોય અને સવારે એ જાય ત્યારે પણ મંજરીબા ત્યાં જ હોય. રસીકલાલથી હવે મંજરીબાની આ સાફસફાઈ સહન નહોતી થતી. આજે સાંજે જ્યારે એ હોસ્પિટલથી આવ્યા ત્યારે એમણે જોયું કે મંજરીબા મોઢે બુકાની બાંધીને દીકરીની રૂમમાં જુના જુના પુસ્તકો કાઢી સાઈડમાં ખડકતા હતા. રસીકલાલથી આજે રહેવાયું નહીં.
‘’મંજરી, આ શું માંડ્યું છે ? તું તો આ રૂમની પાછળ પડી ગઈ છે.’’

‘’ તમે જ તો કહેતા હતા કે ઘરમાં સાફસફાઈ રાખો. ખોવાયેલી દરેક વસ્તુ મળી જાય. કદાચ આ જ રીતે સાફસફાઈ કરીશ તો ક્યાંક આડે હાથે મુકાઈ ગયેલી મારી દીકરી મને મળી જાય.’’ રસીકલાલ રૂમના પીળા માંદા અજવાસમાં

હાંફતા મંજરીબાને જોઈ રહ્યા !

લેખક : રામ મોરી

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom & fb.com/gujaratijokes

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment