8 હજાર લોન લઇ ચાલુ કરેલ ધંધો, આજે 500 કરોડમાં પરિવર્તિત કરનાર મીના બિન્દ્રા ને ઓળખો છો ?

9

વાત લગભગ આજથી 33 વર્ષ પહેલાની છે. બે સંતાનોની માતા જ્યારે ઘરના રોજિંદા કામમાંથી મુક્ત થઈ જતી ત્યારે તેમની પાસે બીજું કોઈ કામ રહેતું નહીં. આ ખાલીપાએ તેમને સમયનો સદુપયોગ કરવાની પ્રેરણા આપી. તેમણે શરૂઆત કરી મહિલાઓ માટે રેડીમેડ કપડાં બનાવીને વેચવાની. તેમણે કેળવેલો આ શોખ આજે કરોડોના બિઝનેસમાં પરિવર્તિત થઈ ગયો છે. નવરાશના સમયમાં વ્યવસાય કરવાની મક્કમતાએ તેમને બેંક પાસેથી લોન લેવા તત્પર કર્યા. તે સમયે તેમણે બેંક પાસેથી માત્ર આઠ હજારની રૂપિયાની લોન લઈને બિઝનેસ શરૂ કર્યો હતો જે આજે આંતરરાષ્ટ્રીય સ્તરે સફળ બ્રાન્ડ તરીકે વખણાય છે.

અહીં વાત થઈ રહી છે મહિલાઓના કપડાંની જાણીતી બ્રાન્ડ ‘બીબા’ અને તેના સ્થાપક મીના બિન્દ્રાની. મીનાનો જન્મ વ્યાવસાયિક પરિવારમાં જ થયો હતો. કરમની કઠણાઈ કહો પણ તેઓ માત્ર નવ વર્ષના હતા ત્યારે તેઓ પિતાની છત્રછાયા ગુમાવી બેઠા હતા. મીનાએ દિલ્હી યુનિવર્સિટી સાથે જોડાયેલી મિરાંડા હાઉસ કોલેજમાંથી ઈતિહાસના વિષયમાં સ્નાતકની પદવી લીધી હતી. 19 વર્ષની ઉંમરે જ તેમના લગ્ન એક નેવી ઓફિસર સાથે કરાવી દેવાયા હતા.

લગ્ન કર્યાના 20 વર્ષ સુધી તો મીના રોજિંદા કામમાં જ વ્યસ્ત રહેતા હતા. જેમ જેમ સંતાનો મોટા થતા ગયા અને તેમની રીતે જીવવા સજ્જ થઈ ગયા તેમ તેમ મીના પાસે ફુરસતનો સમય વધવા લાગ્યો. મીના જણાવે છે કે, તેઓ પોતે અભ્યાસ કરતા હતા તે સમયથી જ તેમને કપડાં અને ખાસ કરીને ડિઝાઈનર ડ્રેસમાં વધારે રસ હતો. તેમને રંગો અને પ્રિન્ટ અંગેની અનૌપચારિક માહિતી હતી પણ તેમણે ક્યારેય આ ક્ષેત્રમાં પ્રોફેશનલ ટ્રેઈનિંગ લીધી નહોતી.

મીના વધુમાં જણાવે છે, “આ દરમિયાન મારી મુલાકાત દેવેશ સાથે થઈ. મેં દરરોજ દેવેશની ફેક્ટરી જવાનું શરૂ કરી દીધું. દેવેશની ફેક્ટરીમાં થતા કપડાંના પ્રિન્ટિંગ, કલર કોમ્બિનેશન અને ડિઝાઈન વગેરેની બારીકાઈથી માહિતી મેળવવાનું શરૂ કરી દીધું. આ અંગે મહારત હાંસલ કર્યા બાદ મેં મારા પતિને જણાવ્યું કે મારે રેડીમેડનો વ્યવસાય શરૂ કરવો છે. તેમણે મને સિન્ડિકેટ બેંકમાંથી આઠ હજાર રૂપિયાની લોન અપાવી દીધી. બેંક પાસેથી મળેલી સહાયની મદદથી મેં 200થી પણ ઓછી કિંમતના 40 ડ્રેસ તૈયાર કરાવ્યા અને મારા ઘરમાં જ તેનું વેચાણ શરૂ કરી દીધું. મહિલાઓ જાણતી હતી કે તેમને ડ્રેસ પસંદ નહીં આવે તો તેઓ પરત કરી શકે છે અને આ જ વિશ્વાસે મારું તમામ કલેક્શન વેચાઈ ગયું. આ દરમિયાન મને ત્રણ હજાર રૂપિયાનો નફો પણ થયો. નફાની જે રકમ હતી તેમાંથી હું બીજા કાપડ લઈ આવી અને ડ્રેસ તૈયાર કરાવ્યા. આ ડ્રેસ પણ ઝડપથી વેચાઈ ગયા. લગભગ એક વર્ષમાં તો મારા બનાવેલા કપડાં આસપાસના વિસ્તારોમાં પણ પ્રખ્યાત થવા લાગ્યા. મને વધારે ને વધારે ઓર્ડર મળવા લાગ્યા. ઓર્ડર પૂરા કરવા મેં વધારાના ત્રણ કારીગર પણ રાખ્યા. આ દરમિયાન શીતલ અને બેન્ઝર જેવા કેટલાક જથ્થાબંધ વેપારીઓએ પણ મારા ડિઝાઈનર કપડાંમાં રસ દાખવવાનું શરૂ કરી દીધું.”

ધીમે ધીમે કામ અને નામ વધતા ગયા. ઓર્ડર વધવાની સાથે બિલની ડિમાન્ડ થવા લાગી. બિલબૂક બનાવવા માટે કંપનીનું નામ આપવું પડે તેમ હતું. પંજાબમાં છોકરીઓને પ્રેમથી ‘બીબા’ કહીને બોલાવે છે અને મેં પણ આ જ નામ પસંદ કર્યું જે થોડા જ સમયમાં રેડીમેડ ઈન્ડસ્ટ્રીમાં બ્રાન્ડ તરીકે સ્થાપિત થઈ ગયું.

“મારે ક્યારેય મારી બ્રાન્ડની જાહેરાત કરવી નથી પડી. મને એમ લાગે છે કે મેં એવા સમયમાં વ્યવસાય શરૂ કર્યો હતો જ્યારે માર્કેટમાં રેડીમેડ કપડાં ખરીદનાર વર્ગની શરૂઆત થઈ હતી. મારી બ્રાન્ડની સિલાઈ અને ફિટિંગ એટલા સારા હતા કે લોકોને તેની આદત પડતી ગઈ. થોડા સમયમાં તો મારા ઘરમાં બનાવેલું બુટિક નાનું પડવા લાગ્યું અને કેમ્પ કોર્નર વિસ્તારમાં એક વિશાળ જગ્યા લઈ બધું ત્યાં ખસેડી દીધું.”

આ દરમિયાન મીના બિન્દ્રાના મોટા પુત્ર સંજયે બી.કોમનો અભ્યાસ પૂરો કર્યો અને તેમની સાથે વ્યવસાયમાં જોડાઈ ગયો. થોડા જ સમયમાં માતા-પુત્રની જોડીએ બતાવી દીધું કે એક અને એક અગિયાર કરી શકાય છે.

મીના જણાવે છે, “સંજય મારા વ્યવસાયમાં જોડાયો તેથી મારી જવાબદારીઓ પણ ઓછી થવા લાગી. મેં માત્ર ડિઝાઈન પર ધ્યાન કેન્દ્રીત કર્યું અને બાકીની કામગીરી સંજયને સોંપી દીધી. 1993 સુધીમાં તો અમે મહિલાઓના ટ્રેડિશનલ આઉટફિટના માર્કેટમાં સૌથી મોટા જથ્થાબંધ વેપારી બની ગયા. અમે દર મહિને 2,000 ડ્રેસ તૈયાર કરીને વેચતા હતા.”

90ના દાયકામાં જ શોપર્સસ્ટોપે માર્કેટમાં પગપેસારો કર્યો. તેણે દેશમાં પહેલો મલ્ટિસિટી ડિપાર્ટમેન્ટલ સ્ટોર શરૂ કર્યો. તે લોકોને પણ મહિલાઓના ટ્રેડિશનલ ડ્રેસની જરૂર હતી અને તેથી તેમણે બીબાનો સંપર્ક સાધ્યો. શોપર્સસ્ટોપ સાથે કામ કરતી વખતે પણ મેં સસ્તામાં ગુણવત્તાસભર માલ આપવાની તથા સમયસર માલની ડિલિવરી કરવાની નીતિ છોડી નહીં અને કદાચ તેના કારણે જ મારી સફળતામાં વધારો થતો ગયો.

2002માં મીનાના નાના પુત્ર સિદ્ધાર્થે હાર્વર્ડમાંથી ગ્રેજ્યુએશન કર્યું અને તે પણ તેમના જ વ્યવસાયમાં જોડાયો. ત્યારપછી તેમની બ્રાન્ડ સમગ્ર દેશમાં જાણીતી થઈ ગઈ. સિદ્ધાર્થ પહેલેથી જ પોતાની બ્રાન્ડના શોરૂમ શરૂ કરવાની તરફેણમાં હતો. તેના સતત દબાણના કારણે 2004માં મુંબઈમાં બીબાના બે શોરૂમ્સ શરૂ કરાયા. તેના પરિણામ ખરેખર આશ્ચર્યજનક રહ્યાં. બંને આઉટલેટને ભારે સફળતા મળી અને જોતજોતામાં તેમની માસિક આવક રૂ.20 લાખને વટાવી ગઈ.

“ત્યારપછી અમે અમારી વ્યાવસાયિક નીતિઓમાં થોડો ફેરફાર કર્યો અને જ્યાં પણ સારો મૉલ શરૂ થાય તેમાં અમારા આઉટલેટસ શરૂ કરી દીધા. અત્યારે દેશભરમાં અમારા 90થી વધુ આઉટલેટસ છે અને અમારું વાર્ષિક ટનઓવર 500 કરોડને પાર કરી ગયું છે.”

આ રીતે દ્રઢ સંકલ્પ અને મહેનતના જોરે એક મહિલાએ માત્ર સમય પસાર કરવા શરૂ કરેલા વ્યવસાયને ગ્લોબલ બ્રાન્ડ બનાવી દીધી. મીના બિન્દ્રા એ વાતનું જીવતું જાગતું ઉદાહરણ છે કે દરેક સ્ત્રીમાં કોઈને કોઈ ક્ષમતા હોય છે, જરૂર છે માત્ર તેણે પોતાના વિચારો બદલવાની અને આત્મવિશ્વાસ કેળવવાની.

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment