રોશની – સગાઈના દિવસે પરિવારજનોની વાતો સાંભળીને તેના પગ રૂમની બહાર અટકી ગયા…

108
small-story-roshani

રોશની

તમારા માટે પ્રત્યેક ક્ષણ વધુને વધુ અજંપો લાવી રહી હતી, શ્રેય. તમેં આ પહેલા ક્યારેય આટલા બધા ચિંતાગ્રસ્ત ન હતા. તમેં મનોમન તમારા દ્વારા અત્યાર સુધી થયેલા બધા જ પુણ્યકાર્યોને ઈશ્વર સમક્ષ હોડમાં મૂકી ચુક્યા હતા. રોશની આજે તમારા બન્નેના સગાઇના દિવસે પણ મોડી પડી હતી. તમને “હીના” ફિલ્મનું “દેર ન હો જાયે…” ગીત યાદ આવી રહ્યું હતું.

તમેં તમારો મોબાઈલ બહાર કાઢીને ફરીથી ‘ક્યાં છો?’નો એક મેસેજ રોશનીને માર્યો. તમારું ધ્યાન રોશનીના પ્રોફાઇલ પિક્ચર પર ગયું. એ લાલ રંગના બુલેટ પર, કાળા ચશ્માં અને જીન્સ-ટીશર્ટમાં સુંદર લાગી રહી હતી.

થોડીવાર પછી એક લાલ રંગની ગાડી તમારા આંગણે આવીને અટકી. રોશની ડ્રાઇવરની સીટમાંથી ઉતરી. તેણે આજે સલવાર કમીઝ પહેરેલા હતા. તેના હંમેશના સાથી એવા કાળા ચશ્મા અને જીન્સ-ટીશર્ટ આજે ગાયબ હતા. તેના માતાપિતા ગાડીમાંથી ઉતર્યા ત્યારે તમારા અને રોશનીના પરિવાર વચ્ચે રહેલો સોમાલિયા અને અમેરિકા જેવો તફાવત તમને પહેલી વાર નજરે ચડ્યો.
તમને મનમાં હાશકારો થયો કે રોશનીએ તમારી વાત માની હતી. તમેં તેને મેસેજ કરીને શું પહેરવું તેની યાદી ન મોકલી હોત તો તે આજે પણ જીન્સ અને ટીશર્ટ પહેરીને જ આવેત. તે તમારી સામે જોઇને હસી. નોટબંધીની લાઈનમાં ઉભેલા વ્યક્તિ માટે જે કિંમત બે હજારની નોટની હતી એ જ કિંમત તમારા માટે રોશનીના હાસ્યની હતી. એ હાસ્યના કારણે તો આ આખી બબાલ થઈ હતી. તમને ત્રણેક મહિના પહેલાનો એ દિવસ યાદ આવી ગયો કે જ્યારે તમેં પહેલીવાર પ્રેમમાં પડ્યા.

તે દિવસે તમેં મંદિરે દર્શન કરીને તમારી નાની બહેન ઇશાની સાથે રસ્તો પાર કરીને તમારા ઘર તરફ જઈ રહ્યા હતા. તમારું ધ્યાન સામે જ ચાલી રહેલા “ઓટો એક્સપો – 2018”ના મોટા બોર્ડ પર ગયું. એ દિવસ તમારા માટે સૌથી શુભ કે સૌથી અશુભ હતો, એ બાબત આપણે ભવિષ્ય પર છોડીએ.

તમે તે “વાહન મેળા”ની મુલાકાત લેવાનો નિર્ણય કર્યો. અંદર પ્રવેશતાં જ તમારી નજર ડાબી બાજુએ ચામડાના એક સરખા જેકેટ પહેરીને ઉભેલા યુવક યુવતીઓના ટોળા પર ગઈ. દરેક પોત પોતાના બુલેટ મોટરસાઇકલ સાથે ત્યાં હાજર હતા. એ કોઈ “બુલેટ કલબ” હતી, જેમાં એક જ કંપનીના મોટર સાઇકલ ધરાવતા વ્યક્તિઓ એક જગ્યાએ ભેગા થતા હોય છે.
એ બધા વચ્ચે એક ઊંચી યુવતીએ તમારું ધ્યાન ખેંચ્યું. તે દિવસે કદાચ પ્રેમના દેવતાએ પણ કોલેજો અને શાળાઓમાં આંટા મારવાને બદલે તે “વાહન મેળો” જોવાનું નક્કી કર્યું હશે. પેલી યુવતી કોઈની સામે જોઇને હસી અને તમેં તેનું હાસ્ય જોઈને તેના પ્રેમમાં ઊંધે કાંધ પડ્યા. તેનું 660 વોટનું હાસ્ય તમારા હૃદયની બધી જ લાઈટો ઉડાડતું ગયું.

તમારા તરફ તેનું ધ્યાન ન હતું એટલે તમેં તેને ઉભા ઉભા નિહાળવા લાગ્યા. તેના શરીર પણ ચામડીની જેમ ચોંટેલા ચામડાના કપડાને કારણે તેના શરીરના લપસણા વળાંકો તમારી નજરને ઠંડક આપી રહ્યા હતા. તમારી નાની બહેન કદાચ તમારા ઇરાદાને સમજી ગઈ હતી. તે દોડીને તે છોકરી પાસે પહોંચી ગઈ. તમારું કામ આસાન થઈ ગયું.

તમેં વગર આમંત્રણે, ઈશાને લેવાના બહાને, તે યુવતી પાસે પહોંચી ગયા. તેનું નામ રોશની હતું. પ્રાથમિક પરિચય પછી તમેં હિંમત કરીને તેને કોફીનું પણ પૂછ્યું. તમારા આશ્ચર્ય વચ્ચે તેણે હા પણ પાડી.આમ, તમેં અને રોશની મળતા ગયા. તમેં તો થોડા સમયમાં પ્રપોઝ પણ કરી દીધું. તેણે તમારી પ્રપોઝલ સ્વીકારીને તમને આંચકો પણ આપ્યો. તમને ત્યારે મનમાં પ્રશ્ન થયેલો કે આ આધુનિક છોકરીએ તમારા જેવા ધાર્મિક અને શિક્ષકની નોકરી કરતા યુવાનમાં શું જોયું ! તમેં ત્યારથી “Opposite attrracts”ના વિજ્ઞાનમાં આવતા નિયમમાં માનવા લાગ્યા. હવે, મુખ્ય પ્રશ્ન તમારા પરિવારનો હતો. અંતે તમે એક દિવસ, રોશની અને તમારા પરિવારની મુલાકાતનો નક્કી કર્યો.

એક અઠવાડિયા પહેલાનો એ દિવસ પણ તમને યાદ આવી ગયો. બધા સામે જ્યારે જીન્સ અને ટી શર્ટમાં સજ્જ રોશની તેના બુલેટ મોટરસાઇકલ પરથી ઉતરી ત્યારે તમારા રૂઢિવાદી પરિવાર પર આભ તૂટી પડ્યું. તમારા દાદી તો કોઈ બીજા ગ્રહનું પ્રાણી જોઈ રહ્યા હોય તેમ રોશની સામે જોઈ રહ્યા.

રોશની બધાને પગે પડીને અંદર આવી ત્યારે તમારામાં રહેલા શિક્ષક જીવે રોશનીને તમારો પરિવાર કેટલા માર્કસ આપે છે તેની મનોમન ગણતરી કરવાની શરૂ કરી. રોશની ડ્રોઈંગરૂમમાં બધા સાથે આવીને બેઠી. તમેં મનમાં રોશનીનો એક માર્કં કાપ્યો. તમારા પિતાને પહેલા તો શું વાત કરવી એ ખબર ન પડી. અંતે તેમણે શરૂઆત કરી.

“બેટા ! તમારો અભ્યાસ કેટલો?” તમારા પિતાએ પૂછ્યું.

“અંકલ, મેં એન્જીનીયરીંગ કર્યું છે.” રોશની બોલી.

તમેં મનમાં એક માર્ક રોશનીના ખાતામાં ઉમેર્યો.

“બેટા, તમારા મમ્મી પપ્પા ન આવ્યા?” તમારા પિતાએ બીજો પ્રશ્ન કર્યો.

“એ તો આવતા હતા પણ મેં જ તેમને કહ્યું કે તમેં મને જોવા માંગો છો એમાં એમનું શું કામ ! એટલે જ બન્ને ન આવ્યા.” રોશની હસીને બોલી.

તમે પેલો ઉમેરેલો માર્ક પાછો કાપી નાખ્યો.

ત્યાં તમારા કાકા આવી પહોંચ્યા. તેઓ પરસેવે રેબઝેબ હતા. તમારા પિતાએ વાત બીજી તરફ વાળવા તેમને પ્રશ્ન કર્યો, “કેમ મોડો પડ્યો?”

“અરે બાઇક બંધ પડી ગયું હતું.” તમારા કાકા બોલ્યા.

“કયું બાઇક છે તમારું?” અચાનક રોશની વચ્ચે બોલી ઉઠી.

“ડિસ્કવર…” તમારા કાકા રોશની સામે આશ્ચર્ય સાથે જોઈ રહ્યા. તેમને આ છોકરી કોણ છે એ ન સમજાયું.

તમેં રોશનીને નહીં બોલવાનો ઈશારો કર્યો પણ તેણે બોલવાનું ચાલુ રાખ્યું.
“અંકલ ! ડિસ્કવર બોગસ બાઇક છે. બે સ્પાર્ક પ્લગ આપ્યા છે પણ બન્ને નકામા. કાર્બોરેટરમાં પણ બહુ કચરો આવી જાય છે.” રોશની બોલી.

આ વાત સાંભળીને તમારા પિતાના ચહેરા પર આવેલા ભાવ જોઈને તમને એવું લાગ્યું કે તમારા પિતાના કાર્બોરેટરમાં(હૃદયમાં) કચરો ન આવી જાય તો સારું. તમેં મનોમન રોશનીના ઘણા માર્કસ કાપી નાખ્યા.

પોતાના પૌત્રની ભાવિ વહુના મોટરસાઈકલો વિશેના જ્ઞાનના આઘાતમાંથી બહાર આવ્યા પછી તમારા દાદીએ રોશનીને પૂછ્યું, “બેટા તમને જમવાનું બનાવતા આવડે છે?”

“હા ! મેગી બનાવતા આવડે ને મને.” રોશની ભોળાભાવે બોલી.

આ છેલ્લો આંચકો હતો. તમેં માર્કસ ગણવાનું જ માંડી વાળ્યું. આશરે અડધી કલાકની એ વિચિત્ર મુલાકાત ખતમ થઈ ત્યારે તમારા ઘરના સભ્યોના ચહેરા શેરબજારમાં પૈસા ગુમાવનાર શેરધારકો જેવા થઈ ગયા હતા. રોશનીના ગયા પછી તમારા પરિવારના સભ્યો ભેગા થયા. તમેં બધાના ચહેરા વાંચી શકતા હતા. તમારે કોઈને તેમનો અભિપ્રાય પૂછવાની જરૂર ન હતી.

“મને રોશની ગમે છે.” તમે કોઈ જ પૂર્વભૂમિકા બાંધ્યા વગર તમારો અડગ નિર્ણય જણાવ્યો. તમારા દાદીએ નિરાશામાં માથું ધુણાવ્યું. તમારા પિતાએ હા પાડી. તમારી નાની બહેન સિવાય બધાના ચહેરા જાણે તમેં કોઈ કડવી દવા પરાણે ગળાવી રહ્યો હોય તેવા થઈ ગયા.પછી તો એક બીજાના ઘરે ફોન થયા. તારીખ નક્કી થઈ અને અંતે તમારા બન્નેની સગાઈનો દિવસ પણ આવી ગયો.

તમેં હજુ પણ તમારા સગાઈના દિવસે રોશનીના સલવાર કમીઝ પહેરેલા સ્વરૂપને પુરા ભક્તિભાવથી જોઈ રહ્યા હતા. તમને તેનું આ સ્વરૂપ લલચાવી રહ્યું હતું. તમારી હાલત મીઠાઈ જોઈને લલચાતા ડાયાબિટીસના દર્દી જેવી હતી. તમારે જલ્દી તેને એકલા મળવું હતું. રોશની થોડી થોડીવારે તમારી સામે ડોળા કાઢી અને તેની સામે જોઈ ન રહેવા ઇશારામાં કહેતી.

ઘરમાં યાંત્રિક રીતે બધી વિધિઓ થઈ રહી હતી. તમે બન્ને જાણે એ બધાથી અલ્પીત હતા. તમે ક્યારેક એકબીજા સામે હસી લેતા, ક્યારેક વાતો પણ કરી લેતા. તમેં ક્યાંક થોડું એકાંત રોશની સાથે મળી રહે તેની તાજવીજમાં હતા.

અંતે જ્યારે ઉપરના માળે બધાના આશીર્વાદ લેવા જવાનું થયું ત્યારે તમને મોકો મળી ગયો. રોશની તમારી આગળ હતી. તમે તેનો દુપટ્ટો પકડ્યો. રોશનીએ તમારી સામે આંખો નચાવી. તેણે પગથિયાં ચઢવાની ઝડપ વધારી, જાણે તમારી સાથે સ્પર્ધામાં ઉતરવા માંગતી ન હોય ! તમેં તેને બરોબર સૌથી છેલ્લા પગથીયે પકડી પાડી. તમેં તેને નજીક ખેંચી તો તેણે તમારી પકડમાંથી છૂટવાનો પ્રયત્ન કર્યો. ઉપરના માળના રૂમનું બારણું પાસે જ હતું. રૂમમાંથી આવતા અવાજો તમને અને રોશનીને સ્પષ્ટ સંભળાઈ રહ્યા હતા.
“આપણો શ્રેય તો ગાંડો થયો છે. તમેં બધા પણ શું તેની પાછળ ગાંડા થયા છો? તમારે તો તેને સમજાવવો જોઈએ ને ! આ અડધા કપડાં પહેરીને ફરતી મિકેનિક જેવી છોકરીને ઘરમાં લાવીને શું તેને ગેરેજ ખોલવું છે !” એ અવાજ તમારા દાદીનો હતો.

તમેં ત્યાં જ ઉભા રહી ગયા. તમારી રોશનીના હાથ પરની પકડ છૂટી ગઈ. રોશનીના ચહેરા પરથી હાસ્ય બાષ્પીભવન થઈ ગયું.

“પાછી વટથી કહે છે કે મેગી બનાવતા આવડે છે ને !” એ અવાજ તમારા મમ્મીનો હતો.

જવાબમાં બધાના ખડખડાટ હસવાના અવાજો આવ્યા.

તમેં રોશની સામે જોયું. તેના ચહેરા પર ગુસ્સાનો ભાવ એક ક્ષણ માટે આવ્યો અને ચાલ્યો ગયો. તેની આંખોના ખૂણામાં એક મોતી જેવું આંસુ પણ ડોકાયું પણ એ સ્થિર ઉભી રહી. તમને તેની માફી માંગવાની ઈચ્છા થઈ આવી. તમારા પરીવાર પર તમને ધૃણા ઉપજી. તમેં રોશનીનું વધુ અપમાન થાય તેમ નહોતાં ઇચ્છતા માટે ઝડપથી રૂમમાં પ્રવેશ્યા.

તમારા પરિવારજનો બહુ સારા અદાકારો નીકળ્યા. તેમણે રોશનીને સાચા હૃદયથી આશીર્વાદ દેવાનું નાટક સારી રીતે ભજવ્યું. રોશનીએ ચુપચાપ બધું જ કર્યું. તેનું વર્તન યંત્રવત બની ગયું હોય તેમ તમને લાગ્યું. થોડીવાર પહેલા તમારી સામે આંખો નચાવતી અને તમારા હૃદય પર રાજ કરનારું હાસ્ય રેલાવતી રોશની જાણે ક્યાંક ખોવાઈ ગઈ !
તમેં હવે રોશનીને તમારાથી અળગી કરવા નહોતા માંગતા એટલે રોશનીને ઘરે મુકવા જવાની તક તમેં ઝડપી લીધી. ગાડીમાં પણ રોશની ચૂપચાપ બેસી રહી. તમને તેની સાથે વાત કરવાની અદમ્ય ઇચ્છા થઈ આવી પણ તમેં તેને દુઃખ પહોંચે એવું કશું જ કહેવા નહોતાં માંગતા.

જ્યારે રોશનીનું ઘર આવ્યું ત્યારે તમેં ગાડી ઉભી રાખી. ગાડી માંથી ઉતરવા જતી રોશનીનો તમેં હાથ પકડ્યો. એ તમારો ઇશારો સમજીને બેઠી રહી.

“મારા પરીવારજનોએ તારું જે અપમાન કર્યું એ માટે સોરી.” તમેં તેનો હાથ પકડીને બોલ્યા.

“એ માટે તારે સોરી ન કહેવાનું હોય ! તને ખબર છે હું નાનપણથી જ બધાથી અલગ છું. તું મને પૂછતો હતોને કે મેં તારામાં શું જોયું? તો ચાલ હું તને કહું. તું પણ બીજાથી અલગ છે. તું મને ક્યારેય જજ નથી કરતો. મને હંમેશા તારી આંખોમાં મારા માટે પ્રેમ જ દેખાયો છે. તે મને ક્યારેય બીજા લોકોની જેમ મારા અલગ વ્યક્તિત્વનો ન્યાય તોળતી નજરે નથી જોઈ ! જ્યાં સુધી તું મને પ્રેમ કરે છે ત્યાં સુધી દુનિયા જાય ભાડમાં.” એ સડસડાટ બોલી ગઈ.

જવાબમાં તમેં હસ્યાં.

“અને હા મને પ્રેમ કરતો હોય તો જમવાનું બનાવવાનું શીખી લેજે નહીંતર આખી જિંદગી મેગી ખાવાનો વારો આવશે. ગેરેજના પૈસા પણ ભેગા કરી લેજે. આપણે મસ્ત ગેરેજ બનાવશું.” એ બોલી અને તમારી ગાડીમાંથી ઉતરી ગઈ.

તમેં તેને જતી જોઈ રહ્યા. તે પાછળ ફરીને હસી અને ફરી તમારા હૃદયમાં લાઈટ ચાલી ગઈ.

(સમાપ્ત)

લેખક : નરેન્દ્ર રાણા

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom & fb.com/gujaratijokes

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment