પરવાનો – ડોકટરે કહ્યું તમે હવે બહુ નહિ જીવો, આ વાત સાંભળીને એ ખુશ થઇ ગઈ પણ કેમ?

101
small-story-paravano

‘પરવાનો’

ઘડિયાલે છ નો કાંટો બતાવ્યો અને મયંકે બધાંજ કામ પડતાં મૂકી પ્રેમિલા બેનને ફોન લગાડ્યો ‘મમ્મી, તૈયાર છે ને? હું આવું છું. ‘રસ્તામાં કારના પૈડાની સાથો સાથ અનેક વિચારો ગોળગોળ ફરી રહ્યાં હતાં. ક્યારેય નહીં ને આજે ડોકટરે મને રુબરુ મળવાનું કેમ કહ્યું હશે? દરવખતે તો મમ્મી અને જયશ્રી જ જઈ આવતાં. આજે નક્કી કશુંક ગંભીર હોવું જોઈએ. ઘર આવ્યું અને વિચાર પ્રવાહ અટક્યો. મમ્મીને લઈ ને ડોકટરની ચેમ્બરમાં પ્રવેશ્યો ત્યારે હૈયુ ધકધક કરતું હતું પરંતુ એકદમ હળવા મૂડમાં ડોકટર સાથે હાથ મિલવતા કહ્યું ‘હાય…ડોક, આજે બીઝી માણસોએ બીઝી માણસોને યાદ કર્યા છે એટલે નક્કી કશુંક ખાસ છે. બોલો..બોલો…શું વાત છે? ‘અરે બેસો..બેસો.. આવું બહાનું ન કાઢું તો ઈદના ચાંદ જેવા તમે ક્યારેય દેખાઓજ નહીં ને!’ ત્રણેયના ચહેરા મલકી ઉઠ્યાં. હળવેથી ડોકટરે પ્રેમિલા બેનને કહ્યું ‘આન્ટી આપ બહાર બેસશો? અમારે થોડી જરુરી વાત કરવાની છે.’

‘જો વાત મારા કેસની હોય તો હું અહીંયાજ બેસીશ.’
‘પરંતુ વાત થોડી ગંભીર છે. તમે સાંભળીને સ્વસ્થ રહી શકશો? સ્વીકારી શકશો ?’
‘બેટા, સાંભળવા વિશે તો એમ કહીશ કે ડીક્ષનરીના ખરાબમાં ખરાબ શબ્દો સાંભળી લીધા છે એટલે હવે એનાથી ખરાબ તો કશું હશેજ નહીં એની ખાતરી છે. રહી વાત ગંભીરતાની તો જ્યાં જિંદગીજ એક મોટી મજાક બનીને રહી ગઈ હોય ત્યાં કશું ગંભીર બને તો કંઈક જીવવાની મજા પડે. કહીદો તમતમારે મડાંને વિજળીની ભેં નહોય ડોકટર.’ મયંકે ડોકટર સામે હકારની મુદ્રામાં ડોક નમાવી. ડોકટર અવિનાશે પ્રેમિલા બેનની ફાઈલ મયંક તરફ સરકાવતાં કહ્યું ‘આન્ટીને દૂંટી પાસે નાનકડી ગાંઠ છે જેની સારવાર આપણે ત્રણેક મહિનાથી કરી રહ્યાં છીએ. ગઈકાલે થોડા એડવાન્સ ટેસ્ટ્સ કરાવ્યા એનો રીપોર્ટ આવી ગયો છે.’ પ્રેમિલા બેને કચકચાવીથી ખુરશીનો હાથો પકડી લીધો. ‘આન્ટીને જે ગાંઠ છે તે કેન્સરની છે અને છેલ્લા સ્ટેજમાં છે.’

મા-દીકરાનું હૃદય બે ધબકારા ચૂકી ગયું પણ મયંકે તરતજ સ્વસ્થ થઈને મમ્મીના હાથ પર પોતની હુંફાળી હથેળી દબાવી. પ્રેમિલા બેને મયંક સામે જોયું મયંકે એમનો હાથ થપથપાવ્યો જાણે એમ ન કહેતો હોય ‘મૈ હું ના!.’
ડોકટરે ખોંખારો ખાઈને કહ્યું. ’મારે તમને નિરાશ નથી કરવા પણ સચ્ચાઈથી વાકેફ કરવા તે મારી ફરજ છે. આન્ટીની ઉંમર જોતા તેમના પર ઓપરેશન થઈ શકે તેમ નથી. દવાઓ આપું છું બાકી તો કોને મારવા અને કોને જીવાડવા એ ઉપર વાળાના હાથમાં છે.’

‘હા… આ ઈશ્વર મારવાના હોય એને જીવાડી રાખે છે અને જેની અહીંયા જરુર હોય એનેજ મારી નાંખે છે.’ કહી મયંકે નિસાસો નાંખ્યો. મા-દીકરો વગર કહ્યે આ વાક્યનો અર્થ સમજી ગયાં હતાં.

ઘરે પાછા ફરતી વખતે પ્રેમિલાબેન પાછળની સીટ પર માથું ઢાળી, આંખો મીંચી બેસી રહ્યાં. મયંક ઈચ્છતો હતો કે કંઈક વાત થાય. આવડો મોટો મૌનનો ડુંગર થોડોક ખંડિત થાય પરંતુ પ્રેમિલા બેનને કશું બોલવાની ઈચ્છા ન હોય તેમ શાંત હતાં. મયંકે મિરરમાંથી પાછળ નજર કરી તો મા ના ચહેરા પર અપૂર્વ શાંતિ પથરાયેલી હતી. અજંપો કે ઉદ્વેગ શોધ્યાય જડતાં ન હતાં. એને પોતાની મા પર ગર્વ થયો. આવડા મોટા સમાચાર પણ તેને વિચલિત કરી શક્યા ન હતાં. ઘર આવી ગયું, ગાડીમાંથી ઉતરીને પ્રેમિલા બેન ડ્રોઈંગરૂમનાં સોફા પર ઢગલો થઈને બેસી ગયાં. મયંકને ઘણું બોલવું હતું. મમ્મીને આશ્વાસન આપવું હતું, ધરપત આપવી હતી કે ‘હું બેઠો છું, તને કાંઈ નહીં થવા દઉં’ પરંતુ એના ગળામાં શબ્દો તરફડી રહ્યાં હતાં. એણે મમ્મી સામે જોયું, મમ્મીએ કંઈક બોલવા માટે હોઠ ખોલ્યા ત્યાંજ અંદરના રૂમમાંથી કર્કશ અવાજ આવ્યો ‘ક્યાં ગયા છો બધા? હું અહીંયા મરવા પડ્યો છું અને તમે બધા રખડો છો !’
પ્રેમિલા બેન કશું બોલ્યા વગર રૂમ તરફ ચાલ્યાં. રૂમમાં પહોંચતાજ પ્રવિણભાઈએ હંમેશ મુજબ ઉલટ તપાસ શરુ કરી ‘ક્યાં હતી? કેટલા કલાક થયા કંઈ ખબર છે? કેટલી બૂમો પાડી ! મારી તો કોઈને પડી જ નથી.’ ‘દવાખાને ગઈ હતી. મને પેટમાં…’ હજું પ્રેમિલા બેન આગળ બોલવા જાય એ પહેલાજ કકળાટ ચાલું થઈ ગયો.
‘હા..હા…હરો, ફરો, જલ્સા કરો તમ તમારે ! દવાખાનાનું બહાનું કરીને મોજ કરો ! બિમાર પતિની ચાકરી કરવાની કોને દરકાર છે?’ ‘તમારે મારી વાત સાંભળવી છે કે નહીં?’ જીવનમાં પહેલીવાર પ્રેમિલા બેન ઊંચા અવાજે બોલ્યાં.’ ‘અરેરે..હાય… હાય… માંકડને તો મોઢું આવી ગ્યુ! હે ઈશ્વર, આવી પરાધિન જિંદગી કોઈને ન આપજે! હાલીચાલી નથી શકતો એટલે આમ બરાડા પાડીને મને દબાવે છે ને? હું આમ ઊંચા અવાજ સાંભળવા ટેવાયેલો નથી સમજી? ચાલતીથા મારા રૂમમાંથી… અને… આજ પછી તારી વ્યવસ્થા અલગ કરી લેજે.’

પ્રેમિલા બેન કશું બોલ્યા વગર ડ્રોઈંગ રૂમમાં આવીને બેઠાં. ન ટી.વી. જોવાનું મન થયું, ન કશું વાંચવાનું. મયંક અને જયશ્રી પોતાના રૂમમાં ચાલ્યા ગયાં હતાં. પોતે આ વિશાળ બંગલાની માલિકણ, જેને હમણાંજ માસ્ટર બેડરૂમમાંથી તગેડી મૂકાઈ છે તે, હજું બે કલાક પહેલાજ પોતાના મરણનો જાસો લઈને આવી છે તે… આખા ઘરમાં સાવ એકલી છે! એમણે લાઈટ ઓફ કરી. થોડીવાર તો આંખસામે અંધારુ છવાઈ ગયું અદ્દલ ડોકટરની વાત સાંભળાતા વેંછ વાયું હતું એવું. પરંતુ થોડીકજ વારમાં ઝાંખા પ્રકાશથી આંખો ટેવાવા લાગી એમને થયું ઝળાંહળાં લાઈટો ન હોય તો પણ જીવી તો શકાયજ બસ થોડું પોતિકું અજવાળું જોઈએ!! માથા નીચે સોફાનું કુશન મૂક્યું, સાડીનો પાલવ ખુલ્લો કરી શરીર પર ઓઢી લીધો. બહાર રાત ઘેરાતી જતી હતી. બગીચામાંથી તમરાં અને કંસારીના અવાજો આવી રહ્યાં હતાં. ઊંઘ આજે વેરણ થઈ હતી. કેટલા બધા દૃશ્યો, કેટલી બધી ઘટનાઓ, કેટકેટલા સંવાદો એને ઘેરી વળ્યાં.

પરણીને આવી તે દિવસથી લઈને આજ સુધીમાં આ માણસે એને હડધૂત કરવા શીવાય કશું કરી બતાવ્યું નથી. ડગલે ને પગલે એને અપમાનિત કરવામાં આવતી.વાત વાતમાં પિયર મોકલી દેવાની ધમકી અપાતી, પતિ કહે તો સવાર અને પતિ કહે તો રાત પડતી. મોટા આબરુ દાર કુટુંબની આ વહુ આખો દિવસ રસોડામાં રંધાતી રહેતી અને રાત પડતાંજ પથારીમાં હોમાતી રહેતી. આડોશ પાડોશમાં કોઈની સાથે આ શેઠાણીને બોલવાનો કાયદો ન હતો. ડેલી પરથીજ આવનારાઓને વળાવી દેવામાં આવતાં. આખા ગામમાં એક માત્ર ગાડી પ્રવિણ શેઠને ત્યાં હતી. પરંતુ શેઠાણીને લઈને નીકળે ત્યારે બારીના કાચ પર કાળા પડદા લગાવી દેવામાં આવતાં. મજાલ છે કોઈની કે શેઠાણીને જોઈ જાય! કેટલું રૂપ આપ્યું હતું ઈશ્વરે!

 

પ્રેમિલા બેનથી મોટો નિસાસો નંખાઈ ગયો. શું ભૂલ હતી પોતાની કે જેની સજા રુપે આ ખુલ્લો કારાવાસ ભોગવવાનો આવ્યો ? રુપાળા અને નમણા હોવું તે ? સ્માર્ટ અને બુદ્ધિશાળી હોવું તે ? કે પછી ગરીબ ઘરની કન્યા હોવું તે? ગરીબ મા-બાપે તો પૈસાદાર ખોરડું જોઈને કંકુ અને કન્યા સોંપી દીધા હતા. પણ કન્યાની જગ્યા આ વિશાળ બંગલાના ક્યા ખૂણામાં છે તે જોવા કોઈ ડોકાયું ન હતું. લગ્નની પહેલી રાતેજ કહી દેવામાં આવ્યું હતું ‘હું કહીશ એમ જ થશે, આપણા ઘરમાં સ્ત્રીઓ એ પોતાની બુદ્ધિ ચલાવવાની હોતી નથી માટે ચૂપચાપ ખાઓ-પીઓ અને જલ્સા કરો.’ પ્રેમિલા બેને પતિની વાત ને અક્ષરશઃજીવી બતાવી હતી. પોતાની આવડત, મોજ-શોખ, સપનાઓ બધું એ પહેલી રાતની સુહાગ સેજ પર હોમી દીધું. સતત એ માણસની કચકચ, ઉદ્ધતાઈ અને જો હુકમી સહન કરતાં રહ્યાં. એક ક્ષણ પણ પોતાની મરજીથી જીવાયું ન હતું. આ માણસના પાપે જ જિંદગી ઝેર બની ગઈ હતી. અને આજે… આ તમામ વર્ષોની તપસ્યા પર પાણી ફેરવતો હોય એમ એ માણસે એને પોતાના રૂમમાંથી હાંકી કાઢી હતી. પ્રેમિલા બેન પડખાં ઘસી રહ્યાં હતાં પણ આજે કેમેય ઊંઘ આવતી નહતી.

બીજે દિવસે સવારે ઉજાગરાને લીધે મન અને આંખો ભારે હતાં તેથી બહાર થોડું ચાલી આવ્યાં. બગીચાના તાજા ફૂલોને જોઈ તેનું મન હળવું થયું. આગલી રાતનું અપમાન ગળી જઈને એ પતિની રૂમમાં ગયાં.
‘ક્યાં હતી? હજું મારી ચા કેમ નથી આવી?’
‘હું ચાલવા ગઈ હતી, જયશ્રી ચા લાવેજ છે.’ પ્રેમિલા બેને ટેવ મુજબ શાંતિથી કહ્યું.
‘તું ચાલવા ગઈ હતી? કોને પૂછીને’ પ્રવિણ ભાઈએ આંખો ફાડીને પૂછ્યું.

‘મને મન થયું એટલે. ગાર્ડનમાં જઈએ તો કેટલાં લોકોના મોઢા ભાળિયે! મન ફ્રેશ થઈ જાય.’
‘વાહરે મારી રંભા…! એક આજ બાકી રાખ્યું હતું! આ ઉંમરે કોના મોઢા જોઈને ફ્રેશ થવું છે તારે? ક્યા ડોસાને પટાવવો છે તારે? કોની પાસે બિચારી થઈને રોદણાં રોવા છે બોલ તો? કેવા કેવા તાયફા સુજે છે આ બાઈને…!’ પ્રવિણ ભાઈ ઝેર ઓકી રહ્યાં હતાં. પ્રેમિલા બેન એ જ મિનિટે રૂમની બહાર નીકળી ગયાં. આ ઉંમરે શંકા કરે છે આ માણસ! હદ છે !
થોડીવાર પછી પ્રેમિલા બેને પોતાની નાની બહેન મંજુને ફોન લગાડ્યો ‘હલ્લો મંજુ…જય શ્રી કૃષ્ણ. હું પ્રેમિલા બોલું છું.’
‘ઓહો.. મોટા બેન કેમ છો?’ લાગણીથી મંજુ બેને રણકો કર્યો.
‘એક દમ મજામાં છું, એક ખુશ ખબર આપવા ફોન કર્યો છે તને.’
‘અરે વાહ..બોલો…બોલો…જલ્દી’ ઉતાવળા અવાજે મંજુ બેન બોલ્યાં.
‘તારી આ સોનચકલી બહુ જલ્દી આ સોનાના પાંજરામાંથી ઊડી જવાની છે. તૂટી-ફૂટી પાંખો લઈને આ વિશાળ આકાશમાં વિલિન થઈ જવાની છે.’ પ્રેમિલા બેને અલંકારિક ભાષામાં કહ્યું.
‘બળ્યું મોટા બેન… તમે તો ભારી બુદ્ધિશાળી, અમને આવું અઘરું અઘરું નો સમજાય, કાંક સમજ પડે એવું બોલો.’
‘અરે ભોળી… સાંભળ, કાલે ડોકટર પાસે ગઈ હતી. પેલી ગાંઠની દવા ચાલતી હતી ને? એ કેન્સરની નીકળી! આ કારાવાસમાંથી નીકળી જવાનો પરવાનો ડોકટરે આપી દીધો છે ‘એકદમ સ્વસ્થ અવાજે પ્રેમિલા બેન બોલ્યાં.
‘શું કહો છો મોટી બેન?’ મંજુ બેને થોથવાતા અવાજે કહ્યું.
‘હા… કેન્સર છેલ્લા સ્ટેજમાં છે. ઓપરેશન શક્ય નથી પણ ગાંડી… તું ચિંતા ન કર, આ દીવામાં હજું થોડુંક તેલ બાકી છે હોં! ત્યાં સુધી પૂરા પ્રકાશથી ઝળહળી લઈશ. હવે તારી આ બેન થોડા દિવસની મહેમાન છે. વાતો કરીલે પેટ ભરીને…’
‘વારી જાઉં મારી બેનડીને… ભગવાને તમારી સામે જોયુ ખરું! એ રાક્ષસની કેદમાંથી તમને છોડાવ્યા તો ખરા! ભગવાન કરે… તમારો જલ્દી છૂટકારો થાય. મારો વા’લો તમને ફળ્યો એવો સૌને ફળે. બાકી અમારા તો નસીબજ ફૂટેલા….’ હજું તો આગળ બોલવા જાય એ પહેલાજ મંજુ બેનના પતિનો કર્કશ અવાજ ફોનમાં સંભળાયો

‘રાંડ…વેશ્યા….ક્યાં મરી ગઈ ? કોની હારે ફોનમાં ચોંટી છો? આયાં તારો હગલો ભૂખ્યો થ્યો છે ને તું ફોનમાં છિનાળા કરશ! કુલ્ટા…
ફોન ચાલુજ હતો…
અને
બન્ને છેડે સ્તબ્ધ કરી દે તુંવ જનદાર મૌન હતું.
પ્રેમિલાબેન મનોમન બોલ્યા ’બધાના નસીબમાં મુક્તિના પરવાના થોડા હોય !’

***
આજે પ્રેમિલા બેનનો જન્મ દિવસ હતો, કદાચ છેલ્લો…! સવારે નાહીને મંદિરે જઈ આવ્યા પછી પતિના રૂમમાં જતાં હતાં ત્યાં જ મયંકે અટકાવ્યાં. ‘મમ્મી…એક મીનીટ, ચાલ તો મારી સાથે.’ કહીને મમ્મીનો હાથ ઝાલીને બંગલાની જમણી તરફ આવેલા ગાર્ડન તરફ જવા લાગ્યો, પ્રેમિલા બેન એને ચૂપચાપ અનુસરી રહ્યાં.
બન્ને ગાર્ડનમા આવેલા ગેસ્ટરૂમમાં આવ્યા. ખાસ મહેમાનો માટે વપરતા આ વિશાળ રૂમના બારી બારણાં પરના પરદા અને બેડશીટ વોશ કરાવાઈ ગયાં હતા, રીડીંગ ટેબલ પર મમ્મીને ગમતાં પુસ્તકો અને મઘમઘતાં ફૂલો ગોઠવાઈ ગયાં હતા, ડ્રેસીંગ ટેબલ પર તૈયાર થવાની બધીજ સામગ્રીઓ સજાવાઈ ગઈ હતી. એક ડી.વી..ડી. પ્લેયર અને થોડી ડી.વી.ડી. આવી ગઈ હતી. મયંકને મમ્મીની પસંદ વિશે બધીજ ખબર હતી. બારસાખ પર ગુલાબના ફૂલો ઝુલી રહ્યાં હતાં. મા દીકરો રૂમમાં પ્રવેશ્યા. મયંકે મમ્મીને બેડ પર બેસાડીને વ્હાલથી કહ્યું ‘હવેથી આ રૂમ તારો છે મમ્મી. અહીંયા તું તારી મરજીથી જીવી શકીશ અને તારી મરજીથી મરી શકીશ. હવેથી તારી બધીજ સવારો-બપોરો અને સાંજની માલિક માત્ર તું છે. તને મજા પડે એમ જીવ. તારા અધુરા સપનાઓને પૂરા કર. પપ્પાનું મોઢું જોવાનું મન થાય તો દિવસમાં એકાદ આંટો મારજે બાકી આજથી પપ્પાની તમામ જવાબદારીઓ માંથી તું મુક્ત છે. એની ચાકરી માટે એક નર્સ રાખી લીધી છે. તું માત્ર તારા માટે જીવ…’

પ્રેમિલા બેન તો ઝળઝળિયાં ભરેલી આંખે શ્રવણ જેવા દીકરા તરફ જોઈ રહ્યાં. બોલવા માટે શબ્દો શોધી રહ્યાં . આ દીકરાએ એક નવી નક્કોર જિંદગી તેને ભેટ આપી હતી. એ વ્હાલથી મયંકને વળગી પડ્યાં. ચારેય આંખો ધોધમાર વરસી પડી. થોડી વાર પછી મયંક જવા લાગ્યો ત્યાં જ અચાનક કંઈક યાદ આવતાં પાછો ફર્યો, ખિસ્સામાંથી સ્માર્ટ ફોન કાઢી મમ્મીના હાથમાં મૂકતા બોલ્યો ‘આ રમકડું તને એકલી નહી પડવા દે. એ તારા માટે નવી દુનિયા ખોલી આપશે.’ પછી મસ્તી ભર્યા અવાજે બોલ્યો ‘જા… સિમરન જા… જીલે અપની જિંદગી!’ પ્રેમિલાબેને દીકરાનો હાથ વ્હાલથી દબાવતાં કહ્યું ‘તે તો મારુ મોત સુધાર્યું!’
મયંક વ્હાલભર્યુ મલકીને ગયો.
પ્રેમિલાબેને ટીપોઈ પર રહેલી કેસ ફાઈલ હાથમાં લીધી અને પોતાને નવી જિંદગી આપનાર એ મોતના પરવાનાને વ્હાલથી છાતીએ વળગાડી દીધો.

લેખક :પારુલ ખખ્ખર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment