માની મમતાના ટેકે – પોતાના સંતાનને કહેશે ખરી પણ કોઈને કહેવા નહી દે! વાંચો એવી જ એક માતાની વાત …

60
small-story-mani-mamta-na-teke

             માની મમતાના ટેકે

સ્વાતિ આજે ખૂબ ખુશ હતી. વ્હેલી સવારથી જ ઘરમાં આનંદનું વાતાવરણ જામ્યું હતું. એકનો એક દીકરો બારમાં ધોરણમાં પ્રથમ આવ્યો હતો. સહુ કોઈ તેના પર અભિનંદનની વર્ષા કરી રહ્યા હતાં. રસોડામાં વ્યસ્ત છતાં તેણે હાથમાં આવ્યું તે લઈ, વેલણથી થાળી વગાડી પોતાની ખુશી વ્યક્ત કરી અને વ્હાલાં પુત્રના ઓવારણાં લીધા. તો પિતા ગૌરવે પણ પુત્રને બથમાં લઈ ગળે લગાડ્યો, ‘ વડ જેવા ટેટા ને બાપ જેવા બેટા, હું પણ બોર્ડની પરીક્ષામાં ફર્સ્ટ આવેલો ‘ એમ કહી પુત્રની સફળતાના યશમાં ભાગીદાર બન્યા.

ચા વગર મૂડમાં ન આવનારા દાદા પણ આજે ચા પીવાનું ભૂલીને પૌત્રનો વાંસો થાબડી શાબાશી દેતા બોલ્યા, ‘ આખરે પૌત્ર કૉનો ? તને તો કુટુંબનો વારસો મળ્યો છે.’

દાદીમા તો એવાં હરખાણા કે ઊઠીને ‘ જય શ્રી કૃષ્ણ ‘ બોલવાનો નિયમ આજે તૂટી જ ગયો. પૌત્રનું કપાળ ચૂમી અઢળક વ્હાલ વરસાવ્યું, ‘ મારો ગૌરવ પણ આવો જ હોંશિયાર હતો હોં. મોરનાં ઈંડા કંઈ ચીતરવા પડે ? ‘

પુત્રની ઝળહળતી સફળતાનો યશ હોંશે હોંશે લઈ રહેલાં પરિવારના સભ્યોને સાંભળી રહેલી સ્વાતિ મનમાં સમસમી ઊઠી. પણ, કશું જ ન બોલી. આજના આનંદના અવસરને એ બગાડવા માંગતી ન હતી. તેણે ફટાફટ ચા – નાસ્તો તૈયાર કર્યા. તે દરમિયાન ગૌરવ પેંડાના બોક્ષ લઈ આવ્યો અને નાસ્તો કરી સ્કૂટર દોડાવી મૂક્યું ઓફીસ તરફ…….ત્યાં પહોંચી તેણે આજની ખુશી વહેંચી અને પુત્ર વતી અભિનંદન ઝીલી ગર્વભર્યો આનંદ અનુભવ્યો.

બીજી તરફ શાળાએ પહોંચતાં જ વિરલ પર ફરી અભિનંદનની વર્ષા થઇ. શિક્ષકો તો આ સફળતાનો પૂરેપૂરો યશ લેવામાં મોખરે રહ્યાં.

ઘરે આવ્યા બાદ પતિ અને પુત્રએ ઓફીસ અને શાળામાં મેલવેલાં ઢગલાબંધ અભિનંદનની વાત કરી ત્યારે સ્વાતિ ફિક્કું હસી.

તેના ચહેરા પર ગમા – અણગમા મિશ્રિત ભાવ ઊપસી આવ્યા. તે વિચારમાં ડૂબી ગઈ. આજે સહુ કોઈ વિરલ પર ગર્વ લઈ રહ્યાં છે, પોતપોતાની રીતે યશ લઈ રહ્યા છે, ત્યારે એક સમયે આ જ છોકરાને અક્કલ વગરનો ને જડ જેવો કહીને ધુત્કારવામાં કોઈએ બાકી રાખ્યું ન હતું. તેને સુધારવાના પ્રયત્નોમાં કોઈએ સાથ આપ્યો ન હતો.

……ને સ્વાતિના સ્મૃતિપટ પર બાર વર્ષ પહેલાંના પાંચ વર્ષના ધમપછાડીયા વિરલનું ચિત્ર તરવરી ઊઠ્યું….. અતિશય તોફાની, જિદ્દી, કોઈનું ન માનનારો, એક મિનિટ પણ પગ વાળીને ન બેસનારો, ન જંપે ન જંપવા દયે. એને શાળાએ જવું બિલકુલ ગમતું નહીં. સ્વાતિ સમજાવી, ફોસલાવી પરાણે મોકલતી. ત્યાંથી પણ અનેક ફરિયાદો આવતી. નોટબુક્સના દરેક પાને લાલ અક્ષરોવાળી સૂચના સ્વાતિને આંખમાંના કણાંની જેમ ખૂંચતી. પરિણામ તો અતિશય નબળું રહેતું. એનાં તોફાનોથી વાજ આવી ગયેલા આચાર્યએ તો એક વખત તેને શાળામાંથી કાઢી મૂકવાની ચેતવણી પણ આપી દીધી હતી. પુત્રને કારણે પડોશી સાથેના સંબંધોમાં પણ તિરાડ પડી ગઈ હતી. ઘરના પણ તેને સહી શકતા ન હતાં.

સસરા કટાક્ષમાં બોલતાં, ‘ કોના જેવો થ્યો ? સાત પેઢીમાં કોઈ આના જેવો થ્યો નથી. તો સાસુ પણ મહેણાં મારતાં, ‘ મારો ગૌરવ તો ડાહ્યો હતો. અરે ! કુટુંબમાં આવો જડ કોઈ નથી. ‘ એનો ઈશારો મોસાળ તરફ હતો એ સ્વાતિ કળી શકી હતી. એનાથી નિઃસાસો નંખાઈ જતો, ‘ હે ભગવાન ! આ છોકરો ક્યારે સુધરશે ? ‘

પુત્રના તોફાનો – ફરિયાદોથી થાકી ગયેલી સ્વાતિએ પતિને વાત કરી તો તે પણ તાડૂક્યો, ‘ હું ઓફિસનું કામ સંભાળું કે ઘર ? વિરલને સુધારવાની જવાબદારી તારી છે. તું એને સમજાવ કે મારકૂટ કર, એ તારું કામ છે, મારું નહીં. ‘ એમ કહી ફરજમાંથી છટકી ગયો હતો.

છેવટે, એક માએ જ એકલે હાથે પોતાની ફરજ નિભાવી. ભારે ધીરજ અને અથાગ મહેનત થકી પુત્રના તોફાની સ્વભાવને કાબૂમાં લીધો. એનામાં શિક્ષણ પ્રત્યે રુચિ જગાડી, અભ્યાસવૃત્તિનું બીજ રોપ્યું. ઉંમરની સાથે સમજદારી વધતાં તે શાંત થયો. ધીરે ધીરે ભણતરના પરિણામમાં પણ સુધારો થવા લાગ્યો. માતાની પ્રેમપૂર્વકની સમજાવટ અને સતત પ્રોત્સાહન થકી તે અભ્યાસ પ્રત્યે ગંભીર બન્યો અને સમયાંતરે હોંશિયાર થઈ ગયો. પરંતુ ફરી દશમાં ધોરણની બોર્ડની પરીક્ષા વખતે બીમાર પડ્યો. તેની અસર પરિણામ પર થઇ. ઓછા માર્કસ આવતાં તેને ટોકનારા અને ઠપકો આપીને હતાશ કરનારા’ય ઘણાં હતાં. આવા સમયે તેને હિંમત આપી , મમતાના ટેકે ફરી ઊભો કરનાર ‘ મા ‘ જ હતી.

આજે વિરલે મેળવેલી ઝળહળતી સિદ્ધિ એ માત્ર કોઈની એક વર્ષની મહેનત કે વારસાઈ ગુણનું પરિણામ ન હતું. એમાં પૂરાં બાર વર્ષ એક માએ કરેલ પરવરીશનો નિચોડ પણ સામેલ હતો. પુત્રના શિક્ષણ અને કેળવણી માટે કરેલો પરિશ્રમ સાર્થક થયાનો સ્વાતિને સંતોષ હતો. હ્ર્દય – મન આનંદિત થઇ ઊઠ્યું હતું. દુઃખ માત્ર એ વાતનું જ હતું કે, આ બાબતની નોંધ પતિ સુધ્ધાં કોઈએ ન લીધી હતી. એક વિરલ જ જાણતો હતો કે આજે પોતે મેળવેલાં માન – સન્માનના યશની પ્રથમ હક્કદાર તેની ‘ મા ‘ જ છે.

તેથી જ તો બીજે દિવસે સાંજે ગોઠવેલી પાર્ટીમાં મિત્રો સહિત પરિચિતો પરિવારજનો વચ્ચે સમજદાર પુત્રએ જયારે આ
સફળતાનો પ્રથમ યશ માતાને આપ્યો ત્યારે….

…… સ્વાતિનું રોમરોમ ગર્વિત થઇ ઊઠ્યું.

લેખિકા – શીલા જોબનપુત્રા (રાજકોટ)

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment