દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે – આ મૂવીની આવી રસપ્રદ વાતો તમે ક્યાય નહિ વાંચી હોય…

58
story-dil-vale-dulhaniya-le-jayenge

વર્ષો થયાં આપણાં દિલની નજીક – દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે.

યાદ છે હિન્દી સિનેમાની એ ઐતિહાસિક તારીખ? ૨૦મી ઓક્ટોબર, ૧૯૯૫. આ તારીખ હતી હિન્દી સિનેમાની હિટ ફિલ્મોની યાદીમાં સૂવર્ણ અક્ષરે જે ફિલ્મનું નામ લખવું પડે તેની રિલીઝની. અને તે ફિલ્મ હતી ‘દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે.’ યશરાજ ફિલમ્સની એક એવી યાદગાર ફિલ્મ જે ફિલ્મ વિશે અનેક સુનહરી યાદો છે, અનેક વાગોળવા લાયક માઈલસ્ટોન કહાની છે. યશરાજ ફિલમ્સના માલિક અને જબરદસ્ત ટેલેન્ટેડ એવા રોમેન્ટીક ફિલ્મોના બેતાજ દિગ્દર્શક યશ ચોપરાજીએ આ ફિલ્મ વિશે વાત કરતાં ક્યારેક કહ્યું હતું. ‘જ્યારે જ્યારે ડીડીએલજે જોઉં છું ત્યારે મને સાહીર લુધિયાનવીએ ફિલ્મ કભી કભી માટે લખેલો એક શેર મને યાદ આવે છે, અને તે શેર હું મારી પત્નીને કહેતો હોઉં છું, “તુજ કો મુજ કો જીવન અમૃત અબ ઈન હાથો સે પીના હૈ, ઈનકી ધડકન મેં બસના હૈ, ઈનકી સાંસો મેં જીના હૈ. તુ અપની અદાએ બક્ષ ઈન્હે મેં અપની વફાએ દેતા હું, અપને લીએ જો સોચી થી કભી, વો સારી દૂઆએ દેતા હું.” યશ ચોપરા સાહેબની આ ફિલ્મને આજે લગભગ ૨૩ વર્ષ થયાં અને છતાં આજે પણ મુંબઈના મરાઠા મંદિર થીએટરમાં તે ફિલ્મ પ્રદર્શિત થાય છે. સ્વાભાવિક રીતે જ હિન્દી સિનેમા જગતની કોઈપણ ફિલ્મ આ ફિલ્મ જેટલી ચાલી નથી, ટકી નથી અને જોવાઈ પણ નથી.
તો સૌથી પહેલાં વાત કરીએ ડીડીએલજેના હીરો એટલે કે શાહરૂખખાનના સિલેક્શનની. યશ ચોપરા એક દિવસ સવારે તેના દીકરા આદિત્ય ચોપરાને કહી રહ્યા છે કે, આવતીકાલે આપણે શાહરૂખને સ્ક્રીપ્ટનું નરેશન આપવા જઈ રહ્યા છીએ. શાહરૂખને જ્યારે યશજી દ્વારા આ સ્ક્રીપ્ટનું નરેશન આપવામાં આવ્યું ત્યારે સેશન પૂર્ણ થયા બાદ શાહરૂખના મોઢા પર કોઈ ખાસ રીએક્શન્સ જોવા નહોતાં મળ્યા. આથી આદિત્યને લાગ્યું હતું કે શાહરૂખને સ્ક્રીપ્ટ કંઈ ખાસ પસંદ આવી હોય તેવું લાગતું નથી. યશજીએ જ્યારે શાહરૂખને પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે, હા, સારી સ્ક્રીપ્ટ છે. પણ સિમ્પલ લવ સ્ટોરી છે. અને તમે મારી પાસે બસ આવી એક સિમ્પલ લવ સ્ટોરી જ કરાવવા માગો છો? અને તે સમયે શાહરૂખ ફિલ્મોમાં રોમેન્ટીક રોલ કરવા માગતા નહોતાં. કારણ કે શાહરૂખ જ્યારે ફિલ્મોમાં પ્રવેશ્યા ત્યારે તેની ઉંમર ૨૬ વર્ષની હતી અને તેનું માનવું હતું કે એક કોલેજ ઉંમરના યુવાનની લવ સ્ટોરી દેખાડવા માટે તે હીરો પણ યુવાન હોવો જરૂરી છે, તે હેન્ડસમ લાગતો અને ફાંકડો દેખાવ ધરાવતો જરૂરી છે. અને તેને નહોતુ લાગતું કે આ બધું તેનામાં છે.
શાહરૂખ ચાહતો હતો કે તે એક્શન ફિલ્મો કરે, તેની ફિલ્મોમાં ફાઈટ સીકવન્સ હોય. આજે પણ ઘણીવાર શાહરૂખ મજાકના મૂડમાં કહે છે કે ડીડીએલજેમાં એન્ડમાં મેં જે થોડું લોહી વહાવ્યુ હતું ને તેને કારણે ફિલ્મ હિટ થઈ હતી. અને સાચે જ ફિલ્મના ક્લાઈમેક્સમાં જે એક્શન સીકવન્સ છે તે શૂટ કરાવવા માટે દિગ્દર્શક યશજીને મનાવી લેવામાં શાહરૂખનો ઘણો મોટો હાથ હતો. કારણ કે યશજી કે આદિત્યને ફિલ્મમાં મારધાડ ગમતી નહોતી. આથી જ જ્યારે આ ક્લાઈમેક્સનો સીન શૂટ કરવામાં આવ્યો હતો ત્યારે યશજીએ કહ્યું હતું કે, ‘હું નહાર બેઠો છું, એક કલાકમાં આ સીનનું શૂટિંગ ખત્મ કરી લો!’ આ ફિલ્મને યાદ કરતાં કરણ જોહર કહે છે કે, વાસ્તવમાં તે સમયે શાહરૂખને રોમેન્ટીક લવસ્ટોરીઝ ગમતી જ નહોતી. તેને એક્શન ફિલ્મો, થ્રીલર ફિલ્મો ગમતી હતી. અને આથી જ તેની આ રોમેન્ટીક ફિલ્મ કરવાની ખાસ મરજી પણ નહોતી. એટલુ જ નહીં તેણે આથી જ જીદ્દ કરીને ફિલ્મના અંતમાં એક્શન સીન્સ ઉમેરવા માટે કહ્યું હતું અને રિત્તસર જીદ્દ પકડી હતી. અને ડીડીએલજે, જે ફિલ્મ કરતીવેળા પણ શાહરૂખ પૂર્ણ રીતે કન્વીન્સ નહોતો કે આ ફિલ્મ તેણે કરવી જોઈએ તેના શૂટિંગ દરમિયાન એક દિવસ યશજીએ તેને કહ્યું હતું કે, જો તું ખરેખર એક મોટો સ્ટાર બનવા માગે છે તો તારે લવસ્ટોરી કરવી જ રહી. લવસ્ટોરી કર્યા વિના તું એક બીગસ્ટાર નહીં બની શકે. ત્યારે તો શાહરૂખે દલીલ કરી કે ના ના યશજી એવું થોડું હોય છે. તમારી આ વાત માટે સાથે હું સહમત નથી. પરંતુ એ જ ડીડીએલજે જ્યારે પૂર્ણ થઈ અને આખીય ફિલ્મનું ડબીંગ પૂર્ણ કરી જ્યારે શાહરૂખ યશ ચોપરાની ઘરે ગયો ત્યારે તેણે યશજીને કહ્યું હતું કે ફિલ્મ મારા માટે “દિવાર” સાબિત થવાની છે, આ ફિલ્મ મને સ્ટાર બનાવી દેશે.
આ ફિલ્મના શૂટિંગ દરમિયાનની એક કહાની જે કદાચ આજ સુધી કોઈને ખબર નથી. બન્યું હતું એવું કે શાહરૂખ સાથે યશજીએ જ્યારે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું ત્યારે શરૂઆતના દિવસોમાં જ શાહરૂખના ઘરેથી ખબર આવ્યા કે તેની બહેનની તબિયત ખૂબ નાજૂક છે અને તે ધાર્યા જેટલી રિકવરી નથી દેખાડી રહી. આ સમાચાર સાંભળીને શાહરૂખ તે દિવસોમાં ડીપ્રેસ થઈ ગયો હતો. તેને એક તરફ પોતાની બહેનની ચીંતા સતાવી રહી હતી અને બીજી તરફ ફિલ્મનું શૂટિંગ પણ ચાલી રહ્યું હતું. અને બન્યું એવું કે શૂટિંગ લંડનમાં શરૂ થયું અને ટૂંક સમયમાં જ ડીડીએલજેના યુનિટ સાથે શાહરૂખની બહેન પણ તે શૂટ જોવા માટે આવી અને તેમની સાથે રહેવા માંડી. અને તુરંત જ બધાએ જોયું કે તેની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. આ એક કારણથી શાહરૂખના દિલને ઘણી રાહત થઈ અને તે ફરી શૂટિંગમાં નવા જોમ સાથે જોડાયો.
તમને યાદ છે ડીડીએલજેનું પેલું એક મસ્તાનુ ગીત, ‘રુક જા ઓ દિલ દિવાને…’ હવે બન્યું હતું એવું કે આદિત્ય ચોપરા અને શાહરૂખ બંને ચાહતા હતાં કે, આ ફિલ્મના બધાં જ ગીતો ફરાહખાન કોરિયોગ્રાફ કરે પરંતુ, ફરાહના કેટલાંક કમીટમેન્ટ્સ ચાલી રહ્યા હોય તે આઉટડોર શૂટિંગ માટે સ્વીટ્ઝરલેન્ડ નહોતી જઈ શકી. પરંતુ, ત્યારબાદ આદિત્ય અને યશજીએ નક્કી કર્યું કે, આ એક ગીતનું શૂટિંગ આપણે મુંબઈ જઈને ત્યાં સેટ બનાવીને કરશું. અને મુંબઈમાં ફરાહ પણ આ ગીત કોરિયોગ્રાફ કરી શકે તેમ હતું. હવે આદિત્ય ચાહતા હતાં કે આ ગીત એક એવું ગીત બને કે જેમાં તે સમયના શમ્મી કપૂરના ગીતવાળી ઝલક દેખાઈ. આથી, ગીત જબરદસ્ત એનર્જીવાળુ અને ધમાલીયું હોવું જોઈએ. હવે જ્યારે આ ગીત મુંબઈમાં શૂટ થઈ રહ્યું હતું ત્યારે શાહરૂખ બે-બે શીફ્ટમાં કામ કરી રહ્યો હતો. એક તરફ ડીડીએલજે અને બીજી તરફ ત્રિમૂર્તી. આથી બનતું એવું કે શાહરૂખ બપોરે બે વાગ્યે આ ગીતનું શૂટ પૂર્ણ કરી ત્રિમૂર્તીના શૂટિંગ પર પહોંચી જતો અને ફરી વહેલી સવારે તે ડીડીએલજેના આ ગીતના શૂટ માટે આવી જતો. આ રીતે બે શીફ્ટમાં બે અલગ-અલગ ફિલ્મોના શૂટિંગ સાથે ચાર દિવસના અંતે આ એક ગીતનું શૂટ પૂર્ણ થયું. અચ્છા આ ગીતની એક બીજી પણ ખટમધુરી યાદ છે. આ ગીતની કેટલીક મીઠી ક્ષણો યાદ આવે છે તમને? ગીતના અંતમાં કંઈક એવું બને છે કે શાહરૂખે પોતાની બાહોં કાજોલને પકડી હોય છે અને તે ગીત પૂર્ણ થતાં અચાનક તેને છોડી દે છે. અને રાજના આઈ મીન શાહરૂખના આવા વર્તનથી કાજોલ હક્કીબક્કી રહી જાય છે. તમને ખબર છે શાહરૂખ કાજોલ સાથે કંઇક આવું કરશે તેમ સાચે જ તેને જણાવવામાં નહોતું આવ્યું અને ગીત પૂર્ણ થતાં બધા જ્યારે તાળીઓ પાડે છે ત્યારે શાહરૂખ તેને સાચે જ આમ પડતી મૂકીને ચાલવા માંડે છે. શાહરૂખનું આવુ અણધાર્યું વર્તન જોઈ કાજોલને સાચે જ આંચકો લાગ્યો હતો અને તેથી જ તેના એક્સપ્રેશન્સ આવે છે તે સાવ રિઆલિસ્ટીક છે. કાજોલને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે આ એક વેલપ્લાન્ડ ગેમ હશે અને શાહરૂખ તેની સાથે આમ કરવા જઈ રહ્યો છે.
આટલી સુંદર અને સિનેમાઘરોમાં હજીય આટલા લાંબા સમય સુધી ટકી રહેલી ફિલ્મની વાતો આપણે આમ એક જ એપિસોડમાં કઈ રીતે પૂર્ણ કરી શકીએ? આવતા સપ્તાહે દિલવાલે દુલ્હનીયા લે જાયેંગેની બીજી કેટલીક ખટમધુરી, અજાણી વાતો પરથી પડદો હટાવીશું.

લેખક : આશુતોષ દેસાઈ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment